વ્હાઇટ ડવ ૧૮


સાપુતારાના શિલ્પી રિસોર્ટમાં ડૉક્ટર રોય કાવ્યા અને શશાંક આગળ કાપાલીનો ભૂતકાળ, એનો ઇતિહાસ વર્ણવી રહ્યા હતા. કાપાલીનું શરીર બળી ગયું હતું. આત્મા સ્વરૂપે ફરતાં કાપાલીએ જ્યોર્જ વિલ્સનની મદદ કરી હતી. એની બે દીકરીઓને સંદુકમાં પુરાઈને મરવાની ફરજ પાડનાર એ બંને નરાધમો કાપાલીના લીધે જ સજા પામ્યા હતાં. એ બંનેનું શરીર સડી ગયેલું અને કીડાથી ખદબદતા દેહ સાથે તડપી તડપીને એ લોકોએ જીવ કાઢેલો. એ વખતે જ્યોર્જના શરીરમાં રહેલો કાપાલી એ લોકોને વારંવાર સામે દેખાતો હતો. એમને મરતી વખતે ખબર હતી કે આ ભયાનક સજા એમને કેમ મળી, કોણ આપી રહ્યું છે આ સજા!
જ્યોર્જના જીવનનું એક માત્ર લક્ષ્ય પૂરું થઈ ગયું હતું. હવે એણે કાપાલીને એનું શરીર સોંપવાનું હતું. જ્યોર્જ એ માટે ખુશી ખુશી તૈયાર હતો. જ્યોર્જની એક માત્ર ઈચ્છા હતી કે જ્યારે પણ કાપાલીને એના શરીરની જરૂર ના રહે ત્યારે એને એના ઘરની પાછળ આવેલા જંગલમાં દફનાવી દે. જ્યાં એની પત્ની અને બે દીકરીઓને એણે દફાનાવેલા. કાપાલી એની વાત સાથે સંમત થયો હતો. વરસો સુધી કાપાલી જ્યોર્જ રૂપે જીવિત થઈને ફર્યો હતો. હવે એ ગમે ત્યાં આવન જાવન કરી શકતો હતો. અચાનક ગાયબ થઈ શકતો અને થોડીવાર માટે કોઈનું પણ રૂપ લઈ શકતો હતો! વરસોની તપસ્યા બાદ એ આ વિદ્યા શીખ્યો હતો, પણ એનો ઇરાદો આ શક્તિઓથી કોઈની મદદ કરવાનો જરીકે ન હતો. એ બધું પોતાના નીજી સ્વાર્થ માટે જ કરતો.
એકવાર એને ખબર પડી કે હિમાલયની એક ગુફામાં અઘોરીનાથનો એ શિષ્ય જેણે એને પથ્થરનો બનાવી દીધેલો એ તપસ્યા કરી રહ્યો છે અને એકલો છે. બદલાની આગ એના મનમાં સળગી ઉઠી. આ શિષ્યને લીધેજ એને પિશાચીનીઓની આગળ પોતાનું શરીર ધરવું પડેલું. રાત રાત ભર સહન કરેલી પીડા અને એના ગળામાં ખુંપાયેલા તીક્ષ્ણ દાંત યાદ આવતા જ એ બદલો લેવા જવા તૈયાર થઈ ગયો. સાથે પારસમણિ અને બીજું કંઈ કામનું મળે તો એ ઉઠાઈ લેવાની મુરાદ પણ હતી. એ જો આત્મા સ્વરૂપે ત્યાં જાય તો વધારે આશાન હતું. સામેથી થતો કોઈ પણ વાર જ્યોર્જનું શરીર બરબાદ કરી દે. આત્માને કંઈ થવાનું ન હતું. એટલે એણે કંઈ વિધિ કરીને જ્યોર્જના શરીરને એ તાજુ જાણે કોઈ જીવતા માણસને જમીનમાં ગાડી દીધો હોય એવી હાલતમાં જ રહે એવો ઉપાય કરીને જ્યોર્જની ઈચ્છા અનુસાર એના ઘરની પાછળ આવેલા જંગલમાં દફનાવી દીધેલો, એના પરિવાર સાથે! એ પાછો ફરે ત્યારે ફરીથી જ્યોર્જનો દેહ વાપરવાનો હતો...
જ્યારે વ્હાઈટ ડવ હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે પાછળ જંગલનો કેટલોક હિસ્સો બગીચો બનાવવા માટે લેવાયો હતો. મજૂરો ખોદકામ કરતા હતા ત્યારે એમને સૌથી પહેલા જ્યોર્જ વિલ્સનનો દેહ મળેલો, જેને ડૉક્ટર રોયે કોઈને જાણ કર્યા વિના પોતાના રિસર્ચ માટે રાખી લીધેલો. જે એમની સૌથી મોટી ભૂલ હતી. એ પછી જ્યોર્જની પત્ની અને બે દીકરીઓનું કંકાલ મળેલું, એ લગભગ માટી થઈ ગયેલું. એને ફરી ત્યાંજ દાટી દેવાયેલું. અંગ્રેજનું શરીર આટલું તાજુ કેમ છે? જાણે હાલ જ એને દફાનાવ્યો હોય! ડૉક્ટર રોયે આ રહસ્ય જાણવા માટે જ્યોર્જના શરીરની ચીરફાડ કરેલી. એણે એને કામની વસ્તુ, લાશનું મગજ નીકાળી દીધેલું અને બાકીના જરૂરી અંગો પણ સાથે સાથે નીકાળી સુરક્ષિત રીતે સાચવી રાખેલા. કાપાલીની વિધીનું કોઈ નિશાન ન મળ્યું. ડૉક્ટરની સમજમાં નહતું આવ્યું કે શરીર માણસ હાલ મર્યો હોય એવું છે અને કોમ્પ્યુટર પ્રમાણે એ વરસો પહેલા મરી ગયો હોવો જોઈએ...! કાપાલીએ પોતાને માટે સાચવી રાખેલા શરીરના ડોકટરે ટુકડે ટુકડા કર્યા હતા...ચીરફાડ કરી મેલેલી!
“આમ જુઓ તો મારી અને કાપાલી વચ્ચે શું ફરક રહ્યો!” ડૉક્ટર રોય ઉદાસ થઈ કાવ્યા સામે જોઈ કહી રહ્યા, “એણેય આ બધુ સિધ્ધિ મેળવવા કર્યું અને મે પણ પ્રસિધ્ધિ માટે! એણે અંગ્રેજના શરીરનો ઉપયોગ કર્યો પોતાના સ્વાર્થ માટે અને મેં પણ! એ વખતે જો મેં એના શરીરને અગ્નિદાહ આપી દેવડાવ્યો હોત તો આ બધી મુસીબત આવી જ ન હોત!”
“તદ્દન ખોટી વાત છે ડેડ! તમારા અને કાપાલી વચ્ચે મોટો ફરક છે. તમે જે કંઈ પણ કર્યું એની પાછળ તમારો ઈરાદો નેક હતો. તમે લોકોની ભલાઈ કરવાનું વિચારતા હતાં. કાપાલી ફક્ત પોતાનો સ્વાર્થ જોતો હતો.”
“જે જ્યારે થવાનું હોય એ થઈને જ રહે છે. તમે અજાણતામાં કાપાલીના રસ્તે આવી ગયા અને એના કાર્યમાં વિક્ષેપ નાખ્યો. જો આમ ન થયું હોત તોય કાપાલીને વ્હાઈટ ડવમાં આવવું જ પડત. જ્યોર્જનું બોડી લેવા. કુદરત ક્યારેય કોઈને નથી છોડતી. કોને ખબર કાપાલીને અટકાવવા જ કદાચ એણે તમને નિમિત્ત બનાવ્યા.” શશાંક બોલ્યો હતો.
“મેં કાપાલીને અટકાવ્યો કે મદદ કરી? એ તરત પાછો આવેલો અને વ્હાઈટ ડવમાંથી જ એણે એને જોઈતી આત્માઓ ભેગી કરવા કેટલી હત્યા કરી. મેં એના વશમાં આવીને મારી ફૂલ જેવી દીકરી દિવ્યાને એને સોંપી દીધી. એની મરતા પહેલાંની ભોળપણ ભરેલી વાતો હું કેવી રીતે ભૂલું...? એ બિચારી આમેય કાવ્યા અને માધવીથી દુર રહી ઉદાસ હતી. એકલી પડી ગઈ હતી અને એમાં મેં સગો બાપ થઈને એને મોતને હવાલે કરી દીધી. એક એવી મોત જેમાં મર્યા બાદ પણ મુક્તિ નથી! એની આત્મા કાપાલીની કેદમાં હતી એની ગુલામ.”
“આ સિસ્ટર માર્થા શું કરે છે? એ કોના માટે કામ કરે છે!” કાવ્યાને સપનામાં દિવ્યા સાથે વાતો કરતી સિસ્ટર યાદ આવી ગઈ.
“આ દુનિયામાં લાલચી માણસોની કમી નથી. એ કાપાલીનું પ્યાદું બની ગઈ છે. આમેય એ અંગ્રેજ છે એનો બાપ જ્યોર્જ વિલ્સનની મિલકત સંભાળતો હતો. જ્યોર્જ તો કદી પાછો આવ્યો નહિ. એમનું ઘર આપણે ખરીદી લીધું અને ત્યાં આ વ્હાઈટ ડવ હોસ્પિટલ ઊભી કરી એટલે એ લોકોને નવું ઘર અને કામ શોધવાની ફરજ પડી. એ બાપ દીકરી બંને ભારતીયોને નફરત કરતાં હતા. એમના મતે અંગ્રેજો જ એમના ભગવાનની બનાવેલી સાચી ઓલાદો છે બાકીના બધા મનુષ્ય એમના ગુલામ થવા જ સર્જાયા છે, જોકે આ વાતની મને બહુ મોડેથી ખબર પડેલી. વ્હાઈટ ડવ બની એના થોડા જ સમયમાં એનો બાપ ગૂજરી ગયેલો અને માર્થાએ અહીં નોકરી માટે અપ્લાઈ કરેલું. મેં એનું નર્સિંગમાં ડીપ્લોમાંનું સર્ટિ જોઈ એને નોકરીએ રાખી લીધેલી. એ કાપાલી સાથે મળી ગઈ છે એની જાણ મને થઈ ત્યાં સુંધી બહુ મોડું થઈ ગયેલું. મારા શરીરમાં પ્રવેશ કરીને એ બે દર્દીઓના મોત નિપજાવી ચૂક્યો હતો. માર્થાએ એ મોત આત્મહત્યા લાગે એવી રીતે બધું ગોઠવી દીધેલું પણ જો પોલીસ થોડી વધારે ઊંડી ઊતરી તપાસ કરત તો મારું જ નામ ખુની તરીકે આવી જાત. એ વાતે એ મને બ્લેકમેઇલ પણ કરતી રહી. હું સતત તાણમાં હતો. એ દિવસોમાં મને મારા કરતાંય વધારે તમારા લોકોની ચિંતા હતી. તારા દાદાનું મોત પણ એ લોકોએ જ કરાવ્યું હશે. હું ખૂબ ગભરાઈ ગયો હતો. એવામાં માધવી સાથેના ઝઘડા વધી ગયા અને એ હવેલી છોડી મુંબઈ જતી રહેવા તૈયાર થઈ. એ વાતથી મને સાચું કહું તો થોડી રાહત મળેલી. તમે લોકો અહીં ના હોય તો મને પછી કોઈની ચિંતા ન હતી. તમે લોકો નીકળી રહ્યા હતા ત્યારે જ કાપાલીએ મારામાં પ્રવેશ કરી દિવ્યાને તમારાથી અલગ કરાવી દીધેલી. એને એક બાળકીનો, નિર્દોષ આત્મા જોઈતો હતો. એના માટે થઈને એણે મારી દિવ્યાનો ભોગ લીધો. એ રાતે હું હચમચી ગયો. જ્યોર્જનું રૂપ લઈ ફરી રહેલો કાપાલી કંઇક મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. માર્થા દિવ્યાને ચાકુ ઉઠાવી એના કાંડાની નસ કાપવા કહી રહી હતી. અને હું નિસહાય ઊભો ઊભો આ બધું જોઈ રહ્યા સિવાય કંઈ જ નહતો કરી શકતો. જ્યોર્જને જોઈને જ દિવ્યા ગભરાઈ જતી. એ રડવા લાગતી. કાવ્યાને એની મદદ કરવા બોલાવતી... મને એ વખતે થતું કે બધાને મારી નાખું! મારી દીકરીને લઈને મુંબઈ ભાગી જાઉં, પણ અફસોસ! હું કંઈ કરી શકતો ન હતો. એ તાંત્રિક એક મંત્ર બોલતો અને હું મારો હોશ ગુમાવી બેસતો. છતાં જ્યારે જ્યારે ભાનમાં આવું ત્યારે મેં એ લોકોનો વિરોધ કરવાનું, પોલીસમાં જવાનું કહેલું અને એટલેજ પછી એણે મને કેદ કરી રાખેલો. એ વખતે મેં થોડું સમજદારીથી કામ લીધું હોત તો કદાચ હું એને રોકી શકત! હું એ વખતે હોશમાં જ ન હતો, મારી વિચારવાની શક્તિ જ ખોઈ બેઠેલો! વરસો લાગ્યા મને મારી જાતને સંભાળતા. હું ત્યાં ગુફામાં એક કેદી તરીકે કાપાલીની બધી વાતો સાંભળતો, એના અત્યાચાર સહેતો જીવી રહ્યો હતો ફક્ત એટલા માટે કે હું એને રોકવા માંગતો હતો. એક એક કરીને એણે નવ આત્માઓ કેદ કરી લીધી હતી. કોઈ ચોક્કસ રાતની એ રાહ જોતો હતો. જ્યારે એ મહાપૂજા કરવાનો હતો. એની તૈયારીમાં એ મને ભૂલી ગયો અને મેં દિવ્યાને એની કેદમાંથી છોડાવી લીધી. મેં એને હવેલીમાં જતા રહેવાનું કહેલું. ત્યાં કાપાલીની તાકાત કામ નહિ આપે. આપણી કુળદેવી એની રક્ષા કરત. દિવ્ય એક ભોળી બાળકી જ હતી. એને હવેલીમાં એકલીને ડર લાગતો હતો. એના માટે થઈને અને હવે કાપાલીનો ખાત્મો બોલાવવાનું નક્કી કરીને જ મેં તમને લોકોને મુંબઈથી અહીં બોલાવેલા. આ બધું કાપાલીએ મને કરવા દેવું પડ્યું કેમકે એને દિવ્યાની આત્મા જોઈતી હતી. હું કોઈ કિંમતે દિવ્યાને પાછી લાવવામાં એની મદદ કરવા તૈયાર ન થયો એટલે એણે તારા પર નજર દોડાવી. એણે વિચારેલું કે એ તને થોડી ડરાવી, ધમકાવી દિવ્યાનો કબજો મેળવી લેશે પણ તુંય એને માથાની મળી! જોકે મને એક વિચાર આવે છે કે, એણે મને મારી નાખ્યો હોત તો પછી કોઈ તમને એના વિશે જણાવી ના શકત. આ વાત એણે કેમ ના વિચારી અને મને છોડી મૂક્યો!”
“મને આ એની કોઈ ચાલ લાગે છે. દિવ્યાને મેળવવા એ તમને કેદ રાખીને કાવ્યા સાથે સોદો કરી શક્યો હોત. એ સ્થિતિમાં કાવ્યા તમને છોડાવવા દિવ્યાને એના હવાલે કરી દેવાનું વિચારત. હવે એ એનું વચન ના પાળે તો કાપાલી શું કરી લેવાનો? તમે પણ હવે અમારી સાથે છો જે એની બધી વાત જાણે છે. તમે એના માટે મોટો ખતરો બની શકો છતાં, એણે તમને છોડી દીધા! આ બધું એણે કંઇક વિચારીને કર્યું છે, શું?” શશાંકે એની શંકા વ્યક્ત કરી.
“આ બધી વાતો પછી કરીએ! મારા પેટમાં બિલાડા બોલે છે! મને ભૂખ લાગી છે!” કાવ્યાએ એના પેટ પર હાથ ફેરવતા કહ્યું.
“હા, ચાલો જમી લઈએ હું પણ માણસો જેવું ખાવા તરસી રહ્યો છું.”
“કાપાલી તમને શું ખાવા આપતો હતો, ડેડી?"
“એ હું પછી કહીશ.” ડૉક્ટર અને કાવ્યા બંને હસતા હસતા રુમની બહાર નીકળ્યાં. શશાંક કોઈને ફોન કરી રહ્યો હતો એ થોડીવાર પછી આવેલો.
બધા લોકો શિલ્પી રિસોર્ટના ગાર્ડનમાં પહોંચ્યા. રાતનું ખાણું ત્યાંજ ગાર્ડનમાં ગોઠવવામાં આવ્યું હતું. વાતાવરણમાં થોડી ઠંડક હતી. ચારે બાજુથી જીવડાઓનો ભયંકર અવાજ આવી રહ્યો હતો. એક બાજુ સ્ટેજ બનાવેલું હતું. ત્યાં કેટલાક લોકલ ડાંન્સર્સ ડાંગી ડાંન્સ કરી રહ્યા હતા. એમના પારંપરિક પોશાક સાથે ઢોલ અને શરણાઇના સૂર એકતાલ થઈ સુંદર દૃશ્ય ખડું કરતા હતા. બીજી બાજુના ટેબલ ઉપર ભાતભાતની વાનગીઓ ગોઠવેલી હતી. કાવ્યાએ સ્વીટ કોર્ન સૂપ લઈ ભોજનની શરૂઆત કરી. એ એક ખાલી ટેબલ જોઈ ત્યાં બેસી. હાલ એટલા પ્રવાસીઓ ન હતા. રિસોર્ટ લગભગ ખાલી જ હતો. શશાંક અને ડૉક્ટર હજી એમની ડીશ ભરી રહ્યા હતા.
કાવ્યાએ સૂપની એક ચમચી ભરીને હોઠે અડાડ્યો જ હતો કે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. લાઈટ ગઈ હતી. આજે ચૌદસ હતી. કાલે પૂનમ થવાની હતી. ચાંદની રાત હોવાથી ધીરે ધીરે આંખો ટેવાતાં કાવ્યા અંધારામાં પણ જોવા લાગી. એણે સૂપના વાડકામાં ફરી ચમચી ડુબાડી, પણ આ શું? વાડકામાંથી જીવડાં ઉડવા લાગ્યા. આખો વાડકો જાણે નાના નાના જીવડાથી ભરાઈ ગયેલો, ઉભરાઈ રહેલો... કાવ્યા ઊભી થઈ ગઈ. એણે જોયું કે બધા ટેબલ ઉપર ઊભેલા સ્ટાફના માણસો ભૂત બની ગયા હતા. એ બધા હાડપિંજર હતા! ખાલી હાડકાંનો માળો! કાવ્યાના મોઢામાંથી હળવી આહ..નીકળી ગઈ. એના પપ્પા અને શશાંક ક્યાંય દેખાતા ન હતા. જે તરફ લોકો ડાંગી ડાન્સ કરી રહ્યા હતા ત્યાં એ ભાગી. એ લોકો હજી નાચી રહ્યા હતા. એ લોકોના નાચનું સંગીત બદલાઈ ગયું હતું. બધા લોકો એકસાથે મંત્રોચ્ચાર કરતા હોય એવો અવાજ આવતો હતો.
“ઓમ...હ્રીં..કલીમ.. હુ. ઓમ...હ્રીં... કલીમ..હુ” એકસાથે ઘણાં બધાં લોકો, એક સરખા જ અવાજે કોરસમાં આ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. ધીરે ધીરે એ અવાજ મોટો ને મોટો થઈ રહ્યો હતો. ત્યાં નાચી રહેલ દરેક જણ હવે અટકી ગયું હતું. એ બધા માથું નીચે નમાવીને સ્થિર ઊભા હતા. એમના વાળથી એમનો ચહેરો ઢંકાઈ ગયો હતો. અવાજ હવે ખૂબ ઊંચો થઈ ગયો હતો. એ લોકોના બોલવાની ગતિ પણ વધી હતી. હવે એ લોકો ઝડપથી બોલી રહ્યા હતા. કાવ્યા શું કરવું એ વિચારી જ ન શકી. એની નજર એક ડાંન્સર ઉપર ચોટી ગઈ હતી. એ એક છોકરી હતી. એ પણ બીજા બધાની જેમ માથું નીચે ઝુકાવી ઊભી હતી. ધીરે...ધીરે... એણે માથું ઉપર ઉઠાવ્યું. એની ચમકતી સફેદ આંખો કાવ્યાને જ તાકી રહી હતી. એનો ચહેરો સફેદ હતો. હોઠ પણ સફેદ. એ કાવ્યા સામે હસી હતી, જરાક અને એણે બંને હાથ હવામાં ઊંચા કર્યાં. એ સાથે જ કાવ્યા હવામાં ઉપર ઉંચકાઈ. એ ભયની મારી ચીસાચીસ કરી રહી હતી. એનો અવાજ સાંભળનાર કોઈ ન હતું. એની બાજુમાં આવેલા નાળિયેરીના ઝાડ કરતાંય એ વધારે ઉપર ઉઠી હતી અને પછી એનું શરીર હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યું. નીચે રહેલા બધા લોકો એની સામે જોઈ જોર જોરથી હસવા લાગ્યા. એ બધા લોકો કંકાલ બની ગયા હતા.
“દિવ્યા....દિવ્યા...” અચાનક બધા લોકો એકસાથે બોલવા લાગ્યા. કાવ્યાની સમજમાં આવી ગયું કે આ બધી કાપાલીની માયા એને ડરાવવા માટે છે. એને એનું વચન યાદ કરાવવા. એ જોર જોરથી ચીખી ચીખીને કહેવા લાગી, “એ મારી બેન છે...એ હું તને નહિ આપુ...ક્યારેય નહી..! ક્યારેય નહી..!” હવામાં ને હવામાં એ ગાયબ થઈ ગઈ!
આ બાજુ શશાંક અને ડૉક્ટર રોય અચાનક અંધારું થઈ જતાં થોડા સાવધ થઈ ગયા હતા. એમની આંખો ટેવાતા જ એમણે ચારે બાજુ કાવ્યાને શોધી હતી. એ ક્યાંય દેખાતી ન હતી. અચાનક કાવ્યાનો અવાજ સંભળાયો. એ અવાજ ઉપરથી આવતો હતો. ઉપર આકાશમાંથી... શશાંક અને ડૉક્ટર બંને લાચાર બનીને ઉપર આકાશમાં ગોળ ગોળ ઘૂમતા કાવ્યાના શરીરને જોઈ રહ્યા હતા... એ દૃશ્ય એકાદ મિનિટ રહ્યું હશે ને કાવ્યા ગાયબ થઈ ગયેલી... હવામાં જ ક્યાંક ઓગળી ગઈ!
“મને એની ગુફા સુધીનો રસ્તો યાદ છે!” ડૉક્ટર રોય બોલેલા અને શશાંકનો હાથ પકડી પાર્કિંગ તરફ ભાગેલા. એ લોકોએ પછી પાંડવ ગુફા તરફ જવાના રસ્તે ગાડી ભગાવી હતી... હજી સાપુતારામાં જ એમની ગાડી ભાગી રહી હતી અને ચાલુ ગાડી ઉપર કંઇક ધબ્બ કરતુંક આવીને પડ્યું હતું. શશાંકે જોરથી બ્રેક ઉપર પગ દબાવી દીધેલો અને એક ચિચિયારી સાથે ગાડી થોભી ગયેલી. ગાડીના બોનેટ ઉપર કોઈ યુવતી આવીને પડી હતી..! એ કાવ્યા હતી!
વ્હાઈટ ડવમાં આજે સ્મશાનવત શાંતિ પથરાયેલી હતી. ભરત ઠાકોર, ડૉક્ટર આકાશ અવસ્થી, સિસ્ટર રાધા અને રાત્રે રોકાતી એક આયા બાઈ એ બધાની નજર સિસ્ટર માર્થા ઉપર જ ચોંટેલી હતી. ડૉ.આકાશે આજે બપોરે જ ડોક્ટર રોયની ડાયરી આખી વાંચી લીધી હતી. એમાં કાપાલીના ઇતિહાસ સિવાય વ્હાઈટ ડવ બાબતે બધું લખેલું હતું. સિસ્ટર માર્થા કાપાલી સાથે મળેલી છે એ વાત પણ એમાં હતી. ડૉ. આકાશે બધાને સાવધાન કરી દીધેલા. આખો દિવસ તો શાંતિથી પસાર થઈ ગયેલો. હવે સાંજ પડી હતી. દરેકનું દિલ કોઈ અજાણ્યા ભયથી થડકતું હતું. સિસ્ટર માર્થા આજે રાત્રે હોસ્પિટલમાં જ રોકાવાની હતી. એનું કહેવું હતું કે, જેમ જેમ પૂનમ નજીક આવે તેમ તેમ પાગલ માણસોનું પાગલપન વધી જતું હોય છે. એટલે આજે એક સિનિયર નર્સ તરીકે એનું હોસ્પિટલમાં રોકાવું જરૂરી હતું.
રાતના આઠ વાગે હોસ્પિટલની લાઈટ ચાલી ગયેલી. આખી હોસ્પિટલમાં અંધકાર છવાઈ ગયેલો. બધી પાગલ સ્ત્રીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. ભરત ઠાકોર અને ડો. આકાશ અચાનક લાઈટ જવાનું કારણ શોધી રહ્યા હતા. ત્યાંજ સીડીઓમાં એક મીણબત્તી ફરતી દેખાઈ હતી. એ ઉપરથી નીચે આવી રહી હતી. ડૉ.આકાશ એની સામે જ જોઈ રહ્યા હતા. ભરતે પરાણે ગળા નીચે થુંક ઉતાર્યું અને એ આંખો ફાડીને અંધારામાં ચાલી આવતી મીણબત્તી તરફ જોઈ રહ્યો.
ધીરે ધીરે એ મીણબત્તી સીડી ઉતરીને ગેલેરીમાં આવી ત્યારે મીણબત્તીની પાછળ સિસ્ટર માર્થા દેખાઈ. એ સિસ્ટર માર્થા જ હતી જે લાઈટ જતા મીણબત્તી જલાવી લાવી હતી.
“સિસ્ટર તમે ઉપર હતા!” ડૉ. આકાશે થોડું અચકાઈને પૂછેલું, કારણકે લાઈટ ગઈ એ પહેલા બધાએ એને નીચેના વોર્ડમાં જોઈ હતી.
“હા, ડૉક્ટર. ઉપર બધા દર્દીઓ ગભરાઈને ચીસો પાડતા હતા એટલે હું ત્યાં કેન્ડલ મૂકવા ગઈ હતી. લીનાના રૂમમાં પણ એક સળગાવી છે, એને અંધારાથી બહુ ડર લાગે છે.” માર્થા આટલું કહીને રહસ્યમય સ્મિત વેરીને ચાલી ગઈ.
“એ..એ...ભૂત છે!” સિસ્ટર રાધાએ ગભરાઈને એના હોઠ સીવી રાખેલા, એ માર્થાના જતા જ બોલી.
“ઉપર લીનાના રૂમમાં સળગતી મીણબત્તી રાખવી યોગ્ય નથી. કોઈ દુર્ઘટના ઘટી શકે આપણે એને સાચવવાની છે.” એજ વખતે ડૉ.આકાશનો ફોન રણક્યો હતો. એણે ફોન ઉઠાવી ભરતને ઉપર જવાનો ઈશારો કર્યો હતો.
અહીં ભરતના ટાંટિયા ધ્રુજી રહ્યા હતા. એણે સિસ્ટર રાધાને કહ્યું, “આપણે બંને સાથે જઈએ!”
“ના બાબા ના! મને અંધારામાં આમેય ડર લાગે છે!”
“ડર શેનો હું છું ને તારી સાથે. એક ગબરું જવાન!”
“ગબરું કે ગભરુ!” રાધાએ કહ્યું.
“બસ આવો જ ને તારો પ્યાર! અંધારામાં સાથ છોડી દે તો જીવનભર શું સાથ નિભાવાની!” ભરતે હાથે કરીને પેલીને ઈમોશનલ કરી. આખરે બંને જણાં ઉપર ગયા.ઉપર ઘોર અંધકાર હતો. ક્યાંય એકેય મીણબત્તી ન હતી.
“જોયું. પેલી માર્થાડી જુઠ્ઠુ બોલતી હતી. એણે કોઈ મીણબત્તી મૂકી જ નથી. આપણને મરાવા જ એણે ઉપર મોકલ્યાં છે.” સિસ્ટર રાધાએ ભરતનો હાથ પકડી લીધો.
“હોઈ શકે પવનથી હોલવાઈ ગઈ હોય. આપણે લીનાના રૂમમાં ચેક કરી લઈએ.” ભરતે સિસ્ટરનો હાથ પકડી એને લીનાના રૂમ તરફ ઢસડી.
ત્યાં એક મીણબત્તી બળતી હતી. એક નાના સ્ટુલ ઉપર મીણબત્તી રાખેલી હતી. એની પાસેના એક ખૂણામાં લીના નીચે બેઠી હતી. એ ઉદાસ હતી. ભરતે સિસ્ટર રાધાને સહેજ કોણી મારી અને એની સાથે વાત કરવા ઈશારો કર્યો.
“લીના..? શું થયું? તું ઠીક છેને?” રાધાએ ભારતાનીનીશારો સમજી ધીમેથી પૂછ્યું.
“હા. પણ પેલી મને બોલાવે છે. મારે એની સાથે નથી જવું! ” લીનાએ રડમસ અવાજે કહ્યું.
“કોણ પેલી?” ભરતને એમ કે એ માર્થાનું નામ દેશે.
“પેલી...?” લીનાએ દરવાજા તરફ આંગળી કરી.
ભરત અને સિસ્ટર રાધા બંનેની નજર જ્યાં લીનાએ આંગળી ચીંધેલી ત્યાં પડતા જ બંનેની છાતીના પાટીયા બેસી ગયા! દરવાજે એક ચુડેલ ઊભી હતી. સફેદ ગાઉન પહેરેલી, આખી સફેદ, એ સફેદ રંગ કર્યો હોય એવી હતી. એની આંખો આખે આખી કાળી હતી. એના મોઢા પર વાગેલાના નિશાન હતા જે લાલ હતા. વિખરાયેલા વાંકળિયા વાળ સાથે એ ઔર ભયાનક લાગતી હતી. ભરત ગભરાઈને સિસ્ટરને ભેંટી પડયો. સિસ્ટર પણ આખી ધ્રુજી રહી હતી.
આ લોકોને આમ બિવાયેલા જોઈને એ ચુડેલ મોટેથી હસી હતી અને પછી ત્યાંથી ખસી ગયેલી.
“ભ...ર...ત પેલી... ગઈ.” રાધાએ કહ્યું.
“જાન બચી તો લાખો પાયે ભાગો...” ભરતે સિસ્ટરનો હાથ પકડી બહાર દોટ મૂકી. ત્યાં આખી લોબીમાં ઠેર ઠેર ચૂડેલો ઊભી હતી. એક પંખા સાથે ગળે ફાંસો ખાધો હોય એમ લટકી રહી હતી. એક સિડીની પાળી ઉપર લપસણી ખાઈ રહી હતી. બે એકબીજીનો હાથ પકડી ફુદરડી ફરી રહી હતી. એ બધી ભરત સામે જોઈ એને પોતાની પાસે બોલાવતી હતી.
ભરત આંખો બંધ કરીને, સિસ્ટરનો હાથ પકડી ભાગી રહ્યો સાથે સાથે એ જોર જોરથી, “જલતું જલાય તું, આઇ બલા કો ટાલ તું..” એમ બોલતો હતો. સીડીના ત્રણ ત્રણ પગથીયા કુદાવતો ભરત એની જીંદગીમાં નહી ભાગ્યો હોય એ સ્પીડ સાથે ભાગ્યો હતો.
નીચે ડૉક્ટર આકાશનો ફોન હાલ પૂરો થયેલો. એ હાથમાં ટોર્ચ લઈ ઊભા હતા. “શું થયું? કેમ આમ ભાગી રહ્યો છે?”
“ભાગુ નહિ તો શું કરું? એ ડાકણોનું ડિનર બની જાઉં? ઉપર તો સેલ લાગ્યો છે ચુડેલોનો, એક પર બે ફ્રી! હું નઈ જાઉં, જીંદગીમાં કદી ઉપર નઈ જાઉં...શી ખબર હંમેશાં માટે ઉપર ચાલ્યો જાઉં! નથી કરવી તમારી નોકરી. રાધા તું પણ છોડી દે આ નોકરી. આપણે મજૂરી કરીશું. ભીખ માંગીશું પણ આ ભૂતમહાલયમાં નહિ રહીએ...” ચારે બાજુ આંખો ગુમાવતો ભરત લવારા કરે જતો હતો. ડૉ.આકાશે એને એક થપ્પડ લગાવી. જાણે હાલ ભાનમાં આવ્યો હોય એમ એ સીધો ઉભો રહી ગયો.
“સોરી ડૉક્ટર! હું ડરી ગયો હતો. હવે બધું ઠીક છે.” ભરત પાછો નોર્મલ થઈ બોલ્યો.
“સરસ. હવે આપણે એક ખૂબ જરૂરી કામ કરવાનું છે. એ વાત ફક્ત આપણાં બેની વચ્ચે જ રહેશે.” ડોક્ટરે ભરતના કાનમાં કંઈક કહ્યું.
હવેલીમાં માધવીબેન ખૂબ ઉચાટમાં હતા. દિવ્યા એકલી પડીને ક્યાંય ચાલી ના જાય એટલે એમને હવેલીમાં રોકવામાં આવેલા. ત્યાં દિવ્યાની આત્મા હતી પણ એ નાતો એને જોઈ શકતા કે એનો અવાજ સાંભળી શકતા હતા. આનો કોઈ ઉકેલ કાઢવા એમણે પુજારીજીને પ્રભુ સાથે હવેલીમાં તેડાવ્યા હતા. એમણે આવતાની સાથે જ કહ્યું,
“વરસો પછી કાલે એ રાત છે જ્યારે કાલીશક્તિઓ એની ચરમસીમાએ હોય. એ રાતે બધા એમની સિધ્ધિ હાંસલ કરવા ભરપૂર પ્રયત્ન કરશે. આજે બધી જ જોઈતી સામગ્રી એકઠી કરી લેવાશે અને કાલે એનો મહાપૂજામાં ઉપયોગ થશે. આ વખતે જે પણ કાપાલીના રસ્તામાં આવશે એનો એ ભોગ લેશે, કોઈને નહીં છોડે. એને પડકારનારનું મોત નિશ્ચિત છે.”

***

Rate & Review

Aahna

Aahna 2 weeks ago

M. Husain Jethva

M. Husain Jethva 1 month ago

hemangi

hemangi 2 months ago

Jayshree Patel

Jayshree Patel 6 months ago

AeshA

AeshA 7 months ago