HONEYTRAP books and stories free download online pdf in Gujarati

હનીટ્રેપ

          સુરત શહેરની બહાર જતા રસ્તામાં આવેલ દેવજીપુર ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર-દૂર કુતરાઓ ભસી રહ્યાં હતાં. આ અંધારી રાત્રે એક વ્યક્તિ જાણ્યે - અજાણ્યે લાશ તરફનાં રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાં જ અચાનક એક કાર તે તરફ પુરપાટ ઝડપે આવી અને લાશને રગદોળીને જતી રહી. પેલા ચાલી આવતા વ્યક્તિને લાગ્યું કે, કાર સાથે કોઈ વસ્તુ અથડાઈ છે... એ વ્યક્તિ તે રસ્તા તરફ આગળ વધે છે. ત્યાં જઈને જુએ છે તો ધૂળમાં રગદોળાયેલી અને ખૂનથી લથપથ શૂટ - બૂટ પહેરેલી લાશ પડી હોય છે. એ વ્યક્તિ ખૂબ ગભરાઈ જાય છે.

          તે ફટાફટ દોડીને ત્યાંથી સૌથી નજીક પડતાં ઘર તરફ " લાશ... લાશ... " બૂમો પાડતો - પાડતો જાય છે. ઘરના સૌ સભ્યો સફાળા જાગી જાય છે અને બહાર દોડી આવે છે. આંગણે ચડી આવેલ વ્યક્તિને ઓળખતા તેમાંથી એક વ્યક્તિ બોલી ઊઠે છે,

" શું થયું સવજી ? કેમ આટલી રાત્રે બૂમો પાડે છે ?? "

" ત્યાં...ત્યાં... " હાંફતો - હાંફતો એ વ્યક્તિ બોલવાનો પ્રયત્ન કરે છે.

" હા, બોલ શું કહે છે ? "

" ત્યાં ગામની સીમ પાસે એક લાશ પડી છે રામજીભાઈ. " સીમ તરફ આંગળીથી ઈશારો કરતાં સવજી આટલું જ બોલ્યો.

          રામજીભાઈ અને તેમના ઘરનાં સભ્યો સવજીને લઈને એ જગ્યાએ જવા માટે આગળ વધે છે. સવજી થોડો દૂર ઊભો રહીને આંગળી ચીંધતાં અંધારી રાત્રે લાશનાં દર્શન કરાવતા કહે છે,

" આ જુઓ રામજીભાઈ લાશ... "

          રામજીભાઈ લાશ ઉપર પોતાની પાસેની બત્તીનો પ્રકાશ ફેંકે છે. લાશને છાતીનાં ભાગે ગોળી વાગેલી હોય છે એ રામજીભાઈની તીક્ષ્ણ નજરે આવે છે. સૌ કોઈ લાશને જોઈને ચોંકી જાય છે અને અંદરો - અંદર વાતચીત કરવા માંડે છે,

" આ વ્યક્તિ કોણ છે ? તે આટલી રાત્રે અહીંયા કઈ રીતે ?આને કોણે માર્યો ? કેમ માર્યો ? " વગેરે વગેરે...

          પરિસ્થિતિનો તાગ મેળવીને રામજીભાઈ સૌથી પહેલા પોલીસને ફોન કરીને બોલાવે છે અને ત્યારબાદ ગામનાં સરપંચ અને અગ્રણીઓને પણ આ ઘટનાથી માહિતગાર કરે છે.

          થોડીક જ મિનિટોમાં પોલીસ અને ગામવાસીઓ ગામની સીમમાં હાજર થઈ જાય છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવે છે તેમજ આજુબાજુનો અમુક વિસ્તાર પોલીસ સીલ કરી દે છે. તો બીજી તરફ પી.આઈ. વિક્રમસિંહ રાઠોડ ત્યાં હાજર ગામવાસીઓ સાથે પુછતાછ કરવામાં વ્યસ્ત હોય છે.

" આ લાશ સૌથી પહેલા કોણે દેખી ?? " વિક્રમસિંહ રાઠોડ સૂચક નજરે ગામવાસીઓ તરફ જોઈને બોલ્યાં.

" સાહેબ, મેં લાશને સૌથી પહેલા જોઈ... " ભીડની વચ્ચેથી હજુ પણ ગભરાયેલો સવજી ધીમે રહીને બોલ્યો.

" તું આગળ આવ અને કહે કે તે લાશની પાસે કોઈ વ્યક્તિને જોઈ હતી ?? "

" ના સાહેબ, હું તો અમદાવાદથી મોડી રાતની ટ્રેનથી ગામનાં રેલવે સ્ટેશને ઉતરીને મારા ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક રસ્તા પરથી એક કાર ઝડપભેર પસાર થઈ એ સમયે મને લાગ્યું કે તે કોઈ વસ્તુ સાથે અથડાઈ છે અને મેં ત્યાં જઈને જોયું તો આ લાશ પડી હતી. " સહેજ ગભરામણ સાથે સવજી બોલ્યો.

          વિક્રમસિંહ રાઠોડ સહેજ વિચાર કર્યા બાદ બોલ્યાં, " તમારામાંથી કોઈ આ લાશને ઓળખે છે ? "

          સમૂહમાં એક સાથે અવાજ ગુંજયો, " ના સાહેબ... "

          રાઠોડ ગામલોકોને હવે પોત - પોતાના ઘરે જવા કહે છે અને સૌને દિલાસો આપે છે કે, " આપ સૌએ કોઈથી ગભરાવાની જરૂર નથી. બધાં નિરાંતે સૂઈ જજો. "

          ગામમાં આવી કરપીણ હત્યા પહેલી વાર થઈ હતી તેથી કે પછી હત્યારો હજુ ખુલ્લો ફરતો હતો તે વિચારમાત્રથી !!! પ્રભુ જાણે કેમ પરંતુ ગામવાસીઓને તો આખી રાત ઊંઘ ના જ આવી. તો બીજી તરફ પોલીસ પણ આ ગુત્થી સુલજાવવાં આખી રાત કસમકસમાં જ રહી.

          લાશને છાતીનાં ભાગમાં ગોળી વાગેલી હતી અને તેનાં કપડામાંથી શરાબની દુર્ગંધ આવતી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધી.

          પોલીસ માટે આ એક મોટો પ્રશ્ન હતો કે આ લાશ છે કોની ?? તેનો જવાબ શોધવા પોલીસે આજુબાજુનાં ગામમાં પૂછતાછ કરી અને સુરત શહેરમાં પણ લાશનો ફોટો પાડીને દરેક પોલીસ સ્ટેશનમાં મોકલી દીધો. તેમજ વિક્રમસિંહ રાઠોડે તો તેનાથી પણ એક ડગલું આગળ ચાલીને ' પોલીસ મિત્ર મંડળ ' નામનાં પોતાનાં ' વોટ્સએપ ગૃપ ' માં પણ ફોટો મોકલી દીધો અને કોઈ આ વ્યક્તિને ઓળખતું હોય તો તત્કાલ મારો સંપર્ક કરવો એવો મેસેજ પણ મોકલ્યો.

          ત્યારબાદ પોલીસ દેવજીપુર ગામ તરફ આવતાં ટોલનાકાનાં તે દિવસનાં સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવામાં લાગી ગઈ. આખા દિવસ દરમિયાનનાં ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને રાત્રે 12 વાગ્યાનાં ફૂટેજમાં મર્સિડીઝ બેન્ઝ કારમાં બેસેલ તે વ્યક્તિની ભાળ મળી. પોલીસ કારનાં નંબરની નોંધ કરી આગળની કાર્યવાહીમાં જોડાઈ ગઈ.

          વિક્રમસિંહ રાઠોડ પર તેમના મિત્ર અને સુરત શહેરમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા માનસિંહ ઠાકોરનો ફોન આવ્યો અને તેમણે રાઠોડને જણાવ્યું કે,

" જે વ્યક્તિની લાશ તમને મળી છે એ સુરતનાં પ્રખ્યાત ' ડાયમંડ મર્ચન્ટ ' રાજેશ્વર સવાણીની છે. જેઓ લોખંડને પણ અડકે તો તે હીરો બની જાય છે. જેમના ઘરનાં ફૂતરાનાં ગળામાં પણ એક કરોડનો હીરાજડિત પટ્ટો બાંધેલો હોય છે. તેમની હત્યાની ખબરથી તો ' ડાયમંડ માર્કેટ ' માં હાહાકાર મચી જશે... "

          માનસિંહ ઠાકોરની વાત સાંભળીને રાઠોડને પણ ખૂબ આશ્ચર્ય થયું કે, " આટલા મોટા ઉદ્યોગપતિની હત્યા કરીને શહેરથી દૂર આ ગામમાં ફેંકવાનો શું આશય હોઈ શકે ?? "

          વિક્રમસિંહ રાઠોડ ખૂબ કુશળ, હિંમતવાન, ચાલાક, ઈમાનદાર અને કર્મિષ્ઠ પોલીસકર્મી હતાં. તેમણે તેમનાં પરાક્રમો બદલ ખૂબ વાહ વાહી !!! મેળવી હતી અને હવે આ હાઈ - પ્રોફાઈલ કેસનું પણ જલદી પગેરુ મેળવીને તેઓ તેમની સિદ્ધિઓનાં તાજમાં એક ઔર યશકલગી ઉમેરવા આતુર હતાં.

          પોતાનાં મિત્ર ઠાકોર પાસેથી મળેલી માહિતીનાં આધારે રાઠોડ રાજેશ્વર સવાણીનાં ઘરનો પત્તો લગાવીને તેમની લાશ તેમનાં પરિવારને સુપરત કરી, જરૂરી પુછતાછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે. રાઠોડ સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાયેલ કારનાં નંબર પરથી કાર માલિકનું સરનામુ શોધીને તેનાં ઘરે પહોંચી જાય છે.

          કાર માલિક મહિપાલ નાયક ગુજરાતમાં શાસકપક્ષનો ઊંચા ગજાનો રાજનેતા હતો. રાઠોડ મહિપાલ નાયકની પુછતાછ કરે છે પણ નાયક તેને ગોળ-ગોળ જવાબ આપે છે. જેનાથી રાઠોડની શંકા પ્રબળ બને છે ત્યારબાદ તે નાયકની કડકાઈથી પુછતાછ કરે છે. રાઠોડ તેને તેનાં સાગરીતો ક્યાં છે ? તે જણાવવા દબાણ કરે છે. રાઠોડનાં ઢાઈ કિલોનાં હાથનાં બે તમાચા ખાઈને નાયક પોપટની માફક બોલવા લાગે છે અને તેના સાગરીતોનાં પતા આપી દે છે.

          પોલીસ રાણાભાઈ રાવત ઉર્ફે શકીલ નામનાં બુટલેગરની તેના દારૂનાં અડ્ડા પરથી અને તેમની બીજી સાગરીત આસીફા ખાન ઉર્ફે મલ્લિકાની સુરતનાં દેહ વ્યાપાર માટે કુખ્યાત ' મજૂરા ગેટ ' નામનાં ' રેડ લાઈટ એરિયા ' માંથી ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવે છે.

          વિક્રમસિંહ રાઠોડ જેલનાં અંધારિયા રૂમમાં એક બલ્બનાં પ્રકાશમાં ત્રણેયને સામે બેસાડીને તેમની આકરી પુછતાછની શરૂઆત કરે છે.

" તો બોલો હવે તમે લોકોએ રાજેશ્વર સવાણી જેવા ઈજ્જતદાર માણસની હત્યા કેમ કરી ?? " આકરા અવાજે રાઠોડ ટેબલ પર દંડો ફટકારતાં બરાડી ઊઠ્યો.

          ધીમા અને ગભરાયેલા અવાજે મહિપાલ નાયક બોલ્યો, " ઈજ્જતદાર ? શેનો ઈજ્જતદાર ?? એ માણસ ખાલી દુનિયાની સામે ઈજ્જતદાર બનવાનો ઢોંગ કરતો હતો પરંતુ હકીકતમાં તે એક નાલાયક, બેશરમ, નીચ અને પ્રતિષ્ઠાહીન પુરુષ હતો. "

          રાઠોડ પ્રશ્નસૂચક નજરે બોલ્યો, " એટલે ? હું કાંઈ સમજ્યો નહીં. વિગતે બોલ શું કહેવા માંગે છે ? "

          નાયકનાં બદલે હવે શકીલે મૌનનાં કમાડ ઉઘાડયા અને બોલ્યો, " સાહેબ, રાજેશ્વર સવાણીને અઠવાડિયામાં બે થી ત્રણ વાર નવી - નવી યુવતીઓ સાથે વૈભવી હોટલોમાં રાતને રંગીન બનાવવાનો શોખ હતો. તે એક છોકરીથી ધરાઈ ગયા બાદ તેને દરેક વખતે એક નવી છોકરીની તલપ રહેતી હતી. "

" પરંતુ તમે એની હત્યા કેમ કરી ? "

          હવે નાયક વાતને આગળ વધારતાં કહે છે - " હું નેતા હોવાથી અમારી વચ્ચે વ્યાવસાયિક અને રાજનૈતિક સંબંધનાં બીજ રોપાયા હતાં. અમારા સંબંધની જાણ મારા બાળપણનાં મિત્ર શકીલને થઈ હતી અને તેણે રાજેશ્વર સવાણીનું અપહરણ કરીને તેના પરિવાર પાસેથી સો કરોડ રૂપિયા પડાવીને આખી જિંદગી લહેણી કરવાનો કારસો ઘડયો અને મને વાત કરી. "

          નાયક વાત કરતાં - કરતાં થોડી વાર માટે થોભે છે.  ત્યારબાદ આસીફા ખાન ઉર્ફે મલ્લિકા તેની વાતને આગળ ધપાવે છે -

" આ રીતનાં ' હનીટ્રેપ ' નાં ષડયંત્રને અંજામ આપવા તેમને એક ખૂબસૂરત અને હોંશિયાર યુવતીની તલાશ હતી. જેને જોતાં જ રાજેશ્વર સવાણી મંત્રમુગ્ધ થઈ જાય અને તેની કામનાઓ એ યુવતીને મેળવવા આતુર થઈ જાય. શકીલ અમારા ' બજાર ' માં ઘણી વાર આવતો હતો અને તે મને ઓળખતો પણ હતો. તેથી તેણે મને 10 કરોડ આપવાની લાલચે આ ષડયંત્રમાં સામેલ કરી. ત્યારબાદ અમે રાજેશ્વર સવાણીને મારા રૂપની મોહજાળમાં લલચાવીને રંગીન રાતની લિજ્જત માણવા સુરત શહેરથી દૂર સુરત - ભરૂચ હાઈ-વે પર આવેલ મહીપાલ નાયકનાં " જન્નત " નામનાં ફાર્મ - હાઉસમાં લઈ જઈ તેનું અપહરણ કરીને મબલખ રકમ મેળવી ધનવાન બનવા માંગતા હતા. "

          ટેબલ પર પડેલ થર્મોસમાંથી કૉફી પોતાના કપમાં ભરીને કૉફીની ચૂસકી લઈને વિક્રમસિંહ રાઠોડે કહ્યું, " પછી શું થયું આગળ ?? "

          વાતની ડોર નાયકે પકડી અને કહ્યું, " અમે સૌ મારી કારમાં બેસીને ફાર્મ-હાઉસ તરફ જવા આગળ વધી રહ્યાં હતાં. વચ્ચે આવતા ટોલનાકાને પાર કર્યા પછી રાજેશ્વર સવાણીની લાખ માગણીઓ બાદ અમે શરાબની બોટલ ખોલી અને ગાડીમાં જ પીવા લાગ્યાં. ત્યારબાદ દારૂનાં નશામાં તરબોળ રાજેશ્વર સવાણીનો શકીલ સાથે કોઈ વાતે ઝઘડો થઈ ગયો અને શકીલે ગુસ્સામાં આવીને પોતાની પાસેની બંદૂક બહાર કાઢીને સવાણીને એક ગોળી ધરબી દીધી. હું અને મલ્લિકા કંઈ સમજીએ તે પહેલા તો તેણેે ગાડીનો દરવાજો ખોલીને સવાણીને બહાર ધક્કો મારી દીધો. ત્યારબાદ અમે પણ ગભરાઈ ગયા અને કાર આગળ ચલાવી. અમે કાર લઈને ઘણા આગળ નીકળી ગયાં. હજુ પણ શકીલનાં મનમાં શંકા હતી કે, જો સવાણી જીવતો બચી ગયો હશે તો તે પોલીસને બધું જણાવી દેશે અને આપણે બધાં જેલ ભેગા થઈશું. તેથી તેણે મને કાર પાછી વળાવીને સવાણી ઉપરથી કાર ચલાવવાનું કહ્યું. મેં શકીલની વાત માનીને કાર સવાણી ઉપર ચડાવી દીધી અને ત્યારબાદ અમે પાછા સુરત આવવા માટે નીકળી ગયાં. "

          કોફીનો કપ ખાલી કરીને ટેબલ પર મુકતા રાઠોડે કહ્યું, " દિમાગ તો તમે ખૂબ દોડાવ્યું પરંતુ પોલીસથી તો કોઈ બચી નથી શકતું. તમે ત્રણેય અપહરણનો પ્રયાસ અને હત્યાનાં ગુનામાં લાંબા સમય માટે અંદર જશો. ઓફિસર્સ લઈ જાઓ આ હત્યારાઓને... "

          રાઠોડનાં મિત્ર પી.આઈ. માનસિંહ ઠાકોરને જ્યારે જાણ થાય છે કે રાઠોડે આ કેસ સુલજાવી દીધો તો તે તેનાં મિત્રને મળવા પોલીસ - સ્ટેશન આવી પહોંચે છે.

          બંને મિત્રો લાંબી વાતચીત બાદ છૂટા પડે છે અને માનસિંહ ઠાકોરને જતાં-જતાં એ હત્યારાઓને જોઈને જવાનું સૂઝે છે. એ જેલનાં સળિયામાં બંધ મલ્લિકાને જુએ છે અને માથું નીચું ઝુકાવીને ત્યાંથી ફટાફટ નીકળી જાય છે.

ખબર નહીં કેમ ???

********

લેખક :-  બાદલ સોલંકી " બાવલો છોરો "
              Whatsapp No :- 9106850269