વાસ્તવિકતા

            ભૂમિકા ખુબ સીધી-સાદી અને પ્રેમાળ સ્વભાવની છે. સ્વભાવ થોડો ગરમ ખરો પરંતુ ઝડપથી જતું કરી શકે એવી અમારી ભૂમિકા દરેકને ગમી જાય એવી વ્યક્તિત્વની છે.
ભૂમિકાનો ઉછેર એક સુશીલ પરિવારમાં થયો હોવાથી આ ગુણો એને વારસામાં જ મળ્યા હતા. ભૂમિકાને ભણવામાં રૂચી હતી જ સાથોસાથ એને ભારતનાટ્યમમાં પણ વિશારદ કર્યું હતું. બધી જ રીતે ગુણવાન હોવાથી ભૂમિકાનો અભ્યાસ હજુ ચાલુ હતો ત્યાં જ એક સારા પરિવારમાંથી ભૂમિકાના લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો. છોકરાનું નામ અનુરાગ હતું. છોકરો દેખાવે સીધો સરળ અને સારી નોકરી કરતો હોવાથી ભૂમિકાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. પણ ભૂમિકા જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ભણવાનું ચાલુ રાખશે એ વાતની મંજૂરી ભૂમિકાએ અનુરાગ પાસેથી લીધી હતી. થોડા સમયમાં ખુબ ધામધૂમથી ભૂમિકાના લગ્ન થયા હતા. ભૂમિકા પોતાના ભાવિ પતિ માટે ખુબ સંતોષ ધરાવતી હોવાથી વિદાયના સમયે તેની આંખમાં એક પણ આંસુ આવ્યા ન હતા. એ પોતાના સાસરાને જ પોતાનો પરિવાર દિલથી જ માની ચુકી હતી. આથી એ કહેતી કે રાજીખુશીથી હું મારા જ ઘરે જાવ છું તો મને રડું શું કામ આવે? એટલું જ નહીં ભૂમિકાના મમ્મી-પપ્પાની  આંખમાં પણ આંસુ આવ્યા ન હતા. ખુબ જ હસતા મોઢે ખુશખુશાલ મેં મારી ઝીંદગીમાં આ પ્રથમ વિદાય જોઈ હતી.
ભૂમિકાના લગ્નને થોડો સમય પસાર થયો હશે ત્યાં અનુરાગનું વર્તન ધીરે ધીરે બદલવા લાગ્યું હતું. ભૂમિકા ભણેલી હોવાથી નોકરી કરતી હતી. નોકરીની સાથોસાથ ઘરની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહી હતી, છતાં અનુરાગ અને તેના પરિવારને ભૂમિકાથી શું અસંતોષ હતો એ જ ભૂમિકા સમજી શકી નહીં. ભૂમિકાનો બધો જ પગાર   અનુરાગના એકાઉન્ટ માં જમા  થતો હતો. ભૂમિકા પોતાની રીતે કઈ જ નવીન વસ્તુ ખરીદવી હોય તો એ ખરીદી શકતી નહીં. પરિવારમાં સુખ-શાંતિ જ મહત્વના એવું વિચારી હવે એ કોઈ જ વસ્તુની કે મોજશોખની કે ફરવા જવાની ઈચ્છાને પણ વ્યક્ત કરતી ન હતી. ભૂમિકા સમજદાર હતી આથી પોતાના પિયરમાં પણ કોઈ જ વાત કહેતી ન હતી. ધીરે ધીરે તો જાણે ભૂમિકા પર એક જાતનું દબાણ રહેવા લાગ્યું હતું. ભૂમિકાને સ્પષ્ટ તો કહેવામાં આવતું ન હતું પણ અનુરાગે જાણે દહેજ લગ્નમાં માંગ્યું ન હોય અને હવે એ અનુરાગને જોતું હોય એવું ભૂમિકાને અનુરાગની વાતો પરથી લાગતું હતું.
ભૂમિકા એમના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી છતાં અનુરાગ પોતાની ઈચ્છા પુરી કરવા ભૂમિકાને આડકતરી રીતે હેરાન કર્યાં કરતો હતો. ભૂમિકા વિચારતી હતી કે હું મારા માતા-પિતાની એક માત્ર વારસદાર છું છતાં અનુરાગ આવું વર્તન કેમ કરે છે? કહેવાય છે ને કે એક તરફી પ્રેમ કેટલો સમય ચાલે! ભૂમિકાની નજરમાંથી અનુરાગ ઉતરી ગયો હતો પરંતુ ભૂમિકા પોતાના માતા-પિતાને દુઃખ ન પહોંચે એ માટે ચુપચાપ બધું સહન કરતી હતી. ભૂમિકાના માતા-પિતા ગાંધીવાદી વિચારધારા વાળા હતા. એમની વિચારસરણી એવી હતી કે જુલ્મ કરવું પણ નહીં અને સહેવું પણ નહીં. ભૂમિકાને થતું કે મારા માતા- પિતાએ ક્યારેય કોઈનું ખરાબ કર્યું નહીં તો પણ મારી સાથે મારા સાસરિયા આમ વર્તન કરે છે એ કેમ મારા માતા- પિતાથી સહન થશે? આવી બધી ગડમથલના હિસાબે ભૂમિકા અંદરને અંદર શોષવાતી હતી. સાસરે એ એક નોકરાણી થી પણ ખરાબ જીવન જીવતી હતી કારણ કે નોકરાણી ને તો એના કામનું વેતન મળે છે પણ અહીં વેતનના બદલે ભૂમિકાને અપજશ, મેણાંટોણાં ને ફરિયાદ જ મળતી હતી. વધુમાં નોકરી કરતી એ પગાર પણ અનુરાગ જ રાખતો હતો.
ભૂમિકા રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે,"ભગવાન મને શક્તિ આપો કે હું બધું હસતા મોઢે સહન કરી શકું." ભૂમિકાની જીવન નૈયા  હાલકડોલક થઈ રહી હતી. ભૂમિકા એવું વિચારતી હતી કે મારે ત્યાં એક સંતાન થશે એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે, અનુરાગમાં પણ થોડી પીઢતા આવશે અને મારા સાસુ-સસરા પણ બાળકમાં ગુંચવાય જશે એટલે બધું ઠીક થઈ જશે. બસ આજ વાતના આશરે ભૂમિકા જીવી રહી હતી. સમય જતા ભૂમિકા ગર્ભવતી બની હતી પણ જેવું ભૂમિકા વિચારતી હતી એવો કોઈ ખાસ ફેર અનુરાગમાં કે એના પરિવારમાં આવ્યો ન હતો. ભૂમિકાના પિયરથી રૂપિયા પ્રાપ્ત કરવા માટેના નતનવીન કીમિયા અનુરાગે વિચારી લીધા હતા. અનુરાગે ભૂમિકા ગર્ભવતી બની એ સમાચાર ફોન દ્વારા ભૂમિકાના માતાપિતાને આપ્યા હતા. ભૂમિકાના માતાપિતા ખુબજ ખુશ થઈ ગયા હતા એમની ખુશીનો પાર ન રહ્યો એટલા રાજી થયા કે એમને પોતાની પુત્રીને જોવાની ઈચ્છા થઈ હતી. ભૂમિકાને અને એના પરિવારને જાણ કર્યા વગર બંને ભૂમિકાને સાસરે મળવા આવે છે, ભૂમિકાને સરપ્રાઈઝ આપી એના પ્રતિભાવ જોવા માટે બંને ખુબ ઉત્સુક હતા.
હવે અનુરાગના બધા કીમિયા પર પાણી ફરવાનું હતું. ભૂમિકાના માતાપિતા અચાનક  હાજર થતા એમને પોતાની નજરે ભૂમિકા પર અનુરાગ દ્વારા જે વર્તન થતા હતા એ જોયા, એમને વધુ દુઃખ એ વાતનું પહોંચીયું કે ભૂમિકાના સાસુસસરા પણ ત્યાં જ હતા છતાં એ ભૂમિકાના બચાવ માટે એક પણ શબ્દ ઉચ્ચારતા ન્હાતા. અનુરાગ બેફામ ભૂમિકા પર વરસી રહ્યો હતો. અચાનક ભૂમિકાની નજર દરવાજા પાસે ઉભેલા એના માતાપિતા પર પડી, ભૂમિકા આજ એની આંખના આંસુને રોકી ન શકી. મન ભરીને એ પોતાના પપ્પા ને ભેટીને એ રડી હતી. કોઈ જ વાતચીત કર્યા વગર ભૂમિકાના માતાપિતા એને લઈને એના સાસરેથી નીકળી ગયા, ફક્ત ભૂમિકાએ અનુરાગને એટલું કહ્યું, 'મેં તમને ખરા દિલથી પ્રેમ કર્યો છે પરંતુ તમે ફક્ત રૂપિયાને જ પ્રેમ કરો છો, જયારે ફક્ત મારો જ સ્વીકાર કરી શકો ત્યારે મારે પિયર આવી જજો હું કોઈ જ પ્રશ્ન વગર તમારી સાથે આવી જઈશ'.
આજ ભૂમિકા એક સંતાનની માતા બની ગઈ છે. ગવર્મેન્ટની સરસ નોકરી કરે છે. રોજ દુઃખી થઈ ને જીવનાર ભૂમિકા આજ શાંતિથી અને સ્વમાન સાથે એનું જીવન જીવી રહી છે. ભૂમિકાને હજુ એક આશા છે કે કદાચ અનુરાગે કરેલ અન્યાયનો અનુરાગને પશ્ચાતાપ થાય અને એ ફરી એ ભૂમિકા અને પોતાના સંતાનનો એ સ્વીકાર કરીલે...
આજ આવી જ આશામાં ભૂમિકા વર્ષો ગુમાવી દીધા છે,અને એણે પણ જાણે એકલતા સ્વીકારી લીધી છે. ભૂમિકાને જયારે લોકો એવા સવાલ કરે કે તું તારા પતિ વગર કેમ જીવી શકે છે? ત્યારે ભૂમિકા પોતાનો જવાબ એક જ વાક્યમાં આપે છે કે પતિ જ જયારે પોતાની ફરજ ચૂકતો હોય તો એની સાથે કે એના વગર આપણે જીવી શક્યે છીએ.
સમાજમાં આવા ઘણા કિસ્સાઓ બને છે જે દહેજ લાલચુ પોતાની રૂપિયાની ભૂખના હિસાબે ઘરની ગૃહલક્ષ્મીની અવગણના કરે છે, એને હેરાન કરે છે. અમુક કિસ્સામાં તો લોકો હત્યા કરતા પણ ચુકતા નથી. આવા કિસ્સાઓ સુશિક્ષિત સમાજ માટે કાળા ધબ્બા સમાન છે. ભૂમિકાના માતાપિતાએ જેમ સમાજની પરવા કર્યા વગર ફક્ત પોતાની ફુલ સમાન દીકરીને સાચવી લીધી એમ જો દરેક માતાપિતા થોડી હિમ્મત દાખવે તો  કોઈ જ દીકરી રૂપિયા ભૂખ્યા લોકોનો શિકાર ન બની શકે એ વાત નિશ્ચિત છે.

***

Rate & Review

Bhatt .Mayur 4 months ago

ankita vaidya 4 months ago

maxvini modi 5 months ago

Vasant Gamit 5 months ago

raval Namrata 5 months ago