Ran Ma khilyu Gulab - 2 books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ગુલાબ - 2

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(2)

યે મેરા પ્રેમ પત્ર પઢકર કે તુમ નારાજ ના હોના

કી તુમ મેરી જિંદગી હો, કી તુમ મેરી બંદગી હો

બિલ્વા આજે ભયંકર ગુસ્સામાં હતી. કેમ ન હોય? કોઇએ આજે એનાં નામે પ્રેમપત્ર લખી મોકલ્યો હતો. સાંજે કોલેજમાંથી છૂટીને એ જ્યારે ઘર તરફ જવા નીકળતી હતી, ત્યારે એને ખબર પડી. પહેલાં એણે પર્સ હાથમાં ઊઠાવ્યું, પછી બેન્ચની નીચેના પાટીયા પર પડેલી નોટબૂક ખેંચી, એ સાથે જ અંદરથી એક કવર સરી પડ્યું.

પ્રેમપત્રો સ્વયં બોલકા હોય છે. પોતાની ઓળખ જાતે જ આપી દેતા હોય છે. કવરનો રંગ ગુલાબી હતો. લખનારે એના પર પર્ફ્યુમના ફુવારા છાંટેલા હતા. અંદરનો લવલેટર પણ ગુલાબી રંગનો હતો. લિખિતંગની જગ્યાએ દિલ ચીતરેલું હતું. દિલની આરપાર જતું હોય એવા તીરની નિશાની પણ દોરેલી હતી. માત્ર લખનારે પોતાનું નામ લખ્યું ન હતું. બિલ્વાનાં ગુસ્સા પાછળનું કારણ આ જ હતું. જો આ લવલેટર કોણે લખ્યો હતો એટલું જાણવા મળી જાય તો પછી એ બદમાશનું આવી બને. બિલ્વા પોતાના બે પહેલવાન ભાઇઓને કહીને એ મજનૂના હાડકાં ભંગાવી નાખે. જિંદગીમાં એ ‘જવાંમર્દ’ પોતાની કાયદેસરની પત્નીને પણ પ્રેમપત્ર લખવાની હિંમત ન કરે. પણ એને ઝડપવો શી રીતે? આ લવરબોયને શોધવો હોય તો એની નિશાની આ લવલેટરમાંથી જ ખોળી કાઢવી પડે. દરેક ગુનેગાર એના અપરાધની કોઇ ને કોઇ સાબિતી છોડી જ જતો હોય છે; એવું બિલ્વાએ ક્યાંક વાંચ્યું હતું. કદાચ કોઇ જાસૂસી ચોપડીમાં.

બિલ્વા પણ જાસૂસ બની ગઇ. બિલ્વા બોન્ડ. બે વાર વાંચેલા પત્ર એ ફરીથી વાંચવા લાગી: “ બ્યુટીફુલ બિલ્વા, આઇ લવ યુ.” શરૂઆતમાં જ આવું લખાયેલું હતું. પછી લખનારે ઊમેર્યું હતું: “ આમ જુઓ તો આ પત્ર અહીં જ પૂરો થાય છે. સંબોધનમાં તારા સૌદર્યુનું વર્ણન સમાઇ જાય છે અને એ પછીના ત્રણ શબ્દોમાં મારા દિલની વાત. હવે આગળ હું જે કંઇ લખીશ તેને બોનસ માની લેજે.” એ પછી મજનૂએ એની લયલાને શબ્દોના શણગારથી સજાવી દીધી હતી. બિલ્વાનાં તસતસતા જોબનિયાનુ અસરદાર વર્ણન કર્યું હતું. એના રેશમી બાલ, ગુલાબી ગાલ અને મદમાતી ચાલને આદરાંજલી આપી હતી. એનાં વાઇટલ સ્ટેટેસ્ટીક્સનુ બારીક તલ સ્પર્શી અધ્યયનપૂર્ણ બયાન રજૂ કર્યું હતું. અને અંતમાં લખ્યું હતું: “ હું રોજ કોલેજમાં ભણવા માટે આવું છું તે લોકોનો ભ્રમ છે, મારી નિયમિત હાજરીનો મર્મ તો માત્ર તું જ છે. હું તને જોવા માટે આવું છું. મારુ ચાલે તો હું તને મારી પાંપણની પાંખ પર ઊપાડીને કોઇ એવા એકાંત સ્થાનમાં લઇ જાઉં જ્યાં મારા અને તારા સિવાય ત્રીજા કોઇ માણસની વસતી ન હોય. વર્ષોના વર્ષો આપણે એકબીજાના સહવાસમાં વીતાવીએ. પણ આ વાત તમે રૂબરૂમાં જણાવવા જેટલી હિંમત ક્યાંથી લાવવી? એટલે આ પત્ર લખ્યો છે. હું તારા ભાઇઓને જાણું છું. એ બંને અખાડીયનો મારા શરીરનું ‘સેલાડ’ કરી નાખે તેવા જાલીમ છે. એટલે મારું નામ નથી લખતો. બસ, લિખિતંગ પછી ઘવાયેલા દિલનું ચિત્ર જોઇને સમજી જજે કે તારા પ્રેમની પૂનમનો પાગલ એકલો એવો હું જ છું.......”

લખનાર તો ઘાયલ હતો એટલે આવું લખતો હતો, બાકી એની છેલ્લી વાત ખોટી હતી. બિલ્વા જાણતી હતા કે એની કોલેજમાં જેટલા છોકરાઓ ભણતા હતા તે તમામ એનાં રૂપની પૂનમ પાછળ ઘેલા થયેલા હતા. અને આ બાબત જ સૌથી મોટી તકલીફ આપનારી હતી. કારણ કે પત્રના લખાણમાંથી એના લખનાર વિષે કોઇ અણસાર મળી શકતો ન હતો. બિલ્વા ઊંડા વિચારમાં પડી ગઇ. ગુલાબી કવર, ગુલાબી કાગળ, લાલ શાહિથી લખાયેલો પત્ર. વિદેશી પર્ફ્યુમની મહેંક. એ બબડી રહી, “વોચ રાખવી પડશે. એક વાર ગુનેગાર પકડાય, પછી એની ખેર નથી.”

બે દિવસ પછી ગુનેગાર પકડાઇ ગયો. એ કુમાર હતો. જેવો એ ક્લાસરૂમમાં દાખલ થયો તે સાથે જ એના પર્ફ્યુમની સુવાસથી વાતાવરણ મઘમઘી ઊઠ્યું. આ એ જ બ્રાન્ડ હતી જે પત્ર લખનારે કવર પર છાંટવા માટે ઉપયોગમાં લીધી હતી. બિલ્વાએ પોતાનાં ભાઇઓને કુમારનુ નામ જણાવી દીધું, ભાઇઓએ કુમારને પોતાનુ કામ જણાવી દીધું. મારી-મારીને તોડી નાખ્યો. હાથ-પગમાં ચાર ફ્રેક્ચર્સ કરી આપ્યા. ઉપરથી આ ધમકી, “ખબરદાર, જો પોલીસને અમારુ નામ આપ્યું છે તો! બીજી વાર જીવતો નહીં જવા દઇએ. અને સાજો થયા પછી કોલેજ બદલી નાખજે.”

કુમાર તો પછી ફરી ક્યારેય દેખાયો નહીં, પણ પંદરેક દિવસ માંડ થયા હશે ત્યાં બિલ્વા પર બીજો લવલેટર લખાઇ ગયો. આ વખતે પત્રલેખકે સાવ સલામત તરકીબ અપનાવી હતી. બિલ્વા જ્યારે કોલેજમાં આવી અને એની જગ્યા પર બેસવા ગઇ ત્યાં જ એની નજર એની બેઠક પર પડી. ત્યાં એક ગુલાબી રંગનુ કવર પડેલું હતું. લાકડાની બેઠક ઉપર સેલોટેપ વડે ચીપકાવેલું હતું. બિલ્વા ચોંકી ઊઠી. હજુ બીજા વિદ્યાર્થીઓ આવ્યા ન હતા. આ પત્ર કોણ આવીને મૂકી ગયું હશે? અને સૌથી મોટી વાત; કુમાર તો આ કોલેજ છોડી ગયો હતો; તો પછી આ પત્ર કોણે લખ્યો હશે?

આનો જવાબ કવરની અંદર રહેલો હતો. આ બીજો પ્રેમપત્ર હતો જેમાં લખેલું હતું: “ સોરી, બિલ્લો રાની! આ તમે લોકોએ સારુ નથી કર્યું. કુમાર બિચારો વિના વાંકે કૂટાઇ ગયો. પર્ફ્યુમની સુગંધ એક સરખી નીકળે એટલે પત્ર એણે જ લખ્યો હોય તેવું થોડું છે? કંપનીએ કંઇ એવી એક જ બોટલી ન બનાવી હોય. લે, આજે મેં બીજી બ્રાન્ડ વાપરી છે. સૂંઘીને કહેજે કે તને ગમી કે નહીં! બાય ધી વે, પર્ફ્યુમને માર ગોળી, પ્રેમ સ્વીકાર્ય છે કે નહીં એની વાત કર ને! ઇચ્છા તો જોરદાર થઇ આવે છે કે આ પત્રમાં હું મારુ નામ જણાવી દઉં, પણ સાચું કહું? તારા બે ભાઇઓનો ડર લાગે છે. ભગવાન આવું શા માટે કરતો હશે? સવારની શબનમ જેવી રૂપસુંદરીને કાળમીંઢ ચટ્ટાન જેવા ભાઇઓ શા માટે આપતો હશે? એની વે, હું તો તને પ્રેમ કરું છું અને જીવીશ ત્યાં સુધી કરતો રહીશ.” બિલ્વા ફરી-ફરીને પત્ર વાંચી ગઇ. પ્રેમીએ કોઇ પુરાવો છોડ્યો છે કે નહીં એ શોધતી રહી. દરેક ઝીણી-ઝીણી વાતની નોંધ કરતી રહી.

ગુનેગાર ઝડપાઇ ગયો. વધુ રાહ ન જોવી પડી. એ જ દિવસે ઝડપાઇ ગયો. એ શેખર હતો. રીસેસ પછીના પિરિયડમાં પ્રો. શેલતે જ્યારે પૂછ્યું, “મારી નોટ્સનો એક મહત્વનો કાગળ ફાટી ગયો છે. કોઇની પાસે સેલો ટેપ છે, પ્લીઝ?” ત્યારે શેખર દોડી આવ્યો. પેન્ટના ખિસ્સામાંથી સેલોટેપ કાઢીને સરના હાથમાં મૂકી દીધી. પ્રો. શેલતે પૂછ્યું પણ ખરું, “વ્હોટ એ સરપ્રાઇઝ! કોઇ સ્ટુડન્ટ પાસેથી સેલોટેપ મળી આવશે એવું તો મેં ધાર્યું જ ન હતું. શેખર, તુ રોજ સેલોટેપ સાથે લઇને ફરે છે કે શું?”

“નો,સર! આ તો આજે જ લાવ્યો છું. મારે...… મારે એની ખાસ જરૂર પડે તેમ હતી માટે.....”

એ દિવસે સાંજે જ શેખરીયો તૂટી ગયો. બિલ્વાના ભાઇઓ બુલડોઝરની જેમ ફરી વળ્યા. એની ચામડી એ હદે ફાડી નાખી કે એને સાંધવા માટે સેલોટેપની ફેક્ટરી પણ ઓછી પડે. બિલ્વાનાં મનને એક વાતની શાંતિ થઇ: “ હાશ! હવે પ્રેમપત્રો આવવાના બંધ થઇ જશે.” તો બીજી એક વાતનો એને આઘાત પણ લાગ્યો, “બિચ્ચારો કુમાર! વિના વાંકે દંડાઇ ગયો.”

એક અઠવાડિયા પછી બિલ્વાને સમજાયું કે કુમારની જેમ જ શેખર પણ વિના અપરાધે દંડાઇ ગયો હતો. કારણ કે ગુલાબી કવરમાં સમાયેલા ગુલાબી લેટરબોમ્બનો આતંક ચાલુ જ રહ્યો હતો. ધીમે ધીમે બિલ્વા ટેવાઇ ગઇ. એણે એ શોધવાની કોશિશો ઘણીબધી કરી જોઇ કે આ પ્રેમપત્રો કોણ લખતું હશે, પણ તમામ પ્રયત્નોમાં એને નિષ્ફળતા જ હાથ લાગી. મજનૂ જે કોઇ હતો, પણ ખૂબ જ ચાલાક હતો. દરેક વખતે લવલેટર બિલ્વા સુધી પહોંચાડવા માટે એ નવી-નવી તરકીબ શોધી કાઢતો હતો. એક વાર તો કોલેજના ઝાંપા આગળ બેસી રહેતી અંધ ભીખારણે કોઇ યુવતીને પૂછ્યું હતું, “બેટી, તું આ કોલેજમાં જ ભણે છે?”

“હા, શું કામ છે?”

“ તારી સાથે કોઇ બિલ્વા કે બિલ્લુ નામની છોકરી ભણે છે? બહુ રૂપાળી છે એ.....”

“હા, મારી સાથે મારા જ ક્લાસમાં ભણે છે. બિલ્વા મારી ફ્રેન્ડ છે.”

તરત ભીખારણે એનાં ફાટેલા સાડલના પાલવમાં છુપાવી રાખેલું એક ગુલાબી રંગનું કવર કાઢીને એનાં હાથમાં મૂકી દીધું, “કોઇ છોકરો આપી ગયો છે. તારી બહેનપણીને આપી દેજે. એ કોણ હતો એની તો મને ખબર નથી. હું આંધળી મૂઇ છું ને! પણ એ હતો ભલો માણસ. આટલું નાનું કામ કરવાના બદલામાં મને સો રૂપીયા.....”

કવર જોઇને બિલ્વા બબડી ઊઠી હતી, “ એ બદમાશ ચાલાક તો છે જ. અને એની ભાષા પણ સારી છે. એનો મારા પ્રત્યનો પ્રેમ પણ સાચો હશે. તકલીફ માત્ર એક જ વાતની છે કે મને એનામાં રસ નથી. હું કોલેજમાં ભણવા માટે આવું છું, કોઇની સાથે પ્રેમમાં પડવા માટે નહીં. લગ્ન તો હું એ યુવાનની સાથે કરીશ જે દેખાવમાં હેન્ડસમ હોય, ભણવામાં રેન્કર હોય, સ્વભાવમાં સરળ હોય, હસમુખો હોય અને સૌથી મહત્વની વાત એ કે એ મુરતીયો મારા ભાઇઓએ અને પપ્પાએ શોધી કાઢેલો હોય.”

અચાનક એક દિવસ સવારના પહોરમાં બિલ્વાનાં પપ્પા ચીત્કારી ઉઠ્યા, “અરે! આ શું થઇ ગયું?” ઘરના તમામ સભ્યો દોડી આવ્યા. બિલ્વાએ જોયું તો પપ્પાના હાથમાં તાજુ અખબાર હતું. એ કહી રહ્યા હતા, “અજય! વિજય! દીકરાઓ, ગઝબ થઇ ગયો. ગઇ કાલે રાત્રે અગ્યાર વાગે ટ્રક સાથે ટકરાઇને એક હોનહાર યુવાનનુ મોત થઇ ગયું. એની સાથે તો હું આપણી બિલ્વાની સગાઇ કરવાનું વિચારતો હતો. એ આપણી જ જ્ઞાતિનો હતો અને બિલ્વાની સાથે જ ભણતો હતો. અરે ભગવાન! આ શું થઇ ગયું?”

બિલ્વાએ પપ્પાના હાથમાંથી છાપું ઝૂંટવી લીધું. એમાં મૃત્યુ પામનાર યુવાનનો ફોટોગ્રાફ છપાયો હતો. બિલ્વા ઓળખી ગઇ. એ નિર્માણ હતો. એનાં જ ક્લાસમાં ભણતો હેન્ડસમ હોનહાર, ચારિત્ર્યવાન અને હસમુખો નિર્માણ. બિલ્વાને ગમતો હતો. બિલ્વા અકસ્માતની વિગત વાંચવા લાગી. છાપું કહેતું હતું: “ આશ્ચર્યની વાત એ છે કે મૃતકની પાસે એક રૂકસેક હતો, જેમાં પચાસેક જેટલા ગુલાબી પરબિડીયાઓ, સો જેટલા ગુલાબી કાગળો અને લાલ રંગની રીફિલ ધરાવતી પેનો મળી આવી છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે મરનાર કોઇકના પ્રેમમાં હતો અને એની પ્રેમિકાને નિયમિત રીતે પ્રેમપત્રો લખતો રહેતો હતો. પોલીસ આ બાબતમા વધુ તપાસ કરી રહી છે.” બિલ્વાને લાગ્યું કે એ ચક્કર ખાઇને ઢળી પડશે.

(શીર્ષક પંક્તિ: હસરત જયપુરી)

--------