Bhedi Tapu - Khand - 2 - 3 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ બીજો - 3

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(3)

તપાસ

બીજે દિવસે, 30મી ઓકટોબરે, તેઓ ટાપુના પ્રવાસમાં નીકળી પડવા તૈયાર થયા. આખો ટાપુ તપાસવો જરૂરી હતો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે, લીંકન ટાપુના રહેવાસીઓની બીજાની મદદની જરૂર ન રહીં; પણ બીજાને મદદ પહોંચાડી શકે એવી સ્થિતિમાં તેઓ હતા.

એવું નક્કી થયું કે, મર્સી નદીમાં હોડી હંકારવી, પછી હોડી ન ચાલે ત્યાંથી પગે ચાલીને આગળ જવું. આથી થાક્યાં વિના ઘણો પ્રવાસ થઈ શકશે. આ રીતે ટાપુના પશ્વિમ કિનારે પહોંચવાની યોજના ઘડવામાં આવી.

જો વહાણ ભાંગ્યુ હોય તો કિનારે અનેક વસ્તુઓ મળી આવે, તેના પર કાયદેસર તેમનો અધિકાર ગણાય. એટલે એ બધી વસ્તુઓ પાછી ગ્રેનાઈટ હાઉસમાં લાવવી પડે. આમાં હાથેખી ખેંચવાનું ગાડું ઉપયોગી થઈ પડે; પણ એ ગાડું વજનદાર અને ચલાવવું મુશ્કેલ પડે એવું હતું. પેટીમાંથી તમાકુ ન નીકળી, એ ઉપરાંત ખલાસીને એક બીજી વાતનો પણ અફસોસ થયો. પેટીમાંથી બે ઘોડા મળ્યા હોત તો ગાડાને જોડવામાં કામ આવત.

કપ્તાન હાર્ડિંગે આ મુસાફરી ત્રણ દિવસની ગણાવી હતી. એટલે હોડીમાં ત્રણ દિવસ ચાલે તેટલો ખોરાક, બિયર વગેરે વસ્તુઓ લીધેલ હતી. નેબે પ્રાયમસ સાથે લીધો હતો. કેટલીક ખાદ્યસામગ્રી રસ્તામાંથી મળે એવી આશા હતી.

સવારના 7 વાગ્યે, ટોપ સહિત સૌ હોડીમાં બેઠાં. નદીના પ્રવાહમાં હોડી સરકતી હતી. હલેસાં મારવાની જરૂર પડતી ન હતી. થોડી મિનિટોમાં મર્સી નદીના વળાંક પાસે આવી પહોંચ્યા. આ સ્થળે સાત મહિના પહેલાં પેનક્રોફટે પહેલો તરાપો બનાવ્યો હતો.

નદીના વળાંક પછી, નદીનો પ્રવાહ પહોળો થયો હતો. નદીના બંને કાંઠા ગાઢ જંગલથી ઘેરાયેલા હતા. તેઓ આગળ વધ્યા. ધીરે ધીરે જંગલ પાખું થવા લાગ્યું. નદીને જમણે કાંઠે એલ્મ અને અબનુસના ઝાડ દેખાતાં હતાં.

વચ્ચે વચ્ચે હોડી અટકાવી, સ્પિલેટ, હર્બર્ટ અને પેનક્રોફ્ટ હાથમાં બંદૂરો સાથે કિનારા પર કૂદી પડતા હતા. ટોપ પણ સાથે હતો. વચ્ચે એક ત્રણ ફૂટ ઊંચો છોડ જોઈ, હર્બર્ટે ખલાસીને પૂછ્યુઃ “ આ શેનો છોડ છે?”

“તમાકુનો.” ખલાસીએ જવાબ આપ્યો. તેણે કદી તમાકુના છોડને જોયો ન હતો.

“ના, આ છોડ તમાકુનો નથી, રાઈનો છે.” હર્બર્ટે કહ્યું.

“રાઈ પડે ચૂલમાં!” ખલાસીએ કહ્યું, “જો તમાકુનો છોડ હાથમાં આવે તો એનાં બી લેવાનું ચૂક્તો નહીં.”

કેટલાક છોડવાઓ અને તેનાં બી હોડીમાં મૂકી દેવામાં આવ્યાં. ક્પ્તાન હાર્ડિંગ તો ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. હાર્બર્ટ, સ્પિલેટ અને ખલાસી આ રીતે હોડીમાંથી કિનારે ઊતરતા હતા. તેઓ કોઈ વાર જમણે કિનારે તો કોઈ વાર ડાબે કિનારે ચાલતા હતા.

અત્યારે તેઓ વાયવ્ય દિશામાં જતાં હતા. વળાંક પછી ત્રણ માઈલ સુધી મર્સી નદી સીધી લીટીમાં વહેતી હતી. તે પછી નદીનું વહેણ જુદી દિશામાં જતું હશે, આ નદી ફેંક્લીન પર્વતમાંથી નીકળતી હતી. તેઓ નદીના મૂળ તરફ જઈ રહ્યાં હતા.

અત્યાર સુધી બંદૂકનો ધડાકો કર્યો ન હતો. બંદૂકનો ઉપયોગ ખાસ જરૂર વિના ન કરવો એવી હાર્ડિંગની સૂચના હતી. એક જેકેમાર પક્ષી દેખાયું. પહેલાં પ્રવાસ વખતે ખલાસી આ પક્ષીને બદૂકને અભાવે મારી શક્યો ન હતો. તેણે નિશાન લીધું. પક્ષી જમીન પર પડ્યું, ટોપ તેને મોંમાં પકડીને હોડીમાં લઈ આવ્યો. હર્બર્ટે લોરી નામનાં કબૂતર જેવડા કદનાં અર્ધો ડઝન પક્ષીઓનો શિકાર કર્યો.

સવારે દસ વાગ્યે, મર્સી નદીના બીજા વળાંક પાસે, હોડી પહોંચી મર્સી નદીના મુખથી અંતર પાંચક માઈલનું હતું. અહીં નાસ્તા માટે સૌ રોકાયા. અહીં નદી 60થી 70 ફૂટ પહોળી હતી; જો કોઈ માણસો વહાણ ડૂબવાથી આ ટાપુને કિનારે ફેંકાયા હોય તો તેમને આ જંગલમાં શોધવાનો કોઈ અર્થ ન હતો.

આથી ઈજનેરે ટાપુના પશ્વિમ કિનારે પહોંચવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી; પણ એ કિનારો અહીંથી લગભગ પાંચ માઈલ જેટલો દૂર હતો.

નદી હવે ટાપુના પશ્વિમ કિનારા તરફ નહીં, પણ ફેંકલીન પર્વત તરફ વહેતી હતી જ્યાં સુઘી હોડીમાં જવાય ત્યાં સુધી જવું એમ નક્કી કર્યું. તેથી થાક ઓછો લાગે અને સમયનો બચાવ થાય એમ હતું. હવે તેઓ હલેસાં મારીને આગળ વધતા હતા.

આગળ યુકેલિપ્ટસનાં જંગી વૃક્ષો દેખાયાં. કેટલાંકની ઊંચાઈ તો બસો ફૂટ જેટલી હતી. નેબે કહ્યું કે, આ ઝાડ નકામાં છે ખલાસીએ તેને ટેકો આપ્યો. હર્બર્ટે આ વૃક્ષનું વર્ગીકરણ કરી બતાવ્યું અને તેનાં લક્ષણો વર્ણવી બતાવ્યાં.

પેનક્રોફ્ટે કહ્યું : “આ જંગી ઝાડ નકામાં છે.”

“ના.” કપ્તાને કહ્યું; “તે કામનાં છે.”

“કંઈ રીતે?”

“તે જ્યાં ઊગ્યાં હોય તે પ્રદેશને તંદુરસ્ત બનાવે છે. તમને ખ્યાલ છે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ ઝાડને શું કહે છે?”

“ના, કપ્તાન.”

“તે ‘તાવનાં ઝાડ’ કહેવાય છે!”

“તેનાથી તાવ આવે?”

“ના, તાવને તે રોકે છે!”

“મારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ.” સ્પિલેટે કહ્યું.

હોડી આગળ ચાલી. નદી કિનારે લગભગ બે માઈલ સુધી યુકેલિપ્ટસનાં વૃક્ષો હતાં. હવે નદીનો પટ સાંકડો થતો જતો હતો. પાણી પણ છીછરું બનતું જતું હતું. હવે હોડી દ્વારા આગળ વધવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી.

સૂર્ય હવે પશ્વિમ દિશા તરફ ઢળતો હતો. વૃક્ષોના પડછાયા લાંબા થતા જતા હતા. હાર્ડિંગે આજ ને આજ પશ્વિમ કિનારે નહીં પહોચાય તેની ખાતરી થતાં, હોડી જ્યાં અટકી પડે ત્યાં રાત રોકવાનો નિર્યણ કર્યો. હજી કિનારો પાંચથી છ માઈલ દૂર હતો અને રાતને વખતે અજાણ્યા જંગલમાં પ્રવાસ કરવો યોગ્ય ન હતો.

હોડી માંડ માંડ આગળ વધતી હતી. ખલાસીએ જોયું કે જંગલમાં વાંદરાઓ કૂદાકૂદ કરતા હતા. બીજા પણ હિંસક પશુઓ હોવાનો સંભવ હતો. સાંજે ચાર વાગ્યે નદીમાં હોડી ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હતી.

“હવે પંદર મિનિટમાં આપણે અટકી જવું પડશે.” ખલાસીએ કહ્યું.

“ભલે પેનક્રોફ્ટ.” કપ્તાને જવાબ આપ્યો. “આપણે અહીં જ પડાવ નાખીશું અને રાત ગાળીશું.”

“ગ્રેનાઈટ હાઉસથી આપણે કેટલા દૂર હોઈશું?” હાર્બર્ટે પૂછ્યું.

“લગભગ સાત માઈલ,” કપ્તાને જવાબ આપ્યો.

“હવે પછી આપણે આગળ વધશું?” સ્પિલેટે પૂછ્યું.

“હા.” કપ્તાને ઉત્તર આપ્યો. “કાલે સવારે આપણે પગે ચાલીને બે કલાસમાં કિનારે પહોંચી જઈશું. ત્યાં આખો દિવસ આપણે કિનારા પર ફરી શકીશું.”

“ચાલો આગળ વધીએ!” કહી પેનક્રોફ્ટે હોડી હંકારી.

પણ તરત જ હોડી નદીના પથરાળ તળિયા સાથે ઘસાવા લાગી.

નદીનો પટ હવે 20 ફૂટ જ પહોળો હતો. હવે આગળ વધાય તેમ ન હતું. હોડીને જમણા કાંઠા પર ખેંચી લીધી અને ત્યાં જ પડાવ નાખવાનું નક્કી કર્યું.

અત્યારે સાંજના પાંચ વાગ્યા હતા. અહીં નદીનું સ્વરૂપ માત્ર ઝરણા જેવું હતું.

અગ્નિ પેટાવવામાં આવ્યો. રાત્રે જરૂર પડ્યે ઝાડની ડાળીઓ ઉપર પણ આશ્રય લઈ શકાય એમ હતું.

સાંડનું વાળું કરી લીધું તેઓ બધા ખૂબ ભૂખ્યા થયા હતા. હવે બધાએ સૂવાનો વિચાર કર્યો. જંગલી જાનવરોની ગર્જનાઓ સંભળાતી હતી. એક મોટું તાપણું સળગાવ્યું. નેબ અને પેનક્રોફ્ટ આખી રાત વારાફરથી પહેરો ભરતા હતા; અને તાપણમાં લાકડાં ઓર્યો જતા હતા. રાત કોઈ પણ જાતના બનાવ વગર પસાર થઈ ગઈ.

બીજે દિવસે, 31મી ઓકટોબરે, સવારે પાંચ વાગ્યે બધા પગપાળા મુસાફરી કરવા માટે તૈયાર થઈ ગયા.

***

Share

NEW REALESED