Vaghan in Gujarati Short Stories by Badal Solanki books and stories PDF | વાઘણ

Featured Books
Categories
Share

વાઘણ

          અજેયપુર નામનાં શાંત, સુંદર અને રળિયામણા ગામમાં આજની સાંજ જાણે ચર્ચાનું ભયંકર વંટોળ લઈને આવી હતી. કુહાડીનાં બે ઘા મારીને મોતને ઘાટ ઉતારેલ ગામનાં સરપંચ ઠાકુર અમરસિંહની લાશ અભેદ્ય અવસ્થામાં તેમનાં જ ખેતરેથી મળી આવી.

          ગામનાં પ્રત્યેક વ્યક્તિનાં મનમાં અનેક સવાલોનો મારો ચાલતો હતો. દરેક જણ બીજાને પૂછતું હતું - ખૂન કોણે કર્યું હશે ? કેમ કર્યું હશે ? પણ આ સવાલોનાં ચોક્કસ જવાબો તો કોઈની જોડે ન હતાં.

          પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તેમણે આવીને પ્રાથમિક તપાસ શરૂ કરી. પોલીસે હત્યામાં વપરાયેલ કુહાડી અને લાશને પોતાનાં હસ્તક કર્યા. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી અને કુહાડી પરથી આંગળીનાં નિશાન મેળવવા તેને લેબોરેટરીમાં મોકલવામાં આવી.

          પોલીસે બીજા દિવસે ઠાકુર સાહેબનાં પરિવારજનો અને ગામવાસીઓની આંગળીઓની પ્રિન્ટ લીધી. ત્યારબાદ તપાસ આગળ વધારવામાં આવી. ઈન્સ્પેક્ટર રાયબહાદુર ચૌધરીને આ કેસ સોંપવામાં આવ્યો હતો. સૌ પ્રથમ તેમણે ઠાકુર સાહેબનાં પરિવાર અને ગામવાસીઓ પાસેથી ઠાકુર સાહેબ અંગેની તમામ માહિતી એકઠી કરી પરંતુ તેમાંથી આ કેસને ઉકેલવામાં ઉપયોગી થાય તેવો કોઈ 'ક્લૂ' મળ્યો નહીં. 

          સરપંચની હત્યા થયાને બે દિવસ વીતી ગયા હતા પરંતુ હજુ આરોપી સુધી પહોંચી શકાય તેવી કોઈ ખાસ માહિતી મળી ન હતી. ઈન્સ્પેક્ટર રાયબહાદુર ચૌધરીએ ઠાકુર સાહેબનાં પાડોશી મધુરિમાબેનને પુછતાછ માટે બોલાવ્યા. કારણ કે, તેમનો સરપંચનાં પરિવાર સાથે ઘર જેવો સંબંધ હતો.

          ઈન્સ્પેક્ટર સાહેબે તેમને પૂછ્યું, "ઠાકુર સાહેબ કેવા હતા, એટલે કે વાણી-વર્તન અને વ્યવહારમાં ?"

"ઠાકુર સાહેબ વાણી-વર્તનમાં ખૂબ જ ઉત્તમ વ્યક્તિ હતાં. તેઓ સમાજ ઉપયોગી કાર્યોમાં ખૂબ જ રસ દાખવતા હતાં. તેમની આજુબાજુનાં 32 ગામોમાં સારી એવી પહોંચ હતી." મધુરિમાબેને દ્રઢ અવાજ માં કહ્યું.

"સરપંચને કોઈ સાથે દુશ્મની હતી ?"

"ના સાહેબ, સરપંચશ્રીનાં રગમાં જ વેર-ભાવ ન હતો. તેઓ ખૂબ જ શાલીન અને મૃદુભાષી હતાં. ટૂંકમાં કહું તો સાહેબ એ ભગવાનનાં માણસ હતા."

રાયબહાદુર ચૌધરી ટેબલ પર પડેલી પેન હાથમાં લઈને ફેરવવા લાગ્યા અને કોઈ વિચારમાં પડી ગયા. થોડી વાર બાદ સ્વસ્થ થઈ તેઓ બોલ્યા,

"સારું, હવે તમે જઈ શકો છો. જો અમને તમારી જરૂર લાગશે તો તમને ફરીથી બોલાવીશું."

મધુરિમાબેન ખુરશી પરથી ઊભા થઈને હાથ જોડીને "ધન્યવાદ સાહેબ" કહી ને ચાલવા લાગ્યા. ત્યાં જ તેમને અચાનક કંઈક યાદ આવ્યું અને તેઓ થોભી ગયા અને ઈન્સ્પેક્ટર ચૌધરી સામે આવીને ઊભા રહ્યાં.

"મારે તમને એક વાત કહેવી છે, સાહેબ." મનમાં જાણે કંઈક વિચારી રહ્યાં હોય એેવી રીતે તેઓ બોલ્યા.

"હા કહો, તમારે કોઈનાથી ગભરાવાની જરૂર નથી." મધુરિમાબેનનો વિચલિત ચહેરો જોઈને ચૌધરી સાહેબે મક્કમ અવાજે કહ્યું.

"જે દિવસે સરપંચ સાહેબની હત્યા થઈ તે દિવસે મેં સરપંચ સાહેબની પાછળ સંતાઈને તેમનો પીછો કરતા તેમનાં બૈરી અમરાવતીબેનને જોયા હતાં." મધુરિમાબેને થોડા ધીમા પરંતુ સ્પષ્ટ અવાજે ઈન્સ્પેક્ટર ચૌધરીને કહ્યું.

"તમારે આ વાત અમને પહેલા કહેવી જોઈતી હતી ને !!" રાયબહાદુર ચૌધરી હળવા આક્રોશ સાથે બોલી ઊઠ્યાં.

"પણ મને સાહેબ આમાં કંઈ અજુગતું નહોતું લાગ્યું. કારણ કે, સરપંચ સાહેબ અને તેમનાં પત્નીનું સુખી લગ્નજીવન હતું. તે બંનેની વચ્ચે ક્યારેય કંકાસ થતો ન હતો." મધુરિમાબેને કહ્યું.

"ધન્યવાદ, હવે તમે જઈ શકો." ઈન્સ્પેક્ટરે આભાર માનીને મધુરિમાબેનને વિદાય આપી.

મધુરિમાબેનનાં ગયા બાદ ઈન્સ્પેક્ટર ચૌધરીનાં દિમાગમાં વિચારોનું મંથન ચાલી રહ્યું હતું. તે વેળા જ લેબોરેટરીનાં  રિપોર્ટ્સ હાથમાં રાખીને આવતા હવાલદાર પાંડેએ કહ્યું,

"સર, આરોપીએ કુહાડી પરનાં ફિંગરપ્રિન્ટ મીટાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પૂરે-પૂરા ફિંગરપ્રિન્ટ મિટાવી શક્યો નહીં. આપણે જે ફિંગરપ્રિન્ટસ લીધા હતા તેમાંથી એક ફિંગરપ્રિન્ટ કુહાડી પરનાં ફિંગરપ્રિન્ટ સાથે મેચ થાય છે.

"કોના ફિંગરપ્રિન્ટ મેચ થાય છે ??" ઈન્સ્પેક્ટર ચૌધરી આતુરતાપૂર્વક બોલી ઊઠ્યાં.

"સર..."

"હા જલ્દી બોલ પાંડે."

"સર, ઠાકુર અમરસિંહનાં પત્ની અમરાવતીબેનનાં ફિંગરપ્રિન્ટ મેચ થાય છે."

ઈન્સ્પેક્ટર રાયબહાદુર ચૌધરી પળવારનો પણ વિચાર કર્યા વિના પોતાની ટીમ સાથે જીપમાં બેસીને સરપંચનાં ઘરે પહોંચવા નીકળી પડ્યાં. ત્યાંથી અમરાવતીબેનની ધરપકડ કરીને પુછતાછ માટે પોલીસ-સ્ટેશન લઈ આવ્યાં.

"તમે તમારા પતિ ઠાકુર અમરસિંહની હત્યા શા માટે કરી ?" ઈન્સ્પેક્ટર ચૌધરી ઊંચા અવાજે બરાડી ઉઠ્યાં.

"શું બોલી રહ્યા છો તમે હું જાતે કરીને કેમ જીવનભર માટે રંડાપો વહોરું ?" આટલું બોલતાં તો અમરાવતીબેનની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યાં.

"નાટક બંધ કરો, અમને હત્યામાં સામેલ કુહાડી પરથી તમારા ફિંગરપ્રિન્ટ મળ્યા છે. તેથી જે હોય તે સાચે-સાચું કહી દો."

રડતા-રડતા અમરાવતીબેન આટલું જ બોલ્યા,

"હા...હા... મેં જ કરી છે મારા ધણી ની હત્યા !!"

ઈન્સ્પેક્ટર ચૌધરીએ પૂછ્યું, "પણ શા માટે ??"

થોડીવાર બાદ પોતાનાં આંસુ લૂછી અને સ્વસ્થ થઈને અમરાવતીબેને સંપૂર્ણ ઘટના વિગતવાર પોલીસને જણાવી.

"અમારા કુટુંબમાં ત્રણ સભ્યો હતાં. હું, મારી દીકરી અમી અને મારા ધણી. અમારા સંસારની ટ્રેન સુખનાં પાટા પર, મસ્તીની હવા લેતી અને તેમાં આનંદનું ડીઝલ ભરીને ગતિભેર આગળ વધતી હતી. અમે જાતે ખેતી કરતાં અને ખાધે-પીધે સુખી હતાં. હું મારા ધણીને કહેતી કે, હવે તો આપણી અમી વીસમાં વર્ષે બેઠી. એનાં માટે કોઈ સારો મુરતિયો શોધો. એનાં રૂપનું તેજ આપણા ઘરમાં સમાતું નથી. તે બહાર નીકળવા માટે નાની અમથી જગ્યા શોધી રહ્યું છે પરંતુ તેઓ મારી વાતને હસી કાઢતા અને કહેતા કે,

"હજુ તો તે એક કુમળુ બાળક છે. તારે શું જલ્દી છે તેના લગ્ન લેવાની ? આપણા ઘરે તે કાંય અનાજ ખૂટે છે કે તું તેને જલ્દી પરણાવીને મોકલી દેવાની વાત કરે છે ??"

અમરાવતીબેને વાત આગળ વધારી -

"આમ ને આમ બીજા ત્રણ મહિના વીતી ગયાં. મને એમ લાગ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી મારા ધણી મને કોઈ ને કોઈ બહાને ખેતરે અથવા બીજે ક્યાંક મોકલી દેતાં અને ખુદ ઘરે રહેવાનો પ્રયત્ન કરતાં. એમાં એક દિવસ હું ખેતરથી વહેલાં ઘરે આવી અને ઘરનાં ઓરડામાં જોયું તો સગો બાપ તેની કોમળ કળી જેવી છોકરી સાથે કામલીલા આચરતો હતો. મને ત્યારે અસહનીય ધ્રાસકો લાગ્યો. મેં ત્યારે જ તે લંપટની સામે જઈને તેની પૂરી પોલ ખોલી નાખી પણ તે બેશરમને કાંઈ ફેર ન પડયો. મેં તેની જોડે ખૂબ ઝઘડો કર્યો છતાં તેને સહેજે પસ્તાવો ન હતો. ત્યારબાદ તો તે ન જુએ દિવસ કે ન જુએ રાત અને મારી સામે જ મારી ફૂલ જેવી દીકરીને ચૂંથ્યાં કરે ને પોતાનાં શરીરની ભૂખ સંતોષ્યા જ કરે. જાણે તેને તો હવે લાયસન્સ મળી ગયું હતું."

"તો તમારે આ વાત પોલીસને જણાવવી હતી ને !!" થોડા આશ્ચર્ય સાથે ઈન્સ્પેક્ટર ચૌધરી વચ્ચે બોલી ઊઠ્યાં.

"તેની પોલીસનાં ઊંચા હોદ્દેદારો અને રાજનેતાઓ જોડે સારી એવી ઓળખાણ હતી અને તેણે અમને ધમકી આપી હતી કે,

"જો તમે બંનેએ આ વિશે કોઈને પણ જણાવ્યું છે તો હું અમીને જીવતી સળગાવી નાખીશ."

"આમ, તેની વગ અને ધમકી નીચે દટાઈને અમે કોઈને કહેવાની હિંમત નહોતા કરી શકતાં. દિવસે-દિવસે તેની લંપટલીલા વધતી જતી હતી. હું અને મારી દીકરી અમી તેનાથી ત્રાસી ઉઠ્યાં હતાં."

ઈન્સ્પેક્ટર ચૌધરી અમરાવતીબેનનાં મુખેથી નીકળતા દરેક શબ્દને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યાં હતાં.

અમરાવતીબેને આગળ વધાર્યું -

"એક દિવસ અમે બંનેએ એ દુષ્ટનો સંહાર કરવાની યોજના ઘડી લીધી. તે જેવો ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યો કે હું પણ તેની પાછળ-પાછળ કાળ બનીને તેનો પીછો કરતી હતી. ખેતરમાં પહોંચ્યા બાદ મેં લાગ જોઈને ત્યાં પડેલ ખેતીનાં ઓજારોમાંથી કુહાડી હાથમાં પકડીને એક ભૂખી વાઘણની જેમ એની ઉપર છલાંગ લગાવી અને કુહાડીનાં ઘા ઝીંકીને એ અસુરને નરકનાં દ્વારે પહોંચાડી દીધો અને ત્યારબાદ ઝડપભેર મેં મારા સાડીનાં પાલવથી કુહાડી પરનાં આંગળીનાં નિશાન લુંછી લીધા."

મનમાં ગુસ્સો, દિલમાં સુલગતી જ્વાળા, આંખોમાં અલગ જ પ્રકારનાં તેજ અને પોતે જે કર્યું છે તે સારું જ કર્યું છે તેવી દ્રઢતા સાથે અમરાવતીબેને પોતાની વાત પૂરી કરી.

ઈન્સ્પેક્ટર ચૌધરીને સામે બેઠેલી સ્ત્રીમાં સાક્ષાત જાણે કેટલાય દિવસથી ભૂખી વાઘણનાં દર્શન થતાં હતાં !!!

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269