Manna Dey - Biography in Gujarati Biography by Kandarp Patel books and stories PDF | મન્ના ડે - બાયોગ્રાફી

મન્ના ડે - બાયોગ્રાફી

મન્ના ડે : મનના અવાજને દિલ સુધી લઈ જનાર ગાયક

જન્મ અને બાળપણ:

મન્નાડેનો જન્મ કોલકાત્તામાં ૧ મે, ૧૯૧૯માં મહામાયા અને પૂરનચંદ્ર ડેને ત્યાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ઈન્દુ બાબુર પાઠશાલાથી પૂર્ણ કર્યા બાદ ર્સ્કોરિશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજ કાળ દરમ્યાન કુશ્તી અને મુક્કાબાજી જેવી સ્પર્ધામાં ખૂબ ભાગ લીધો હતો. તેમના પિતા તેઓને વકીલ બનાવવા માંગતા હતા. કુશ્તીની સાથે ફૂટબોલનો પણ જબરો શોખ હતો. સંગીત ક્ષેત્રમાં આવતા પહેલાં આ વાતને લઈને લાંબા સમય સુધી દુવિધામાં રહ્યા કે તે વકીલ બને કે ગાયક. આખરે પોતાના કાકા કૃષ્ણચંદ્ર ડેથી પ્રભાવિત થઈને તેમણે નક્કી કર્યુ કે તે ગાયક જ બનશે. મન્નાડેના સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના કાકા પાસેથી મેળવ્યું. તેઓ ૪૦ના દાયકામાં પોતાના કાકાની સાથે સંગીતના ક્ષેત્રમાં પોતાના સપના સાકાર કરવા માટે મુંબઈ આવી ગયા અને પછી અહીંના બનીને રહી ગયા. મન્નાડે લોકો પ્રેમથી મન્નાદાના નામથી પણ ઓળખતા હતા. ફિલ્મજગતના એક સુપ્રસિદ્ધ ભારતીય પાર્શ્વ ગાયક હતા. તેમનું સાચું નામ પ્રબોધ ચંદ્રડે હતું.

અવાજનો જાદુ:

મન્ના ડે આ નામ સાંભળતા જ મનમાં એક તરફ ગીત યાદ આવે છેલાગા ચુનરી મેં દાગ’, ‘ભયભંજના વંદના’, જયારે બીજી બાજુએક ચતુર નાર' કે જેપડોશનફિલ્મનું હતું એ પણ યાદ આવે છે. આ જે અવાજની રેન્જ હતી તે તેમણે તેમના વારસામાં મળેલી હતી. એમની ચારો તરફ સંગીત જ સંગીત હતું.

કોલેજમાં આવ્યા બાદ તેમના ગીતોની ધૂમ મચી ગઈ. તેઓ ક્લાસમાં ટેબલના ડેસ્ક ઉપર તબલા વગાડીને ગાતા હતાં. પ્રિન્સીપાલ જ્યારે આ ગીતો સાંભળતાં ત્યારે તેઓ મન્ના ડે ને કહેતા કે તું આટલું સરસ સંગીત જાણે છે તો કોલેજ તરફથી જે સંગીતની કોમ્પિટિશન હોય છે એમાં ભાગ કેમ નથી લેતો? ત્યારે તેમણે કહ્યું કે હું ગાઈ લઉં છું પણ મારા ચાચા (કૃષ્ણચંદ્ર ડે)ને આ વાત પસંદ નથી. તેમના પ્રિન્સીપાલ તેમના ચાચા પાસે ગયા અને કહ્યું કે તમારો ભત્રીજો આટલું સરસ ગાય છે તો તેને કોમ્પિટિશનમાં ભાગ લેવા દો અને ગાવાનો મોકો આપો. તેમાં ૧૦ પ્રકારની કેટેગરી હતી અને મન્ના ડે ને આ બધી જ કેટેગરીમાં પહેલો નંબર મળ્યો. મન્ના ડે જેટલું સંગીત જાણતા હતાં એટલો જ રસ તેમને બોક્સિંગમાં પણ હતો. તેઓ આ માટે બોક્સિંગની તાલીમ પણ લઈ રહ્યા હતાં. અહિયાથી બોક્સિંગ તો પાછળ રહી ગયું પણ સંગીત આગળ વધ્યું. તેઓ સંગીતની તાલીમ કે.સી.ડે સર સિવાય ઉસ્તાદ સબીર ખાન પાસેથી પણ લઇ રહ્યા હતાં.

મુંબઈ અને એસ.ડી.બર્મન સાથે મુલાકાત

મન્ના ડે એમના ચાચા સાથે જ મુંબઈ આવ્યા અને મુંબઈમાં એમની મુલાકાત એસ.ડી.બર્મન સર સાથે થઈ. એસ.ડી.બર્મન સાથે તેઓ આસિસ્ટન્ટ તરીકે રહી ગયા. થોડો સમય સાથે કામ કર્યા પછી તેઓ અલગ થઈ ગયા. એ પછી તેમને ૧૯૪૨માં આવેલી ફિલ્મતમન્ના' માં સુરૈયા સાથે ડ્યુએટ મળ્યું. ૧૯૫૦માં આવેલી ફિલ્મમશાલ' માં તેમનું એક ગીત હતું એ ખૂબ જ હિટ થયું, જેના શબ્દો હતાંઉપર ગગન વિશાલ, નીચે ગહરા પાતાલ.

ત્યારે પહેલી વાર લોકોએ મહેસૂસ કર્યું કે મન્ના ડે કરીને એક સિંગર આવ્યો છે જેનો પોતાનો એક અંદાજ છે. ૧૯૫૧માં આવેલી ફિલ્મઆવારા' ખૂબ સરસ ફિલ્મ રહી હતી તેમાં શંકર જયકિશનના સંગીત સાથે અને શૈલેન્દ્રનું લખેલું જેમાં શૈલેન્દ્રએ ત્યારના યુવાનોનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો જે મન્ના ડે ના ગાયનમાં પણ છે અને રાજ કપૂરના પરફોર્મન્સમાં પણ છે. મન્ના ડે જયારે ગાય છે ત્યારે એવું લાગે છે કે સચ્ચાઈ ગવાઈ રહી છે, એ ફિલ્મી નથી લાગતું. એવું લાગે છે કે જાણે કોઈ હકીકતમાં દિલથી કહી રહ્યું છે. એમના અવાજમાં એક અજીબ પ્રકારની ઈમાનદારી છે. મન્ના ડે એ પોતાના જીવનમાં ૩૫૦૦ ગીતો ગયેલા છે અને ૧૦૦થી વધારે મ્યુઝીક ડાયરેક્ટરો સાથે કામ કરેલું છે. તેમણે તેમના ગીતો ૧૦થી વધારે ભાષાઓમાં ગયેલા છે. એમણે ૧૨૦૦ ગીતો બંગાળીમાં, ૮૫ ગીતો ગુજરાતીમાં, ૫૫ ગીતો મરાઠીમાં, ૩૫ ગીતો ભોજપુરીમાં ગાયા હતાં. આશા ભોંસલે સાથે મન્ના ડેના ૧૬૦ ડ્યુએટ ગીતો છે. મહમદ રફીસાહેબ સાથે તેમના ૧૦૧ ગીતો છે. તેમણે કોમેડી ગીતો પણ ગયા છે જેવા કેએક ચતુર નાર બડી હોશિયાર’.

સદાય પડછાયામાં જ રહેવા વાળા મન્ના ડે

ફિલ્મી વર્તુળોમાં આ ચર્ચા હંમેશાથી જ રહી છે કે મન્ના ડે ને પ્રથમ હરોળના ગાયક હોવાનું સમ્માન ક્યારેય પ્રાપ્ત ન થયું. જે સમયમાં મન્ના ડે ની ગાયકી ટોચ પર હતી તે સમય ખુબ જ અજીબ હતો. દરેક પ્રમુખ સંગીતકારનો કોઈ ને કોઈ પ્રિય ગાયક થયા જ કરતો. રફી, મુકેશ અને કિશોર જેવા સુપ્રસિદ્ધ ગાયકોના હોવાથી મન્ના ડે ના ભાગમાં એવા જ ગીતો આવ્યા કે જે કોઈ સાઈડ હીરો, કોમેડિયન, સાધુ, ભિખારી વગેરે પર ફિલ્માવામાં આવવાના હોય. પરંતુ આનાથી શું થાય છે? ફિલ્મ થોડા અઠવાડિયા માટેની મહેમાન હોય છે જયારે ગીત તો હંમેશા માટે જ રહે છે. આજે ઘણાં ગીત ફક્ત તેમની ગાયકી ને કારણે સાંભળવામાં આવે છે, અને એ વાત કોઈને ય યાદ નથી હોતી કે આ ગીત કોની પર ફિલ્માવવામાં આવ્યું હતું.એ મેરે વતન કે લોગોંજેવું પ્રખ્યાત ગીત પણ એક અજાણ્યા કલાકાર પર જ ફિલ્માવવામાં આવ્યું હતું તેમ છતાં આ ગીતની અપીલ ફક્ત મન્ના ડે ના કર્ણપ્રિય અવાજને કારણે જ છે. મોહમ્મદ રફી ખુદ પણ મન્ના ડે ના બહુ મોટા ચાહક હતા. તેઓ ઘણી વાર કહેતા કે, ‘દુનિયા મારા ગીતો સાંભળે છે, પરંતુ હું ફક્ત મન્ના ડે ને સાંભળું છું.

એ મેરે વતન કે લોગોંસાથે અન્ય એક કિસ્સો પણ સંકળાયેલો છે. આ ગીતને રેકોર્ડ કર્યા બાદ સાઉન્ડ રેકોર્ડીસ્ટે મન્ના ડે ને કહ્યું કે આજે તમારા અવાજમાં કોઈ દમ નથી લાગતો. શું થઇ ગયું છે! ત્યારબાદ પ્રોડ્યુસર બિમલ રોયને સમજાવવું પડ્યું કે પ્રસ્તુત ગીત અ રીતે જ ગાવાનું છે. કારણ કે આ ગીત એક નાનકડા રૂમમાં ફિલ્માવવાનું છે જ્યાં ફક્ત થોડા લોકો જ છે. તો આ રીતે આ ગીત નહીં પણ ગણગણાટ છે. ખરેખર તે ગણગણાટ જ સાબિત થયું જે આજ સુધી લોકોના હૃદયની નજીક છે.

પારંગત હોવું એ વરદાન છે કે અભિશાપ?

ભારતીય સંગીત ઇન્ડસ્ટ્રી એટલી બધી રૂઢીચુસ્ત છે કે આપણા સૌથી મોટા કલાકારને પણ તેના કારણે સહન કરવું પડ્યું છે. અને મન્ના ડે થી સારો દાખલો બીજો કયો હોઈ શકે! મન્ના ડે શાસ્ત્રીય સંગીતમાં ખુબ જ પારંગત હતા. અઘરામાં અઘરી બંદિશો પણ તેઓ હસતાં-રમતાં નિભાવી લેતા હતા.બરસાત કી એક રાતફિલ્મની પ્રસિદ્ધ કવ્વાલીએ ઇશ્ક ઇશ્ક હૈ' તેનું જ્વલંત ઉદાહરણ છે. તેના ઘણાં ભાગ એટલાં બધા કઠીન હતાં કે કોઈ સાધારણ ગાયક દ્વારા તેને નિભાવવા લગભગ અશક્ય હતા. મન્ના ડે એ તેમને એટલી બધી સહજતાથી નિભાવ્યા છે કે એવું લાગતું જ નથી કે તેમને કોઈ વધારાના પ્રયત્નો કરવાં પડ્યાં હોય. એમની આ જ સહજતા જ તેમનો નેગેટીવ પોઈન્ટ બની ગઈ. તેમને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવ્યા.

આપણા ત્યાં આ જ થતું આવ્યું છે. કોઈ ખાસ વસ્તુમાં પારંગત હોવાના પોતાના જ નુકસાન છે. લોકો તમારી પાસેથી એ રીતે જ કામ કઢાવવા માંગે છે, જેમાં તમે અત્યંત પારંગત હો. અને પછી બીજા પ્રકારના કામ માટે તમને અનફીટ કરાર આપી દેવામાં આવે છે. પહેલી વાત તો હજી પણ કંઈક ઠીક છે પરંતુ બીજી વાત તો એકદમ અન્યાય છે. મન્ના ડે ની કળા તેમને એક હદ સુધી પાડી દેવાની હથિયાર બની ગઈ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હળવા ગીતો માટે તેમનાં નામનો વિચાર સુદ્ધા પણ બંધ કરી દીધો. જયારે બીજી બાજુ તેમનું ગાયેલું ગીતએ ભાઈ જરા દેખ કે ચલોએકદમ સુપરહિટ રહ્યું હતું.

તેમને મળેલી ઉતરતા દર્જાની ટ્રીટમેન્ટનું અન્ય એક ઉદાહરણપડોસનફિલ્મનું ગીતએક ચતુર નારપણ છે. આમાં મન્ના ડેએ તે ભાગ ગાયો જે મહમૂદ પર ફિલ્માવવાનો હતો. જેમની કિશોર કુમારની અવાજમાં ગઈ રહેલા સુનીલ દત્ત સાથે જુગલબંદી થાય છે અને અંતમાં તેઓ હારી જાય છે. તે મહમૂદની નહીં પણ મન્ના ડે ની હાર હતી. મન્ના ડે ને ખુદને પણ એવું લાગતું હતું. તે હાર મન્ના ડે જેવા કલાકારને ક્યારેક કિશોર પાસેથી, ક્યારેક રફી પાસેથી તો ક્યારેક મુકેશ પાસેથી મળતી હારનું પ્રતિક હતી.

જો કે સમય દરેક કાબિલ કલાકારને તેમનું સ્થાન જરૂર પ્રાપ્ત કરાવે છે. મન્ના ડે પોતાની સક્રિયતાના સમયમાં ભલે ગમે તેમ ટકી ગયા હોય પણ ત્યારબાદ તેમના કામને ખુબ જ પ્રશંશા મળી. ભારત સરકારે તેમને બબ્બે પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કર્યા. વર્ષ ૧૯૭૧ માં પદ્મશ્રી અને વર્ષ ૨૦૦૫ માં પદ્મભૂષણ. વર્ષ ૨૦૦૭ માં તેમને દાદાસાહેબ ફાલકે એવોર્ડ પણ મળ્યો કે જે હિન્દી સિનેમાનું સર્વોચ્ચ સમ્માન છે. હિન્દી અને બંગાળી સિવાય તેમણે લગભગ દરેક પ્રમુખ ભારતીય ભાષામાં ગીત ગયા છે.

મન્ના ડેની સાદગી

આલોક અને અરુંધતી બિસ્વાસ મન્ના ડે ના ઘણાં બધા કોન્સર્ટ ના આયોજક રહ્યા છે. તેઓ કહે છે કે મન્ના ડે એક નારિયેળ જેવા હતા. બહારથી એકદમ સખત પણ અંદરથી એકદમ નરમ. એમની સાદગી ના ઉદાહરણો આપતા તેઓ જણાવે છે કે મન્ના ડે અને તેમના પત્ની એક કામવાળીની શોધમાં હતા. તેઓએ અમને પણ કહ્યું કે અગર અમે કોઈ મદદ કરી શકીએ. મેં તેમને જણાવ્યું કે કામવાળી તેમને ૨૫૦૦-૩૦૦૦ માં પડશે. સાંભળીને તેઓ બોલી ઉઠ્યા કે તું પાગલ થઇ ગયો છે કે શું? આટલા બધા રૂપિયા મને કઈ રીતે પરવડી શકે?

આટલા મોટા ગજાના ગાયક હોવા છતાં પણ તેઓ ક્યારેય પોતાના કોન્સર્ટમાં પણ ઓટોરીક્ષામાં જવામાં નાનપ અનુભવતા ન હતા. આયોજક હોવાને કારણે અમે હંમેશા તેમની માટે કાર મોકલતા પણ તેઓ કહેતા કે તમારે મારી માટે કાર મોકલવાની જરૂર નથી. અહીંયા રીક્ષાઓ છે જ.

મન્ના ડે એવા વ્યક્તિ હતા કે જેઓ અન્ય શહેરોમાં થતા પોતાના કોન્સર્ટ માટે સામાન્ય વર્ગમાં મુસાફરી કરતા એને આ વાતની તેમને જરા પણ નાનપ નહોતી. તેઓ કહેતા કે લોકો તમારા પ્રત્યેના પ્રેમને કારણે તમારા સંગીત કાર્યક્રમ આયોજિત કરે છે. તેથી તમારે તેમને વધુ મુશ્કેલી ન આપવી જોઈએ.

મન્ના ડે હંમેશા કહ્યા કરતાં કે, ‘જે દિવસે હું મારા સંગીતનો અભ્યાસ કરવાનું છોડી દઈશ, તે મારા મૃત્યુનો દિવસ હશે.તેઓ દરરોજ સંગીતનો અભ્યાસ કરતાં. ૯૨ વર્ષની જૈફ વયે પણ તેઓ પોતાનો આ નિત્યક્રમ ક્યારે ચુકતા નહીં. એક મજાની વાત એ છે કે આસપાસના લોકો વહેલી સવારમાં ખાસ તેમના ઘર પાસેથી જ ચાલવા જતા કારણ કે તેમને જાણકારી હતી તેમને મન્ના ડે નો સુરીલો સ્વર અચૂક સાંભળવા મળશે.

મન્ના ડે પાસે ખુબ જ તીક્ષ્ણ યાદશક્તિ હતી. તેમને ઘણાં વર્ષો પહેલાની ઘટનાઓ પણ એકદમ બરોબર યાદ રહેતી. ઘણાં લોકો એવું માને છે કે મન્ના ડે અને મોહમ્મદ રફી વચ્ચે દુશ્મનાવટ હતી, પરંતુ આ સત્યથી એકદમ વિપરીત છે. મન્ના ડે રફીના મોટા પ્રશંસક હતા. મોટા ભાગના લોકોને આ વાતની જાણકારી નથી કે તેઓ બંને સાથે પતંગ ઉડાડતા હતા.

પોતાને એટલા બધા ગીત ગાવા માટે ન આપ્યા તેમ છતાં, તેઓ એસ.ડી.બર્મન સાથે પણ ખુબ નજીકના સંબંધો ધરાવતા હતા. તેમને તેમનાં બંગાળી સમકાલીન ગાયકો, ખાસ કરીને હેમંત કુમાર માટે ખુબ જ આદર હતો. મન્ના ડે ખુબ જ ખુબ જ સરળ વ્યક્તિ હતાં. સલાહ રૂપે તેઓ એક જ વાત કહેતા કે રીયાઝ નો કોઈ જ અન્ય વિકલ્પ નથી.

મન્નાડેનો કિશોરકુમાર પ્રત્યે બળાપો

જો કે પચાસના દાયકામાં કિશોરકુમાર માટે મહમ્મદ રફી અને મન્નાડે સહિતના ઘણા ગાયકો અવાજ આપતા હતા. એ અગાઉ છેક ૧૯૪૮માં દિગ્ગજ સંગીતકાર ખેમચંદ પ્રકાશે કિશોરકુમારનેજિદ્દીફિલ્મમાં ગાવાની પ્રથમ તક આપી હતી. પણ મોટાભાઈ અશોકકુમારની જેમ સંગીતકારો કિશોરકુમાર માટે જાણીતા ગાયકોનો અવાજ લેવાનું પસંદ કરતા. મન્નાડે જેવા તાલીમબદ્ધ ગાયક કિશોરકુમારને અવાજ આપતા હતા, પણ પછી એક તબક્કે કિશોરકુમારનું નામ એટલું મોટું થઈ ગયું કે મન્નાડેએ બળાપો ઠાલવ્યો હતો કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેલન્ટ જેવું કંઈ નથી ચાલતું, માત્ર નસીબ જ ચાલે છે નહીંતર કિશોરકુમાર જેવા, સંગીતનોપણ ન જાણતા માણસને ગાયક તરીકે આટલી સફળતા ના મળી જાય! અને એ મન્નાડેજી સામેપડોસનફિલ્મનાએક ચતુર નાર...ગીત ગાઈને કિશોરકુમારે મન્નાડે સહિત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભલભલા મહારથીઓને ચક્કર ખવડાવી દીધા હતા.)

કિશોરકુમારે હીરો તરીકે પોતાના નામનો સિક્કો જમાવી દીધો એ પછી તેમને પડદા પર બીજા ગાયકોનો અવાજ આપવાની હિંમત પણ સંગીતકારો કે દિગ્દર્શકો કરી શકતા નહોતા. છ દાયકા અગાઉ દિલીપકુમાર ટોચના અભિનેતા ગણાતા હતા ત્યારે તેમને જેટલી ફિલ્મો મળતી હતી એટલી જ ફિલ્મો કિશોરકુમારને મળવા માંડી. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકો કિશોરકુમારને સાઈન કરવા માટે તેના વિચિત્ર નખરાં સહન કરવા માંડ્યા અને એક તબક્કે કિશોરકુમાર પાસે હીરો તરીકે ૨૨ ફિલ્મો હાથ પર હતી. ૧૯૬૧માં કિશોરકુમાર ૨૪ કલાકમાંથી ઘણી વાર ૨૨ કલાક એક યા બીજી ફિલ્મ માટે શૂટિંગ કરતા હતા એ સમય દરમિયાન કોઈની હિંમત નહોતી કે તેમના માટે બીજા ગાયકનો અવાજ લેવાની વાત પણ ઉચ્ચારે, પણ ૧૯૬૧માં કિશોરકુમારની હીરો તરીકેનીકરોડપતિફિલ્મ આવી એ ફિલ્મમાં કિશોરકુમાર માટે મહમ્મદ રફી અને મન્નાડેએ ગીતો ગાયાં હતાં. શું કામ? કિશોરકુમારે એ ફિલ્મના નિર્માતા અને સંગીતકાર તથા દિગ્દર્શકને કહ્યું કે, આ ફિલ્મમાં મારાં ગીતો ગાવાનો મારી પાસે સમય નથી. તમે મારા ગીતો મહમ્મદ રફી અને મન્નાડે પાસે ગવડાવી લો! આથી મન્ના ડે જેવા સીધા અને સરળ ગાયકો પરદાની પાછળ જ રહ્યા.

જ્યારે રફીએ કહ્યું, ‘દુનિયા મારાં ગીતો સાંભળવા માંગે છે પણ હું તો માત્ર મન્ના ડેને સાંભળવા માંગુ છું.

આ તેમનો સૌથી મોટો એવોર્ડ હતો.

***

અંતે, મન્ના ડે પોતાના અંતિમ દિવસોમાં બેંગ્લોર પોતાની દીકરીને ત્યાં રહેવા આવી ગયા. તેમના પત્ની સુલોચનાનું વર્ષ ૨૦૧૨માં નિધન થયું. ત્યારબાદ તેઓ કહેતા કે તેમની પણ હવે વધુ જીવવાની ઈચ્છા નથી. બસ, તરત જ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩માં તેમણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું.

***

Rate & Review

Lata Suthar

Lata Suthar 3 years ago

Amish brahmbhatt

Amish brahmbhatt 3 years ago

artijoshi

artijoshi 3 years ago

Balkrishna patel

Balkrishna patel 3 years ago

Darkstar 007

Darkstar 007 3 years ago