Maa ni Munjvan - 13 books and stories free download online pdf in Gujarati

માઁ ની મુંજવણ - ૧૩

આપણે જોયું કે શિવને ઘરે જવાની છૂટ મળી ગઈ હતી, આથી બધા ખુબ ખુશ હતા. હવે આગળ...

જે ઘડીની રાહ હતી એ પ્રત્યક્ષ હતી,
છતાં હર ઘડી એક સવાલ સાથે હતી,
માઁ અનેક વિચારોના ચકરાવમાં હતી,
શિવ કેમ ઝીલશે બદલતી ઘડીની સ્થિતિ?

શિવને હજુ બહુજ સંભાળથી રાખવાનો હતો, જો એ દેખરેખમાં કોઈ ભૂલ થાય તો શિવ બહુ તકલીફમાં મુકાઈ જાય અને એના જીવને પણ જોખમ રહે એવી સૂચના ડૉક્ટરએ આપી હતી. ડોક્ટરએ એમ પણ કહીંયુ હતું કે હજુ શિવને બીજા બાળકોની જેમ નોર્મલ થતા ૧ વર્ષ થી વધુ સમય લાગશે, જેટલી શિવની સંભાળ વધુ એટલો એ જલ્દી નોર્મલ થશે. શિવની સંભાળ જેમ BMT રૂમ માં થતી હતી એમ જ ઘરે પણ કરવાની હતી. ફર્ક હવે એટલો હતો કે હોસ્પિટલમાં સ્ટાફની મદદ મળી રહે અને દવા બધી અપાતી હોવાથી શિવને ઇન્ફેકશનનો શિકાર ન થાય, જયારે હવે બોટલ્સ બધી બંધ થશે અને ઘર ખુલી હવા ઉજાસ વાળું હોવાથી કાળજી ખુબ વધી જવાની હતી. શિવને દવા તો ચાલુ જ રહેશે અને એ સમયસર આપવાની હતી. આમ જુવો તો તૃપ્તિએ હવે ખુબ સાવચેતી રાખવાની હતી. તૃપ્તિની મદદમાં એનો પરિવાર પણ હાજર જ હતો.

તૃપ્તિ શિવને લઈને ઘરે જાય એ પહેલા શિવના દાદા અને દાદીએ આખું ઘર સાફ કરી રાખીયું હતું. જે બિનજરૂરી કપડાં અને વસ્તુઓ હતી એને ધોઈને પેક કરીને કબાટમાં મૂકી દીધી હતી, જેથી શિવને એની ઇન્ફેકશન ન લાગે. તૃપ્તિના સસરાએ ક્યારેય પાણીનો ગ્લાસ પણ જાતે ભરીને પીધો ન હતો, એ વ્યક્તિએ આખા ઘરની દીવાલ, છત, કબાટ, પંખા, લાઈટ બધું જ ૨ વાર ધોઈને પોતું કરીને જંતુ રહિત કર્યું હતું. ખુબ સ્ટ્રોંગ ફિનાઈલ દ્વારા આ સફાઈ કરાઈ હતી. કહેવાય છેને રૂપિયા કરતા વ્યાજ વાલુ હોય બસ એમ શિવ બધાને ખુબ વહાલો હતો. આથી, ઘરના મોભી પણ શિવને ઘરે લાવવાની તૈયારીમાં લાગી ગયા હતા.

સૌને ચિંતા હતી પણ સાથોસાથ ખુશી પણ ખુબ હતી કે શિવએ એક જંગ જીતી લીધી હતી. શિવ ઘરે આવતો હોવાથી એમના દાદા અને દાદીએ એક સરસ સુંદર ફૂલનો હાર અને બુકે શિવના સ્વાગત માટે લીધો હતો. હરખ એટલો હતો કે જે વર્ણવો મુશ્કેલ છે. એ તો ફક્ત અનુભવી જ શકાય કે તમે તમારું બાળક ટ્રાન્સપ્લાન્ટ બાદ ઘરે લઇને  આવી રહ્યા છો...

ડૉક્ટરએ અનુમતિ શિવને આપી કે હવે એ ઘરે જઈ શકે છે, સાથોસાથ કેટલી બધી સૂચનાઓ પણ આપી કે, શિવને કઈ વાતનું ધ્યાન રાખવાનું હતું. એમાની એક સૂચના મુજબ શિવ જ્યાં હોય ત્યાં ફુલ અને ફળ રાખવા નહીં કારણ કે એના દ્વારા શિવને ઇન્ફેકશન લાગી શકે છે. કેમ કે ફુલ અને ફળમાં ન દેખાય એવા બેક્ટેરિયા અને જીની જીવાતો હોય જેનાથી શિવ બીમાર પડી શકે એ વાત પણ જણાવી હતી. આ વાત સાંભળી આસિતએ તુરંત એના મમ્મી પપ્પાને એ વાત કરી કે શિવ માટે તમે જે હાર અને બુકે લાવ્યા છો એ શિવ ને આપી શકાશે નહીં. એક ક્ષણ પણ વિચાર કર્યા વગર દાદાએ આસિતને કીધું કે હું હમણાં જ એને બહાર ફેંકી દવ છું, બેટા તું ચિંતા ન કર. કેવી સ્થિતિ હશે એમના મનની કે જે હરખ થી લાવ્યા હતા એ પોતાના પૌત્ર માટે જોખમરૂપ હતું!! છતાં એમનામાં ખુબ સમજદારી હતી જે શિવ માટે હૂફરૂપ હતી. 

શિવ હોસ્પિટલની બહાર આજ નીકળવાનો હતો. એના ચહેરા પર અલગ જ નૂર હતું, ખુબ ખુશ દેખાતો હતો. શિવની સ્ટાફ સાથે પણ સારી એવી લાગણી થઈ ગઈ હતી જેથી આખો સ્ટાફ અને ડૉક્ટર પણ ભાવુક થઈ ગયા હતા. શિવને બધાએ ખુબ શુભેચ્છા આપી હતી, શિવ ખુબ બધાના આશીર્વાદ સાથે પોતાના ઘરે પ્રયાણ કરવાનો હતો. બધા જ ખુબ ખુશ હતા. તૃપ્તિ અને આસિત પણ બહુ જ આનંદમાં હતા.

શિવની ખુશખુશાલ વિદાઈ હોસ્પિટલમાંથી થઈ હતી. હવે શિવ પોતાની નોર્મલ જિંદગી તરફ કદમ વધારી રહ્યો હતો.

શું શિવના કદમ અડગ જ રહેશે?
કે ઘરે આવ્યા બાદ કોઈ નવી તકલીફ સામે શિવનો પડકાર હશે?
એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ : ૧૪..