22 Single - 17 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ- ૧૭

વરસાદની મૌસમ હતી. હર્ષે અક્ષતને ફોન કર્યો. અક્ષતએ ફોન કટ કર્યો. હર્ષે અનુને ફોન કર્યો. અનુએ ફોન રિસીવ ના કર્યો. રજાના દિવસે આખો દિવસ ઘરે બેસી રહેવાનો હર્ષને બહુ જ કંટાળો આવતો. વળી બહાર પાછો વરસાદ પણ એટલો છે કે બહાર નીકળવાની ઈચ્છા જ ના થાય. પાછું છેલ્લા બે દિવસમાં જોબ પર વરસાદ માં બે વાર પલળો તો બીમાર પડી જશે એવું હર્ષને લાગ્યા કરતું હતું એટલે ચાલુ વરસાદે ઘર ની બહાર નહિ નીકળવાનું નક્કી કર્યું. હવે જયારે રૂમમાં એકલો એકલો કંટાળો આવે છે ત્યારે અક્ષત અને અનુ ફોન નથી ઉચકતા.

બપોરના ત્રણ વાગતા સુધીમાં તો ઘડીયાળ સામે જોઇને હર્ષ થાકી ગયો. એણે કંટાળીને ફરી અક્ષતને ફોન કર્યો. અક્ષતે ફરી કટ કર્યો. અકળાઈને એણે કોલેજના કેટલા બધા મિત્રોને ‘હાય’ નો મેસેજ કરી દીધો પણ રવિવારની બપોરે, અડધા અઘોરી ની જેમ સુતા હોય અથવા જોબ પર હોય એટલે લગભગ કોઈએ રીપ્લાય ના કર્યો. જે કોઈકે મેસેજ વાંચ્યો એમણે ઇગ્નોર કર્યો. આમ પણ હર્ષના કોલેજમાં બહુ મિત્રો હતા જ નહિ, જે હતા એ આ અનુ-અક્ષત જ.

છેલ્લે સાંજે ૬ વાગ્યે અક્ષતનો હર્ષ પર ફોન આવ્યો.

અક્ષત : “શું છે લા હર્ષ્યા? વારે વારે કેમ ફોન કરે છે?”

હર્ષ : “કેમ ના થાય ? તું ઉઠાવે ના તો કરવો જ પડે ને!! તમે તો ભાઈ.....”

અક્ષત : “એએએ, કામ બોલ ને.”

હર્ષ : “બસ એમ જ ફોન કર્યો. કઈ કામ નહોતું. બોલ શું કરે છે?”

અક્ષત : “એ ભાઈ આવા બૈરી જેવા સવાલ ના પૂછ. અહિયાં એકના આવા સાડી-સત્તર સવાલોના જવાબ આપતા થાકું છું ત્યાં તું ફરી આવા સવાલો ના પૂછ.”

હર્ષ : “ઓહો, આવા સવાલ બીજુ કોણ પૂછે છે?”

અક્ષત : “છે કોઈક.”

હર્ષ : “અરે વાહ, અનુ સિવાય બીજી પણ કોઈક. યાર તારા જેવા ને છોકરી મળી ક્યાંથી જાય છે. ખરેખર આજકાલ છોકરીઓની પસંદ બગડી ગઈ છે.”

અક્ષત : “એ તો જે છોકરી તને પસંદ કરશે ને હું એને કહીશ, બરાબર છે??!!!!!”

હર્ષ : “કહે તો ખરો, કોણ છે?”

અક્ષત : “જા ને યાર, અમને બંને ને લડાવવાની કોશિશ ના કર. તું નારદમુની જ છે. અહીની વાત ત્યાં અને ત્યાની અહિયાં. હું કશું ય મઝાકમાં બોલું એને મીઠું-મમરું ભભરાવીને તું અનુ ને કહેશે અને પછી ....”

હર્ષ : “પછી ?”અક્ષત : “છોકરી ને કોઈ દિવસ સમજાવી છે ખરી તે? પ્રયત્ન કરી જોજે. એના કરતા તો હિમાલય પર જઈને ભગવાનને રીઝવવા સહેલું છે. સાલું, ભગવાન માની જાય તો એકાદ વરદાન તો આપે. અહિયાં તો પહેલા મનાવવા માટે લાખ નખરા સહન કરવાના, ખર્ચો કરવાનો અને માની ગયા પછી વગરકામ નું સોરી બોલવાનું અને પછી ફરી ખર્ચા કરવાના.”

હર્ષ : “જા દોસ્ત, છોકરી એટલે તો ગુલાબ નું ફૂલ. એને સાચવતા આવડવું જોઈએ.”

અક્ષત : “એવું? તને તો પાછો બહુ અનુભવ નહી? સાચવી તો લેવાય પણ જ્યાં તારા જેવા “નારદમુની” હોય ત્યાં મારે “શંકર” બનવું પડે તો જ કઈ મેળ પડે.”

હરસ : “હા, અત્યારે તો અનુભવ નથી પણ જે આવશે ને એ તને કહેશે કે હર્ષ જેવું બીજું કોઈ નહી.”

અક્ષત : “સારું, એ બધું છોડ. કેમ ફોન કર્યો એ કહે.!”

હર્ષ : “બસ એમ જ. મને કંટાળો આવતો હતો એટલે કર્યો.”

અક્ષત : “તને કંટાળો આવતો હોય તો અમને શું કામ ફોન કરે છે?”

હર્ષ : “તો, અનુ ને કરું?”

અક્ષત “ના, બિલકુલ નહી. મારી ગર્લફ્રેન્ડ સાથે મારા કરતા તો સાલા તું વધારે વાત કરે છે.”

હર્ષ : “ના, હું તો કરીશ જ.”

અક્ષત : “જોઇ લે, જાડ્યા. તારી જાત ના બતાવ. તને કંટાળો આવતો હોય તો એ તારો પ્રોબ્લેમ છે. એનું સોલ્યુશન શોધ. અમારાથી દુર અને રૂમમાં એકલું રહેવાનું અમે તને નથી કહ્યું.”

હર્ષ : “હા પણ.....”

અક્ષત : “હજી વાત પૂરી નથી થઇ મારી!!!”

હર્ષ : “હા ભાઈ બોલી લે.”અક્ષત : “કોઈક છોકરી શોધી લે. નહિ તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર છોકરીના નામ નું ફેક એકાઉન્ટ બનાવી લે અને છોકરાઓ સાથે ચેટ કર. પણ મને હેરાન ના કર. શું સમજ્યો?

હર્ષ : “કે તને હેરાન ના કરું.”

અક્ષત : “સરસ, હવે દરરોજ ફોન ના આવવા જોઈએ. જીવવા દે શાંતિ થી. લોડ ના આપ.”

(ફોન કટ)

હર્ષનું મોઢું પડી ગયું. ત્યાં અક્ષતનો ફરી ફોન આવ્યો. હર્ષને એમ કે સોરી કહેવા માટે હશે પણ...

અક્ષત : “સાંભળ, આ વાત આપણા બે વચ્ચે ની જ છે. જો અનુ વચ્ચે ના આવવી જોઈએ, નહિ તો....!!!!”

હર્ષને અક્ષતની વાતનું લાગી આવ્યું. પોતે ક્યાં એને હેરાન જ કરે છે. માત્ર એક ફોન જ તો કરે છે. વર્ષથી એકબીજાના ચડી-બડ્ડી મિત્રો રહ્યા હોય તો આટલું તો વ્યાજબી છે. હર્ષનો આખો મૂડ ખરાબ થઈ ગયો. રવિવારની સાંજ ધોવાઇ ગઈ. કોઈ છોકરી ના પડે ત્યારે જેટલું દુખ થાય એના કરતા વધારે દુખી જયારે મિત્ર વાત ના કરે ત્યારે લાગે. વર્ષો થી એકબીજા ને ઓળખતા હતા, એકબીજા ની નાનમાં નાની ચીજવસ્તુઓ ની પણ ખબર હતી. કયા કલર ની અને કઈ બ્રાંડ- સાઈઝ ની અન્ડરવેયર પહેરી હશે એ પણ ખબર હોય. પણ બધી વસ્તુઓનો એક સમય હોય છે.

હર્ષે અનુને કહેવાનું વિચાર્યું. પણ બાજી વધારે બગડે એના કરતા જે છે એ ચલવા દેવાનું મુનસીબ માન્યું. બીજા બે દિવસ નીકળી ગયા. હર્ષે ના તો અક્ષત ને ફોન કર્યો, ના અનુ ને. ત્રીજા દિવસે અનુ નો સામેથી ફોન આવ્યો.

અનુ : “હર્ષયા, ગેંડા જીવે છે કે લુપ્ત થઇ ગયો?”

હર્ષ : “લુપ્ત થવાની અણી પર જ છું.”

અનુ : “એવું? બોલ કયા પ્રાણીઓ ની હોસ્પિટલ માં પડ્યો છે? હમણાં પ્રિન્સી ને લઈને આવ અને તને દોડતો લઈ જાવ.”

હર્ષ : “ના રહેવા દે. ચાલશે.”

અનુ : “કેમ ભાઈ, બે દિવસ થી તું હેરાન નથી કરતો? તું પણ બહુ વ્યસ્ત છે?”

હર્ષ : “કેમ? અક્ષત ક્યાં મરી ગયો?”

અનુ : “છોડ ને, એની પાસે હમણાં ટાઇમ જ નથી વાત કરવા. નવરો પડશે એટલે સામે થી જ ફોન કરશે. હું તો થાકી એને ફોન કરીને. તારી કોઈ વાત થઇ કે નહિ?”

હર્ષ : “ના મારી પણ કઈ વાત નથી.”

અનુ : “પણ તું કેમ 2 દિવસથી ફોન નથી કરતો? સાચું બોલ, હમણાં કઈ છોકરી માટે મૌન વ્રત રાખવાનું શરુ કર્યું?”

હર્ષ : “કોઈ માટે નહિ.”

અનુ : “પેલા છેલ્લા બાબા એ કઈ કીધેલું એનું શું થયું?”

હર્ષ : “એ તો નકામો હતો. એવું કહે કે તું આખી જીન્દગી કુંવારો જ રેહશે. એટલે પછી એને પડતો મુક્યો.”

અનુ : “હાહાહા. શું મસ્ત બાબા ઓ ન ચક્કર માં તું પડ્યો છે.”

હર્ષ : “રહેવા દે ને અનુ. ના કહેવાનું બહુ બધું થયું છે.”

અનુ : “હા એ તો મને ખબર પડી. તારા અને અક્ષત વચ્ચે જે થયું એ.”

હર્ષ : “તને કોણે કીધું?”

અનુ : “શરીમાંથી આત્મા અલગ થઇ જાય તો દુખ તો થાય જ. તું એ બધું છોડ. અક્ષત ની વાત નું ખોટું ના લગાડ. એને ફોન કર. એ વાત કરશે.”

હર્ષ : “ના, હું નહિ કરું. અને હવે હું તને પણ ફોન નહી કરું. અક્ષતને નથી ગમતું. ખોટું તમારા બે વચ્ચે પ્રોબ્લેમ થાય. ચલ બાય.”

અનુ : “હર્ષ.........!!!!!”

અનુ એ ફરી બે- ત્રણ વાર હર્ષને ફોન કર્યા પણ હર્ષે ફોન જ ના ઉચક્યો.

એક અઠવાડિયા પહેલા બાબા એ કીધેલી વાત સાચી પડતી હતી. કોઈ એક પ્રિય વ્યક્તિને મેળવવા માટે બીજી પ્રિય વ્યક્તિને ખોવી પડશે. આમ પણ આ જીવનમાં એક હાથ થી લઈને બીજાથી આપવાની રીત જ ચાલતી આવી છે. કોઈકના બદલામાં અક્ષત. બસ હવે બાબા એ કીધેલી બધી વાતોનું અક્ષરશ: પાલન કરે તો આ વખતે તો પોતાને કોઈ છોકરી મળી જ જશે એવો હર્ષને વિશ્વાસ હતો.

હવે બસ બાબા ના કહેવા પ્રમાણે થવું જોઈએ. બાબા ના કહેવા પ્રમાણે આવતા એક અઠવાડિયા સુધીમાં ‘અ’ નામ થી શરુ થતી છોકરી નો હર્ષ સાથે આકસ્મિત મુલાકાત થશે અને એ જ છોકરી ને હર્ષે પોતાની રીતે પટાવવાની. આ વાત કોઈ બીજા ને કહેવાની નહિ એ શરત હતી. હર્ષે બધું મંજુર રાખ્યું અને કોઈ ‘અ’થી શરુ થતી નામ વાળી છોકરી ની રાહ જોવા લાગ્યો.

ત્રીજા દિવસે સવારે ઉઠ્યો અને ચા બનાવવા માટે ફ્રીઝમાંથી દુધ કાઢ્યું ત્યારે યાદ આવ્યું કે કાલે રાતે વરસાદમાં ગરમ ગરમ કોફી ઈવની તલપ પૂરી કરવાના ચક્કર માં દુધ પૂરું કરી નાખ્યું અને અત્યારે કઈ વધ્યું જ નથી. સવાર સવાર માં હર્ષ ને ઘર ની બહાર નીકળવાનો બહુ કંટાળો આવતો પણ ચા ના બહાને નીકળવું જ પડે એમ હતું. છત્રી લઈને ફટાફટ પૈસા અને ઘર ની ચાવી લઈને નજીક ની દુકાનમાં દુધ લેવા નિકળ્યો.

હર્ષ દુકાનમાં પ્રવેશ્યો ત્યારે અંદર એક મસ્ત છોકરી ઉભી હતી. હર્ષે એની તરફ એક તીરછી નજર કરીને છત્રી બંધ કરવા લાગ્યો. પેલી છોકરી હર્ષને જોવા લાગી. પહેલા તો એને હર્ષને ઉપરથી નીચે જાણે સ્કેન કરતી હોય એમ જોઈ લીધો, અને એક આછું સ્માઈલ કર્યું. હર્ષ વિચારમાં પડ્યો. આવું કેમ? આજે સૂર્ય કઈ બાજુ ઉગ્યો? એણે સૌથી પહેલા તો એના કપડા પર નજર કરી.ક્યાંક ઉતાવળ માં બટન ઉંધા નથી વાગી ગયા ને? ક્યાંક શર્ટ ફાટી ગયો હોય કે પેન્ટ ની ચેઈન ખુલ્લી રહી ગઈ હોય. પણ કપડા પર નજર રી ત્યારે હર્ષને યાદ આવ્યું કે એણે ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યા છે. એટલે ચેઈન ખુલ્લી રહી જવાનો કોઈ સવાલ જ નથી.

સવાર સવાર માં આટલી મસ્ત છોકરી વગર ઓળખાણે સ્માઈલ આપે એટલે હર્ષ તો ત્યાં જ પાણી પાણી થઇ ગયો. દુધ ની એક થેલી ની જગ્યા એ બે થેલી લીધી. કાઉન્ટર પરના છોકરા એ તરત પૈસા કાપી લીધા. હવે શું, બસ પૂરું. દુકાન છોડીને જઈશ એટલે આ છોકરી પણ ફરી ક્યારે નહિ મળે. હર્ષનું દિલ અને દિમાગ વચ્ચે લડાઈ ચાલવા માંડી. છેલ્લે દિલની જીત થઇ , દિમાગે પણ સાથ આપ્યો. મતલબ કે હર્ષે દુકાનમાં વધારે ઉભા રહેવા માટેનો એક ઉપાય વિચારી લીધો. વેફર્સ લેવાનું ભૂલી ગયો એમ કરીને દુકાનમાં પાછો આવ્યો. વેફર્સ ની સાથે 2 બિસ્કીટ પણ લીધા. છોકરાએ તરત બધું આપી દીધું અને ફરી પૈસા કઈ લીધા. છોકરી હજી હર્ષને જ જોઈ રહી હતી. એ મોટું લિસ્ટ લઈને આવી હતી અને એની વચ્ચે હર્ષ આવ્યો એટલે કાઉન્ટર પરના છોકરા એ પહેલા હર્ષને બધો સામાન આપી દીધો.

હવે હર્ષ પાસે દુકાન છોડ્યા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો . જેટલા રૂપિયા લાવ્યો હતો એ બધા પતી ગયા હતા. ભારે હૈયે એણે છત્રી ખોલી દુકાન ની બહાર નિકળ્યો.. જતી વખતે એણે ફરી એકવાર છોકરી સામે નજર કરી. છોકરીનું હજી ધ્યાન હર્ષ પર જ હતું. પણ હર્ષની સામે ચાલીને વાત કરવાન જવાની હિંમત જ નહોતી થતી. કોઈ દિવસ કરી હોય તો ખબર પડે ને. હર્ષ માટે આ અનુભવ એકદમ ફ્રેશ / તુફાની / હટકે હતો. અત્યાર સુધી એ છોકરી ને જોતો જયારે આજે કોઈ છોકરી એને તાકી તાકીને જોતી હતી.

આમ તો લોકોના જીવનમાં છોકરી આવે પછી ખર્ચો શરુ થાય. પણ હર્ષ તો છે જ બધાથી કઈ હટકે. છોકરી જીવનમાં આવે એ પહેલા જ ફિઝૂલ ના ખર્ચ શરુ થઇ ગયા. નહોતા જરૂરના બિસ્કીટના પેકેટ અને વેફર્સ લીધા હતા. પણ ચલો , જે થયું એ સારું થયું. છોકરી ની એક સ્માઈલ એ હર્ષને એકદમ અંદરથી જગાડી દીધો હતો. હવે શરીરમાં એકદમ તાજગી લાગવા માંડી. રૂમ પર આવીને શાહરૂખ ખાન ના રોમેન્ટિક સોંગ્સ ચાલુ કર્યા. વળી વરસાદ તો ચાલુ જ હતો. એમાં એણે ગરમા ગરમ ચા બનાવી એટલે તો સોનામાં સુગંધ ભળી. બસ ખોટ હતી તો એક વાત ની, કે આટલા સારા વાતાવરણમાં હર્ષ એકલો હતો. એને કોઈકની કંપની જોઈતી હતી. એ કંપની એટલે બસ પેલી છોકરી ની.

આખો દિવસ બસ એ છોકરીના જ વિચારોમાં નીકળી ગયો. જેટલી વાર એને યાદ કરે એટલી વાર હર્ષ ના મોઢા પર એક અજીબ સી મુસ્કરાહટ આવી જતી. વાહ, પ્રેમ મા પડવાનો અનુભવ કઈક આવો જ હશે. આ વરસાદ ની સિઝનમાં હર્ષના કોરાધાકોર દિલ પર પણ પ્રેમના સોનેરી બિંદુઓ પડ્યા. હવે પ્રેમનું ફૂલ ખીલશે કે નહિ?