Mukesh - Biography in Gujarati Biography by Kandarp Patel books and stories PDF | મુકેશ - બાયોગ્રાફી

મુકેશ - બાયોગ્રાફી

મુકેશ : બસ, માત્ર મુકેશ !

જન્મ:

મુકેશ ચંદ માથુરનો જન્મ ૨૨ જુલાઈ, ૧૯૨૩ના દિવસે લુધિયાણામાં જોરાવર ચંદ માથુર અને ચંદ્રાણીના ઘરે થયો હતો. મહાન ગાયક મુકેશે વધુ અભ્યાસ નહોતો કર્યો અને માત્ર 10 ધોરણ સુધી ભણીને અભ્યાસ છોડી દીધો હતો. ત્યાર બાદ થોડો સમય તેમણે 'પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ'માં કામ કર્યું હતું. આ સમય એ હતો જયારે તેઓ તેમની ગાયકીને વધુ પ્રભાવશાળી બનાવી રહ્યાં હતા. બહુ જૂજ લોકોને એ જાણકારી હશે કે મુકેશ ગાયક તરીકે તો પ્રસિદ્ધ હતા જ તેમણે એક્ટર તરીકે પણ હાથ અજમાવ્યો હતો. 1941માં તેમની ફિલ્મ 'નિર્દોષ' રિલીઝ થઇ હતી.

મુકેશના અવાજમાં જબરદસ્ત ગાયક છુપાયેલો પડ્યો છે તેની સૌ પ્રથમ જાણકારી તેમના એક સંબંધી મોતીલાલને થઇ, જયારે તેમણે તેની બહેનના લગ્નમાં મુકેશને ગાતા સાંભળ્યા મોતીલાલ તેને મુંબઈ લઇ આવ્યા, જ્યાં મુકેશે પંડિત જગન્નાથ પ્રસાદ પાસે સંગીતનું શિક્ષણ લીધું. તેમની મોટી બહેન સંગીતની શિક્ષા લેતી હતી અને તેઓ સંગીતથી આકર્ષિત થઈને તેમને સાંભળતા હતાં.

પ્રારંભિક શરૂઆત:

મોતીલાલના ઘરે મુકેશે સંગીતની પારંપારિક શિક્ષા લેવાનું શરુ કર્યું.

મુંબઈ આવ્યા પછી તેમને ૧૯૪૧માંનિર્દોષફિલ્મમાં એક્ટર સિંગરનો રોલ મળ્યો. ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતનો સમય મુશ્કેલીઓ ભર્યો રહ્યો. પરંતુ કે.એલ.સહગલને તેમનો અવાજ બહુ જ પસંદ આવ્યો. એમના અવાજને સાંભળીને કે.એલ.સહગલ પણ દુવિધામાં પડી ગયા. ૪૦ના દાયકામાં મુકેશની પાર્શ્વ ગાયનની શૈલી હતી. નૌશાદ સાથે તેની જોડી એક પછી એક સુપર ગીત ગીતો આપી રહી હતી. આ દરમિયાન મુકેશના અવાજમાં સૌથી વધારે ગીત દિલીપ કુમાર માટે ગવાયા હતાં. ૫૦ના દસકામાં તેઓને એક નવી પહેચાન મળી, જયારે તેઓને રાજ કપૂરનો અવાજ કહેવામાં આવવા લાગ્યા. કેટલાંય સાક્ષાત્કારમાં ખુદ રાજ કપૂરે પોતાના દોસ્ત મુકેશ વિષે કીધું કે હું તો ખાલી શરીર છું મારો આત્મા તો મુકેશ છે. પાર્શ્વ ગાયક મુકેશને એમની મંજિલ મળ્યા [પછી કંઈક નવું કરવાની ચાહત જાગી અને આ માટે તેઓ નિર્માતા(પ્રોડ્યુસર) બની ગયા. વર્ષ ૧૯૫૧માં ફિલ્મમલ્હાર' અને ૧૯૫૬માંઅનુરાગ' નિર્મિત કરી. અભિનયનો શોખ હોવાના લીધેમાશૂકાઅનેઅનુરાગમાં હીરો બન્યા. પરંતુ બોક્સ ઓફીસ પર આ બન્ને ફિલ્મો ફ્લોપ રહી. આ સમયે મુકેશ આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા હતાં. અભિનેતા-નિર્માતા મુકેશને સફળતા મળી નહિ. ભૂલોથી સબક શીખીને તેઓ ફરીથી સૂરોની મહેફિલમાં પાછા ફર્યા. ૫૦ના દસકામાં છેલ્લા વર્ષોમાં મુકેશ ફરીથી પાર્શ્વ ગાયનના શિખર ઉપર પહોચી ગયા. યહૂદી, મધુમતી, અનાડી જેવી ફિલ્મોએ તેમની ગાયકીને એક નવી પહેચાન આપી અનેજિસ દેશ મેં ગંગા બહેતી હૈના ગીત માટે તેઓ ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત થયા.

૬૦ના દસકની શરૂઆતમાં મુકેશે કલ્યાણજી-આનંદજીના ડમ-ડમ-ડિગા-ડિગા, નૌશાદ ના મેરા પ્યાર ભી તૂ હૈ, એસ.ડી.બર્મન ના નગ્માઓથી અને પછી રાજ કપૂરની ફિલ્મ સંગમમાં શંકર-જયકિશન દ્વારા સંગીતબદ્ધ કરેલું ગીત, જેના લીધે ફરીથી ફિલ્મફેર માટે નામાંકિત થયા.

મુકેશ: દર્દ-એ-દિલ લોકોનો સાથી

મુકેશના ભાગે ભાગ્યે જ મસ્તીભર્યા ગીતો ગાવાનું આવ્યું હતું. પરંતુ તેમના ગીતોના મિજાજથી અલગ નિર્દોષ મજાક કરવાનું તેઓ ભાગ્યે જ ચૂક્યા હશે. પોતાની પણ મજાક કરી શકે તેટલા નિખાલસ અને ખેલદિલ માણસ હતા. કહેવાય છે કે તેઓ જ્યારે સ્ટેજશો માટે જતા ત્યારે લતા મંગેશકરનો ઉલ્લેખ કરતા. આમ તો મુકેશ ઉમર અને કારકિર્દી બન્ને રીતે લતાજીના સિનિયર પણ તેઓ તેમના માટે લતાદીદી જેવું માનભર્યુ સંબોધન કરતા. સ્ટેજ શો દરમિયાન શ્રોતાઓને ઉદ્દેશીને કહેતા કે, લતાદીદી મારા કારણે જ ઉત્તમ ગાયિકા તરીકે જાણીતા છે. જ્યારે પણ તેમની સાથે મારું યુગલગીત હોય તેમાં હું પુષ્કળ ભૂલો કરું છું તેને કારણે લોકોને લતાદીદી ગાયિકા તરીકે ખૂબ ગમી જાય છે. આમ આ પ્રકારે મજાક કરીને તેઓ જાતે જ તેમની ટીકાઓને આડકતરી રીતે સ્વીકારી લેતા. કેટલાક સંગીતમાં પ્રવિણ લોકો તેમને સીમિત પ્રતિભા ધરાવતા ગાયક ગણાવતા. સંગીત વિશારદોને કોઈકાળે ફરિયાદ રહી હશે પરંતુ દર્શકો મુકેશના ગીતો મજાથી સાંભળતા અને માણતા.

હિન્દી ફિલ્મસંગીતના ૧૯૫૦થી લઈને પછીના ત્રણ દશકમાં સૌથી લોકપ્રિય પુરુષ ગાયકોના નામ લેવામાં આવે તો તેમાં મોહમ્મદ રફી, મન્ના ડે, કિશોરકુમાર અને મુકેશના નામ આવે. આપણે જે સમયની વાત કરી તે દરમિયાન અન્ય ગાયકોએ કર્ણપ્રિય ગીતો નહોતા ગાયા તેમ નહોતું પરંતુ આ ચાર ગાયકોના નામ સાથે લેવાય છે. કારણ કે તેઓ લોકપ્રિયતામાં એકબીજાની આસપાસ રહે છે. આ ચારેયની ગાયન શૈલી એકબીજાથી એટલી અલગ હતી કે સંગીતના જાણકારો તેમને ચાર અલગ ખાનામાં વર્ગીકૃત કરતા.

દાખલા તરીકે રફીને વૈવિધ્યપૂર્ણ ગાયક ગણવામાં આવતા તો કિશોરકુમારને વિદ્રોહી ગાયક ગણવામાં આવતા. અન્ય ત્રણની સરખામણીએ મન્ના ડે પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ અને સમજ વધુ હતી એટલે સંગીતક્ષેત્રના જાણકારો તેમને સંપૂર્ણ ગાયક ગણાવતા. જ્યારે મુકેશ અંગે જાણકારોનો સર્વસામાન્ય અભિપ્રાય એ રહેતો કે તેઓ બહુસાદુગાય છે. અહીંસાદુગાવાનો અર્થ કંટાળાજનક નહીં પરંતુ સરળ ગાયિકી થાય છે. સંગીત વિશારદો લાંબા સમય સુધી મુકેશનેસીમિત પ્રતિભાગણાવતા રહ્યા. જ્યારે જીવનની ઉદાસી અને દર્દ ફિલ્મીગીતોમાં મુકેશના સ્વરના માધ્યમથી વ્યક્ત થતા રહ્યા હતા.

જો દર્દસભર ગીતોની વાત આવે તો તે જમાનામાં મોહમ્મદ રફી, તલત મહમૂદ અને કિશોરકુમારે પણ ઓછા નહોતા ગાયા. તો પછી મુકેશના સ્વરમાં ગવાયેલા ગીતોમાં એવી તે શી ખાસિયત હતી કે તે ગીતો લોકપ્રિય થતા ગયા અને તેમને જ દર્દનો સ્વર માની લેવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ મુકેશના ગીતો સાંભળીને જ મળી શકે તેમ છે. તેમના ગીતો સાંભળતા દર્દનું ઉંડાણ અનુભવી શકાય છે. મુકેશની ખાસિયત એ છે કે જ્યારે આપણેઝિંદગી હમે તેરા ઐતબાર ના રહાસાંભળીએ ત્યારે ધીરે-ધીરે હતાશા તરફ સરકતા જતા હોઈએ તેમ લાગે છે. તો વળી બીજા એક ગીતર્ગિદશ મે તારે રહેંગે સદામાં ઘણૂબધુ ખતમ થઈ ગયા પછી પણ કેટલુંક બચી ગયાનું આશ્વાસન આપતા હોય તેમ લાગે છે. હતાશા અને આશ્વાસનનો સૂર મુકેશના કેટલાય ગીતોમાં જોવા મળે છે. આ બન્ને ભાવ પીડામાંથી આવે છે. એ પીડા જે મનુષ્ય જીવનની અનિવાર્ય બાબત છે. એટલે જ શ્રોતાઓને મુકેશના ગીત પોતાની નજીક લાગતા. ઈ.સ.૧૯૬૦-૭૦ ના તબક્કામાં ફિલ્મઈન્ડસ્ટ્રીમાં એ તો સાબિત થઈ ગયું હતું કે, દર્દીલા ગીતો માટે મુકેશ બહેતરીન અવાજ છે પરંતુ છતાં હકીકત એ પણ હતી કે મ્યુઝિક અને ફિલ્મ ડિરેક્ટર તેમના અવાજ સાથે પ્રયોગ કરવામાં પાછા પડતા હતા. આ જ પ્રકારની એક ઘટના ફિલ્મમેરા નામ જોકરના મેકિંગ સમયે ઘટી હતી. આમ તો મુકેશ, રાજ કપૂરનો અવાજ ગણાતા હતા. પરંતુ જ્યારેમેરા નામ જોકરના ગીતજાને કહાં ગયે વો દિનમાટે ગાયકની પસંદગી કરવાનો વખત આવ્યો ત્યારે રાજ કપૂર અસમંજસમાં મુકાઈ ગયા. તેમને ભરોસો નહોતો કે મુકેશ આ ગીતને ન્યાય આપી શકશે. રાજ કપૂરનું કહેવુ હતું કે, દર્દમાં ડૂબેલા વ્યક્તિના ગીતની પીડા અલગ હોય છે (જે પ્રકારના ગીતો ગાવામાં મુકેશ માહિર હતા) અને રૂઝાઈ ગયેલા ઘાને યાદ કરવાની પીડા કંઈક જુદી હોય છે. આ ગીત એ બીજા પ્રકારની પીડાને વ્યક્ત કરે છે. જો કે પછી અંતે રાજ કપૂર સહમત થયા અને ગીત મુકેશ પાસે જ ગવડાવ્યું. જેમણે સાંભળ્યું છે તેઓ જાણે છે કે સાંભળતી વખતે આ ગીતમાં અન્ય કોઈ સ્વરની શક્યતાનો વિચાર સુદ્ધાં નથી આવતો એટલી બહેતરીન ઢબે મુકેશે ગાયુ છે. સંગીતના જાણકારોનું માનવું છે કે મુકેશના સ્વરમાં મોહમ્મદ રફીના સ્વર જેવો વિસ્તાર નહોતો. મન્ના ડે જેવા શ્રેષ્ઠ સૂર નહોતા કે નહોતી કિશોરકુમારના સ્વર જેવી મસ્તી! પણ છતાં તેમની પોતાની એક આગવી મૌલિકતા હતી એક સહજતા હતી. એક વખત આ અંગે સંગીતકાર કલ્યાણજીએ કહ્યું હતું કે, ‘જે કંઈ પણ સીધું હૃદયમાંથી નીકળે છે તે સામેવાળાના હૃદયને સ્પર્શે જ છે. મુકેશની ગાયનશૈલી પણ એવી જ હતી. તેમની ગાયનશૈલીની સાદાઈ અને સરળતાને કેટલાક સંગીતજ્ઞાોએ ખામી ગણાવી હતી. પરંતુ સંગીતપ્રેમીઓને મુકેશનો સ્વર હંમેશા અસરકારક લાગતો.

મુકેશ એટલે સાદગીથી ભરેલો અવાજ

મુકેશના ગાયનમાં રહેલી સાદાઈ તેમણે ઓઢેલી સાદાઈ નહોતી પરંતુ તેમના વ્યવહારમાં પણ એ સાદાઈનું પ્રતિબિંબ જોવા મળતું. ફિલ્મહમરાઝ‘ (૧૯૬૭)ના ગીતનીલે ગગન કે તલેને સ્વર આપવા બદલ મહેન્દ્ર કપૂરને ફિલ્મફેઅર એવોર્ડ મળ્યો ત્યારે કોઈ ગાયકે મહેન્દ્ર કપૂરને અભિનંદન પાઠવવાની તસ્દી લીધી નહોતી. જ્યારે મુકેશ અભિનંદન આપવા તેમના ઘરે પહોંચી ગયા હતા. ખાસ કરીને મહેન્દ્ર કપૂર ગાયક તરીકે મુકેશ કરતાં કેટલાય વર્ષો જુનિયર હતા છતાં મુકેશને કોઈ અહમ નહોતો. મુકેશની સહજતા સિનિયર-જુનિયરનો તફાવત જ નહોતી જાણતી. મુકેશ કરતાં લતા મંગેશકર વયમાં અને કારકિર્દીમાં જુનિયર હોવા છતાં મુકેશ હંમેશા તેમનેદીદીકહેતા.

મહેન્દ્ર કપૂર સાથે મુકેશનો પ્રસંગ:

વધુ એક પ્રસંગ એવો બન્યો જેમાં મુકેશની ઉદારતા અને સરળતા જોવા મળે છે. ગાયક મહેન્દ્ર કપૂરનો પુત્ર જે સ્કૂલમાં ભણતો હતો તે સ્કુલના પ્રિન્સિપલ કોઈ પ્રસંગે મુકેશ આવે તેમ ઈચ્છતા હતા. પ્રિન્સિપલે મહેન્દ્ર કપૂરને વિનંતી કરી કે તેઓ મુકેશને કાર્યક્રમમાં લઈ આવે. મહેન્દ્ર કપૂરે મુકેશને આ વાત કરી અને સાથે કહ્યું કે, કાર્યક્રમના તમે કેટલા નાણાં લો છો? મુકેશે આવવાની સહમતી દર્શાવતા કહ્યું કે, હું ત્રણ હજાર લઉં છું. નક્કી થયા પ્રમાણે મુકેશ કાર્યક્રમમાં ગયા ત્યાં ગીતો ગાયા. પરંતુ કાર્યક્રમ પતાવીને પૈસા લીધા વિના નીકળી ગયા. બીજે દિવસે મહેન્દ્ર કપૂરે ફી ની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, માની લો કે નીતિન (મુકેશનો પુત્ર)ની સ્કૂલમાં ફંક્શન હોય અને તમારે હાજર રહેવાનું થાય તો શું તમે તેના પૈસા લેવાના હતા?! આ સાંભળીને મહેન્દ્ર કપૂરે કહ્યું કે, ‘પણ તમે ત્રણ હજાર લો છો એમ કહ્યું હતું ને?!’ મુકેશ કહે કે, ‘હું ત્રણ હજાર લઉં છું એમ કહ્યું હતું ત્રણ હજાર લઈશ એમ નહોતું કહ્યું.

મુકેશની ગાયનશૈલીની નકલ કરનારાઓનો પણ તૂટો નહોતો. તેમાંથી કેટલાક ગાયક તરીકે ચાલ્યા પણ ખરા પરંતુ તેમની ગાયકીમાં એટલું ઉંડાણ નહોતું કે મુકેશ જેવી અસર પેદા કરી શકે. ગાયકના સ્વરનો જાદુ એ હોય છે કે ગીતો સાંભળતી વખતે શ્રોતા સાથે ગણગણતા પોતાની જાતને રોકી ન શકે. ફિલ્મકભી-કભીમાં મુકેશના સ્વરમાં ગીત છે જેમાં એક કડી છે, ‘વો ભી એક પલ કા કિસ્સા થે, મૈં ભી એક પલ કા કિસ્સા હૂં, કલ તુમસે જુદા હો જાઉંગા જો આજ તુમ્હારા હિસ્સા હૂં…‘ આ ગીત જાણે મુકેશ પોતાના સંદર્ભમાં ગાતા હોય તેમ લાગે છે. આ ગીત સાંભળતી વખતે ક્યારેક સવાલ તો થાય કે, હશે કોઈ જે મુકેશથી બહેતર ગાઈ શકે, હશે કોઈ જે આપણાથી બહેતર સાંભળી શકે. આજે પણ કલાકોનો સમય ખર્ચીને મુકેશને લોકો માત્ર સાંભળતા જ નથી પરંતુ યાદ પણ કરે છે. એટલે જ તો આ ગીતના બીજા સંસ્કરણમાં તેઓએ કહેવું પડે છે, ‘હર એક પલ મેરી હસ્તી હૈ, હર એક પલ મેરી જવાની હૈં.

મહાન ગાયક મુકેશના જીવનનો એક અનોખો કિસ્સો

એક વાર મુકેશ શિયાળામાં મોડી રાતે તેમની કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા. તેમનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. મુકેશ કોઈ વિચારોમાં ખોવાયેલા હતા. અચાનક ડ્રાઈવરે કારને બ્રેક મારી. મુકેશે તેને પૂછ્યું કે કાર કેમ ઊભી રાખી દીધી? ડ્રાઈવરે કહ્યું કે રસ્તા વચ્ચે કશુંક પડ્યું છે. મુકેશ નીચે ઊતર્યા. તેમણે કારની આગળ જઈને જોયું તો એક અર્ધનગ્ન ભિખારીની લાશ પડી હતી. કદાચ ઠંડીને કારણે તે ભિખારી મરી ગયો હતો. મુકેશનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે તે ભિખારીની અંતિમવિધિ કરાવી. એ દિવસ પછી મુકેશ ઠંડીની સિઝનમાં તેમની કારની ડેકીમાં થોડા ધાબળા રાખી મૂકતા અને રાતે તેઓ કોઈને ફૂટપાથ પર ખુલ્લા સૂતેલા જુએ તો ધાબળો ઓઢાડી આવતા. પછી તો તેઓ તેમની કારમાં સૂકો નાસ્તો પણ રાખવા માંડ્યાં, કોઈ ભિખારીને કે ગરીબ માણસ નજરે ચડે તો તેમને ખવડાવી શકાય એ હેતુથી.

મુકેશનું અંગત-અંગત

અંગત જીવનમાં મુકેશ તેમના પડદા પરના ગીતોથી વિરુદ્ધ એકદમ હસમુખ અને ખુશમિજાજ વ્યક્તિ હતા. જેમને પોતાના મિત્રો સાથે મહેફિલોમાં થોડા ડ્રીન્કસ અને ગીતોથી ભરપુર સાંજ વિતાવવામાં ખુબ જ આનંદ આવતો હતો. તેમના વિશેની એક વાત વારંવાર યાદ કરતી રહે છે કે મુકેશ ઘણીવાર એવું કહ્યા કરતાં કે, ‘શરાબ...દિન મેં કભી છુઓ મત ઔર રાત મેં કભી છોડો મત’. એક હાર્મોનિયમ સાથે મુકેશ ક્યારેક આખી આખી રાત ડ્રીન્કસ અને ગીતોની મહેફિલ જમાવતા. આમ છતાં પોતાના ડ્રીન્કસને માણતી વખતે તેઓ તેના બંધાણી તો નહોતા જ.

તેમની સફળતાનું એક રહસ્ય એ પણ કહી શકાય કે રાત્રે ભલે ગમે ત્યારે તેઓ આરામ કરવા જાય પરંતુ વહેલી સવારે પાંચ વાગ્યે તેઓ અચૂક ઉઠી જતા અને પછી અમુક કલાક રીયાઝ કરતાં. આ જ શિસ્ત, તેમના સરળ સ્વભાવને કારણને મ્યુઝીક કમ્પોઝર તેમની પાસે એવા ગીતો લઈને પહોંચ્યા કે જેમાં રહેલી ભાવનાઓને ફક્ત મુકેશ જ ન્યાય આપી શકે તેમ હતા.

કેરિયર ટ્રેક:

ભલે મુકેશે ૧૦૦૦ ગીતોથી પણ ઓછા ગીતો ગાયા છે પરંતુ તેમના ૯૦૦થી વધારે ગીતો લોકપ્રિય થયા છે. આમ સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો મોહમદ રફી (લગભગ ૫૫૦૦ ગીતો) અને કિશોરકુમાર (લગભગ ૨૮૦૦ ગીત)ની સામે મુકેશ બાજી મારી જાય.

જાણકારોનું કહેવું છે કે તેઓ નાકથી ગાતા અને તેમના અવાજની રેન્જ લીમીટેડ હતી. કયાંક તેમની ગાયકીમાં બેસૂરાપણું આવી જતું. એક વખત મુકેશ અને લતા કોઈ ડ્યુએટ ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. એક વયોલીસ્ટ સતત ખોટી ધૂન વગાડી રહ્યો હતો જેને કારણે તેમને ફરી ફરીને આ ગીત રેકોર્ડ કરવું પડી રહ્યું હતું. લતા કે જેઓ સામાન્ય રીતે ખુબ જ મૃદુભાષી અને શાંત સ્વભાવના છે તેઓ તથા ઉપસ્થિત સૌ કોઈ પરેશાન થઇ ચુક્યા હતા. મુકેશ થોભ્યા, આસપાસ જોયું અને બોલ્યા, ‘કોણ મારી નકલ ઉતારી રહ્યું છે?’ અને આ સાથે જ રૂમનું વાતાવરણ હળવું થઇ ગયું.

મુકેશ અને કેવેન્ડર્સ સિગારેટ

ફિલ્મમધુમતીમાં દિલીપકુમારની ઈચ્છા હતી કેસુહાના સફર ઔર યે મૌસમ હસી હમે ડર કે હમ ખો ન જાયે કહીગીત માટે સંગીતકાર સલિલ ચૌધરી તલત મહેમૂદને પ્લેબેક સીંગર તરીકે લે. પરંતુ સલીલ ચૌધરી એ વાત પર અડગ હતા કે ના, આ ગીત મુકેશ જ ગાશે.દિલીપકુમારનો આગ્રહ તલત મહેમૂદ માટે જ હતો પણ સલીલ દા નમતું જોખવા તૈયાર નહોતા. સમાધાન પ્રયાસરૂપે દિલીપકુમારે મોહમ્મદ રફીનું નામ આગળ મૂકયું. કારણ કે આ જ ફીલ્મના એગ ગીતતૂટે હુએ ખ્યવાબોને હમકો યે શિખાયા હૈના પ્લેબેક સીંગર હતા મોહમ્મદ રફી. સલિલ ચૌધરીએ એક જ વાત કરી. આ ગીત મુકેશ સિવાય બીજું કોઈ નહીં ગાય અને છેવટે એમ જ થયું અને આપણને એક અમર મધુરુ ગીત મળ્યું.આવી જ એક ઘટનામાં દિલીપકુમારે ફીલ્મ યહુદી માટે મુકેશ ને બદલે તલત મહેમૂદનો આગ્રહ રાખ્યો હતો.યે મેરા દિવાનાપન હૈ, યા મહોબ્બત કા સુરૂરઆ ગીત માટે શંકર જયકીશનની પસંદગી મુકેશ હતા. છેવટે એમ કહેવાય છે કે સિકકો ઉછાળીને નકકી કરવામાં આવ્યું કે ગીત કોણ ગાશે? આ પ્રસંગે સિકકો મુકેશની તરફેણમાં પડતા તેમણે ગીત ગાયુ. આટલા પુરતા તેમને આપણે નસીબદાર કહી શકીએ. કારણ કે તે દિવસો એવા હતા જયારે મુકેશજીની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ હતી.ફિલ્મના નિર્માતા (અને હીરો) બનવાની ઘેલછામાંબાવાના બેઉ બગડયાજેવી પરિસ્થિતિ ઉભી થઈ. એ સાથે પ્લેબેક સીંગર તરીકે પણ કામ ઓછું મળવાને કારણે એક તબકકે કેવેન્ડર્સ સિગારેટની જાહેરાતમાં તેમણે મજબૂરીથી ગાવુ પડયું હતું.આવી તો અનેક યાદો છે.

મુકેશનું ગુજરાત કનેક્શન:

મુકેશને ભાગ્યે જ કોઈ સંગતીપ્રેમી હશે કે જે નહીં ઓળખતો હોયજોકે ઘણા ઓછાને જાણ હશે કે મુકેશ વડોદરાના જમાઈ હતા અને મૂળ મહેતા પોળ નજીક રહેતા સરલાબેન ત્રિવેદી રાયચંદ ઉર્ફે બચીબેનના પ્રેમમાં પડ્યા હતા અને ભાગીને તેમની સાથે લગ્ન કર્યાં હતા. મુકેશે ગુજરાતી બ્રાહ્મણની યુવતી સરલા ત્રિવેદી રાયચંદ ઉર્ફે બચીબેન સાથે લગ્ન કર્યા હતા. 1946માં કાંદીવાલીમાં આવેલા એક મંદિરમાં મુકેશ અને સરલાએ લગ્ન કર્યા હતા. સરલા એક ગુજરાતી બ્રાહ્મણ મિલિયોનરની પુત્રી હતી. જ્યારે મુકેશ પાસે ન ઢંગનો આશરો, અનિયમિત આવક અને ભારતમાં તે સમયે એક અનૈતિક ગણાતા વ્યવસાય હતો. આ જ કારણે મુકેશ અને સરલા પાસે ભાગીને પરણવા સિવાય કોઈ રસ્તો નહોતો. તેઓના લગ્નને લઈને આગાહી કરવામાં આવી હતી કે, તેઓ છૂટાછેડી લઈ લેશે પરંતુ તેઓ મુશ્કેલીના સમયમાં પણ સાથે રહ્યા હતા. તેઓના લગ્નજીવનની 30મી વર્ષગાંઠના ચાર દિવસ પહેલાં જ તેઓ અમેરિકા ગયા હતા. તેઓને પાંચ સંતાનો છે. રીતા, નીતિન, નલીની, મોહનીશ અને નમ્રતા. નીલ નીતિન મુકેશ તેમનો પૌત્ર છે.

મુકેશ, રાજકુમાર, વ્હિસ્કીની બોટલ અને છેલ્લો શ્વાસ

મુકેશે તેમના જીવનનું અંતિમ ગીતચંચલ શીતલ નિર્મલ કોમલ' સત્યમ શિવમ સુન્દરમ ફિલ્મ માટે મિત્ર રાજ કપૂરના બેનર માટે ગાયું હતું. તેઓ રાજ કપૂરના મુખ્ય ઘરઘાટી પાસે વ્હીસ્કીની એક બોટલ પણ મુકતા ગયા હતા કે જેથી તે રાજ કપૂરને ગીતના શુટિંગ બાદ ભેટ આપી શકાય. પરંતુ અંતે જયારે રાજ કપૂરને એ બોટલ મળી ત્યારે મુકેશ તેમનો દેહ છોડી ચુક્યા હતા.

ઓગસ્ટ ૨૭, ૧૯૭૬ ના રોજ મુકેશ અને લતા અમેરિકાના પ્રવાસ પર હતા. મુકેશ અને લતા કેનેડી સેન્ટરમાં પરફોર્મ કરનારા પ્રથમ ભારતીય કલાકાર હતાં. મુકેશને ત્યાં હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓએ ત્યાં જ પોતાના પ્રાણ ગુમાવી દીધા. હજારો લોકોને ઉત્સાહિત કરનારો અવાજ એકદમ સ્થિર થઇ ગયો.

***

Rate & Review

Umakant

Umakant Matrubharti Verified 2 weeks ago

Velari Amisha

Velari Amisha 2 years ago

Yagnesh

Yagnesh 4 years ago

paresh Patel

paresh Patel 4 years ago

Marubharti1

Marubharti1 4 years ago