બદલાવ...

બદલાવ
          એક અજાણ કથા....
          ભાગ-1 
       
        
            અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટેરવાથી બદલાતી ન્યુઝ ચેનલોમાં કંઇક શોધતો અજય આજે બેબાકળોં લાગતો હતો.એટલે જ આજે અઠવાડીયામાં બીજી વાર એણે દારૂની  બોટલ ખોલી.ટેબલ પર નવી ખોલેલી બોટલ લગભગ અડધી પુરી થઇ ગઇ.ગ્લાસની બાજુમાં ખાલી થઇ ચુકેલી તીખાં ચેવડાની ડીશ પડેલી હતી અને ડાઇનીંગ ટેબલ પર આખી ભરેલી પણ ઢાંકેલી જમવાની થાળી જાણે હવે થાકી હોય એવી દેખાતી હતી.અજયની પત્નિ રૂપા પણ કયાંરની થાકીને એકલી જ બેડરૂમમાં ઉંઘી ગયેલી. દિવાલે ટીંગાયેલી મોટી ઘડીયાલ રાતના 2.45 ના સમયે પહોંચી હતી.બીજે દિવસે રવિવાર હોવાથી અજયને નોકરી પર જવાનું ટેન્સન ન હતું.પણ કંઇક મોટું ટેન્સન એને અંદરથી ખાઇ રહ્યું હતું એવો એ બેચેન લાગતો હતો.અજયની આજુબાજુ રહેતા લોકોને બહારથી એ સુખી-સંપન્ન છે એવું મજબુત દેખાતું.કારણકે એક પ્રાઇવેટ બેંકમાં બ્રાંચ મેનેજર.દસ મહિના પહેલા નવો ખરીદેલો ફલેટ.છ મહિના પહેલા જ એક સુંદર સ્ત્રી સાથે થયેલા લગ્ન.ઘરમાં બે જ વ્યકિત રહેવાવાળા.હજુ તો સંસારની શરૂઆત જ કરેલી.બાળકોની જવાબદારીઓનું પોટલું માથા પર આવ્યું ન હતું.લોકોને આ બત્રીસ વર્ષના યુવાનની ઇર્ષા થતી.પણ અજયને જાણે જીવનમાં કોઇ વાતની ખુશી ન હોય એમ એ નિરાશાનાં ભાવથી વશ હતો.નિરાશાથી બચવા જ  એણે નશાનો સહારો લીધો.ખુબ દારૂ પીધા પછી એની માનસીક સ્થીતી પણ શારીરીક સ્થીતીની જેમ જ ડામાડોળ અને બેકાબુ હતી.એવામાં એના મોબાઇલની રીંગ વાગી.સોફામાં પડેલો મોબાઇલ બહું પ્રયત્ને હાથમાં પકડાયોં.નશામાં એ મોટેથી બબડયોં “અત્યાંરે કોણ નવરું છે?” અજાણ્યોં નંબર દેખાયોં. “હેલો.....હા અજય શર્મા બોલું છું......તમે કોણ?.....જેક...હે? કોણ જેક?” જીભ ખુબ લથડાતી હોવાથી અજયે બોલવાનું બંધ કર્યું.પણ સામે છેડેથી આવતા અવાજને સાંભળતો રહ્યોં.વાત પુરી થઇ અને જયાંરે અજયને સમજાઇ તો એણે સોફા પરથી ઉભા થવા પ્રયત્ન કર્યોં પણ ચકચુર નશામાં  એ નીચે જ ફસડાઇ પડયોં.મોબાઇલ પણ એટલો દુર ફેંકાયો કે ફરી હાથમાં ન આવ્યોં અને અજય ત્યાં જ પડી રહ્યોં.અને બેભાન થઇ ઉંઘી ગયો.
                   સવારે આઠ વાગ્યેં રૂપા જે અજયની પત્નિ હતી એણે જગાડયોં.અજયની આંખ ખુલી તો નવાઇ પામ્યોં.એની પત્નિ બહું જ પ્રેમથી એનું નામ લઇ એને બોલાવતી હતી.અચાનક મળેલા પ્રેમથી એ જાગી ગયો.ઘડીયાલમાં આઠ વાગીને પાંચ મીનીટ થઇ હતી.એ ઉતાવળે સીધો જ પોતાના બાથરૂમમાં જતો રહયોં.ફટાફટ તૈયાર થઇ સોફા પર બેઠોં.રૂપા ત્યાં એના માટે ચા અને નાસ્તો લઇને આવી.અજયનાં અચરજ વચ્ચે એ ત્યાં જ ઉભી રહી.રોજ ઝગડો કરતી પત્નિ આજે આટલા પ્રેમથી વર્તે છે એ સુખદ આઘાતમાંથી અજય હજુ બહાર ન નીકળ્યોં ત્યાં રૂપા બોલી “તમારો સાત વાગ્યાંનો એલાર્મ આજે નથી વગડયોં.” તરત જ અજયને મોબાઇલ યાદ આવ્યોં.એણે મોબાઇલ શોધવા આજુબાજુ નજર કરી.ત્યાં તો રૂપા ડાઇનીંગ ટેબલ પરથી મોબાઇલ લઇ આવી, જે અસ્તવ્યસ્ત અને તુટેલી હાલતમાં બંધ હતો. “આ કેવી રીતે તુટયોં?” અજયે સવાલ કર્યોં. “સવારે તમે અને આ મોબાઇલ નીચે પડેલા હતા.બીજુ હું કંઇ નથી જાણતી.તમારી તબીયત સારી ન હોય તો આજે ઘરે જ આરામ કરો.બપોરે મારા હાથની ગરમ રસોઇ ખવડાવું.” અજયે રૂપા સામે એવી રીતે જોયું જાણે મહિનાઓ પછી રૂપાને આ રૂપમાં જોઇ.માથા પર હાથ ઘસતા એ બોલ્યોં “મને કશું યાદ નથી આવતું.રાત્રે શું બન્યું?હું નીચે કેવીરીતે સુઇ ગયો? હું તો ટીવીમાં ન્યુઝ જોતો હતો.પછી શું થયું એ મને કંઇ જ યાદ નથી આવતું.” રૂપા પ્રેમથી અને ધીમા અવાજે બોલી “તમે જયાંરે પણ નશો કરો છો ત્યાંરે તમને કશું જ યાદ રહેતું નથી.હવે દારૂ ન પીશો....પ્લીઝ.” અજય જાણે રૂપાની વાત માની જ જવાનો હોય એમ એનું હકારમાં માથું હલ્યું.એ પછી અજય ઉભો થઇ બેંક પર  જવા ઘરેથી નીકળી ગયો.
                    બેંકમાં પોતાની ચેમ્બરમાં પહોંચીને તરત જ અજયે ચપરાસી સોમુ ને બોલાવી મોબાઇલની કંપનીનાં સર્વીસ સેન્ટરમાં રીપેર માટે પોતાનો બંધ મોબાઇલ આપ્યોં.ઓફીસનાં મોબાઇલમાં સીમકાર્ડ ચડાવ્યું.ચપરાસી સોમુ તરત જ બોલ્યોં “સાહેબ, આમાં મેમરીકાર્ડ પણ હોય તો કાઢી લો.નહિંતર કંપનીવાળા રાખી લેશે ને હું બદનામ થઇશ.” અજયે મોબાઇલમાં જોયું તો મેમરીકાર્ડ ન હતું.મોબાઇલ પાછો આપતા સોમુને કહયું “નથી, કયાંક પડી ગયું લાગે છે.જવા દે અમથુંય એમાં કશું ન હતું.માત્ર મારા લગ્નનાં અમુક ફોટા હતા.” સોમુ ચાલ્યોં ગયો.સોમુ ઉપર થોડા મહિના પહેલા અજયની નીચેના સ્ટાફે મોબાઇલ ચોરીનો આરોપ લગાવેલો.તમામ પરીસ્થીતી એના ચોર હોવાની સાક્ષી બનતી હોય એવું અજયને લાગ્યું હતુ પણ એ માનવા તૈયાર ન હતો.ત્યાંરે અજયે એને ગુસ્સામાં માર માર્યોં હતો.અને બીજા દિવસે સોમુના મિત્રોએ બેંકમાં બબાલ કરેલી.અને સોમુએ તો અજયને ધમકી આપેલી કે તમારી જાણ બહાર તમને બરબાદ કરી દઇશ.સોમુ મુળ ઓરીસ્સાનો છે.પણ પછી મોબાઇલચોર તો કોઇ બીજો જ નીકળ્યોં હતો.ત્યાંરે અજયે સોમુને ફરી નોકરી પર રાખી મુદ્દાને ટેમ્પરરી શાંત કર્યોં હતો.       
             અજય મુળ રાજસ્થાની પણ નાનપણથી એનાં મામાને ઘરે સુરતમાં જ ભણીને મોટો થયો.એના મામા મામી હવે ન હતા.અજયનાં માતાપિતા હજુ રાજસ્થાનના પાલી ગામમાં રહેતા.ત્યાં એનો મોટો ભાઇ એમની સંભાળ રાખતો.અજયને સારી નોકરી મળી પછી એના લગ્ન પણ થયાં.રૂપા મુળ આબુરોડની રહેવાસી હતી.જયાંથી આબુની પહાડીઓ ચાલુ થાય છે.એના માતાપિતા બાળપણમાં જ એને છોડીને ઉપર જતા રહ્યાં હતા.રૂપાનાં મોટાભાઇ નરોતમે જ એને મોટી કરી પરણાવી હતી.નરોતમ આબુરોડમાં એક હોટલ ચલાવતોં.
                   હવે અજયે પોતાના ‘રુટીન’ કામો પતાવ્યાં.અમુક મીટીંગો,લોનનાં એગ્રીમેન્ટ વિગેરે બધું કાર્ય પુરુ કરી બપોરે બે વાગ્યેં જમવાનું યાદ આવતા બાજુના એક રેસ્ટોરન્ટમાં ગયો.રેસ્ટોરન્ટમાં અચાનક એનો કોલેજ સમયનો ખાસ મિત્ર રોહિત મળી ગયો.          “અરે અજય!! શું વાત છે? સારું થયું તું અહિં મળી ગયો!!” રોહિતે વિચારોમાં ખોવાયેલા અજયને જગાડયોં.બંન્ને મિત્રો એક વર્ષ પછી મળ્યાં અને ભેંટયાં.જમવાનું સાથે મંગાવ્યું.રોહિત એક વર્ષથી અમેરીકામાં સ્થીર થયેલો અજયનાં લગ્નમાં પણ આવી શકયોં ન હતો.રોહિત પણ મુળ પાલી ગામનો જ એટલે બંન્ને ઘણાં વર્ષો થયે ખાસ મિત્રો હતા.
           “રોહિત તું અચાનક?? અમેરીકાથી કયાંરે આવ્યોં?” 
“અરે યાર, અમેરીકાથી તો ત્રણ દિવસ થયાં, પણ સુરતમાં આજે સવારે જ આવ્યોં.તને એક કલાક સુધી ફોન કર્યાં પણ તારો ફોન બંધ જ આવતો હતો.”
ઘણીબધી સામાન્ય વાતો થઇ.પછી રોહિતે અચાનક અજયને અસામાન્ય સવાલ કર્યોં “તો યાર, કેવો ચાલે છે તમારો હસબન્ડ વાઇફનો સંસાર?” રોહિતની નજર અજયનાં ચહેરે સ્થીર થઇ.બે ક્ષણ જ અજયથી સુખી હોવાનો અભિનય થયો.પણ છતાં એ બોલ્યોં 
“બસ બધું જ ફાઇન છે.ચાલે છે બરાબર.” 
“અજય, મને એવું લાગે છે કે તું કંઇક છુપાવે છે?”
“કેમ તને એવું લાગે છે?”
“જો અજય, ફેસબુક,ઇન્સ્ટાગ્રામ કે વોટસએપનાં તારા એક પણ એકાઉન્ટમાં તે ભાભીનાં ફોટા શેર નથી કર્યાં.કોઇ ઉપાડી નહિં જાય તારી વાઇફને!!”
“ના રોહિત એવું નથી.હું સંકુચીત મગજનો નથી.પણ દોસ્ત એવો ‘મુડ’ આવતો નથી.અને ‘મુડ’ પણ કયાંથી આવે?” થોડીવાર વિચારવા માટે મૌન થયેલા અજયે ફરી કહ્યું “આજ સુધી હું ઘણું છુપાવતો આવ્યોં છું.પણ હવે તું મારી કમનસીબી સાંભળ.યાર લગ્નનાં બીજા જ દિવસે રૂપાએ પોતાનું કર્કશ રૂપ બતાવવાનું ચાલુ કર્યું.હું ત્રણ જ દિવસમાં સમજી ગયો કે ખોટો ભરાઇ ગયો છું.કયાંરેક કંટાળીને હું પણ ખુબ બોલાચાલી કરી લેતો.રોજ ઝગડા થયા કરે.છઠ્ઠે દિવસે તો એ પીયર ચાલી ગઇ.મહિના પછી આવી.પછી મે શારીરીક નજીક જવા માટે પ્રયત્નો કર્યાં કે એનાથી કદાચ અમારા સબંધો સુધરે અને પ્રેમ આવે.પણ રોજ નવા બહાના કાઢી મને દુર જ રાખ્યોં.છેવટે ત્રણ મહિના પછી કંટાળી મે છુટાછેડાનો પ્રસ્તાવ મુકયોં.પણ મારા માતપિતાએ સમાજનાં ડરથી થોડી રાહ જોવા મને સમજાવ્યોં.છુટાછેડાનાં ડરથી એક અઠવાડીયું એ શાંત રહી.એટલે મે ફરી શારીરીક સબંધ બાંધવાની કોશીષ કરી.પણ મે ભુલ એ કરી કે હું દારૂ ના નશામાં હતો.મને કશું યાદ ન રહ્યું.રૂપાએ કહયું તમે મારી સાથે બળજબરીથી સબંધ બાંધ્યોં.પણ મને એવું કશું યાદ નથી.રૂપા આ વાતને આગળ ધરી રોજ માથાકુટ કરતી.હવે તું જ કહે રોહિત, અમે પતિપત્નિ કેવી રીતે કહેવાઇએ?” અજયે પાણી પીધું.મૌન રહ્યોં તો રોહિતે જાણે અજયને ઉશ્કેરવા સલાહ આપી “તો આવી સ્ત્રીને તો માર થી જ સુધારવી પડે.” 
“એ પણ કર્યું રોહિત.પંદરેક દિવસ પહેલા મારી સહનશકતિ પુરી થઇ ત્યાંરે એક તમાચો ઠોકી દિધો.”
“બરાબર છે અજય, પછી શું થયું?”
“થાય શું? બીજા જ દિવસે સાંજે મારો સાળો નરોતમ આબુરોડથી સુરત આવી ગયો.” અજય આગળ બોલે એ પહેલા રોહિત વચ્ચે જ બોલ્યોં “નરોતમ પેલો હોટલવાળો?” 
“હા એજ.તું ઓળખે છે એને?”
“હા અજય, એ તો ખતરનાક છે.અને સાંભળ્યું છે કે નરોતમ તો તાંત્રીક છે.”
“હશે....પણ લગ્ન પછી પહેલીવાર સાળો ઘરે આવ્યોં.એ પણ મને ધમકાવવા માટે.બેંકમાં ગ્રાહકોને સમજાવું એમ નરોતમને પણ માંડ સમજાવીને પાછો મોકલ્યોં.પણ રોહિત તું કેવી રીતે એને ઓળખે?”
“અરે ત્યાંનાં લોકલ છાપામાં એકવાર આ નરોતમ ચમકેલો.કોઇ તાંત્રીકને મદદ કરવા બદલ પોલીસે આની પણ પુછપરછ કરેલી.” રોહિતે જાણકારી આપી.લાંબી વાતચીતમાં જમવાનું પુરુ થયું અને બીલ સાથે ટેબલ પર મીઠો મુખવાસ આવ્યોં.મુખવાસ ખાધા પછી અજય ફરી બોલ્યોં “પણ યાર, આજે અચરજ છે.આજ સવારથી રૂપાનું વર્તન સુધરી ગયું છે.જોઇએ કેટલાં કલાક ચાલે.” રોહિતે સિગારેટ સળગાવી કહયું “વાહ!! જો હું તારા શહેરમાં આવ્યોં તો ભાભીનાં વર્તનમાં પણ સુધારો આવી ગયો.” બંને અલગ અલગ માત્રામાં હસ્યાં.પછી અજયને યાદ આવતા પુછયું “તું કયાંરે લગ્ન કરવાનો છે?” રોહિતનાં ચહેરે ગંભીર ભાવ છવાયાં.સિગારેટનાં ચાર કસ એક પછી એક ખેંચી ને બોલ્યોં “મારી એક પ્રેમીકા છે એ તો તું જાણે છે યાર.પણ હમણાં થોડા મહિના પહેલા એ પરણી ગઇ.અમારો સબંધ ચાલુ જ છે.અને નસીબ જો મારા, એ અહિં જ સુરતમાં પરણી છે.હવે અમે રોજ મળીશું.એક મહિનો હું અહિં જ રોકાવાનો છું.” અજયની બેંક, આ રેસ્ટોરન્ટ અને રોહિતની કંપનીની ઓફીસ નજીક જ હોવાથી રોજ લંચમાં મળીશું એવા વાયદા સાથે બંને છુટા પડયાં.
            અજય પણ બેંકનાં કામો પતાવી આજે રોજનાં સમય કરતા વહેલો ઘરે ગયો.રૂપાએ તરત જ ચા બનાવી આપી.રૂપાની વાતોમાં મીઠાસ લાગી છતા અજય મૌન જ રહ્યોં.પણ રૂપાને મૌન નહોતું રહેવું એટલે રસોડામાંથી જ પુછયું “આજે તમે કહેશો એ રસોઇ બનાવીશ.” અજયે મૌન તોડતા કહ્યું “આજે તું બહું પ્રેમથી વાત કરે છે.ફરી પીયર તો નથી જવુંને? કે પછી કંઇક જોઇએ છે?” અજયની વાતથી રૂપા તરત જ રસોડામાંથી આવીને અજયની બાજુમાં બેઠી.અને અજય સામે જોઇને બોલી “હું કયાંય પણ જવાની નથી.બસ તમારી સાથે જ રહીશ.ભુતકાળ બાબતનાં કોઇ સવાલો આપણી વચ્ચે ન લઇ આવતા, પ્લીઝ.તમે એમ માની લેજો કે હું આજથી જ તમારા ઘરે આવી છું.”
“ઠીક છે.પણ મને હવે વિશ્વાસ આવતા સમય લાગશે.હું તારાથી થાકી ગયો છું.તું તારી જાતને સાબીત કર હવે” અજયે વળતો જવાબ આપ્યોં. રૂપાએ પ્રેમથી હકારમાં માથુ ધુણાવ્યું.પણ હવે જાણે અજયનાં નસીબ આડેથી પાંદડું ખસ્યું હોય એમ રૂપાએ સતત પ્રેમ વરસાવવાનું ચાલુ રાખ્યું.એમનો સંસાર મધુરો થવા લાગ્યોં.આમને આમ અઠવાડીયું વીત્યું.અજય હવે રેસ્ટોરન્ટમાં જમવા નથી જતો.ઘરેથી ટીફીન લઇને આવે છે.રોહિત પાછો થોડા દિવસ બહાર ગયો.અજય એને પોતાની ખુશી વ્યકત કરવા બેબાકળો થયો.આખરે દસ દિવસ પછી રોહિત આવ્યોં.અજયે એને બપોરે જમવા પોતાની ઓફીસમાં જ બોલાવ્યોં.અજયે પોતાનો આનંદ રજુ કરતા કહ્યું “યાર રોહિત, હું ખુબ ખુશ છું.જીંદગીએ એકસો એંસી ડીગ્રી ટર્ન લીધો છે.રૂપા બદલી ગઇ.કારણ જે હોય તે પણ સારું છે.અમે એકરૂપ થયા.ગઇકાલે રાત્રે જ અમારું પતિપત્નિ તરીકેનું મિલન ભોગવ્યું.ખરેખર રૂપાએ મારા માટે પોતાની જાત બદલી.”
“સારું સારું ચાલ ત્યાંરે તું તો ખુશ થયો.”રોહિતની વાતમાં કયાંક ઉંડે ઉદાસી દેખાતા અજયે પુછયું “તું કઇ ટેન્શનમાં છે?” પણ રોહિતે કંઇ ઉલ્લેખ ન કર્યોં.વાત ટાળી.અજયનો સંસાર તો સુખમય થયો.સમય હવે સોનેરી લાગવા માંડયોં.આમ જ એક મહિનો પસાર થઇ ગયો.
             એક દિવસ સમાચાર આવ્યાં કે રૂપાનાં ભાઇ નરોતમની તબીયત કંઇક ખરાબ છે.એને આબુ રોડની કોઇ હોસ્પીટલમાં દાખલ કર્યોં છે.રૂપા અને અજય વચ્ચે એવું નકકી થાય છે કે રૂપા પહેલા જાય,પછી વધારે તકલીફ જણાય તો બે-ત્રણ દિવસ પછી અજય પણ આવશે.
           રૂપાને સાંજની સાત વાગ્યાંની બસમાં બેસાડી અજય ઘરે આવ્યોં.આજે પહેલીવાર એને રૂપા વગર ઘર એકલું અને ઉદાસ લાગ્યું.રૂપાએ બધી જ રસોઇ તૈયાર કરી ડાઇનીંગ ટેબલ પર રાખી હતી.અને યાદી આપતી ગઇ હતી કે વહેલા જમી લેજો.થોડીવારે અજયે રૂપાને ફોન કર્યોં “જો તારા ઘરે પહોંચી તરત જ મને ફોન કરી દેજે.અને ડીયર એક રીકવેસ્ટ છે?” રૂપાએ કહ્યું “હા બોલો, તમારી રીકવેસ્ટ માથા પર.” “જો ડીયર, આજે હું એકલો થઇ ગયો.તું કહે તો દારૂનો થોડો સાથ માણી લઉં?” અજયે પુછયું. રૂપાએ જવાબ આપ્યોં “હા, પણ થોડો જ.પછી તમારી હાલત ખરાબ થઇ જાય છે અને વળી તમને કશું યાદ પણ રહેતું નથી.તો પ્લીઝ જરા માપમાં લેજો.”
“ઓકે ડીયર.થેંકસ” અજયે પણ મળેલી પરમીટનો આભાર માન્યોં.અજયે બધું તૈયાર કર્યું અને સોફા પર બેઠો.આજે તો ખુશીથી પીતો હોઇ એટલે એ  ધીમે ધીમે દારૂ પીતો બેઠો.લગભગ કલાક પછી એના મોબાઇલમાં ફોન આવ્યોં.અજાણ્યોં નંબર લાગ્યોં.એટલે બહું ગંભીરતાથી વાત કરવાની જરૂર ન જણાઇ તો અજયે સ્પીકર ઓન કર્યું.સામેથી અવાજ આવ્યોં “અજય શર્મા, તમે મારી વાત ગંભીરતાથી ન લીધી.તમારે એનું પરીણામ ભોગવવું પડશે.” અજય સાવધાન થઇ બોલ્યોં “કોણ બોલે છે? કંઇ વાત તમારી?” સામેનો અવાજ “હું જેક.લગભગ એક મહિના પહેલા તમને ફોન કર્યોં હતો.પણ તમને તમારા દુખમાં વધારે રસ છે એવું લાગે છે?” ..... ફોન કટ થઇ ગયો.અજયે એ નંબર પર ફોન લગાવ્યોં પણ એ ફોન બંધ થઇ ગયો.અજય બેબાકળો થયો.હળવા નશાની હાલતમાં મોટેથી બબડયોં “એક મહિના પહેલા ફોન.. .  જેક.....ધમકી.....શું છે આ બધુ?” થોડીવાર વિચારમગ્ન રહ્યાં પછી ફરી બબડયોં “કોલ રેકોર્ડમાં સાંભળવું પડશે.ઓહો...મોબાઇલમાં તો ‘ફોર્મેટ’ લાગી ગયું.હા, મેમરી કાર્ડ.” સીધો જ અજય રૂપાને ફોન કરે છે.મેમરી કાર્ડનું પુછયું.બેડરૂમનાં કબાટ તરફ ભાગ્યોં.મેમરીકાર્ડ સલામત મળી ગયું.પેલા અજાણ્યાં નંબરનું રેકોર્ડીંગ સાંભળે છે “હેલો.......મી.અજય? હા અજય શર્મા બોલું છું......તમે કોણ? હું જેક બોલું છું......જેક...હે? કોણ જેક?.... મારી લાંબી ઓળખાણ કાઢયાં વિના ધ્યાનથી સાંભળો.તમે મુસીબતમાં છુઓ.બહું મોટી મુસીબતમાં.તમારી પત્નિ રૂપા બદલાઇ ગઇ છે.હેલો....હેલો...મી.અજય સાંભળો....હંઅઅઅ(અજયનો ખાલી હુંકાર જ સંભળાય છે)...હાલની તમારી પત્નિ રૂપા એ રૂપા નથી જેને તમે પરણ્યાં છો.એ કોઇ બીજી જ સ્ત્રી છે.તમે ફસાયા છો.એ તમને બરબાદ કરી દેશે.” રેકોર્ડીંગનો અવાજ પુરો થયોં.અજયનો તમામ નશો ઉતરી ગયો.રેકોર્ડીંગની તારીખ જોઇ તો ખબર પડી કે તે જ દિવસે નશામાં નીચે પડી મોબાઇલ તુટયોં હતો.અને તે સવારથી જ રૂપાનાં વર્તનમાં ફેરફાર થયો હતો.વિચારોથી ઘેરાયેલો અજય ડામાડોળ થઇ ગયો........ક્રમશઃ
                              --- ભરત મારૂ (ભ્રમિત ભરત)

***

Rate & Review

Mohsin 3 months ago

Divya Shah 5 months ago

Rajvi Shah 5 months ago

D J Mehta 5 months ago

Paras Badhiya 5 months ago