22 single - 26 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ - ૨૬

૨૨ સિંગલ

ભાગ – ૨૬

(૨૨ સિંગલ એક એપીસોડીક હાસ્યરચના છે. જેનો મુખ્ય પાત્ર ‘હર્ષ’ ૨૨ વર્ષની ઉમરે હજી સિંગલ છે. હર્ષના મિંગલ થવાના બધા જ પ્રયત્નો ઉંધા માથે પટકાયા છે. અમુક તો એને દિલ પર પણ વાગ્યા છે. બસ, આ ભાગમાં પણ હર્ષની એ જ મિંગલ થવાની એક કોશિષ સફળ થાય છે કે નહિ જાણવા વાંચો ૨૨ સિંગલ નો ભાગ – ૨૬)

ભાગ – ૨૬

હમણાં હમણા એક સર્વે કર્યો. આપણા જુવાનીયાઓ ને એક સવાલ પૂછ્યો, કે તમે સિંગલ છો કે રીલેશનશીપમાં? મોટાભાગની છોકરીઓએ ‘સિંગલ’ જવાબ આપ્યો અને છોકરાઓ એ ‘રિલેશનશીપ’. આવું કેવી રીતે શક્ય બને? બધા ની વાત સાચી માનીએ તો એવું તારણ નીકળે કે છોકરાઓ એકબીજા સાથે રીલેશનશીપમાં છે. એવું હોય તો દુનિયાનું આખું ગણિત જ બદલાય જાય. ભગવાને પણ માથું ખંજવાળવું પડે. સાચું કે નહિ?

હર્ષે જોબ પરથી આવીને ન્યુઝપેપર હાથમાં લીધું. ન્યૂઝપેપરમાં ઉપરોક્ત કરેલા સર્વે વિષે વાંચ્યું. ૧૫ થી ૨૫ વર્ષના ૨૦૦ છોકરાઓ-છોકરીઓ ને એક સવાલ પૂછ્યો હતો, ‘તમે સિંગલ છો કે રિલેશનશીપમાં?’ મોટાભાગની છોકરીઓએ ‘સિંગલ’ જવાબ આપ્યો અને છોકરાઓએ ‘રિલેશનશીપ’. આટલું વાંચ્યા પછી હર્ષ પણ વિચારે ચડ્યો કે, આનું તારણ શું? બધા છોકરા રિલેશનશીપમાં છે પણ છોકરીઓ સિંગલ છે, તો શું આપણા દેશમાં કલમ ૩૭૭ નો ઉપયોગ આટલો બધો વધી ગયો કે બધા સજાતીય સંબંધ બાંધવા લાગ્યા. હર્ષની જાડી બુદ્ધિ આનાથી વધારે ચાલી નહિ. એણે આ જ વાત પર ચર્ચા કરવા અનુ ને ફોન કર્યો.

અનુ : “બોલ હર્ષ, તારું શું કારસ્તાન છે પાછું.”

હર્ષ : “અનુ, તું સિંગલ છે કે રીલેશનશીપમાં?”

અનુ : “યાર, શું મઝાક કરે છે. તને ખબર જ તો છે.”

હર્ષ : “ના પણ બોલ ને. મારે તારી પાસેથી સાંભળવું છે.”
અનુ : “આ શું માંડ્યું છે હર્ષ? હું ટેન્શન માં છું ને તું આવા સવાલ પૂછે છે.”

હર્ષ : “તને અને ટેન્શન? બોલ, શું થયું. હું સોલ્વ કરી આપું.”

અનુ : “ઓવે. બહુ મોટો આવી ગયો પાછો. તું તારી જાતે ધોતા શીખી જા પછી બીજાની ધોજે.”

હર્ષ : “એટલે આ પ્રાઇવેટ પ્રોબ્લેમ છે. તો અક્ષત ને કહે. એ તારી હેલ્પ કરશે.”

અનુ : “અબે યાર, શું કરું હર્ષ તારું. માથું દીવાલ પર પછાડવાની ઈચ્છા થાય છે. મેં જે કીધું એ એક કહેવત હતી કે પહેલા પોતાનો પ્રોબ્લેમ જાતે સોલ્વ કરતા શીખ પછી બીજાનો પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત કરજે, એવો એનો મતલબ હતો.” “આ જો મનાલી બિચારી હસી હસી ને બેડ પરથી નીચે પડી ગઈ.”

ફોન મનાલી એ લઇ લીધો.

મનાલી : “હર્ષ્યા, તું સમજ્યો એ કહે ને. હું અક્ષત ને કહીશ.”

હર્ષ : “બે પણ અનુ અચાનક ધોવાની વાત વચ્ચે લઇ આવી. પછી કહે કે હું ટેન્શન માં છું એટલે મને એમ કે પેલું અક્ષત ને જે પાઈલ્સ વાળો પ્રોબ્લેમ છે એ અનુ ને પણ થયો હશે.”

અનુ ફ્રસ્ટેશનમાં હસતી હતી જયારે મનાલી તાળી પાડી ને હસતી હતી. બે મિનીટ સુધી હસ્યા પછી અનુ એ ફરી વાત શરુ કરી.

અનુ : “બોલ, તે ફોન શેના માટે કર્યો હતો?”

હર્ષ : “આજે મેં એક સર્વે વાંચ્યો. એ સર્વેમાં બધા છોકરાઓ પોતાને ‘રીલેશનશીપ’ માં હોવાનું કહે છે જયારે બધી છોકરીઓ ‘સિંગલ’ હોય એમ જ કહે છે. એવું કેવી રીતે શક્ય બને?”

અનુ : “હા, તો કોઈ પણ છોકરી ને કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને પૂછે ને તો છોકરી ‘સિંગલ’ છે એવું જ કહે. રિલેશનશિપમાં છે એવું કહે તો બેઈજ્જત થઇ જવાય. છોકરાઓ એનો ખોટો મતલબ જ લે.”

હર્ષ : “એટલે?”

અનુ : “યાર, તને કેમ સમજાવું?” “કોઈ છોકરી કોઈને પણ પોતે રીલેશનશીપ માં છે એવું કહે તો ‘કેરેક્ટરલેસ’ છે એવું કહેવાય. છોકરાઓની ભાષામાં ‘ચાલુ’. એટલે કોઈ છોકરી એવું સામેથી ના કહે. અને વાત રહી છોકરાઓની તો, પોતે કંઇક છે એ બતાવવા ‘સિંગલ’ હોય તો પણ રીલેશનશીપમાં છે એવું કહેવું પડે. નહિ તો બધાના રીએક્શન કેવા હોય એ તને કહેવાની મારે જરૂર નથી.”

હર્ષ : “લે એવું થોડું હોય કઈ. રીલેશનશીપમાં હોય એ પણ છોકરી શરીફ તો હોઈ જ શકે ને!!”

અનુ : “હા, એ પણ શક્ય છે.”

મનાલી : “છોકરાઓ બધા પોતાને બહુ સ્માર્ટ બતાવવા રીલેશનશીપમાં છે એવું જ કહે. ખાલી કોઈ છોકરીને પ્રપોસ કરવા જાય ને ત્યારે જ ‘સિંગલ’ નો ‘ટેગ’ મારે.”

હર્ષ : “એવું કેવું? મારે ગળે વાત ઉતરતી નથી.”

મનાલી : “તારા ગળે ખાવા સિવાયનું ક્યાં કઈ ઉતરે જ છે. તું શું કામ વિચારવાનું કષ્ટ લે છે. એ અનુ પર છોડી દે તું.”

હર્ષ : “હા હવે, ટોન્ટ ના માર. પણ મને એ તો કહે મનાલી તું અનુ ના ઘરે શું કરે છે.”

અનુ : “હર્ષ, તારું કામ પતિ ગયું હોય તો ફોન મૂકી દે, એ એના કામ માટે આવી છે.”

હર્ષ : “કંઇક તો ગરબડ છે. મને ગંધ આવી ગઈ.”

મનાલી (હસતા હસતા) : “ગંધ આવી તો ચોક્કસ તારા પેટ માં જ ગરબડ હશે.”

હર્ષ : “તું જા યાર. આજે તો ....”

અનુ : “બસ લા, નથી સાંભળવું અમારે. મનાલી તારી ખેંચે છે અને તું પણ એની વાતોમાં આવી જાય છે.”

મનાલી : “હર્ષ, હું તો વિચારું છું ભગવાને તને ક્યારે બનાવ્યો હશે? આમ કદાચ, જમતા જમતા. આખો દિવસ જેને ખાલી ખાવાનું જ સુઝે.”

હર્ષ : “ચલ એવું કઈ નથી. મારું વજન પહેલા કરતા બહુ ઘટી ગયું છે. હવે હું કઈ એટલું ખાતો પણ નથી.”

અનુ : “એ જ. પહેલા નાસ્તામાં છ વડાપાઉં ખાતો હતો આજે પાંચ ખાય પણ સાથે માથું ખાવાનું શીખી ગયો છે.”

હર્ષ (રિસાઈને) : “સારું જા. મારે તારી સાથે વાત જ નથી કરવી.”

અનુ : “ઓય્ય, સાંભળ. મનાલીને એક પ્રોબ્લેમ છે એટલે એ મારી સાથે વાત કરવા આવી છે.”

હર્ષ : “શું પ્રોબ્લેમ?”

મનાલી : “કઈ નહી. એક છોકરો છે એ હેરાન કરે છે બહુ દિવસથી. પહેલા ફેસબુક પર મેસેજ કરતો હતો, ત્યાં બ્લોક કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર આવ્યો, ત્યાં પણ બ્લોક કર્યો તો હવે ખબર નહી ક્યાંથી નંબર શોધી લાવ્યો. તો હવે ફોન કરીને હેરાન કરે છે.”

હર્ષ : “શું કહે છે?”

મનાલી : “એને હું બહુ ગમું છું એવા જ મેસેજ કર્યા કરે છે. હમણાં બે દિવસ પહેલા તો હદ કરી નાખી, વોટ્સએપ પર સીધો વિડીયો કોલ કર્યો. મેં એને મેસેજ કરીને કીધું કે મારે વાત નથી કરવી પણ માનતો જ નથી. અલગ અલગ નંબર પરથી ફોન કર્યા કરે છે.”

હર્ષ : “પણ તારે તો બોયફ્રેન્ડ છે જ ને. કહી દે એને. એ ફરી મેસેજ જ ના કરે.”

મનાલી : “ના હર્ષ, મારું હમણાં જ બ્રેકઅપ થઇ ગયું.”

હર્ષ : “ઓહોઓ, ક્યારે?” “અહિયાં એક મળતી નથી, અને તમને જે મળે છે એમાં વરણાગી સુઝે છે.”

અનુ : “હર્ષ, એ પછી કહેશે તને. હવે તું ફોન મુકીશ તો અમે કંઇક આનું સોલ્યુશન લાવીએ.”

હર્ષ : “ના, એનું સોલ્યુશન છે મારી પાસે.”

અનુ : “પ્લીઝ હર્ષ, તે અમને થોડા તો હસાવી લીધા છે પણ હવે અમારે વધારે નથી હસવું.”

હર્ષ : “મનાલી, તું વીંટી તો પહેરે છે ને?

મનાલી : “હા, પણ આમાં વીંટી નું શું કામ?”

હર્ષ : “બસ એક નાનું કામ કર, તું એ વીંટી મેરેજ પછી જે આંગળીમાં પહેરાય એ આંગળી માં પહેરીને એનો ફોટો પેલા છોકરા ને મોકલી આપ.”

અનુ : “બાબા, તો એનાથી શું થશે?”

હર્ષ : “માતે, જે છોકરી ‘સેટ’ હોય, જેનું ‘ભૂમિપૂજન’ થઇ ગયું હોય એ છોકરીને મોટાભાગના છોકરાઓ નથી છેડતા. જો એ પણ એમાંનો જ એક પાગલ આશિક હશે તો એ પછી કોઈ દિવસ તને હેરાન નહી કરે.”

મનાલી : “એની શું ગેરેન્ટી?”

હર્ષ : “જો, એ તને ખરેખર પસંદ કરે છે કે નહિ એ પૂછ? હા પાડે પછી ‘sorry, i’m engaged’ એવું કહીને ફોટો મોકલી આપજે. અને ‘All the Best’ એટલું છેલ્લે કહી દેજે. અથવા મોટાભાગની છોકરીઓ જે ડાયલોગ છોકરાઓને ચીપકાવતી હોય એ “you deserved better.”

અનુ : “વાત માં દમ તો છે મનાલી. આમ ભલે છોકરાઓ બહુ હરામી હોય પણ જે છોકરીનું નક્કી થઇ ગયું હોય એને નથી જ છેડતા.”

મનાલી : “ઓકે, ત્યારે કરી જોઈએ પ્રયત્ન. પણ બાકી આ જાડા શરીર માં બુદ્ધિ જેવું આવ્યું ખરું.”

અનુ : “હર્ષ, આ આઈડિયા તને ક્યાંથી આવ્યો?”

હર્ષ : “મારી સાથે એક વાર એવું થયેલું છે એટલે.”

મનાલી : “એટલે?”

હર્ષ : “અમારી કંપની માં એડમીન માં એક છોકરી હતી. મેં એને બહુ મેસેજ કર્યા તો છેલ્લે એણે આવી રીતે વીંટી નો ફોટો પાડીને મોકલી આપ્યો કે મારું નક્કી થઇ ગયું છે. પછી મેં એના નામ નું નાહી નાખ્યું. બે મહિના પછી જયારે એ અમારી કંપની છોડી ત્યારે ખબર પડી કે એ મને રમાડી ગઈ. એનું હજી સુધી કઈ નક્કી નહોતું થયું. બસ મારાથી પીછો છોડાવવા જ એણે એવું કીધું હતું.”

અનુ : “વાહ વાહ વાહ. એક્કીસ તોપો કી સલામી હર્ષ તને તો.”

મનાલી : “યાર, તે તો જબરા જબરા અનુભવ કર્યા છે. મિંગલ થવાની એક એક શક્યતા તે તપાસી જોઈ છે.”

હર્ષ : “તો પણ હજી સુધી ....”

મનાલી : “યાર સિંગલ હોવું ને એ બહુ જ સારું છે.”

હર્ષ : “કોણ કહે છે એવું?”

મનાલી : “હું. મેં સિંગલ અને રીલેશન બંને લાઈફ જોઈ છે એટલે જ કહું છું કે સિંગલ લાઈફ બેસ્ટ છે.”

અનુ : “સાચી વાત છે. સિંગલ લાઈફ જેવી કોઈ લાઈફ નથી.

મનાલી : “સાચું કહું છું હર્ષ. આ મિંગલ થવાના સપના છોડ. એની પાછળ સમય ના બગાડ. એના કરતા કંઇક બીજું કર. છોકરી મળી જશે એટલે કઈ બધું નથી મળી જવાનું. એ બીજા હજાર પ્રોબ્લેમ લઈને આવશે.”

અનુ : “આ લવ નો જે માર્ગ છે એ બહુ કઠણ છે અને તારા જેવા ભોળા વ્યક્તિ માટે બિલકુલ નથી.”

મનાલી : “એક છોકરી એ તને વીંટી મોકલી, એકે તારી પાસે શોપીંગનું લિસ્ટ પૂરું કરાવ્યું, એકે તને ભાઈ બનાવ્યો, આટલું બધું થયું છતાં તારે હજી મિંગલ થવું છે?”

હર્ષ : “મેં ક્યાંક વાંચ્યું છે કે, શાદી કે લડ્ડુ ખા કે ભી પછતાઓ, ના ખા કે ભી પછતાઓ, એટલે મારે ખાવો તો છે જ. ચાલો તમતમારે કામ કરો, હું મારું કામ કરું.”

અનુ : “ભેંસ ગઈ પાની મેં. કઈ પણ કહો આ નથી જ માનવાનો. જા ભાઈ જા, પછી મારી પાસે જ આવશે.”

એમ કરીને અનુ એ ફોન મૂકી દીધો અને હર્ષે ફરી ફેસબુક ખોલ્યું, કોઈક મળી જાય એની શોધમાં.