Ran Ma khilyu Gulab - 8 books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ગુલાબ - 8

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(8)

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે,

પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે

“સ્વીકૃતિ ડાર્લિંગ, જ્યારે હું તારી સાથે હોઉં છું ત્યારે સાતમા આસમાનમાં ઉડતો હોઉં છું. એવું લાગે છે કે આ પૃથ્વી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તારામાં જ છે, તારામાં જ છે, તારામાં જ છે.”વ્યાપકે આંખો બંધ કરીને પ્રેમિકાની પ્રશંસા શરૂ કરી દીધી.

સ્વીકૃતિ ખિલખિલાટ કરતી હસી પડી, “વ્યાપક! ડીયર, તું તો મોગલ બાદશાહ જહાંગીરી જેવું બોલી રહ્યો છે. પણ તું ભૂલી ગયો કે જહાંગીર વાક્ય કાશ્મિરને જોઇને કહ્યું હતું.”

“જહાંગીરે કદાચ કાશ્મિર માટે એટલે કહ્યું હશે કે એણે તને જોઇ ન હતી. હું બાદશાહની ભૂલને સૂધારી રહ્યો છું.”

શહેરથી દૂર જૂનો રજવાડી બગીચો, લીલાંછમ્મ કૂણાં ઘાસની લોનવાળું મેદાન, એક ટેકરીના ઢોળાવ પર બેસીને ઢળતો સૂરજ જોઇ રહેલાં બે પ્રેમીજનો અને રંગગુલાબી વાતો.

સ્વીકૃતિને એનાં પ્રેમીની વાતો ગમતી હતી; પોતાના રૂપના વખાણ સાંભળવા કોને ન ગમે? અને વ્યાપક આ કામમાં માહેર હતો. આજે પણ એનો વાણીપ્રવાહ પહાડ પરથી દદડતા ઝરણાંની જેમ દોડી રહ્યો હતો: “સ્વીકૃતિ, હું જ્યારે તારી તેજભરી આંખોમાં જોઉં છું ત્યારે મારી સવાર ઊગે છે અને જ્યારે તારા છુટ્ટા, કાળા કેશની અંદર મસ્તક છિપાવી દઉં છું ત્યારે મારી રાત પડે છે. તારી ગુલાબી સ્નિગ્ધ ત્વચા પર જ્યારે મારો હાથ ફરે છે ત્યારે.....”

વાત બરાબર જામતી હતી ત્યાં જ હવનમાં હાડકાં જેવો એક કાચિંડો ક્યાંકથી ટપકી પડ્યો. બાજુના પીપળાના વૃક્ષ તરફથી દોડી આવ્યો અને છેક આ લયલા-મજનૂની પાસે આવીને મોં ખોલીને ઊભો રહી ગયો. વ્યાપકની નજર તો સ્વીકૃતિનાં ટી-શર્ટ અને જીન્સની વચ્ચેના ખૂલ્લા માખણીયા-પ્રદેશ તરફ હતી, પણ સ્વીકૃતિએ કાંચિંડાને જોઇ લીધો. ઘરમાં તો એ ગરોળીથી પણ ડરી જતી હતી; અહીં તો કાચિંડો હતો.

“ઓ મમ્મી રે....!” કહેતી એક મોટી ચીસ સાથે એ ઊભી થઇ ગઇ, આંચકો મારીને એણે પ્રેમીને પણ હડસેલી દીધો. વ્યાપકને ખબર જ ન પડી કે શું થયું હતું. એને થયું કે ક્યાંયથી અચાનક સ્વીકૃતિનાં પપ્પા કે એના મોટાભાઇ આવી ચડ્યા કે શું? એટલે પણ ચીસ પાડી ઉઠ્યો.

પછી બીજી જ ક્ષણે વ્યાપકને સાચું કારણ જણાઇ ગયું. એને ગુસ્સો આવ્યો. ભયાનક ગુસ્સો. એણે ત્રાડ પાડીને સ્વીકૃતિને ખખડાવી નાંખી, “તું તે માણસ છો કે જાનવર?! એક નાના અમથા કાટંડાને જોઇને બી ગઇ?! સાથે મને પણ બીવડાવી માર્યો?! જિંદગીમાં કોઇ મોટી આફત આવશે ત્યારે તું શું કરીશ? હંહ.....! કાચંડો! મને તો એમ કે જાણે વાઘ કે સિંહ આવીને ઊભો રહી ગયો છે!” આટલું બોલતામાં તો વ્યાપકનો ચહેરો ગુસ્સાથી તમતમીને રાતોચોળ થઇ ગયો.

સ્વીકૃતિ સહેમી ગઇ. ઘડી પહેલાંનો રોમેન્ટિક પ્રેમી સાચો હતો? કે અત્યારે સામે ઊભેલો નરરાક્ષસ? એ માંડ માંડ આટલું બોલી શકી, “પણ એમાં હું શું કરું? મને બીક લાગે છે તો લાગે છે.”

“એવું ન ચાલે. મોટા મગરમચ્છની બીક લાગે તો એ સમજી શકાય, પણ સાવ નાનાં કાટંડાથી બી જવાનું? આજ સુધીમાં ક્યારેક એવું સાંભળ્યું છે કે ચાર ઇંચનો કાચંડો કોઇ માણસને ગળી ગયો? સહેજ તો સમજદારી બતાવવી પડે કે નહીં?” ધીમે ધીમે વ્યાપકનું દિમાગ શાંત પડતું ગયું. ખોપરીના ખજાનામાં જેટલી આગ ભરેલી હતી તે ઠાલવી દીધા પછી એ હળવે-હળવે નોર્મલ થવા માંડ્યો. પછી એણે પ્રેમિકાનો હાથ પકડીને કહ્યું, “સારું હવે જે થયું તે થયું! બેસી જા પાછી જ્યાં બેઠી હતી ત્યાં. આપણે અહીં પ્રેમ કરવા આવ્યા છીએ, લડવા-ઝઘડવા માટે નથી આવ્યા.

સ્વીકૃતિ મિડલ ક્લાસ ગર્લ હતી અને વ્યાપક રીચી રીચ! એટલે સ્વીકૃતિ હંમેશા પ્રેમી આગળ દબાઇને રહેતી હતી. આવું સમૃધ્ધ ઘર હાથમાંથી સરકી ન જાય એ ખાતર ઘણું બધું સહી લેતી હતી. એનાં પપ્પાને કે ભાઇને તો આ વાતની ખબર પણ ન હતી કે સ્વીકૃતિએ કેવો ધનવાન પરિવારનો છોકરો લગ્ન કરવા માટે શોધી કાઢ્યો છે? અને યોગ્ય રીતે જાણ કરવામાં આવે તો એ લોકો હા જ પાડવાના હતા એ વાતની સ્વીકૃતિને પૂરીપૂરી ખાતરી હતી.

આ કાચિંડાવાળી ઘટના વખતે પણ સ્વીકૃતિ ગમ ખાઇ ગઇ. પ્રેમીએ કહ્યું એટલે પાછી ઘાસની કૂણી બિછાત પર બેસી ગઇ. વ્યાપકનો પ્રેમપ્રલાય સાંભળવા માંડી. પણ વાતાવરણ જામ્યું નહીં. દૂધપાકના તપેલામાં લીંબુનું ટીપું પડી ગયું હતું! થોડી વાર પછી બંને ઊભા થઇ ગયા.

મિલનો તો રોજના હતા. દર વખતે કંઇ આવું ન બને. એકાદ મહિનો બધું સમુંસુતરું ચાલ્યું, ત્યાં ફરીથી એક દિવસ ગરબડ સર્જાઇ ગઇ.

વ્યાપક અને સ્વીકૃતિ ગાર્ડનમાં બેઠા હતા. ત્યાં એક કુલ્ફી વેચવાવાળો આવ્યો. પૂછવા લાગ્યો, “સોબ! કુલ્ફી ખાઓગે?”

“મલાઇ કુલ્ફી હૈ?”

“હાંજી, સાંબ.”

“દો દે દે!” કહીને વ્યાપકે પાકિટમાંથી સો રૂપીયાની નોટ કાઢીને કુલ્ફીવાળાના હાથમાં મૂકી દીધી. પેલાએ બે કુલ્ફી આપી; પછી પાછા આપવા માટે રૂપીયાની નોટો ગણવા માંડ્યો.

“જરૂરત નહીં; બાકી કે પૈસે ભી તુમ હી રખ લો.” વ્યાપકે એના ખિસ્સાની તવંગરી પ્રદર્શિત કરી દીધી. ગરીબ માણસ ખૂશ થઇને ચાલ્યો ગયો.

આથમતા સૂરજની સાખે બંને પ્રેમીજનો ઠંડી આઇસ કુલ્ફીની મજા માણવા લાગ્યા. ત્યાં અચાનક એક ભમરો ગુનગુનાટ કરતો સામેની દિશામાંથી આવતો દેખાયો. એનો ભમરડા જેવો ઘેરો અવાજ સાંભળીને સ્વીકૃતિનું ધ્યાન એ તરફ ખેંચાયું. ભમરો ઊડતો ઊડતો એની તરફ જ આવી રહ્યો હતો.

“ઓ મમ્મી રે....!” કહેતી ને સ્વીકૃતિ ભડકીને ઊભી થઇ ગઇ. એના હાથને જે આંચકો લાગ્યો તેના કારણે કુલ્ફી દૂર ફેંકાઇ ગઇ. એ ડરીને વ્યાપકને વળગી પડી. વ્યાપકની કુલ્ફી પણ નીચે પડી ગઇ.

વ્યાપકે ક્રોધના આવેશમાં સ્વીકૃતિને ધક્કો મારી દીધો, “ઇડિયટ! આ શું કર્યું? એક સાવ ફાલતુ ભમરાથી ડરી જઇને મારા સો રૂપીયા ધૂળધાણી કરી દીધા? પૈસા મફતમાં આવે છે? કેવી રીતે જીવવું, ઊઠવું-બેસવું, કોઇ વાતનું ભાન જ નથી! સાવ ડફોળ છે ડફોળ! આવી ગમાર સાથે આખી જિંદગી કેવી રીતે...?”

“સ....સ… સોરી....! વ્યાપક, આઇ એમ રીઅલી સોરી. મારે ખરેખર આવું નહોતું કરવું જોઇતું, પણ અચાનક આવતા ભમરાને જોઇને હું ડરી ગઇ એમાં....”

“વ્હોટ સોરી?! હવે ‘સોરી’ કહેવાથી શું ફાયદો? કુલ્ફી તો પડી જ ગઇ ને? સાથે મજા પણ મરી ગઇ. કંઇ નહીં. જવા દે! ચાલ, બેસ હવે. હું શું કહેતો હતો? હા, યાદ આવી ગયું. તારી આ ડોક જોઉં છું અને મને માનસરોવરની હંસલી યાદ આવી જાય છએ. તું જ્યારે હસવા માટે હોઠ ખોલે છે ત્યારે તારી શ્વેત દંતપંક્તિ જોઇને મને.....”એક પાગલ પ્રેમી રૂપનું વર્ણન કરતો ગયો, એક ઘવાયેલી સ્ત્રી ખોટું ખોટું હસતી રહી, મન વગરનું સાંભળી રહી અને ખૂશ થવાનો અભિનય કરતી રહી.

બંને પ્રેમીઓ નિયમિત રૂપે મળતા રહ્યા. સુંદર રીતે સ્નેહસંબંધમાં આગળ વધતા રહ્યા. વ્યાપક જ્યારે પણ મળતો હતો ત્યારે સ્વીકૃતિનાં રૂપની પ્રશંસા કરીને એને ખૂશ કરી દેતો હતો. પણ ક્યારેક એ ગુસ્સે થઇ જતો ત્યારે ક્ષણાર્ધમાં એનું અપમાન પમ કરી નાખતો હતો.

હવે વ્યાપક લગ્ન માટે ઉતાવળો બન્યો હતો. એણે સ્વીકૃતિને કહ્યું, “હવે સમય પાકી ગયો છે. મારા ઘરમાં તો બધાંને આપણાં સંબંધ વિષે શરૂઆતથી જ ખબર છે. હવે તું પણ તારા ઘરમાં જાણ કરી દે. મોટા ભઆગે તો તારાં મમ્મી-પપ્પા હા જપાડી દેશે. જો ન માને તો મને કહેજે. હું એમને મનાવી લઇશ.”

સ્વીકૃતિને એવું કંઇ કરવાની જરૂર જ ન પડી. સાંજે જ્યારે તે ઘરે પહોંચી ત્યારે એનાં મમ્મી-પપ્પા જાણે એની રાહ જોઇને જ બેઠા હતા!

પપ્પે સહજ રીતે સ્વીકૃતિને પોતાની સામે બેસાડીને હેતભરી રીતે પૂછ્યું, “બેટા, મારા કાને જે વાત આવી છે તે સાચી છે ?”

“કઇ વાત, પપ્પા?” સ્વીકૃતિ અકારણ, અવશપણે ડરી ગઇ. “બેટા, તું કોઇના પ્રેમમાં છે? મારા એક પરિચિતે તને એ છોકરાની સાથે ફરતી જોઇ છે. એટલે પૂછું છું.”

“હા, પપ્પા. એ વાત સાચી છે. હું છ-આઠ મહિનાથી એના સંપર્કમાં છું. એનુ નામ....”

“વ્યાપક છે. ખરું ને? મેં બધી તપાસ કરાવી લીધી છે. એ આપણા શહેરના એક મોભાદાર વેપારીનો પુત્ર છે. સોહાણમો છે. ધંધાની સૂઝબૂઝ વાળો છે. એના ફેમિલિને પણ તું ગમે છે. બેટા, આના કરતા વધુ સારો અને યોગ્ય છોકરો કદાચ અમે પણ તારા માટે શોધી નહીં શકીએ. માટે તું જો હા પાડે તો અમે વિધિવત વ્યાપકના પિતા સાથે વાત આગળ વધારીએ.”

“પપ્પા, મને એક દિવસનો સમય આપો. વિચારવા માટે. હું અને વ્યાપક રોજની જેમ આવતી કાલે પણ મળવાના છીએ. ત્યાં સુધીમાં હું ઊંડો વિચાર કરી લેવા માંગું છું.”

સ્વીકૃતિએ કહ્યું. પછી રાતનું ભોજન કરીને તે સૂવા માટે ચાલી ગઇ.

બીજા દિવસની સાંજે જ્યારે સ્વીકૃતિ અને વ્યાપક મળ્યા ત્યારે વ્યાપક ઉત્સાહથી થનગનતો હતો, “તે ઘરમાં વાત કરી? તારા મમ્મી-પપ્પાએ શું કહ્યું?”

“એમણે તો હા પાડી છે, પણ વ્યાપક, હું તને કંઇક કહેવા માંગું છું”

“બોલને! શું કહેવું છે? એ જ ને કે તું મને ‘આઇ લવ યુ’ કહેવા માંગે છે?”

“ના, વ્યાપક. તું સ્ત્રીનાં મનને સમજવામાં થાપ ખાઇ રહ્યો છે. તને માત્ર મારું રૂપાળુ શરીર દેખાયું, મારું મન ન દેખાયું. તું ભલે મારા સૌંદર્યની લાખ વાર પ્રશંસા કરે પણ બે-ચાર વાર મારું અપમાન કરે છે જે મને હરગિઝ મજુંર નથી. સ્ત્રીને જેટલી જરૂર પ્રેમની છે તેના કરતા હજાર ગણી જરૂર સન્માનની છે. હવે નિર્ણય લેવો એ તારા હાથમાં છે.” સ્વીકૃતિ એક શ્વાસે બોલી ગઇ.

વ્યાપક અવાચક બની ગયો. થોડીક પળોની ખામોશી પછી વ્યાપકે નિર્ણય લઇ લીધો. એ એક ગોઠણ પાસેથી ઝૂકીને જમીન પર બેસી ગયો; પછી સ્વીકૃતિનો હાથ પોતાના હાથમાં લઇને પૂછી રહ્યો, “ હું વચન આપું છું; હું તને જીવનભર પ્રેમ પમ આપીશ અને સન્માન પણ. હવે તું કહે. વિલ યુ મેરી વિથ મી?” અને પછી સ્વીકૃતિનો જવાબ સાંબળીને વહેતો વાયુ પર્ફ્યુમ બની ગયો, ઘાસની પથારી ઝૂમી ઉઠી અને પીપળાના પર્ણો હસી ઉઠ્યા.

(શીર્ષક પંક્તિ: ચિનુ મોદી)

-------