VHAL books and stories free download online pdf in Gujarati

વ્હાલ

          કૉલેજ કેમ્પનાં એ દિવસો જ્યારે સવારે વહેલા પાંચ વાગે ઊઠીને ગામમાં પ્રભાતફેરી કરવાથી લઈને આખા દિવસ દરમિયાન વિવિધ કાર્યો જેવા કે, ગામ સ્વચ્છતા, વ્યસનમુક્તિ લોક જાગૃતિ ફેલાવવી, ગ્રામીણોનું વિશ્લેષણ વગેરેથી માંડીને રાત્રે બે વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપુર હતાં એ દિવસો. કોઈપણ વિદ્યાર્થીને ઘડીભરનો પણ આરામ ન હતો. દરેકને કોઈને કોઈ કાર્ય સોંપીને જીવનનાં અમુલ્ય નૈતિક મૂલ્યો શીખવવામાં આવતા હતા.

          કૉલેજનાં આવાં કેમ્પમાં વિદ્યાર્થીને કોઈ જવાબદારી સોંપવામાં આવે છે અને વિદ્યાર્થીમાં છુપાયેલી શક્તિઓ બહાર કાઢવામાં આવે છે. જેની ખુદ વિદ્યાર્થીને પણ ખબર નથી હોતી, જેનાથી વિદ્યાર્થીનાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

          કેમ્પનાં પાંચ દિવસોમાં વિદ્યાર્થીઓ અને તેમનાં શિક્ષકોએ ખૂબ જ શારીરિક અને માનસિક શ્રમ કર્યો હતો. હું તેને શ્રમ નહીં પણ તાલીમ કહીશ. જે અમને સૌને જીવનભર કામ આવવાની હતી. આવી જ એક તાલીમ અર્થે છઠ્ઠા દિવસે ગામવાસીઓનાં નિમંત્રણથી દરેક વિદ્યાર્થીને ગામમાં એક-એક ઘરે ત્રણ કલાક વિતાવવાનું કહેવામાં આવ્યું. તેનો હેતુ એ હતો કે, વિદ્યાર્થી ગ્રામજીવનને જાણે અને તેમની વચ્ચે રહીને તેમનાં સારા મૂલ્યો અને રીતભાત અપનાવે.

          સવાર થતાં જ અમે સૌ વિદ્યાર્થીઓ જયાં રોકાયા હતા તે સ્કૂલનાં કમ્પાઉન્ડમાં ભેગા થયા. દરેક વિદ્યાર્થીને એક-એક ચિઠ્ઠી આપવામાં આવી. જેમાં તેમને જેના ઘરે જવાનું હતું તેમનું નામ લખેલું હતું. અમને પોતાના ઘરે લઈ જવા માટે ગામવાસીઓ આનંદની લાગણી સાથે વહેલી સવારથી જ ત્યાં  ઉપસ્થિત થઈ ગયા હતા.

          મને મળેલ ચિઠ્ઠીમાં નામ લખેલું હતું- હરીશભાઈ કેદારભાઈ ચૌહાણ. હરીશભાઈ મને લેવા માટે ત્યાં પહોંચી ગયા હતા. હું મારા કપડા અને બાકીની સામગ્રી લઈને તેમની સાથે તેમનાં ઘરે પહોંચી ગયો. હરીશભાઈ સુખી-સંપન્ન ઘરનાં હતા. તેમનાં પરિવારની ગામમાં ખૂબ આબરૂ હતી.

          હરીશભાઈ મારા જીવનમાં મને મળેલ સૌથી ઉત્તમ પ્રકારનાં વ્યક્તિઓમાંના એક હતા. સકારાત્મક સ્વભાવ, મૃદુભાષી અને સંયમશીલ વ્યક્તિત્વનાં ધણી હતા હરીશભાઈ. તેમનાં ઘરે જતા મને અનેરો આવકાર મળ્યો. હરીશભાઈની ફેમિલીમાં તેમનો નાના ભાઈ અને બહેન, માતા-પિતા તેમજ તેમના પત્ની અને ટ્વિન્સ બાળકો હતાં મીત અને માહી.

          હરીશભાઈનાં માતા-પિતા કોઈ કામથી બહાર ગામ ગયા હતા અને તેમનો નાનો ભાઈ જે દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે સ્કૂલે ગયો હતો. હરીશભાઈનાં પત્ની અને બહેન ત્યારબાદ રસોઈઘરમાં વ્યસ્ત થઈ ગયા. હું ત્યાં પહોંચ્યા બાદ સૌપ્રથમ નાહી-ધોઈને ફ્રેશ થઈ ગયો અને ત્યારબાદ હું અને હરીશભાઈ દેશ-દુનિયાની વાતો કરવા લાગ્યા.

          થોડા સમય બાદ અંદરનાં રૂમમાંથી રમતા-રમતા ત્રણ વર્ષનાં ટ્વિન્સ મીત અને માહી બહાર આવ્યાં. હરીશભાઈએ મને તેમના ફેમિલી મેમ્બર્સનાં નામો જણાવી દીધા હતા. હું મીત અને માહીને મારી પાસે રમવા બોલાવતો હતો. મીત શરમાળ સ્વભાવનો હતો. તેથી તે મારાથી દુર ભાગતો હતો, જ્યારે માહી મનમોજી અને પરાણે વ્હાલી લાગે તેવી હતી.

          માહી મને જોઈને ખુબ જ ખુશ થઈ ગઈ હતી. હું પણ માહીની કાલીઘેલી ભાષા પર વારી ગયો હતો. માહી આખા હૉલમાં ઉછળકૂદ કરતી રહેતી. ક્યારેક તેના પપ્પાનાં ખોળામાં  બેસી જઈને તેમને વહાલ કરતી તો ક્યારેક ભાગીને અંદર તેની મમ્મી પાસે રમવા લાગી જતી.

          માહી તેની કાલીઘેલી ભાષામાં મને કહે, "તમે ઘોડો બનો હું તમારી ઉપર સવારી કરીશ."

          મેં પણ તેની પ્રત્યેનાં વ્હાલવશ ઘોડો બનીને તેને મજા કરાવી. ત્યારબાદ મેં માહીને અડકો-દડકો અને વિવિધ રમતો રમાડી. પછી મેં દુપટ્ટાથી સાડી બનાવીને તેને પહેરાવી અને માહી ખુશ થઈને બધાને બતાવવા માટે દોડી પડી. પછી તે આવી તો મેં તેને માથા પર પાઘડી બનાવી પહેરાવી. ત્યારે તો તેના આનંદનો પાર નહોતો.

          આવી રીતે માહી સાથે રમતા-રમતા બે કલાક ક્યારે નીકળી ગયા તેની ખબર જ ન રહી. ત્યારબાદ હરીશભાઈ અને તેમનાં પત્નીએ મને ખૂબ જ પ્રેમપૂર્વક જમાડ્યો. મને આ ફેમિલી જાણે પોતાની ફેમિલી લાગવા લાગી હતી. તેમનો અનહદ પ્રેમ જોઈને મારુ હૈયુ ભરાઈ આવ્યું હતું. કોઈ પારકા વ્યક્તિ સાથે આવો પ્રેમ કદાચ ભારતનાં ગામડામાં જ જોઈ શકાય છે.

          મારો પાછો જવાનો સમય થઈ ગયો હોવાથી મેં વિદાય લેવાનું વિચાર્યું. હરીશભાઈએ મને હાથમાં સો રૂપિયા આપ્યા. મેં લેવાની ના પાડી પરંતુ તેમણે કહ્યું,

"તમે તો અમારા ગામનાં મહેમાન છો. તમે આ ગામનાં લોકોને નિસ્વાર્થ ભાવે કઈંક શીખવાડવા આવ્યા છો. તો અમારી પણ ફરજ બને છે ને તમને ખાલી હાથ ન મોકલવાની."

          આમ, તેમની લાગણીને વશ થઈને મારે પૈસાનો સ્વીકાર કરવો પડ્યો. ( યાદગીરીરૂપે જે મેં જીવનભર સાચવી રાખવાનો નિર્ણય કર્યો છે. ) ત્યારબાદ હરીશભાઈની આખી ફેમિલી મને ઘરનાં આંગણા સુધી વિદાય આપવા માટે આવી. માહી મને તેની કાલીઘેલી ભાષામાં ટાટા કરતી હતી પણ હું જાઉં છું તેનાથી તે થોડી દુઃખી લાગતી હતી. હું તે સૌનો આભાર માનીને પાછો  અમારી સ્કૂલે આવવા રવાના થયો.

          ત્યારબાદનાં સાતમા અને અંતિમ દિવસે અમારો કેમ્પ સવારે અમદાવાદ પાછો આવવા રવાના થવાનો હતો. હું તે પહેલા હરીશભાઈનાં ઘરે ખાસ તો માહી ને મળવા સવારે વહેલા પહોંચી ગયો પરંતુ હરીશભાઈ, માહી અને મીત નવરાત્રીની ખરીદી કરવા સીટી ગયા હતા. તેથી તેઓ તો ન મળ્યા પરંતુ બાકીનાં ફેમિલી મેમ્બર્સને હું આવજો કહીને આવ્યો.

          સવારે 10 વાગ્યે સૌ ગ્રામજનો અમને વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે ચોકે ભેગા થયા હતા. દરેકની આંખો ભીની હતી. કારણ કે, આ છ દિવસો દરમિયાન અમારા તેમની સાથે લાગણીનાં સંબંધો બંધાઈ ગયા હતા. ગામવાસીઓ અમને ફરીથી તેમનાં ગામમાં આવવાનું આમંત્રણ આપતા હતા. આવી રીતે અશ્રુભીની આંખોએ અમે તે ગામથી વિદાય લીધી. હૃદયમાં પોતાના ઘરે જવાનો ઉત્સાહ હતો તો બીજી બાજુ આ સુંદર ગામને છોડવાનું અનહદ દુઃખ પણ હતું.

          બપોરે ખરીદી કરીને આવ્યા બાદ માહી ખૂબ જ ખુશ હતી. તે તેના નવા કપડાં મને બતાવવા આતુર હતી. માહીએ તેની મમ્મીને કહ્યું,

"મમ્મી, બાદલકાકા ક્યાં છે ?"

પરંતુ તેની મમ્મી પાસે આપવા માટે કોઈ જવાબ ન હતો. તેઓ માહીને ગળે વળગાડીને વ્હાલ કરવા લાગ્યાં.

( સત્યઘટના :- આ સ્ટોરી એક પારકા વ્યક્તિનો એક ગ્રામીણ પરિવાર સાથે અને ખાસ એક નાનકડી બાળકી સાથેનો લાગણીનો સંબંધ દર્શાવે છે જે મેં જાતે અનુભવ્યો છે. તેમજ ભારતનાં ગ્રામીણોનો પારકા લોકોને પોતાનાં બનાવી લેવાનો સ્વભાવ પણ દર્શાવે છે. )

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
   MO :- 9106850269