Lakshay books and stories free download online pdf in Gujarati

લક્ષ્ય

અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજનું કેમ્પસ વિદ્યાર્થીઓનાં કોલાહલથી ગાજી રહ્યું હતું. દરેકની નજર મંડપની ઉપર ફસાઈ ગયેલા અને ત્યાંથી બહાર નીકળવા હવાતિયા મારતાં ગલુડિયા પર ટકેલી હતી. કૉલેજનાં ત્રિકોણાકાર કેમ્પસમાં રાત્રિ દરમિયાન સુર,તાલ અને લયનો ત્રિવેણી સંગમ ધરાવતો કાર્યક્રમ 'સપ્તક' રાખેલો હોવાથી જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીમાં શ્રોતાગણ ઠરી ન જાય તે માટે કેમ્પસને ચારેય બાજુથી અને ઉપર બીજા માળ સુધી કપડાથી ઢાંકી દેવામાં આવ્યું હતું. જયાં ગેલરીની થોડી જગ્યામાંથી નીકળી ને પેલું માસુમ ગલુડિયુ મંડપ ઉપર ફસાઈ ગયું હતું.

કેટલાક વિદ્યાર્થીઓ આ ઘટનાને હંમેશા પોતાની કૉલેજકાળની યાદોમાં જીવંત રાખવા ફોટા પાડતા હતાં. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાની વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્થાન આપવા ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતાં. કેટલાક વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિને હળવાશમાં લેતા અંદરોઅંદર હસી-મજાક કરી રહ્યાં હતાં, તો વળી કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વણમાંગ્યા સલાહ-સૂચનોની આપ-લે કરતાં દેખાઈ રહ્યાં હતાં અને અમુક તો કહેતાં હતાં કે,

" આ ગલુડિયાને તો હવે કોઈ નહીં બચાવી શકે. તેને નિયતિએ આટલું આયુષ્ય ભોગવવા જ મોકલ્યું હશે. "

કૉલેજનાં પટાવાળાઓે અને સિક્યોરિટીવાળાઓ એ તેને ત્યાંથી બહાર નીકાળવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પ્રયત્ન કારગર નીવડ્યો ન હતો. ગલુડિયું આકુળ-વ્યાકુળ થઈને મંડપ પર આમ-તેમ ચક્કર લગાવતું હતું પરંતુ દરેકને ભય હતો કે, તે મંડપ વચ્ચેની પેલી ખુલ્લી જગ્યામાંથી પડી ન જાય.

ત્યાં તો પૂર્વ દિશા તરફથી સૂર્ય જેવો તેજસ્વી લાગતો યુવાન હવાને ચીરતો તે સ્થળે પહોંચી ગયો. થોડીવારમાં તે સંપૂર્ણ પરિસ્થિતિને પારખી ગયો અને પોતાના મિત્રનો એક હાથ પકડી અને બે પગ હળવે રહીને મંડપ પર મૂકીને બીજા હાથ વડે ગલુડિયાને પોતાની તરફ બોલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. દરેક લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બધાંને ભય હતો કે, આ ગલુડિયાને બચાવતા આ વીરલો પડી ન જાય તો સારું !!

ગલુડિયુ થોડીવારમાં ત્યાં પહોંચી ગયું અને તે યુવાને તેને એક હાથથી ઉગામીને છાતી સરસું ચાપ્યું અને તેના મિત્રને ઉપર ખેંચવાનો ઈશારો કર્યો. ગલુડિયાને નવજીવન મળી ગયું અને તે ઝડપથી જાણે નવું જીવન મળ્યાની ખુશીમાં ત્યાંથી દોડતું-દોડતું ક્યાંક અદ્રશ્ય થઈ ગયું.

તો બીજી તરફ ગેલરીમાં ઉભા રહીને જોતાં દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર્સ આ યુવાનની બહાદુરીને તાળીઓથી વધાવીને તેને દિલોજાનથી સન્માનિત કરી રહ્યાં હતાં.

આ ભીડમાં જ સામેલ એક વ્યક્તિ હતી જે આ યુવાનની બહાદુરી જોઈને અતિ પ્રભાવિત થઈ ઉઠી હતી. નામ એનું મોસમ. હા મોસમ, જેમ કવિઓ વિવિધ મોસમને નિહાળીને પોતાની સર્જન પ્રતિભાને કાગળ ઉપર ચીતરતા હોય છે, તેમ કૉલેજનાં કવિઓ (મજનુઓ) પણ કૉલેજની આ મોસમ માટે કવિતાઓ લખીને તેને પ્રભાવિત કરવાનાં પ્રયત્નો કરી ચૂક્યા હતાં પણ એટલી સહેલાઈથી મોહિત થઈ જાય તે મોસમ શેની !!!

પરંતુ આ સમયે તો મોસમને મોહિત કરનારો મોહિત જ હતો, મોહિત માલવીયા. મોહિત કૉલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મજબૂત બાંધો, ગોરો વાન, છ ફૂટ ઊંચાઈ, સ્માર્ટ અને સંસ્કારી મોહિત યુનિવર્સિટીનાં એન.સી.સી. ડિપાર્ટમેન્ટમાં સારી એવી નામના ધરાવતો હતો અને કૉલજનાં બધાં પ્રોફેસરોનો પ્રિય વિદ્યાર્થી પણ હતો. મોહિતની પાછળ ઘણી છોકરીઓ મોહિત હતી પરંતુ મોહિતને તો ફક્ત તેનું લક્ષ્ય જ મોહિત કરી શકતું હતું.

મોસમને મોહિત મનોમન ગમવા લાગ્યો હતો પરંતુ તે તેની સાથે ઓળખાણ કેવી રીતે બનાવવી ? તેના રસ્તા શોધતી હતી. તેણે મોહિત ની ક્લાસમેટ અનન્યાને પોતાની ફ્રેન્ડ બનાવી લીધી.

એક દિવસ મોસમ એ અનન્યાને કૉલેજનાં કેન્ટીનમાં લઈ જઈને વાત કરી,

" અનન્યા, તું મોહિતને ઓળખે છે ને ?? " વાતની શરૂઆત કરતાં મોસમ બોલી.

" મોહિત કે જે મારા ક્લાસમાં ભણે છે તે ? " અનન્યા એ વાતનો પ્રત્યુત્તર આપતા કહ્યું.

" હા, તે જ મારે તેની સાથે ફ્રેન્ડશીપ કરવી છે." થોડા સંકોચ સાથે અને ધીમા અવાજે મોસમે કહ્યું.

" ફ્રેન્ડશીપ કે પછી લવશીપ ??" અનન્યા તેનાં આગવા અંદાજમાં બોલી ઉઠી.

" ના...ના... એવું કંઈ નથી." સહેજ શરમાતા મોસમે મોઢું નીચું ઢાંકી દીધું.

" હું બધું જાણું છું પણ મને તેના બદલામાં શું મળશે એ કહે પહેલા ?"

" તારે શું જોઈએ છે વળી ??"

થોડો વિચાર કર્યા બાદ અનન્યા બોલી, " તમારી લવશીપ થઈ જાય તો તારે મને પાર્ટી આપવાની રહેશે. ડન ?"

" ઓકે, બાબા ડન." મોસમ અનન્યાની સામે હાથ જોડીને નતમસ્તક થઈને બોલી.

ત્યારબાદ તો અનન્યા એ મોસમ અને મોહિતની ફ્રેન્ડશીપ કરાવી લીધી. સમય મુઠ્ઠીમાં રહેલી રેતીની માફક સરકતો હતો. તો મોસમ પણ મોહિતનાં દિલની ખૂબ નજીક પહોંચી ચૂકી હતી.

એક દિવસ તો મોસમ ઘરેથી અરીસાની સામે ઊભી રહીને પ્રતિજ્ઞા લઈને જ નીકળી હતી કે,

" આજે તો કંઈ પણ થાય પણ મોહિતને પ્રપોઝ કરી જ લેવું છે. આર યા પારની પ્રેમરૂપી લડાઈ લડી જ લેવી છે."

મોસમ વાયુવેગે પોતાની સ્કૂટી લઈને કૉલેજ પહોંચી ગઈ. અનન્યા જોડે મોહિતને વાત પહોંચાડી દીધી કે તેને મોહિત સાથે અગત્યની વાત કરવી છે, તેથી તે તેની કૉલેજનાં ગાર્ડનમાં રાહ જુએ છે.

સવારનાં ઠંડા પહોરમાં જ્યારે કૉલેજનાં ગાર્ડનની ઘાસ પર પાણીનાં શ્વેત બિંદુઓ સૂર્યનાં આછા તાપથી 'કોહિનૂર'ની માફક ચમકતા હતાં. પંખીઓ પણ તેમના મનગમતા સાથી સાથે પ્રેમનાં મધુરા ગીતો ગાવામાં વ્યસ્ત જણાતાં હતા. મદમસ્ત પવન જાણે વૃક્ષનાં હરિત પર્ણોને કાનમાં કંઈક કહેતો સુસકારા મારીને વહી રહ્યો હતો. સમગ્ર કુદરત જાણે આજે તો પ્રેમનાં રંગમાં રંગાઈ ગઈ હોય તેવું અદ્ભૂત વાતાવરણ સર્જાયું હતું.

" બોલ મોસમ, શું કામ હતું કે મને અહીં બોલાવ્યો ?" પીઠ ફેરવીને ઊભેલી મોસમને પોતાની તરફ બોલાવતા મોહિતે કહ્યું.

" મોહિત, મારે તને ઘણા સમયથી એક વાત કહેવી છે પણ મારાથી તને કહેવાની હિંમત ન હતી થતી. આજે કોઈ પણ ભોગે તને એ વાત કહી જ નાખવી છે." મોસમ મોહિતની સામે જોઈને હળવા પરંતુ મક્કમ અવાજે બોલી ગઈ.

"બોલ ને ગાંડી મારાથી તે વળી શું શરમાવાનું !! જે હોય તે બિંદાસ કહી નાખ." મોહિત મોસમની સામે આંખો માં આંખ નાખીને હળવા મિજાજ સાથે બોલ્યો.

" મોહિત, આઈ લવ યુ." સહેજ સંકોચ અને દ્રઢ અવાજે મોસમે કહ્યું. " શું તું પણ મને પ્રેમ કરે છે ?"

થોડો વિચાર કર્યા બાદ મોહિત બોલ્યો,

" મોસમ, તું એક સારી છોકરી છે. કોઈ પણ યુવાન પોતાની ભાવિ પત્નીમાં શોધે તે બધાં જ ગુણ તારામાં છે. હું તને મારી સાચી મિત્ર માનું છું પણ હું તારી જોડે લગ્ન કરીને ઘર માંડવાનું વિચારી શકતો નથી."

" પણ કેમ ??"

મોહિતે કહ્યું, " કારણ કે, મારું એક લક્ષ્ય છે અને હું સંપૂર્ણ રીતે મારા લક્ષ્યને જ વફાદાર રહેવા માંગુ છું."

" શેનું લક્ષ્ય ? મને કંઈક તો કહે !!" મોસમ બોલી ઉઠી.

થોડો સમય શાંત રહ્યા બાદ મોહિત પુરા આત્મવિશ્વાસ સાથે બોલી ઉઠ્યો,

" હું ઈન્ડિયન આર્મીમાં જોડાવા માગું છું અને મારું સંપૂર્ણ જીવન આ દેશની શાંતિ અને સુખાકારી માટે અર્પણ કરવા ચાહું છું. તેથી હું કોઈ સામાજિક બંધનમાં બંધાઈને મારી ફરજ પ્રત્યે છૂટછાટ લેવા નથી માગતો. એક ફૌજી દેશ કાજે લડતાં- લડતાં ક્યારેય પણ શહીદી વહોરી શકે છે એટલે હું કોઈ સ્ત્રી જોડે પરણીને તેને જીવનભરનું દુઃખ દેવા નથી માંગતો."

મોસમ એકધારી મોહિતને જ જોઈ રહી હતી અને પછી બોલી,

" મોહિત, જો મને તું મળતો હોય તો હું તારા નામની લાલ ચુંદડી ઓઢવા પણ તૈયાર છું અને વિધવા બનીને જીવનભર સફેદ સાડી પહેરવા માટે પણ તૈયાર છું."

આટલું બોલીને મોસમ મોહિતને વળગી પડી અને તેને ચુંમવા લાગી. ઝાડ પર બેસીને ગીતો ગાતા પેલા પ્રેમીપંખીડાઓ પણ આ જોડીને જોઈને જાણે ઈર્ષા અનુભવતા હતા તો પવન પણ એમનું મિલન નિહાળીને વધારે ઉત્સાહમાં આવીને વહેવા લાગ્યો.

- બાદલ સોલંકી " બાવલો છોરો "
Whatsapp No :- 9106850269