Spandan books and stories free download online pdf in Gujarati

“સ્પંદન.”

“સ્પંદન.”

(શબ્દ સંખ્યા:- ૧૬૭૭)

“અરે! કશો વાંધો નહી. હું બસ-સ્ટૉપ પર બેસી રહીશ. મોબાઈલ છે ને, ટાઈમ નીકળી જશે.”

આટલું કહી હું હેડફોન કાનમાં ભરાવી ચાલતો થયો. નીરજને જ બહાર જવું છે તો હું બે ચાર કલાક એના ઘરે રોકાઈને એનો પ્રોગ્રામ કેમ બગાડું? એમ વિચારી હું મારી બેગ ઉઠાવી ચાલતો થયો. બસ-સ્ટૉપ ગામથી ત્રણ કિલોમીટર દૂર હતું. ગીતો સાંભળતા સાંભળતા અડધી કલાકે હું બસ-સ્ટૉપ પર પહોંચ્યો.સાંજના સાત વાગ્યાનો સમય હતો. ઘટાદાર વૃક્ષોએ એ સિંગલપટ્ટી રોડને ઘેરી રાખ્યો હતો.આજુબાજુ ઘેરું જંગલ હતું.દૂરથી આવતા હોઈએ તો બસ-સ્ટૉપ તો દેખાય જ નહી.આ બધું જોઇને જ મને ડર લાગવા માંડ્યો. જોકે નીરજે મને કહ્યું હતું કે આ જંગલમાં હિંસક પ્રાણીઓ નથી અને જે થોડાંઘણાં છે એ બસ-સ્ટૉપ સુધી નથી આવતાં. તો પણ એ જંગલમાંથીથોડી-થોડીવારેસંભળાતો એમનો અવાજ મને ડરાવી રહ્યો હતો. બે કલાક એ સૂમસામ જગ્યા ઉપર કેમ નીકળે? એજ વિચારે હું મોબાઈલમાંમંડ્યો. દસેક મિનિટ પછી એક બસ આવીને થોડીવાર માટેઊભી રહી અને પાછી ઊપડી. બસની પાછળથી એક યુવતી પ્રગટ થઈ. કદાચ એ યુવતીને ખબર ન હતી કે હું પણ બસ-સ્ટૉપની અંદર રેલીંગ ઉપર બેઠો છું. પણ મને એ યુવતીને જોઇને ખુશી થઈ. લગભગ એક કલાક પછી કોઈ જીવ જોયો એટલે ધરપત થઈ. મને એમ હતું કે એ યુવતી ગામ તરફ ચાલતી પકડશે પણ એ યુવતી બસ-સ્ટૉપ ઉપર આવીને વ્યાકુળ મુદ્રામાં ઊભી રહી ગઈ.

હળવું હળવું અંધારું હતું. જોકે ચાંદનીએ એટલો પ્રકાશ પાથરી રાખ્યો હતો કે સામસામે બેઠેલા વ્યક્તિનો ચહેરો દેખાય. વાદળો થોડીવાર ચાંદને છુપાવી દેતાં તો ક્યારેક ચાંદની ધરા ઉપર હાવી થઈ જતી.

હું બસ-સ્ટૉપની છત નીચે બેઠો હતો એટલે ચાંદનીનો પ્રકાશ મારા ઉપર નહોતો પડતો. કદાચ એટલેજ હું એનાં જોવામાં ન આવ્યો. દેખાવેએની ઉંમર લગભગ ચોવીસ-પચીસ વર્ષ લાગી રહી હતી. ચાંદનીનાં પ્રકાશમાં એનો રંગ ઘઉંવર્ણો જણાતો હતો, એણે ટાઈટ બ્લુ જીન્સ અને ટાઈટ બ્લેક ટીશર્ટ પહેર્યું હતું. હાઈ હિલ સેંડલના કારણે એ હાલક ડોલક થતી ત્યારે એના નિતંબ આકર્ષક લાગતાં હતાં. સુમસામ રસ્તા ઉપર એકલી સુંદર યુવતી મારા મનમાં કુતૂહલ જગાવી રહી હતી. થોડી મિનિટોમાં તો મને કેટલાય વિચારો આવી ગયા. આસપાસ કોઈ નથી અને સુમસામ જંગલ છે. જો એકવાર હાથમાં આવી જાય તો? હું એની તરફ આકર્ષાયો, મને એને માણવાની ઇચ્છા થવા લાગી. હું એજ વિચારોમાં ખોવાયો હતો કે કેવી રીતે જાળ બિછાવું અને આ માછલી મારી લપેટમાં આવી જાય? એ આમતેમ આંટાફેરા કરવા લાગી, હાથમાં રહેલો મોબાઈલ ઉપર નીચે કરવા લાગી.

કદાચ એના મોબાઈલમાં સિગ્નલ નહોતાં મળતાં. મને વાતની શરૂઆત કરવાનો મોકો મળી ગયો.

“શું પ્રોબ્લેમ છે મેમ?”

“ઓહ! માય ગોડ.” છાતી ઉપર હાથ રાખતાં એ ડરી ગઈ. એનો ચહેરો ડઘાઈ ગયો હતો.

“હું તો ડરી જ ગઈ.”

“સોરી મેમ,તમને ડરાવવાનો મારો કોઈ જ ઇરાદો ન હતો, મને લાગે છે તમને કંઇક પ્રોબ્લેમ છે.”

“હા, હું ખોટી બસમાં ચડી ગઈ હતી અને આ હું કેવી જગ્યાએ ઉતરી ગઈ?”

“કશો વાંધો નહી, તમારે કઈ બસમાં બેસવાનું હતું?”

“મારી બસ હમણાં જ આવે છે.”

“ઓહ! ઓકે.”

એમ કહી હું એને પગથી માથા સુધી જોઈ રહ્યો. મારી અંદરનો કામદેવ જાગી ગયો હતો. મેં તેણીને પૂછ્યું.

“તમારે અહીં નહોતું ઉતરવું જોઈતું. તમને ડર નથી લાગતો?”

“ડર? કેવો ડર? જો હું ડરતી જ હોત તો આમ એકલી મુસાફરી કરવા જ ન નીકળતી.”

આમ અમારી વાતચીતનો દોર શરૂ થયો.વાતો કરતાં જાણવા મળ્યું કે એ જે બસમાં બેસવાની છે એ રૂટની બસ મારી બસથી પહેલા આવી જશે. વાતો કરતાં કરતાં એ મારી બાજુમાં આવીને બેસી ગઈ. મેં મારી બેગમાં પડેલી પાણીની બોટલ સામે ધરી.

“ના, છે મારી પાસે. અને તમારી બસ આવે એ પહેલા મારી બસ આવી જશે એટલે તમને જરૂર પડશે.”

એમ કહી એ પર્સમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીવા લાગી. એ જયારે પાણી પી રહી હતી ત્યારે મારું ધ્યાન એના ગુલાબી હોઠ ઉપર જ હતું. પાણી પીતાં પીતાં થોડું પાણી સરકતું સરકતું એની હડપચી ઉપર થઈને એના વક્ષસ્થળ તરફ પ્રયાણ કરી રહ્યું જે જોઇને મારું ગળું સુકાવા લાગ્યું. મારું ધ્યાન એ સરકી રહેલા પાણીના ટીપાઓ ઉપર જ હતું. એ મારી નજર પારખી ગઈ હોય એ રીતે મારી સામે ફાંટી આંખે જોવા લાગી અને તરત જ એક હાથ ટી-શર્ટની અંદર નાખી પાણી સાફ કર્યું. જયારે એણે હાથ અંદર નાખ્યો એ સમયે મારું ધ્યાન ત્યાંજ હતું. એણે બ્લેક કલરની બ્રા પહેરી હતી. કેમ પ્રસ્તાવ મુકવો? કેમ ફસાવવી? હું હજી તો એજ વિચારી રહ્યો હતો ને એણે મને પૂછ્યું.

“તમે અહીંના લોકલ છો?”.

“જી, હું એક એન.જી.ઓ સાથે જોડાયેલો છું. ગામડાઓમાં ફરવાનું; વસ્તી નિયંત્રણ માટે સર્વે કરવાનું અને એ અંગે લોકોને શિક્ષણ આપી જાગૃત કરવાના. બે દિવસ અહીં જ એક મિત્રના ઘરે રોકાયો હતો હવે ઘરે જઈ રહ્યો છું. કોપર ટી, નિરોધ તેમજ સેનેટરી નૅપ્કિનનો ઉપયોગ કરવા આજે પણ ગામડાં ગામમાં રહેતા લોકો છોછ અનુભવતા હોય છે, બસ મારે એમને આ બાબતે જાગૃત કરવાના અને જરૂર પડ્યે પૂરતું માર્ગદર્શન પૂરું પાડવાનું.”

“વાહ! સરસ કામગીરી કરી રહ્યા છો.”

એટલું કહેતાં એ ઉભી થઈ અને રોડ ઉપર જઈ બસ આવે છે કે કેમ એ જોવા લાગી..

“મેડમ, બસ આવશે તો લાઈટ દેખાશે. તમે બેસો.”

એ મટક મટક ચાલતી આવી મારી બાજુમાં બેસતાં બેસતાં બોલી, “અચ્છા, તો કોપર-ટી કેટલા પ્રકારના આવે છે?”

“જી, બ....મમ...મ..,” કેમ જવાબ આપું? મને ખબર જ ન હતી. હું જાણું છું એવો ડોળ કરતા મેં મારી બેગ ખોલી પાણીની બોટલ કાઢી પાણી પીધું. મને લાગ્યું એ યુવતીને પણ એવી જ વાતોમાં રસ છે. હું આવું બધું જાણું છું કે નહી એનાથી શું ફાયદો? પણ એ મારી સાથે આવી જ વાતો કરવા માંગે છે.

“જી, હું કોપર-ટી વિશે તો વધારે નથી જાણતો, પણ નિરોધ વિશે જાણકારી છે. બાય ધ વે તમે શું કરો છો? તમારું નામ શું છે? આ એરિયાથી પરિચિત છો?”

“રેશમા નામ છે મારું. હું ડોક્ટર છું. આ તરફ અવારનવાર આવવાનું થાય છે, પણ આજે ઉતાવળમાં ખોટી બસ પકડી લીધી.”

“સારું થયુંને. એ બહાને આપણે મળ્યા! મારી બસ હજુ દોઢ કલાક રહીને આવશે. જોકે મારે તો કોઈ ઉતાવળ નથી. આમેય ઘરે કોઈ વાટ જોવાવાળું નથી. પણ થાકી જવાયું છે એટલે એમ થાય કે ઘરે જલદી પહોંચીએ તો થોડો આરામ થાય.”

એમ કહી મેં અંગત વાતો શરૂકરી.

“તમે મેરીડ છો?”

“જી, હું સિંગલ મેરીડ છું?”

“મતલબ?”

“મતલબ મારા હસબંડ પણ ડોક્ટર છે અને પતિ-પત્ની બંનેનું ડોક્ટર હોવું એટલે સિંગલ હોવા બરાબર છે.”

“જી, હું સમજ્યો નહીં.”

“મતલબ મારા હસબંડ અમે જે શહેરમાં રહીએ છીએ ત્યાંથી દૂર એક સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે. અઠવાડિયામાં એકવાર ઘરે આવે તો એમ લાગે કે મેરીડ છું, બાકી તો સિંગલ જ કહેવાય ને?”

એમ કહેતાં એ હસી પડી...

“હું પણ પરણેલો સિંગલ છું. જોકે મારો કિસ્સો અલગ છે. એક વર્ષ પહેલા મારા લગ્ન થયાં હતાં પણ એના સપનાઓ ઊંચા હતા અને હું રહ્યો સાધારણ પગારનોખાનગી કર્મચારી. બસ એ કારણે જ અમારે વાંકું પડી ગયું.”

“હા, એ તો જેવી જેની વિચારધારા. મારા પતિ જ જુઓને. મારી સાથે કેટલું કો-ઑપરેટ કરી રહ્યા છે.”

“એમાં કો-ઑપરેટની વાત જ ક્યાં છે? બાળકોની જિંદગી માટે અને ભવિષ્ય માટે એટલું તો કરવું જ રહ્યું ને.”

“ના, એમ વાત નથી. વાત તો એમ છે કે હું એચ.આઈ.વી.પૉઝિટિવ છું. તમે વિચારો એ મારી સાથે કેટલું કો-ઑપરેટ કરતા હશે? એ તો ડોક્ટર છે, એ ધારે તો બીજી પરણીને લાવે. અમારા લગ્નને ત્રણ વર્ષ થયાં.શું એમને બાળકો નહી જોઈતા હોય? મેં એમને કેટલી વખત કહ્યું કે આપણે એકાદ બાળક દતક લઇ લઈએ. પણ એ મારી વાત માનતા જ નથી.”

“ઓહ! માય ગોડ! એમ કેમ? તમારા હસબન્ડને તો..”

“ના એ મારી જ એક પેશન્ટની ડિલિવરી સમયે મને ઇન્ફેક્શન થયું, જો કે એ મારી જ બેદરકારી હતી.”

“ઓહ! વેરી બેડ.”

ડોક્ટરની વાત સાંભળીને મારા તો જાણે મોતિયા જ મરી ગયા. મેં છેલ્લા અડધા કલાકમાં કરેલા વિચારોનું તો જાણે ફીંડલુ જ વળી ગયું. સારું થયું એણે મને કહ્યું. નહીંતર હવે પછીની વાતોમાં હું એને શું નું શું કહેવાનો હતો.

“હા, ખરું કહેવાય. આજકાલ સારા માણસો ક્યાં મળે જ છે? જુઓને મારી પત્નીની જ વાત કરું તો એ તો કેવી મોટી મોટી ડિમાન્ડ કરતી હતી. એક સ્કૂટી લેવા માટે ના પાડી તો ઘર છોડીને જતી રહી. એ તો સારું છે કે મારે કોઈ બાળક નથી, જો બાળક હોતું તો મારી તો જિંદગી જ ખરાબ થઈ જતી ને?”

ત્યારબાદ અમે બીજો અડધો કલાક બેઠા.ખૂબ બધી વાતો કરી. મેં મારી અંગત અંગત વાતો એને જણાવી. એકાદ કલાક પછી એની બસ આવી ગઈ, એ એનું કાર્ડ આપીને જતી રહી અને ત્યારબાદ અડધા કલાક પછી મારી પણ બસ આવી ગઈ. મને એને માણવાનો મોકો ન મળ્યો અને એક એચ.આઈ.વી.પૉઝિટિવ સાથે સંબંધ બાંધવામાં પણ કેટલું રિસ્ક? જોકે એને પામવા હું એની પાસે કેટલું બધું ખોટું બોલ્યો? બસમાં બેઠા બેઠા જ હું મારા માથા ઉપર ટપલી મારવા લાગ્યો. જે થયું તે, પણ મારો બે કલાક જેવો સમય પસાર કરી ગઈ.

******

એક વર્ષ પછી મારે સરકારી કામથી એના શહેરમાં જવાનું થયું. મને થયું એકવાર મળી આવું. એ બહાને તબિયત પણ પૂછાઈ જશે. સાંજનો સમય હતો. પાકીટમાંથી એનું કાર્ડ કાઢ્યું અને એ સરનામાં મુજબ રીક્ષા પકડી એના દવાખાને પહોંચ્યો..

“સાહેબ, દવાખાનું તો બંધ છે.” રીક્ષાવાળાએ કહ્યું..

“અરે! ડોક્ટરનું ઘર તો અહીં જ છે ને?”

“હા સાહેબ, ઉપર બીજા માળે રહે છે.”

હું પગથિયાં ચડી ગયો. ડોરબેલ મારી.. લગભગ બે મિનિટ જેટલા સમય બાદ ડોર ખૂલ્યું..

“અરે! તમે? આવો આવો.” એમ કહેતાં એણે મને મીઠો આવકાર આપ્યો ને સોફા ઉપર બેસવા કહ્યું.

એણે સફેદ ગાઉન પહેર્યું હતું. એનું પેટ બહાર નીકળેલું હતું. જોઈને તો એમજ લાગતું હતું કે એ છ સાત મહિનાથી પ્રેગનેન્ટ હોય. એ મારા માટે પાણી લાવી સામે બેસી ગઈ.

“શું લેશો? ચા બનાવું કે ઠંડુ?”

“અરે! કશું જ નહી. આ તો અહીં આવ્યો હતો, તો થયું કે જરા મળતો જાઉં અને તબિયત પાણી પૂછતો જાઉં .”

“સારું થયું તમે આવ્યા. તમે બેસો, ચા વગર તો હું તમને નહીં જ જવા દઉં.”

એમ કહી એ ધીમા પગલે રસોડામાં જતી રહી. એક વર્ષમાં એના શરીરમાં ઘણા ફેરફાર થઈ ગયા હતા. કે કદાચ આજે એ ગાઉનમાં છે એટલે મને એવું લાગે છે! થોડીવારમાં એ ચા લઈને આવી. મેં ચા પીધી, એના પેટ તરફ નજર કરતા પૂછ્યું..

“પેટને શું થયું?”

“તેણી હસવા લાગી, ચાનો ખાલી કપ ટિપાઈ પરથી ઉપાડતાં બોલી,

“એ તો હું પ્રેગનેન્ટ છું.” એમ કહી એ હસવા લાગી.

“તો તમે મારી સામે ખોટું બોલ્યાં હતાં ને?”

“ઓહ! તે દિવસે? તમે પણ ક્યાં સાચું બોલ્યા હતા?”

અને અમે બંને હસી પડ્યા. એણે મુખવાસ-દાની મારી સામે કરી. મેં ધાણાદાળ મોમાં નાખી અને કહ્યું.

“ચાલો તો હું નીકળું. એ બાજુ આવવાનું થાય તો ઘરે આવજો.”

“ચોક્કસ..”

એમ કહીને હું પગથીયા ઉતરતા સ્વગત બબડ્યો.

“સ્ત્રીઓ પુરુષના સ્પંદનો પકડી અને ઈરાદાઓ પારખી જતી હોય છે પણ પુરુષો નથી પારખી શકતા એવું ક્યાંક વાંચ્યું હતું, અનુભવ પણ કરી લીધો.”

સમાપ્ત.

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com