નિજાનંદ - મનસ્વીની ચાહત

નિજાનંદ - મનસ્વીની ચાહત

પ્રસ્તાવના


આ મનસ્વીની ચાહત વાર્તા વાંચી  રહેલ દરેકે દરેક મનસ્વીઓને અર્પણ કે  જેમણે આખી જિંદગી પોતાનું વિચાર્યા વગર નિસ્વાર્થ ભાવથી આખી જિંદગી પરિવાર અને સ્વજનો માટેજ જીવી. પોતાના સપનાઓ સામુ જોયું પણ નહીં અને દરેક સ્થિતિનો દ્રઢતા થી સામનો કરી અનેક પરિવારોને તાર્યા.

*****


હાશ...!!! ચાલો, આ દીકરાના લગ્નનો છેલ્લો પ્રસંગ પણ સુખરૂપ પાર પડ્યો...મનસ્વી સોફા ઉપર બેસતા સામેની દીવાલ પર લાગેલા સમીરના આદમ કદના ફોટા સામે જોઇને બોલી ઊઠી...


ખૂબ જ થાક હતો...કેટલા બધા દિવસની દોડાદોડી અને એણે એકલે હાથે બધું સુખરૂપ પાર પાડયું એનો સંતોષ એના ચેહરા પર ઝળકી રહ્યો હતો ! હા, પ્રણવ હતો જે એને સતત સધિયારો આપતો અને જરૂર પડે ત્યાં મદદ પણ કરતો હતો. બાકી કુટુંબીઓ તો ખાલી નામના જ અને ખોડ કાઢવા પૂરતા જ હતા.


મનસ્વી ને સોફા ઉપરથી ઊભા થવાનું મન જ નહતું થતું કહોને કે તાકાત જ નહતી રહી એટલી હદે એ નીચોવાઈ ગઈ હતી ! એને થયું કે થોડીવાર આમ આંખ બંધ કરીને અહીંયા જ શાંતિ થી બેસી રહું...પણ મન એમ ક્યાં માનવાનું હતું ! એ તો નીકળી ગયું વિતેલા વર્ષોની સફરમાં...


નજર સમક્ષ બાળપણથી માંડી અત્યાર સુધીના ચિત્રોની હારમાળા સર્જાવા લાગી...


એ પહોંચી ગઇ પોતાના બાળપણમાં જ્યાં એ માતાપિતાનું અળખામણું સંતાન હતી. બે બહેનો પર આવેલી મનસ્વીએ માતાપિતાનું એક દિકરા માટેનું સપનું રોળ્યું હતું ! હવે ચોથું બાળક તો પોસાય એવું નહતું એટલે બધી અકળામણ નાનકડી મનસ્વી પર નીકળતી હતી...એની બંને બહેનો ને જ મહત્વ અપાતું અને એમની બધી ઈચ્છા પૂરી કરવામાં આવતી. મનસ્વીનું તો જાણે કોઈ અસ્તિત્વ જ નહતુ ! ફોઈએ ભલે ને મનસ્વી નામ પાડતા તો પાડી દીધું પણ એને ક્યારેય મનનું ધાર્યું કરવાની છૂટ જ ન મળી...!!! એટલેજ મનસ્વી પણ જાણે બધાથી અલિપ્ત થતી જતી હતી અને એની લાગણીઓ કેનવાસ પર ઉતારતા શીખી ગઈ હતી.


આમજ મનસ્વીના દિવસો વિતતા હતા અને એની જિંદગીમાં એક ખૂબ સુરત વળાંક આવ્યો. કોલેજમાં ભણતી મનસ્વીની જિંદગીમાં પ્રણવનો પ્રવેશ થયો. એનો સહાધ્યાયી જે ભણવામાં એના જેટલો જ હોશિયાર હતો. પ્રણવે મનસ્વી માં રહેલી શક્તિઓને જાણી અને હંમેશા એને પ્રોત્સાહન પૂરું પાડ્યું. કોલેજના આ ત્રણ વર્ષો મનસ્વી માટે સ્વપ્નવત બની રહ્યા...!!! હંમેશા ગુમસુમ રહેતી મનસ્વી હવે થોડા પોતાના વિચારો પણ રજૂ કરતી થઈ હતી ! નવા સપનાં જોતા શીખી ! એનામાં એક નવા જ આવિશ્વસ નો સંચય થયો. અને આ બદલાવનું કારણ હતું પ્રણવ. પ્રણવ... એક ખુબસુરત એહસાસ...એક સપનું...!!! જેને એના માતાપિતા એ પૂરું જ ના થવા દીધું.


મનસ્વીની આગળ ભણવાની ઈચ્છા પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું અને શરૂ થઈ એક યોગ્ય મુરતિયાની શોધ. હજી પણ એ સાંજની યાદ મનસ્વીને એટલીજ આહત કરી જાય છે જ્યારે એ પ્રણવને માફી માંગવા મળી હતી. પ્રણવે તો હંમેશા મનસ્વીની લાગણીને જ માન આપ્યું હતું એટલે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના મનસ્વીને એ લાગણીના બંધનમાંથી મુક્ત કરી દીધી. જોકે મનોમન આજીવન અપરણિત રહેવાનો નિર્ણય તો કરીજ દીધો અને એટલેજ વધુ અભ્યાસ માટે વિદેશ ઉપડી ગયો.


મનસ્વીના લગ્ન સમીર જોડે કરાવવામાં આવ્યા. મનસ્વીને હતું કે હવે કદાચ એને પણ એની રીતે જીવવાની તક મળે. અને એણે એક સપનું જોયું...


મને પણ ઉડવા માટે હવે
પાંખ મળશે !


મારા સપનાને એક નવી
ઉડાન મળશે !


શ્વાસ લેવા માટે મને પણ થોડી
મોકળાશ મળશે !


હવે...મને પણ મારું એક
આકાશ મળશે !


લગન પછી મનસ્વીનો એક નવીજ દુનિયામાં પ્રવેશ થયો. કહોને કે, સોનાનું પાંજરું જ વળી...!!! પૈસે ટકે ખૂબ જ સુખી એક નો એક દીકરો પણ સમીર નો સ્વભાવ એકદમ જુનવાણી. હજી પણ જુની ઘરેડનું જીવન જીવતો માણસ હતો એ ! મનસ્વી ને પણ એવું જ જીવન જીવવાની ફરજ પાડવામાં આવી. સાડીમાં જ રહેવાનું, આમ જ કરવાનું અને આમ તો કરાય જ નઈ...એવી સૂચનાઓ વચ્ચે એને ગૂંગળામણ થતી તો પણ એ તાલમેલ સાધવા પૂરતો પ્રયત્ન કરતી હતી. એવામાં એની જિંદગીમાં શ્રવણનું આગમન થયું, એનો દીકરો...


શ્રવણ જાણે મનસ્વી ને જીવન બળ પૂરું પાડતો હોય એમ એની બધી ફરિયાદ દૂર થતી ગઈ. જ્યારે શ્રવણ પંદર વરસ નો થયો ત્યારે અચાનક જ સમીર ને હાર્ટ એટેક આવ્યો અને એનું દેહાંત થયું. આ સમાચારની જાણ થતા જ પ્રણવ, મનસ્વી ને મળવા દોડી આવ્યો. સત્તર વર્ષ પછી આજે એ બંને આમને સામને થયા. મનસ્વીને જ્યારે વાત વાતમાં ખબર પડી કે પ્રણવ હજી અપરણિત છે ત્યારે ખૂબ જ દુઃખ થયું. એણે પ્રણવને સમજાવવાનો  પ્રયત્ન કર્યો પણ એ પોતાના નિર્ણય પર અફર રહ્યો.


બીજી તરફ ઘણા સંબંધીઓ એ મનસ્વીને બીજા લગન માટે સમજાવવા પ્રયત્ન કર્યો પણ એ ના માની. એણે સમિરનો ધંધો બહુ જલ્દી સંભાળી લીધો અને આ કામમાં એને પ્રણવે ખૂબ જ મદદ કરી. મનસ્વી માટે હવે એનો દીકરો જ એની દુનિયા હતી. એ શ્રવણને યોગ્ય બનાવવાના યજ્ઞમાં લાગી ગઈ. વચ્ચે વચ્ચે પ્રણવને લઇ ને સગા સંબંધીના મહેણા અને સતામણી તો ચાલુ જ રહી...!!! પણ એ બંને નો સંબંધ હવે મૈત્રી થી વધારે અને પ્રણય થી ઓછો હતો. એક નવા જ સંબંધ ની શરૂઆત...પ્લેટોનિક લવ... એકબીજાની લાગણીઓ ને માન આપવું અને એકબીજાના પૂરક બનીને રહેવું એજ હવે એમના સંબંધ નો પાયો હતો. શ્રવણે પણ મમ્મીનાં આ મિત્ર ને સહર્ષ સ્વીકારી લીધા હતા. પ્રણવ હવે એમની દુનિયાનો હિસ્સો જ બની ગયો હતો. શ્રવણનો બેસ્ટ બડી.


મોટા થઈ ને શ્રવણ વધુ અભ્યાસ માટે વિદેશ  ગયો. પણ એનામાં એની મમ્મીના સંસ્કારની સારી એવી અસર હતી એટલે એ અભ્યાસ પૂર્ણ કરીને મમ્મીને સાથ આપવા દેશમાં પરત થયો. પછી મનસ્વીએ ધીમે ધીમે એને ધંધામાં આગળ કર્યો અને આખરે શ્રવણને જ ધંધાની બધી બાગડોળ સોંપી દીધી. એણે શ્રવણ માટે એક ઓછી ખૂબસુરત પણ સમજુ છોકરી- "નમ્રતા" શોધી અને એની જોડે રંગેચંગે લગન પતાવ્યા.


મનસ્વી એ નક્કી જ કર્યું હતું કે દીકરાના લગન પછી ઘરની બધી જ જવાબદારી પુત્રવધૂને સોંપવી અને જરૂર લાગે ત્યાં જ માર્ગદર્શન આપવું. હવે એને મનગમતી સુગંધ નો શ્વાસ લેવો હતો...!!! હવેે...પોતાના માટે જીવવું હતું...!!! પોતાના નિજાનંદ માટે...


મનસ્વી ના આ નિર્ણયમાં એના દીકરા અને પુત્રવધુની સંમતિ હતી તો પ્રણવનો સાથ. પ્રણવે જ એને એના જૂના સપનાની યાદ અપાવી હતી. લગનના થોડા દિવસ પહેલા જ પ્રણવે કેનવાસ અને ઘણા બધા રંગો સહિત ની સામગ્રી મનસ્વીને લાવી આપી હતી.


એ રંગો જે હવે મનસ્વીની કલ્પનામાં રંગ પુરાવાના હતા એની યાદ આવતા જ મનસ્વી ના શરીરમાં જાણે નવું જોમ આવી ગયું અને મનમાં એક વિચાર...


અને એ સાથે જ એના કદમ એના નિજાનંદ ની દિશામાં આગળ વધ્યા...!!!


માતાપિતા ની છત્રછાયામાં ઘણુ જીવી,


હવે થોડો પોતાનો છાયડો શોધી જોવું !


પતિના કદમો પર તો બહુ ચાલી,


હવે થોડા મારા પગલાં પાડી જોવું !


દુનિયાની ખુશી માટે તો ઘણું જીવી,


હવે તો...નિજાનંદ માટે જીવી જોવું !


તર્કવિતર્ક ની જીંદગી છોડી,


નિજાનંદમાં પૂર્ણતા ને પામી જોવું !


*****મિત્રો અને સ્નેહીઓ મારી આ પહેલી સ્ટોરી હતી જેને મેં મારી શક્તિ મુજબ વાચા  આપવા પ્રયત્ન કર્યો છે. તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે.

જય જીનેન્દ્ર...

***

Rate & Review

Daksha Gala 1 month ago

patel 1 month ago

1

nihi honey 2 months ago

Abhishek Patalia 2 months ago

Bhakti Thanki 3 months ago

Share