Premni pele paar - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૦

આગળના ભાગમાં આપણે જોયું કે અભીને આકાંક્ષાની બીમારી ની જાણ થાય છે. પણ એ બીમારી આગળ હાર માનવાને બદલે આકાંક્ષાને મુંબઈની કેન્સર હોસ્પિટલમાં ફરી રિપોર્ટ્સ માટે લઈ જાય છે. આ તરફ આકાંક્ષાની તબિયત દિવસે ને દિવસે કથળી રહી છે. આકાંક્ષા અભીને સૌમ્યા સાથે લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મૂકે છે. હવે આગળ..

*****

સવાલ   આ   કેવો   કરે   છે   તું ?
જવાબ  કેમ  કરી  આપી  શકું  હું ?
જિંદગીના  હોય  કઈ  કોઈ  વિકલ્પ,
તારા વિના જીવન કેમ કલ્પી શકું હું ?

અભીની ઈશ્વર કપરી કસોટી કરી રહ્યો હતો. એક પછી એક નવી નવી મુસીબતો એના પર આવી રહી હતી. હજુ તો આકાંક્ષાની બીમારીની કળ વળતી ન હતી ત્યાં તો આકાંક્ષાની આ કેવી માંગણી!? કાલે રાતે જ એણે એક વચન લીધુ હતું કે આકાંક્ષાને એ મરવા પહેલા મરવા નહિ દે. એને જીવનની દરેક ખુશી આપશે, ને હવે આકાંક્ષાએ આ કેવી માંગણી કરી ?

અભી એકદમ સડક થઈ આકાંક્ષા સામે જોઈ રહ્યો. એનું મન વિચારો થી ઘેરાઈ ગયું. સૌમ્યા? મારી બેસ્ટ ફ્રેન્ડ એની સાથે લગ્ન? હું આવું વિચારી પણ ન શકું. એની સાથે તો શું હું કોઈ સાથે પણ લગ્ન વિષે ન વિચારી શકું. હજુ તો રિપોર્ટ્સ ક્યાં આવ્યા છે! આકાંક્ષાને કઈ નહિ થાય. મને પૂરો વિશ્વાસ છે મારી અક્ષી બિલકુલ સ્વસ્થ જ છે, ને મનોમન અભીથી એક હળવો નિઃસાસો નખાઈ ગયો.

અભી બોલ્યો, "અક્ષી, તું શું બોલે છે તને એનું ભાન છે!? હું શા માટે સોમી સાથે લગ્ન કરું? તને કઈ જ નથી થવાનું યાદ રાખજે. હજુ રિપોર્ટ્સ તો આવવા દે. તે હાર કેમ માની લીધી. તને કશું નથી થયું. આપણે ધરતી આસમાન એક કરી દઈશું, તને કઈ નહિ થાય અક્ષી."

આકાંક્ષા અભીનો હાથ પોતાના હાથમાં લઈ બોલી, " અભી, તું માને કે ન માને પણ આ હકીકત છે કે મારી પાસે બહુ ઓછો સમય રહ્યો છે. ને એટલે જ હું તને એવા હાથમાં સોંપીને જવા માંગુ છું કે હું ચેનથી મરી શકું."

અભીએ અક્ષીના હોઠ પર હાથ રાખી દીધો. આકાંક્ષા હાથ હટાવી બોલી, " અભી, ક્યાં સુધી હકીકતથી દૂર ભાગીશ! ગમેં એટલો દૂર ભાગીશ સત્ય થોડું બદલાશે. તું ધીમે ધીમે મને ખોઈ રહ્યો છે અભી. આ વાતથી તું નકાર કેટલો ભણીશ. બસ મરતા પહેલા આ એક છેલ્લી ઈચ્છા બસ પુરી કરી દે. હું પછી ક્યારેય કઈ નહિ માગું તારી પાસે."

આકાંક્ષાને જોરથી ઉધરસ આવી. ઉધરસ લેવામાં એને હાંફ ચઢી ગયો. અભી પાણી લેવા દોડ્યો. એ પાણી પીને થોડી સ્વસ્થ થઈ. અભી આગળ કઈ જ વાત કરવા ન માંગતો હોય એમ લાગતા આકાંક્ષા મૌન રહી.

આકાંક્ષાને થોડી વીકનેસ લાગતી હોય છે એટલે જમીને એ અને અભી આરામ કરવા રૂમમાં જતાં રહે છે. આકાંક્ષા વિચારતી હોય છે કે કઈ રીતે ફરી વાત સ્ટાર્ટ કરે અને એટલામાં અભીને ફોન આવે છે અને એ એની ફાઈલ શોધવામાં વ્યસ્ત થઈ જાય છે.

"અભી તું તારી એક પણ વસ્તુ બરાબર સાચવી શકતો નથી. મારા ગયા પછી શું થશે તારું? મને તારી ચિંતા રહ્યા કરે છે. " આકાંક્ષા ધીમે રહીને અભીને કહે છે. એને આ સમય યોગ્ય લાગ્યો અભીને સૌમ્યા જોડે લગ્ન કરવા મનાવવાનો.

"આ મારા ગયા પછી એ શું છે? તને કશું જ થવાનું નથી." અભી ફાઈલ હાથમાં લેતાં થોડા ગુસ્સા સાથે બોલ્યો.

"અભી તારા કહેવાથી સત્ય નથી બદલાઈ જવાનું. હું હવે થોડા સમયની મહેમાન છું અને એટલે જ હું ઈચ્છું છું કે તું સૌમ્યા જોડે લગ્ન કરે. મારા પછી એ જ છે જે તને સાચવી શકે. અને મેં સૌમ્યા સાથે પણ આ વિષય પર વાત કરી છે." થોડા ડર સાથે આકાંક્ષા બોલી.

અભી એક દમ ચોંકી જાય છે આ સાંભળીને, પણ ખોટી ચર્ચા કરીને એ આકાંક્ષાને અત્યારે શ્રમ નહતો આપવા માંગતો એટલે એક દમ મક્કમતાથી અને મોટા આવજે એ બોલે છે કે, "ફરી એ જ વાત. મેં સવારે જ ના પાડી હતી ને. અત્યારે તારી તબિયત જ મારી પ્રાથમિકતા છે. તને ફરી પહેલા જેવી જોવી છે બસ... આજ પછી આ વિષય પર મારે કોઈજ વાત ના જોઈએ.."

આકાંક્ષાને થયું કે હવે અત્યારે આ વાત બંધ કરવી પડશે અને અભીને મનાવવા બીજો કોઈ રસ્તો શોધવો પડશે. આ તરફ અભી આકાંક્ષાની આવી વાતોથી થોડો ચિંતિત થાય છે.

ત્યાં અભીનો ફોન વાગે છે. ઓફિસથી કોઈ કામ માટે ફોન હોય છે. એ વાત કરતો કરતો હોલ તરફ જાય છે. સૌમ્યા એના રૂમમાંથી ફ્રેશ થઈને હોલમાં સોફા પર બેઠી હોય છે. અભી એની પાસે બેસે છે. ફોન પર વાત પતાવીને અભી સૌમ્યા તરફ જોઈને બોલે છે, "સોમી, અક્ષીનું માઈન્ડ ડાયવર્ટ કરવું જોઈએ. એ આ હોસ્પિટલ ને તબિયત વચ્ચે કદાચ બહુ પીસાઈ રહી છે. તને શું લાગે શુ કરવું જોઈએ!"

"હા હું પણ એજ વિચારી રહી હતી. રી યુનિયન કરીએ?", સૌમ્યા આંખોમાં એક ચમક સાથે બોલી.

"વૉવ.. યાર.. તું તો લંડન જઈને હોશિયાર થઈ ગઈ.",અભી સહેજ સ્મિત સાથે બોલ્યો.

"ચાલ તું મહેકને કોન્ટેકટ કર, હું પેલા વેદને અને સ્વપ્નિલ ને. આઈ નો, કે સ્વપ્નિલ માટે આવવું આટલું સહેલું નહિ હોય. પણ ટ્રાઇ તો કરીએ.", સૌમ્યા તરત પ્લાન કહેવા લાગી.

અભી મહેકને ફોન લગાવીને જણાવે છે કે એ, અક્ષી અને સૌમ્યા મુંબઈ આવ્યા છે અને હજી ત્રણેક દિવસ રોકવાના છે. મહેક તો આ સાંભળીને ખુશી થી ઉછળી જ પડે છે અને અભી આગળ કંઈ કહે એ પહેલા જ પુનાથી મુંબઈ આવવા તૈયાર થઈ જાય છે.

જ્યારે આ તરફ સૌમ્યાએ વેદ અને સ્વપ્નિલને કોન્ફરન્સ કોલ લગાવ્યો અને આકાંક્ષાના થર્ડ સ્ટેજના કેન્સરની બીમારી વિશે વાત કરી. અને જોડે એ પણ જણાવ્યું કે આકાંક્ષાએ આ વાત બધાથી છૂપાવી અને અભીને પણ હમણાં જ આ વાતની ખબર પડી છે. આ બધું સાંભળી વેદ તરત જ બોલી ઉઠ્યો કે એ ટિકિટ મળે એટલે તરત મુંબઈ આવી જશે. સ્વપ્નિલે પણ કહ્યું એ જેટલું જલ્દી બની શકે એટલું કામનું સેટિંગ કરી ઇન્ડિયા આવા પ્રયત્ન કરશે.

આ ફોન પત્યો પછી સૌમ્યાએ પ્રથમને ફોન લગાવ્યો અને એને પણ આકાંક્ષાની તબિયતની લેટેસ્ટ જાણકારી આપી. સૌમ્યાના અવાજમાં રહેલી હતાશા સાંભળીને પ્રથમ એને સ્ટ્રોંગ રહેવા માટે સમજાવતો હતો. પ્રથમના અવાજમાં સૌમ્યા માટેની ચિંતા દેખાઈ આવતી હતી.

આ તરફ વેદ ને મહેક બીજે દિવસે સવારે જ પહોંચી જાય છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સ્યુટના હોલમાં અભી, આકાંક્ષા, સૌમ્યા, વેદ અને મહેક બેઠા હતા. આકાંક્ષાની બીમારીની વાતને લઈને વાતાવરણ થોડું ભારે થઈ ગયું હતું. બધા ને શું બોલવું એ જ ખબર નહતી પડતી એટલે થોડી વાર સુધી અકળાઈ નાખે એવું મૌન પ્રથરાઈ ગયું હતું. મહેક એના એક વર્ષના દીકરાને લઈને આવી હતી જે થોડી થોડી વારે કઈ અવાજ કરીને વાતાવરણમાં કોઈ મનુષ્ય હોવાની હાજરી પુરાવી રહ્યો હતો. આખરે એની ધીરજ ખૂટી અને એણે મોટે મોટે થી રડવાનું ચાલુ કર્યું. એનો મોટો અવાજ સાંભળીને તરત જ વેદ બોલી ઉઠ્યો, "એક દમ એની મમ્મી ઉપર ગયો છે કોઈ ધ્યાનના આપે તો ખોટા નાટક કરવાના." અને આ સાથે જ બધામાં હસાહસ થઈ ગઈ.

હવે ધીમે ધીમે બધાએ વાતો કરવાની શરૂઆત કરી અને જૂની યાદો વાગોળવા લાગ્યા, ત્યાં વેદ બોલ્યો,
"પેલો એન્યુઅલ ડે યાદ છે બધાને.."
ને બધાની આંખમાં ચમક આવી ગઈ.
મહેક બોલી, "મને તો ક્યારેય નહીં ભુલાય. ખબર છે ને ડ્રામામાં હું જુલિયટ બની હતી. ને કેવી સીડી પરથી પડી હતી."
ફરી બધા હસી પડ્યા. અભી બોલ્યો,  "આકાંક્ષા આપણો ડાન્સ યાદ છે! દિલ તો પાગલ હૈ વાળો, આ સોમીને બહુ મિસ કરી હતી આપણે ત્યારે ખબર ને...."

આ તરફ સ્વપ્નિલ વિડીયોકોલ દ્વારા બધાને સાંભળી રહ્યો પછી બોલ્યો, "કેવો હોય કોલેજકાળ નહિ ! પાઈની કમાઈ નહિ તોય ઠાઠ રાજા જેવા, ને મિત્રો જ જાણે સર્વસ્વ.. એ લાઈફ જીવ્યા એટલી જ જાણે જીવ્યા બાકી તો જવાબદારીઓ બસ દોડાવે છે, ને થકાવે પણ છે. હવે તો થાય એ દિવસો દસ વર્ષ સુધી હોત તો કેવી મજા હોત! આ મહેકની જેમ ભલે એટીકેટી લાવત પણ જિંદગી ખરેખર જીવી હોય એમ તો લાગત"

આ વાત સાંભળી મહેક પણ હસી પડી. વાતોમાં ને વાતોમાં સાંજનો સમય થઈ ગયો એનું કોઈને ધ્યાન ન રહ્યું. ડિનર રૂમ પર જ મંગાવી લીધું. મોડું બહુ થઈ જતા બધાએ સુવાનો વિચાર કર્યો. વેદ ને અભી એક રૂમમાં ગોઠવાયા. મહેક ને આકાંક્ષા જાણે કેટલીય વાતો બાકી હોય એમ નાના "કવીશ" ને સુવડાવી હોલમાં બેઠા બેઠા વાતો કરતા હતા.

અભીને ઊંઘ ન આવતા એ બાલ્કનીમાં ઉભો રહ્યો. સૌમ્યા ત્યાં આવીને એની બાજુમાં ઉભી રહી.

"પતી ગઈ વાતો તમારી?", અભી સૌમ્યાને જોઈને બોલ્યો.

"અમારી વાતો ખૂટે ખરી!? આતો હું એમ જ થોડીવાર ખુલ્લી હવામાં આવી.", સૌમ્યા બોલી.

અભી સવારે એની ને આકાંક્ષાની થયેલી લગ્નની વાત પર સૌમ્યા જોડે વાત કરવા માંગતો હતો. એને આ સમય યોગ્ય લાગ્યો. એને શુ પૂછવું એ સમજાતું ન હતું પણ પછી એને સીધુ જ પૂછી લેવાનું વિચાર્યું.

"એકવાત કે સોમી. આ અક્ષી એ તને કઈ આપણા લગ્ન વિશે કીધું છે?", અભીએ ધીરેથી પૂછ્યું. 

સૌમ્યાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. એને શુ જવાબ આપવો એ સમજાઈ ન રહ્યું હતું. એ જાણતી ન હતી કે આ બાબતે અભીના શુ વિચાર છે.

આતે   કેવા મોડ પર લાવે છે જિંદગી?
દિલ ને દિમાગ વચ્ચે લડાવે છે જિંદગી,
એક  સમય  જ  છે  ઉકેલ ઉલઝનોનો,
એ  વાત વારંવાર સમજાવે છે જિંદગી.

© હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ