વ્હાઇટ ડવ ૧૫

સિસ્ટર માર્થા લીનાને એના રૂમમાં છોડીને નીચે આવી. એની પાછળ જ ભરત ઠાકોર આવ્યો. એ બંને નીચે લોબીમાં ઊભેલા ડૉક્ટર આકાશ અવસ્થી પાસે ગયા.

“ડૉક્ટર આ ભરત મને કેવા સવાલ કરી રહ્યો છે? આખી હોસ્પિટલ જાણે છે કે લીના એની જાતે આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. એને સાજી કરવા તો એના ઘરવાળા એને અહીં મૂકી ગયા છે.” સિસ્ટર માર્થા ભરત કંઈ કહે એ પહેલા જ બોલવા લાગી, “પેલા માળની પાળી પરથી પડીને મરી ના જવાય પણ હાથ પગ ભાંગે અને બહુ દુખે એ સમજાવવા હું એને પાળી પાસે લઈ ગયેલી.”
“રાતના બે વાગે?” ભરતે હસીને કહ્યું.
“હા રાતના બે વાગે! મને લીનાનો ફોન આવેલો કે એને મરી જવાનું, બારીનો કાચ તોડી નીચે પડી જવાનું મન થાય છે! હું તો એને બચાવવા જ પાછી આવેલી.” માર્થાએ પોતાના બચાવમાં કહ્યું.
“એટલે એક દર્દીને બારીની પાળી ઉપર ચઢાવવાની, એક માનસિક રોગી હોય એવી દર્દીને..?” ભરત ગુસ્સાથી કરોજી રહ્યો હતો. એનું આ સ્વરૂપ જોઇને તો લાગતું હતું કે એ સિસ્ટર પર હાથ ઉઠાવી દેશે!
“ભરત આ તું કેવી રીતે વાત કરે છે? બીજું કંઈ નહિ તો સિસ્ટરની ઉંમરનું તો ધ્યાન રાખ. સોરી બોલ એમને!” સિસ્ટર જુએ નહિ એમ ડૉક્ટર આકાશે ભરત સામે જોઈ આંખનું એક પોપચું નમાવ્યું. ભરત સમજી ગયો. એણે સિસ્ટર સામે જોઈ “સોરી” કહ્યું.
“સિસ્ટર તમે ખૂબ સારું કામ કર્યું. તમે હાજર હો એટલે મારે કોઈ ચિંતા નથી હોતી. આ લીના કંઈ કરી બેસત તો પોલીસને જવાબ આપતા મારી આંખે પાણી આવી જાત.” ડૉ. આકાશે વાતનો દોર પોતાના હાથમાં લેતા વાતને શાંતિથી પતાવવા કહ્યું.
“એતો મારી ફરજ છે ડૉક્ટર. લીના કેટલી સ્વીટ ગર્લ છે. એનો ફોન આવ્યો એટલે હું મારી જાતને રોકી ના શકી. ભરત તું હોસ્પિટલના ક્લાર્કની સાથે સાથે ચોકીદારની ફરજ પણ બજાવે છે, હે? ખૂબ સરસ!” સિસ્ટર માર્થા ભરત સામે જોઈને બોલી હતી. એની આંખમાંથી જાણે તણખા ઝરતા હોય એવું ભરતે મહેસૂસ કર્યું. ભરતે એની સામે ઘુરકીયું કર્યું.
“સિસ્ટર માર્થા તમે હવે પાછા ઘરે જવાના કે અહીં જ રોકાઈ જશો?”
“હું ઘરે જઇશ ડૉક્ટર. હજી મને બે કલાકની ઊંઘ મળી જશે.” માર્થાએ ડૉક્ટર સામે જોઈ સ્મિત રેલાવ્યું.
“ભલે!” ડૉક્ટર અવસ્થી પણ સામે હસ્યો અને માર્થા નીકળી ગઈ.
“કેવું મમતાળુ હસતી હતી ડોસલી પણ હું કહી દઉં છું ડૉક્ટર એના સ્મિત ઉપર ના જતા. એ જ ખૂની છે. મને તો એ પોતે સૌથી મોટી પાગલ લાગે છે.” માર્થાના જતાજ ભરત બોલી ઉઠ્યો.
“મને ખબર છે.” ડૉક્ટર અવસ્થીએ ભરતના ખભે હાથ મૂકીને કહ્યું, “એ એકલી નથી. એની સાથેના એના સાથીદારને આપણે પકડવો રહ્યો. માર્થા તો એક પ્યાદું છે, હુકમની ગુલામ! આપણે એના માલિકને પકડવાનો છે. એટલે તું શાંતિ રાખ. એવું કોઈ કામ ના કરતો કે એ લોકો ચેતી જાય. તું સમજે છેને મારી વાત?”
“થોડી થોડી સમજાય છે. પણ અહીં કોણ હોઈ શકે, સિસ્ટરનું સાથીદાર?”
“એ પણ ખબર પડી જશે. હવે તું ઘરે જા. સવારે આવી જજે.”
“જી ડૉક્ટર!” ભરત પણ નીકળી ગયો.
હવે ડૉ. આકાશ અવસ્થીને હાશ થઈ! એમને હાલ કોઈ માથાકૂટ નહતી જોઈતી. એમણે ડૉક્ટર રોયના ટેબલના ખાનામાંથી ઉઠાવેલી ડાયરી હજી એમના પેટ પર શર્ટની અંદર પડી હતી. કોઈનું એ તરફ ધ્યાન ન જાય એટલે એમણે અદબવાળી રાખેલી. એ ડાયરી વાંચવા માટે એ ક્યારનાય ઉત્સુક હતા. એ ભાગતા એમના ક્વાટરમાં ગયા.
રાતના ત્રણ વાગવા આવેલા. હજી આંખોમાં ઊંઘ ફરકી ન હતી. એમાંય ડૉક્ટર રોયની ડાયરી હાથ લાગ્યા પછીતો એ વાંચ્યા વગર ઊંઘ આવવાની કોઈ શક્યતા જ ન હતી... એમણે એમના બેડ પર આડા પડી નાઈટ લેમ્પ ચાલુ કર્યો અને કોઈ રસપ્રદ નવલકથા વાંચતા હોય એમ ડાયરી વાંચવાની શરૂઆત કરી. શરૂઆતમાં એમની સાથે મુંબઈમાં થયેલા અન્યાય વિશે લખ્યું હતું.
ડૉ. આઈ.એમ રોયનું માનવું હતું કે કોઈ માણસ એની જીંદગીના મહત્વના વર્ષો કે કોઈ વખત આખી જીંદગી પાગલ બનીને રહે એના કરતા એના મગજનું નાનકડું ઓપરેશન કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. જો સક્સેસ જાય તો દર્દી સાજો સમો થઈ ઘરે જાય અને ફેલ જાય તો પાગલ બનીને જીવવું એના કરતા મરી જાય એ સારું! ત્યાંના કોઈ ડૉક્ટર એમની સાથે સંમત ન થયા. ઊલટાનું એમના પર, એમની કાર્યક્ષમતા પર એમની નિષ્ઠા પર પ્રશ્નો ઊભા થયા... એ ખૂબ દુઃખી હતા. એજ સમયે દિવ્યા અને કાવ્યાનો જનમ થયેલો. એકસાથે બે બે બાળકીઓ સંભાળવું એટલું સરળ ન હતું. એમને રાતભર ઉજાગરા થતાં....ત્યારે એમના પિતાજીએ એમને વલસાડ પાછા આવી જવા કહેલું, વલસાડમાં જ હોસ્પિટલ બનાવવા એમણે જગ્યા પણ જોઈ રાખેલી. ડૉક્ટર રોય માટે આ ઓફર ખૂબ સારી હતી. આગળનું લખાણ એમનાજ શબ્દોમાં...

તા.૧/૬
હું ડૉક્ટર આઇ એમ રોય , વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલનો માલિક, એનો કર્તાધર્તા! અહીં હું જે ઇચ્છું તે કરી શકું એમ હું માનું છું પણ, આ સરકાર અને સરકારી અધિકારીઓ બધા જાડી બુધ્ધિના છે! કોઈ કંઈ સમજવા જ માંગતું નથી. મારે મારા પ્રયોગ માટે મગજ જોઈએ છે. માણસનું મગજ. જીવતા જાગતા માણસનું મગજ. એના ઉપર હું રીસર્ચ કરીશ ત્યારે જ તો હું આ દુનિયાને પાગલોથી હંમેશા માટે મુક્તિ અપાવી શકીશ. દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક હજી સુંધી માણસના મગજનો તાગ મેળવી નથી શક્યો...હું એની ખૂબ નજીક છું. ફક્ત પાગલ જ શું કામ બધી જાતના માણસનો ઈલાજ કરી એને પરફેક્ટ બનાવી શકાય. આ પ્રેમ, ગુસ્સો, દુઃખ, ઉત્સાહ, આવેશ કે હતાશા છે શું? આમ જોવા જાઓ તો એ મગજમાં થતાં કેટલાક કેમિકલ ફેરફાર અને એના લીધે ઝરતા હોર્મોન્સને લીધે છે બધું. શરાબ કે ડ્રગ્સ લેવાથી માણસ કેવો હવામાં ઉડવા લાગે છે! શું છે એ?
મગજની અંદરના રસાયણોનો ફેરફાર, જરાક જેટલો ફેરફાર. જો એવો ફેરફાર આપણે હંમેશ માટે કોઈ માણસના મગજનું ઓપરેશન કરીને કરી દઈએ તો એને શરાબ પીને જે મજા આવે છે, જે હિંમત મળે છે એ એમણેમ જ મળી શકે! આ બધુ હું શક્ય કરી શકું છું. પણ એ માટે મારે મગજ જોઈએ છે. અલગ અલગ ટાઈપના માણસો ના મગજ. ક્યાંથી લાવું? હિન્દુ સંસ્કૃતિ અને માન્યતા પ્રમાણે અહીં કોઈ દેહદાન કરવા તૈયાર થતું નથી...! કંઇક તો કરવું જ પડશે. આટલે આવીને હું હાર નહિ માનું. શું કરું?
ડૉક્ટર. રોય બહું હતાશ થઈ ગયા હશે. એમ આકાશને વાંચતી વખતે લાગ્યું. એણે ઊભા થઈને પાણી પીધું અને ફરી ડાયરી લઈ વાંચવા બેઠો.

તા. ૧૨/૧૦
આજે વ્હાઇટ ડવની પાછળ થોડું કામ ચાલતું હતું. ત્યાં હું અનાયાસ જ ચક્કર મારવા ગયેલો અને કમાલ થઈ ગયો. ત્યાં મજૂરોએ ફરિયાદ કરી કે જમીન ખોદતા ખૂબ ગંદી વાસ આવી રહી છે. મેં જોયું તો એ વાસ કોઈ મરેલા પ્રાણીની હતી. આગળ ખોદતાં ગયા એમ મારા આશ્ચર્ય વચ્ચે ત્યાંથી એક લાશ નીકળી. એક પુરુષની લાશ! હજી થોડા વખત પહેલાં જ કોઈએ દફનાવી હોય એવી એ લાશ હતી. હું મનોમન ખુશ થઈ ગયો. મને એમાં લાશ નહિ ફક્ત મગજ દેખાઈ રહ્યું હતું. મેં એ મજૂરોને થોડા રૂપિયા આપી આ વાતને અહીં જ દબાવી દેવા કહ્યું. હોસ્પિટલની બદનામી થાય એવું બધું સમજાવ્યું અને એ મૂરખો સમજી ગયા.
હું બહું ખુશ હતો. મેં એ લાશને હોસ્પિટલમાં મારા રીસર્ચ વર્ક માટે લઈ લીધી. એ લાશ એકદમ તાજા હતી. જાણે એક બે દિવસ પહેલા જ એ માણસ ગુજરી ગયો હોય. મારા માટે, મારા રિસર્ચ માટે એ પ્લસ પોઇન્ટ હતો.

તા. ૧૩/૧૦
આજે વહેલી સવારે જ હું વ્હાઈટ ડવમાં આવી ગયેલો. મેં પેલી લાશ ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. એનું મગજ, હાર્ટ, કિડની, આંખો વગેરે ભાગ અલગ કરીને એને સાચવીને સોલ્યુશનમાં ભર્યા.
બહાર ખોદકામ કરતા બીજી ત્રણ લાશ મળી હતી. એ બધી અત્યારે ફક્ત સડેલા હાડકાંના રૂપમાં હતી. એક મોટી અને બે નાની લાશો હતી. આ વખતેય મેં મજૂરોને થોડાં રૂપિયા આપ્યા એ લાશોને ભેગી કરીને એક ખાડામાં દાટી દેવડાવી અને એની ઉપર આંબાનું ઝાડ વાવી દીધું.

તા. ૧૪/૧૦
કાલે રાત્રે હું ઘરે નહતો ગયો. મારે પેલી લાશના મગજ ઉપર કામ કરવું હતું. મેં માધવીને કહી દીધેલું કે હું ઘરે નહિ આવું. ખૂબ આશ્ચર્યની વાત હતી એ મગજના કેટલાક કોષનું કમ્પ્યુટરમાં વિશ્લેષણ કર્યું તો એ આજથી લગભગ સાઠ વરસ પહેલાં મૃત્યુ પામ્યો હશે એવું બતાવ્યું. મને થયું કે કમ્પ્યુટર કંઇક ભૂલ કરી રહ્યું છે. મેં ફરી બધું ચેક કર્યું. અચાનક મોનીટર પર એક અંગ્રેજ દેખાયો. એ ચૂપચાપ ઊભો હતો. એના પછી એક સ્ત્રી દેખાઇ એ હસી રહી હતી. ખડખડાટ...પાગલની જેમ. એના પછી એક ઝાડ નીચે બે છોકરીઓ હીંચકા ખાતી દેખાઈ. પછી એ સ્ત્રી અને છોકરીઓ ભેગી મળી રડતી દેખાઈ. પેલો અંગ્રેજ ચૂપચાપ નિસહાય બનીને ઊભો હતો. અચાનક લાગ્યું જાણે એ મારી આંખોમાં જોતો હતો. હા, એ મને જ જોતો હતો. એ હસ્યો અને કમ્પ્યુટર એક ઝાટકા સાથે બંધ થઈ ગયું. એ પછી એ કદી ચાલ્યું જ નહિ.

તા. ૧૫/૧૦
આજે મારો માધવી સાથે ઝગડો થઇ ગયો. કાવ્યા અને દિવ્યાને મારી સાથે રમવું હતું અને હું એ બંનેને વઢીને વ્હાઈટ ડવ આવવા માટે નીકળી રહ્યો હતો. હવે આ લોકોને કેમ સમજાવું! માંડ મારું રિસર્ચ કરવા મને એક માનવ મગજ મળ્યું હતું. એ ઉપરાંત પેલી લાશો વળી વાત દબાવવા મજૂરોને સમજાવવા જરૂરી હતા. પેલું અંગ્રેજ દંપતી કોણ હશે? અહીં વરસો પહેલાં અને અત્યારે જે કાંઈ બની ગયું હશે કે બની રહ્યું હશે એ બધું હું જાણું તો એમને બતાવું ને!

૧૬/૧૦
કાલે રાત્રે હું વ્હાઈટ ડવમાં જ રોકાયેલો. મને એક ભયંકર અનુભવ થયો. હું મારી લેબમાં હતો. પેલી લાશના અંગોનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ત્યાં જ એ સાચેસાચ આવીને મારી સામે ઊભો રહી ગયો....! તમને વિશ્વાસ નહીં થાય. પણ, એ હકીકત છે. હું ડરી ગયેલો. ખરેખર ડરી ગયેલો!
તમે જે મરેલા માણસના અંગોની કાપકૂપ કરી હોય એની આત્મા આવીને તમારી સામે ઊભી રહી જાય તો? મેં પૂછ્યું કે કોણ છે તું? એ કંઈ ના બોલ્યો. એની બાજુમાં જ એક સ્ત્રી અને બે બાળકીઓ આવીને ઊભી રહી ગઈ. એ બધા મને જ ઘુરી રહ્યા હતા. હું ગભરાઈ રહ્યો હતો. ભૂત પ્રેતમાં મેં કદી વિશ્વાસ નહતો કર્યો અને અત્યારે મારી સામે જ ચાર ચાર આત્માઓ ઊભી મને જ જોઈ રહી હતી. મેંજ એ લોકોને જમીનમાંથી ખોદીને બહાર કાઢ્યા હતા. મારાથી ભૂલ થઈ હતી. પણ હવે?
એ ફેમિલી કોઈ અંગ્રેજ ફેમિલી હતું. હું સમજી ગયો કે આ વ્હાઈટ ડવ માટેની જગ્યા જેની પાસેથી ખરીદી હતી એ અંગ્રેજના જ આ સગા હશે. એ લોકોને મર્યા બાદ એમની બોડી અહીં જ ઘરની પાછળ દફનાવી હશે...
એ અંગ્રેજ જેવા લાગતા માણસની આત્મા મારી પાસે અને પાસે આવી રહી. હું પાછળ ખસતો ગયો અને પાછળ ખુરસી પગે અથડાતાં એ ખુરસીમાં બેસી પડ્યો. એ હજી મારી પાસે આવી રહ્યો હતો. હું એની માફી માંગી રહ્યો. જે કંઈ થયું એ અજાણતામાં થયું હતું. ત્યાંજ એ આવીને મારા ખોળામાં, મારી જ જેમ બેસી ગયો. મારા પગ ઉપર એના પગ અને હાથ ઉપર એના હાથ હતા... હું કંઈ બોલી ના શક્યો. મારા આખા શરીર પર એક ભાર વર્તાઈ રહ્યો હતો. પછી એ એક વાદળાની જેમ મારામાં સમાઈ રહ્યું. મારા શરીરમાં એ આત્મા ઉતરી રહ્યો. મારો શ્વાસ રૂંધાઇ રહ્યો... મને અજીબ શી ગભરામણ થઇ રહી હતી...!

તા. ૧૮/૧૦
એ પછીના બે દિવસ મારી જિંદગીમાંથી ગાયબ છે. મેં શું કર્યું એ મને ખુદને યાદ નથી. વ્હાઈટ ડવમાં દાખલ થયેલી એક સ્ત્રીએ આત્મહત્યા કરી હતી. મેં હોસ્પિટલમાં નવી જ જોડાયેલી નર્સને બોલાવી એના મોત વિશે પૂછ્યું હતું. એણે કહેલું અક્ષરસ હું નોંધી રહ્યો છું.
સિસ્ટર માર્થા : શું વાત કરો છો ડૉક્ટર? તમને સાચેજ કંઈ યાદ નથી? એ દર્દીનું તમે ઓપરેશન કરી રહ્યા હતા. એને સાજી કરવા. એને પાગલપનમાંથી હંમેશા માટે મુક્ત કરવા. કોઈ ભૂલ થઈ હશે તમારાથી અને એ ત્યાંજ મરી ગયેલી. તમે બહું ગભરાઈ ગયા હતા ડૉક્ટર. તમને અને વ્હાઇટ ડવને પોલીસથી, બદનામીથી બચાવવા માટે જ મેં એને ઉપર લઈ જઈ, ગળે ચાદરનો છેડો બાંધી, પંખે લટકાવી દીધી! બધાને એમ છે કે એણે આત્મહત્યા કરી. આપણાં બે સિવાય હવે કોઈને આ વાત ખબર ન પડવી જોઈએ. હું તમારી સાથે છું. મહાન શોધ કોઈના બલિદાન વગર નથી થતી. એણે એનું બલિદાન આપ્યું છે, એ અમર થઈ ગઈ. જ્યારે તમે કોઈ મોટી ખોજ કરી લેશો ત્યારે દુનિયા ફક્ત તમારી કામિયાબી જોશે ત્યાં સુંધી તમે કયા રસ્તે થઈને પહોંચ્યા એ કોઈ પૂછવાનું નથી. એ સ્ત્રીનું મગજ લેબમાં જ છે. તમે એના ઉપર તમારું રિસર્ચ કરી શકો છો...!
મને ચક્કર આવી ગયા. મારાથી આ બધુ કેવી રીતે થયું? મને કેમ કંઇજ યાદ નથી? હું લેબમાં ગયો ત્યાં કાચની બે બોટલમાં બે મગજ પાણીમાં તરી રહ્યા હતા. જાણે મારી સામે જોઈ વરવું હસી રહ્યાં હતાં. મને બહુ આઘાત લાગ્યો. હું આવું હરગિજ નહતો ઈચ્છતો. હું એક ડૉક્ટર હતો, ખુની નહિ!

તા. ૧૯/૧૦
આજે બાપુજી મને મળવા વ્હાઈટ ડવમાં આવેલા. એમને માધવી અને છોકરીઓની ચિંતા થતી હતી. હું અહીં કામમાં રહેતો અને એ લોકો હવેલીમાં એકલા પડી જતા.
મારા મનની વાત હું માધવીને ન કહી શક્યો પણ બાપુજી આગળ બધું જ બોલી ગયો. એમનો મમતાળુ હાથ મારા માથા ઉપર ફર્યો અને હું લાગણીવશ થઈ બોલી ગયો. એમણે મને સધિયારો આપ્યો અને વચન પણ કે એ ચોક્કસ કંઈ કરશે. એમણે જણાવ્યું કે, બાજુમાં આવેલા અમારા કુળદેવીના મંદિરના પૂજારી સાથે એમની વાત થઈ ગઈ છે. અહીં એક અંગ્રેજ દંપતી એમની બે દીકરીઓ સાથે રહેતું હતું એ બધાના કમોત થયેલા. જો એમના આત્મા અહીં ભટકાતાં હશે તો એની પણ વિધિ કરાવશું એમાં કંઈ મૂંઝાવું નહિ!
બાપુજીના એ શબ્દોથી મારામાં ફરીથી હિંમત આવી ગઈ! મને ખૂબ સારું લાગ્યું.

તા. ૨૩/૧૦
બાપુજી ગુજરી ગયા...કદાચ એ આત્માએ જ એમને ડરાવ્યા હશે. સાવ સાજા સમાં મારા બાપુજીને અચાનક જીવલેણ એટેક આવી ગયેલો. મારી રહી સહી હિંમત જવા લાગી. મનમાં ચિંતા પણ થઈ કે ઘરે માધવી અને બે નાની બાળકીઓ એકલી છે. એમની સુરક્ષાનું શું?

તા.૩૧/૧
આજે માધવીએ મને કહ્યું કે હોસ્પિટલમાં એને એક ભયંકર સાયો દેખાયેલો. એક સ્ત્રી સફેદ કપડાં પહેરેલી હવામાં ઊડી રહી હતી. મને કમકમા આવી ગયા. એ આત્માઓ મારા પરિવારને નુકશાન કરશે તો બસ એજ વિચાર મને ડરાવી રહ્યો. એક પળ થતું બધું છોડીને ભાગી જાઉં. પછી થતું કે બાપુજીએ કેટલા અરમાનોથી મને ડૉક્ટર બનાવેલો, આ હોસ્પિટલ ઊભી કરી અને એ બધું છોડીને હું ભાગી જાઉં તો લોકોને જવાબ શું આપવો. મારા માટે બાપુજીએ જીવ પણ આપી દીધો એમના નામ પર બટ્ટો લાગે એવું કોઈ કામ હું નહિ કરી શકું. હું પૂજારીને મળીશ. પૂજા પાઠ, હોમ હવન જે એ કહે તે કરાવીશ પણ જે આત્માઓ મારા લીધે જાગી છે એમને એમના ઠેકાણે પાડીને જ રહીશ.

સવાર પડી ગઈ હતી. ડૉક્ટર આકાશ અવસ્થીને ડાયરી મુકી દેવી પડી. નવરા પડતા જ વાંચી લઈશ એવું મનોમન નક્કી કરીને એમણે ડાયરી એમના કબાટમાં છુપાવીને મૂકી દીધી. આ હોસ્પિટલમાં ભૂત છે એ જાણીને એમનેય મનોમન થોડો ભય લાગી રહ્યો...! અત્યાર સુધી શક હતો હવે પાકો વિશ્વાસ થઈ ગયો. ડૉ. અવસ્થીએ કાલે એ લેબોરેટરીમાં બોટલમાં રાખેલા પાણીમાં તરતાં મગજ જોયા હતા. એમાંનું કોઈ એક પેલા અંગ્રેજનું હશે...! ડૉક્ટર અવસ્થીએ માંડ ગળા નીચે થુંક ઉતાર્યું. ડાયરીમાં વાંચ્યું ત્યાં સુંધી બે મગજ બોટલમાં ભરેલા પડ્યા હતા. અત્યારે ત્યાં સાતેક જેટલા મગજ હતા! હે ભગવાન! કેટલી હત્યા થઈ છે આ વ્હાઈટ ડવમાં? ડૉ. આકાશ અવસ્થી મનોમન બબડ્યો અને વ્હાઇટ ડવમાં જવા નીકળ્યો...
શશાંક હાંફળો ફાંફળો થઈ કાવ્યાને શોધી રહ્યો. જે દિશામાં કાવ્યા ગઈ હતી એની તદ્દન વિરુદ્ધ દિશામાં એ આગળ વધી રહ્યો હતો. અજવાળું થવા લાગ્યું હતું. એને રોડ દેખાઈ ગયો અને થોડેક આગળ જતા ગાડી પણ મળી ગઈ, કાવ્યા જ ના મળી. શશાંકને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો. શી જરૂર હતી એને આવી જગ્યાએ ઊંઘી જવાની. એણે ગાડી ચાલુ કરી અને કોઈ મદદ મળે માટે આગળ ગયો. થોડે આગળ જતાજ એને કેટલાક કાચા ઝુંપડા દેખાયા. એ ત્યાં ગયો. અને બધી વાત કરી. એણે જંગલમાં કાવ્યાને શોધવા કેટલાક માણસોનો સાથ માગ્યો. એ લોકો તૈયાર થઈ ગયા. શશાંકે એમને એ લોકો ફરવા આવ્યા હતા અને કાવ્યા ક્યાંક દૂર ચાલી ગઈ એટલું જ જણાવ્યુ હતું.
જંગલમાં જ વસતા આદિવાસીઓનો એ પરિવાર હતો. એ લોકો માટે આ વિસ્તારમાં ફરવું નવાઈ ન હતું. જંગલી ફળો અને જડીબુટ્ટી વિણવા એ લોકો આખો દિવસ જંગલમાં ભટકતાં રહેતા હતા. શશાંક સાથે એ લોકો પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા જ્યાં રાત્રે સફેદ કપડાં પહેરેલી છોકરીઓ લટકતી દેખાઈ હતી. અત્યારે પણ ત્યાં એ છોકરીઓ લટકી રહી હતી, અલબત્ત નાના સ્વરૂપે. શશાંકને ઘણું આશ્ચર્ય થયું. એ લોકોએ એને જણાવ્યુ કે આ સ્ત્રીના આકારનું એક ફળ છે. આ ફળ અંગે એવી માન્યતા પ્રચલિત છે કે શિયાળાની સીઝન પહેલા ભગવાન ઇન્દ્ર પોતાની પત્ની અને બાળકો સાથે કોઈ જંગલમાં રહ્યા હતા. એકવાર ભગવાનની પત્ની જંગલમાં ગઈ અને તેમના પર અમુક લોકોએ આક્રમણ કર્યું. તેથી તેની રક્ષા માટે ભગવાને જંગલમાં નૌફરિન ના બાર ઝાડ તરત જ રોપી દીધા અને તેમને દગો આપવા વૃક્ષ પર આવા ફળો લગાવ્યા... એમાનું જ એક ઝાડ કોઈએ અહીં ઉગાડયું છે. જે તમને બીજે ક્યાંય જોવા નહિ મળે. શશાંક એ નૌફરિનના ફળને જોઈ રહ્યો અને એને રાતનો એ બિહામણો સીન યાદ આવી ગયો... ઝાડ પર લટકતી ભૂતડીઓ...
કાવ્યાનો ક્યાંય પત્તો ન લાગ્યો. શશાંક અને ગામજનો ભેગા થઈ આખું જંગલ બપોર સુંધી ખૂંદી રહ્યા. એનો કોઈ અવશેષ પણ નહતો મળ્યો મતલબ એને કોઈ જંગલી પ્રાણીઓ નથી ઉઠાવી ગયા! કોઈ એને જબરદસ્તી લઈ જાત તો એ બૂમ પાડત, પ્રતિકાર કરત અને પોતે જાગી ગયો હોત. એ જાતે જ ચાલીને ક્યાંય ગઈ હોય...પણ, ક્યાં!
એ લોકો જંગલની વચોવચ આવેલા નાના પહાડ ઉપર ઊભા હતા. અહીં નેટવર્ક પકડાતું હતું. ડૉક્ટર આકાશ અને ભરત ઠાકોરના ઘણા બધા મિસકોલ હતા. એણે ડૉક્ટર આકાશને ફોન જોડ્યો. ડૉક્ટર આકાશે એને ડૉક્ટર રોયની ડાયરીમાંથી વાંચેલી વાતો ટુંકમાં કહી. હવે શશાંકના મનમાં બધું એકપછી એક ગોઠવાવા લાગ્યું હતું. એણે ભરત ઠાકોર સાથે પણ વાત કરી. ઝડપથી વાત પતાવી એ પાછો કાવ્યાને શોધવા લાગ્યો. એનું મન ચિંતાથી વ્યાકુળ થઈ રહ્યું. એ મનોમન ઈશ્વરને કાવ્યાની રક્ષા કરવા પ્રાર્થના કરતો હતો...

કાવ્યા પહાડની તિરાડમા ઘૂસી કે તરત એ તિરાડ બંધ થઈ ગયેલી. અંદર ખૂબ અંધારું હતું. કાવ્યા અંધારામાં જ થોડી આગળ ચાલી. ક્યાંકથી પીળું અજવાળું થોડું થોડું આવી રહ્યું હોય એમ એને આંખો ટેવાતા લાગ્યું. એ જે બાજુથી પ્રકાશ આવી રહ્યો હતો એ તરફ આગળ વધી. અંદર ચારે બાજુ કાળા પથ્થરની પર્વતની અંદર જ કોતરેલી થોડી ખુલ્લી જગ્યા હતી. કોઈ જગ્યાએ સાંકડી તો કોઇ જગાએ પહોળી થતી જતી એક ગલીમાં પ્રકાશનો પીંછો કરતી એ આગળ વધી. થોડેક આગળ ગયા પછી એણે એક મોટી પહોળી ગુફા જોઈ. એમાં એક મશાલ લટકાવેલી હતી એમાંથી જ દૂર સુધી ઝાંખો ઝાંખો પ્રકાશ આવતો હતો. અહીં આવ્યા પછી કાવ્યાની નજર ચારે બાજુ દિવ્યાને શોધી રહી. એ અહીં અંદર આવ્યા પછી ગાયબ થઈ ગઈ
હતી. એક ખૂણામાંથી કોઈ પક્ષીનો ચિત્કાર સંભળાયો. કાવ્યાએ એ તરફ માથું ગુમાવ્યું. એ ચોંકી ગઈ. ત્યાં ગુફામાં એક ગોખલા જેવી જગ્યામાં એક ઘુવડ બેઠું હતું. એના પગ નીચે કોઈ નાનું પક્ષી તરફડી રહ્યું હતું. ઘુવડ એને નોચી નોચીને ખાઈ રહ્યું હતું. એ પક્ષીનું આક્રંદ ધીરે ધીરે શાંત થઈ બંધ થઈ ગયું...! કાવ્યાને લાગ્યું જાણે આ એજ ઘુવડ છે જે એને વલસાડમાં પ્રવેશતા જ મળેલું. જેણે એની ઉપર હુમલો કરેલો. પણ, એતો એક સપનું હતું, તો? એનું પીંછું પોતાની બ્રેશિયરની પટ્ટીમાં ફસાયેલું મળેલું...! હજી એ આ બધું વિચારી જ રહી હતી કે એની નજર ઉપર છત તરફ ગઈ. ત્યાં અસંખ્ય ચામાચીડિયાં લટકી રહ્યા હતા. અને એ બધાની વચ્ચે કોઈનું માથું લટકી રહ્યું હતું. કોઈ માણસનું ન હતું. એ આખું કાળું હતું. સાફ દેખાતું ન હતું. કાવ્યાએ આંખો ખેંચીને એની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એ પેલા જંગલી કૂતરા કે વોલ્ફનું માથું હતું. કપાયેલું માથું! એમાંથી હજી લોહી નીચે ટપકી રહ્યું હતું...

 

 

 

***

Rate & Review

Sapna Patel 1 week ago

bhavesh parmar 1 week ago

Sapna 2 months ago

PUNIT 2 months ago

nihi honey 3 months ago