Maa ni munjvan - 2 books and stories free download online pdf in Gujarati

માઁ ની મુંજવણ-૨

આપણે જોયું કે તૃપ્તિ એ આસિતને હા પાડી છતાં એ કંઈક અમંગલના સંકેતથી પીડાઈ રહી હતી. હવે આગળ..

તૃપ્તિએ બધા જ નેગેટિવ વિચારને બાજુ પર મૂકીને પરીક્ષાને કેન્દ્રિત કરી ખુબ સ્ટડી કરવા લાગી હતી. એ હોશિયાર હતી આથી એને તૈયાર કરેલ નોટસ જ વાંચવાના હતા, રોજનું નક્કી કરેલ વર્ક પૂરું તો કરતી સાથોસાથ આસિત સાથે પણ ગપસપનો સમય કાઢી લેતી હતી. એના જીવનમાં ખુબ બધી અપેક્ષાઓ સાથે આસિતનું આગમન થયું હતું. તૃપ્તિની પરીક્ષા ખુબ સારી ગઈ હતી. પરીક્ષા પુરી એટલે હોસ્ટેલના દિવસો પણ પુરા થયા હતા. આજ આખરી રાત અમારી હોસ્ટેલમાં હતી. અમે બધી સખીઓ એ ખુબ મજા કરી હતી. બધા આજ જાણે સમયને રોકવા ઇચ્છતા હતા, સિવાય કે તૃપ્તિ... કારણ કે એ મેડમના તો લગ્ન નક્કી થઈ ગયા હતા આથી એને સ્વાભાવિક રીતે ઘરે રહેવાનો સમય બહુ જ ઓછો મળવાનો હતો. આજ બધી સખીઓની મજાક મસ્તીનું કેન્દ્ર તૃપ્તિ અને આસિત હતા.. તૃપ્તિને ચીડવવાની બધાને ખુબ મજા પડી હતી, આ મજામાં અમારા મેટ્રન પણ સામેલ થઈ ગયા હતા. હવે આ બધી ક્ષણને જાણે કેમેરામાં જકડીને કાયમ માટે જીવિત રાખવાના હેતુથી મેં મોબાઈલમાં ગ્રુપ ફોટોસ પાડ્યા અને બધાને હું વોટસઅપ કરી આપીશ એવું કીધું. સવાર કેમ પડી ગઈ એ ખબર પણ ન પડી. હવે ઘરે જવાનો સમય થયો બધાની આંખોમાં આંસુની ઝલક દેખાતી હતી, બધી સખીઓ હવે રોજની જેમ સાથે નહીં રહી શકે એ દુઃખ દરેકને ભાવવિભોર કરી રહ્યું હતું. હું અને તૃપ્તિ એકબીજાને ભેટીને ખુબ રડ્યા હતા. અરે ગાંડી આજ તારી લગ્નની વિદાય નહીં હો ના મારા મજાક ભર્યા શબ્દોએ બધાના ચહેરા પર હળવું સ્મિત લાવી દીધું હતું અને અમે પોતપોતાના ઘરે જવા નીકળ્યા હતા.

તૃપ્તિ ઘરે પહોંચી એટલે તેના પરિવારના સૌ કોઈ ખુબ ખુશ હતા. ખુશીના દિવસો ખુબ ઝડપી જાય છે ને, એમ તૃપ્તિના દિવસો પણ વીતવા લાગ્યા હતા. એ ખુબ ખુશ હતી પણ હજી અમુક સંકેત એના મન ને હચમચાવી જતા હતા, આ બધા જ વિચાર વમળમાં એના લગ્ન શાંતિથી અને બહુ જ ધૂમધામથી પૂર્ણ થયા હતા. તૃપ્તિના પપ્પાએ કોઈ જ કસર બાકી રાખી નહોતી. લગ્નમાં હાજર સૌ કોઈ લગ્નવૈભવ જોઈને ચકિત રહી ગયા હતા. આસિત અને તૃપ્તિની જોડી ખુબ સુંદર લાગતી હતી. આસિતના પરિવારએ પણ નવવધૂ ને ખુબ સુંદર છાબ આપીને બધી જ રીતભાત થી પ્રેમથી તૃપ્તિને આવકારી હતી. વળી થોડા 
સમયમાં તૃપ્તિનું રિઝલ્ટ પણ  આવ્યું કોલેજમાં બીજા નંબરથી એ  ઉત્તીણ થઈ હતી. આસિતની ખુશી  એની આંખમાં તૃપ્તિ જોઈ શકતી  હતી. 

જોતજોતામાં દિવસો મહિનાઓ અને એમ કરતા વર્ષો વીતવા લાગ્યા હતા. તૃપ્તિ ને જે અમંગલના સંકેત હતા એવું હજુ કઈ જ બન્યું નહતું. ખુબ જ ખુશ ખુશાલ એનું જીવન વીતી રહ્યું હતું.

તૃપ્તિ એની પરિવાર માટેની ફરજ સારી રીતે નિભાવી રહી હતી અને આસિત પણ કોઈ પણ જાત ની ઓછપ તૃપ્તિને લાગવા દેતો નહતો. આમ આનંદમાં તૃપ્તિના લગ્નને ૨ વર્ષ પુરા થયા હતા. રિયલ ડાયમંડ ની સુંદર વીંટી આસિતએ તૃપ્તિને આપી હતી. તૃપ્તિ મનમાં ને મનમાં ખુબ હરખાઈ જતી હતી. મારો અને તૃપ્તિનો સંપર્ક હજુ એવો જ હતો, હજી પણ અમે સમયની ખેંચતાણમાં બંન્ને સખીઓ એકબીજા માટે બહુ નહીતો થોડી મિનિટોનો સમય કાઢી લેતી હતી અને અમારી દોસ્તી સમય સાથે ગાઢ બનતી જતી હતી.

આજ તૃપ્તિએ મને આસિતએ  આપેલ વીંટીની વાત કરી, મેં એને શુભેચ્છા પણ પાઠવી હતી. સાથો સાથ એક બીજા ખુશી સમાચાર પણ તૃપ્તિએ મને આપ્યા કે એ ગર્ભવતી બની છે. મારી ખુશી પણ બમણી થઈ ગઈ હતી. એની હેલ્થ વિશે મેં એને પૂછ્યું એને કહ્યું કે, "સારી રહે છે અને એની જેઠાણી એની બહેન જ છે આથી એ પણ ખુબ દેખભાળ રાખે છે." આસિતની અને એના પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્યો હતો, બધા આવનાર બાળકને લઇ ને ખુબ ખુશ હતા. તૃપ્તિની બહેન પણ ખુશ જ હતી પણ હજુ સુધી એ માઁ બની શકી  નહોતી આથી ક્યારેક એના ચહેરા પર એ અફસોસ તૃપ્તિને વર્તાય જતો હતો.

શું તૃપ્તિને  જે અમંગલના સંકેત હતા એ એના ગર્ભાવસ્થાના હિસાબે હતા? શું તૃપ્તિ માઁ બની શકશે કે એના જીવનમાં કોઈ આપત્તિની આ શરૂઆત હતી જાણવા માટે જરૂર વાંચજો આવતું પ્રકરણ:૩....