TAMACHO books and stories free download online pdf in Gujarati

તમાચો .

“તમાચો.”

======

મારે મોહિતસરને પહેલા જ કહી દેવાની જરૂર હતી કે મને આ પ્રકારનું કામ ન સોંપે.

પણ હવે હા પાડી દીધી એટલે કશું જ ન થાય. એન.જી.ઓ.માં મારુ મુખ્ય કામ પતિ-પત્નીઓના ઝગડાઓમાં સમાધાન કરાવવાનું. અને આ શું? એક બાળકનું કાઉન્સેલિંગ? મેં ક્યારેય નહોતું કર્યું. હા પતિ-પત્નીના ઝગડા નિપટાવવાનું કામ સરળ છે. જેમ તેમ વિટલો વાળીને પણ પરિપક્વ માનસને સમજવા અને સમજાવવા સરળ તો ખરા!

રોહિની બાળ-સુધાર ગ્રહ પાસે બાઇક પાર્ક કરી મેં ગેટ ઉપર ઉભેલા ચોકીદારને મોહિતસરે આપેલ કાગળ બતાવ્યો કે તરત મને અંદર જવા દીધો. એક બાળકનાં દિમાગમાં ઘૂસવું સરળ છે એવું મને મોહિતસર કહેતા, પણ કેટલું સરળ? એ તો હવે જ ખબર પડશે.

બાળ-સુધાર ગ્રહના મુખ્ય અધિકારી રવિન્દ્ર સાથે મારી ઔપચારિક મુલાકાત થઈ.

“ભલે આવ્યા!પણ કઈં આશાસ્પદ લાગતું નથી, આશિષ, દસ વર્ષમાં મેં કેટલા કેસ જોયા પણ આ અનોખો છે” મારા ગળામાં લાગેલ આઈ.કાર્ડ જોઈ રવિન્દ્રને મારુ નામ ખબર પડી હોય એમ એને સીધી વાત કરીને મારુ મોરલ તોડી નાખ્યું..

“જી કોશિષ તો કરવી જ રહી ને” મેં કહ્યું.

“ હા કરો, કોશિષ કરો, મને શું તકલીફ! એને અહીં જ મોકલું છું.” કહેતા રવિન્દ્ર બેગ ઉઠાવી ચાલતો થયો. લગભગ પાંચ મિનીટ બેઠો. પટ્ટાવાળો રામુ રવીન્દ્રની ઓફિસની પાછળ એક નાની કેબિન હતી જ્યાં કાઉન્સેલિંગ માટેની ગોઠવણ કરી હતી ત્યાં મને લઈ ગયો. એક પાણીની બોટલ મૂકી ગયો.

થોડીવારમાં એ પટ્ટાવાળો રાહુલનું કાંડુ પકડી મારી પાસે લાવ્યો. રાહુલ એનું કાંડુ છોડાવવા હાથ હલાવતો રહેતો અને પટ્ટાવાળો એટલીજ મજબૂતીથી એનું કાંડુ પકડીને ચાલ્યો આવતો. રાહુલ ચાલતા ચાલતા પટ્ટાવાળાને એવી રીતે જોતો જાણે હમણાં એનું ખુન કરી નાખશે..

“ચૂપચાપ આ સાહેબની સામે બેસી જા, અને કોઈ ચાલાકી કરી તો ખબર છે ને?” રામુએ કરડાકીથી કહ્યું.

રાહુલે સ્વસ્થ થવા પ્રયાસ કર્યો અને શર્ટના બટન સરખા કરી મારી સામે બેસી ગયો.

રાહુલ મારી સામે ડોળા કાઢીને જોતો હતો, એના ગાલ ઉપર તાજી રુવાંટી તેમજ આછો આછો મૂછનો દોરો ફૂટ્યો હતો, હજુ જુવાનીના ઉંબરે ઉભા રાહુલની આંખોમાં આટલું તોફાન? આટલા બાળકમાં મેં ક્યારેય નહોતું જોયું.

“તારું નામ શું છે?” વાતચિત શરૂ કરવા મેં પહેલો સવાલ પૂછ્યો..

“રાહુલ” ભારી અવાજમાં જવાબ આપ્યો.

“અહીં કેમ આવ્યો?”

“અહીં મને સુધારવા માટે લાવ્યા છે, હા હા હા.” રાહુલે હોઠ એક તરફ કરી કરડાકીથી અટ્ટ હાસ્ય કરતા જવાબ આપ્યો.

“કેમ તારે નથી સુધરવું?” મેં હળવેથી પૂછ્યું.

“સુધરવાનું ? મારે? મારે આ બધાને સુધારવાના છે,”

“શુ સુધારા કરવા છે બોલ હું તારી મદદ કરીશ.”

“હા હા હા તમે મારા પપ્પાને સુધારી શકશો? મારી મમ્મીને? લતા આંટીને? કિશોર અંકલને? મારી ટીચર રમા વાંદરીને?”

“કેમ એમનાથી શુ તકલીફ છે તમને રાહુલ? મને વિગતવાર જણાવો હું તમારી મદદ કરીશ.”

“આ પાંચેય વ્યક્તિઓથી મને નફરત છે, મારું બસ ચાલે તો હું હજુ પાંચ ખૂન બીજા કરી નાખું.”

“રાહુલ તમે મારી સાથે દોસ્તી કરશો? મારું નામ આશિષ છે.” એમ કહી મેં મારો હાથ આગળ કર્યો, રાહુલના ચહેરા ઉપર હળવું સ્મિત આવ્યું એને મારી સાથે હાથ મિલાવ્યો, હવે મને લાગ્યું કે હું એનું માનસ જાણી શકીશ.”

“રાહુલ તમને તમારા મમ્મી અને પપ્પાથી શું તકલીફ છે?”

“આશિષભાઈ મારી મમ્મી એક નંબરની ચાલુ ઔરત છે અને મારો બાપ એક નંબરનો બેવડો, મારો બાપ રોજ રાત્રે દારૂ પીને મારી મમ્મી સાથે મારામારી કરે, જયારે મારો બાપ દારૂ પીને સુઈ જાય ત્યારે મારી મમ્મી અમારી બાજુમાં રહેતા કિશોરઅંકલના ઘરમાં ચાલી જાય. અડધી રાત્રે એ પાછી આવે, મારો નાનોભાઈ ઘોડિયામાં સુતો સુતો રડતો હોય પણ મારી મમ્મીને એની કશી ચિંતા જ ન હોય. અને હા બીજું તમને એ કહેવાનું રહી ગયું આ મારો નાનોભાઈ છે ને! એ પણ મારો એક નંબરનો દુશ્મન છે.”

“કેમ? એ તો માત્ર છ મહિનાનો છે ને?”

“હા આશિષભાઈ, પણ જ્યારથી એ અમારા ઘરમાં આવ્યો છે ત્યારથી ઘરમાં મને કોઈ પૂછતું નથી. મારો બાપ તો એમજ કહે છે કે એ કિશોરઅંકલનું પાપ છે. એ બાબતે મારા મમ્મી અને પપ્પા વચ્ચે હંમેશા મારા મારી થતી. મારી વાત કોઈ સાંભળતું નથી, મારો એક દોસ્ત છે મિતલ એ મારી વાત સાંભળે પણ એકવાર મને એના ઉપર પણ ગુસ્સો આવી ગયો હતો મેં એનું માથું ફોડી નાખ્યું હતું.”

“અરે રાહુલ! મિત્રનું માથું ફોડાય? એવું કેમ કર્યું?”

“હું મિતલને ક્યારેય ન મારું, પણ અમે સાથે ક્રિકેટ રમતા હતા ત્યારે મિતલે મને એવું કહ્યું હતું કે “તારો બાપ દારૂડિયો અને તારી માં રાંડ” બસ મને ગુસ્સો આવ્યો એટલે મેં ક્રિકેટ રમવાનું બેટ એના માથા ઉપર ફટકાર્યું હા હા હા.. વીસ દિવસ હોસ્પીટલમાં દાખલ રહ્યો હતો.”

“ઓહ! પછી શું થયું?” મેં પૂછ્યું.

“પછી મારા પપ્પાએ મને બહાર રમવા જવાની મનાઈ કરી દીધી, આખો દિવસ ઘરમાંને ઘરમાં કંટાળો આવતો, મારા પપ્પા ઘરમાં ન હોય ત્યારે કિશોરઅંકલ ઘરમાં આવે અને મારી મમ્મી ઘરમાં ન હોય ત્યારે અમારી સામેવાળા લતાઆંટી ઘરમાં આવે અને આ સમયે મને મારા બેડરૂમમાં પૂરીને રાખે. મને એટલો ત્રાસ આપતા કે વાત જવા દયો. પછી મારા પપ્પાએ મને લેપટોપ લઇ આપ્યું. શા માટે? પૂછો પૂછો શા માટે?

હું શું &દુ છું? મારા માથા ઉપર &દુ લખ્યું છે? હું મારા રૂમમાં ગેમ રમ્યે રાખું અને ઘરમાં મારા મમ્મી અને પપ્પા એની મરજી પ્રમાણે લતાઆંટી અને કિશોરઅંકલ સાથે જલસા કરી શકે. મારો નાનો ભાઈ ઘોડિયામાં સુતો સુતો રડતો હોય, એ એટલું બધું રડતો કે મારા કાન પાકી જતા, એકવાર તો મેં મારા નાના ભાઈનું ગળું દબાવી મારી નાખવા કોશિષ કરી હતી પણ મારી મમ્મીએ મને પકડી લીધો અને મારા પપ્પાને કહી દીધું, એ દિવસે મારા પપ્પાએ મને ખુબ માર્યો. મિતલ મારો ખાસ ભાઈબંધ હતો પણ જે દિવસે મેં મિતલને માર્યું હતું તે દિવસથી મિતલના પપ્પાએ પણ મારી સાથે રમવાની મનાઈ કરી દીધી હતી. અહીં થી બહાર નીકળીને મિતલના પપ્પાને પણ મેં જેમ રવિને મારી નાખ્યો એમ મિતલના પપ્પાને પણ ગળું કાપીને મારી નાખીશ.”

“પણ તમે રવિને કેમ માર્યો? એ તો સારો છોકરો હતો ને?”

“રવિ? સારો છોકરો? એક નંબરનો ચુગલીખોર હતો રવિ. એની છાતીમાં મટન કાપવાના કોયતાના ત્રીસ ઘા માર્યા હતા મેં, હા હા હા, ઓછા હતા. એનો શ્વાસ જ્યાં સુધી ચાલુ હતો ત્યાં સુધી મેં મારવાનું ચાલુ રાખ્યું હતું. ઘરમાં કંકાસના કારણે હું મારું લેસન નહોતો કરી શકતો, જયારે મારી ટીચર રમા વાંદરીએ મારી પાસેથી લેસન માંગ્યું ત્યારે મેં મારા મિત્ર અજયની બુક બતાવી હતી. કારણ કે અજય રેગ્યુલર લેસન કરીને આવતો. અને એમાં ખોટું પણ શું છે? હું નહોતો કરી શકતો એટલે મેં અજયની બુક બતાવી દીધી. બસ આ રવિ ચુગલી કરી આવ્યો, ત્યારે મારી ટીચર રમા વાંદરીએ મને ખુબ માર્યું હતું, મારી પીઠ ઉપર નિશાન પડી ગયા આ જુઓ. મેં એ બાબતે પોલીસ સ્ટેસનમાં પણ ફોન કર્યો હતો પણ પોલીસવાળાઓએ પણ કશું ન કર્યું.”

રાહુલે એનો શર્ટ ઉંચો કરી મને બતાવ્યું પણ મને કોઈ નિશાન દેખાયા નહી. આટલી વાત સાંભળીને એટલું સમજાયું કે રાહુલના દિમાગમાં કુટી કુટીને નફરત ભરેલી છે, એક દિવસમાં આટલી નફરત કાઉન્સેલિંગથી બહાર કાઢી શકાય? નોટ પોસીબલ. પણ મને ખુશી એ વાતની થઇ કે એ મારી સામે દિલ ખોલીને બોલવા લાગ્યો, હવે કદાચ હું એને સમજવા પ્રયત્ન કરીશ. મેં ફરી રાહુલની આંખોમાં જોયું અને પૂછ્યું.

“રાહુલ તમને અહીંથી બહાર નીકળવામાં હું તમારી મદદ કરું તો તમે શું કરશો?”

“કોઈને કહેતા નહી. અહીંથી બહાર નીકળીને પહેલા તો હું રમા વાંદરીને પતાવી દઈશ, કિશોરઅંકલ, લતાઆંટી પછી મારા મમ્મી અને પપ્પાને અને પછી મિતલના પપ્પાને. અને હા આ લીસ્ટમાં એક વધારો થયો છે, કોણ? ખબર છે તમને?”

“ના મને કેમ ખબર પડશે? તમે કહેશો તો જ ખબર પડશેને.”

રાહુલ મારી નજીક આવ્યો અને ધીમેથી મારા કાન પાસે આવીને કહ્યું..

“અહીનો પટ્ટાવાળો રામુ, કોઈને કહેતા નહી, અહી આવ્યો ત્યારથી એ મને મારે છે, એને મને બધાની સામે તમાચો માર્યો હતો, એનો બદલો તો હું લઈશ જ.”

મને હજુ પણ કશું સમજાતું ન હતું કે રાહુલે પંદર વર્ષના વિદ્યાર્થીની હત્યા કરીને સમાજને તમાચો માર્યો હતો કે રાહુલનાં માનસ ઉપર એક તમાચા રૂપી વાર કરવામાં આવ્યો હતો? પતિ-પત્નીઓના ઝગડા ઘણી વખત સામાન્ય બાબતે હોય છે, મોટા ભાગના કિસ્સામાં સમર્પણની ભાવના પ્રગટ થઇ જ જાય છે, નાની નાની બાબતે સ્ત્રીઓ અને પુરુષો એડજેસ્ટ કરી જ લેતા હોય છે, ક્યારેક ગંભીર કિસ્સાઓમાં પણ અનૈતિક સંબંધોના કારણે પતિ-પત્નીના ઝગડાઓ થતા હોય અને એવા કિસ્સાઓમાં પણ મને સમાધાન કરાવવામાં સફળતા મળી છે પણ અ કિસ્સામાં મારે શું કરવું? મારું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. આ બાળક વિષે હજુ પણ વધારે જાણવા મારી ઉત્સુકતા વધી ગઈ હતી.

“તમે રવિની હત્યા કેવી રીતે કરી હતી? મને વિગતવાર જણાવશો?”

“આશિષભાઈ પોલીસ સ્ટેસનમાં મેં વિગતે જાણકારી આપી દીધી છે ત્યાંથી લઇ લેશો.”

“ના હું તમારી પાસેથી જાણવા માંગું છું. હવે મેં તમારી સાથે દોસ્તી કરી લીધી, અને હવે હું તમને રોજ મળવા આવીશ.”

એમ કહી મેં બેગમાંથી એક ચોકલેટ કાઢી રાહુલ તરફ લંબાવી.

“આશિષભાઈ આ ચોકલેટમાં કશું મિલાવ્યું તો નથી ને? હા હા હા.” રાહુલે ત્રાંસુ હસતા હસતા કહ્યું.

“એમ કેમ કહો છો?”

“હા હા હા મેં પહેલા પણ કહ્યું કે હું #દુ નથી. મને બધી જ ખબર પડે છે. જયારે મારા પપ્પા રાતપાળીની નોકરી કરવા જતા ત્યારે મારી મમ્મી પણ મને જમાડી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખવડાવતી અને એ ખાઈ લીધા પછી મને તરત ઊંઘ આવી જતી.”

“ના મારા ઉપર વિશ્વાસ રાખો, જો તમને એવું લાગતું હોય તો તમે આ ચોકલેટ નહી ખાતા, બસ? હવે તો ખુશ ને?”

રાહુલ ચોકલેટ હાથમાં લેતા હસવા લાગ્યો, અને ટેબલ ઉપર પડેલી પાણીની બોટલ ઉઠાવી પાણી પીધું..અને કહ્યું..

“મારે રવિને નહોતો મારવો, એ દિવસે હું અમારી ટીચર રમા વાંદરીને મારવાની યોજના બનાવીને ગયો હતો, એ દિવસે હું સ્કુલે નહોતો ગયો પણ સ્કુલે જવા માટે હું ઘરેથી નીકળી ગયો હતો, રસ્તામાં એક મટનની દુકાનેથી મેં મટનવાળાનું ધ્યાન ન પડે એવી રીતે એનું મટન કાપવાનું સાધન ચોરી લીધું અને મારી સ્કૂલબેગમાં નાખી દીધું, હું સ્કુલે આવ્યો તો રીસેસ પડી હતી, હું બેગ લઈને અમારા ક્લાસ તરફ ગયો. રીસેસ પડી હતી એટલે રમા વાંદરી સ્ટાફરૂમમાં હતી, હું રીસેસ પૂરી થવાની રાહ જોતો હતો, પછી મને પેશાબ લાગી એટલે હું બાથરૂમમાં ગયો, નસીબજોગ રવિ પણ બાથરૂમમાં પેશાબ કરવા આવ્યો હતો, બસ પછી તો મારે શું જોઈએ? રવિ પેશાબ કરતો હતો મેં જોરથી એની ગાં@ ઉપર લાત મારી અને લપસીને ફસડાઈ પડ્યો, પછી મેં મારી બેગ ખોલી ઉતાવળે મટન કાપવાનો કોયતો બહાર કાઢ્યો અને એની છાતીમાં ભોંકી દીધો. રવિ તડફડીયા મારવા લાગ્યો અને મેં એક પછી એક એમ લગભગ એની છાતી ઉપર ત્રીસ ઘા માર્યા, છેલ્લો ઘા મેં એની ગરદન ઉપર કર્યો, જો બાજુના જાજરૂમાંથી ઉમેશ બહાર ન નીકળ્યો હોત તો હજુ હું ગરદન ઉપર બે ચાર ઘા કરી દેત, પછી ઉમેશ ડરીને બહાર દોડી ગયો અને હોબાળો મચાવવા લાગ્યો, મેં ઉતાવળે મટન કાપવાનો કોયતો બેગમાં નાખ્યો અને છત ઉપર ચડી ગયો, છત ઉપરથી મારી બેગ અમારી સ્કુલની પાછળ આવેલ મંદિરના ચોગાનમાં ફેંકી દીધી અને પછી હું ઉતાવળે પગથીયા ઉતરી મારી બેગ ઉઠાવી ભાગી ગયો.”

એકી શ્વાસે આટલું બોલીને રાહુલે ટેબલ ઉપર જોરથી હાથ પછાડતા કહ્યું..

“ભો%&*ની રમા વાંદરી બચી ગઈ એનો અફસોસ રહી ગયો.”

“પછી તમે શું કર્યું?”

“પછી શું? પોલીસ સ્ટેસનમાં ફોન કર્યો અને ઘરે જઇને લેપટોપમાં “વાઈસ સીટી” અને “સાન -આન્દ્રીસ” ગેમ રમવા લાગ્યો. મારી ફેવરેટ ગેમ છે. રોજ પાંચ પાંચ કલાક એ ગેમ રમવામાં મારો સમય પણ નીકળી જતો. મારા રૂમનો દરવાજો બંધ કરીને હું ગેમ રમ્યે રાખું એટલે બહાર શું થાય એની મને ચિંતા જ ન રેહતી. મારી માને જેટલીવાર કિશોરઅંકલ સાથે સુવુ હોય એટલીવાર સુવે અને મારા બાપને લતાઆંટી સાથે, અને ઉપરથી મારા નાનાભાઈનો કકળાટ ચાલુ રહેતો.”

રાહુલ ચોકલેટની છેલ્લી બાઈટ દાંતમાં દબાવતા એના બને હાથ કોલર ઉપર મૂકી હાથમાં ચોંટેલી ચોકલેટ કોલરમાં અને માથાના વાળમાં સાફ કરવા લાગ્યો.

“ઓકે રાહુલ આવતી કાલે મળીશું.” કહેતા હું ઉભો થયો અને પટ્ટાવાળા રામુને ઈશારો કરી હું નીકળી ગયો, થોડીવારમાં પટ્ટાવાળો આવી રાહુલનું કાંડું પકડીને લઇ ગયો..

બાળ-સુધારગ્રહની બહાર નીકળી મેં મોહિતસરને ફોન કર્યો.

“હેલ્લો મોહિતસર અહીનું કામ આજે શરુ કર્યું એમ કહી શકાય, રોજ આવવું પડશે. આ તો સમાજને એક તમાચો છે, હવે એ નક્કી કરવાનું બાકી છે કે રાહુલે સમાજને માર્યો છે કે સમાજે રાહુલને? હા રાહુલનું કાઉન્સેલિંગ તો હું કરી લઈશ, સમાજનું કાઉન્સેલિંગ કરવા માટે તમે કોઈ સારો ગજાનો માણસ શોધી લેજો.” મેં હસતા હસતા કહ્યું..

“અરે આશિષ તમે અત્યાર સુધી પાયાના પ્રશ્નોમાં જ ધ્યાન આપ્યું છે, એ પાયાના પ્રશ્નો ઉપર ધ્યાન ન આપીએ તો સમાજમાં આવા કેટલાય રાહુલ પેદા થઇ જાય! ઓકે, ઓલ ધી બેસ્ટ, સવારે તું સીધો ત્યાં જ પહોંચી જજે.” સામેથી મોહિતસરે કહ્યું.

“ઓકે” કહેતા મેં ફોન કટ કર્યો..

****

બીજા દિવસે સવારે દસ વાગ્યે હું ફરી રોહીની બાળસુધાર ગ્રહ તરફ જવા માટે તૈયાર થયો, મારા નિત્યક્રમ મુજબ નીકળતા પહેલા એક કપ ચા પીતા પીતા છાપા ઉપર નજર ફેરવતો.

છાપાના બીજા પાને મુકેલ સમાચારની હેડલાઈન વાંચી મારા હાથમાંથી ચાનો કપ પડી ગયો.

“રોહીનીબાળ સુધારગ્રહના પટ્ટાવાળાના માથામાં પથ્થર મારી કરપીણ હત્યા.”

“હત્યારો રાહુલ હજુ ચાર દિવસ પહેલા જ બાળસુધારગ્રહમાં આવ્યો હતો.”

“રવિની કરેલી હત્યાની સાહી હજુ સુકાઈ નથી અને રાહુલે કરી બીજી હત્યા.”

તોય હજુ હું એ જ વિમાસણમાં જ હતો કે આ તમાચો કોને લાગ્યો? રાહુલને કે સમાજને?

*****

સમાપ્ત.

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com