Badlaav - 2 books and stories free download online pdf in Gujarati

બદલાવ-2

બદલાવ
ભાગ -2
(ભાગ-1 માં જોયું કે...અજયનાં લગ્નનાં છ મહિના એની પત્નિ રૂપા સાથે બહું ખરાબ વિતે છે.પણ અચાનક એક સવારે રૂપાનું વર્તન સારુ થઇ જાય છે.પછી એક મહિનો બંનેનો સંસાર સુખે પસાર થાય છે.પણ અચાનક આવેલા અજાણ્યાં ફોનથી જાણવા મળે છે કે રૂપા બદલાઇ ગઇ છે.એ એના મિત્ર રોહિતને બોલાવે છે.....હવે આગળ)
            અજયને વિચારોએ ઘેરી લીધો.એમાંથી બચવા એ એક પછી એક દારૂનાં ગ્લાસ પીવા લાગ્યોં.છેવટે રોહિતને ફોન કર્યોં.    “યાર રોહિત, તું કયાં છે?”
“હું આવતી કાલે સવારે પાલી જવાનો છું.પછી ત્યાંથી દીલ્હી જઇ પછી અમેરીકા.પણ અજય, તું ખુબ જ નશામાં લાગે છે? ભાભી નથી ઘરે?”
“ના નથી.પણ યાર રોહિત તું ઘરે આવ જલ્દી.તારું કામ છે.તારી સાથે વાત કરવી છે.”
           અજય કંઇક વધારે ટેન્શનમાં છે એવો અણસાર આવતા રોહિત થોડીવારમાં અજયની ઘરે આવે છે.આમપણ એ ત્રણ-ચાર વખત અજયનાં ઘરે જમવા આવી ગયેલો.જયાંરે રૂપા ઘરે હતી ત્યાંરે.
            “શું વાત છે અજય? ભાભી કયાં છે?કેમ મને અહિં બોલાવ્યોં છે?” રોહિતે ઉભા ઉભા જ આટલા સવાલો પુછી નાખ્યાં.અજયે ઇશારાથી રોહિતને બાજુમાં બેસાડયોં.ખાલી ગ્લાસ લાવી એનાં ગ્લાસમાં પણ દારૂ ભર્યોં.પછી અજયે વાત કરી “રોહિત, તારી ભાભી તો આબુરોડ ગઇ છે.એનો ભાઇ બીમાર છે એટલે.પણ યાર આ બે ફોન મને પરેશાન કરી ગયા છે.જો તારી ભાભી જયાંરથી સારી થઇ ગઇ,એનું વર્તન બદલાઇ ગયું તે દિવસે જ મને એક ફોન આવેલો.કોઇ જેક નામનો માણસ હતો.અને કહયું કે આ રૂપા એ નથી જે હું પરણીને લાવ્યોં હતો.એ બદલી ગઇ છે.આખી વ્યકિત જ બદલી ગઇ છે.મને કોઇ ફસાવવા માટે આવું કરે છે.”
રોહિતે પુછયું “કેવી વાત કરે છે તું? કોઇ અજાણ્યાં ફોનને એટલો ગંભીરતાથી ન લેવાય.તને દારૂ ચડી ગયો છે.હવે ન પીતો.”
“હું ભાનમાં જ છું.અને અજાણ્યાં ફોનને ગંભીરતાથી એટલા માટે લઉં છું કે રૂપા એ દિવસથી જ બદલી છે, જયાંરથી આ પહેલો ફોન આવ્યોં.મે આજે જ એનું કોલ રેકોર્ડીંગ સાંભળ્યું.રૂપા પહેલા કેવી હતી? અને અચાનક સુધારો આવી ગયો.વળી મને એવું પણ કહેતી હતી કે ભુતકાળ વિશે સવાલ ન કરતા.હવે મને પણ શંકા થાય છે કે રૂપા બદલાઇ ગઇ છે.બાકી કોઇ વ્યકિત આટલું અચાનક કેમ બદલી જાય?” અજય ઉતાવળમાં બોલી ગયો.
“અરે તારી બધી વાત સાચી અજય, પણ એવું તે કેમ શકય છે? કોઇ વ્યક્તિ જ બદલાય જાય? જો એક કામ કર.તું યાદ કર પહેલા ભાભીનાં હાવભાવ,બોલવાની છટાં,એની ચાલવાની-ઉઠવા બેસવાની સ્ટાઇલ એમાં કંઇ તને ફેરફાર લાગે છે?” રોહિતે અજયની મુંજવણ વધારી હોય એમ અજય વિચારમગ્ન થયો.ત્યાં સુધી રોહિતે પોતાનો ગ્લાસ ખાલી કર્યોં.
  “હા રોહિત, ઘણું બદલાયેલું લાગે છે.એક ખાસ વાત હવે મને સમજમાં આવી.લગ્નનાં પહેલા એ છ મહિનામાં એણે હંમેસા સાડી જ પહેરી રાખી હતી.જે દિવસથી એનું વર્તન બદલ્યું ત્યાંરથી એણે કયાંરે પણ સાડી નથી પહેરી.હંમેસા ડ્રેસ જ પહેરી રાખે છે.અને હા પહેલા એ હાથમાં એનાં ભાઇએ આપેલી સોનાની એક એક બંગડી જ પહેરતી.હવે બંને હાથમાં લાલ રંગની કાચની કેટલી બધી બંગડીઓ પહેરે છે.” આટલું બોલી અજય શાંત થયો.કંઇક યાદ આવતા થોડો મલકાયોં અને બોલ્યોં “એનો ખનખન અવાજ મને ખુબ ગમે છે.”
“એ તો ઠીક છે અજય, પણ એમની રસોઇનાં સ્વાદમાં કંઇ ફરક દેખાયો તને?” રોહિતે પુછયું.પોતાના ભરેલા ગ્લાસ તરફ એકીટસે જોયા કરતા  અજયને હવે પીવાની ઇચ્છા ન થઇ.પીવાનું કામ હવે ફકત રોહિત જ કરતો હતો.
“રસોઇમાં તો ઘણો ફરક છે.પહેલા એ દાલબાટી બનાવતી તો ઘણો ગરમ મસાલો નાખતી તો પણ હું એકાદ બાટી પરાણે ખાતો.હવે તો ગરમમસાલા વગર પણ હું ચાર-પાંચ બાટી ખાઇ જઉં.પહેલા એ ચા બનાવતી ત્યાંરે હું કપમાં અધુરી છોડી બેંક પર જઇ ઉપરાઉપરી બે કપ પી જતો.હવે એના હાથની ચા પીધા પછી આખો દિવસ ચા વિના ચાલ્યું જાય.એમાં પણ ફુદિનો અને આદુવાળી એની ચા.....આહા...મોજ પડી જાય.” આટલું બોલી અજયે આંખો બંધ કરી.થોડીવાર આરામની મુદ્રામાં પડયો રહયોં.પછી અચાનક ઘડીયાલ સામે જોયું.એમાં રાત્રીનાં દસ વાગ્યાં.એ જોઇને અજયે કહયું “યાર, ભુખ લાગી હોય તો કહેજે, રૂપા જમવાનું તૈયાર કરીને ગઇ છે. સાથે જમી લઇશું.”
“ના અજય, હજુ ભુખ નથી લાગી.થોડીવાર પછી ખાઇ લઇશું.હવે તું મને એ કહે કે કંઇક તો કોમન હશે જ જે છ મહિના પહેલાની અને અત્યારની રૂપામાં તું જોઇ શકે.યાદ કર વિચાર કર.”
“જો રોહિત, એવું કોમન તો કશું જ યાદ નથી આવતું.આ અજાણ્યાં ફોનથી તો હું ટેન્શનમાં આવી ગયો.અને હવે તો મારી પણ શંકા મજબુત થતી જાય છે.મારા મનમાં પણ રૂપાનાં આ બે રૂપો આકાર લેતા જાય છે.જો પહેલા એ જયાંરે કર્કશ હતી ત્યાંરે મારી સાથે ઘણાં અંગ્રેજી શબ્દો વાપરતી, હવે પ્રેમથી વાતો કરે છે માત્ર આપણી માતૃભાષામાં જ.તને ખબર છે? એ અંગ્રેજી માધ્યમમાં ભણેલી છે.હવે સુધર્યાં પછી અથવા કહું કે બદલાયા પછી એ જયાંરે મને ‘બાલમજી’ કહીને બોલાવે છે ત્યાંરે મારું રોમેરોમ પુલકીત થઇ જાય છે.મને પુરુષપણાંનો અહેસાસ થાય છે.” અજય આટલું બોલી મોબાઇલ સ્ક્રીન ચાલુ કરી એમાં ઉપર જ રાખેલો રૂપાનોં ફોટો જુએ છે.રોહિત પણ એ જુએ છે.થોડી ક્ષણો વાતચીત બંધ થયા પછી અજય ફરી બોલ્યોં 
“પણ રોહિત સો ટકા એ પહેલાવાળી રૂપા નથી.એમાં બદલાવ છે જે હું જોઇ શકું છું અને હવે મને કંઇક ષડયંત્ર હોવાની ખાત્રી પણ થાય છે.”
“આવો બદલાવ તો કોઇપણ વ્યકિતમાં થાય.એ તો સામાન્ય કહેવાય.એનાથી એવું તો ન જ કહેવાય કે રૂપા તારી પત્નિ આખી વ્યકિત જ બદલાઇ ગઇ છે.અને ચાલ એકવાર માની પણ લઇએ કે એ બદલાઇ ગઇ છે તો પણ તને શું વાંધો છે? બદલીને એ તો સારી જ થઇ છેને!” રોહિતની અજયને સમજાવવાની કોશીષ ચાલુ રહી.અજય હવે ફકત ડીશમાં રાખેલું બાઇટીંગ જ ખાતો હતો.રોહિતે પોતાનો ગ્લાસ ફરી ભર્યોં.રાત્રીની ઉંમર પણ હવે અગીયાર વાગ્યાંની થઇ હતી.
“પહેલા તો તું એ અજાણ્યાં ફોન નંબરની તપાસ કરાવ.એનાથી જ તારી શંકાઓ દુર થઇ જશે.” રોહિતે વળી સલાહ આપી.
“હા તપાસ તો કરાવવી પડશે.પણ રૂપાનું આચરણ અચાનક બદલી ગયું એનો તો એવો જ મતલબ થાય કે મારી સાથે કોઇક રમત રમી રહ્યું છે.પણ કોણ આવું કરે?કદાચ રૂપા જ મને બરબાદ કરવા તો નથી માંગતીને?” અજયે વાત કરી અને એક લાંબો નિશાસો નાખ્યોં.ફરી કંઇક યાદ આવતા એ બોલ્યોં “ના ના યાર, રૂપા તો મારી કેટલી સંભાળ રાખે છે!! એને મારી સાથે શું વાંધો હોય?”
“એવું નથી અજય.કદાચ રૂપાને આવું કરવા કોઇ દબાણ કરતું હોય.” રોહિતે વિકલ્પ રજુ કર્યોં.
 “એમાં તો હાલ મારું મગજ નથી ચાલતું.રૂપાની એક પણ વાત મને એવી નથી દેખાતી કે જે છ મહિના પહેલા અને હવે ‘કોમન’ હોય.” અજય અફસોસ કરતા બોલ્યોં.
રોહિતે કંઇક પુછવા માટે હિંમત એકઠી કરવાની હોય એમ એકીસાથે આખો ગ્લાસ દારૂનો ગટગટાવી ગયો અને પુછયું “અજય, તું ખરાબ ન લગાડતો પણ એવી કોઇ નિશાની ભાભીનાં શરીર પર જે તે બંને સમયગાળામાં જોઇ હોય? યાદ કર.એ જ છેલ્લો રસ્તો છે.જેમ કે કોઇ તલ અથવા કોઇ દાઘ અથવા એવું બીજુ કંઇ?” 
રોહિતના ચહેરા પર ગંભીરતા હતી.અજયે એની સામે જોયું.પછી આંખો બંધ કરી.રોહિત થોડો ‘રીલેક્ષ’ થયો.પણ અજય મૌન જ રહ્યોં.ઘણીવાર સુધી બંને શાંત રહ્યાં.રોહિતથી ન રહેવાયું એટલે એ ફરી બોલ્યોં “સોરી અજય, પણ આ ચર્ચા જરૂરી છે.એનાથી તારી શંકા દુર થઇ જાય તો સારુને!!”
“એવું નથી રોહિત.હું તો યાદ કરવાની કોશીષ કરું છું.પણ દોસ્ત એમાં પણ મારી કમનસીબી તું જો.પહેલા છ મહિના સુધી તો અમે શારીરીક પણ દુર જ રહ્યાં હતા.એ દરમિયાન હું કયાં એના શરીરનાં કોઇ અંગ કે નિશાનીથી જાણીતો હતો.અત્યાંરે હું રૂપાનાં દરેક અંગને યાદ કરી શકું પણ એ તો અત્યાંરની આ બદલાયેલી રૂપા છે.એને પહેલાની રૂપા સાથે કેમ સરખાવું? હા એકવાર મે જોહુકમી કરી હતી આ બાબતે પણ હું એકદમ નશામાં હતો.ત્યાંરે બીજા દિવસે સવારે પણ મને કશું યાદ ન હતું તો અત્યાંરે કેમ યાદ આવે? કયાં એ જુની ઝઘડાખોર રૂપા અને કયાં આ તન અને મનથી સમર્પીત રૂપા.બહું જ ફરક છે રોહિત.પહેલાવાળી રૂપાનું કામ જ નથી મને બેડરૂમમાં આટલો સાથ આપવાનું......” અજયે પોતાની પ્રેમમાં ઉતેજીત અવસ્થા રજુ કરી.રોહિતે ફરી ગ્લાસ ભરવાની તૈયારી કરી તો બોટલ પણ અજયની જેમ અસહાય ખાલી હતી.એણે સીગારેટ સળગાવી અને બોલ્યોં
 “હવે ભુખ લાગી છે યાર.”
“હા,તું ટેબલ પર જમવાનું ચાલુ કર હું આવું” 
રોહિત ટેબલ પર હાલકડોલક થતો ગોઠવાયોં.
“યાર રોહિત, અત્યાંરે તો રૂપાનાં શરીરને એનાં દરેક સ્વરૂપે હું ઓળખું છું.એ મને તમામ તબકકે સમર્પીત છે.ખરા અર્થમાં આ રૂપા મારી પત્નિ છે.પણ એ પહેલા વાળી રૂપા તો નથી જ એવી મારી ધારણા હવે મજબુત છે.” અજયે મિત્ર સામે હૃદય ઠાલવ્યું.
રોહિતે જમવાનું ચાલુ રાખ્યું અને કહયું “ચાલ,તારે જમવું નથી?”
“મને જમવાની ઇચ્છા નથી.આજે જો રૂપા હાજર હોત તો હું એના ખોળામાં માથુ રાખી બધું જ પુછી લેત કે શું સાચુ છે?” 
“અરે ના અજય, એવું કરતો પણ નહિં.જો તારી શંકા સાચી હશે તો આવું પુછવાથી તું વધારે તકલીફમાં આવી જઇશ.પણ તારી સાથે આવું કોઇ શું કામ કરે? તને કોઇ ઉપર શંકા છે?” રોહિત હાથ ધોતા બોલ્યોં.
“સાલો પેલો સોમુ છેને! મારી બેંકનો ચપરાસી, મને એની ઉપર શંકા છે.એક તો એ આસામી કાળો જાદુગર અને ઉપરથી મને ધમકી પણ આપી હતી.” અજયે ભય વ્યકત કર્યોં.
રોહિતે અજયની બાજુમાં બેસીને કહ્યું “હવે ધ્યાનથી સાંભળ, તારી બધી શંકા સાચી છે.પણ મને તો આ  સોમુનું નહિં પણ તારા સાળા નરોતમનું ષડયંત્ર લાગે છે.”
“ અરે એક મિનીટ મને યાદ આવ્યું.જયાંરે રૂપાનું વર્તન બદલાયું ત્યાંરે એ બોલી હતી કે ભુતકાળ ભુલી જજો અને તમે એમ માનજો કે હું આજે જ તમારા ઘરે આવી છું.પાકકું થયું હવે કે કંઇક ગરબડ જરૂર છે.પણ તું નરોતમ પર કેમ શંકા કરે છે?” અજયે કહયું.
“તો તું હજુ પણ તારા સાળાને ઓળખતો નથી.એ ઘણીવાર તાંત્રીક વિધીઓ કર્યાં કરે છે.કદાચ તને કોઇ વિધીનો હિસ્સો બનાવવાનો હોય.આબુનાં પહાડોમાં અનેક જાતનાં તાંત્રીકોનો વસવાટ છે.કોઇ સારા કોઇ ખરાબ.અને આ નરોતમનાં સંપર્કો તો સો ટકા ખરાબ તાંત્રીકો સાથે  જ છે.હું એ બાબત સારી રીતે જાણું છું.એ જાત જાતના ભૈરવોને રીઝવવા પ્રયત્નો કર્યાં કરે છે.” રોહિતે જાણે વાતને ચોકકસ દિશા આપવાનો પ્રયત્ન કર્યોં.અજયે થોડા સાવધ થઇ દિવાલની ઘડીયાલ સામે જોયું.બરાબર બાર વાગ્યાં હતા.ભયનું એક લખલખું જાણે અજયનાં હૃદયે ઉત્પન્ન થઇ ચામડી દ્વારા બહાર નીકળતું દેખાયું.
“યાર, મને એ વિષયમાં કંઇ પણ જાણકારી નથી.હું અને મારી બેંક ભલી,બહારની દુનિયા સાથે બહું માથાકુટ નહિં કરવાની.” અજયે નિખાલસતા છતી કરી.
“તને તારા સાળા વિશે પણ કંઇ જાણકારી નથી.એ કેવા ખતરનાક કામો કરે છે તને ખબર છે?” રોહિત બોલ્યોં.
“મારી અને નરોતમની હજુ માંડ ત્રણ મુલાકાત થઇ છે.અને કોઇનાં જીવનમાં વધારે ચંચુપાત મને પસંદ નથી.” અજયે ખુલાસો કર્યોં.
“તો હું તને કહું, સાંભળ.નરોતમ અત્યાંરે બે ખતરનાક તાંત્રીક સિદ્ધીઓ મેળવવા પ્રયત્નો કરે છે.એક તો કર્ણપીશાચી વિદ્યા અને એક કાપાલ ભૈરવ સિદ્ધી.એનાં માટે એ એક વર્ષથી પ્રયત્નો કરે છે.એમાં એને એક સ્ત્રી અને પુરુષ જે પતિ-પત્નિ હોય,યુવાન શરીર હોય અને નિ:સંતાન હોય એવા બે વ્યકિતની જરૂર છે.પણ એ વિધીમાં બંને રાજીખુશીથી સાત દિવસ સુધી બેસવા જોઇએ.પછી આઠમે દિવસે એની બલી આપવાની હોય છે.કદાચ નરોતમની નજર તમારા બંને પર હોય.” રોહિતે ભેદ ખોલ્યોં. આ રહસ્ય સાંભળીને અજય ભયથી ધ્રજી ઉઠયોં.
“અરે ના રોહિત, તું મને ડરાવ નહિં.અને વળી નરોતમ એની બહેન સાથે આવું કરે?....ના એ શકય નથી.” અજયે ધ્રુજતા અવાજે કહ્યું.
“જો નરોતમે લગ્ન કર્યાં છે?” રોહિતે પુછયું.
“ના”
“તો બસ.નરોતમને સબંધો સાથે કંઇ લેવા દેવા જ નથી.એને તો ટુંકા રસ્તે સિદ્ધ થવું છે.તું બચીને રહેજે અજય.હું જે કહું છું એ સાચુ છે.તું કોઇ પણ ભોગે એની પાસે જઇશ નહિં.” રોહિત આટલું તો માંડ બોલી શકયો.પછી નશામાં ડુબી ગયો હોય એમ સોફા પર આડો પડયોં.અજય હજી વિચારનાં ચકડોળે ડામાડોળ હાલતમાં બેઠો હતો.દસ મિનીટ વાતચીત બંધ રહી.પછી અજયે જોયું તો રોહિત ઘસઘસાટ ઉંઘમાં આવી ગયેલો.
                   ક્રમશઃ
                           --ભરત મારૂ