Bhedi Tapu - Khand - 2 - 17 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ બીજો - 17

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(17)

એકરાર

આ છેલ્લા શબ્દો બધાના અનુમાનને સાચું પાડતા હતા. આ માણસનો ભૂતકાળ વેદનાથી ભરેલો હતો. તેણે તેના ગુનાની પૂરતી સજા ખમી હતી; પણ તેનો આત્મા હજી તેને માફ નહોતો કરતો. એ પાપી માણસ અફસોસ કરતો હતો. પસ્તાવાથી શેકાતો હતો. નવા મિત્રો તેને પોતાની સાથે ભેળવવા ઈચ્છતા હતા; પણ તે પોતાની જાતને લાયક ગણતો ન હતો. આ માણસો પ્રામાણિક હતા. જ્યારે પોતે દુરાચારી હતો.

ગમે તેમ, જેગુઆર સાથેના સંગ્રામ પછી, તે જંગલમાં પાછો ન ગયો. તે દિવસથી તે ગ્રેનાઈટ હાઉસના આસપાસના ભાગમાં રહેવા લાગ્યો.

તેના જીવનનું શું રહસ્ય હતું? આંગતુક એક દિવસ એ કહેશે? એ તો સમય ડ કહી શકે. સામેથી કોઈ તેને પૂછવું નહીં. ડાણે કે તેને બધા વચ્ચે રહેવું ગમતું ન હતું.

“તો પછી” ખલાસીએ કહ્યું, “શા માટે તેણે મદદ માગી? શા માટે તેણે શીશો દરિયામાં ફેંક્યો?”

“એ બધું આગંતુકે આપણને કહેશે.” હર્ડિંગે જવાબ આપ્યો.

“ક્યારે?”

“બહુ થોડા સમયમાં, પેનક્રોફ્ટ!”

અને ખરેખર એકરારનો દિવસ નજીક હતો.

દસમી ડિસેમ્બરે, આગંતુકના આગમન પછી એક અઠવાડિયે, હાર્ડિંગે તેને આવતો જોયો. તેણે આવીને નમ્ર સ્વરે કહ્યું.

“સાહેબ, મારે એક વિનંતી કરવાની છે.”

“બોલો,” ઈજનેરે જવાબ આપ્યો. “પણ તે પહેલાં હું એક પ્રશ્ન પૂછવા માગું છું.”

આ શબ્દો સાંભળીને આગંતુક લાલ લાલ થઈ ગયો. તે પાછો ફરવાની અણી ઉપર હતો. હાર્ડિંગે એ ગુનેગારના મનમાં શું ચાલે છે તે જાણતો હતો. તેને બીક હતી કે હાર્ડિંગ પોતાના ભૂતકાળ વિષે પ્રશ્નો પૂછશે.

હાર્ડિંગે તેને પાછો વાળ્યો.

“દોસ્ત,” હાર્ડિંગે કહ્યું. “અમે તમારા સાથીદારો માત્ર નથી, તમારા મિત્રો પણ છીએ. હવે તમારે જે કહેવું હોય તે કહો.”

આગંતુકે પોતાનો હાથ આંખે દાબ્યો. તે ધ્રૂજતો હતો. થોડી વાર સુધી તે કંઈ બોલી શક્યો નહીં.

“સાહેબ, હું એક માગણી કરવા આવ્યો છું.” આગંતુકે કહ્યું. “શું માગણી છે?”

“તમારી પશુશાળામં મને રહેવા દોશો? પ્રાણીઓની સારસંભાળ રાખવી જરૂરી છે.”

હાર્ડિંગે એ દુર્ભાગી માણસ સામે થોડી વાર જોઈ રહ્યો. હાર્ડિંગને એના પ્રત્યે ઊંડી સહાનુભૂતિની લાગણી જન્મી.

“મારા દોસ્ત,” હાર્ડિંગે કહ્યું, “પશુશાળાના તબેલા પશુઓ રહી શકે તેવા છે.”

“મને એમાં ફાવશે, સાહેબ.”

“મારા દોસ્ત,” હાર્ડિંગે જવાબ આપ્યો.“અમે તમને કોઈ વાતની મનાઈ નહીં કરીએ. તમારે પશુશાળામાં રહેવું છે, તો રહો. પણ ગ્રેનાઈટ હાઉસમાં રહેવા આવો તો તમારું સ્વાગત છે. તમે પશુશાળામાં રહેવા માગો છો તો અમે ત્યાં તમારા રહેવાની જરૂરી ગોઠવણ કરી આપીશું.”

“તમારો આભાર,” કહીને આગંતુક ચાલ્યો ગયો.

ઈજનેરે પોતાના સાથીઓને આગંતુકે મૂકેલી દરખાસ્તની વાત કરી. એવું નક્કી થયું કે આગંતુક માટે પશુશાળા પાસે એક લાકડાનું ઘર બનાવી આપવું અને તેમાં શક્ય તેટલી સગવડો રાખવી.

તે જ દિવસે બધા જરૂરી સાધનો લઈને પશુશાળાએ પહોંચી ગયા. અને એક અઠવાડિયામાં ઘર બાંધી દીધું. તબેલાથી તે વીસ ફૂટ દૂર હતું. ત્યાંથી ઘેટાં-બકરા ઉપર નજર રાખી શકાય એમ હતું. ઘેટાંની સંખ્યા હવે એંસીની થઈ હતી. કેટલુંક રાચરચીલું, પલંગ, ટેબલ, બાંકડો, કબાટ, પેટી આ બધું આગંતુકના રૂમમાં રાખવામાં આવ્યું અને એક બંદૂક, દારૂગોળો, કારતુસ અને બીજાં સાધનો પશુશાળામાં પહોંચાડ્યાં.

આગંતુકે આ નવા રહેઠાણને જોયું ન હતું. તેણે બધાને ત્યાં કામ કરવા દીધું હતુ. તે તો ખેતરના કામમાં લાગ્યો હતો. તેણે ખેતર ખેડી નાખ્યું હતુ, અને વાવણી માટે તૈયારી કરી લીધી હતી.

22મી ડિસેમ્બરે પશુશાળામાં બધી ગોઠવણ થઈ ગઈ, ઈજનેરે આગંતુકને કહ્યું કે નવું રહેઠાણ તૈયાર છે. આગંતુકે જવાબમાં કહી દીધું કે આજ રાતથી પોતે રહેવા તથા સૂવા ત્યાં જશે.

આ સાંજે ગ્રેનાઈટ હાઉસના ભોજનખંડમાં બધા ભેગા થયા હતા. રાતના આઠ વાગ્યા હતા. એ સમયે આગંતુક તેમને છોડીને જવાનો હતો. તેને આવજો કહેવાનું કદાચ ન ગમે એમ માનીને બધા તેને એકલો મૂકી ગ્રેનાઈટ હાઉસ ચાલ્યા આવ્યા હતા. તેઓ અંદરોઅંદર વાત કરતા હતા, ત્યાં આગંતુક પ્રવેશ્યો અને કોઈ પણ પ્રસ્તાવ વિના બોલ્યોઃ

“સજ્જનો,” આગંતુકે કહ્યું. “હું તમને છોડીને જાઉં તે પહેલાં મારે તમને મારો ઈતિહાસ કહેવો જોઈએ. હું એ તમને કહેવા માગું છું.”

આ સાદા શબ્દોની હાર્ડિંગ અને તેના સાથીદારો ઉપર ઘેરી અસર પડી.

ઈજનેર ઊભો થયો.

“અમે તમને કંઈ પૂછતા નથી, મિત્ર,” હાર્ડિંગે કહ્યું. “તમને મૌન રહેવાનો અધિકાર છે.”

“મારે તમને બધું કહી દેવું એ મારી ફરજ છે.”

“બેસો,”

“ના, હું ઊભો રહીશ.”

“અમે તમને સાંભળવા તૈયાર છીએ.” હાર્ડિંગે જવાબ આપ્યો.

આગંતુક ઓરડાના ખૂણામાં ઊભો રહ્યો. તેનું માથું ખુલ્લું હતુ. તેણે અદબ વાળી હતી. તે આ રીતે ઊભો રહીને કર્કશ અવાજમાં, જાણે ફરજિયાત બોલાઈ જતુ હોય તેમ બોલવા લાગ્યો. સાંભળનારાઓએ વચ્ચે એક વખત પણ દખલ ન કરી.

“20મી ડિસેમ્બર, 1854ના રોજ એક વરાળથી ચાલતું વહાણ લોર્ડ ગ્લિનાર્વનની માલિકીનું હતુ; તેને બરમોઈલીની ભૂશિર પાસે લાંગરવામાં આવ્યું. આ ભૂશિર ઓસ્ટ્રેલિયાને પશ્વિમ કિનારે 37મી સમાંતર રેખા પર આવેલી હતી. આ વહાણ ઉપર લોર્ડ ગ્લિનાર્વન તેની પત્ની, એક ફ્રેંચ ખગોળશાસ્ત્રી, એક જુવાન છોકરી અને છોકરો એટલાં જણાં હતા. છોકરો છોકરી કપ્તાન ગ્રાન્ટનાં સંતાનો હતાં. કપ્તાન ગ્રાન્ટનું વહાણ ‘બ્રિટાનીઆ’ દરિયામાં એક વર્ષ પહેલાં ગૂમ થયું હતું. ‘ડંકન’ નામનું વહાણ ‘બ્રિટાનીઆ’ની શોધમાં નીકળ્યું હતું. એ વહાણનો કમાન્ડર કપ્તાન જોન મેંગલ્સ હતો. ‘ડંકન’ જહાજમાં પંદર ખલાસીઓ હતા.

આ કારણે ડંકનને ઓસ્ટ્રેલિયાને કિનારે લાંગરવામાં આવ્યું હતુ. છ મહિના પહેલાં આર્યલેન્ડના સમુદ્રમાંથી એક શીશો મળ્યો હતો. તેમાં એક પત્ર અંગ્રેજી, જર્મન અને ફ્રેંચ ભાષામાં લખેલો મળ્યો હતો. આ શીશો ડંકન જહાજે ઉપાડી લીધો હતો. પત્રમાં લખ્યું હતું કે ‘બ્રિટાનીઆ’ જહાજના ભાંગ્યા પછી ત્રણ માણસો બચી ગયા છે. તેઓ કપ્તાન ગ્રાંટ અને તેના બે માણસો છે, તેમણે એક ટાપુ ઉપર આશરો લીધો છે. તેના અક્ષાંશ પત્રમાં વંચાતા હતા પણ રેખાંશ ભેજને હિસાબે ભૂંસાઈ ગયા હતા; અને વાંચી શકાતા ન હતા.

આ અક્ષાંશ 37 અંશ 11’ દક્ષિણ હતા. રેખાંશની ખબર ન હતી. એટલે 37 અક્ષાંશ ઉપર આવેલા બધાં સ્થળો તપાસવા પડે એમ હતાં. એ રીતે તેઓ કપ્તાન ગ્રાંટ અને તેના સાથીઓ પાસે ચોક્કસ પહોંચી શકે એમ હતા. અંગ્રેજ નૌકાસેનાએ આ શોધખોળ કરવાની આનાકાની કરી. એટલે સ્કોટલેન્ડના ઉમરાવ લોર્ડ ગ્લિનાર્વને શોધખોળનું કામ હાથમાં લીધું. કપ્તાન ગ્રાંટના સંતાનો મેરી અને રોબર્ટને સાથે લીધાં. પોતાના ‘ડંકન’ જહાજને સજ્જ કર્યું. અને તે એટલેન્ટિક મહાસાગર તરફ આગળ વધ્યું. મેગેલાનની સામુદ્રધુની પસાર કરીને તે પ્રશાંત મહાસાગરમાં પેટેગોનીઆ સુધી પહોંચ્યું. એક અર્થઘટન પ્રમાણે આ ભાગમાં રેડ ઈન્ડિયનોએ કેપ્ટન ગ્રાંટને કેદી બનાવ્યા હતા.

‘ડંકન’ પેટેગોનીઆના પશ્વિમ કિનારે આવી પહોચ્યું; અને તેના મુસાફરોને ત્યાં ઉતારી દીધા. એવું નક્કી થયું હતું કે, મુસાફરો એ પ્રદેશમાં ફરીને કપ્તાન ગ્રાંટની તપાસ કરે અને પછી પૂર્વ કિનારે કોરિયેન્ટીસની ભૂશિર પાસે જમીનમાર્ગે આવે; અને ‘ડંકન’ જહાજ દરિયામાર્ગે તેમને લેવા માટે ત્યાં પહોંચી જાય. લોર્ડ ગ્લિનાર્વને પેટગોનિઆમાં પ્રવાસ કર્યો. પણ ગ્રાંટના કોઈ સમાચાર ન મળતાં તે 13મી નવેમ્બરે ફરી પાછો ‘ડંકન’માં બેઠો; અને જહાજ આગળ ચાલ્યું.

ટ્રિસ્ટાન ડી અકુનેહાના ટાપુઓની નિષ્ફળ મુલાકાત પછી અને એમસ્ટારડામના નિરર્થક પ્રવાસ પછી ‘ડંકન’ મેં અગાઉ કહ્યું એ રીતે, 20મી ડિસેમ્બર, 1854ને દિવસે ઓસ્ટ્રેલિયાને કિનારે બરમોઈલીની ભૂશિર પાસે આવી પહોંચ્યું.

લોર્ડ ગ્લિનાર્વનનો ઈરાદો એવો હતો કે તેણે જે રીતે અમેરિકાની સફર કરી તે રીતે ઓસ્ટ્રેલિયાની પણ જમીનમાર્ગે સફર કરવી. તે કિનારા પર ઊતરી ગયો. કિનારાથી થોડા માઈલ દૂર એક આઈરીશ ગૃહસ્થનું રહેઠાણ હતું. તેણે મુસાફરોની આગતાસ્વાગતા કરી. લોર્ડ ગ્લિનાર્વને તેને ‘બ્રિટાનીઆ’ જહાજ અંગે પૂછપરછ કરી અને કહ્યું કે એ જહાજ ઓસ્ટ્રેલિયાને પશ્વિમ કિનારે બે વર્ષ પહેલાં ગૂમ થયું હતું.

આઈરીશ ગૃહસ્થે જહાડ ડૂબ્યાની વાત સાંભળી ન હતી. પણ સૌની નવાઈ વચ્ચે તેના એક નોકરે એ જહાજ ભાંગ્યાની પોતાને ખબર છે એટલું જ નહીં પણ પોતે ‘બ્રિટાનીઆ’ જહાજમાં ખલાસી તરીકે કામ કરતો હતો; અને વહાણ ડૂબતાં પોતે એકલો કિનારે ફેંકાઈ ગયો હતો; કપ્તાન ગ્રાંટ હજી જીવતા હોય તો તે ઓસ્ટ્રેલિયામાં જ મળી આવે, આ બધી વાત એ નોકરે કહી, અને પુરાવારૂપે પોતે ‘બ્રિટાનીઆ’માં નોકરી કરતો હતો તેનાં કાગળ બતાવ્યાં.

આ નોકરનું નામ આયર્ટન હતું. તેનું માનવું હતું કે ઓસ્ટ્રેલિયાને પશ્વિમ કિનારે નહીં, પણ પૂર્વ કિનારે કપ્તાન ગ્રાંટ મળી આવવા જોઈએ. તે આદિવાસીઓની કેદી બન્યા છે એટલે એ બાજુ શોધવા યોગ્ય ગણાય.

આઈરીશ ગૃહસ્થે આયર્ટન વિશ્વાસપાત્ર માણસ છે એવો અભિપ્રાય આપ્યો. એટલે લોર્ડ ગ્લિનાર્વને તેના પર ભરોસો મૂક્યો. અને તેની સલાહ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના પ્રદેશોની આસપાસ 37 અક્ષાંશ ઉપર પ્રવાસ કરવાનું નક્કી કર્યું. લગભગ દસેક જણા આયર્ટનની દોરવણી નીચે પ્રવાસ કરવા લાગ્યા. જ્યારે ‘ડંકન’ ટોમ ઓસ્ટીનના તાબામાં સોંપવામાં આવ્યું. જહાજ મેલર્બોન તરફ રવાના થયું. ત્યાં પહોંચીને લોર્ડ ગ્લિનાર્વનની સૂચના પ્રમાણે તેણે વર્તવાનું હતું.

આ સ્થળે એટલું કહેવું જોઈએ કે આયર્ટન દેશદ્રોહી હતો. તે ‘બ્રિટાનીઆ’માં ખલાસી હતો તે વાત સાચી પણ ગ્રાંટ સાથે કંઈ વાંધો પડતાં તેણે ખલાસીઓને ઉશ્કેરી બળવો કરવાનો અને જહાજને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી કપ્તાન ગ્રાંટે તેને 8મી એપ્રિલ, 1852ના રોજ ઓસ્ટ્રેલિયાને પશ્વિમ કિનારે જહાજમાંથી ઉતારી મૂક્યો હતો અને પોતે પ્રવાસ આગળ વધાર્યો હતો. ન્યાયની દષ્ટિએ આ યોગ્ય હતું.

એટલે આ બદમાશ ‘બ્રિટાનીઆ’ જહાજના અથડાવા અંગે કંઈ જાણતો ન હતો. તેને જહાજમાંથી ઉતારી મૂક્યો પછી તેણે બેન જોઈશનું નામ ધારણ કર્યું હતુ અને ગુનેગારોની એક ટોળકીનો તે સરદાર બની ગયો હતો. લોર્ડ ગ્લિનાર્વનને ઓસ્ટ્રેલિયાને પૂર્વ કિનારે લઈ જવા પાછળ તેનો મેલો ઈરાદો હતો. તેને ‘ડંકન’ જહાજની અલગ પાડી. ‘ડંકન’નો કબજો લઈ, અને એ જહાજને પ્રશાંત મહાસાગરમાં ચાંચિયા તરીકે ઉપયોગમાં લેવાની તેની મેલી મુરાદ હતી.

અહીં આંગતુક થોડીવાર અટકી ગયો. તેનો અવાજ ધ્રૂજ્યો, પણ તે આગળ વધ્યો--

“ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ શરૂ થયો. આયર્ટન ઉર્ફે બેનજોઈશ એ પ્રવાસની દોરવણી આપતો હતો. ગુનેગારોની ટોળકી ક્યારેક આગળ તો ક્યારેક પાછળ રહેતી હતી.”

દરમિયાન મેલર્બોનમાં ‘ડંકન’ જહાજ સૂચનાની રાહ જોતું હતું. લોર્ડ ગ્લિનાર્વનના હુકમ પ્રમાણે તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે જવાનું હતું. પ્રવાસનું પરિણામ કંઈ ન આવ્યું. બધા પૂર્વ કિનારા પાસે પહોંચવા આવ્યા. તે વખતે લોર્ડ ગ્લિનાર્વને આયર્ટનને એક પત્ર આપ્યો. એ પત્રમાં ‘ડંકન’ને ઓસ્ટ્રેલિયાને પૂર્વ કિનારે બેવડા અખાત પાસે લાવવાની સૂચના આપવામાં આવી હતી. અહીં આયર્ટને ગુનેગારોને તૈયાર રાખ્યા હતા.

અત્યાર સુધી આ ખલપાત્રને તેની દુષ્ટ યોજનામાં સફળતા મળી હતી. હવે તે બેવડા અખાતમાં ‘ડંકન’નો કબજો લેવા ઈચ્છતો હતો. ગુનેગારોની ટોળકી યોજના પ્રમાણે ખલાસીઓની સામૂહિક હત્યા કરી બેનજોઈશને પોતાનો સરદાર બનાવવા માંગતી હતી. પછી સમુદ્રમાં ચાંચિયાગીરી કરવાની તેમની નેમ હતી. પણ ઈશ્વરની ઈચ્છા કંઈ જુદી જ હતી.

આયર્ટન મેલર્બોન આવ્યો. ટોર્મ ઓસ્ટિનને પત્ર આપ્યો. તેણે તરત જ વહાણ હંકાર્યું. બીજા દિવસે આયર્ટને જોયું કે જહાજ ન્યુઝીલેન્ડ તરફ જતું હતું. તેણે અટકાવવાનો પ્રયાસ કર્યો પણ ઓસ્ટિને તેને પત્ર બતાવ્યો. ફ્રેંચ ખગોળશાસ્ત્રીની ભૂલને લીધે પત્રમાં જહાજને ન્યુઝીલેન્ડના પૂર્વ કિનારે લઈ જવાની સૂચના હતી.

આયર્ટનની યોજના ભાંગી પડી. તેણે ધમપછાડા કર્યાં. પણ તેને કેદ કરવામાં આવ્યો. વહાણ ન્યુઝીલેન્ડને કિનારે લોર્ડ ગ્લિનાર્વનની રાહ જોતું ઊભું રહ્યું. 3જી માર્ચ સુધી વહાણ ત્યાં પડ્યું રહ્યું. તે દિવે આયર્ટને તોપ ફૂટવાના અવાજ સાંભળ્યા. ‘ડંકન’ ઉપર લોર્ડ ગ્લિનાર્વન અને તેના સાથીઓ આવી પહોંચ્યા હતા.

આ ઘટના આ રીતે બની.

લોર્ડ ગ્લિનાર્વન ઓસ્ટ્રેલિયાને પૂર્વ કિનારે આવ્યો તો ‘ડંકન’ જહાજ ત્યાં ન હતું. તેણે મેલર્બોન ટેલીગ્રાફ કર્યો. ત્યાંથી જવાબ આવ્યો કે ડંકન અહીં રવાના થઈ ગયું છે. તે કઈ બાજુ ગયું તેની માહિતી નથી.

લોર્ડ ગ્લિનાર્વનને લાગ્યું કે ‘ડંકન’ બેનજોઈશ અને તેના બદમાશોના હાથમાં પડી ગયું છે અને તે ચાંચિયાનું જહાજ બની ગયું છે.

પણ લોર્ડ ગ્લિનાર્વન હિંમત હારે એવો ન હતો. તે સાહસિક માણસ હતો. તેણે એક વેપારી જહાજ ભાડે લીધું અને ન્યુઝીલેન્ડના પશ્વિમ કિનારે 37મી સમાંતર રેખા પર પ્રવાસ જારી રાખ્યો. આગળ વધતાં પૂર્વ કિનારે તેને ‘ડંકન’ જહાજ મળી આવ્યું. તે પાંચ અઠવાડિયાથી તેની રાહ જોતું હતું.

આ ઘટના 3જી માર્ચ, 1885ના રોજ બની. લોર્ડ ગ્લિનાર્વન ‘ડંકન’ ઉપર સવાર થયો. પણ આયર્ટન પણ તેમાં હાજર હતો. તે એ દુષ્ટ માણસ પાસેથી કપ્તાન ગ્રાંટ વિષેની બધી માહિતી કઢાવવા ઈચ્છતો હતો. આયર્ટને ઈનકાર કર્યો. આથી ગ્લિનાર્વનને તેને અંગ્રેજ પોલીસને સોંપી દેવાની ધમકી આપી. આમ છતાં આયર્ટન મૂંગો રહ્યો. અંતે લોર્ડ ગ્લિનાર્વનની પત્નીએ સમજાવવાનું માથે લીધું. આયર્ટને શરત કરી કે પોતાને પોલીસને સ્વાધીન ન કરવો. પણ પ્રશાંત મહાસાગરના કોઈ ટાપુ પર છોડી દેવો. બદલામાં પોતે કપ્તાન ગ્રાંટ અંગે માહિતી આપશે. લોર્ડ ગ્લિનાર્વને આ શરત મંજૂર રાખી.

આયર્ટને પોતાના સમગ્ર જીવવની હકીકત વર્ણવી; અને કપ્તાન ગ્રાંટે તેને ઓસ્ટ્રેલિયાને કિનારે ઉતારી મૂક્યો હતો, ત્યાર પછી તે કશું જ જાણતો નથી.

આમ છતાં લોર્ડ ગ્લિનાર્વને પોતાનું વચન પાળ્યું. ‘ડંકને’ મુસાફરી ચાલુ રાખી અને તે ટેબોર ટાપુ પર આવ્યું. આયર્ટનને એ ટાપુ પર ઉતારી મૂકવામાં આવ્યો. પણ કુદરતની કોઈ કરામતને લીધે ગ્રાંટ અને તેના બે સાથીઓ એ જ ટાપુ પરથી મળી આવ્યા. એ ટાપુ 37મી સમાંતર રેખા પર હતો.

ગુનેગારને એ ઉજ્જડ ટાપુ પર છોડતી વખતે લોર્ડ ગ્લિનાર્વન નીચેના શબ્દ બોલ્યાઃ

“તું આ ટાપુ પરથી છટકી શકશે નહીં. અહીં તારે એકલા રહેવું પડશે. તારા ગુનાની સજા પૂરી થાય ત્યાં સુધી તારે ટેબોર ટાપુ પર રહેવાનું છે. એમ તને ભૂલીશું નહીં. તું ક્યાં છો એની અમને ખબર છ. અમે તને ક્યારેક લેવા માટે આવીશું. ત્યાં સુધી તારે અહીં રહેવાનું છે.”

અને ડંકન અદશ્ય થઈ ગયું. આ ઘટના 18મી માર્ચ, 1855ને દિવસે બની.

આયર્ટન એકલો હતો પણ તેની પાસે હથિયારો, દારૂગોળો, સાધનો કે અનાજ તથા શાકભાજીનાં બીની ખામી ન હતી. વળી, કપ્તાન ગ્રાંટ બાંધેલું ઘર પણ તેના કબજામાં હતું. તેણે એકલા રહીને પોતે કરેલા ગુના માટે પસ્તાવો કરવાનો હતો.

સજ્જનો, તેને ખૂબ પસ્તાવો થયો. તેનું માથું શરમથી ઝૂકી ગયું. અને તે ખૂબ દુઃખી થયો. તેણે નક્કી કર્યું કે જો કોઈ તેને ટાપુ પરથી લેવા આવે તો તે પોતે લાયક માણસ તરીકે પાછો ફરશે. તેણે સતત કામ કર્યું. તેણે પ્રાર્થના કરી, ત્રણ વર્ષ વીતી ગયાં. આયર્ટન કિનારે ઊભો રહીને જહાજની રાહ જોતો રહ્યો. એના જેટલું દુઃખ જગતમાં બીજા કોઈ માણસે સહન નહીં કર્યું હોય. એકાંતમાં રહેવું કેટલું ભયંકર છે!

પણ કોઈ વહાણ આવ્યું નહીં. તે ધીમે ધીમે જંગલી બનતો ગયો. તેનામાં પશુતા વધતી ગઈ. અંતે તમને ટાપુ પર જે જંગલી મળ્યો, એ એ જ હતો.

1. આ તારીખમાં કેટલોક ગોટાળો લાગશે, પણ પછીથી સમજી શકાશે કે શરૂઆતમાં શા માટે તારીખ આપવામાં આવી નથી.

સજ્જનો આયર્ટન, ઉર્ફે બનજોઈશ એ હું જ છું!”

હાર્ડિંગ અને તેના સાથીઓ આ અહેવાલ સાંભળીને ઊભા થયા. તેમના હ્દય લાગણીથી ભીંજાઈ ગયાં હતાં. કેવું દુઃખ, કેવી વેદના, અને કેવી નિરાશા તેમની સામે વ્યક્ત થયાં!

“આયર્ટન,” હાર્ડિંગે કહ્યું, “તમે મોટા ગુનેગાર હતા! પણ તમને તમારા ગુનાની સજા મળી ગઈ છે. તમને માફી આપવામાં આવે છે. આજથી તમે અમારા સાથી બનશો?”

આયર્ટન પાછો હઠ્યો.

“અહીં મારો હાથ છે.” હાર્ડિંગે કહ્યું.

આયર્ટને હાર્ડિંગે લંબાવેલો હાથ પકડી લીધો. અને તેની આંખમાંથી આંસુની ધારાઓ ચાલી.

“તમે અમારી સાથે રહેશો?” હાર્ડિંગે પૂછ્યું.

“કપ્તાન હાર્ડિંગ, હમણાં થોડો વખત મને એકલો રહેવા દો.” આયર્ટને જવાબ આપ્યો. “ હમણાં હું પશુશાળાના મકાનમાં એકલો રહીશ”

“જેવી તમારી મરજી, આયર્ટન.” હાર્ડિંગે જવાબ આપ્યો.

આયર્ટન જવાની તૈયારીમાં હતો. ત્યારે ઈજનેરે તેને સંબોધીને એક વધુ પ્રશ્ન પૂછ્યોઃ

“એક સવાલ પૂછું, દોસ્ત? જો તમારી મરજી એકલા રહેવાની હતી તો પછી તમે શીશામાં પેલો પત્ર નાખીને દરિયામાં શા માટે ફેંક્યો? એ પત્રથી પ્રેરાઈને અમે તમને લેવા આવ્યા હતા.”

“પત્ર?” આયર્ટને પૂછ્યું. તે હાર્ડિંગના બોલવાનો અર્થ સમજ્યો ન હતો.

“હા, પત્ર અમને શીશામાંથી મળ્યો હતો. તેમાં ટેબોર ટાપુ ચોક્કસ ક્યે સ્થળે આવેલો છે એની માહિતી હતી.”

“મે એવો કોઈ પત્ર કદી પણ દરિયામાં નાખ્યો નથી!” આયર્ટને જવાબ આપ્યો.

“પત્ર તમે નથી લખ્યો?” ખલાસીએ પૂછ્યું.

“ના, ક્યારેય નથી લખ્યો.”

પછી આયર્ટન નમન કરીને ચાલ્યો ગયો.

***

Share

NEW REALESED