Badlaav-3 books and stories free download online pdf in Gujarati

બદલાવ-3

બદલાવ-3
(આગળ આપણે જોયું કે અજય અને રોહિતની વાતચીત દરમિયાન અજયને પુરી ખાત્રી થઇ જાય છે કે રૂપા એનાં અવલોકનનાં તમામ તબકકે બદલાય ગઇ છે.રોહિત આ માટે અજયનાં સાળા નરોતમ પર આરોપ લગાડે છે.કારણકે એ તાંત્રીક વિધીઓ કરે છે.હવે આગળ....)
          અજયે રોહિતને કંઇક પુછવા માટે ઢંઢોળ્યોં પણ રોહિત ઉઠયોં નહિં.ભયંકર માનસીક હાલાકી ભોગવી રહેલો અજય પણ થાકીને સોફા પર જ ઉંઘી ગયો.
                રોહિતે અજય માટે સંશોધનની નવી જ દિશા ખોલી.અજાણ તાંત્રીક વિધીઓનો ભય.નરોતમનો ભુતકાળ પણ આ સંભાવનાને સાબીતી આપતો હતો--એક તાંત્રીક સાથે વિધીમાં જોડાયો.એનાં માટે ઘુવડ પક્ષીના નરમાદાનાં એક જોડાની જરૂર હતી. એ માટે પ્રયત્ન દરમિયાન પોલીસે પકડયોં હતો.પણ હોટલનાં ધંધાએ એને અનેક સબંધો આપીને થોડો વગદાર બનાવ્યોં હતો.એટલે હેમખેમ છુટી ગયો.પછી એણે પોતાની પ્રવૃતિઓ તો ચાલુ જ રાખી પણ એકદમ ગુપ્ત રીતે એ કરતો.
          બીજા દિવસે સવારે રોહિત જાગ્યોં ત્યાંરે અજયે સીધો જ સવાલ કર્યોં “યાર તને નરોતમ વિશે આટલી કેમ ખબર છે?” રોહિતે બાજુમાં પડેલી બોટલમાંથી પાણી પીધું પછી બોલ્યોં 
“મને એક મિત્રએ માહિતી આપી છે.”
“પણ નરોતમને આ વિધીથી શું મળશે?”
“જો અજય.એક તાંત્રીકે નરોતમને કહેલું કે તારી જીંદગી ટુંકી છે.એને લંબાવવી હોય તો આ વિધીઓ કરવી પડશે.અને હા, હવે મારે જવાનું છે.પાછો ઇન્ડીયા આવીશ ત્યાંરે મળીશું.” રોહિતને ઉતાવળ હોવાથી એ ગયો.અજય પણ તૈયાર થઇ બેંક પર જવા નીકળ્યોં.
             અજય પોતાની ચેમ્બરમાં હજી પહોચ્યોં જ હતો ત્યાં ચપરાસી સોમુ પાણી લઇને આવ્યોં.એ બહાર ગયો પછી અજયે રૂપાને ફોન કર્યોં. 
“તું ઘરે પહોચી ગઇ?બધુ બરાબર છે? નરોતમને કેમ છે?”
“હા હું તો વહેલી સવારે જ પહોચી ગઇ.ભાઇને સખત તાવ આવ્યોં છે.પણ અત્યાંરે તબીયત ‘સ્ટેબલ’ છે.ડોકટરે કહ્યું કે હજુ ચાર દિવસ રાખવા પડશે.આપણે કોઇ ‘રીસ્ક’ નથી લેવું.હું ફરી બપોરે હોસ્પીટલ જઇશ તો ભાઇ સાથે તમારી વાત કરાવીશ.ઓકે બાય હું પછી ફોન કરું.”
“એક મીનીટ રૂપા, તારી બંગડીઓનોં અવાજ આજે નથી આવતોને?” અજયે પુછયું.
“આટલા બધા ‘ડીસટન્ટ’ પર તો અવાજ કયાંથી આવે?”
“હેલો...હેલો..” અજય થોડા મોટા અવાજે બોલ્યોં.પણ ફોન તો કપાઇ ગયો હતો.ફોન મુકીને અજયે સામે જોયું તો ખબર જ ન પડી કે સોમુ ચા લઇને ઘણીવારથી ઉભો છે.થોડીવાર સુધી અજયે ચા નો કપ હાથમાં ન લીધો એટલે સોમુ બોલ્યોં “ સાહેબ, આ ચા ઠંડી થઇ જશે.”
“ઓહ! હા” એમ બોલી અજયે ચા હાથમાં લીધી.
 “ગઇકાલે અહિં ટેબલ પર પીળા રંગની બોકસ ફાઇલ હતી એ કયાં ગઇ?”
“એ તો તમે કાલે સાથે લઇ ગયેલા”
“ઓહો! એ તો કારમાં પડી છે.જા, એ ફાઇલ લઇ આવ.”
સોમુ ફાઇલ લઇને આવ્યોં સાથે  સવાલ પણ લઇ આવ્યોં “સાહેબ, કંઇ ‘ટેન્શન’માં લાગો છો? ફોન આવ્યાં પછી તમારી મુંજવણ વધી ગઇ હોય એવું લાગે છે?”
અજયે તરત જ સોમુ તરફ નજર કરી અને ગુસ્સામાં તાડુકયોં “તું જ બધું કારસ્તાન કરે છે.તું મને ઓળખતો નથી.તારી શું તાકાત છે મને બરબાદ કરવાની?” સોમુએ અજયને વચ્ચે જ અટકાવતા કહ્યું “ સાહેબ, મે શું કર્યું?મને તો તમારી ચીંતા થઇ આવી એટલે પુછયું કે હમણાં હું ચા લઇને આવ્યોં ત્યાંરે તમારો જે ફોન ચાલુ હતો એ પછી તમે ટેન્શનમાં છુઓ.” 
            અજયને હવે શું કહેવું એ નકકી નહોતું થતું.એ એકદમ જ બેબાકળો બની ગયો હોય એવું પોતાને પણ લાગ્યું એટલે એ મૌન રહ્યોં.
“સાહેબ, મને માફ કરશો પણ હું એ જુની વાત ભુલી ગયો હતો પણ તમને હજુ યાદ છે.હું ગરીબ માણસ શું તમને બરબાદ કરવાનો?મારી એવી કોઇ તાકાત નથી અને ઇચ્છા પણ નથી.” સોમુ એટલું બોલી ચા નો ખાલી કપ લઇ ઓફીસની બહાર નીકળી ગયો.અજય થોડીવાર પીળા રંગની એ ફાઇલમાં કાગળો ફેરવવા લાગ્યોં.પણ ફકત આંખો જ ત્યાં મંડાયેલી હતી.મન તો ચારે દિશાઓમાં ભટકતું હતુ.
થોડીવારે ફરી સોમુ દાખલ થયો.અજયની સામે બે હાથ જોડી બોલ્યોં “અજયસાહેબ, મને વધારે વાત તો ખબર નથી પણ તમે જે કંઇ ચીંતામાં છો એ તમારા મિત્ર રોહિતે  ઉભી કરી હોય એવું મને લાગે છે.”
“સોમુ, તું તારો બચાવ કર પણ એ માટે બીજા કોઇ પર આરોપ ન લગાવ.રોહિત મારો ખાસ મિત્ર છે.એ તારો વિષય નથી.તું છોડ આ બધી વાત.”
“ના એવું નથી સાહેબ.તમે એકવાર જયાંરે રોહિતભાઇને અહિં જમવા માટે બોલાવ્યોં હતો.ત્યાંરે તમે કંઇ કામથી બહાર હતા.મે રોહિતને તમારી ઓફીસમાં બેસાડયોં.પછી હું ચા લેવા ગયો.જયાંરે હું ચા લઇને પાછળ ઉભો હતો ત્યાંરે રોહિતભાઇ ફોનમાં કોઇ સાથે વાત કરતો હતો.એ વાત મે સાંભળી એ તમને કહું? સોમુએ પુછયું.
“ શું વાત કરતો હતો?”
“એ કોઇ નરોતમભાઇનું નામ લઇ બોલતો હતો.સામે કોઇ નરોતમભાઇ સાથે વાત કરતો હતો.” અજયને સોમુની વાત મજબુત લાગી એટલે એને સામેની ખુરશી પર બેસવા કહયું.
“અચ્છા, એ શું વાત કરી એનો કોઇ અંદાજ છે? તો મને જણાવ.” અજયે પોતાનું બધુ કામ પડતું મુકયું.
“હા તો સાંભળો.રોહિત એવું બોલ્યોં કે તમારે જે કરવું હોય તે કરો પણ મારું કામ થવું જોઇએ.લાગે છે કે તમારા મંત્રોનો પ્રભાવ હવે ઓછો થઇ ગયો.” આટલું બોલી સોમુ કંઇક વિચારતો મૌન બેઠો.અજયનાં ચહેરે તાણ આવ્યું.થોડીવારે સોમુ બોલ્યોં
“અને હા, રોહિતે છેલ્લે એવું કહયું કે અજયને કયાંરે પણ આ વાતની જાણ ન થાય એ તમારી જવાબદારી છે.બસ સાહેબ મે એટલું જ સાંભળ્યું છે.તમારાથી કંઇક છુપાવવામાં આવે છે.તમે તપાસ કરો રોહિત શું છુપાવવા માંગે છે.હું તમારી નોકરી કરું છું.એટલે તમારી ચીંતા પણ મને થાય.ઘણાં દિવસથી આ વાત તમને કહેવી હતી, પણ આજે આ મોકો આવ્યોં.”
સોમુ રજા લઇ ચાલ્યોં ગયો.અજયે તરત જ રોહિતને ફોન કર્યોં.પણ એનો ફોન બંધ હતો.અજય હવે શંકાઓનાં ચકરાવે ચડયોં.થોડીવાર બધા કામ પડતા મુકી, ખુરશી પર લાંબો થઇ વિચારવા લાગ્યોં.કંઇ યાદ આવતા મોબાઇલ હાથમાં લઇ ફોન કરે છે.
“હેલો, સાગર.તારું એક કામ પડયું છે.એક અજાણ્યોં નંબર આપુ છું.એ કોના નામ પર છે અને એની બધી માહીતી જોઇએ છે.અરે એના પરથી મને કોઇ ધમકી આપે છે.સારું હું તને એ નંબર વોટસએપથી મોકલું છું.”
સાગર એના ફલેટની લોન માટે અજય પાસે આવેલો ત્યાંરથી અજયને એની સાથે  સારા સબંધ છે.
         અજયનો આખો દિવસ જેમતેમ કરીને પસાર થયો.સાંજે છ વાગ્યેં સાગરનો ફોન આવ્યોં.એ બેંક પર જ આવે છે એવું કહયું.સાત વાગ્યેં સાગર ડીટેઇલ લઇને આવ્યોં.
“જો અજય આ નંબર અત્યાંરે બંધ છે.એનું સીમકાર્ડ કોઇ ‘સીમાંચલ દાસ’ નાં નામ પર છે.એનું સરનામુ ઓરીસાનું છે.એનું છેલ્લું લોકેશન સુરતનું જ બતાવે છે.” સાગરે તરત જ માહિતી આપી.સાગર થોડીવાર બેઠો.બીજી સામાન્ય વાતો થઇ.
          હવે અજયની સામે ત્રણ શંકાસ્પદ વ્યકિતઓ હાજર હતા.એક નરોતમ,બીજો સોમુનાં કહેવાથી રોહિત અને આ ફોનની માહિતી પરથી ચપરાસી સોમુ.પણ સૌથી વધારે શંકા તો એ વાતની હતી કે રૂપા બદલાઇ ગઇ છે.સવારે ફોનમાં પણ એણે ઘણાં અંગ્રેજી શબ્દોથી વાતચીત કરી હતી.તો શું એ પહેલાની રૂપા હતી? અજય સાથે પ્રેમથી સમર્પિત હતી એ રૂપા કયાં ગઇ? આવા અનેક સવાલો અજય સામે મો ફાડીને ઉભા હતા.
              સાંજે જમવાની ઇચ્છા અને ‘મુડ’ ન હોવાથી અજય સીધો જ ઘરે પહોંચ્યોં.ખાલી ઘર જોઇને તરત જ રૂપા યાદ આવી એટલે સીધો જ ફોન કર્યોં
“હેલ્લો રૂપા, કેમ છે?”
“ઓહ બલમજી, મને માફ કરજો.મે આખો દિવસ ફોન ન કર્યોં.કેમ છો તમે? તમે જમ્યાં?શું કરો છો?” 
“કંઇ વાંધો નહિં.નરોતમની તબીયત કેમ છે?”
“ભાઇને સારું છે.અત્યાંરે તો હું મારા કાકાનાં ઘરે આવી છું.આવતીકાલે બાઇ સાથે તમારી વાત કરાવીશ.તમે હવે અહિં નહિં આવતા.હું છું એટલે ચાલશે.”
“સારું.પણ આમ અચાનક એની તબીયત કેમ બગડી.”
“શું ખબર? પણ તમે કહેતા હો તો હું બે-ત્રણ દિવસ અહિં રોકાઇ જઉં?”
“હા ચાલશે”
“પણ બલમજી, તમે બહું યાદ આવો છો.રાત્રે તમારા વિના ઉંઘ આવશે કે કેમ એ વિચારું છું.પણ તમને તો  ઉંઘ આવી જશેને?આખા બેડ પર તમે એકલા...વાહ જલસા તમારે તો!”
“ઓહ ડિયર રૂપા! આવી વાતો કરીને તું મને પરેશાન ન કર.હું એમ પણ બહું હેરાન છું ઉપરથી તારો આવો થોડા દિવસનો વિરહ”....
થોડીવાર અજય મૌન થઇ ગયો.
“કેમ પરેશાન છો તમે? બેંકમાં કંઇ થયું?”
“ના કંઇ ખાસ નહિં.છોડ એ બધુ.તું અહિં આવીશ ત્યાંરે કહીશ.”
“ના અજય, મને અત્યાંરે જ કહોને! એવું કંઇ હશે તો હું નરોતમભાઇને કહીશ મદદ કરવા.” પણ છેલ્લે અજયે રૂપાની બંગડીઓનો હલકો એવો ખનખન અવાજ પણ સાંભળ્યોં.
              પણ રૂપાની આવી વાતથી અજયે વધુ વાત કરવાનું ટાળ્યું.અજયની નજરે નરોતમ તો મુખ્ય શકમંદ હતો.જો રોહિતની વાત સાચી હોય અને નરોતમ કંઇક તાંત્રીક વીધી કરવા માંગતો હોય તો એ માટે એને નિઃસંતાન દંપતિ જોઇએ.તો એ માટે શકય છે કે એણે રૂપાને અજયથી દુર રાખવાના પ્રયત્નો કર્યા અને કરતો હોય.એટલે જ કદાચ રૂપા પર સંમોહન પણ કર્યું હોય.બીજી તરફ રોહિત પણ શકમંદ થયો.કારણકે એ નરોતમને કંઇ કામ અંગે વાત કરતો હતો જે કોઇ વિધી અથવા મંત્રો દ્વારા થવાનું હતું.કદાચ એની પ્રેમિકાને વશ કરવા આવા નાટક કરતો હોય.અને વળી અજયથી આ વાત છુપાવવાની એવી રોહિત અને નરોતમ ફોનમાં ચર્ચા કરે છે.પણ જે અજાણ્યાં ફોન આવેલા એણે જ જાણ કરી કે રૂપામાં બદલાવ છે.ત્યાંરે અજયને પણ વિચારોની શ્રૃંખલા અને ભુતકાળનાં અનુભવોથી પાકકુ થયું કે વાત સાચી છે.રૂપાનાં વર્તનમાં, હાવભાવમાં, ભાષામાં,એની તમામ રહેણી કરણીમાં બદલાવ છે.તો શું એ સમગ્ર વ્યકિત જ બદલાઇ ગઇ?  બની શકે કે કોઇ ફકત અજયને પરેશાન કરવા અથવા કંઇક જુની વાતનો બદલો લેવા માટે આમ ફોન કર્યોં હોય. પણ રૂપાનો બદલાવ તો ચોકકસ પણે અજયની નજર સામે જ હતો.સવારે રૂપાએ ફોનમાં વાતચીત દરમિયાન ઘણાં અંગ્રેજી શબ્દો વાપર્યાં હતા, અને જેમતેમ વાત પુરી કરી.પણ રાત્રે એ એની પ્રેમભરી વાતોથી અજયનું હૃદય ઢંઢોળે છે.આ બંને જુદા વર્તનથી અજયની મુશ્કેલીમાં ફરી વધારો થયો.હવે તો રૂપા પાછી ઘરે આવે ત્યાંરે જ કંઇક ખબર પડે.પણ ફરી વિકરાળ પ્રશ્ન એ ઉભો થયો કે કંઇ રૂપા ઘરે આવશે?.........
ક્રમશ:
--ભરત મારૂ