ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-22

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા

પ્રકરણ-22

       સરયુનાં રૂમમાં બધાં આવી ગયેલાં ડો.ઇદ્રીશ અને ગુરુબાલકનાથજીની સૂચના મુજબ બધાએ પોતાની જગ્યા લીધી હતી. નીરુબહેન ધીમે ધીમે ખૂબ વ્હાલથી સરયુનાં માથે હાથ ફેરવી રહેલાં સરયુ ધીમે ધીમે આંખ ખોલી રહેલી. એણે આંખ ખોલી અને સામે મંમીને જોતાં જ એ એમને વળગી પડી. મંમી તમે ક્યાં હતાં ? આપણે અહીં ક્યાં છીએ ? મંમી તમે મને છોડીને ક્યાંય ના જતાં મને ડર લાગી રહ્યો છે. નીરુબહેને કહ્યું "અરે દીકરાં હું ક્યાંય નહીં જઊં હું તારી પાસે જ છું. તને શેનો ડર લાગે છે ? તારે કોઇ ડર રાખવાની જરૂર નથી. જો તારાં પાપા પણ અહીં છે એમ કહેતાં નવનીતરાય આગળ આવ્યાં. સરયુએ એમની તરફ જોતાં કહ્યું "પાપા તમે પણ સાથેજ રહેજો મને ખૂબ જ બીક લાગે છે. નવનીતરાયે કહ્યું" "અરે દીકરા ડરવાનું નહીં અમે બધાંજ સાથેજ છીએ જો તારી ખાસ મિત્ર અવની તારી સાથેજ બેઠી છે.

       સરયુંએ પડખું ફરીને જોયું બરાબર પાછળ સરયુની બાજુમાં જ અવની બેઠી હતી. સરયુએ રૂમમાં બધે નજર કરતાં કરતાં અવનીનો હાથ પકડી લીધો અવી તું સાથેજ છે ને ? યાદ છે ને ? તેં મને સાથ આપવા વચન આપ્યુ છે. અવની એ કહ્યું "સરયુ હર સમય હું તારી સાથે જ છું ક્યાંય નહીં જઉ. સરયુનાં રડી રડીને થાકેલાં ચહેરા ઉપર થોડુક સ્માઇલ આવી ગયું. એણે અવનીનો હાથ દાબીને ખુશી વ્યક્ત કરી. એણે દૂર પરવીનને બેઠેલી જોઇને કહ્યું "અરે પરવીન આંટી પણ છે ? કેમ છો આંટી ? પરવીન તરતજ ઉભી થઇને એની પાસે આવી ગઇ અને સરયુનાં માંથે હાથ ફેરવી કહ્યું" કેમ છે બેબી ? આર યુ ઓલ રાઇટ ? સરયુએ આંખનાં ઇશારે હા પાડી.

       નીરુબહેન પરવીન અને સરયુને જોઇ રહેલાં એમને પરવીનમાં પણ માતૃત્વની ઝલક જોઇ જે એમને સ્પર્શી ગઇ. એમની આંખમાંથી આંસુ નીકળી ગયાં. સરયુએ જોઇને કહ્યું" મંમી તમે કેમ રડો છો ? અને આપણે બધાં અહીં ક્યાં છીએ ? સરયુની નજર સ્વામીજી પર પડી એણે સૂતાં સૂતાં હાથ જોડી નસ્કાર કર્યા પૂછ્યું ગુરુજી પણ અહી છે ? ડોકટર અંકલ અરે બધાંજ અહીં છે ? આપણે અહીં ક્યાં છીએ ? શું કરીએ છીએ ? મને શું થયું છે ?

       નીરુબહેન કહે કંઇ નહીં દીકરા.... તું અહીં ટુરમાં આવી હતી અને બિમાર થઇ ગઇ હતી એટલે અમે અહીં છીએ એટલેજ બધાં આવ્યાં છીએ આપણે હવે તને સારું લાગે એટલે અહીંથી તરતજ ઘરે પાછાં જતાં રહીશું...... આટલું સાંભળતાં જ સરયુનાં હાવભાવ બદલાઇ ગયાં.... સરયુનો અચાનક ચહેરો બદલાઇ ગયો. એનાં ચહેરાં પર ક્રોધ છવાયો. આંખોનાં ડોળા કાઢી કહ્યું ક્યાં લઇ જવી છે મને અહીંથી ? હું ક્યાંય જવાની નથી. મારું જે તે એ અહીંજ છે. ખબરદાર મારી સાથે કોઇએ દગો કર્યો છે તો કોઇને નહીં છોડું પછી આકળબાકળ નજરે ચારેતરફ જોવા લાગી એનો શ્વાસ ધામણની જેમ ચાલવા લાગ્યો. એનાં શ્વાસનાં ઉતાર ચઢાવનો મોટો સીસોટી જેવો અવાજ થવા લાગ્યો એણે ત્રાંસી નજરે ઉપર તરફ જોયું પછી બોલી" તે કહ્યું એ સારું છે સ્તવન હું કોઇ ઉપર ભરોસો નહીં જ કરું બધાંજ ખોટાં છે તું મને લઇજાને તારી સાથે સ્તવન.

       બધાં સરયુનાં આવાં અચાનક ફેરફારથી સાવજ ડઘાઇ ગયાં હતાં કોને શું કરવું કાંઇ સમજાતું નહોતું એટલામાં ગુરુ બાલકનાથ આગળ આવીને સરયુને કહ્યું" બેટી તમે કહેશો એમજ થશે તમને કોઇ અહીંથી ક્યાંય નહીં લઇ જાય પણ તમારે ક્યાં જવું છે ? કોની સાથે જવું છે ? કેમ જવું છે ? તું અમને જે સત્ય છે એ જણાવ. તારી કોઈ વાત દાબીશ નહીં તારી સાથે તારાં જીવમાં શું રહસ્ય દાબીને પીડાઇ રહી છે ? તું મને જણાવ તું કહે બધુજ હું તને બધીજ મદદ કરીશ મારાં પર વિશ્વાસ રાખ તારે કોને મળવું છે ? કોને મેળવવો છે ?

       સરયુ અત્યાર સુધી ઉપર જોઇ રહી હતી. એનો ચહેરો ક્રોધથી લાલ હતો. વાળ વીખરાયેલાં હતાં એનાં આ રૌદ્ર સ્વરૂપ જોઇ બધાં ગભરાઇ ગયાં હતાં. સરયુએ ગુરુજીનાં શબ્દો સાંભળ્યા અને પહેલાં આશ્ચર્યથી એમની સામે જોઇ રહી પછી હાથનાં ઇશારાથી કહ્યું "તમે મને મેળવી આપશો ? પછી બોલી સાચેજ ? પછી એનાં હાવભાવ ધીમે ધીમે બદલાયા એનો ચહેરો શાંત થઇ ગયો અને એણે ખૂબજ આક્રન્દ કરવા માંડ્યું એ એટલું રડી રહી હતી કે હાજર બધાંની આંખમાંથી આંસુ આવી ગયાં. અવનીતો સરયુને વળગીનેજ રડવા લાગી એણે કહ્યું " શું વાત છે કેમ આટલી પીડાઇ રહી છે ? જે હોય એ કહી દેને. ગુરુજી એનું નિવારણ લાવશે. સરયુ અવનીને જોઇ રડી રહી એ કાંઇ બોલી શકી નહી ? થોડી વાર પછી એ ધમ્મ કરીને નીચે બેસી ગઇ. ડો.ઇદ્રીશ અત્યાર સુધી બધુ જોઇ રહેલાં એમણે કહ્યું થોડીવાર એને શાંત થવા દો પછી એમણે ગુરુજીને કહ્યું હવે આપણે કોઇ સચોટ રસ્તો વિચારીજ લેવો પડશે વારે વારે એને આવતાં હુમલાં એનાં મન પર અસર કરી એને નુકશાન પહોંચશે ક્યાતો એ મન પર કાબૂ ગુમાવી પાગલ થઇ જશે અથવા અચાનક એવું પગલું ભરી બેસશે કે આપણે બચાવવી અઘરી પડશે.

       ગુરુજીએ કહ્યું એનાં ગત જન્મનો કોઇ જીવ એની સતત અરસપરસ જ છે. આપણને દશ્યમાન નથી પણ એ એની સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરે છે મને પાકી ખાત્રી છે કે એ સરયુની આસપાસ જ ભ્રમણ કરી રહ્યો છે. હવે સચોટ ઉપાય એક જ છે કે તાંત્રિક વિધી યજ્ઞ કરીને એ આત્માને બોલાવી સરયુ સાથે સંવાદ કરાવી હકીકત જાણવી પડશે તોજ એનાં મન અને આત્માનું સમાધાન થશે એજ ઉકેલ ઉપાય છે તોજ સરયુનાં જીવનમાં શાંતિ આવશે.

       ગુરુજીએ કહ્યું "એણે જે મહાદેવનો ઉલ્લેખ કર્યો છે વારે વારે ત્યાં જ આ તાંત્રિક હવન યજ્ઞનું આયોજન કરીએ કોઇ પ્રચાર વિના તમે તપાસ કરીને ત્યાંના વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લો. શેનો અને કેમ યજ્ઞ કરવો છે એ જણાવવાની જરૂર નથી. જરૂર પડે મને સાથે લઇ જાવ હું કોઇ કારણ ઉભું કરીને જાણ કરીશ.

       અવની બોલી ઉઠીં અંકલ ત્યાં એક ચીફ સીક્યુરીટી ઓફીસર છે ઘણાં વરસોથી એમની ખાસી ઉંમર છે. એમનું નામ થોડુ યાદ કરીને કહું સૌરભસિંહ એમણેજ અમને મદદ કરેલી જરૂર પડે હું આવું. ત્યાં એમને વાત કરીશું. નવનીતરાયે કહ્યું આપણે આજેજ જઇને એમને કહીએ આ મહાદેવ મંદિરમાં અમારે હવન યજ્ઞ કરવો છે. ના નહીંજ પાડે. ગુરુજીએ કહ્યું તમે મને કહો એ સમયે આપણે જઇ આવીએ.

**************

                        શક્તિસિંહ, સુંદરસિંહ અને મદનસિંહ સીટીપેલેસની એડમીનીસ્ટ્રેટીવ ઓફીસમાં આવ્યાં. ત્યાં અંદર સૌરભસિંહ ચીફને જોઇને બધાં થોડાં ખચકાયા અને ચમક્યાં કે આવા સમયે આ ચાંપલો ચોકીદાર અહીં કેમ છે. મદનસિંહને સૌરભસિંહ ઉપર ખૂબજ ચીડ હતી એ એને કાયમ કટાક્ષમાં ઉતારી પાડવાં એમને ચોકીદાર કહેતો. સૌરભસિંહની ઊંમર મદનસિંહ કરતાં માંડ બે વર્ષ મોટી હશે. પરંતુ બંન્ને સરખી ઉંમરનાં લાગતાં પરંતુ મદનસિંહ એ પૃથ્વીરાજસિંહના હાથ નીચેનો આસીસ્ટન્ટ સુપર વાઇઝર હતો જ્યારે સૌરભસિંહ આખાં પેલેસનાં તથા બધા રાજદારી મિલ્કતોનાં સમગ્ર સીક્યુરીટી સ્ટાફનાં ચીફ હતાં. સાથે સાથે સૌરભસિંહ ખુબ વિનયી વફાદાર અને કડક મિજાજનો માણસ હતો એ કાંઇ ખોટું કરતો નહીં અને ચલાવતો નહીં એ મદનસિંહ જેવાઓની ઉપર ખાસ નજર પણ રાખતો એથી મદનસિંહની આંખમાં એ કણાંની જેમ ખૂંચતો પરંતુ સૌરભસિંહ ક્યારેય ગણકાણતો નહીં એને ખબર હતી કે મદનસિંહ એને પસંદ કરતો નથી.

       પહેલાંતો આ લોકો અંદર પ્રવેશ્યા અને સૌરભસિંહ અને મદનસિંહની આંખો પરસ્પર મળીને ચાર થઇ. સૌરભસિંહ જરા આશ્ચર્ય સાથે બીજા એની સાથે આવનાર આગંતુકોને જોઇ રહયાં આમેય સીક્યુરીટી ચીફ હતાં એમણે મદનસિંહને કહ્યું "મદનસિંહ તમારાં મિત્રોની મુલાકાત રજીસ્ટરમાં એન્ટ્રી કરીને પછી અંદર જજો કે બેસજો એ ધ્યાન રહે. મદનસિંહે કહ્યું હાં હું કરી લઉં છું એટલામાં શક્તિસિંહે કહ્યું "ના ના એવી કાંઇ જરૂર નથી આપણે ક્યાં અંદર જવું છે ? અમે બહારજ જઇએ છીએ તું મદનસિંહ બહાર આવ. મદનસિંહ થોડી ચીડ સાથે સૌરભસિહં સામે જોયું અને કહ્યું "હાં ચાલો બહારજ જઇએ. ત્યાંજ વાત કરીશું" સૌરભસિંહ વિચારમાં પડી ગયો. "અરે આ લોકો કોણ છે ? અને શું વાત કરવા માંગે ? એન્ટ્રી કરવા ના પાડી ? શું ગરબડ છે ? આ મદનસિંહ બીજા કયા પ્લાનમાં છે ? ઠીક છે હશે એમ કરી એ એમનાં કામમાં લાગ્યાં.

       મદનસિંહ - શક્તિસિંહ અને સુંદરસિંહ બધાં બહાર નીકળી ગયાં. અગાઉ પણ સૌરભસિંહએ બે ત્રણ વાર ચેતવણી આપી હતી. પણ એ આજે એની સાથે આવનાર બે વ્યક્તિએ ઓળખતો નહોતો.

       બહાર નીકળીને શક્તિસિંહે કહ્યું "સુંદરતું અંદર ગાડીમાં બેસ મદન તું આગળની બાજુમાં આવીજા એમ કહીને બધાં ગાડીમાં બેઠાં સુંદરસિંહ કહ્યું અરે જીજા ક્યાં જવું છે ? શક્તિસિંહે કહ્યું ક્યાંય જવું નથી. અહીં ગાડીમાં બેસીનેજ વાત પતાવીએ મારે વધારે સમય નહીં અપાય મારે પાછું બનેવીને મળવાનું છે પેલાને એ લોકો અહીં બોલાવવાનાં પ્લાનમાં છે. હું જાણી લઊં કે એ ક્યારે આવે છે.  

એતો હું એ જાણી લઇશ. પણ મદન તારી એક મદદ જોઇશે. મદને કહ્યું શું ? શક્તિસિંહે કહે અમારે મારી ભાણી સ્વાતીનાં લગ્ન પેલા સ્તવન સાથે થવા નથી દેવાનાં. કોઇપણ પ્રકારે લગ્ન રોકીને આ સુંદરસિંહ સાથે વિવાહ કરાવવાનાં છે. તો મદનસિંહ થોડી ઇર્ષ્યા અને અકળામણ સાથે બોલ્યો. "એમાં હું શું કામ સાથ આપું ? મારી તો નોકરી અને જીવ બંન્ને જાય મને શું ફાયદો ? આટલાં જોખમ લેવાથી ? શક્તિસિંહે કહ્યું "તારો ફાયદો ? તારો ફાયદો એજ કે હું તારો જીવ બચાવી રહ્યો છું. નહીંતર મને તો બનેવીએ કહીજ દીધું છે કે તને ઉડાવી દેવો. એમની દીકરીનાં તે એવાં ફોટા અને વીડીઓ લીધાં છે એ તને છોડશે નહીં બીજું આ કામ પુરુ થાય ત્યારે તને 10 લાખ આપીશું 5 લાખ પહેલાં અને 5 લાખ કામ પુરુ થયાં પછી પરંતુ એ તારે એમાં વફાદાર રહેવું પડશે બાકી તને અમે જીવતો નહીં છોડીએ.

       મદનસિંહ બે મીનીટ વિચારમાં પડી ગયો કે હું આવામાં ક્યાં ફસાયો ? શું સરે મને મારી નાંખવા કહ્યું છે ? અને આ લોકો મારી પાસે શું કામ કરાવવા માંગે છે ? પૈસા... ઠીક છે એણે કહ્યું મારે કામ શું કરવાનું છે ? શક્તિસિંહ કહ્યું "એ તને સમય આવે કહીશું અને એ તારે કરવુ પડશે એમ કહીને ગાડીમાં રાખેલી બેગ આપીને કહ્યું "આ તારા 5 લાખ એડવાન્સ પણ જો તું જરા પણ આધોપાછો થયો છું તો આ પૈસા પાછા ઓકાવીશ અને તને જાનથી મારી નાંખીશ. આજથી મેં તારી જાત અને તને સોપવાનું કામ આ સુંદરસિંહને સોંપી દીધું અને તારી સામેજ એને પણ હુકુમ કરું છું કે તેં કામ ના પતાવ્યું તો તને ગોળી મારી દે. મદનસિંહ તો ગભરાયો એણે કહ્યું વારે વારે મારવાનું કેમ કહો છો ? તમે જે કામ બતાવશો કરી દઇશ. શક્તિસિંહ કહ્યું ઠીક છે આ બેગ લઇને ઉતરી જા અમે જઇએ. હવે હું નહીં મળું પણ સુંદરસિંહ તારાં સંપર્કમાં રહેશે. એમ કહી મદનસિંહને ઉતારીને એ લોકો મારતી ગાડીએ ત્યાંથી નીકળી ગયાં.

       મદનસિંહ બેગ લઇને ઉતરી તો ગયો પરંતુ એને થયું હું આમાં ક્યાં ફસાયો ? હવે આમાંથી નીકળી પણ નહીં શકું. મેં ક્યાં આ ફોટા અને વીડીયો બધુ લીધું. આમેય સ્વાતી મારાં હાથમાં આવવાની જ નહોતી. ફાલતુમાં નજર બગાડી હવે જીવ જોખમમાં નાંખ્યો. પેલો ચાંપલા ચોકીદારે મને ના પાડી હતી ઠીક છે એમ કહી એ બેગ લઇ ઓફીસમાં આવ્યો. એણે સૌરભસિંહને એની જગ્યાએ જોયો નહીં એટલે થોડી શાંતિ થઇ એની જગ્યાએ જઇ થોડીવાર બેઠો અને પાછો બેગ લઇને એ ઓફીસની બહાર નીકળી એની બાઇકનાં ખાનામાં (કેરીયરમાં) બેગ મૂકીને પેલેસ બહાર નીકળી ગયો.

       સૌરભસિંહ આ લોકો ત્રણે ઓફીસમાંથી પાછાં બહાર નીકળ્યાં અને એ લોકો ગયાં. મદનસિંહ ઓફીસમાં આવી થોડી વાર બેસીને બેગ લઇને નીકળી ગયો બધું જ ઓફીસની ઉપરની અટારીમાંથી છૂપાઇને જોયુંજ હતું. એમને ચોક્કસ વહેમ પડી ગયો હતો કે જરૂર દાળમાં કંઇક કાળુ નહીં આખી દાળજ કાળી છે. મદનસિંહ ચોક્કસ કોઇ મોટાં ગોરખ ધંધાનાં પ્લાનમાં છે. એ થોડીવાર વિચારતો રહ્યો અને કોઇ મનમાં પાકો વિચાર કરીને ચપટી વગાડીને નીચે ઓફીસમાં આવીને ફોન લગાડ્યો.

*********

                   નવનીતરાય, નીરુબહેન બંન્ને ડો.જોષીને લઇને સીટીપેલેસ પહોંચી ગયાં. ત્યાં એડમીનીસ્ટ્રેટીવ ઓફીસમાં જઇને પુછ્યું કે ચીફ સૌરભસિંહ ક્યાં મળશે ? સૌરભસિંહની જગ્યાએ કોઇ યુવાન બેઠો હતો. એણે કહ્યું "સરને હવે રીટાયર્ડ થવા માટે માંડ એક મહિનો રહ્યો છે. હું એમની જગ્યાએ નિયુક્ત થયો છું છતાં સર અહીંજ હોય છે એ પેલેસમાં જ ક્યાંક હશે. તમે અહીં બેસો હું એમને જાણ કરું છું. ડો.જોષીને કહ્યું હું તો તમને મળેલ છું પેલા નવા ઓફીસરને કહ્યું "હું આપને જાણું છું આપ સીટીપેલેસની ડ્યુટીમાંજ છોને ? હું હજી હમણાં બે દિવસથી જ આવ્યો છું. ડો.જોષી કહે હાં હું અહીની પેનલમાં ડોક્ટર છું. હાં સર આપ બેસો હું સરને જાણ કરુ છું. પેલાં નવા ઓફીસરે સૌરભસિંહને ફોન કર્યો. સૌરભસિંહે તરતજ કહ્યું "જોષી સર અને આવનાર મહેમાનને અંદરજ મોકલી દે હું ગાર્ડન પાસેજ છું. અને પેલા ઓફીસરે ડો.જોષીને કહ્યું "સર અંદર ગાર્ડન પાસે છે ત્યાંજ બોલાવે છે એ ત્યાં કંઇક કામમાં છે. ડો.જોષી કહે ભલે અને બધાં અંદર ગયાં.

       ડો.જોષીએ સૌરભસિંહ સાથે નવનીતરાય અને નીરુબહેન ઓળખાણ કરાવી. સૌરભસિંહ કહે હા મને બધીજ વાતની જાણ છે. એમની દિકરી અહીં આવી ટુરમાં પછી બિમાર પડી છે. ડો.જોષીએ કહ્યું હાં બિમાર છે પણ એનાંથી યે વધુ કંઇ ગંભીર બાબત છે. જરાં ગળે ના ઉતરે એવું છે પણ એ વાત પછી કરીશું હાલ એ લોકો કોઇ પરમીશન લેવાં આવ્યા છે. સૌરભસિંહ થોડાંક આશ્ચર્ય સાથે પૂછ્યું ? શું વાત છે ? નવનીતરાયે સૌરભસિંહને કહ્યું અહીં ટુરમાં આવ્યા પછી એ બિમાર થઇ પણ સાથે સાથે અહીથી કોઇ જૂની યાદો કે જે વરસોની નહીં ગયા જન્મની છે અને તમને કહેવામાં વાંધો નથી તમને વિશ્વાસમાં લીધા વિના અને કંઇ કરી પણ નહીં શકીએ એમ કહીને સંક્ષિપ્તમાં સરયુની વાતો કહી અને પછી કહ્યું" અમારી વિનંતી આપને એજ છે કે અમારે અહીં આ મહાદેવનાં આગળનાં ચોકમાં હવનયજ્ઞ કરવો છે. અમારી સાથે અમારાં ગુરુજીને લાવ્યા છીએ અને એમનું જ આ સૂચન છે.

       સૌરભસિંહ તો સરયુની વાત સંક્ષિપ્તમાં સાંભળીને પણ વિચાર કરવાં માંડ્યા કે આ શું સાંભળી રહ્યો છું એમણે થોડીવાર વિચાર કર્યા પછી કહ્યું ભલે તમે કરી શકો છો પણ વધુ વ્યક્તઓ ના હોય એ જોજો કારણ કે આ રાજવી પરીવારનું મંદિર છે જોકે અહીં હવે ખાસ કોઇ આવતું નથી છતાં મારી જવાબદારી સાથે હું તમને હવન યજ્ઞની પરવાનગી આપું છું અને એક બીજી વાત કે તમે જ્યારે પણ હવન કરો ત્યારે હું અચૂક હાજર રહીશ. એક તો હવનયજ્ઞ દરમ્યાન તમને કોઇ મુશ્કેલી ના રહે ના કોઇ અટકાવે અને કોણ જાણે કેમ મને પણ રસ પડ્યો છે અને મારે જાણવું છે તથા ડો.જોષી તમારી સાથે જ આવ્યા છે એટલે મારે કાંઇ વધારે વિચારવાનું નથી તો તમારાં ગુરુજી સાથે ચર્ચા કરી નક્કી કરીને મને જણાવજો એમના ખીસામાંથી કાર્ડ નવનીતરાયને આપ્યું કહ્યું આમાં મારો પર્સનલ ફોન નંબર છે બધી માહિતી છે તમે મારો સંપર્ક ગમે ત્યારે કરી શકો છો આ સિવાય પણ કોઇ મદદની જરૂર હોય તો જણાવજો.

       નવનીતરાયે કહ્યું "તમારો ખૂબ ખૂબ આભાર તમારી આ મદદ હું ક્યારેય નહીં ભૂલી શંકુ પછી સરયુને અહીંથી હોટલમાં લઈ ગયાં એવી બધી સંક્ષપ્તિમાં ફરીથી માહિતી આપી. અને પછી સૌરભસિંહનો આભાર માની એ લોકો હોટલ જવા નીકળી ગયાં.

       એ લોકોનાં ગયાં પછી સૌરભસિંહ પોતાની ઓફીસમાં આવ્યા અને ખુરશી પર બેસી ઊંડા વિચારોમાં પડી ગયાં. એ કંઇક યાદ કરવાની કોશીશ કરી રહ્યાં હતાં. સરયુની વાતને ક્યાંક જોડીને વિચારોમાં પડી ગયાં હતાં. પછી પોતાની જાતનેજ પૂછવા લાગ્યાં આવું શક્ય છે ? આવું હોય ? આ છોકરી એજ.... એ ભૂતકાળનાં મોટી ખીણમાંજ જાણે ઉતરી ગયાં અને હવે એમને તાલાવેલી લાગી કે આ લોકો અહીં ક્યારે આવે. નવો આવેલો ઓફીસર એમને જોઇને વિચારમાં પડ્યો.

       નવનીતરાય -નીરુબહેન અને ડો.જોષી હોટલ પર પાછા આવ્યા પછી ડો.ઇદ્રીશ, ગુરુ બાલકનાથજી, પરવીન, અવની અને મારીયા બધાં બેઠાં હતાં સરયુ સૂઇ રહી હતી. એમણે ગુરુજીને કહ્યું" ગુરુજી આપણે તમાંરા રૂમમાં જઇએ. એટલે બધાં સરયુને અવની પાસે છોડીને ગુરુજીનાં રૂમમાં ગયાં. મળેલી પરવાનગીની વાત કરીને કહ્યું કે ખૂબ સારો સહયોગ મળેલ છે. બીજી મદદની પણ ઓફર કરી છે. ગુરુજીએ કહ્યું "આ ખૂબ સારી વાત થઇ ગઇ આમેય આપણે.. પછી અટકી ગયાં અને કહ્યું કે હું આજે જ ધ્યાનમાં બેસીશ. મારાં ગુરુની પરમીશન લઇશ. પંચાગમાં જોઇ સારુ મૂહૂર્ત કાઢીને નક્કી કરીશું આ દીકરીનાં જન્માક્ષરતો અહીં નહીં હોય પરંતુ એનો જ્ન્મ તારીખ વાર દિવસ અને સમય મને જણાવી દો હું બાકીની ગણત્રી કરી લઇશ. નીરુબહેને તરતજ ગુરુજીને એક કાગળમાં બધીજ વિગત લખીને આપી દીધી. ગુરુજીએ એ કાગળ હાથમાં લઇને તરતજ ગણત્રી કરવા માંડી. બાજુમાં રહેલા પંચાગમાં જોઇને. વાર, ગ્રહ, નક્ષત્ર, સરયુની કૂંડળી પ્રમાણે પ્રવેશતાં ગ્રહ એની ચાલ બધુ જોઇને કહ્યું તમે લોકો તૈયારી કરો હવે જે ગુરાવર આવે ત્યારે આપણે હવન યજ્ઞ કરીશું એટલે ગુરુ, શુક્ર, શનિ, સળંગ મને જે વારનાં દિવસો જોઇએ છે એ મળી જાય. એટલે તરતજ નીરુબહેન બોલ્યા આજે સોમવારતો થયો વચ્ચે બે દિવસજ રહ્યાં.

       ગુરુજીએ કહ્યું "હા માત્ર બે દિવસ જ છે હું તમને આજે લીસ્ટ આપું છું. એ તમે કોઇને સાથે રાખીને બધી ખરીદી કરી આવીને ત્યાં મહાદેવનાં મંદિરે પહોંચાડો ત્યાં વેદી તો હશેજ. બાકીનું હું સંભાળી લઇશ. નીરુબહેન કહે અમે એ કરી લઇશું નવનીતરાયે કહ્યું "આના અંગે આપણે સૌરભસિંહજીની મદદ લઇએ એમણે કહ્યુંજ છે. ગુરુજી કહ્યું ભલે હું તમને કલાકમાં લીસ્ટ આપી દઉ છું જે જરૂરી છે એજ લખું છું તમે પછી તૈયારીમાં લાગી જાવ.

****************

            નવનીતરાયે સૌરભસિંહને ફોન કર્યો કહ્યું સર અમારે તમારી મદદની જરૂર પડી છે. ગુરુવારે હવનયજ્ઞ માટે અમે બજારમાંથી લીસ્ટ પ્રમાણે ખરીદી કરી લઇશું પરંતુ અમુક વ્યવસ્થા ત્યાં મહાદેવમાંથી મળી શકે ? કારણ કે અમારા માટે બધુજ અજાણ્યું છે.

       સૌરભસિંહ કહ્યું “તમે બેફીકર રહો તમે તમારાં લીસ્ટ પ્રમાણે માત્ર સામગ્રી ખરીદી લો બાકીની વસ્તુઓની વ્યવસ્થા અમારાં અહીનાં પૂજારી પાસે હું કરાવી લઇશ. તમારે ગુરુવારે કરવાનો છે ને યજ્ઞ ? ત્યાં સુધીમાં અહીં બાકીની પાટલા, બાજઠ, અર્ધ્ય આપવાની લાકડાની સ્ત્રવા.. પછી આસનો અને યજ્ઞ કુંડ વેદી બુધુંજ તૈયાર મળશે. અહીંનાં પૂજારીને હું આજેજ સૂચના આપી દઉં છું નવનીતરા કહે તમારો ખૂબજ આભાર હું પૂજારીને દક્ષિણા અને ખર્ચ આપી દઇશ. સૌરભસિંહે હસતાં હસતાં કહ્યું એ ધર્મે અને શ્રધ્ધાની વાત છે એ પછી જોયું જશે અહીંયા તમારી જરૂરીયાત બધીજ પુરી થઇ જશે. નિશ્ચિત રહેજો.

       નવનીતરાયે આભાર માની ફોન મૂક્યો. નવનીતરાયને તૈયારી જોઇએ એની નિશ્ચિતંતાં થઇ ગઇ. પછી નીરુબહેનને કહ્યું પરવીન અવની ડો.ઇદ્રીશ બધાં સરયુ સાથે છેજ તો આપણે બન્ને ખરીદી કરી આવીએ.

       નીરુબહેન થોડીવાર એમની સામે જોયું પછી બોલ્યાં “ ના નવનીત તમે ગુરુજી પાસે બેસો. હું અને પરવીન બજારમાં જઇશું બધી ખરીદી કરવા અને પછી બધો જ સામાન અમે લોકો સીટી પેલેસ જ થઇને મૂકી આવીશું એ બહાને અમે ત્યાં જોઇ આવીશું બધું. નવનીતરાય વિચારમાં પડી ગયાં પછી તરત કહ્યું "તમને જેમ ઠીક લાગે એમ.

       બધીજ વ્યવસ્થા પ્રમાણે ગુરુજીએ એમનાં હવન યજ્ઞ અંગે વિધીની તૈયારી ડો.ઇદ્રીશે ગમે ત્યારે જે સારવાર કરવી પડે એમ ડો.જોષીને સાથે રાખીને એ તૈયાર રહ્યાં. અવની સરયુની સાથેને સાથે જ હતી. રઝીયા આ લોકોનાં બધાની ચા નાસ્તો અને જમવાની બધી વ્યવસ્થા જોતી હતી.

       સરયુનાં માથે હાથ ફરેવીને નીરુબહેન અને પરવીન બંન્ને સાથે ટેક્ષીમાં બજારની માહિતી લઇને ખરીદી કરવાં નીકળી ગયાં. પરવીનને આજે પ્રથમ અનુભવ હતો નીરુબહેન સાથે ખરીદી કરવા જવાનો. આમ તો ઘરે અને ઓફીસે કંઇને કંઇ કામ માટે મળવાનું થતુંજ. પરંતુ આજે સરયુનાં કામમાં એમની સાથે રાખીને કરી રહેલાં એને ખૂબ સારું લાગી રહેલું એને મુસ્લીમ હોવાનું જણાતુંજ નહોતું.

·        * * * *

       સ્વાતી અને સ્તવન બંન્ને ખૂબજ ખુશ હતાં. બંન્નેનાં કુંટુંબીજનોનો સહર્ષ સ્વીકાર સુરેશચંદ્ર સારો દિવસ જોઇને સ્તવનને કહ્યું હતું કે દીકરા આવતાં સોમવારે તું જવા નીકળી જજે અમે તારા વિવાહની તૈયારી કરીને પાછળ જ આવી જઇશું મને એવું લાગે પહેલાં તુ જા પછી 2/3 દિવસ પછી અમે આવી જઇશું. સાથે નથી જવું. ભલે બધીજ સરસ વાત થઇ છે એ લોકોએ સરસ સ્વીકાર્યું છે આપણને મળવા માંગે છે પણ તારી મુલાકાતમાં બધુંજ નક્કી થઇ જશે. ખબર પડી જશે અને અમે એ પ્રમાણે તૈયારી કરીને પાછળ જ આવી જઇશું. ભગવાનની કૃપા હોયને જે રીતે વિચારીએ છીએ એવું સુખરૂપ પાર ઉતરે તો અમે એનાં માટે ધરાવા સાડીઓ મીઠાઇ બધુજ લઇને આવીશું.

       સ્તવન કહે તમે કોઇ ચિંતા ના કરો બધુ સારુ જ થશે મને સ્વાતીએ ફોનમાં જે રીતે કહ્યું છે એ પ્રમાણે બધું સારી રીતેજ નિપટશે. મંમી -પપ્પા તમે નિશ્ચિંત રહો. તમારી વાત પણ સાચી છે. પહેલાં હું જઇને મળી લઉં હું કોઇને ક્યારેય નથી મળ્યો. બીજું ખાસ કે હું અહીંથી પહેલાં દેવધરકાકાનાં ઘરે જઇશ. અને એમણે કહ્યું છે એ પ્રમાણે હું એમની સાથેજ જઇશ મારાં વડીલ તરીકે એ સાથે આવશે એટલે ચિંતા નથી હું ત્યાંથીજ તમને ફોન કરીશ પછીનાં બે દિવસમાં તમે લોકો આવી જજો. દેવધરકાકાએ કહ્યું જ છે કે તમારે એમનાં ઘરેજ ઉતારો કરવાનો છે. સુરેશચંદ્રએ કહ્યું "અરે દીકરા અમે કોઇ હોટલમાં ઉતરી જઇશું. નાહક કોઇને .. એ પુરુ કરે પહેલાં સ્તવને કહ્યું "ના પાપા એમને ખરાબ લાગશે. એવો કોઇ સંકોચ રાખવાની જરૂર નથી. હું સ્ટેશનથી તમને સીધા એમનાં ઘરેજ લઇ જઇશ. એની મંમીએ કહ્યું" બસ ભગવાન બધુ અમૂસૂતરૂ પાર ઉતારે દીકરાં. તો પછી અમે પણ બધા પેલેસ વિગેરે તમારી લોકેની સાથે જોઇશું સ્તવને કહ્યું "જરૂર મંમી બધે સાથે જ ફરીશું

 

પ્રકરણ  22 સમાપ્ત

       સ્તવન નક્કી કરેલા દિવસે સ્વાતીનાં કુટુબીજનોને મળવા વડોદરાથી જયપુર આવવા નીકળી ગયો. પરમાત્માએ આગળ શું લેખ લખ્યાં છે આ પ્રેમી પારેવડાનાં? બધુ સુખરૂપ પાર ઉતરશે કે વિધ્ન નડશે ? રસપ્રચૂર વર્તા આગળ વાંચો ઉજળીં પ્રીતનાં પડછાયા કાળા……….

***

Rate & Review

Verified icon

Swati Kothari 4 weeks ago

Verified icon

Vasu Patel 2 months ago

Verified icon

Vaishali 2 months ago

Verified icon

Bharat 3 months ago

Verified icon

Jigar Shah 4 months ago