Ran Ma khilyu Gulab - 4 books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ગુલાબ - 4

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(4)

હૈરાન નહીં હૂં મૈં અગર દિલ તૂટા કિસીકા,

અબ તો કિસી કે પ્યાર કી કામયાબી પે ચૌંક જાતા હૂં

એક જાણીતા અખબારના તંત્રીએ પટાવાળાને આદેશ કર્યો, “આપણાં ન્યૂઝ પેપરનો કોઇ રીર્પોર્ટર હાજર છે? તપાસ કરીને જે હોય તેને મારી પાસે મોકલી દે.”

થોડી જ વારમાં ઉન્મેશ પટેલ હાજર થઇ ગયો, “યસ, બોસ!”

“પટેલ, તારે એક કામ કરવાનું છે. સરકારી કોલેજમાં નોકરી કરતા કોઇ પ્રોફેસરનો ઇન્ટર્વ્યુ કરવાનો છે.”

“કરી લાવું; પણ ચર્ચામાં ખાસ એની પાસેથી શું કઢાવવાનું છે?”

“વર્તમાન શિક્ષણ પધ્ધતિ સામે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા. બે દિવસ પછી ‘ટીચર્સ ડે’ આવે છે ત્યારે આ ઇન્ટર્વ્યુ છાપવાનો છે. પણ કામ સારું કરજે હોં! એજ્યુકેશનની બિટ કોણ સંભાળે છે?”

“હું જ.” ઉન્મેશે કહ્યું, “તમે ચિંતા ન કરો, બોસ. મારા કોન્ટેક્ટ્સ ઘણાં બધાંની સાથે છે. હું એમાંથી કોઇ પણ એક પ્રોફેસરને....”

“કોઇ પણ નહીં ચાલે, પટેલ! યુ ચૂઝ ધી બેસ્ટ વન. સમજી ગયો ને? તારી પાસે ચોવીસ કલાકની ‘ડેડ લાઇન’ છે. યોર ટાઇમ સ્ટાર્ટસ નાઉ.” અને ઉન્મેશ બાઇક પર નીકળી ગયો. મિડિયામાં કામ કરતા પત્રકારો, રીપોર્ટર્સ, લેખકો, પ્રેસ ફોટોગ્રાફર્સ આ બધાંની જિંદગી આવી જ હોય છે. એમની ‘રેસ’ સમય સાથે હોય છે, ઘડિયાળના સેકન્ડના કાંટા સાથે હોય છે, રાત્રે ‘ધનાધન’ છપાતાં અખબારી પાનાંઓ સાથે હોય છે. એટલે જ મિડિયામાં કામ કરતાં યુવાનો અને યુવતીઓ (જો સિન્સિઅર હોય તો) બહુ વહેલી વયે હાઇપરટેન્શન અને ડાયાબિટીઝના શિકાર બની જતા હોય છે. ઉપરથી ભલે પત્રકારો હસતા-હસાવતા દેખાતા હોય પણ એમના પ્રચછન્ન મનમાં ભયંકર તણાવ રહેતો હોય છે. બીજા બધાં વ્યવસાયો-નોકરીઓમાં માત્ર કામ કરવાની ચિંતા હોય છે, પત્રકારોને સમય કરતાં પહેલાં કામ કરવાની ફિકર હોય છે.

ઉન્મેશની બાઇક પવન સાથે સ્પર્ધા કરતી ઊડતી જતી હતી; એનુ દિમાગ પવન કરતાં પણ વાધારે વેગથી દોડી રહ્યું હતું. કોનો ઇન્ટર્વ્યુ કરું તો સારુ રહેશે? પ્રો. કાચવાલાને મળું? કે પ્રિન્સીપાલ રાવલને? ફિઝિક્સના એચ.ઓ.ડી. ડો. ખુર્રાના પણ બિલિયન્ટ છે, પરંતુ એ ગુજરાતીમાં વાત નહીં કરી શકે. પેલેટ ગનમાંથી છૂટતા ત્રીસ-ચાળીસ છરાની જેમ અસંખ્ય નામો એક સાથે એના દિમાગમાં ફૂટ્યા, પણ અંતે એક નામ પર ઉન્મેશની નજર ઠરી.

“પ્રો.ઉલૂપી! એનો ઇન્ટર્વ્યુ મેં ક્યારેય નથી. એક વાર શિક્ષણ વિષેના એક સેમિનારમાં મેં એને સાંભળી હતી. વ્હોટ એ સ્પીચ શી ડિલિવર્ડ ઓન ધેટ ડે?! માય! માય! અને દેખાવમાં પણ એ કેટલી બ્યુટીફુલ છે! લેટ મી ટ્રાય હર નંબર.” ઉન્મેશ ને યાદ હતું કે એ સેમિનારમાં જ એણે પ્રો. ઉલૂપીનો મોબાઇલ નંબર માંગીને ‘સેવ’ કરી લીધો હતો.

નહેરુનગર સર્કલ પાસે બાઇક ઊભી રાખીને એણે નંહર લાગાડ્યો. બીજી રીગમાં જ કોલ ‘રીસીવ’ થઇ ગયો. સામેથી રૂપાની ઘંટડી પૂછતી હતી, “હુ ઇઝ ધીસ?”

“મેમ, ઉન્મેશ પટેલ વાત કરું છું. પ્રેસ રીપોર્ટર. તે દિવસે સેમિનારમાં તમને મળ્યો હતો....”

“હા, હા, યાદ આવી ગયું. કેમ છો તમે?” પ્રો. ઉલૂપીનો અવાજ નામ સાંભળ્યા પછી તરત જ હુંફાળો બની ગયો.

“મારે તમારો ઇન્ટર્વ્યુ કરવાનો છે; જો તમે અત્યારે જ મળવાનો સમય આપો તોહું કહીશ કે હું મઝામાં છું, નહીતર મઝામાં નથી.”

પ્રો ઉલૂપી હસી પડી. ઉન્મેશને લાગ્યું જાણે કોઇના ખિસ્સામાંથી પચીસ-પચાસ ચાંદીના સિક્કાઓ જમીન પર વેરાઇ ગયા!

“મેં હમણાં જ લેક્ચર પૂરું કર્યું. અત્યારે જ આવી જાવ. મારી ઓફિસ સેકન્ડ ફ્લોર પર છે. કોરિડાર જ્યાં પૂરી થાય ત્યાં જમણી તરફ.” એ એમની પ્રથમ લાંબી મુલાકાત. પહેલાં મળ્યા તો હતા, પણ એ માત્ર પરીચય હતો, એને મુલાકાત ન કહેવાય. શિક્ષણ અંગે ઉન્મેશે જેટલાં પ્રશ્નનો પૂછ્યા, પ્રો. ઉલૂપીએ તમામના પ્રતિતિ જનક જવાબો આપ્યા. ઉન્મેશ એની સામે એકીટશે જોયા કરતો હતો. ઉલૂપી ખરેખર બ્રિલિયન્ટ હતી. સાવ યુવાન હોવાં છતાં એણે શિક્ષણ ઉપર ઘણું બધું કામ કર્યું હતું. એનાં વિષે વધારે માહિતી જાણવા માટે ઉન્મેશે ચાલાકી અજમાવી.

“ઉલૂપીજી! તમે એજ્યુકેશન માટે અને તમારા સ્ટુડન્ટ્સ માટે આટલો બધો સમય કેવી રીતે કાઢી શકો છો? આઇ મીન, તમારી અંગત પારિવારીક જિંદગી માટે પણ તમારે સમયનો ભોગ આપવો પડતો હશે ને? તમારા હસબન્ડ, સાસુ-સસરા, બાળકો...”

ફરી પાછાં ચાંદીના સિક્કાઓ ખણખણાટ કરી ઉઠ્યા, “હું તમને મમ્મી જેવી લાગું છું? મારાં તો લગ્ન પણ નથી થયાં હજુ.....”

“હાશ....!” ઉન્મેશથી કહેવાઇ ગયું.

“શું કહ્યું તમે?”

“કંઇ નહીં.… કંઇ નહીં… બસ, એમ જ.....” ઉન્મેશે લાળા ચાવ્યા; પણ એના દિલમાંથી વછૂટેલું પ્રેમનું તીર સામે બેઠેલા ખૂબસૂરત નિશાનને યોગ્ય જગ્યાએ જ વીંધી ગયું હતું. પ્રો. ઉલૂપી શબ્દની વ્યક્તિ હતી; ‘હાશ’ નો અર્થ ન સમજી શકે એવી ભોટ ન હતી. રાત્રે પથારીમાં પડ્યા પછી ઉલૂપી પણ ઉન્મેશ વિષે વિચારતી રહી. એ એને સારો લાગ્યો.

ઇન્ટર્વ્યુ તો લખાઇ પણ ગયો અને છપાઇ પણ ગયો; પણ છ મહિનાના ગાઢ પ્રેમસંબંધ પછી હવે વારો આવ્યો ઉન્મેશ-ઉલૂપીનાં લગ્નની કંકોતરી છપાવવાનો.

અહીં જ મોટું વિધ્ન આવીને ઊભું રહી ગયું. ઊલૂપીનાં ઘરમાં પપ્પા આડા ફાટ્યા, તો ઉન્મેશના ઘરમાં એની મા અને ભાભી.

ઊલૂપીનાં પપ્પાને ન્યાતની બાબતમાં વાંધો પડ્યો. “અમે રાજપૂત છીએ અને તમે પટેલ. યે શાદિ કભી નહીં હો સકતી.” દરબાર કરણસિંહ પૂળા જેવડી મૂછ પર હાથ ફેરવીને ઊભા રહી ગયા. ઉન્મેશનો મામલો વધારે પેચીદો નીકળ્યો. એની ભાભીનાં મનમાં પોતાના દિયર (ઉન્મેષ)ની સાથે એની નાની બહેન ચિત્રાનું ચોકઠું બેસાડી દેવાનું ષડયંત્ર રમી રહ્યું હતું. એણે બે મહિના પહેલાં જ સાસુમાને પણ ખાનગીમાં પટાવી લીધા હતા. હવે જ્યારે મુરતિયાને લપેટમાં લેવાનો સમય આવ્યો ત્યારે જ રંગોળી વિંખાઇ રહી હતી. પૂરું એક વર્ષ આમાં ને આમાં પસાર થઇ ગયું. બંને તરફથી જલદી લગ્ન કરી લેવાનું દબાણ થતું હતું, પણ ઉન્મેષ અને ઉલૂપી અડગ રહ્યા. આખરે દરબાર કરણસિંહે નમતું જોખી દીધું, “મારી દીકરી બીજે લગ્ન કરવાની ના પાડે છે એટલે મારી ચોક્ખી નામરજી હોવા છતાં હું ઉન્મેષને જમાઇ તરીકે સ્વીકારવાની સંમતિ આપું છું.”

સામા પક્ષે સાસુ-વહુનો મોર્ચો મક્કમ હતો. છેવટે ઉન્મેષના પપ્પાએ એને ખાનગીમાં કહી દીધું, “તમે બંને રજીસ્ટર્ડ મેરેજ કરી લો. પછી સીધા ઘરે આવી જજો. મને લાગે છે કે બધું થાળે પડી જશે.”

પણ થાળે ન પડ્યું. ઉન્મેષની મા અને ભાભી બંનેએ અલ્ટીમેટમ આપી દીધું. નવપરિણિત દીકરા-વહુને કહી દીધું, “તમે આ ઘરમાં નહીં રહી શકો. બીજે ક્યાંક ચાલ્યા જાવ.”

ચાલ્યા ગયા. પ્રેમની નૈયામાં બેસીને બે મુસાફારો મુસીબતોના મોજાં પર ઊંચકાતા, પછડાતા સુખ નામનાં કિનારાની તલાશમાં નીકળી પડ્યા. ભાડનો ફ્લેટ, ઘરવખરી વસાવવાની ચિંતા, જમવાનું બનાવવાથી માંડીને નાના-મોટા હજાર કામોની પળોજણ અને ઉપરથી પૈસા કમાવવા માટેની દોડધામ. પંદર વર્ષ બંનેએ કાઢી નાખ્યા. આજે બંને સુખી છે. પોતાનો ફ્લેટ છે, કાર છે, દામ્પત્યની ડાળી પર ખીલેલાં બે ફુલો છે. અને સંતોષ છે. આ સંતોષ ખૂબ મહત્વની ચીજ છે. ઊલૂપીએ પંદર વર્ષમાં એક પણ વાર પતિની આગળ જીદ નથી કરી કે- ‘મને ફિલ્મ જોવા લઇ જાવ! મને રેસ્ટોરાંમાં ડિનર કરાવો! મને મોંઘો ડ્રેસ અપાવો!’ કોઇ ડિમાન્ડ નહીં. કોઇ ફરિયાદ નહીં.માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ! હમણાં એક અણધારી ફિલ્મી લાગે તેવી ઘટના બની ગઇ. ઉન્મેષની મમ્મી બિમાર થઇ ગઇ. હાર્ટએટેક. મોટી વહુ વિફરી બેઠી, “બા કંઇ મારી એકલીની સાસુ થોડી છે? બોલાવો પેલી ચાંપલીને સેવા કરવા માટે.”

પપ્પાએ ફોન કર્યો. ઉલૂપી-ઉન્મેષ દોડી આવ્યા. પંદર દિવસ સુધી ઉલૂપીએ આખા ઘરનો ભાર ઉઠાવી લીધો. કોલેજમાં રજા મૂકીને બે ટાઇમની રસોઇથી માંડીને સાસુમાની ચાકરી સુધીની જવાબદારી એવી બખૂબી અદા કરી દીધી કે જ્યારે સાસુમા બેઠાં થઇ ગયા અને ઉન્મેષે જવાની વાત કરી ત્યારે એની મમ્મી અને ભાભી બંને રડી પડ્યાં, “ઉલૂપી, અમને માફ કરી દે! તારા જેવી વહુ અમે કદિયે શોધી શક્યા ન હોત. તમે હવે અમારી સાથે જ રહેવા આવી જાઓ.” ઉન્મેષ-ઊલૂપી બંને ન માન્યા. ઉન્મે, કડવાં વચનો કહેવા જતો હતો, પણ ઉલૂપીએ એને રોકી લીધો. હસીને એણે કહી દીધું, “મમ્મી! ભાભી! અમે તમારી સાથે જ છીએ ને! આમ પણ હવે અમે ચાર જણાં છીએ. તમે છ છો. કૂલ દસ જણાં એક ઘરમાં નહીં સમાઇએ. જ્યારે અમારી જરૂર જણાય ત્યારે ફક્ત એક ફોન કોલ કરી દેજો. અમે ન દોડી આવીએ તો કહેજો!”

ઉન્મેષ અને ઉલૂપીનાં ગયા પછી ઉન્મેષની મમ્મી અને ભાભી બીજીવાર ઠુઠવો મૂકીને રડી પડ્યાં.

(સત્ય ઘટના. કથા બીજ: હાર્દિક ભટ્ટ)

---------

Share

NEW REALESED