રહસ્યના આટાપાટા - ભાગ 16

          (દરેક માણસની અંદર સારા - ખરાબ ભાવો, ઇચ્છાઓ અને ગુણો રહેલા હોય છે. હેન્રી જેકિલે તે બંને પ્રદેશોને અલગ કરવા રાસાયણિક પ્રયોગો કર્યા હતા અને તેમાં સફળ પણ થયો હતો. પ્રયોગોના અંતે તે એવું દ્રાવણ બનાવી શક્યો હતો જેને પીને જેકિલ, રાક્ષસી વૃત્તિવાળા ‘હાઇડ’માં પરિણમી શકે. હવે આગળ...)        

          હું માંડ અડધી મિનિટ સુધી અરીસા સામે ઊભો રહ્યો હોઈશ ત્યાં મને બીજો અને મહત્વનો પ્રયોગ કરવાની ચટપટી જાગી. મારું સ્વરૂપ અને ઓળખાણ કાયમ માટે બદલાઈ જશે કે હું ફરી હેન્રી જેકિલ બની શકીશ, મારે મારું જ ઘર છોડીને ભાગવું પડશે કે એવું નહીં થાય, તે તમામ મહત્વની બાબતોનો આધાર બીજા પ્રયોગની સફળતા પર હતો. આથી, હું ધીમે રહીને બેડરૂમની બહાર નીકળ્યો અને લેબોરેટરીની કૅબિન તરફ ચાલ્યો. લેબોરેટરીમાં પ્રવેશી મેં ફરી એક વાર દ્રાવણ બનાવ્યું, જે પીવાથી પીડા અને વેદનાના ઝટકા તો અનુભવાયા, પણ ફરી હેન્રી જેકિલ બની શકાયું.

          પછી તે આખી રાત, હું ખીણની ધાર પર ઊભો હોઉં તેમ મૂંઝાતો રહ્યો હતો. મારે મારી શોધ દુનિયા સમક્ષ ખુલ્લી કરવી કે નહીં તે મારા ગૂંચવાડાનું મુખ્ય કારણ હતું. જો મારું દ્રાવણ પીને માણસ સજ્જન બની જતો હોત તો વાત જુદી હતી, પણ આ તો માણસની અંદરનો શેતાન જાગી જતો હતો. જોકે તેમાં દવા અને રસાયણોનો કોઈ વાંક ન્હોતો. કોઈ દવા કે રસાયણ દૈવી કે પૈશાચિક હોતા નથી, તે તો આપણે જેને દબાવી રાખીએ છીએ, જેને કેદ કરી રાખીએ છીએ, તેવા સુષુપ્ત સ્વભાવને જગાડી દેતા હતા. વળી, પાંજરામાં પૂરાયેલો સિંહ છુટો થાય ત્યારે વધુ બેફામ બને તેવું અહીં પણ થતું હતું. આથી જ મેં દ્રાવણ પીધું ત્યારે, મારા સદ્ગુણો, સદ્વિચારો મૂર્છિત થઈ ગયા હતા અને રાક્ષસીવૃત્તિ પૂરજોશમાં ખીલી ઊઠી હતી. ‘તો મારે શું કરવું ?’ નિર્ણય લેવાની તે ક્ષણ મારા માટે અત્યંત પેચીદી હતી. છેવટે મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું.

          હવે બીજો સવાલ એ હતો કે મારે ફરી હાઇડ બનવું કે નહીં ? તું સારી રીતે જાણે છે કે સમાજમાં મોટા ગણાતા પ્રતિષ્ઠિત માણસો મનમાં ઊઠતી વિકૃત ઇચ્છાઓને (ભલે ક્યારેક જ ઊઠતી હોય તો ય) ખુલ્લેઆમ પોષી શકતા નથી, યા તો તેઓ તેને કપટ કરીને ભોગવે છે યા તો દબાવી રાખે છે. જેકિલ તરીકે મારે પણ એવું જ જીવન જીવવાનું હતું. વળી, મારી ઉંમર વધતી જતી હતી અને મારું રોજિંદુ જીવન વધુ ને વધુ કંટાળાજનક બની રહ્યું હતું. બીજા શબ્દોમાં કહું તો આટલી મહેનત પછી ય જેકિલના જીવનમાંથી પસ્તાવો, બોજો, દુ:ખો દૂર થવાના ન્હોતા કારણ કે તે સારા ખરાબનું મિશ્રણ જ રહ્યો હતો. સામે પક્ષે હાઇડ રાક્ષસીવૃત્તિનો હતો, પણ દ્રાવણ પીને ફરી જેકિલ બની શકતો હતો.

          આથી, દુનિયા જેને અધમ અને નીચ કહે છે તેવી પાપી ઇચ્છાઓ સંતોષવા હું ક્યારેક હાઇડ બનવા લાગ્યો, પણ મને તેમાં એટલી મજા આવતી કે તેનું પ્રમાણ વધતું જ ગયું. સીધા શબ્દોમાં કહું તો, હાઇડ બનવાથી જે શક્તિઓ અને અનુભવ પેદા થતો હતો તે મને વારંવાર હાઇડ બનવા લલચાવતો હતો, અને હું તે લાલચનો, શક્તિઓનો ગુલામ બનતો જતો હતો. વળી, હાઇડ બનવા મારે કરવાનું પણ કેટલું હતું ? બસ તૈયાર રાખેલું દ્રાવણ પી લઉં એટલે કપડાં બદલાતા હોય તેમ જૂનો દેહ ઊતરીને નવો દેહ ધારણ થઈ જાય !

           ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે હવે જેકિલ અને હાઇડની સલામતીની વ્યવસ્થા કરવી પડશે. આમ તો હું દ્રઢપણે માનતો હતો કે હાઇડ અને જેકિલ એક જ વ્યક્તિ છે તે કોઈ ક્યારેય જાણી શકવાનું નથી, છતાં વધારે પડતા આત્મવિશ્વાસમાં ન રાચતાં મેં ચોક્કસ પગલાં લીધા. સૌથી પહેલા તો મેં સોહો વિસ્તારમાં હાઇડના નામનું મકાન ખરીદ્યું અને તેને રાચરચીલા, સાધન-સુવિધાઓથી સંપન્ન કર્યું. બાદમાં, ઘરની સાજ સજાવટ પૂરી થતાં મેં ત્યાં એક એવી નોકરાણી રાખી જેને હું સારી રીતે ઓળખતો હતો. બહુ મીંઢી એવી તે નોકરાણી કોઈ પણ બાબતે મોં ખોલે તેમ ન હતી. આ બધું કરવાનું કારણ એ કે હાઇડ કંઈ ગુનો કરે અને પોલીસ તેની પાછળ પડે તો હાઇડનું પગેરું સોહો વિસ્તારના મકાન સુધી જઈને અટકી જાય. બીજી બાજુ મેં મારા ઘરના તમામ નોકરોને કહી રાખ્યું હતું કે હાઇડ ગમે ત્યારે આવે જાય, ઘરમાં હરે ફરે તો તેને રોકવો નહીં, મેં તેને તેમ કરવાની છૂટ આપી છે. એ સિવાય, કોઈ દુર્ઘટના ઘટે અને હું હાઇડમાંથી જેકિલ ન બની શકું તો અંતિમ સાવધાની રૂપે વસિયતનામું બનાવરાવ્યું, જેમાં ઉલ્લેખ કર્યો કે જેકિલના ગુમ થવાના કિસ્સામાં તેની તમામ મિલકતનો માલિક હાઇડ બની જશે.

          આમ, મેં ધીમે ધીમે દરેક પ્રકારના જોખમ સામે મજબૂત કિલ્લેબંદી કરી લીધી અને પછી નીડર થઈને વર્તવા લાગ્યો. ભલે હાઇડ તરીકે હું બેફામ વર્તતો હતો, પણ દુનિયાની નજરમાં હું જેકિલ હતો અને જેકિલ સંયમથી રહેતો હોવાથી બધાનો આદર મેળવતો હતો. વળી, જયારે પણ મને સ્વચ્છંદના સાગરમાં વિહાર કરવાની ઇચ્છા થતી કે હું, નિશાળેથી પાછો ફરેલો વિદ્યાર્થી ગણવેશ ફગાવી દે તેમ જેકિલના વસ્ત્રો ફગાવી નીકળી જતો હતો. મારા માટે તે સંપૂર્ણ સલામત હતું. લેબોરેટરીની કૅબિનમાં જઈ તૈયાર રાખેલું દ્રાવણ પી લઉં એટલે અરીસા પર જામેલા ઉચ્છવાસના ભેજની જેમ એડવર્ડ હાઇડ ગુમ થઈ જાય, જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ન હોય ! પછી, તેની જગ્યાએ હેન્રી જેકિલ બેઠો હોય જે મંદ મંદ હસતો હોય અને બાકીની રાત એકદમ શાંતિથી વીતે.

          જોકે, હું હાઇડની દુનિયામાં ભ્રમણ કરી પાછો ફરતો ત્યારે, મારા ભ્રષ્ટ વર્તન બાબતે વિચારે ચડી જતો. હું જેકિલ હોઉં ત્યારે વિકૃત ઇચ્છાઓ એક મર્યાદામાં ઊભી થતી અને તેમાંથી બહુ જૂજ સંતોષાતી, પરંતુ હાઇડ બનતાં જ તેનું પ્રમાણ રાક્ષસી રીતે વિસ્તરતું. વળી, હાઇડ પથ્થર જેવો નિષ્ઠુર હતો, પૂરેપૂરો સ્વાર્થી હતો અને મન ફાવે તેમ વર્તતો બેકાબૂ જાનવર હતો. ક્યારેક તો તેના કરતૂતોથી જેકિલ પણ દિગ્મૂઢ બની જતો. માટે, આવા જંગલી માણસને બહાર એકલો ફરવા દેવો ઓછું ઘાતક ન હતું. આખરે તે ફસાય તો જેકિલ પણ ઉપાધિમાં મૂકાવાનો હતો ! હું આવું બધું વિચારતો ત્યારે મારી જાતને પાછી ફરવા સમજાવતો, પણ દિમાગ એવું કહેતું કે હાઇડ ગુનાઓ કરે છે એટલે સજા ય તે જ ભોગવશે, તું (જેકિલ) શું કામ ચિંતા કરે છે ? જે પોતે સારો માણસ છે, જે પોતાના સદ્ગુણો સાથે જાગે છે, અરે હાઇડે આચરેલા પાપો ધોવાનો પ્રયત્ન પણ કરે છે તેને ગભરાવાની શી જરૂર છે ?

          તેવામાં એક પ્રસંગ બન્યો જયારે મને લાગ્યું કે ખેલ ખલાસ થઈ ગયો. તું જાણે છે કે બાળકી સાથે ક્રૂરતા આચરીને હાઇડ ચાલ્યો જતો હતો ત્યારે તેને એક વટેમાર્ગુએ પકડી લીધો હતો. ત્યારે મને ખબર ન્હોતી, પણ પાછળથી (તેં ઓળખાણ કરાવી ત્યારે) ખબર પડેલી કે તે વટેમાર્ગુ (રીચાર્ડ એનફિલ્ડ) તારો સગો થતો હતો. તે દિવસે રીચાર્ડ, ડૉક્ટર અને બાળકીના પરિવારજનો હાઇડ પર ગુસ્સે ભરાયા હતા અને મારા જીવનું જોખમ સર્જાયું હતું. પણ પછી, તેમને શાંત કરવા હાઇડે વળતર આપવાની વાત કરી અને તેઓ સહમત થયા એટલે બચી શકાયું. ત્યારે હાઇડ લેબોરેટરીના પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશેલો અને હેન્રી જેકિલની ચેકબૂકમાં તેના જ નામની સાઇન કરીને ચેક આપી દીધો હતો. તે બેશક શંકા જગાવે તેવું હતું, પણ હાઇડ પાસે બીજો રસ્તો જ ન હતો. બાદમાં, ફરી એવી પરીસ્થિતિ સર્જાય તો જેકિલ જોખમમાં ન આવે એ માટે મેં હાઇડના નામનું ખાતું ખોલાવી દીધું ; પૈસાની તો આમેય છૂટ હતી, જેકિલ બહુ સધ્ધર માણસ હતો.

          આમ ત્યારે હું બચી ગયેલો, પણ પછી એક નવી મુસીબત ઊભી થઈ હતી. ડેન્વર્સ કેર્યુંની હત્યા થઈ તેના કંઈક બે મહિના પહેલા હું આવી રીતે રૂપ બદલીને મજા કરવા નીકળ્યો હતો અને મોડી રાત્રે પાછો ફરેલો, પછી લેબોરેટરીમાં દવા પીને જેકિલ બનીને (જેકિલના બેડરૂમમાં) ઊંઘી ગયો હતો. બાદમાં વહેલી સવારે, મને વિચિત્ર લાગણી અનુભવાઈ. ત્યારે તો હું ભર ઊંઘમાં હતો એટલે એ શાની લાગણી હતી તે ન સમજાયું, પણ પછી મોડેથી આંખ ખૂલતા મારી નજર મારા હાથ પર પડી. મને યાદ હતું કે રાત્રે સૂતી વેળાએ મારા હાથ જેકિલના હાથ જેવા લાંબા, સફેદ અને સુડોળ થઈ ગયા હતા, પરંતુ અત્યારે (સવારે) તે દૂબળા, કદરૂપા અને કાળી રૂંવાટીવાળા દેખાતા હતા. તંદ્રામાં હોવાથી અડધી મિનિટ તો હું એમ જ બેસી રહ્યો, પણ પછી મામલો સમજાતાં મને જોરદાર ફાળ પડી. હું એકદમ ચોંકીને કૂદ્યો અને બેડરૂમમાં રાખેલા અરીસામાં જોયું. અરીસામાં જે પ્રતિબિંબ હતું તે જોઈ મારા મોંમાંથી ઝીણી ચીસ નીકળી ગઈ. મને વિશ્વાસ ન થયો, પણ હું એડવર્ડ હાઇડના સ્વરૂપમાં ઊભો હતો !

 

ક્રમશ :

***

Rate & Review

Tej Bhimani 1 week ago

Jigar Shah 3 weeks ago

Jignesh 1 month ago

Kishor 1 month ago

pd criminal 4 months ago