રહસ્યના આટાપાટા - ભાગ 12

          “જેકિલ, હું તને મળવા આવ્યો છું” અટરસને ઊંચા અવાજે કહ્યું. “મને તારી સલામતીની ચિંતા થઈ રહી છે એટલે હું તને રૂબરૂ જોયા વગર જવાનો નથી. હું તને ચેતવણી આપું છું કે સ્વેચ્છાએ દરવાજો ખોલી નાખ, નહિતર અમે તે તોડી નાખીશું.”

          “મહેરબાની કરીને એવું ન કરતા.” અંદરથી અવાજ આવ્યો.

          “આ જેકિલનો અવાજ નથી, હાઇડનો છે.” અટરસન બોલી ઊઠ્યો. “દરવાજો તોડી નાખ.” તેણે પોલને કહ્યું.

          પોલે સ્ફૂર્તિથી ખભે લટકાવેલી કુહાડી નીચે ઉતારી અને દરવાજા પર જોરથી ફટકો માર્યો. પ્રહાર થવાથી દરવાજાને ઝાટકો વાગ્યો અને અંદરથી વસાયેલી સાંકળ તેમજ આગળિયા ગાજી ઊઠ્યા. જાણે કોઈ જંગલી પ્રાણી ભયથી ચીસો પાડવા લાગે તેમ હાઇડ ચીસો પાડવા લાગ્યો. પોલે એક પછી એક ચાર ઘા કર્યા અને દરવાજો ખોખરો થઈ ગયો. જો સુથારે તે ચોકસાઈથી ન બનાવ્યો હોત અને તેમાં ઊંચી જાતનું મજબૂત લાકડું ન વપરાયું હોત તો તે બે-ત્રણ ફટકામાં જ તૂટી જાત. પોલે તાકાત કરીને પાંચમો ફટકો માર્યો જે દરવાજા માટે અંતિમ સાબિત થયો. આ આખરી ફટકાથી તાળા પાસેનું બધું ફિટિંગ છૂટું પડી ગયું અને તે દરવાજાથી અલગ થઈ અંદરની બાજુએ પડ્યું.

          પાંચ ફટકામાં પચાસ ફટકાનું જોર અજમાવનાર પોલ વિસામો ખાવા ઊભો રહ્યો એટલે અટરસને દરવાજાના કાણામાંથી અંદર નજર કરી. બલ્બના પ્રકાશમાં બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મોટા કબાટથી દૂર રાખેલી સગડી પર કિટલી ગોઠવાયેલી હતી, જેમાંથી સિસોટી જેવો અવાજ આવી રહ્યો હતો. તેની બાજુમાં, સ્ટડી ટેબલ પર ચા બનાવવા વપરાય તેવા સાધનો પડ્યા હતા. એકદમ ચોખ્ખા દેખાતા રૂમમાં કાચની અનેક બરણી હતી, જેમાં કેમિકલ ભર્યા હતા. રૂમની મધ્યમાં માનવ દેહ પડ્યો હતો. તેનું આખું શરીર આંચકી આવી હોય તેમ ખેંચાઈ રહ્યું હતું. ખરાબ રીતે તરફડતો તે માણસ પલટ્યો એટલે અટરસનને તેનો ચહેરો દેખાયો, તે હાઇડ હતો. તેણે દેહના પ્રમાણમાં બહુ મોટા કહી શકાય તેવા કપડાં પહેર્યાં હતાં. જોતાં જ લાગતું હતું કે તે ડૉ. જેકિલના કપડાં છે. તેના ચહેરાની નસો ખેંચાઈ રહી હતી અને પીડાના કારણે દાંત ભીંસાઈ ગયા હતા. તેના હાથમાં કાચની શીશી હતી જેમાંથી આવતી કડવી વાસ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. અટરસન સમજી ગયો કે હાઇડે પોતે જ પોતાના જીવનની દોર કાપી નાખી છે.

          “આપણે મોડા પડ્યા.” અટરસને લાગણીશૂન્ય અવાજે કહ્યું. “હાઇડને તેના અપરાધની સજા મળી ગઈ છે. હવે, ન તો આપણે તેને બચાવી શકીશું કે ન તો પોલીસ તેને સજા કરી શકશે. માટે, આપણી પાસે એક જ કામ બાકી રહે છે ; તારા માલિક – જેકિલને શોધવાનું !”

          બાદમાં, દરવાજો સંપૂર્ણપણે તોડી તેઓ અંદર પ્રવેશ્યા, કૅબિનને નીચલા મજલા સાથે જોડતી અંદરની સીડી થકી નીચે ગયા અને (પહેલા) ઑપરેશન થિયેટર તરીકે વપરાતા મોટા રૂમમાં ફરી વળ્યા. ત્યાં જેકિલ કે તેનો મૃતદેહ ન હતો. અટરસન અને પોલે ત્યાંના મોટા કબાટ પણ તપાસ્યા, કદાચ મૃતદેહ તેમાં સંતાડવામાં આવ્યો હોય, પરંતુ કરોળિયાના જાળા સિવાય ક્યાંય કંઈ ન હતું. એવામાં પોલનું ધ્યાન ભંડકિયાના પ્રવેશદ્વાર પર પડ્યું. “સાહેબના મૃતદેહને આમાં ધરબી દીધો હશે.” એમ કહી તેણે ભંડકિયાના લાકડાના દરવાજાને જોરથી મુક્કો માર્યો. અટરસને ટેબલ વગેરેના ખાનામાંથી ચાવીઓનો ઝૂડો શોધ્યો અને તાળું ખોલી ભોંયરામાં ઊતર્યો ; ત્યાં ય કોઈ ન હતું. હેન્રી જેકિલનું કે તેના મૃતદેહનું જાણે ક્યાંય અસ્તિત્વ જ ન હતું.

          “ચાલ ફરી કૅબિનમાં...” અટરસને કહ્યું અને બંને સીડી ચડી ઉપર આવ્યા. તેમણે ચિરનિદ્રામાં પોઢી ગયેલા હાઇડના મૃતદેહ પર નજર નાખી અને કૅબિનમાં તપાસ આદરી. એક ટેબલ પર, તોલેલા રસાયણોના પડીકા પડ્યા હતા. પાસે કાચની રકાબીમાં મીઠા જેવું સફેદ રસાયણ પડ્યું હતું.

          “આ એ જ વસ્તુ છે જે ખરીદવા હું વારંવાર કેમિસ્ટ પાસે જતો હતો.” પોલ આ કહી રહ્યો કે કિટલીનું પ્રવાહી ઊકળી ગયું અને છલકાઈને બહાર ઊભરાવા લાગ્યું. અટરસને સગડી હોલવી નાખી. ત્યાં તેનું ધ્યાન કાચના કબાટમાં ગોઠવાયેલા પુસ્તકો પર પડ્યું. તેમાં એક ધર્મગ્રંથ અલગ રીતે મૂકાયો હતો, વકીલે આગળ વધી તે ગ્રંથ હાથમાં લીધો. તેણે ઘણીવાર જેકિલ પાસે તે જોયો હતો. પણ આ શું ? અંદર ઈશ્વરની નિંદા કરતી નોંધો લખાઈ હતી અને એ પણ જેકિલના અક્ષરોમાં !  

          અટરસન તે નોંધો વાંચવામાં વ્યસ્ત બન્યો એટલે પોલ કાચની બરણીઓ અને વાસણ તપાસવા લાગ્યો. તેણે મજબૂત કાચના એક વાસણમાં વિચિત્ર રસાયણ જોયું. કોઈ માનવદેહના અંગને કાપીને તેના માંસ કે લોહીને ઉકાળ્યું હોય તેવું તે જુગુપ્સાજનક હતું. “આ ગ્લાસમાં જુઓ, કંઈક વિચિત્ર વસ્તુ પડી છે !” પોલે સાશંક અવાજે કહ્યું. અટરસન ગ્રંથ બંધ કરી તેની પાસે આવ્યો અને ગ્લાસ જોઈને બોલ્યો, “ભગવાન જાણે હાઇડ શાના પ્રયોગ કરતો હતો ? અને જેકિલ કેમ મળતો નથી ? શું તે હજુ જીવતો હશે ?”

          “કદાચ.” પોલે કહ્યું અને ટેબલના ખાના ખોલી ખાંખાં-ખોળા કરવા લાગ્યો. થોડી વારે તેને એક મોટું પરબીડિયું મળ્યું. વ્યવસ્થિત મૂકાયેલા કાગળની થપ્પી પર તે પડ્યું હતું. તેના પર લખ્યું હતું, “અટરસન માટે...” અક્ષરો જેકિલના હતા. વકીલે તે ખોલ્યું તો તેમાંથી બિડાણ કરેલા કાગળ સરી પડ્યા. ફક્ત વસિયતનામું તેના હાથમાં રહી ગયું જેમાં જૂના વસિયતનામાની જેમ વિચિત્ર શરતોનો ઉલ્લેખ થયો હતો. આ વખતે પણ ‘જેકિલ મૃત્યુ પામે અથવા ગાયબ થઈ જાય’ પ્રકારની શંકાસ્પદ શરત લખાઈ હતી, પરંતુ તેવા કિસ્સામાં મિલકતનો વારસદાર હાઇડ નહીં, ‘ગેબ્રિયલ જ્હોન અટરસન’ ગણાય તેવી ચોખવટ થઈ હતી. આ વાંચી અટરસનને આશ્ચર્ય થયું. તેણે પોલને કહ્યું, “વસિયત મારા નામે કરવાનું જેકિલ પાસે કોઈ કારણ નથી. વળી, તે આટલા દિવસ હાઇડના કબજામાં રહ્યો તો હાઇડે આ બાળી કેમ ન નાખ્યું ? મારું તો માથું ભમી રહ્યું છે.”

          પછી, અટરસને જમીન પર પડેલા બધા કાગળ સમેટ્યા અને બીજો કાગળ વાંચવા લાગ્યો. કાગળના મથાળે આજની તારીખ લખી હતી અને અંદર ડૉક્ટર જેકિલના અક્ષરે ટૂંકું લખાણ લખાયું હતું.

          “અરે પોલ, તે જીવતો છે. જો કાગળમાં આજની તારીખ છે. મતલબ, જેકિલે તે આજે જ લખ્યું છે. જો હાઇડે જેકિલને મારી નાખ્યો હોય તો ય, આટલા ઓછા સમયમાં તે તેના મૃતદેહનો નિકાલ ન કરી શકે ! માટે, જેકિલ હાઇડની કેદમાંથી ભાગી છૂટ્યો લાગે છે. અને એવું છે તો, આપણે, હાઇડે આત્મહત્યા કરી છે તેવું સાબિત કરવું પડશે, તે માટે મજબૂત પુરાવા ભેગા કરવા પડશે, નહિતર હાઇડની હત્યાના આરોપસર કદાચ જેકિલના નામનું વૉરન્ટ નીકળશે.”

          “કાગળમાં શું લખ્યું છે ?” પોલે પૂછ્યું.

          “પ્રિય અટરસન, આ કાગળ તારા હાથમાં પહોંચશે ત્યારે હું મરી ગયો હોઈશ અથવા ગુમ થઈ ગયો હોઈશ. ખબર નહીં હું આ કયા આધારે કહી રહ્યો છું, પણ અંત સાવ નજીક હોય એમ લાગે છે. માટે, હવે મારી મુસીબત અને પરિસ્થિતિ વિશે વાત છુપાવવાનો કોઈ અર્થ નથી. જોકે તો ય એક વિનંતી કરી રહ્યો છું ; તે એ કે તું મારા જેવા નાલાયક માણસની કબૂલાત વાંચે તે પહેલા લેનીયને મોકલેલું પરબીડિયું વાંચી જજે. લેનીયને તને પરબીડિયું મોકલ્યું છે તેની મને ખબર છે કારણ કે તેણે તને જે મોકલ્યું તેની એક નકલ મને પણ મોકલી હતી. બાકીના ખુલાસા કબૂલાતમાં મળી જશે, તારો દોસ્ત હેન્રી જેકિલ.”

          “ત્રીજા કાગળમાં તેની કબૂલાત હશે.” અટરસને હાથમાં પકડેલું છેલ્લું બિડાણ જોયું. તે એવી રીતે બિડાયું હતું કે અંદરનું લખાણ વાંચવા કાગળ સાવધાનીથી ખોલવો પડે. અટરસને તે અલગ કરી પોતાના ખિસ્સામાં સેરવ્યું અને બોલ્યો, “પોલ, આપણે આ કાગળ વિશે કંઈ જ જાણતા નથી ! જેકિલ ભાગી ગયો હોય કે મરી ગયો હોય તો ય, તેની આબરૂ પર બટ્ટો ન લાગે તે જોવાનું કામ આપણું છે. જોકે, અત્યારે ખાસ્સું મોડું થઈ ગયું છે એટલે હું મારા ઘરે જઈ જેકિલ અને લેનીયનનું લખાણ વાંચી જાઉં છું, પણ પ્હો ફાટતા પહેલા પાછો આવી જઈશ, જેથી સવાર પહેલા પોલીસને બોલાવી શકાય.”

          બાદમાં, તે બંને કૅબિનનો દરવાજો બંધ કરી બહાર નીકળ્યા. પોલ ટોળે વળેલા નોકરો સાથે જોડાઈ ગયો અને અટરસન પોતાના ઘર તરફ ચાલ્યો. તિજોરીના બંધ ખાનામાં રહેલું લેનીયનનું પરબીડિયું અને કોટના ખિસ્સામાં રહેલી જેકિલની કબૂલાત, કેટલાય સમયથી ઘૂંટાઈ રહેલા રહસ્ય પરનો પડદો હટાવી દેવાના હતા.

 

ક્રમશ :   

***

Rate & Review

Verified icon
Verified icon

Nilesh Vyas 3 months ago

Verified icon

Vijaysinh Parmar 4 months ago

Verified icon

Jigar Shah 4 months ago

Verified icon

Jignesh 4 months ago