રહસ્યના આટાપાટા - ભાગ 19 (અંતિમ ભાગ)

          (અત્યાર સુધીમાં આપે વાંચ્યું કે રીજન્ટ પાર્કની બેંચ પર બેઠેલો જેકિલ આપમેળે હાઇડ બની ગયો હતો અને ત્યાંથી સોફિયા હોટેલ પર ભાગ્યો હતો. બાદમાં હોટેલ પરથી તેણે, પોલ અને લેનીયનને ચિઠ્ઠીઓ મોકલી હતી અને મોડી રાત્રે તે લેનીયનના ઘરે જવા નીકળ્યો હતો. હવે આગળની કબૂલાત જેકિલના શબ્દોમાં...)   

          પછી જે થયું તે તને લેનીયને લખી મોકલ્યું છે એટલે હું તેનું પુનરાવર્તન કરતો નથી. છતાં એટલું ચોક્કસ કહીશ કે લેનીયનના ઘરે દ્રાવણ પીધા પછી હું નિશ્ચિંત થઈ ગયો હતો. હું ફરી જેકિલ બની ગયો હતો એટલે હવે હાઇડની ધરપકડ થવાની શક્યતા બિલકુલ ન્હોતી. હા, લેનીયન આ રાઝ જાણી ચૂક્યો હતો એટલે મારે તેને બધી વાતો કહેવી પડી. બાદમાં, હું મારા ઘરે જવા નીકળ્યો અને ઘરે પહોંચીને સૂઈ ગયો.

          તે દિવસે હું ચિંતા, તણાવ અને દોડધામથી એટલો થાક્યો હતો કે બીજા દિવસે સવારે ય મને સુસ્તી જેવું લાગતું હતું. વળી, રીજન્ટ પાર્કવાળી ઘટના તાજી હોવાથી મને લાગ્યું કે હવે આવું ગમે ત્યારે બની શકે છે. માટે સાવધાની રૂપે મેં મારા ઘરમાં જ (હાઇડને ચીત કરી શકે તેવા રસાયણોની નજીક) રહેવાનું નક્કી કર્યું.

          તેથી સવારમાં, દૈનિક ક્રિયાઓથી પરવારી, નાસ્તો કરી, હું રસોડાની પાછળ આવેલા ઉજ્જડ બગીચામાં હવા ખાવા બેઠો. પરંતુ, થોડી વાર પછી મને તેવી જ લાગણી અનુભવાઈ જેવી મેં રીજન્ટ પાર્કની બેંચ પર અનુભવી હતી. સદ્નસીબે હું સમયસર ચેતી ગયો અને ત્યાં ખુરશી પર બેભાન થઈ જાઉં તે પહેલા દોડીને કૅબિનમાં ઘૂસી ગયો. આ વખતે મેં હાઇડમાંથી જેકિલ બનવા બમણું રસાયણ પીધું, પણ તો ય, ફક્ત છ જ કલાકમાં ફરી હુમલો થયો. મેં ફરી વાર દ્રાવણ પીધું અને હું ફરી જેકિલ બન્યો.

           ટૂંકમાં, તે દિવસથી મારા શરીરમાં ગમે ત્યારે ઝણઝણાટી આવતી અને હું હાઇડ બની જતો. ઘણી વાર એવું બનતું કે હું ખુરશીમાં જેકિલ સ્વરૂપે બેઠો હોઉં અને ઝોકું આવી જાય તો જાગું ત્યારે હાઇડ સ્વરૂપે હોઉં ! હવે મારા માટે જેકિલનો નકાબ ઓઢી રાખવો સહેલો ન હતો. સાચું કહું તો હું ખૂબ દબાણમાં આવી ગયો હતો. જાણે મારી અંદરનો શેતાન મને જ ખાઈ રહ્યો હોય તેમ મારા શરીર અને મન નબળા પડવા લાગ્યા હતા. તો ય, હું હાઇડ નહીં જ બનું એમ વિચારી મેં દ્રાવણનો મારો ચાલુ રાખેલો, પરંતુ જેવી તેની અસર ઓછી થતી કે હું હાઇડ બની જતો. વળી, તે પરિવર્તન વખતે મને ઊબકા આવવા, ઝટકા લાગવા કે પીડા થવી પણ બંધ થઈ ગઈ હતી ! એક રીતે તે સારું જ થયું હતું કારણ કે હું શરીરથી એટલો નબળો પડી ગયો હતો કે તે પીડા સહન કરવાની મારામાં શક્તિ ન્હોતી રહી.

          તે દિવસે તું અને રીચાર્ડ મને બારી પાસે જોઈ ગયા ત્યારે આવા હુમલાઓ આવવા સામાન્ય બની ગયા હતા. આ જ કારણથી ન તો મેં તમને ઉપર બોલાવેલા કે ન તો હું નીચે આવેલો. અને મેં જે કર્યું તે સારું જ કર્યું હતું, કારણ કે પાછળથી મારો ભય સાચો પડ્યો હતો. મેં જયારે ફટાક કરતી બારી બંધ કરી ત્યારે મને શરીરમાં ઝણઝણાટી આવવા લાગી હતી અને ભાસ થઈ ગયો હતો કે હું હાઇડ બની જઈશ. માટે, તમે બંને તે જોઈ ન જાઓ એ હેતુથી મેં બારી બંધ કરી દીધી હતી. તેનાથી તમને અપમાન જેવું લાગ્યું હશે, પણ હું મજબૂર હતો.  

          બાકી ખરું કહું તો હવે હું ય હાઇડને નફરત કરવા લાગ્યો છું. હું તે વિકૃત માણસને સારી રીતે ઓળખી ગયો છું અને જાણી ચૂક્યો છું કે તે મરતા સુધી મારો પીછો છોડવાનો નથી. અરે, માણસની પત્ની ય તેને રેઢો મૂકે, પણ આ બળવાખોર તો કૉફિનમાં પણ મારી સાથે આવવાનો છે ! અત્યારે હું જેકિલ સ્વરૂપે છું એટલે તે નિર્જીવ લાગે છે, પણ ખરેખર તે જીવતો છે, અત્યારે તે નિરાકાર લાગે છે, પણ તેની પાસે રૂપ અને વાણી છે, અત્યારે તે શાંત લાગે છે, પણ તે કુકર્મીના પાપોથી જ મારું જીવન છિન્નભિન્ન થઈ ગયું છે !

          એમ તો હાઇડ પણ જેકિલને નફરત કરે છે, પણ પોલીસના ડરથી તે જેકિલ બની રહેવા મજબૂર બન્યો છે. જોકે તેને જેકિલને આધીન રહેવું મંજૂર નથી. તે ઇચ્છે છે કે જેકિલ જેકિલના દેહે હાઇડ સ્વરૂપે વર્તવા લાગે ! પણ, હું તેમ નહીં થવા દઉં. હું જાણી ગયો છું કે આત્માનું જોર વધુ હોય ત્યારે તે પાંજરે પૂરાઈ જાય છે, માટે હું તેને ગણકારતો નથી. છતાં ઘણીવાર તેનું પલ્લું ભારે થઈ જાય છે. આવા સંજોગોમાં તે, મને શક્તિ આપનાર ધાર્મિક પુસ્તકોમાં ભગવાનની નિંદા કરતી નોંધો લખે છે ! અરે એક વાર તો તેણે મારા પપ્પાનું ચિત્ર બાળી નાખ્યું હતું. તો ય મને તેની ફરિયાદ નથી, કારણ કે આ બધું તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કરે છે. તે સારી રીતે જાણે છે કે મારી સારી બાજુ નબળી પડશે તો જ તે જીવતો રહી શકશે અને મરવું તો કોને પસંદ હોય ? ખેર, તે ગમે તેમ કરશે તો ય હાર તો તેની જ થવાની છે, કારણ કે મારી બરબાદીથી તે પણ બરબાદ થવાનો છે.

          ઉપરાંત, આ બધું હવે ઝાઝા દિવસો ચાલવાનું નથી. હું તો બંધ કૅબિનમાં પૂરાઈને, વર્ષો સુધી એકલતાભર્યું જીવન જીવવા ય તૈયાર હતો પણ કુદરતને જ તે મંજૂર નથી. સંજોગો જ એવા સર્જાયા છે કે હું મારા મૂળ સ્વભાવ, દેખાવ અને પ્રકૃતિથી કાયમ માટે અલગ થઈ જાઉં ! તેનું કારણ એ છે કે, દ્રાવણ બનાવવાના પ્રયોગ માટે મેં સફેદ મીઠા જેવો જે જથ્થાબંધ પાઉડર ખરીદ્યો હતો તે પૂરો થવા આવ્યો છે. થોડા દિવસ ઉપર, પોલને કહીને મેં તેનો નવો જથ્થો મંગાવ્યો હતો, પણ તેનાથી કામ ન થયું. વિગતે કહું તો પોલ નવો પાઉડર લઈને આવ્યો એટલે મેં તેનો ઉપયોગ કરી દ્રાવણ બનાવેલું, પણ રંગમાં જોઈએ તેવું પરિવર્તન આવ્યું ન્હોતું. છતાં, હું હિંમત કરીને તે દ્રાવણ પી ગયો હતો પણ તેની કોઈ અસર થઈ ન્હોતી. ત્યાર પછી મેં પોલ પાસે લંડનની દરેક દુકાનમાં ખાં ખાં ખોળા કરાવ્યા છે, પણ બધું નિરર્થક નીવડ્યું છે. હવે મને ખબર પડી ગઈ છે કે મેં પહેલીવાર જે મોટા જથ્થામાં પાઉડર ખરીદ્યો હતો તે ભેળસેળવાળો હતો અને તે અશુદ્ધિમાં જ એવું તત્વ હતું જે દ્રાવણને છેવટનું દ્રાવણ બનાવી શકતું હતું.

          આ વાતને અઠવાડિયું વીતી ગયું છે અને હવે એક વાર દ્રાવણ બને તેટલો જ પાઉડર બચ્યો છે. માટે, કબૂલાત કરવામાં મોડું કરવાનો મતલબ નથી. હું જાણું છું કે હાઇડ આ બધું નહીં લખે અને કદાચ મેં કરેલી કબૂલાત જોઈ જશે તો તેને ય ફાડી નાખશે. જોકે, તે એટલો સ્વાર્થી અને પોતાનામાં રચ્યો-પચ્યો રહેનારો છે કે થોડા સમય પહેલાં બનેલી ઘટના યાદ રાખી શકતો નથી. માટે, હું આ કબૂલાત લખીને સંતાડી દઈશ જેથી ભૂલકણા હાઇડને તે યાદ નહીં રહે. આમેય, અમારો વિનાશ દૂર નથી અને હાઇડ પણ તે જાણે છે. આ કારણથી તે ય ભાંગી પડ્યો છે. કડવી વાસ્તવિકતા એ જ છે કે જૂનો પાઉડર પૂરો થશે એટલે જેકિલ કાયમ માટે નાશ પામશે. કોઈ ચમત્કાર થશે તો જ તે પોતાનો મૂળ સ્વરૂપ અને અસલ ચહેરાને અરીસામાં જોઈ શકશે. એમ તો હાઇડ પણ ખરાબ રીતે ફસાવાનો છે ; પોલીસમાં પકડાઈ જવાની બીકે તે કૅબિનની બહાર નીકળી શકશે નહીં. માટે, ન તો તેની રાક્ષસી વૃત્તિઓ પોષાશે કે ન તો બહાર ફરી શકાશે ! નછૂટકે તેને ય, અહીં કેબિનમાં કેદીની જેમ પૂરાઈ રહેવું પડશે. કદાચ એવું પણ બને કે તે પકડાઈ જવાના ભયને અવગણીને બહાર નીકળે અને પોલીસના હાથમાં આવી જાય. ખેર, તેનું જે થવાનું હશે તે થશે, મને તેની ફિકર નથી. હું (જેકિલ) તો જૂનો પાઉડર પૂરો થતાં જ મૃત્યુ પામવાનો છું તો પછી હું જે નથી તેની (હાઇડની) ચિંતા શા માટે કરું ? વારુ, મારે જે કહેવાનું હતું તે કહી દીધું છે, માટે મારી કલમને અહીં વિરામ આપું છું અને કબૂલાતને બીડીને સંતાડી દઉં છું.

તારો દોસ્ત હેન્રી જેકિલ.”

સમાપ્ત

***