Selfie - 14 books and stories free download online pdf in Gujarati

સેલ્ફી ભાગ-14

સેલ્ફી:-the last photo

Paart-14

"ઓહ માય ગોડ.."આટલું બોલતાં બોલતાં રોહન અને શુભમ દોડીને શુભમની સમીપ આવી પહોંચ્યા.

એમને જોયું તો શુભમ હજુ જીવીત હતો..એ જોતાં એમનાં જીવ માં જીવ આવ્યો.શુભમનાં ઉંહકારા એમને સંભળાયા એટલે એમને તત્ક્ષણ શુભમને બંને તરફથી ટેકો આપી ઉપાડીને સોફામાં રાખી દીધો. રોહને શુભમનું ખમીસ ફાડીને ઉતારી દીધું અને એનાં ઘાવ નીરખીને જોવા લાગ્યો.આ સમય દરમિયાન દામુ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.શુભમ તરફ દામુ ને લાગણી હતી કેમકે શુભમ વર્તનમાં રોહન અને જેડીની માફક ઉદ્ધત નહોતો.

શુભમને આ હાલતમાં જોઈ દામુ દોડીને રસોડામાં ગયો અને ફર્સ્ટ એડ કિટ લઈને આવ્યો..ફર્સ્ટ એડ બોક્સમાંથી કોટન લઈને રોહને શુભમનાં પેટ પર પડેલો ઘા સાફ કર્યો..ઘા સાફ કરતાં જ જેડી અને રોહનને શાંતિ થઈ કેમકે શુભમનાં પેટ પર જે ઘા હતો એ ભલે ચાકુ કે છરીનો હતો પણ એ એક બ્લેડ કટ ની જેમ હતો મતલબ કે ઊંડો નહોતો..શુભમ મજબૂત શરીરનો માલિક હોવાથી લોહી વધારે નીકળ્યું હતું પણ વધુ ચિંતાની બાબત નહોતી.

ઘા પર મલમ લગાવી શુભમ પાટાપિંડી કરતો હતો એ દરમિયાન ત્રણેય છોકરીઓ પણ ત્યાં હોલમાં આવી પહોંચી..શુભમને આ હાલતમાં જોઈ રુહી રડતાં રડતાં બોલી.

"શું થયું શુભમને..શુભમ બોલને..?"

"રુહી ચિંતા જેવું નથી..શુભમનાં ઘા વધુ ઊંડા નથી..અને આ મલમપટ્ટી પણ થઈ ગઈ."રોહન રુહી ને શાંત કરતાં બોલ્યો.

"પણ આ બધું થયું કઈરીતે..?"પૂજાએ પૂછ્યું.

"ખબર નથી..અમે બંને સૂતાં હતાં ત્યારે શુભમની ચીસ સાંભળી એટલે અમે જાગી ગયાં અને જોયું તો શુભમ ત્યાં ફર્શ પર પડ્યો કણસી રહ્યો હતો."શુભમને જ્યાંથી ઉઠાવી લાવ્યો એ તરફ ઈશારો કરતાં રોહન બોલ્યો.

"તમે લોકો એ દારૂ પીધો છે.."રોહનની સમીપ જતાં જ દારૂની ગંધ આવતાં મેઘા ગુસ્સા સાથે બોલી.

"એતો..બસ..બે પેગ જ.."રોહન અચકાતાં બોલ્યો.

"હા મેઘા..ફક્ત બે પેગ જ માર્યા હતાં"જેડી વચ્ચે મમરો મુકતાં બોલ્યો.

"તમે બંને દારૂની ગટર છો..બે પેગ થી તમારું કંઈપણ ના થાય.તમારાં દારૂમાં ને દારૂમાં શુભમની દશા શું થઈ ગઈ.."મેઘા આવેશ સાથે બોલી.

મેઘાની વાત સાંભળી જેડી અને રોહન નિરુત્તર થઈને મોંઢું નીચે કરી ઉભાં રહ્યાં.એમને પણ મેઘા જે કંઈ કહી રહી હતી એ વાત સાચી લાગી રહી હતી.

"હું ઠીક છું..જેડી અને રોહનને ના બોલ મેઘા "કરાહતા કરાહતા રોહન બોલ્યો.

"મરતાં મરતાં માંડ બચ્યો છે અને કહે છે ઠીક છું.."શુભમની જોડે જઈ નીચે બેસી એનો હાથ પકડી રુહી બોલી..એનો ચહેરો અને આંખો શુભમ પ્રત્યેની એની સાચી મોહાબ્બત દર્શાવતાં હતાં.

અંગુઠાથી રુહીનાં આંસુ લૂછતાં શુભમ બોલ્યો.

"એ પાગલ રડીશ નહીં.. જો હું જીવતો જાગતો છું.."કમરથી ઊંચા થતાં શુભમ બોલ્યો..શુભમ નાં ચહેરા પર હાસ્ય હતું પણ એની સાથે દર્દની આછી રેખાઓ પણ હતી.

રુહી શુભમને ગળે લગાવીને રડતાં રડતાં બોલી.

"હવે હું તને એક મિનિટ પણ એકલો નહીં મુકું..i love u"

"I love u too.. પણ હવે થોડો શ્વાસ લેવા દે.આમ જોરથી દબાવીશ તો ઉપર જતો ના રહું.."હસીને શુભમ બોલ્યો.. એની વાત સાંભળી વાતાવરણ ઘણું હળવું થઈ ગયું.

"શુભમ આ બધું થયું કઈ રીતે..?તારો કોમલ નાં હત્યારા સાથે મુકાબલો તો નહોતો થયોને?.."હવે મુદ્દાનો સવાલ જેડીએ પૂછ્યો.

"ખબર નથી એ કોણ હતું પણ એ નક્કી કંઈક કરવા આવ્યો હતો.."જેડી ની વાતનાં જવાબમાં રોહન બોલ્યો.

"તું હકીકતમાં જણાવીશ આખરે થયું શું હતું..?"રોહન હજુપણ શું થયું હતું એ વિશે સંપૂર્ણ જાણવાના ઉદ્દેશથી બોલ્યો.

શુભમે રુહી તરફ જોયું અને પોતાનાં માથા જોડે એક તકિયું રાખવાનો ઈશારો કર્યો..એવું કરતાં શુભમ તકીયાનાં ટેકે બેઠો અને રાતે જે કંઈપણ થયું હતું એનો વૃતાંત કહેવાનું શરૂ કર્યું.

"કાલે રાતે અચાનક મારી આંખ ખુલી ગઈ એટલે હું ઉભો થયો..હું પુનઃ સુવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં મારી નજર બારી જોડે ઊભેલાં એક ઓછાયા પર પડી..એ કોણ હતું એ જોવા માટે હું ઉભો થઈને બારી તરફ ગયો અને બારી ખોલી બહાર જોયું પણ દુરદુર સુધી કોઈ દેખાતું નહોતું..મેં જે જોયું હતું એ શાયદ મારી નજરનો ભ્રમ હોવાનું માની મેં બારી બંધ કરી અને પાછો આવીને સોફામાં સુઈ ગયો."

"પંદર મિનિટ સુધી પ્રયત્ન કરવા છતાં ઊંઘ નહોતી આવી રહી એટલે હું ઉભો થયો અને પાણી પીધું..ત્યારબાદ વોશરૂમમાં ગયો ટોયલેટ માટે.હું ઊંઘવા સોફા તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં વોશરૂમ નાં દરવાજા પાછળથી કોઈ નીકળ્યું અને મારાં પર એનાં હાથમાં રહેલું ખંજર ઉગામી દીધું..મેં અનાયાસે જ મારાં બંને હાથ ખંજર અને પેટની વચ્ચે લાવી દીધાં જેના લીધે ખંજર ની ગતિ કપાઈ ગઈ અને એની એક સામાન્ય કટ જ મારાં પેટ ઉપર પડી.."

"પોતાનો હુમલો ખાલી જતાં એ હુમલાખોર બેબાકળો બની ગયો અને એને ફરીવાર ખંજર મારી તરફ ચલાવ્યું.પણ મેં સાવધાની વાપરી શરીર ઝુકાવી દીધું એટલે હું બચી ગયો.મેં તમને બંને ને અવાજ લગાવ્યો એટલે એ ભાગવા માટે બારણાં તરફ આગળ વધ્યો..ડરથી એને પોતાનાં પગનો ઘા મારાં પેટ પર કર્યો..વાગ્યાં ઉપર વાગતાં હું દર્દથી અર્ધબેહોશ થઈને ફર્શ ઉપર પડી ગયો અને એ હુમલાખોર શાયદ ભાગી નીકળ્યો."

"તે એનો ચહેરો જોયો હતો..?"જેડી બોલ્યો.

શુભમ થોડો સમય વિચારતો હોય એવી અદાથી હોલની છત તરફ જોઈ રહ્યો પછી બોલ્યો.

"એ હુમલાખોરે એનાં ચહેરા પર માસ્ક પહેર્યું હતું એટલે એનો ચહેરો તો હું જોઈ શક્યો નથી પણ એની આંખો રોબિનનાં જેવી નીલી હતી..એની શક્તિ પણ ઘણી વધારે હતી..એ અમે લગભગ મોત નાં મુખમાં પહોંચાડી જ ચુક્યો હતો પણ મારાં નસીબ સારાં કે હું બચી ગયો."

"ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તું બચી ગયો..પણ તારી ઉપર હુમલો થવાનો મતલબ આપણી ઉપર કોઈ ઘાત લગાવીને બેઠું છે.."મેઘા ઉચાટમાં બોલી પડી.

"નીલી આંખો.."મનોમન આટલું બોલતાં પૂજાએ જેડી તરફ નજર કરી..શુભમ જેવી આંખો કહી રહ્યો હતો એવી જેડી ની પણ હતી.

"રોબિન હુમલાખોર હોઈ શકે એ વાત મને વધુ વજન વાળી લાગે છે..કોમલે મરતાં પહેલાં હાથ વડે બાથરૂમનાં ફર્શ પર પણ રોબિન જ લખ્યું હતું અને શુભમ પર હુમલો કરનારો વ્યક્તિ પણ રોબિન જેવો જ લાગી રહ્યો હતો..પણ આવું રોબિન શું કામ કરે..?"રોહને પોતાની વાત રજૂ કરી પણ સાથેસાથે એક સવાલ પણ પૂછ્યો જેનો જવાબ કોઈની જોડે નહોતો.

એ લોકો ચર્ચા કરતાં હતાં ત્યાં દામુ ચા લઈને આવી પહોંચ્યો કેમકે સાત વાગી ગયાં હતાં સવારના..ચા પીધાં બાદ બધાં પોતપોતાનાં રૂમમાં ચાલ્યાં ગયાં.. રુહી એ સાવચેતી સાથે શુભમને પોતાનાં હાથે સ્નાન કરાવ્યું.બપોરે જમવાના સમય સુધી બધાં પોતપોતાનાં રૂમમાં ભરાઈ રહ્યાં.રાતની અડધી ઊંઘનાં લીધે બધાંએ થોડું ઊંઘી લીધું.

દામુ નાં અવાજ આપતાંની સાથે બધાં ડાઈનિંગ ટેબલ ફરતે ગોઠવાઈ ગયાં.. દામુ એ શુભમ માટે ખટાશ વગરનું જમવાનું અલગ બનાવ્યું હતું.તમારી જીભ ની વિવેકતા કોઈને પણ તમારી તરફ માન ઉપજે એવું કરી શકે છે એનું દામુ દ્વારા શુભમનું રખાતું ધ્યાન યોગ્ય ઉદાહરણ હતું.પૈસાદાર હોવા છતાં શુભમની એ ખાસિયત હતી કે વગર કારણે એને ક્યારેય ગુસ્સો નહોતો આવતો.

જમી પરવારી બધાં પાછાં હોલની મધ્યમાં એકઠાં થયાં..આઠમો દિવસ થઈ ગયો હતો એ લોકોનાં આ આઈલેન્ડ પર આવે..બરાબર સાત દિવસ પછી અન્ના એમને લેવા આવશે એની એ લોકોને ખબર હોવાથી સાત દિવસ ત્યાં પસાર કર્યા સિવાય છૂટકો પણ નહોતો.એ લોકો ચાલીને દરિયાકિનારે પહોંચી જાય ખરા પણ પેલાં જંગલી વરુઓનો ડર એમને રહીરહીને ડરાવી રહ્યો હતો જેથી બારમા દિવસે જ ચાલીને દરિયાકિનારે જવા નિકળીશું એવું એમને નક્કી કરી રાખ્યું હતું અને આમેય શુભમની આ સ્થિતિમાં ચાલીને જવું હિતાવહ નહોતું.

આટલી બધી મુસીબતો છતાં રોહન અને પૂજા તો ફરીવાર ક્યારે એકાંત મળશે એની તક શોધી રહ્યાં હતાં..બધાંની નજરથી છુપાવીને રોહને એક કાગળ પર લખ્યું.

"કાલે રાતે 3 વાગે રોબિનનાં રૂમમાં.."

અને એ કાગળ બધાંની નજરોથી છુપાવીને પૂજાને આપી..કાગળ મળતાં જ પૂજા ઉભી થઈ અને વોશરૂમ જવાનું બહાનું કરી ત્યાંથી જતી રહી.થોડીવારમાં એ પુનઃ આવીને એ લોકો સાથે બેસી ગઈ.રોહન તરફ જોઈ એને ઈશારામાં જ પોતાની સહમતિ આપી દીધી કે એ રોબિન નાં રૂમમાં આવી જશે.

સાંજનું મસ્ત મજાનું જમવાનું પૂર્ણ કરી થોડો સમય તાસ રમ્યા બાદ બધાં પહેલાંની જેમ સુવા માટે પોતપોતાનાં રૂમમાં જતાં રહ્યાં..રુહી હવે શુભમને એકલો મુકવા માંગતી નહોતી એટલે એને જ પહેલાંની જેમ પોતપોતાનાં પ્રિય પાત્રો ની સાથે જ સુવાની વાત રજૂ કરી હતી.રુહી ની વાત સાંભળી મેઘા એ એને અને શુભમને ઉપર રોબિનનાં રૂમમાં આવી જવા માટે કહ્યું જેથી એ લોકો એક જ ફ્લોર પર હોય તો સુરક્ષિત રહી શકે.

મેઘાની વાત વિશે શુભમ અને રુહી વધુ વિચારે એ પહેલાં તો રોહને એ રૂમમાં એક હત્યા થઈ હોવાની વાત રજૂ કરી અને સાથે-સાથે ત્યાં સીંગલ બેડ હોવાનું પણ કહ્યું જેથી રુહી અને શુભમે રોબિનનાં રૂમમાં જવાનો વિચાર પડતો મુક્યો.

એ લોકોનાં ત્યાં આવ્યાં બાદ એકપણ એવી રાત નહોતી વીતી જ્યારે કોઈ અનહોની ઘટના ઘટિત ના થઈ હોય એટલે જ આજની રાત કોઈ અગમ્ય ઘટના વગર વીતી જાય એવી બધાં મનોમન પ્રાર્થના કરી રહ્યાં હતાં.

"પ્રભુ ક્યાં બધાંની પ્રાર્થના સાંભળે.."એ રાતે પણ એવું કંઈક થવા જઈ રહ્યું હતું જેની શરૂવાત પહેલાં થઈ ચૂકી હતી..રાત ફરીવાર પોતાની બાહુપાશમાં ડેથ આઈલેન્ડ અને હવેલીને લઈ ચૂક્યાં હતાં.. આ રાત જ હતી જે પોતાની સાથે એક ડરનું મોટું વાદળ લઈને આવતી જે વરસતું ત્યારે ફક્ત દર્દ,પીડા,ચીસો સિવાય બીજું કંઈ પેદા નહોતું થતું.

રાત નાં બે વાગ્યાં ની આસપાસ આગનાં ગોળા હવેલી તરફ આગળ વધી રહ્યાં હતાં..ધીરે ધીરે એ ગોળા એક મશાલનું સ્વરૂપ લઈ ચૂક્યાં હતાં.મશાલની સાથે સાથે હતું સેંકડો લોકોનું એક ટોળું જેમની આંખો પણ ચિંગારી ની માફક ચમકી રહી હતી.એ લોકો ગુસ્સામાં હતાં એવું એમની આંખો પરથી સમજી શકાતું હતું.

એક હાથમાં મશાલ અને એક હાથમાં ભાલા સાથે જંગલી જેવાં લાગતાં લોકોનું મસમોટું ટોળું અંદરોઅંદર એમની ભાષામાં વાતચીત કરતું કરતું હવેલીની તરફ અગ્રેસર થઈ રહ્યું હતું.એક આફત બનીને એ ટોળું ટૂંક સમયમાં હવેલી પર ત્રાટકવાનું હતું જેથી હવેલીમાં મોજુદ બધાં લોકો બેખબર હતાં.

પોતાની ભાષામાં કંઈક બોલતાં બોલતાં એ લોકો અત્યારે હવેલીની ચોગાનમાં ઉભાં હતાં.એમનો અવાજ અને ચીસો એટલી તીવ્ર હતી કે હવેલીનો અને પોતપોતાનાં રૂમનો દરવાજો બંધ હોવા છતાં અંદર મોજુદ દરેકને એ તીવ્ર અવાજ સાફ-સાફ સંભળાઈ રહ્યો હતો.આવો અવાજ કોણ કરી રહ્યું હતું..?એ સવાલનો જવાબ શોધવા ત્રણેય યુગલ પોતપોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યાં અને હોલમાં એકઠાં થયાં.દામુ પણ અત્યારે ત્યાં આવી પહોંચ્યો હતો.

"આટલો બધો અવાજ કોણ કરી રહ્યું છે.."?નીચે હોલમાં એકત્રિત થઈને એ બધાં પરસ્પર એકબીજાને સવાલ કરી રહ્યાં હતાં પણ કોઈની જોડે એનો જવાબ નહોતો..દામુ જરૂર કંઈક જાણતો હશે એમ વિચારી બધાંએ આશાભરી નજરે દામુ તરફ જોયું.

"સાહેબ આ અહીંના સ્થાનિક કબીલાનાં જંગલી લોકો છે..આ કબીલાનો મુખીયા કપુરા અને એનાં કબીલાનાં લોકો ની હેવાનીયત ની કોઈ હદ નથી.એ લોકો ગુસ્સે હોય તો કોઈને પણ જીવતો ને જીવતો આરોગી જાય છે.આ લોકોની બીકમાં પણ ઘણા પર્યટકો અહીં આવતાં ગભરાય છે."દામુ એ કહ્યું.

"પણ આ લોકો અહીં કેમ આવ્યાં હશે.?.આપણે એ લોકોનું શું બગાડ્યું છે એજ સમજાતું નથી."જેડી એ સવાલ કર્યો.જેડી નાં અવાજમાં ડર સાફ-સાફ વર્તાઈ રહ્યો હતો.

"એ સવાલનો જવાબ તો એ લોકો જ આપી શકશે.."દામુ એ સપાટ સ્વરે કહ્યું.

"પણ બહાર નિકળીશું તો એ લોકો મારી નાંખશે.."મેઘા બોલી.

"નહીં નીકળીએ તો અહીં જીવતાં સળગાવી મુકશે એનાં કરતાં તો સારું છે બહાર નીકળી જાણવાની કોશિશ કરીએ આખરે એ લોકો ઈચ્છે છે શું.?"શુભમ બારીમાંથી દેખાઈ રહેલ આગની મશાલો જોઈને ચિંતન કરતાં બોલ્યો.

"શુભમ સાચું કહી રહ્યો છે..એકવાર એ લોકોને જઈને મળવું તો જોઈએ.."રોહન કંઈક વિચારતાં બોલ્યો.

એ જંગલી લોકો ત્યાં કેમ આવી પહોંચ્યા હતાં એ પ્રશ્નનો જવાબ શોધવા એ બધાં હવેલીનાં મુખ્ય દ્વાર તરફ આગળ વધ્યા...!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

એ જંગલી લોકો ત્યાં કેમ આવી પહોંચ્યા હતાં..??શુભમ પર હુમલો કોને કર્યો હતો..??પૂજાએ કરેલ ચોરીનું શું પરિણામ આવશે??પૂજા અને રોહનનો આ સંબંધ પોતાની સાથે કેવી મુસીબતો ઉભી કરશે..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ