Ran Ma khilyu Gulab - 9 books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ગુલાબ - 9

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(9)

સવારની કોલેજ. અગ્યાર વાગ્યે છેલ્લું લેક્ચર પત્યું. રંગબીરંગી ફુલો જેવી યુવતીઓ ક્લાસરૂમમાંથી બહાર નીકળી. મોટાભાગની પગે ચાલીને સિટીબસના સ્ટોપની દિશામાં જવા લાગી. પાંચ-સાત પાસે સાઇકલ્સ હતી. એક માત્ર હયાતિ પાસે કાર હતી. હિંદી ફિલ્મની હિરોઇનની અદાથી, દેહ ડોલાવતી, અંગો ઊછાળતી, જમણા હાથમાં કી-ચેઇન રમાડતી અને તીરછી નજરમાં ઘાયલ થયેલા ભમરાઓને સમાવતી એ રૂપયૌવના પાર્કિંગ એરીયામાં ઊભેલી ફિયાટ કાર તરફ જવા લાગી. (આજથી ચાળીસ વર્ષ પહેલાં દેશમાં એમ્બેસેડર અને ફિયાટ આ બે જ કંપનીઓની ગાડીઓ દોડતી હતી.)

પિસ્તા કલરની નમણી કારમાં બેસીને હયાતિ મેઇન ગેટમાંથી નીકળીને બહાર આવી. બસ સ્ટોપ પાસે એની સાથે ભણતા યુવાનો-યુવતીઓનું મોટું ઝુંડ ઊભેલું હતું એમની સામેથી ગર્વભેર ગાડી હંકારીને રૂપનો ખજાનો પસાર થઇ ગયો.

સહેજ આગળ જઇને હયાતિએ કારને જમણી તરફ વાળી લીધી. અહીંથી પોશ એરીયા શરૂ થતો હતો. બંને બાજુએ આવેલા વિશાળ બંગલાઓમાંથી (આજની કિંમતે) એક પણ બંગલો દસ કરોજથી સસ્તો ન હતો.

સૂમસામ સડક પર રડી-ખડી કાર સિવાય એક પણ વાહન દેખાતું ન હતું. સાઇકલ, સ્કૂટર કે રીક્ષા જેવા સસ્તાં વાહનોની તો આ રસ્તા પર કલ્પના પણ કરી શકાતી ન હતી.

હયાતિ એની ધૂનમાં ગાડી પૂરપાર વેગે દોડાવી રહી હતી; અચાનક એણે શોર્ટ બ્રેક મારી દેવી પડી. રસ્તાની વચ્ચોવચ્ચ ગાડીના માર્ગમાં જ એક યુવાન એની સાઇકલ આડી કરીને ઊભેલો હતો.

“ચીં....ઇ.. ઇ...ઇ...” કરીને ચીસ પાડતી કાર છેક સાઇકલની પાસે જઇને ઊભી રહી ગઇ. હયાતિ ક્રોધથી લાલચોળ થઇ ગઇ; એ અંગ્રેજીમાં ઊંચી ગાળ બોલવાની તૈયારીમાં જ હતી, ત્યાં જ એની નજર એ યુવાનના ચહેરા પર પડી. એ ઓળખી ગઇ. એ દિશાન્ત હતો. એની સાથે એક જ ક્લાસમાં ભણતો સામાન્ય વિદ્યાર્થી. સામાન્ય એટલે બધી જ દૃષ્ટિએ સામાન્ય. એની આર્થિક સામાન્યતા એના કપડાંમાંથી દેખાઇ આવતી હતી, એના દેખાવની સામાન્યતા એના એકવડિયા દેહમાંથી અને પાતળા, લાંબા, ગાલમાં ખાડાવાળા ચહેરા પરથી પરખાઇ આવતી હતી. અને એની બૈધ્ધિક સામાન્યતા એના પાછલા બે વર્ષોના પરીણામો પરથી ઉજાગર થતી હતી. દિશાન્ત કાયમ સેકન્ડ ક્લાસમાં જ પાસ થતો હતો.

હયાતિને પોતાના સહપાઠીની બે આંખની શરમ નડી;એણે કૃત્રિમ સ્મિત ફેંકીને અસ્પષ્ટ બબડવા જેવું ‘હાય!’ કહ્યું. દિશાન્ત તરત જ દાડીને બારી પાસે આવી પહોંચ્યો; સાઇકલને પડતી મૂકીને!

“હાય!” ગરમીના કારણે એનો ચહેરો પરસેવાથી નીતરતો હતો, “હયાતિ, મારે તારી સાથે બે જ મિનિટ માટે વાત કરવી છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તારી ગાડીમાં બેસીને વાત કરું?”

હયાતિ ડરી ગઇ. સાવ આવા છોકરાને પોતાની કારમાં શી રીતે બેસાડાય? એ ક્યાંક છરી બતાવીને એનું અપહરણ કરે તો? અથવા એની સાથે શારીરિક બદતમિઝી....?!?

“સોરી, મારે મોડું થાય છે. તારે જે કહેવું હોય તે આવતી કાલે ક્લાસમાં જ કહી દેજે.”

“પ્લીઝ, એવું ન કહે. કોલેજમાં બધાંની હાજરીમાં હું નહીં કહી શકું, હયાતિ. એવું કરવા માટે મેં હજાર વાર વિચાર કર્યો હશે, પણ હિંમત ન ચાલી. એટલે તો આજે આ બળબળતા તારમાં તારી રાહ જોતો અહીં ડામરની સડક પર ઊભો છું.”હયાતિ સમજી ગઇ કે દિશાન્ત શું કહેવા માંગતો હશે. ખ્યાલ તો આવી જ જાય ને? આમ પણ છોકરીઓમાં છઠ્ઠી ગ્રિંથી હોય છે. સમય, સંજોગ અને પુરુષની આંખ વાંચતાં એને આવડતું હોય છે.

હયાતિએ બારીમાંથી જ પૂછી લીધું, “બોલ, શું કહેવું છે તારે?”

“બ....બ...બ...”થોડોક થોથવાટ અને ઘણો બધો ખંચકાટ અને પછી જગતનું સૌથી વધારે ચવાયેલું વાક્ય: “આઇ લવ યું.”

“પછી?”

“હું તારી સાથે મેરેજ કરવા માંગુ છું.”

“પછી?”

“પછી આપણે પ્રેમથી સાથે રહીશું, જીવનની સફર સાથે કાપીશું, એકમેકના સંગાથમાં..” ખિલખિલાટ હસી પડી હયાતિ. ચપટી વગાડીને એણે દિશાન્તને સ્વપ્નિલ ઘેનમાંથી જગાડ્યો, “ઓય....મજનુ! સપનામાંથી પાછો આવી જા! શેખચલ્લી તારો દાદો થતો હતો કે?” દિશાન્ત પીળો પડી ગયો, “ નો, હયાતિ, હું શેખચલ્લી જેવો નથી. હું ખ્વાબ જોઉં છું પણ નક્કર જમીન પર ઊભો કહીને આસમાનને ચૂમવાનું ખ્વાબ! હું હવામાં ઊડવાની તરંગી વાત નથી કરતો. આઇ.એમ સિરિઅસ એબાઉટ યું. હું તને ખૂબ ચાહું છું. તારા વગર હું જીવી નહી શકું.”

“અને હું તારી સાથે જીવી નહીં શકું.”

“કેમ? તારામાં અને મારામાં શો ફરક છે?” હયાતિ અહંકારપૂર્ણ હસી પડી; પછી રસ્તા પર પડેલી સાઇકલ તરફ જોઇને બોલી, “ એક ફિયાટ અને એક સાઇકલ વચ્ચે હોય એટલો ફરક છે આપણી વચ્ચે.

“અરે....પણ..… એ તો આજે છે ને? એક દિવસ મારી પાસે પણ કાર હશે......”

“હું ક્યાં ના પાડું છું? ભવિષ્યમાં તારી પાસે પણ ફિયાટ હશે; લક્ઝુરિઅસ કાર હશે. આઇ મે બી ઇન ઇન્ડિયા બાય ધેટ ટાઇમ ઓરઇન સમ ફોરેન ક્ન્ટ્રી.”દિશાન્ત હતાશ થઇ ગયો. સાઇકલ અને ફિયાટનું અંતર એને સમજાઇ ગયું. એને હવે જ ભાન થયું કે હયાતિને ‘પ્રપોઝ’ કરીને એણે નરી મૂર્ખામીનું જ પ્રદર્શન કર્યું હતું. એણે પોતાનુ મન પાછુ વાળી લીધું. ન વાધારે દલીલો કરી, ન વિનંતી કરી. ભવિષ્યમાં પોતે પણ કંઇક કરી બતાવશે એવી બડાશો પણ ન મારી. ચૂપચાપ ફિક્કું હસીને એ પાછો ફરી ગયો. રસ્તા પર સૂતેલી સાઇકલ ઉઠાવીને ચાલ્યો ગોય. સાઇકલ પણ એની ક્યાં હતી? કોઇ મિત્ર પાસેથી એકાદ કલાક માટે ઊંછીની માગી લીધેલી હતી. પણ વાત તો દસ જ મિનિટમાં પૂરી થઇ ગઇ હતી.

હયાતિ પણ એની કારમાં ઘર તરફ રવાના થઇ ગઇ. આવું દરેક દેશમાં, દરેક યુગમાં, હજારો-લાખો-કરોડો યુવાનો કે યુવતીઓનાં જીવનમાં બનતું હોય છએ. કોઇ પણ એક વ્યક્તિ એક તરફી પ્રેમમાં ગળાડૂબ થઇ જાય અને વિજાતીય પાત્રને ‘પ્રપોઝ’ કરી બેસે તો દરેક કિસ્સામાં ‘પોઝીટીવ’ જવાબ જ મળે એવું જરૂરી નથી. પછી બંને પાત્રો અલગ-અલગ વ્યક્તિની સાથે પરણીને જીવનમાં ઠરીઠામ થઇ જતા હોય છે.

હયાતિ પણ કોઇની સાથે પરણી ગઇ. દિશાન્ત પણ પરણી ગયો. દિશાન્તે જિંદગીમાં એ પછી કદિયે પાછું વળીને જોયું નહીં, હયાતિ ક્યાં છે, શું કરે છે, સુખી છે. કે દુ:ખી છે એ જાણવાની યે પરવા કરી નહીં. એને પોતાની હેસિઅત પ્રમાણે પત્ની મળી ગઇ હતી. એની સાથે એ સંઘર્ષપૂર્ણ જીવન પસાર કરીને સુખના સરનામા સુધી પહોંચવાની કોશિશો કરી રહ્યો હતો.

દિવસો નહીં પણ દાયકાઓ પસાર થઇ ગયા. દિશાન્ત મહેનતના હલેસા મારીને ગરીબીના સમુદ્રને ચીરતો ચીરતો સારી એવી કહી શકાય તેવી સમૃધ્ધિના કિનારા સુધી પહોંચી ગયો હતો. હવે એની પાસે અમદાવાદમાં એક બંગલો હતો, એક ફેક્ટરી હતી, બે ગાડીઓ હતી અને એક દીકરો હતો. વર્ષમાં બે વાર એ સહકુટુંબ બહાર ગામ ફરવા પણ જઇ શકતો હતો.

આવો જ એક પ્રવાસ હતો. દિશાન્ત, ઇશાની અને દીકરો કિંશુક કારમાં લઇને સાપુતારા જવા નીકળ્યા હતા. અમદાવાદથી છ વાગે નીકળ્યા હતા. બારડોલી પહોંચતા સુધીમાં અંધારું થઇ ગયું. આગળ નો રસ્તો કદાચ ગુજરાતનો સૌથી રળિયામણો માર્ગ હતો. વૃક્ષોથી છવાયેલા માર્ગ રમણીય વળાંકો લેતા પ્રકૃતિના અદભૂત સૌંદર્યો પ્રગટાવી રહ્યો હતો. ઇશાનીએ દસેક વાગ્યે પૂછ્યું, “હવે ક્યાંક સારી જગ્યાએ ગાડી ઊભી રાખો તો જમી લઇએ. જમવાનું તો સાથે લઇને જ નીકળી છું,પણ ક્યાંક ચા મળી જાયતો થેપલાં સાથે.....”

બે જ મિનિટમાં એક રોડ-સાઇડ રેસ્ટોરાં નજરે પડી ગઇ. સાવ ધાબા ટાઇપની પણ નહીં અને બહુ સારી પણ નહીં એવી જગ્યા હતી. દિશાન્તે કાર એક ઝાડની નીચે ઊભી રાખી દીધી. પત્નીને સૂચના આપી, “તું ડબ્બાઓ ખોલ; હું ચાનો ઓર્ડર આપીને આવું છું.” એ કાઉન્ટર તરફ રવાના થયો.

કાઉન્ટર પાસે એક પિસ્તાળીસેક વર્ષની જાડી, ભદી સ્ત્રી બેઠી હતી. બે-ચાર માણસો કામ કરતા હતા. “ત્રણ ચા મળશે?” દિશાન્તે પૂછ્યું.

જવાબમાં આંચકો સાંભળવા મળ્યો, “કોણ? દિશાન્ત તો નહીં?”

“હા, પણ તમે?”

“હું હયાતિ. 1991ની સાલ યાદ છે? એપ્રિલ મહિનો. બપોરનો સમય. પ્રારબ્ધ સોસાયટીનાં રસ્તા પર તેં મને....”

“અરે, તું? તું આવી થઇ ગઇ? સાચું કહું? હું હજી પણ માની શકતો નથી કે પચીસ વર્ષ પહેલાંની લાવણ્યમયી છોકરી અત્યારે સાવ આવી....?!? અને તું આવી નિર્જન સ્થળે કેવી રીતે….?”

‘વક્તને કિયા, ક્યા હસીં સિતમ? એના જેવી દાસ્તાન છે મારી. દિશાન્ત, આઇ.એમ.સોરી. મેં તને રીજેક્ટ કર્યો હતો. આજે મને સમજાય છે કે માત્ર રૂપીયાથી બધું સુખ મળી જતું નથી. જીવનમાં થોડો પ્રેમ હોવો પણ જરૂરી છે. હું એક એન.આર.ઇ.ને પરણીને જોહાનિસહર્ગ ચાલી ગઇ હતી. ત્યાં એક વર્ષ સુધી બધું બરાબર રહ્યું, પછી પતિની વિકૃતિઓ બહાર આવવા લાગી. રોજની ગાળાગાળી, મારઝૂડ. મારો પાસપોર્ટ પણ પતિએ સંતાડી દીધો હતો. છેવટે એક દિવસ ઇન્ડિયન એમ્બેસીમાં જઇને મેં મદદ માંગી અને ઇન્ડિયા ભેગી થઇ ગઇ.”

“પણ આ જંગલમાં....?”

“પપ્પાએ મદદ કરી. પતિ તો હજુ પણ ધમકીઓ મોકલાવે છે. મારા મર્ડરની વાતો કરે છે. મને જીવવામાં જરા પણ રસ નથી, પણ મારી વહાલી દીકરીનાં ભવિષ્ય માટે......”

“દીકરી?”

“હા, મારી મૌલી અઢાર વર્ષની છે. વડોદરામાં ભણે છે. એનાં માટે સારો છોકરો શોધું છું, પણ અહીં જંગલમાં હું એકલી પડી ગઇ છું. તને વિનંતી કરું છું કે કોઇ ધ્યાનમાં હોય તો બતાવજે.”

દિશાન્તને પચીસ વર્ષ પહેલાંની બપોર યાદ આવી ગઇ. સાઇકલ અને ફિયાટવાળો સંવાદ યાદ આવી ગયો. મોંમાં કડવાશ ઊભરી આવી, જે એણે પળવારમાં થૂંકી નાંખી. પૂછ્યુ, “હયાતિ, પેલી કારની પાસે જે યુવાન ઊભો છે એ તારી મૌલી માટે ચાલશે? એ મારો દીકરો છે. ખૂબ જ સંસ્કારી અને આજ્ઞાંકિત છે. તારી દીકરી કદરૂપી હશે તો પણ કિશુંક મારું વચન નહં ઉથાપે. તું કહે એટલે હું.....”

હયાતિ રડી પડી. દિશાન્તનો હાથ પકડીને બોલવા લાગી “મારી મૌલી બ્યુટીફુલ છે, દિશાન્ત. તારા દીકરાની સાથે શોભી ઉઠે એવી. પ્લીઝ, તું બધું ગોઠવી આપ. હું તારો ઉપકાર જીવનભર નહીં ભૂલું.”

“તો ચાલ મારી સાથે! તારી વેવાણ સાથે તારી ઓળખાણ કરાવું. સાથે ગોળધાણા પણ લઇ લે.”

“ગોળધાણા? એ તો અત્યારે ક્યાંથી લાવું?”

“ન સમજી? અરે, ચાનું કહું છું. ત્રણ નહીં, ચાર કપનું કહેજે. કડક, મીઠ્ઠી, જ્યાદા શક્કરવાલી!”

એ રાત્રે સાપુતારની તળેટીમાં એક અનુપમ સંબંધ ઊજવાયો, જેમાં મીઠાશ જ મીઠાશ હતી.

---------