Bhedi Tapu - Khand - 2 - 15 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ બીજો - 15

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(15)

આંખમાં આંસુ

બીજા દિવસે 20મી ઓકટોબરે સવારે સાત વાગ્યે ચાર દિવસની મુસાફરી પછી વહાણ મર્સી નદીના મુખમાં હેમખેમ આવી પહોંચ્યું.

હાર્ડિંગ અને નેબ તોફાની વાતાવરણને કારણે અસ્વસ્થ બની ગયા હતા. તેમને પાછા વળવામાં મોડું થયું. તેથી બંને ચિંતાતુર હતા. તેઓએ સરોવરના ઉચ્ચપ્રદેસમાં જઈને સવારે જોયું તો વહાણને આવતા દીઠું.

હાર્ડિંગે પ્રભુનો ઉપકાર માન્યો અને નેબ નાચવા લાગ્યો. તૂતક ઉપર ઊભેલા સાથીઓને તેણે ગણી જોયા. પછી પહેલો વિચાર એ આવ્યો કે ટેબોર ટાપુ ઉપરથી કોઈ કેદી મળ્યો લાગતો નથી, અથવા મળ્યો હોય તો તેણે લીંકન ટાપુ ઉપર આવવાનો ઈનકાર કરી દીધો છે.

ખરેખર તૂતક ઉપર પેનક્રોફ્ટ, હર્બર્ટ અને સ્પિલેટ એકલાં જ હતા! જે ક્ષણે વહાણ કિનારા પાસે આવ્યું ત્યારે ઈજનેર અને નેબ ત્યાં રાહ જોતા ઊભા હતા, અને મુસાફરો વહાણમાંથી ઊતરે એ પહેલાં જ હાર્ડિંગે કહ્યું..

“તમને મોડું થયું તેથી અમને ખૂબ ચિંતા થતી હતી. તમને રસ્તામાં કોઈ અકસ્માત નડ્યો હતો?”

“ના,” સ્પિલેટે ઉત્તર આપ્યો. “બધું બરાબર પાર ઊતર્યું. અમે તેની વાત તમને કહીશું.”

“તમારી શોધખોળ નિષ્ફળ ગઈ લાગે છે.” ઈજનેરે કહ્યું. “કારણ કે તમે ગયા ત્યારે ત્રણ હતા અને પાછા આવ્યા ત્યારે પણ ત્રણ જ છો!”

“અમે ચાર છીએ!” ખલાસીએ ઉત્તર આપ્યો.

“તમને પેલો માણસ મળ્યો?”

“હા,”

“તમે તેને સાથે લાવ્યા?”

“હા,”

“જીવતો?”

“હા,”

“ક્યાં છે? એ કોણ છે?”

“તે માણસ છે.” સ્પિલેટે ઉત્તર આપ્યો, “અથવા એ માણસ હતો! ત્યાં છે, કપ્તાન. તેથી વધારે અમે કહી શકીએ તેમ નથી!”

મુસાફરી દરમિયાન બનેલી બધી ઘટનાઓ ઈજનેર સમક્ષ વર્ણવી બતાવવામાં આવી. કેવી સ્થિતિમાં તપાસ કરી, કેવી રીતે ઝૂંપડું મળ્યું, ખાલી ઝૂંપડાને આધારે કેવી શોધખોળ આગળ ચલાવી, અને અંતે આકસ્મિક રીતે કેદી કેવી રીતે પકડાઈ ગયો, અને કેવો જંગલી અવસ્થામાં એ રહેતો હતો-- આ બધું વિગતવાર કહી સંભળાવવામાં આવ્યું.

“અમે એને અહીં લઈ આવ્યા તે બરાબર કર્યું ને?” ખલાસીએ પૂછ્યું.

“હા.” ઈજનેરે જવાબ આપ્યો.

“પણ તેની બુદ્ધિ ગૂમ થઈ ગઈ છે!”

“એવું બનવું કુદરતી છે.” હાર્ડિંગે જવાબ આપ્યો.“થોડા મહિના પહેલાં એ આપણા જેવો માણસ હતો. અને આ ટાપુ ઉપર જો એકાદ જણ જીવતો રહે તો તેની સ્થિતિ પણ આવી જ થાય. માણસજાત માટે એકલું રહેવું એ સૌથી મોટું દુર્ભાગ્ય છે. એકાંતવાસને કારણે જ આ માણસની બુદ્ધિ ચાલી ગઈ છે.”

“થોડાક મહિના પહેલાં આ કેદી માણસ હશે. એમ શાના આધારે કહી શકાય?” હર્બર્ટે પૂછ્યું.

“પત્રને આધારે.” ઈજનેરે જવાબ આપ્યો. “એ કેદી સિવાય બીજું કોણ આ પત્ર લખે?”

“એના સાથીદારે લખ્યો હોય, અને એ મૃત્યુ પામ્યો હોય.” સ્પિલેટે દલીલ કરી.

“એમ બનવું અશક્ય છે; કારણ કે, તો પત્ર લખનારો બે જણાનો ઉલ્લેખ કરે.” હાર્ડિંગે જવાબ આપ્યો. “અને પત્રમાં તો એક જ જણનો નિર્દેશ છે.”

હર્બર્ટે પછી મુસાફરી દરમિયાન બનેલી બધી ઘટનાઓ કહી સંભળાવી અને તોફાન ચાલુ હતું ત્યારે એ કેદીએ વહાણના તૂતકનું પાણી કેવી રીતે કાઢી નાખ્યું એ પ્રસંગ કહી સંભળાવ્યો.

“હર્બર્ટ,” ઈજનેર બોલ્યો. “આ ઘટના બહુ મહત્વની છે. આ માણસનો આત્મા જરૂર જાગૃત થશે.”

ટેબોર ટાપુના કેદીને વહાણની ખોલીમાંથી નીચે ઉતારવામાં આવ્યો. જેવો તેણે જમીન પર પગ મૂક્યો કે તરત જ તેણે નાસી જવાની પેરવી કરી. પણ હાર્ડિંગે પાસે જઈને તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો. અને તેની સામે ખૂબ જ કોમળતાથી જોયું. તરત જ તે દુઃખી માણસ હાર્ડિંગની જોરદાર ઈચ્છાશક્તિને તાબે થયો. ધીરે ધીરે તે શાંત થયો. તેણે આંખો નીચે ઢાળી દીધી. માથું નમાવી દીધું. અને તેણે કંઈ વિરોધ ન કર્યો.

હાર્ડિંગે તેનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું, બાહ્ય દેખાવ જોતાં તેનામાં માણસ હોવાના કોઈ પણ લક્ષણ નજરે પડતાં ન હતાં છતાં હાર્ડિંગને તેનામાં બૌદ્ધિક્તાનું કિરણ દેખાયું.

એમ નક્કી કર્યું કે આ કેદીને (હવે તેને આગતુંક તરીકે ઓળખવામાં આવશે.) ગ્રેનાઈટ હાઉસમાં લઈ જવો. ત્યાંથી તે નાસી શકશે નહીં. આંગતુકને કોઈ પણ મુશ્કેલી વિના ગ્રેનાઈટ હાઉસમાં લઈ ગયા. બધાને આશા હતી કે થોડા સમય પછી તે મિત્ર બની જશે.

હાર્ડિંગે નાસ્તો કરતાં કરતાં ટેબોર ટાપુ ઉપર બનેલી બધી ઘટનાઓ સાંભળી, આગંતુક અંગ્રેજ કે અમેરિકન હોવો જોઈએ; એ બાબતમાં હાર્ડિંગ સહમત થયો.

“પણ હર્બર્ટ,” સ્પિલેટે પૂછ્યું, “તું આ જંગલીને કેવી રીતે ભેટી ગયો? એ વાત તો તેં અમને કદી કહી જ નહીં!”

“એવું બન્યું કે” હર્બર્ટે જવાબ આપ્યો. “હું નીચો નમીને શાકભાજીના છોડવા ઉખેડતો હતો ત્યાં ભયંકર ઘુરકાટી સંભળાણી અને ઝાડ ઉપર સંતાયેલો આ માણસ સીધો જ મારી ઉપર પડ્યો. મારાથી એક જ વખત મદદ માટે બૂમ પાડી શકાઈ. અને જો સ્પિલેટ અને પેનક્રોફ્ટ--”

“મારા દીકરા,” હાર્ડિંગે કહ્યું, “તું મોટા જોખમમાથી બચી ગયો, પણ એને શોધી કાઢવાનું માન તારે ફાળે જાયે છે!”

“તમને લાગે છે કે આ માણસ સુધરી જશે?” સ્પિલેટે પૂછ્યું.

“હા,” ઈજનેરે જવાબ આપ્યો.

નાસ્તો પૂરો કરીને બધા દરિયા કિનારે આવ્યા. વહાણમાંથી બધી વસ્તુઓ ઉતારી લેવામાં આવી. ડુક્કરને પશુશાળામાં મોકલી દેવામાં આવ્યા. બંદૂકમાં ભરવાના દારૂનું એક પીપ, વગેરે બધું ગ્રેનાઈટ હાઉસમાં પહોંચાડવામાં આવ્યું. સ્ફોટક પદાર્થોને માટે જુદી જ વ્યવસ્થા કરવાનું સૌએ વિચાર્યું. જેથી ધડાકો ન થઈ જાય.

વહાણને પોર્ટબલૂનના બારામાં રાખવાનું ખલાસીને યોગ્ય લાગ્યું. જો કે એ સ્થળ ગ્રેનાઈટ હાઉસથી ત્રણ માઈલ દૂર હતું; પણ ત્યાં પહોંચવાનો સીધો રસ્તો હતો. હાર્ડિંગે વચન આપ્યું કે ભવિષ્યમાં અહીં સમુદ્રકિનારે એક બોરું બનાવવું.

હર્બર્ટ અને ખલાસી બંને જણા જઈને વહાણને પોર્ટબલૂનના બારામાં મૂકી આવ્યા. બે કલાક પછી વહાણ ત્યાં પહોંચી ગયું.

શરૂઆતના દિવસોમાં આગંતુક ગ્રેનાઈટ હાઉસમાં રહ્યો. એ સુધરશે એવાં લક્ષણો દેખાતાં હતાં? હા; અમુક અંશે. પહેલાં તો એમ લાગ્યું કે ટાપુમાં ખુલ્લામાં રહેનાર આગંતુક ગ્રેનાઈટ હાઉસની બારીએથી જમીન પર ભૂસકો મારશે; પણ એવું કશું બન્યું નહીં. તેનો હિંસક સ્વભાવ ધીરે ધીરે શાંત પડતો જતો હતો.

પહેલાં તો એ રાંધેલો ખોરાક દૂર હડસેલી દેતો. હવે એ ભૂખ લાગી હોય ત્યારે વિના વિરોધે ખાઈ લેતો હતો. એ સૂતો હતો તે દરમિયાન હાર્ડિંગે તેના માથાના વાળ અને દાઢીના વાળ કાપી લીધા. આનાથી એ જંગલી જેવો દેખાતો બંધ થયો. તેને સારાં કપડાં પહેરાવવામાં આવ્યાં અને તેનું ચીંથરું લઈ લેવામાં આવ્યું. પરિણામે તે માણસ જેવો દેખાવા લાગ્યો. તેની આંખોમાંથી રતાશ દૂર થઈ. ખરેખર, પહેલાં આ માણસ રૂપાળો લાગતો હશે.

હાર્ડિંગે રોજ આગંતુક સાથે થોડા કલાક ગાળતો. તે તેની નજીક બેસીને કામ કરતો. બુદ્ધિનો એક તણખો બસ થઈ પડે તેમ હતો. એનાથી એની આત્માની જ્યોતિ પ્રગટી જાય એમ હતી. ભુલાયેલું બધું પાછું યાદ આવી જાય એમ હતું. ટેબોર ટાપુથી પાછા ફરતાં તે એક ખલાસીની જેમ વર્ત્યો હતો. તેની હાજરીમાં ઈજનેર મોટેથી બોલવાનું રાખતો. આગંતુક ફરી સાંભળવા લાગે. તેવો તેનો હેતુ હતો. કોઈ ને કોઈ આગંતુકને સથવારો પુરાવતું હતું. ઘણીવાર તેઓ વહાણવટાની ચર્ચા ઈરાદાપૂર્વક કરતા હતાં. આગંતુકને કદાચ એમાં રસ પડે.

કોઈ વાર એમ લાગતું કે આગંતુક વાતમાં ધ્યાન આપે છે. એ થોડું ઘણું સમજતો હોય એવું લાગતું હતું. ઘણીવાર તે ઉદાસ થઈ જતો. એનો અર્થ એટલો જ કે તે માનસિક રીતે દુઃખી હતો. તે બોલતો ન હતો; પણ ઘણીવાર તે બોલવા માટે હોઠ ફફડાવતો હતો. હંમેશાં તે શાંત અને દિલગીર દેખાતો હતો.

આ શાંતિ માત્ર દેખાવ પૂરતી હતી? તેની ઉદાસીતના માત્ર એકાંતતવાસનું પરિણામ હતું? આ અંગે કંઈ નિર્ણય થઈ શકે તેમ ન હતો. એટલું ખરું કે તે ધીરેધીરે સુધરતો હોય એવું લાગતું હતું. ધીરેધીરે તેનામાં નવું જીવન સંચાર પામતું હોય એવું દેખાતું હતું. જંગલી જાનવર જેવો મટીને હવે તે પાળેલા પ્રાણી જેવો નરમ બનતો જતો હતો.

ઈજનેર એનું ઝીણી નજરે અવલોકન કરતો હતો. એના જીવનની દરેક ક્ષણનું ઈજનેર બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો. આગંતુક હાર્ડિંગ પ્રત્યે એક પ્રકારનો આદરભાવ દેખાડતો હતો. આથી હાર્ડિંગે તેને બીજે સ્થળે લઈ જવાનો નિર્ણય કર્યો. ખલાસી હોવાથી તેને સમુદ્ર કિનારે લઈ જવો અને ટાપુમાં રહ્યો હોવાથી તેને જંગલમાં લઈ જવો અને પછી તેના ઉપર શું અસર થાય છે તે જોવી. કંઈ પાછલું જીવન યાદ આવે છે?

“ક્યાંક તે નાસી તો નહીં જાય ને?” સ્પિલેટે પૂછ્યું.

“પ્રયોગ કરી જોઈએ.” ઈજનેરે જવાબ આપ્યો.

30મી ઓકટોબરે, આગંતુકને ટેબોર ટાપુ ઉપરથી અહીં ખસેડ્યો તેના નવમા દિવસે, તેને ખુલ્લામાં લઈ જવામાં આવ્યો. હાર્ડિંગ અને ખલાસી જ્યારે તેના ઓરડામાં ગયા ત્યારે તેને બારીમાંથી આકાશ તરફ જોતો હતો.

“મિત્ર, ચાલો,” ઈજનેરે તેને કહ્યું.

આગંતુક તરત જ ઊભો થયો. તેની આંખો હાર્ડિંગ સામે તાકી રહી હતી. તે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ખલાસી તેમની પાછળ ચાલતો હતો. ખલાસીને આ માણસ સુધરશે એવી આશા ન હતી.

લિફ્ટમાં બેસીને બધા દરિયાકિનારે આવ્યા. બધા આગંતુકથી થોડાં ડગલાં દૂર ઊભા રહ્યા. આગંતુકે દરિયા તરફ બે-ચાર ડગલાં ભર્યાં. તેની આંખોમાં ચમક દેખાઈ. તેણે ભાગી છૂટવાનો જરાય પ્રયત્ન ન કર્યો. તે દરમિયાન મોજાં સામે જોઈ રહેતો હતો.

પછી તેને જંગલ પાસે લઈ જવાનું નક્કી થયું. ત્યાં નદી આડી હોવાથી તે નાસી શકશે નહીં. પણ પેનક્રોફ્ટનો અભિપ્રાય હતો કે, આવી નદી-બદી આગંતુકને જરાય ન નડે. એ તો એક કૂદકામાં નદીને પાર કરી જાય.

“જોઈશું.” કહીને આગંતુકને સરોવરના ઉચ્ચપ્રદેશના મેદાન પાસે લઈ ગયા. અહીંયા આવીને તેણે એક લાંબો નિસાસો નાખ્યો.

જો એ ભાગવાનો પ્રયત્ન કરે તો તેને પકડી લેવા બધા તૈયાર હતા; અને ખરેખર આગંતુક નદીમાં કૂદી પડવાની અણી ઉપર હતો. કૂદકો મારવા માટે તેના પગ વળ્યા હતા. પછી એકાએક તેણે એક ડગલું પાછું ભર્યું. તે નીચે બેસી ગયો અને તેની આંખોમાંથી એક મોટું આસું ખરી પડ્યું.

“ઓહ! ઓહ!” હાર્ડિંગ બોલ્યો. “તમે ફરી માણસ બન્યા છો; કારણ કે, તમે રડી શકો છો!”

***