રણમાં ખીલ્યું ગુલાબ - 6

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(6)

શરૂઆતમાં દરેક શબ્દ હુકમ બની નીકળ્યો

તારા સુધી પહોંચતા, ગુઝારિશ બની ગયો

વંશ મહેતાએ બેતાલાના ચશ્માના કાચમાંથી આરપાર જોઇને સામેની ખુરશીમાં બેઠેલી કેન્ડીડેટ યુવતીને પૂછ્યું, “નામ?”

જોબ માટે આવેલી યુવતી જે રીતે જવાબ આપતી હોય તેવી રીતે એ યુવતીએ પણ કહ્યું, “મિસ આફરીન રૂવાલા.”

વંશના બત્રીસે ય કોઠે દીવા ઝગમગી ઉઠ્યા. યુવતીનાં જવાબમાં રહેલા ત્રણેય શબ્દો એને પાગલ કરી ગયા. એણે પોતાની ખુશી છુપાવી પણ નહીં. એને એવી જરૂર જ ક્યાં હતી? એ જાણીતી કંપનીનો બોસ હતો અને આફરીન એક જરૂરતમંદ ઉમેદવાર હતી. ‘સમરથકો નહીં દોષ ગુંસાઇ’ એવું તુલસીદાસજી કહી ગયા છે.

“વાહ! શું નામ રાખ્યું છે?! આફરીન! સાંભળીને પણ આફરીન થઇ જવાય.... અને ....જોઇને પણ.” શેલ્લાં બે શબ્દો બોલતી વખતે વંશ મહેતાની આંખો અણીયારી બનીને સામે ઊભેલી યૌવનાનાં દેહના ચોક્કસ ભાગને વીંધી રહી.

આફરીન સંસ્કારી છોકરી હતી; બોસની નજરને એ વાંચી શકતી હતી. સહેજ અસ્વસ્થ થઇને એ બોલી ગઇ: “જી!” વંશની નફ્ફટાઇ વધતી ચાલી, “સરનેમ પણ સારી છે.... પણ એમાં એક અક્ષર ખૂટે છે.”

“જી....!”

“રૂવાલાને બદલે રૂપવાલા હોત તો વધારે અર્થસભર બની રહેત.”

“જી.” આફરીન સંકોચાઇ ગઇ. વંશ મહેતાની ભીતર ધરબાઇને પડેલી વાસના હવે ધારધાર બનીને બહાર આવી, “પણ તમારા નામમાં મને સૌથી વધારે શું ગમ્યું એ કહું?”

“જી.” બાપડી ગરજવાન યુવતી આ એકાક્ષરી શબ્દથી વધીને બીજું શું બોલે?!

“મિસ.” વંશે લૂચ્ચાઇભર્યું સ્મિત વેરીને કહ્યું, “તમે આફરીન થઇ જવાય એટલી હદે રૂપવાલા છો એના કરતા પણ વધારે મહત્વની વાત એ છે કે તમે ‘મિસ’ છો. જો તમે ‘મિસિસ’ હોત તો મેં તમને એક જ સવાલ પૂછ્યા પછી રીજેક્ટ કરી દીધાં હોત!”

“જી.” આટલી વારથી માત્ર ‘જી-જી’ માં જ જવાબ આપ્યાં પછી છેવટે આફરીનને થયું કે જો આ જોબ મેળવવી હોય તો આગળ પણ કશુંક બોલવું પડશે. એણે કૃત્રિમ પણ ખૂબસુરત સ્મિત ફરકાવીને ઉમેર્યું, “થેન્ક યુ સર.”

“નો! નો! નો! સર નહીં. મને કોઇ ‘સર’ કહીને બોલાવે એ મને પસંદ નથી; ખાસ તો જ્યારે એ વ્યક્તિ તારા જેવી રૂપાળી હોય!” સાવ સહજતાથી બોલતો હોય એ રીતે વંશ ‘તમે’ માંથી ‘તું’ પર આવી ગયો. પછી અનુભવી ખેલાડીની જેમ બોલી ગયો, “ઓહ્! મારાથી ભૂલમાં તમને એકવચનમાં વાત થઇ ગઇ. આઇ એમ સોરી.”

“નો પ્રોબ્લેમ, સર. હું તમારાથી ઉંમરમાં નાની છું. તમે મને ‘તું’ કહીને વાત કરી શકો છો. આઇ એમ જસ્ટ ટ્વેન્ટી વન યર્સ ઓલ્ડ.”

વંશના દિમાગમાં ફટાફટ ગણતરી ચાલી રહી. સામે બેઠેલો રૂપનો કટકો માત્ર એકવીસનો છે અને મારી ઉંમર બેંતાળીસ વર્ષ થવા આવી. શી ઇઝ જસ્ટ હાફ ઓફ માય એજ! મારી વસુ તો ચાળીસ વર્ષની છે. સાવ ખતમ થઇ ચૂકી છે. લસ્ટલેસ!! ફાટી ગયેલી નોટ જેવી! કહેવાય કરન્સી પણ બજારમાં ચાલે નહીં! આ સામે ઊભેલી તો કડકડતી નોટ જેવી છે!

વંશ મહેતાની પત્ની વસુ ખરેખર એનો સંસાર-રથ ખેંચીને ઘસાઇ ગઇ હતી. દિવસભરના ઢસરડા પછીનો થાક એનાં વાણી-વર્તનમાંથી છલકાઇ જતો હતો. જો કે છેલ્લાં 4-5 વર્ષથી ઘરની આર્થિક હાલત ખૂબ સારી બની ગઇ હતી, પણ દોઢેક દાયકાનું સંઘર્ષપૂર્ણ જીવન અને બે દીકરાઓ તથા એક દીકરીનાં ઊછેર માટે પાડેલો પરસેવો હજુ પણ વસુની આંખમાં થાક બનીને અંજાઇ રહ્યો હતો.

વંશને પણ હવે બીજી વારની જુવાની ફૂટી રહી હતી. સૌથી મોટી દીકરી મૌસમ એમ.એ. થઇ ગઇ હતી. હવે પી.એચ.ડી. કરવાનો વિચાર કરી રહી હતી. બંને દીકરાઓ એન્જિનીઅરીંગ કોલેજમાં ભણતા હતા. જતનથી ઊછરેલી કંપની હવે રૂપીયામાં તરતી થઇ ગઇ હતી. મુગ્ધાવસ્થામાં જેના સ્વપ્નો સેવ્યા હતા તે સમૃધ્ધિ હવે હકીકત બની ગઇ હતી. અને હવે એની ભીતર દબાઇને રહેલો પુરુષ બહાર આવવા માટે ધમપછાડા મારી રહ્યો હતો.

કરોડપતિ બોસને શિકાર કરવા માટે બહુ દૂર જવું પડે તેમ ન હતું. એની જાળ એની ઓફિસમાં જ બિછાવાયેલી હતી. નવી જોબ માટે આવતી ગરજવાન છોકરી એનાં છટકામાં ક્યારે અને કેવી રીતે ફસાય છે એટલું જ જોવાનું રહેતું હતું.

અને આફરીન નામની માછલીને ફસાવવા માટે વંશ જાળ બિછાવવાનું આગળ ધયાવ્યું, “તારા ફેમિલિ વિષે તું થોડીક માહિતી આપીશ?”

આફરીનનાં ચહેરા પર ઉદાસીનું વાદળ પથરાઇ ગયું, “પપ્પા દોઢ વર્ષ પહેલાં ગૂજરી ગયા. સિવિઅર હાર્ટએટેક. મમ્મી ગૃહિણી છે. આવકનું સાધન બંધ થઇ ગયું. મારું ગ્રેજ્યુએશન અધૂરું હતું, જે મેં ખાનગી ટ્યુશનો કરીને પૂરુ કર્યું. હવે ફુલ ટાઇમ જોબ મેળવવી એ મારા માટે ફરજીયાત છે.”

“હં....મ.… મ.....મ્....! પગારની અપેક્ષા?”

“મમ્મી અને હું સારી રીતે જીવી શકીએ એટલી.”

“કમ ઓન, સ્વીટી! આટલી બધી હતાશ થઇ જવાની જરૂર નથી. તારી પાસે રૂપ છે, યુવાની છે, સ્માર્ટનેસ છે; બસ તું જરાક બોલ્ડ બનવા માટે તૈયાર થઇ જાય તો....”

“તો?”

“તો શું? તું અને તારી મમ્મી સારી રીતે નહીં પણ સમૃધ્ધ રીતે જીવી શકશો.”આફરીનનાં ચહેરા પરથી ઉદાસીની શ્યામલતા દૂર થઇ ગઇ; એણે ઉત્સૂકતાથી પૂછ્યું, “બોલ્ડ થવા માટે મારે શું કરવાનું છે, સર?”

“ખાસ કંઇ નહીં. બસ, હું જેમ કહું તેમ તારે કરતા જવાનું. યુ વિલ હેવ ટુ સબમિટ યોરસેલ્ફ ટુ મી.”

“સર, તમે.....?”

“આમ આઘાત પામવાની જરાયે જરૂર નથી. આ જગતનો એક વણલખ્યો નિયમ છે: કુછ પાનેકે લિયે કુછ ખોના ભી પડતા હૈ. બસ, તારી પાસે ખોવા માટે એક જ તીજ છે. એના બદલામાં તને કેટલું બધું મળશે એ વિચારી જો. તગડો પગાર, અલગ-અલગ શહેરોમાં મારી સાથે ફરવાનું, મોંધી હોટલોમાં રહેવાનું, સ્વાદિષ્ટ ભોજન માણવાનું, કિંમતી ભેટો પામવાનું, તારી માલિકીના ફ્લેટમાં રહેવાનું અને ભવિષ્યમાં ગાડી, જવેલરી જેવી તમામ લક્ઝરીઝ ભોગવવાનું. આ બધું આખી જિંદગી...”

“આખી જિંદગી?! પણ સર, મારે ભવિષ્યમાં મેરેજ કરવા હોય તો?”

“કરજે ને! હું તને નહીં રોકું. ઉલટું તારા માટે લાયક વર હું જ શોધી કાઢીશ.”

“લાયક એટલે?”

“એટલે એવો વર જે બીજી બધી રીતે બરાબર હોય, પણ બુધ્ધિનો સહેજ બળદિયો હોય. જેને આપણાં સંબંધની ગંધ જ ન આવે. એટલે આપણો સમંતર સંસાર રહેશે. અને તારું સમૃધ્ધ જીવન પણ. જગતમાં આવા તો અસંખ્ય સંબંધો ચાલતા રહે છે. એક તરફ સપ્તપદી અને બીજી તરફ ગુપ્તપદી, બોલ, મંજુર છે તને મારી વાત? તો હા કહી દે. તારી ‘જોબ’ અત્યારે જ કન્ફર્મ થઇ જશે. નહીંતર બહાર વેઇટીંગમાં બીજી દસ છોકરીઓ રાહ જોઇને બેઠેલી છે.”

વંશની વાત સાચી હતી. વેઉટીંગ રૂમનું ખચાખચ સૌંદર્ય જોઇને જ આફરીન અંદર આવી હતી. એની સ્પર્ધામાં રૂપનો આખો બગીચો હાજર હતો. વિચારવા માટે એની પાસે ઝાઝો સમય ન હતો. આફરીને કહી દીધું, “સર, હું તૈયાર છું. મારે આ જોબની તાતી જરૂર છે. હું તમારી તમામ શરતો માનવા માટે રાજી છું.”

“ગુડ, બેબી.” ખૂશીથી ઝૂમી ઉઠેલા વંશે ઇન્ટરકોમ પર સૂચના આપી દીધી, “મેનેજર, હમણાં જે કેન્ડીડેટ મારી ઓફિસ માંથી બહાર નીકળે તેને પોસ્ટીંગ લેટર આપી દેજો. શી વિલ જોઇન હર ડ્યુટી ફ્રોમ ટુમોરો. અને વેઇટીંગ રૂમમાં બેઠેલી બાકીની છોકરીઓને ભગાડી મૂકજો. ઇન્ટર્વ્યુ પૂરો થઇ ગયો છે.”

એ આખો દિવસ વંશ હવામાં ઉડતો રહ્યો. આવનારા વાસંતી સમયની કલ્પનામાં વિહરતો રહ્યો. રેશમી શૈયાના મુલાયમ સળોમાં સરકતો રહ્યો.

રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે વસુ ડિનર માટે એની પ્રતિક્ષા કરતી બેઠી હતી. હાથ ધોઇને ડાઇનિંગ ટેબલ પાસે આવીને વંશે પત્નીને પૂછ્યું, “ક્યાં છે આપણાં બચ્ચાઓ?”

“બંને દીકરાઓ પાર્ટીમાં ગયા છે. ત્યાં જ જમી લેશે.”

“અને મૌસમ?”

“એનાં બેડરૂમમાં છે. બહારથી આવી ત્યારથી તોબરો ચડાવીને પથારીમાં સૂઇ ગઇ છે. જમવાની યે ના પાડે છે.”

“અરે, એવું તે ચાલતું હશે? તું ત્રણ થાળીઓ તૈયાર કર; હું એને મનાવીને લઇ આવું છું.” વંશ દીકરીનાં બેડરૂમમાંગયો. મૌસમી ઉદાસ ચહેરો અને આંસુથી ખરડાયેલા ગાલ સાથે જાગતી સૂતી હતી.

“બેટા, શું થયું?” વંશના એક જ સવાલ સાથે દીકરી બેઠી થઇને વળગી પડી. વંશે પૂછ્યું, “બેટા, શું થયું? કેમ રડે છે? મમ્મી વઢી તને? કે બંને ભાઇઓમાંથી કોઇએ...?”

“ના, પપ્પા! આજે હું મારા પી.એચ.ડી.ના ગાઇડને મળવા ગઇ હતી. એમણે મને થીસીસનો વિષય ડિસ્કસ કરવાના બહાને એમની કેબિનમાં બોલાવી હતી. મને શી ખબર કે એ બુઢ્ઢો ખુસટ્ટ.....?”

વંશની ખોપરીમાં ઘણઘણાટ થવા માંડ્યો, “શું કર્યું એણે?”

“હજુ સુધી કર્યું તો કંઇ નથી, પણ પપ્પા, એણે મને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે જો મારે પી.એચ.ડી. સરળતાથી પૂરુ કરવું હશે તો એની માંગણીને તાબે.....! શું કહું, પપ્પા? મને તો બોલતાયે શરમ આવે છે. દુનિયામાં બધા પુરુષો આવા જ હોતા હશે? ક્યાંક પૈસાની ગરજ, ક્યાંક ડીગ્રીની ગરજ તો ક્યાંક ફિલ્મો-ટી.વી.માં કેરીએર બનાવવાની ઝંખના. સ્થિતિ બદલાતી રહે છે, સંવાદ એક જ સાંભળવા મળે છે: કુછ પાને કે લિયે કુછ ખોના ભી પડતા હૈ. પપ્પા, બીજા પુરુષો તો કેવા દુષ્ટ હોય છે અને તમે કેટલા સારા છો?! આઇ લવ યુ, પપ્પા!” વંશ દીકરીની પીઠ પર હળવે હળવે હાથ પસવારતો રહ્યો. બીજા દિવસે સવારે જ્યારે આફરીન ર્સ્કટ પહેરીને સેક્સ બોંબ બનીને ઓફિસમાં હાજર થઇ અને વંશની રૂમમાં જઇને બોલી રહી, “ગુડ મોર્નિંગ સર. હું કેવી લાગું છું.”

જેની આંખો પરથી વાસનાના ચશ્મા ઊતરી ગયા હતા એવા વંશે નિર્મળ સ્મિત રેલાવીને જવાબ આપ્યો, “સાચું કહું, આફરીન? તું મને મારી દીકરી જેવી લાગી રહી છે.”

આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયેલી આફરીન સાંભળી રહી; વંશે ઉમેર્યું, “બેટા, તું નિર્ભય બનીને કામ કરજે. તને ગઇ કાલે મેં જે કંઇ આપવાનું કહ્યું હતું તે બધું જ મળશે; સાથે પિતાનું વહાલ પણ.”

“થેન્કયુ, સર. થેન્ક યુ, પપ્પા.” આફરીન શબ્દશ: રડી પડી.

-----------

***

Rate & Review

Verified icon

Madhavi Sanghvi 1 month ago

Verified icon

ditya 2 months ago

Verified icon

Rakesh Patel 3 months ago

Verified icon

Priti Jhangiani 3 months ago

Verified icon

Rajesh 3 months ago