Bhagyni Bhitar - 2 books and stories free download online pdf in Gujarati

ભાગ્યની ભીતર - પ્રકરણ ૨

           આજે ઘણા સમય બાદ ઘરમાંથી મીરાંનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો. ગોપાલ ચાલ મારી સાથે તું કાવ્ય બોલ તો... ગોપાલ તો પોતાની ધૂનમાં જ હતો. તેને મીરાં તરફ ધ્યાન ન આપ્યું. મીરાંએ ફરીથી હાક મારી... બોલે છે કે પછી... ( પોતાના હાથમાં રહેલી ફૂટપટ્ટી બતાવી ) ગોપાલ કર્કસ આવજે એકી શ્વાસે કાવ્ય બોલી ગયો... એટલામાં તેના પિતા અને તેમની સાથે બાળકો માટે અપરિચિત વ્યક્તિ પધાર્યા. ગોપાલ ચોપડી હાથમાંથી મૂકીને તરત પિતા પાસે જઈને તેમના ખોળામાં બેસી ગયો. મીરાં આવેલા અપરિચિત મહેમાન માટે પાણી લેવા ગઈ. આવેલા અતિથી ધનરાજ શાહના મિત્ર મનસુખ ભાઈ મહેતા હતા. આમતો ધનરાજ શેઠ પાસે બધા મિત્રો કંઈ ને કંઈ અપેક્ષા માટે આવતા પણ મનસુખ મહેતા હંમેશા ધનરાજ શેઠને કંઇક રાય આપી જતા અને એમણે આપેલ સુજાવ ધનરાજ શાહને ગમતો.
         ઘણા સમય બાદ તે ઘરે આવ્યા હતા એમણે જાણ્યું હતું કે ધનરાજ શાહને બે સંતાનો છે પણ તેમને આજે પહેલી વખત આ બાળકોને જોયા હતા આવતાની સાથે તેમણે ઘરની સ્થિતિનું તારણ કાઢી લીધું હતું. તે આવ્યા ત્યારે તેમણે ગોપાલને ધનરાજ શાહના ખોળામાં  બેસતો જોયો અને તેઓ બોલ્યા 
      - ધનરાજ તારા પુત્રને તો બહુ લાડકો રાખ્યો છે હો...
   તે હોયજ ને દિકરો કોનો છે...? આતો મારો સિંહ છે સિંહ. તું જોયા રાખ એક દિવસ એ મારું નામ ક્યાં સુધી લઈ જાય છે ધનરાજ શાહે પ્રતિઉતર આપ્યો.
     આમ વાતો આગળ ચાલે છે એટલામાં મીરાં પાણી લઈને આવે છે. વિનમ્રતા પૂર્વક આવેલા મહેમાનને પાણી આપી અને તેમને પ્રણામ કરે છે ત્યાર બાદ પાણીનો બીજો ગ્લાસ પિતાજીને આપે છે ગોપાલ પિતાના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈને પોતે પીવા લાગે છે આ બધા દૃશ્યો મનસુખ ભાઈને વિચારવા મજબૂર કરે છે અને આપો આપ તેમના મુખમાંથી શબ્દો સરી પડે છે - 
           આ તમારી દિકરી ખૂબ સંસ્કારી છે
ધનરાજ શાહ નિરુત્તર રહે છે થોડા વિરામ બાદ કહે છે - 
     એ સંસ્કારી હોય કે ન હોય એનાથી મને સોં ફરક પડે છે. એ આજે છે ને કાલે નથી .. અને હું તો એનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય પછી તેને ભણાવવાનો પણ નથી 
      મનસુખ ભાઈ ચોંકી ગયા - આ શું બોલે છે તું .. છોકરીઓને તો ભણાવવી જોઈએ.
 આ બધું બોલવામાં સારું લાગે.  - ધનરાજ શાહ મક્કમતા થી બોલ્યા 
  આ બધું સાંભળીને એક ખૂણામાં મીરાં રડતી હતી
         લાંબો સમય વાતચીત થઈ પરંતુ જો એકના બે થાય તો ધનરાજ શાહ શેના ?
                  સવારની સાંજ થાય અને સાંજની સવાર. સમય પાણીની જેમ પસાર થવા લાગ્યો. જોત જોતામાં મીરાંનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થયો વર્ગમાં પ્રથમ આવવાનો આનંદ હતો. સાથે હવે આગળ અભ્યાસ કરવા મળશે કે નહી.. ? એ વાતનું દુઃખ પણ હતું . 
          - મમ્મી જો મારું રીઝલ્ટ હું વર્ગમાં પ્રથમ આવી... મીરાં હાથમાં રહેલ કાગળ યશોદાના હાથમાં ધરતાં બોલી.
- વાહ... બેટા બહુ સારું કહેવાય તે તારા પિતાને બતાવ્યું..?
- ના...
- કેમ ? 
 -  તેઓ મને હવે આગળ ભણવા નહિ દે... આટલું બોલતાં મીરાંનો આવાજ ગળગળો થઈ ગયો.મુખે મૌન ધારણ કર્યું અને આંખોને વાચા મળી.
       યશોદા મીરાંનુ રીઝલ્ટ લઈ ધનરાજ શાહ પાસે પહોંચે છે અને મીરાંને આગળ ભણવા દેવા માટે આગ્રહ કરે છે ધનરાજ શાહ માનવા તૈયાર ન હતા. યશોદા કહે છે જો મીરાં નહિ ભણે તો ગોપાલને એકલા નિશાળે જવું પડશે એનું ધ્યાન કોણ રાખશે? એથી હજી એક - બે વર્ષ મીરાં ભલે ને ભણતી.
               ગોપાલનું નામ આવતાં ધનરાજ શાહે વિચારના દ્વાર ખોલ્યા. આ વાત તેના ગળે ઉતરી હતી આથી મીરાંને આગળ ભણવાની રજા મળી ગઈ પણ તેની સામે શરત હતી કે એને ગામમાં જ ભણવાનું અને ગોપાલનું ધ્યાન રાખવાનું. 
          મીરાંને બધી શરતો મંજૂર હતી તે આનંદથી 
કૂદવા લાગી. વધુ મહેનત અને ઉત્સાહ સાથે તે આગળ ભણવા લાગી સાથે તે ગોપાલને પણ ખૂબ શીખવાડતી આથી ગોપાલ પણ અભ્યાસમાં આગળ આવવા લાગ્યો.
                
       શાળાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ગોપાલને પ્રમાણપત્ર મળ્યું આ વાતની જાણ જ્યારે ધનરાજ શાહને થઈ ત્યારે તેઓ આનંદથી જુમવા લાગ્યા જે મળે તેને આ ખુશ ખબર આપે અને પાછળના દિવસે ગોપાલ માટે નવી સાઈકલ પણ લાવી આપી. આ બધાની વચ્ચે આશ્ચર્યની વાતતો એ હતી કે આ વિજ્ઞાન પ્રદર્શનમાં છેલ્લા ત્રણ વર્ષથી મીરાં પ્રથમ આવતી હતી. પ્રમાણ પત્ર સાથે તેને ટ્રોફીઓ પણ મળી હતી આમ છતાં આ વાતની ધનરાજ શાહને જાણ ન હતી અને હશે તો પણ ભૂલવા પ્રયત્ન કરતા હશે.
        જોત જોતામાં મીરાં ૧૦માં ની પરીક્ષા પાસ કરે છે અને પછી આર્ટસ સાથે ૧૨ પણ. હવે નક્કી થયા પ્રમાણે મીરાંને આગળ ભણવાનું ન હતું તેથી તે પણ સંતોષ માની લે છે.
          એકાદ વર્ષ આમજ ઘર બેઠા નીકળી જાય છે પરંતુ મીરાં આંતરમનથી ખૂબ બેચેન થાય છે . રાત્રી તો રાત્રી દિવસના પણ તે આગળ અભ્યાસના સ્વપન જોવા લાગે છે.
       પોતે તૈયાર થઈને પોતાના પુસ્તકો સાથે લઈને મિત્રો સાથે હસતા રમતા અવનવી વાતો કરતા કૉલેજ જતી હોય.. કૉલેજનો વિશાળ દરવાજો તેને આવકારવા તત્પર હોય અને તે દરવાજને સ્પર્શે એ પહેલાંજ તેના પિતાનો ચહેરો તેની સામે આવે અને એનું સ્વપન ગગનને ભેદી આભમાં ઊડી ગયું હોય.
        એક વખત અચાનક મીરાંના જૂના શિક્ષક ઘરે આવે છે જેમને બધા દવે સાહેબ કહેતા. ધનરાજ શાહ તેમને આવકારે છે 
ધનરાજ શાહ દવે સાહેબને ચા આપતા બોલ્યા
-   કેવો ચાલે છે ગોપલનો અભ્યાસ ?
-  ભણવામાં બહુ સરસ ધ્યાન આપે છે. હું જે ભણાવવાનો હોઉ એ આગળના દિવસેજ તૈયાર હોય એને આટલું બધું કોણ શીખવાડે છે..?
ધનરાજ શાહ દૂર ઉભેલી મીરાં સામે જુવે છે પણ કંઈ બોલતા નથી. દવે સાહેબનું ધ્યાન પણ મીરાં તરફ જાય છે 
-   અરે બેટા મીરાં અહી આવ.. ત્યાં શું કરે છે.? બોલ કેવો ચાલે છે તારો કૉલેજનો અભ્યાસ.  અરે પહેલા એ કે તે કઈ કૉલેજમાં એડમિશન મેળવ્યું..? તને આવકારવા તો કોલેજોમાં પણ પડાપડી હસે નહીં..?
    ધનરાજ શાહ હવે સાંભળી શકે એમ ન હતાં એટલે એમને તરત સાહેબને પૂછી લીધું 
- તમે કયા કામથી આવ્યા હતા..?
 - બસ મીરાંને મળવા... સાહેબે નિખાલસ ભાવે કહ્યું.
હવે ધનરાજ શાહથી રહેવાયું નહિ એટલે એમને બધી વાત શિક્ષકને જણાવી દીધી કે મીરાં હવે આગળ નહી ભણે અને એ મારો નિર્ણય છે.
દવે સાહેબ આશ્ચર્ય પામે છે અને કહે છે - મીરાંએ તો પોતાનો અડધાથી વધુ અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. તે ઉત્સાહી છે એને નોકરી મળશે એ હું ખાતરી આપું છું.
     - નોકરી તો મળશે પણ મીરાંને નહિ ગોપાલને.. ( ધનરાજ શાહે ટુંકમાં જવાબ આપ્યો.) 
દવે સાહેબ આગળ ન બોલી શક્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. મીરાંએ પણ એક વખત પોતાની બધી હિંમત ભેગી કરીને પિતાને આભ્યસની વાત કરી પરંતુ ધનરાજ શાહનું સ્પષ્ટ કહેવું હતું કે તું આભ્યસ માટે આ ઘરનો ઉંબરો ઓળગે તો તારા માટે આ ઘરનો દરવાજો પાછો ક્યારે નહિ ખૂલે..... ( ક્રમશઃ...)