White dav 12 books and stories free download online pdf in Gujarati

વ્હાઇટ ડવ ૧૨


ચૂડેલથી બચીને ભાગેલા કાવ્યા અને શશાંક હવેલીના દરવાજામાં પ્રવેશી ગયા ત્યારે કાવ્યા ડરની મારી શશાંકને બાજી પડી. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો એટલે શશાંકના મોં ઉપર ફેંકાયેલું પેલું ગંદુ, લીલું પ્રવાહી તો ધોવાઇ ગયેલું પણ એની વાસ હજી આવતી હતી.
“બોવ જ ગંદી સ્મેલ છે. તું નહાઈને જમવા આવજે.” કાવ્યાએ જાતેજ અળગા થઈ જતાં કહ્યું. એણે એનું નાક એક હાથ વડે પકડી રાખેલું.
બંને અંદર ગયા. માધવીબેન સવારના બંનેની ચિંતા કરતાં હતા. છતાં એમણે તરત બોલવાનું ટાળ્યું. એ લોકો ફ્રેશ થઈને નીચે જમવા આવ્યા કે તરત માધવીબેન બોલ્યા, “કંઇક વાસ આવે છે!”
“એ વાસ મારામાંથી જ આવે છે. બે વાર સાબુ લગાવીને નહાયો!” શશાંકે થોડું રમુજી ઢબે એનું મોઢું નમાવી પોતાને જ સુંઘતા કહ્યું.
“હવે તમે લોકો મને કંઈ વાત કરશો? સવારના બંને જણાં શું કરી આવ્યા?”
“જી મોમ!” શશાંકે આજ સવારથી લઈને અત્યાર સુંધી ઘટેલી એક પછી એક દરેક વાત કહી. માધવીબેન જેમ જેમ વાત સાંભળતા ગયા તેમ તેમ એમની આંખોમાં ભય વધતો ગયો...
“હે મારા રામ! કાવ્યા તું ઠીક છેને બેટા?” ચિંતાથી વિહવળ થયેલા માધવીબેન આંસુભરી આંખે બોલી રહ્યા, “તું ચાલ, આપણે પાછા મુંબઈ જતા રહીએ. વ્હાઈટ ડવમાં જે થવાનું હશે એ થશે આપણે સામાન્ય માનવીઓ...આ ભૂતપ્રેત સાથે લડવાનું આપણું કામ નહિ!”
“હવે પાછા હટવું શક્ય નથી, મમ્મી! આ બધું અટકાવવા જ ભગવાને આપણને અહીં મોકલ્યા છે. ભૂતપ્રેત જો હોય તો એમની દુનિયામાં જઈને રહે એમનું મારા જીવનમાં કે વ્હાઈટ ડવમાં કોઈ કામ નથી. આ ભેદ શું છે એની જડ સુંધી મારે પહોંચવું જ રહ્યું.”
“શશાંક તું તો આને સમજાવ. કેવી વાતો કરે છે!”
“સોરી! હું એમની સાથે છું! તમે લોકો અહીં આવ્યા એ પહેલાંનો હું અહીં આ જ કામ માટે આવેલો છું. તમને કાવ્યાની ચિંતા થતી હોય તો તમે એને લઈને મુંબઈ પાછા ચાલ્યા જાવ હું મારું કામ ચાલું રાખીશ.”
“એ શું બોલ્યો શશાંક? ખતરો સામે આવતા મેદાન છોડીને ભાગી જવાવાળી હું નથી. આપણે સાથે મળીને બધું સમુસુતરું પાર પાડીશું.
“કાવ્યા અને શશાંક બંનેની નજર એકબીજા સાથે મળી, એ નજરમાંથી એક લાગણી વહી રહી...કદાચ એ જ પ્રેમ હશે!
જમ્યા પછી કાવ્યા એના રૂમમાં ગઈ. આખા દિવસની રઝળપાટ અને પેલી ચુડેલ પોતાને અડી હતી એ યાદ આવતા જ એણે નહાઈને કપડાં બદલવાનું વિચાર્યું. બાથટબમાં પાણી હૂંફાળું આવે એવી રીતે નળ સેટ કરી એણે એક પછી એક આવરણ દૂર કર્યું. બાથટબમાં બેસી એણે બંને હથેળીઓમાં શાવર જેલ લઈ સૌથી પહેલા ગરદન પર બરોબર મસાજ કરી, જાણે હજી ત્યાં પેલી ચૂડેલના અડવાના નિશાન રહી ગયા હોય.. એક પછી એક અંગ પર ફીણ વડે મસાજ કરી એ હૂંફાળા પાણીમાં થોડીવાર બેસી રહી. આજે જ કંઈ થયું હતું એના જ વિચારો એ કરી રહી હતી. દિવસભરની થકાન અને ભયાનક અનુભવ બાદ પણ એ ખુશ હતી. શશાંક એની સાથે હતો એ વાત જ એને ખુશ કરી જતી હતી. શશાંકની યાદ આવતા જ એના ચહેરા પર એક સ્મિત રેલાઈ ગયું...
“શું થયું? એકલી એકલી હસે છે, મને નહી કહે!”
અવાજ સાંભળીને કાવ્યા ચમકી હતી. એણે આંખો ખોલી તો વધારે ચમકી ગઈ. એના ચહેરાની સાવ પાસે જ દિવ્યાનો ચહેરો હતો... એ પણ એની સાથે ટબમાં બેસેલી...એ આગળ આવી વાંકી વળી કાવ્યાનો ચહેરો જોતી હતી...
“તું અહીં! અત્યારે! “કાવ્યાને શું બોલવું એ સુજ્યું નહીં. એ ખરેખર ગભરાઈ ગઈ હતી.
“હા...આપણે બંને આમ સાથે નહાતા હતા રોજ! કેટલી મજા પડતી હતી.” દિવ્યા થોડી પાછળ હટી અને ટબની સામેની બાજુએ જઈને કાવ્યાની જેમ જ ટેકણ લઈને બેઠી.
કાવ્યાએ ફટોફટ પોતાના પર કાબૂ મેળવી લીધો. દિવ્યા જ એને કંઇક જણાવી શકે એમ હતી. એ હજી બાળકી હતી અને એણે ખૂબ શાંતિથી એની પાસે કામ લેવાનું હતું.
“હા, મને યાદ છે!” કાવ્યાએ ખોટું કહ્યું. એના આ જૂઠથી દિવ્યા ખુશ થઈ. કાવ્યાએ જાળવીને બીજો સવાલ કર્યો,
“તું આખો દિવસ ક્યાં હતી? મને મળી કેમ નહિ? મને તારી કેટલી યાદ આવતી હતી.”
“હું તો અહીંયા જ હતી. ”
“આજે તું હોસ્પિટલ નહતી આવી!”
“ના. હું ક્યારેય ત્યાં નહીં આવું. પપ્પાએ જ મને ત્યાંથી ભગાડી અને કહ્યું કે હું હવેલીમાં રહું. માતાજી મારી રક્ષા કરશે. મને હવેલીમાં થોડો ડર લાગતો હતો પણ તું અને મમ્મી અહીં આવી ગયા એટલે હવે વાંધો નથી.” દિવ્યા થોડા આવેશથી બોલી ગઈ.
પપ્પા શબ્દ સાંભળીને કાવ્યાને સારું લાગ્યું,. “પપ્પાએ ભગાડી! કેમ?”
“પેલો જ્યૉર્જ એ મને એક બોટલમાં પૂરીને રાખતો હતો. એ મને જરાય પસંદ નથી. પેલી માર્થા પણ. એ બંને મળીને પપ્પાને પરેશાન કરે છે. મને એ બધું યાદ નથી કરવું...” દિવ્યા રડમસ થઈ ગઈ.
એ ભેકડો તાણીને રડી પડે એ પહેલાં કાવ્યાએ વાત બદલી. દિવ્યા હજી બાળકી હતી અને એની સાથે સમજાવટથી કામ લેવાનું હતું .” તારું ટેડી બેર ક્યાં ગયું?"
“પેલું રહ્યું.” દિવ્યાના મોઢા પર સ્મિત આવી ગયું. એણે આંગળી લાંબી કરી સામેના કબાટમાં પડેલું ટેડી બતાવ્યું, “એ ભીનું ના થઈ જાય એટલે એને ત્યાં મૂક્યું છે. "
“આ સરસ કર્યું. પપ્પાને મારી યાદ નથી આવતી? એ કેમ મને મળવા નથી આવતા?” કાવ્યાએ થોડું રોતલ અવાજે પૂછ્યું.
“પપ્પા મુસીબતમાં છે. એ એકલા આ બધા સાથે લડી રહ્યાં છે."
“કોણ બધા?”
“જ્યૉર્જ, માર્થા, બીજા બધા કાળા કપડાં પહેરેલા માણસો... ના એ માણસો નથી એ રાક્ષસો છે. એ બધા માણસોને કાચા ખાય જાય છે, એમનું લોહી પીવે અને અને...” દિવ્યા ડરી રહી હતી. એની આંખો આગળ એ જે બોલતી હતી એ દૃશ્ય ભજવાઈ રહ્યું હશે કદાચ..
“ક્યાં છે એ બધા? તું મને એ જગ્યા બતાવ હું એ બધાને મારી નાખીશ. પપ્પાને પણ છોડાવી લાવીશ. પછી તારે કોઈનાથી નહી ડરવું પડે મારી બહેન.”
“તું સાચેજ એવું કરીશ?” દિવ્યાની આંખોમાં એક ચમક આવી ગઈ.
“હા, મારી વહાલી! તને યાદ છેને નાનપણમાં જ્યારે પેલું જીવડું ઘરમાં આવી ગયેલું અને તું ડરી ગઈ હતી ત્યારે મેં તો એ જીવડાને મારેલું.”
“હા, મને યાદ છે! મારી બેન! તું ક્યાં હતી અત્યાર સુધી? કેમ આટલી મોડી આવી? હું ક્યારની તને બોલાવતી હતી...” દિવ્યા આગળ આવીને કાવ્યાને ભેંટી પડી. કાવ્યા માટે એનો સ્પર્શ બસ એક પવનનું લહેરિયું આવીને અડીને જતું રહે એવો હતો. છતાં એણે પણ દિવ્યાને ખભે હાથ મૂક્યો. એ હાથ દિવ્યાના શરીરની અંદર જતો રહ્યો...
“એ જગ્યા ક્યાં છે? વ્હાઈટ ડવમાં?!”
“ના. દૂર...બહુ દૂર...! જંગલની વચ્ચે. મને ચોક્કસ ખબર નથી પણ પાંડવ ગુફાની આગળ એ જગ્યા આવે છે!” દિવ્યા ધીરેથી બહાર નીકળી. એનું આખું શરીર કોરું જ હતું. એનું ફ્રોક પણ. પાણી એને પલાળી ના શક્યું. એણે એનું ટેડી બેર લીધું અને બાથરૂમના દરવાજાની આરપાર નીકળી ગઈ. કાવ્યાએ બેવાર એને બૂમ પાડી પણ એ ના રોકાઈ. કાવ્યા ટબની બહાર આવી ભીના શરીર ઉપર જ એણે નાઇટી ચઢાવી અને એના રૂમની બહાર ભાગી. અચાનક કંઇક યાદ આવતા એ પાછી ફરી અને એનો મોબાઈલ લઈ પાછી ભાગી શશાંકના રૂમમાં. એના રૂમનું બારણું આડું જ કરેલું હતું. હળવો ધક્કો મારતાં જ ખુલી ગયું.
“અરે તારામાં કંઈ મેનર્સ જેવું છે કે નહીં...આમ કોઈના રૂમમાં ઘૂસી અવાય?” શશાંકે ફટોફટ એના ઉઘાડા સીના પર ટીશર્ટ પહેર્યું. કાવ્યાને સહેજ હસવું આવી ગયું. “મેં હાલ દિવ્યા સાથે વાત કરી.”
દિવ્યાએ એને જે જે કહેલું એ બધું એણે શશાંકને કહ્યું. “પાંડવ ગુફાની આસપાસ કશુંક રંધાઈ રહ્યું છે. મારા પપ્પા નિર્દોષ છે. એમનો કોઈ વાંક નથી. જ્યોર્જ, માર્થા અને આ ગુફાવાળા લોકોની રચેલી બધી માયાજાળ છે. આપણે પાંડવ ગુફા જવું પડશે. ”
“હમમ...જોઈએ કાલે પૂજારી એમના પત્રમાં શું કહે છે. એ કોઈ વાત કરવા જતા હતા અને અચાનક વાતાવરણ બદલાઈ ગયેલું મતલબ કોઈ એમને રોકવા માંગતું હતું. તારા ઉપર જાન લેવા હુમલો પણ થયો એ ચુડેલ તને ડરાવવા આવી હતી. તું એ લોકોના વિશે માહિતી ના મેળવે એટલે.” શશાંકે કહ્યું.
“સવાર સુધી રાહ જોવાની શી જરૂર છે. જો આનો ઉપયોગ કરીએ. “કાવ્યાએ એનો મોબાઈલ હલાવીને કહ્યું. “વાતો નહિ મેસેજ કરવાના. હું પુજારીજીને ટેક્સ્ટ કરી દઉં છું.”
શશાંક કંઈ કહેવા જતો હતો પણ એ પહેલા કાવ્યાએ પુજારીજીને ફોન લગાવી દીધો હતો. “હા, પુજારીજી હું કાવ્યા. તમે જે વાત કહેવાના હતા એ અહીં મોબાઈલમાં મેસેજ કરીને જણાવી દો તો, સવાર સુધી બીજું વિચારવાનો મોકો મળી રહે.”
પૂજારીજી એની વાત સાથે સહમત થયા. આમેય એ અત્યારે પત્ર લખવા જ બેસતાં હતા. થોડીક જ વારમાં એમનો મેસેજ આવ્યો.
“વલસાડ અને ડાંગ જિલ્લામાં ઘણા ઘીચ જંગલો આવેલા છે. ગુજરાતના છેવાડે આવેલો આ વિસ્તાર હજી એટલો વિકસિત નથી થયો. ત્યાં હજી ઘીચ જંગલો અને પર્વતીય વિસ્તાર આવેલા છે. ક્યાંક ક્યાંક એ ઘાટા જંગલોમાં કેટલાક અઘોરપંથી લોકોએ વરસોથી એમનો અડ્ડો જમાવ્યો છે. એ લોકો માનવભક્ષી છે, ગમેતેવા જનાવરને એ લોકો કોઈ જાતના ખચકાટ વગર ખાઈ શકે. ભૂતપ્રેત અને આત્મા વિશે એમનું જ્ઞાન ગણું વધારે છે. માનવ વસવાટથી અલગ એમની જુદી જ દુનિયા છે એમ કહી શકાય.”
થોડીવાર રહી બીજો મેસેજ આવ્યો, “જ્યૉર્જ વિલ્સન આહવાના જંગલોમાં મરણતોલ માર ખાઈને પડ્યો હોય અને એ વખતે કોઈ અઘોરીએ એની મદદ કરી હોય એમ બની શકે. જે રીતે પેલા યુવાનનું મોત થયેલું એ જાણીને મને લાગે છે એ જરૂર અઘોરી શક્તિનો જ પરચો હતો.”
સામે કાવ્યાએ મેસેજ કર્યો, “એ લોકો ક્યાં મળે?”
“એમનું કોઈ ચોક્કસ સ્થાન મને ખબર નથી. એ લોકો કોઈને ના જણાવે. સાપુતારા, આહવા, વઘઈ આખા ડાંગ જિલ્લામાં કે એનાથી આગળ મહારાષ્ટ્રની સરહદમાં પણ ગમે ત્યાં એ લોકો હોઇ શકે.”
કાવ્યાને એનો ફોન ગરમ થતો હોય એમ લાગ્યું. એણે સામે મેસેજ કર્યો, “પાંડવ ગુફા”, હજી આ શબ્દ એણે ટાઈપ જ કરેલો કે એનો ફોન એટલો બધો ગરમ થઇ ગયો કે એના હાથમાંથી નીચે પડી ગયો. કાવ્યાની હથેળી થોડી દાઝી હતી. ફોન પકડેલો એ ભાગ લાલચોળ થઈ ગયેલો. પણ એનું ધ્યાન એ તરફ જરાય ન હતું. એ એના ફોનની સ્ક્રીન જ જોઈ રહી હતી. પાંડવગુફા લખેલું એ લખાણ ધીરે ધીરે મોટું થયું, એ લખાણથી એ નામથી આખી ફોનની સ્ક્રીન ભરાઈ ગઈ. એનો રંગ બદલાઈ ગયો. કાળા અક્ષર ધીરે ધીરે લાલ થઈ ગયા....એની આસપાસથી ધુમાડો નીકળવા લાગ્યો... થોડીક જ સેકંડોમાં આખા ફોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને એ ફોન પીગળવા લાગ્યો. એકાદ મિનિટની અંદર એ ફોન આખો ઓગળી ગયો અને નીચે ફર્શ પર કાળું, લાલ પ્રવાહી પડેલું રહી ગયું. એ પ્રવાહી હજી ઉકળી રહ્યું હતું. એમાંથી પરપોટા થતાં હતાં અને ધુમાડો નીકળતો હતો... કાવ્યા જાણે ભાન ભુલી ગઈ હોય એમ એ પ્રવાહીને ધારી ધારીને જોઈ રહી હતી. અચાનક એ પ્રવાહીમાંથી છાંટા ઉડ્યા હતા... એજ વખતે શશાંકે કાવ્યાને પાછળ ધકેલી હતી અને પેલા પ્રવાહી પર પાણી ઢોળેલું. એક છાંટો કાવ્યાની નાઇટી પર પડેલો ત્યાં મોટું કાણું પડી ગયું હતું....