laagni pradarshit karo books and stories free download online pdf in Gujarati

લાગણી પ્રદર્શિત કરો

આપણે કોમેડી નાઈટ્‌સ વિથ કપિલ કે કોમેડી સર્કસ કે કોમેડી ફિલ્મો કે ઉમર શરીફ, સિદ્ધાર્થ રાંદેરીયા કે સંજય ગોરડીયાના કોમેડી નાટકો કે ઈવન ચાર્લી ચેપ્લિનની મૂંગી ફિલ્મો જોઈને પણ ખડખડાટ હસી પડીએ છીએ.

એવી જ રીતે જ્યારે કોઈ કરૂણાંત ફિલ્મ જોઈએ છીએ કે રડાવી મૂકે એવો કોઈ ઇમોશનલ દ્રશ્ય આવે ત્યારે આંખના ખૂણાઓ ભીના થઈ જોય છે. શા માટે? કારણ કે જે પાત્રો આપણને હસાવે છે કે રડાવે છે એ પાત્રોમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ. એમની સાથે આપણે હસીએ છીએ કે રડીએ છીએ. તેઓ એકટીંગની સાથે એમના મનમાં રહેલી ભાવનાઓ કે લાગણીઓને પણ પ્રદર્શિત કરે છે. અને આપણને લાગે છે કે આ તો આપણી જ લાગણી છે, આ તો જાણે આપણી જ વાત છે, આપણી જ કહાણી છે, આ તો આપણું જ દુઃખ છે. આપણે પાત્રો સાથે તાદાત્મયતા ધરાવીએ છીએ એટલે એનું દુઃખ આપણું દુઃખ, એનું સુખ આપણું સુખ, અને એના આંસુ આપણા આંસુ લાગવા માંડે છે.

ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરનારા નાસ્તિકો પણ ‘લાગણી’ કે ‘આવેગ’ (ઇમોશન્સ)નો ઇન્કાર કરી શકતા નથી. એવું નથી કે માત્ર માનવજાત જ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરે છે. પ્રકૃતિમાં ઘણા બધા પ્રાણીઓ અને સજીવો અને નિર્જીવ લાગતા વૃક્ષો (તેઓ પણ સંવેદના ધરાવે છે અને સજીવ છે એવું આપણા પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું છે) પણ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરે છે. માનવજાત અને બીજા પ્રાણીઓ કે સજીવો વચ્ચે લાગણી પ્રદર્શિત કરવામાં માત્ર એક તફાવત છે કે માનવજાત શબ્દો દ્વારા પણ પોતાની લાગણીનું પ્રદર્શન કરી શકે છે. જો કે લાગણી પ્રદર્શન માટે શબ્દોની કોઈ આવશ્યકતા નથી. આ તો મૂંગા રહીને પણ વ્યક્ત કરી શકાય છે અને શ્રેષ્ઠ લાગણીઓ મૂક રહીને પ્રદર્શિત થાય છે ત્યારે તેનો પ્રભાવ વધુ હોય છે.

‘ખામોશ’ રહીને આંખોથી બોલાતા શબ્દો વધુ અસરકારક હોય છે.

આ લાગણીઓ કે આવેગો જ હોય છે, જેના તંતુ દ્વારા આપણો સમાજ એકબીજો સાથે જોડાયેલો રહે છે. પતિ-પત્ની, કુટુંબીજનો, મિત્રો કે ધંધામાં બધી જગ્યાએ આપણા બધાનો સેતુ તો એક જ છે ‘લાગણી’. જો કે એના સ્વરૂપ અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ હોઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ નામની લાગણી ન હોય તો જીવન નર્ક બની શકે છે. એવી જ રીતે મા-બાપ અને સંતાનો વચ્ચે પણ આ સ્નેહભાવ ન હોય તો જીવન કંકાશમય બની જાય છે. બાળકો ચીડીયા અને ઉગ્ર બની જાય છે અને માબાપો બાળકો પોતાના કહ્યામાં નથી એવો બળાપો કાઢતા રહે છે. માલિક અને નોકર વચ્ચે આવા પ્રેમની કોઈ લાગણી હોય એ જરૂરી નથી પરંતુ વફાદારીની ભાવના હોય, ત્યાં મનમેળ હોય અને ત્યાં કંપની કે દુકાન કે ધંધાનું કામકાજ વધુ સારી રીતે ચાલતું હોય છે. મેનેજમેન્ટ ગુરૂઓ પણ સ્વીકારે છે કે ધંધા કે વ્યવસાયની સફળતા માટે માત્ર નિયમિતતા અને સખત પરિશ્રમ જ આવશ્યક નથી હોતા, પરંતુ કામ માટેની લાગણી વધારે મહત્વની હોય છે. જે કંપનીના સંચાલકો અને કાર્યકરો કે નોકરો વચ્ચે મનમેળ વધુ હોય છે ત્યાં ‘પ્રોડકટીવીટી’ વધુ હોય છે, અને આવી કંપનીઓ જ વધુ સફળ થતી હોય છે.

દુનિયાના મોટાભાગના લોકો કોઈકને કોઈક રીતે પોતાની લાગણીઓનું પ્રદર્શન કરતા હોય છે. પરંતુ કેટલાક અભાગિયા પણ હોય છે જેઓ પોતાની લાગણીઓ કે આવેગોનું પ્રદર્શન કરી શકતા નથી. એવું નથી હોતું કે તેઓ ‘લાગણીહિન’ હોય છે. પરંતુ તેઓ લાગણી પ્રદર્શિત કરવાની કોઇ કળા જાણતા હોતા નથી. પરિણામે તેઓ ‘બિન લાગણીશીલ’ કે ‘કઠોરહૃદય’ ગણાઈ જાય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે કોઈ પણ માણસ બિનલાગણીશીલ હોઈ શકે નહીં. લાગણીની માત્રામાં ફરક હોઈ શકે. જગતમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. મંદ લાગણી ધરાવતા, મધ્યમ લાગણી ધરાવતા અને તીવ્ર લાગણી ધરાવતા. મંદ લાગણી ધરાવતા લોકોને અસામાજિક તત્વો તરીકે આપણે ઓળખી શકીએ. અતિ તીવ્ર લાગણી ધરાવતા કે ‘હાઈપર સેન્સીટીવ’ લોકો વાતવાતમાં ભાવુક બની જાય છે. જગતમાં સૌથી સારી વાત આ છે કે મોટાભાગના લોકો આ બે અંતિમો વચ્ચે મધ્યમ લાગણી ધરાવતા હોય છે. મંદ લાગણી કે તીવ્ર લાગણી ધરાવવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારૂં નથી. આવા લોકો ઘણી બીમારીઓનો ભોગ બને છે. આવા લોકો ડાયાબિટીસ, લોહીનું ઊંચું કે નીચું દબાણ, હૃદયરોગની બીમારીનો ભોગ બની શકે છે. કેટલાક તીવ્ર લાગણી ધરાવતા લોકો ગાંડપણનો ભોગ પણ બની શકે છે.

માણસ જ્યારે બીજા માણસની લાગણી સમજે છે ત્યારે પોતે તો સુખનો અનુભવ કરે છે પણ સામેવાળાને પણ સુખી કરે છે. જ્યારે આપણે કહીએ છીએ કે ‘એ મને સમજે છે’ એનો અર્થ જ એ છે કે ‘એ મારી લાગણીઓને સમજે છે.’ પાડોશી કે સંબંધી બીમાર પડી જાય ત્યારે એને જોવા જાવ તો એને સારાપણાની કે પ્રસન્નતાની લાગણી થયા વિના રહેતી નથી. પ્રસન્નતા કે આનંદ પોતે પણ આપણો મૂડ દર્શાવે છે. આનંદ અને પ્રસન્નતાની ક્ષણો આપણી ઉપર છવાઈ જાય ત્યારે એક અવર્ણનીય અનુભૂતિ થાય છે.

સિગ્મંડ ફ્રોઇડે નોંધ્યુ હતું કે જીવનના પાયાના પ્રશ્નોમાં આખરી નિર્ણય લાગણીઓ ઉપર છોડી દેવો જોઈએ. શું ખરેખર આપણે એવું કરવું જોઈએ? ઘણી બાબતો એવી હોય છે કે જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે બુદ્ધિ અને હૃદયની વચ્ચે દ્વિધા અનુભવાય છે. આવા સમયે દિલની વાત માનવી જોઈએ એવો ઇશારો કદાચ સિગ્મંડ ફ્રોઇડ કરવા માગતા હશે. એ સત્ય છે કે ધંધા કે વ્યવસાયમાં અને જીવનની મોટાભાગની બાબતોમાં માણસ બુદ્ધિના કહેવા પ્રમાણે નિર્ણયો લે છે. પરંતુ બધી જ વખતે આવા નિર્ણયો સાચા પડતા નથી. ઘણી બાબતો એવી હોય છે જ્યાં બુદ્ધિને બાજુએ મૂકી હૃદયની વાત માનવાની હોય છે. જ્હોન રસ્કિન નામના મહાન લેખકે સરસ વાત કરી હતી,

“સામાન્ય અને ઉમદા માણસ વચ્ચેનો મુખ્ય તફાવત આ હોય છે કે એક જણ બીજા કરતા વધુ

લાગણી અનુભવે છે.”

આગળ કહ્યું એમ, લાગણી દર્શાવવા માટે શબ્દોની કે અવાજની પણ જરૂર નથી હોતી પરંતુ જ્યારે શબ્દો કે અવાજ સાથે લાગણી દર્શાવવામાં આવે તો એમાં સો ટકા સાચી લાગણીનો પડધો પડવો જોઈએ. બીજાના લાગણીસભર અવાજની આપણા ઉપર વધુ અસર થાય છે. શા માટે દીલીપકુમાર કે અમિતાભનો અવાજ આપણને અભિભૂત કરે છે? શા માટે મોહમ્મદ રફી, આશા, લતા, કિશોર, મુકેશ કે તલત મહેમૂદના ગીતો આજે આટલા વર્ષો પછી પણ સાંભળીને ઝૂમી ઉઠીએ છીએ? કદાચ એટલા માટે કે એમની ‘વોકલ રેન્જ’ની સાથે સાથે ‘ઇમોશનલ રેન્જ’ ઘણી ઊંચી છે, જે આજના ઘણા ગાયકોમાં જોવા મળતી નથી. કહેવાનો અર્થ એ છે કે જો બીજાના લાગણીસભર અવાજની અસર આપણા ઉપર થતી હોય તો આપણા લાગણીસભર અવાજની અસર પણ બીજા લોકોને થતી જ હશે ને? એટલે જ્યારે પણ બોલીએ ત્યારે સાચી લાગણીથી બોલીએ એ વધારે મહત્વનું છે. લાગણીસભર શબ્દોમાં એ તાકત હોય છે કે પહાડ જેવો માણસ પણ ઝૂકી જાય. જે કામ બીજો પાસેથી બળજબરીથી નથી કઢાવી શકાતું એ બે મીઠા લાગણીસભર બોલ બોલીને કરાવી શકાય છે. જ્યાં પથ્થરોથી કોઈ ઝૂકતું નથી ત્યાં માત્ર એક ફૂલથી ઝૂકી જાય છે.

માણસે પોતાની લાગણીઓ છુપાવવી જોઈએ ? કેટલીક વખત કોઈ અજ્ઞાત ભય કે પૂર્વગ્રહ કે ચિંતાને કારણે માણસ પોતાની લાગણી પ્રદર્શિત કરતો નથી કે કરી શકતો નથી. જો કે પાછળથી પસ્તાવવાનો વારો આવે છે. ત્યારે એને થાય છે કે જો એને એ વાત કહી દીધી હોત તો સારૂં થાત. અમારા એક એન્જીનીયર મિત્રને કોલેજમાં એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. શાળામાં પણ એ બંને સાથે જ હતા. કોલેજમાં આવીને અમારા મિત્ર એ છોકરીની વધારે નજીક જઈ શકયા નહિં. એ છોકરી પણ એની લાગણી સમજતી હતી પરંતુ કોઈ કારણસર એ પણ એકરાર કરી શકી નહીં. એન્જીનીયર બન્યા પછી અમારા મિત્ર અમેરિકન નાગરિકત્વ ધરાવતી ગુજરાતી છોકરી સાથે પરણી ગયા. એમને બાળકો પણ છે. ભારત આવતો રહે છે પરંતુ હજી પણ એને એ છોકરી યાદ આવે છે. આજે એ કહેવા ખાતર તો સુખી છે પણ એને અફસોસ થાય છે કે એને પોતાના દિલની વાત કહી દીધી હોત તો સારૂં થાત. એને પ્રપોઝ કરી હોત તો કદાચ એ લગ્ન માટે ઇન્કાર ન જ કરતી કારણ કે એ પણ એને ચાહતી હતી. માની લો કે એણે ના પાડી હોત તો એ વખતે દુઃખ થાત અને પછી બધું ભૂલી જવાતું પરંતુ એને ન કહ્યાનો જે ભાર એના હૃદય ઉપર આજદિન સુધી છે, એ તો ન જ હોત. ટૂંકમાં ચુપ રહેવા કરતા બોલી દેવામાં વધુ સુખ છે. શું ખરેખર આપણી લાગણી બીજાને દર્શાવી શકાય ખરી? એવો પ્રશ્ન ટોલ્સટોયે અન્ના કેરેનીનામાં કર્યો છે. એનો જવાબ તો એ જ હોઈ શકે કે શા માટે નહીં. આપણે લાગણી દર્શાવવી જ જોઈએ. અમે જ નહીં સંશોધકો પણ માને છે કે જે લોકો પોતાની લાગણીઓને દબાવી રાખે છે તેઓ જીવનની નિરાશ પળોમાં વધારે મુશ્કેલીઓ અનુભવે છે. આ ઉપરાંત આવા લોકો દુઃખદ લાગણીઓના ભાર હેઠળ બીમારીઓનો ભોગ બને છે. આનાથી સારૂં તો આ જ છે કે માણસ દિલ ખોલીને પોતાનો ભાર હળવો કરી લે. એનાથી દબાણ અને તાણ (સ્ટ્રેસ) ઓછા થાય છે.

કેટલાક લોકો મુશ્કેલ સમયમાં દારૂનો નિર્બળ આશરો શોધે છે. એમને લાગતું હશે કે આનાથી દુખ-દર્દ, તકલીફો ઓછી થઈ જશે તો તેઓ સાચા છે. પરંતુ આ તકલીફોમાંથી માત્ર થોડા સમય માટે ટેમ્પરરી રાહત મળે છે. પછી તો એ જ વિકરાળ વાસ્તવિકતા મોઢું ફાડીને ઊભી હોય છે. ફિલ્મોમાં આ દારૂ-બારૂ બધું સારૂં લાગે છે પરંતુ વાસ્તવિક જીવનમાં દેવદાસ બનીને જીવવું એ કોઈ ઉપાય નથી. દારૂના લાભ કરતા નુકસાન વધારે છે એ પણ યાદ રાખવું જોઈએ.

જ્યારે આપણે આપણી લાગણીઓ કે વિચારો કે આવેગોને કુટુંબીજનો કે મિત્રો સાથે શેર કરીએ છીએ ત્યારે આપણી જાતને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. જ્યારે આપણે વાત કહીએ છીએ તો બીજા લોકો પણ પોતાની વાત આપણને કહેવા પ્રેરાય છે. આ રીતે જ્ઞાન અને વિચારોની આપ લે વધે છે અને એકબીજા વચ્ચેની શરમની મર્યાદાઓ પણ દૂર થાય છે. અભિગમની વાત છે, નહિં તો ઘણા લોકોને માત્ર ત્રણ શબ્દો ‘આઈ લય યુ’ બોલતા પણ વર્ષોના વર્ષ લાગી જાય છે !