લાઇમ લાઇટ ૧૭

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૭    

રસીલી ફરી નિરાશામાં સરી રહી હતી. વેશ્યા બનીને પોતાના પતિ અને પિતાનો સહારો બની રહી હતી ત્યારે ભારતીબેન તેને આ કામમાંથી મુક્ત કરી રહ્યા હતા. અને જરૂર ન હોવાનું કહી રહ્યા હતા. રાતોરાત એવું તો શું થઇ ગયું કે મારી જરૂર ના રહી. કેટલાય પુરુષો પોતાની રાતને રંગીન બનાવવા તેની પાસે જ આવતા હતા. ભારતીબેને રસીલીને કારણે તેમના એક નિયમમાં પણ ફેરફાર કર્યો હતો. જેથી રસીલી વધુ કમાઇ શકે. અત્યાર સુધી કોઇપણ છોકરીને એક રાત્રિમાં એક જ ગ્રાહકને સંતોષ આપવાનો રહેતો હતો. પણ રસીલી પ્રત્યેની લાગણી કે પોતાનો સ્વાર્થ જે કહો તે ભારતીબેને તેને એક રાત્રિમાં બે ગ્રાહક આપવાનું શરૂ કર્યું હતું. હવે આજે એ જ ભારતીબેનને તેની જરૂર ન હોવાની વાત રસીલીના ગળે ઉતરતી ન હતી. તેને થયું કે નક્કી કોઇ બીજી જ વાત છે. રસીલીએ હિંમત કરીને કહ્યું:"બેન, મારી એવી તે કઇ ભૂલ થઇ ગઇ કે મને આ કામમાંથી મુક્ત કરી રહ્યા છો? તમને તો મારી સૌથી વધુ જરૂર હતી..."

રસીલીના સ્વરમાં ગભરાટ અને ચિંતાનો સૂર હતો.

ભારતીબેન તેની તરફ જોઇ મર્માળું હસ્યા અને હેતથી તેના માથે હાથ ફેરવી કહ્યું:"મારા આશીર્વાદ તારી સાથે છે...."

રસીલી બોલી ઉઠી:"હું અહીં તમારા આશીર્વાદથી જ તો છું..."

"હા, પણ હવે તારી મને નહીં ફિલ્મી દુનિયાને વધુ જરૂર છે. અને ત્યાં તું સફળ રહે એવા મારા આશીર્વાદ છે..."

"શું?"

"હા, તને એક ફિલ્મ માટે પસંદ કરવા મુંબઇ બોલાવી છે."

"કોણે?"

"થોડી લાંબી વાત છે. શાંતિથી બેસીને સાંભળ. થોડા દિવસ પહેલાં આપણે ત્યાં એક આર્ટ ફિલ્મના શુટિંગ માટે ટીમ આવી હતી. એ વખતે તું પરિણીત હોવા છતાં મેં તને ઊભી રાખી હતી. એ વાત સહાયક નિર્દેશકને પસંદ આવી ન હતી. અને તારી સાથે થોડું શુટિંગ કર્યા પછી અટકાવી દીધું હતું. પણ જ્યારે મુખ્ય નિર્દેશકે એ બધું શુટિંગ જોયું અને તારી ઓળખ પૂછી ત્યારે સહાયક નિર્દેશકે બધી વાત તેમને કરી. તેમની પારખુ નજરમાં તારી કમસીન જવાની વસી ગઇ લાગે છે. તેમણે આગામી ફિલ્મની હીરોઇન તરીકે તારા માટે વિચાર કર્યો લાગે છે. અને એ માટે તારે ઓડિશન આપવા મુંબઇ જવાનું છે. મને વિશ્વાસ છે કે તારી મદમસ્ત કાયા તને એ ફિલ્મ અપાવી દેશે.....!"

"શું  વાત કરો છો! તમે તો મને ગભરાવી દીધી હતી. મારા દિલની ધડકન વધી ગઇ હતી...."

"હવે તો તું લાખો નહીં કરોડોના દિલની ધડકન બની શકે છે. તું વિચાર કર, મેં તને પસંદ કરી લીધી હતી એટલી જ ઝડપથી તેમણે તને પસંદ કરી છે. હવે ઓડિશનમાં તું પાસ થાય એટલે તારું નસીબ ખૂલી ગયું એમ સમજી લે. તારા માટે ત્યાં પ્રવેશ મેળવવાનું સરળ છે..."

"એ કેવી રીતે બેન?"

"જો, તું ના જાણતી હોય તો તને કહી દઉં કે ફિલ્મી દુનિયામાં બધા લોકો ખરાબ હોતા નથી. પણ મોટાભાગની છોકરીઓએ પહેલી ફિલ્મ મેળવવા જ નહીં એ પછી ટકી રહેવા નિર્માતા, નિર્દેશક, હીરો કે ફાઇનાન્સરનું બિસ્તર ગરમ કરવું પડે છે. અને તને હમબિસ્તર થવામાં અહીંનો અનુભવ કામ લાગશે. એ બધું તારા માટે સામાન્ય હશે. ત્યાં છોકરીઓને તક મળે છે પણ શોષણ એટલું જ થાય છે. કોઇની સાથે લફરું પણ ચલાવવું પડે છે. થોડા સમયથી ત્યાં "મીટુ" નામનું અભિયાન ચાલે છે. જે છોકરીઓનું શોષણ થયું હતું, જેમનો ઉપભોગ થયો હતો એ હવે ફરિયાદો કરી રહી છે. એ સાચી છે કે નહીં એ કોઇ જાણતું નથી. કેટલાક માને છે કે કેટલીક સ્ત્રીઓ સાચી છે તો કેટલાક પબ્લિસિટી માટે હોવાનું માને છે. પણ મારી થોડી સલાહ તું તારી છાતી પર ટેટુની જેમ કોતરી રાખ. જો તને આ નિર્દેશક પસંદ કરી લે તો તેમને કહેજે કે તું ક્યાંથી આવી છે અને શું ધંધો કરતી હતી એ વાત ક્યારેય બહાર આવવી જોઇએ નહીં. અને ગમે તેને તારું શરીર સોંપવામાં ઉતાવળ ના કરતી. જો એમ કરીશ તો તેમની નજરમાં તારી હેસિયત એક વેશ્યાથી વધારે નહીં હોય. ભલે અત્યારે તું વેશ્યા છે. ત્યાં તો થોડા તડપાવજે જ. અને જરૂર લાગે ત્યાં ઉતાવળ પણ કરજે. તું પહેલી ફિલ્મ માટે ખાસ ફી મેળવી શકશે નહીં. કેમકે તે આર્ટ ફિલ્મોના નિર્દેશક છે. પણ તારી ઓળખ જરૂર બની જશે. એનો લાભ લઇને બીજી ફિલ્મો મેળવી લેજે. મને ખાતરી છે કે તારામાં આવી ઘણી સમજ છે. તેં તારા અખંડ કૌમાર્યનો ઉપયોગ પહેલા ગ્રાહક પાસેથી વધુ રૂપિયા મેળવવા કર્યો એ પરથી જ હું તને માની ગઇ હતી. આ અંધારી દુનિયામાંથી તું ઝાકઝમાળની મોટી દુનિયામાં જઇ રહી છે. કોઇનો સાથ તારી સાથે રાખજે. નહીંતર તારી હાલત સારી નહીં રહે. ત્યાં મોટા ગીધ ફરતા હોય છે."

"બેન, હું તમારી દરેક વાત ગાંઠે બાંધી રાખીશ. તમે મને સારું માર્ગદર્શન આપ્યું. મને મા જેવું હેત તમારી પાસેથી મળ્યું છે...."

રસીલીની આંખમાં પાણી આવી ગયાં.

ભારતીબેને તેને બાથમાં લઇ કહ્યું:"મને તારા જવાનું દુ:ખ તો છે પણ તારી પ્રગતિ થશે તો આનંદ થશે. તારું હીરોઇન બનવાનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે."

રસીલીએ તેમના ચરણસ્પર્શ કર્યા. ભારતીબેને તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. અને બેલની સ્વીચ દબાવી. ત્યાં એક છોકરી આવી અને બોલી:"બેન, હુકમ કરો."

"જા બધી છોકરીઓને બોલાવી લાવ. રસીલીને આપણે વિદાય આપવાની છે." કહી ભારતીબેને નિર્દેશકનું સરનામું અને ફોન નંબર લખેલો એક કાગળ આપ્યો.

રસીલીએ સાચવીને તેને પોતાના પર્સમાં મૂકી દીધો. હોસ્પિટલમાં રાઘવે આપેલી ભારતીબેનના મોબાઇલ નંબરની ચબરખી સાથે જ તેણે આ કાગળ મૂક્યો.

થોડીવારમાં કલબલાટ કરતી બધી છોકરીઓ આવી પહોંચી. અને રસીલીને અભિનંદન આપવા લાગી. ત્યારે ભારતીબેન બોલી ઉઠ્યા:"તેને અત્યારે અભિનંદન કરતાં તમારી શુભેચ્છાની વધારે જરૂર છે. તે ઓડિશનમાં સફળ થાય અને અહીં પાછા આવવું ના પડે એવું ઇચ્છીએ..."

બધી છોકરીઓએ ઉત્સાહથી રસીલીને શુભેચ્છા આપી. એ જોઇ રસીલી વિચારવા લાગી. બધી છોકરીઓને પોતાને વિદાય આપવામાં કંઇક વધારે ઉત્સાહ દેખાયો. આ છોકરીઓ તો પહેલા દિવસથી જ મને તેમની મોટી હરિફ માનતી આવી છે. તેમના દિલમાં મારી પ્રગતિનો નહીં પણ હું જઇ રહી છું એ વાતની ખુશી હશે. તેમના મનની વાત કળવાનું સરળ ન હતું. ત્યાં પાછળ ઊભેલી બે છોકરીઓને ખાનગીમાં હાથ મીલાવતી જોઇ રસીલીના મનમાં શંકા ઊભી થઇ. શું મને અહીંથી કાઢવાનું આ છોકરીઓનું કોઇ કાવતરું તો નથી ને? રસીલીને થયું કે ભારતીબેને આપેલો નંબર ચેક કરી લેવો જોઇએ. પણ આ બધાની વચ્ચે સારું નહીં લાગે અને ભારતીબેન પર અવિશ્વાસ જેવું લાગશે.

બધી છોકરીઓ ગઇ એટલે તેણે ભારતીબેન પાસેથી રજા લીધી. ભારતીબેને તેના નીકળતા બધા જ રૂપિયા આપી દીધા અને ભેટમાં એક સોનાની લકી આપી. રસીલી ખુશ થઇ ગઇ.

રસીલીએ ભારતીબેનના મકાનમાંથી બહાર આવીને ઝટપટ પર્સમાંથી કાગળ કાઢ્યો અને નિર્દેશકનો મોબાઇલ નંબર ડાયલ કર્યો.

સામેથી અવાજ આવ્યો:"કોણ?"

"હું...હું રસીલી?"

"કોણ રસીલી?"

"હું ભારતીબેનની રસીલી..."

"હું કોઇ ભારતીબેનને ઓળખતો નથી..." કહી સામી બાજુએથી ફોન કટ થઇ ગયો.

રસીલીને થયું કે તેની શંકા સાચી પડી છે. છોકરીઓએ કોઇની પાસે મારી ફિલ્મ માટે પસંદગી થઇ હોવાનો ભારતીબેનને ફોન કરાવ્યો છે અને ભારતીબેને એ વાત સાચી માની મને કાઢી મૂકી છે.  

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૧૧૫૦૦ થી વધુ ડાઉનલોડ થઇ ચૂકેલી "લાઇમ લાઇટ" ના આ પ્રકરણમાં રસીલી વિચારે છે એમ ખરેખર તેને કાઢી મૂકવા બીજી છોકરીઓએ ચાલ રમી છે? એ ઉપરાંત અગાઉના પ્રકરણોમાં  ધારાએ તેની પોર્ન સીડી બનાવનાર સાકીર ખાન માટે શું વિચાર્યું હશે? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો ફાઇનાન્સર રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. 

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી?

માતૃભારતી પરના ૧.૧૬ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૭૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો" ની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે.

આ ઉપરાંત મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લઘુ નવલ "આંધળો પ્રેમ"

પ્રેરણાત્મક વાર્તાઓ "જીવન ખજાનો"

ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"

અને રોમેન્ટિક તથા સામાજિક વાર્તાઓ તો ખરી જ. 

મારી તમામ ૧૨૧ બુક્સના કુલ વ્યુઝ ૧.૯૨ લાખ થઇ ગયા છે એ માટે આભારી છું.

***

Rate & Review

ATULCHADANIYA 2 days ago

Nalini 2 days ago

Ashish Rajbhoi 6 days ago

Asha Parmar 2 weeks ago

Bhavesh Rana 3 weeks ago