Veer Vatsala - 12 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 12

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 12

ગેમલ યમ બનીને વીરસિંહની નજીક આવે એ પહેલા પાછળથી એક હાથ લંબાયો. ગેમલ અટકી ગયો. વીરસિંહે પાછળ જોયું. લંબાયેલા હાથવાળી વ્યક્તિ અપરિચિત હતી. ભોંયભેગા થયેલા વીરસિંહની મદદે આવેલો હાથ શિયાળવાના શિકારે નીકળેલા સરદારસિંહનો હતો.

મરણિયા થયેલા ગેમલે પંદર હાથ દૂરથી કહ્યું, “આ મારો શિકાર છે! એને છોડી દે!”

સરદારસિંહના સાથીઓમાંથી કોઈએ ગેમલને ઓળખ્યો.

એના માથા સાટે તો ઈનામ હતું! સરદારસિંહે ગોળીઓની બૌછાર કરી દીધી.

ગેમલની થાકેલી ટોળકી જીવ બચાવી ભાગી. એકલા પડેલા ગેમલને સરદારસિંહના સાથીઓએ ગોળીઓથી ચાળણી કરી દીધો. ધીંગાણું પત્યું એટલે લોહીલુહાણ વીરસિંહ અને વજુ સાંગાને જોઈને સરદારસિંહના સાથીઓ બોલ્યા, “નહીં બચે.”

અને ખરેખર વજુ સાંગાએ તો ત્યાં સુધીમાં જીવ ત્યાગી જ દીધો હતો.

વીરસિંહે કોઈના મોઢે આ છેલ્લા શબ્દો સાંભળ્યા, “નહીં બચે!” એની સરી રહેલી સુધબુધમાં આ અવાજ સવાલ બની પડઘાયો. “નહીં બચું?” અને એણે ઊઠવાનો મરણિયો પ્રયાસ કર્યો. બાળપણથી લઈને જુવાની સુધીના વરસો ઝડપથી એની નજર સામેથી પસાર થઈ ગયા. ખભા પર ઈજા, પેટમાં ગોળી, બન્ને પગમાં ઈજા! એનું ઘાયલ શરીર એક ઝટકા સાથે જમીન પર પડ્યું. હાથતાળી દઈ રહેલા રહેલા સાનભાન વચ્ચે એને પોતાનેય ખ્યાલ આવી ગયો કે માલવપુર કે વિરાટપુરના વૈદ્યો પાસે એવી કોઈ જડીબુટ્ટી નહોતી કે આવા ઘાયલને બચાવી શકે. વત્સલાનો લંબાઈ રહેલો હાથ હાથમાંથી છૂટી રહ્યો હોય એમ એનો હોશ છૂટી રહ્યો હતો.

એનો ઠંડો હાથ હાથમાં લઈ, નાડી ન અનુભવાતાં સરદારસિંહનો સાથી બોલ્યો, “આ ય બે ઘડીનો મહેમાન છે!”

સરદારસિંહે કહ્યું, “જે જવાન પોતાનો જીવ ગેમલના પંજામાંથી બચાવીને આવ્યો હોય, રૂપમતીની કોતરમાંથી ઠેક એને અહીં લગણ પાછળ દોડાવીને લાવ્યો હોય, એ મામૂલી સિપાહી ન હોય. અને એ આમ સહેલાઈથી શ્વાસ ન છોડે!”

“તો શું કરીએ? આને રાજવૈદ્ય પાંહે લઈ જઈએ? ન્યાં હુધી પૂગતાં તો આ મરી જ જાહે!

“મરી જશે તો વીરગતિને પામશે. અને જીવશે તો મારી નવી ટોળકીનો સિપાહી થશે!”

વીરસિંહના અંગેઅંગથી વહી રહેલા રક્ત તરફ નજર કરી સાથી બોલ્યો. “નહીં બચે, રાજવૈદ્ય આને પાટો જ નો બાંધી હકે!”

સરદારસિંહે મક્કમ શબ્દોમાં કહ્યું, “નો બાંધી શકે, બરાબર છે, એમ કરો.. આને વઢવાણ સરકારી હોસ્પીટલ લઈ લો, ન્યાં વિલાયતનું ભણેલા ડાગટર છે!”

*

ચંદ્રપુરની સીમ બહાર આ ઘટના બની ત્યારે હુકુમસિંહ કે ગામનો કોઈ માણસ હતો નહીં, એટલે ગામમાં વાત એટલી જ આવી કે કોઈ અજાણ્યા સિપાહીની સારવાર કરાવવા સરદારસિંહ અને એના સાથીઓ એ ઘાયલને વઢવાણ લઈ ગયા.

*

આ બાજુ સૈનિકોની ખેપ આવી એવા સમાચાર મળતાં જ વત્સલાએ અને વીણાએ થઈ શકે એટલી તપાસ કરી. પણ એમને વીરસિંહના કોઈ સમાચાર ન મળ્યા. સીમમાં વીરસિંહને બચાવી વઢવાણ લઈ જનાર સરદારસિંહ કે એના સાથીઓ વીરસિંહને ઓળખતા નહોતા.

વીરસિંહ ગામમાં આવ્યો નહીં અને કોઈ પાસે પૂરી માહિતી નહોતી. કોઈ કહેતું કે વીરસિંહ મુંબઈ ઉતર્યો હતો અને કોઈ દેશી સૈન્યમાં ભરતી થવા પંજાબ પટિયાલા તરફ નીકળી ગયો. કોઈ કહેતું હતું કે વીરસિંહ સ્ટીમરમાં આવ્યો જ નથી, એ તો બીજી ખેપમાં ચંદનસિંહ ભેગો આવશે. વત્સલાએ વિચાર્યું કે ત્રણ વરસ રાહ જોઈ, તો થોડા દિવસ વધુ.

*

વત્સલા ઘર સજાવી રહી હતી. ભીંત પર મોરલો ચીતરી રહી હતી. એનું અંતર કહેતું હતું કે વીરસિંહ આવશે જ. જલદી આવશે. એના અંતરના ભાવો દીવાલ પર ચીતરાઈ રહ્યા હતા.

છ મહિનાનો અભય શાંતિથી સૂતો હતો. ત્યાં જ ઝાંઝર રણકાવતી વીણા દોડી આવી.

ખબર આવી છે, હવેની ખેપમાં ચંદનસિંહ પણ આવે છે..”

વીરસિંહ વિશે એ કંઈ બોલી નહીં. વીરસિંહના કોઈ સમાચાર એની પાસે નહોતા. વત્સલાએ પોતાનું ધ્યાન મહાપ્રયત્ને મોરલો ચીતરવામાં જ લગાડ્યું, જાણે એવી શ્રદ્ધાથી કે આંગણે મોરલો રૂડો ચીતર્યો હોય તો આવનાર આવે જ.

પોતાની ખુશી ક્યાંક ઢોળવા માંગતી વીણા સૂતેલા અભયને રમાડવા માંગતી હતી એટલે ચીડાયેલી વત્સલા બોલી, “એને પોઢવા દે ને!”

વીણા બોલી, “સાંજ પડી! હવે તો ઊઠાડું ને એને!”

ના, રહેવા દે! સૂવા દે એને!” ભીંતે મોરલો ચીતરી રહેલી વત્સલાને એમ કે હજુ પંદર મિનિટ અભય સૂઈ રહે તો આ ચિત્ર પૂરું થાય.

વીણા એકદમ બોલી ગઈ, “વીરસિંહ આવશે અને આ અભયને જોશે તો...”

વત્સલા શું વિચારે છે એ એના ચહેરા પર જોવા વીણા સહેજ અટકી.

“હા, આવશે અને અભયને જોશે, બાળકને જોઈને કોણ ખુશ ન થાય!” મોરલાની ભાતમાં મન પરોવતાં વત્સલા બોલી.

“ગામમાં તો વાત ચાલે છે કે આ શાહુકારના દીકરાનું..” આગળ બોલવાનું ન રૂચતાં વીણાએ શબ્દો બદલ્યા, “મૂઆ ગામવાળા વીરસિંહનું મગજ બગાડશે! કહું છું, વીરસિંહ આવે એ પહેલા...”

વત્સલાના હાવભાવ ધ્યાનથી જોઈ વીણાએ તરત વાત અટકાવી.

“બોલી દે તારે જે કહેવું હોય તે..!”

“હું એમ નથી કહેતી કે..આ તો તું કંઈ કેહતી નથી અને લોકો મનફાવે એમ વાતું કરે છે! એટલે.. હું તો ખાલી એમ કહું છું કે અભયનો કોઈ રસ્તો કરવો ન જોઈએ? વીરસિંહ આવે એ પહેલા!”

“તેં ગણેશનો રસ્તો કર્યો? જેવો તારો ગણેશ, એવો મારો અભય!”

વીણા સહેજ મોટેથી બોલી ગઈ, “પણ અભયનો બાપ વીરસિંહ થોડો છે?

બન્ને સહેલીઓ વચ્ચેની વાતનો સૂર જાણે ન ગમ્યો હોય એમ અભય મોટેથી રડી પડ્યો.

“મારા સોગંદ છે તને, હવે આ વાત આગળ કરી છે તો..” વીરસિંહને અભયની વાત કેટલી કહેવી કેવી રીતે કહેવી, વીરસિંહ શું પ્રતિભાવ આપશે, એ અવઢવ તો વત્સલાના મનમાંય હતી. પણ વીરસિંહ બાળકને સ્વીકારશે એ વિશ્વાસ હતો વત્સલાને. વીણા અને માણેકબાપુ બન્ને આ વિશ્વાસને હચમચાવી રહ્યાં હતાં. માણેકબાપુ હકીકત કોઈને નહીં કહે એ વત્સલાને ખાતરી હતી, પણ અત્યારે વીણાને અભયના સાચાં માબાપ વિશે વાત કરીને બાળકનો જીવ જોખમમાં નહોતો મૂકવો.

અંદર ખીચડીનું આંધણ મૂકયું હતું, ત્યાંથી બળવાની વાસ આવી.

વીણાએ કહ્યું, “જા, હું અભયને રમાડું છું, તું અંદર જા!”

વીણા અભયને રમાડવા એને લઈ વગડાના રસ્તા તરફ નીકળી ગઈ, સામેથી માણેકબાપુ આવ્યા. વીણા એમને કહેતી ગઈ, “આ વત્સલાને કંઈ સમજાવો!”

શું સમજાવવાનું એ સહુને ખબર હતી. પણ જેને સમજવાનું હતું એ સાંભળવા પણ તૈયાર નહોતી.

બાપુ કોઈ કામે માલવપુર જઈ થાકીને આવ્યા હતા. ઘડીક ખાટલીએ બેઠા. વત્સલા પાણીનો લોટો આપીને અંદર ગઈ. જાણે એને ખબર ન હોય કે બાપુ શું વાત કરવાના છે!

માણેકબાપુ એની પાછળ ગયા, “બેટા! તેં ના પાડી હતી તોય માલવપુર જઈ આવ્યો.”

“મને ખબર છે.” વત્સલાએ નજર મિલાવ્યા વગર ફરી બહાર આવી.

ફાળિયું બાજુ પર મૂકી ખાટલી પર બેસતાં બાપુ બોલ્યા, “ઘડીક બેસ!”

વત્સલા ઉભડક બેઠી.

“ત્યાં અભયનું કોઈ વાલી રખેવાળ બચ્યું નથી. તેજલબાના ભાઈભાભીનું પણ દુર્જેયસિંહે કાસળ કઢાવી નાખ્યું.”

“એટલે હવે એવું કોઈ બચ્યું નથી જેને અભય સોંપી શકાય, બરાબર! એટલે અભય આપણી સાથે જ રહેશે.” વત્સલાએ પોતાને રૂચે એ રીતે પરિસ્થિતિને મૂલવી.

“પણ વીરસિંહ..? એ સ્વીકારશે આ બાળકને? વીરસિંહ એક પારકા બાળક માટે દુર્જેયસિંહ સાથે દુશ્મની શું કામ વ્હોરી લે?”

“હું કંઈ ન જાણું, અભય અહીં જ રહેશે!” વત્સલાનું હૈયું ભરાઈ આવ્યું, જે બાળક મારા માટે પોતાનું છે એ વીરસિંહ માટે પારકું કેવી રીતે ગણાય?

માણેકબાપુ અકળાયા, “છોડી! તું મરતી તેજલબાને આંખોઆંખોથી એવું તે કેવું વચન આપી બેઠી છે કે મનના માનેલાનોય વિચાર નથી કરતી?”

“વીરસિંહને ધીમે રહીને હકીકત કહી દઈશ. સહુ સારા વાનાં થશે.”

“અને વીરસિંહ અભયને રાખવાની ના પાડી તો?!”

વત્સલા વિહ્વળ થઈ ગઈ. અત્યાર સુધી જીવન બરાબર વીતી રહ્યું હતું, બે ભાગમાં. વીરસિંહ સપનામાં, અભય ખોળામાં. પણ હવે બન્ને રૂબરૂ થવાના હતા. સામસામે. વીરસિંહ અભયને ખોળામાં ન લે તો?

“બેટા, એટલે જ કહું છું, વીરસિંહ આવે એ પહેલા.. એ પહેલા.. આને..” સહેજ અચકાઈને માણેકબાપુ બની શકે તેટલી ઝડપથી બોલ્યા, “..આને મળસ્કે કોઈ મંદિરના પગથિયે મૂકી આવીએ.”

ભીંતે ચીતરેલ મોરની બાજુમાં કટારી લટકતી હતી, એ વત્સલાએ કોઈ અજબ ઝનૂનથી હાથમાં લીધી.

કંઈ ન સૂઝતાં વત્સલાએ સુધબુધ ન હોય એમ કટારી પર અંગૂઠો ફેરવી દીધો. ટેરવે લોહીની ટશર નીકળી. આંખથી છલકાઈને બહાર ન આવી શકેલી પીડાને લોહી બનીને વહેતી એ જોઈ રહી.

એક સન્નાટો વ્યાપી ગયો. બે ઘડી પછી એ સન્નાટાને તોડતું માણેકબાપુના ધીમા સીસકારા જેવું રૂદન સંભળાયું. વત્સલાએ માણેકબાપુને ગમ ખાતાં જોયા હતા પણ રડતા કદી જોયા નહોતા.

વત્સલાનો વિચાર બદલવાની તાકાત તો એ રૂદનમાંય નહોતી પણ એ રૂદનમાં ધીમે ધીમે વત્સલાનો આક્રોશ ઓગળતો રહ્યો.

“બાપુ તમે આ બોલ્યા, ઈ બોલ્યા, બીજીવાર બોલશો નહીં!” બાપુને રડતાં જોયા પછીય વત્સલાનો મક્કમ રહી.

“ઠીક છે, નહીં બોલું પણ ભગવાને જેને અનાથ બનાવ્યું, એને એના ભાયગ પર છોડી દેવાય!”

માણેકબાપુને કોણ સમજાવે કે તેજલબાને આપેલું વચન એ હવે કોઈ નિષ્પ્રાણ વાક્ય નથી, એ છ માસનું, ખેલતું-મલકતું થયેલું જીવથીય વહાલું બાળક છે. કાળજાના કટકા જેવું બાળક. અભયને બાદ કરીને, બાકાત કરીને કશું વિચારવું વત્સલા માટે શક્ય નહોતું.

ચર્ચાનો કોઈ અવકાશ નહોતો. બન્ને એકબીજાને બોલીને નારાજ કરવા નહોતા માંગતા. વત્સલાએ વિચાર્યું, વીણાને સાદ પાડીને બોલાવું, અભય ભૂખ્યો થયો હશે.

ત્યાં જ વીણા વગડા તરફથી ગભરાયેલી દોડતી આવી.

“વત્સલા! વત્સલા!”

વત્સલાને વીણાના હાથમાં અભય ન દેખાયો. વત્સલા વીણાના તરડાયેલા અવાજમાં અમંગળ પારખી ગઈ, “શું થયું અભયને?”

“અભયને અઘોરી બાવો લઈ ગયો.”

“અઘોરી બાવો? કઈ તરફ ગયો?” એમ કહીને વત્સલાએ કટારી લઈને જ દોટ મૂકી. વીણા પાછળ દોડી. અને એની પાછળ દોડ્યા માણેકબાપુ.

ત્રણે દોડીને રસ્તે પહોંચ્યા ત્યાં સુધી વીણા ખુલાસો આપતી રહી, “ઓલી કોર ઘોડાનાં ડાબલાં સંભળાયા, એ જોવા અભયને અહીં પાણાં પર સુવડાવીને ગઈ. આવીને જોયું તો એક અઘોરી બાવો અભયને લઈને વગડા તરફ ભાગતો હતો.”

વત્સલાએ વગડા તરફ દોટ લગાવી. વીણા પણ દોડી. બાવો ક્યાંય દેખાતો નહોતો. ઝડપભેર આગળ નીકળી ગયો, કે પછી રસ્તો છોડી ઝાડીમાં ઘૂસી ગયો, એ નક્કી કરવું અસંભવ હતું. વત્સલા રઘવાઈ થઈ દોડતી હતી. પાછળ દોડી રહેલી વીણા દિશાહીન થઈ અટકી પડી. પાછળ હાંફતા હાંફતા માણેકબાપુ આવ્યા. વીણા ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં બોલી, “મૂઆ અઘોરી બાવા તો બાળકને વધેરીય નાખે, મંતરજંતર માટે!”

અઘોરીઓ જંગલમાં એકલદોકલ પ્રવાસીનું માંસ પણ ખાઈ જાય, એવી ખોટીખરી વાયકાઓ માણેકબાપુએ પણ સાંભળી હતી. એ પણ ગભરાયા.

થાક્યા એટલે દોડવાનું છોડીને બન્ને બની શકે એટલી ઝડપથી ચાલવા લાગ્યાં. એમની આગળ આગળ થાક્યા વગર દોડી રહેલી વત્સલા દેખાતી બંધ થઈ.. ઘડીઓ વીતી રહી હતી તેમ અભયના સલામત હોવાની શક્યતા ઘટતી જતી હતી.

ચાલો હરિને ગમ્યું તે ખરું!” થાકીને રસ્તાને કિનારે એક પહાણા પર બેસતાં બાપુ બોલ્યા, “હરિએ રસ્તો કર્યો અનાથ બાળકનો!”

વગડામાં બહાવરી થઈ દોડી રહેલી વત્સલાને અભયની ચિંતા હતી, પણ સમય વીતતો ગયો તેમ આ બન્નેને હવે વત્સલાની પણ ચિંતા થવા લાગી.

શ્વાસ હેઠો બેસતા હવે વત્સલાને શોધવા બન્ને ઊભા થયા.

ત્યાં જ બાળકનો રડવાનો અવાજ સંભળાયો.

બીજી પળે એક હાથમાં અભય અને બીજા હાથમાં લોહીભીની કટારી સાથે વત્સલા દેખાઈ. એના વસ્ત્રો અઘોરીના લોહીથી ખરડાયેલાં હતાં.

“બાળક અનાથ નથી, હું એની મા છું. છે કોઈને શક?”

અઘોરી મંતરજંતર માટે બાળકને વધેરે એ બન્નેને ખબર હતી, પણ આજે બાળક માટે વત્સલાએ એક અઘોરીને વધેરી નાખ્યો હતો.

ઘુવડોને વધેરનાર અઘોરી પોતે વગડામાં ઘુવડોનું ભોજન બની ગયો. માણેકબાપુ દિગ્મૂઢ થઈ પડખાં ઘસી રહ્યા હતા. નિશ્ચિંત વત્સલા અભયને વળગી સૂઈ ગઈ. માણેકબાપા વિસ્ફારિત નયને પોઢેલી દીકરીને જોતા રહ્યા. શું અભયની માયાએ વત્સલાને ખરેખરી માતા બનાવી દીધી હતી? આવું બની શકે? પોતાની ત્રણ પેઢીથી કોરાણે મૂકાઈને વિસરાઈ ગયેલી શૂરવીરતા પોતાની દીકરીમાં આવી, એ જોઈ ખુશ થવું કે પછી કે ભાગેડું રાજવીના બાળકને ઉછેરી આવનારી આફતોની કલ્પના કરવી? માણેકબાપુ બન્ને લાગણી વારાફરતી અનુભવતા રહ્યા. બેમાંથી એકેય લાગણીએ એમને ઊંઘવા ન દીધા.

***