વીર વત્સલા - 20

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 20

સરદારસિંહે જોયું કે વીરસિંહ વશરામના બાકીના ચાર સાથીઓને પકડીને લાવ્યો હતો. એના મોંથી “શાબાશ”ના ઉદગાર નીકળી ગયા.

વશરામે જોયું કે પોતાના ચાર સાથી બંધક છે. બહુ ઝડપથી એણે પગલું લીધું. પોતાની તલવાર દુર્જેયસિંહના બાવડા પર સહેજ ઊંડો ઘસરકો થાય એ રીતે ફેરવી. દુર્જેયસિંહના મોંથી ચિચિયારી નીકળી ગઈ! રાજના ધણી દુર્જેયસિંહના ખભેથી નીકળતી લોહીની ધાર જોઈ સરદારસિંહ અને એના સાથીઓ કમકમી ગયા.

અચાનક ધડાધડ ચાર ગોળી છૂટવાના અવાજો સંભળાયા. વીરસિંહે નિશાન લઈને ગોળીઓ છોડી હતી. પણ કોઈ મર્યું નહીં. સહુ એકબીજા સામે જોતા રહ્યા. વશરામના ચારે બંધક સિપાહીઓના બૂટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. ગોળી એકેય ને ન વાગી પણ ચારે હચમચી ગયા.

એ જોઈને વશરામ એક ક્ષણ અટકી ગયો. મહામહેનતે એણે ટોળકી બનાવી હતી. એમાંથી ચાર જણના જીવ જોખમમાં હતા.

સામે કોઈ અજાણ્યો યોદ્ધો હતો. દેખીતું હતું કે એ જોરાવર નિશાનેબાજ હતો. અને મુકાબલા માટે સજ્જ હતો. વશરામે હવે આ ઘટમાળની લય ધીમી કરવાનો નિર્ણય લેવો પડ્યો.

“નામ શું છ તારું? આ કુલખ્ખણિયા માટે જીવ આપશે?”

“વીરસિંહ નામ છે મારું! સરદારસિંહનો સિપાહી છું, અને રાજનો સેવક છું!”

વશરામને ખ્યાલ આવી ગયો કે લડાઈ સહેલી નહોતી. સામાન્ય રીતે આવા ધીંગાણામાં એક પક્ષ ડરીને ભાગી જાય અથવા શરણે થાય. પણ આજે એમ થવાનું નહોતું. એણે દુર્જેયસિંહને જીવતો ય નહોતો છોડવો અને ખૂનામરકીય કરવી નહોતી. છતાં માનસિક વિજય પ્રાપ્ત કરીને સલામત નીકળવું બહુ જરૂરી હતું.

વશરામે અચાનક એક પ્રસ્તાવ મૂક્યો, “મારી આખી ટોળી આ તરફ પાછી વળશે. તમારી આખી ટોળી પેલી તરફ પાછી વળશે. માત્ર હું અને આ વીરસિંહ લડીશું. જે જીતશે તે દુર્જેયસિંહને લઈ જશે. બોલો મંજૂર છે?”

પડકારનો તત્કાળ જવાબ આપતો હોય એમ વીરસિંહ ઘોડેથી ઉતરી આગળ વધ્યો. સહુ સ્તબ્ધ થઈ ગયા.

દુર્જેયસિંહ જેવા કુટિલ રાજવી માટે બે બહાદુરો જીવસટોસટનું યુદ્ધ લડવા તૈયાર થયા હતા. એટલું જ નહીં, પોતાના ટોળીના અન્ય સિપાહીઓની ખૂનામરકી બચાવવાનો છુપો આશય પણ બન્નેનો હતો.

બન્ને તરફ સિપાહીઓ અને સાથીઓ તરત પીછેહઠ કરીને પચાસ વાર દૂર જઈ ઊભા રહ્યા. વશરામને બહુ જલદી ખ્યાલ આવી ગયો હતો કે આ તો વિશ્વયુદ્ધમાં લડીને આવેલો સિપાહી છે. વીરસિંહની નિશાનેબાજી તો એણે જોઈ જ લીધી હતી. વશરામે વિચાર્યું, એને હું તલવારબાજીમાં જ હરાવી શકીશ.

વશરામે અસ્ત્ર-શસ્ત્રો ફગાવી માત્ર એક તલવાર હાથમાં રાખી. એને ખાતરી હતી કે વીરસિંહ પણ એમ જ કરશે. વીરસિંહે પણ બંદૂક ફગાવીને તલવાર હાથમાં લીધી. વશરામ ખુશ થયો.

વશરામે એની તલવારનું જોર બતાવવા નજીક પડેલી ઝાડની એક ડાળખી હવામાં ઉછાળી તલવારના ઝડપી બે વાર કર્યા. ડાળખીના તરત ત્રણ કટકા થયા. આવા કુશળ તલવારબાજ વશરામની ચાલમાં વીરસિંહ ફસાઈ ગયો, એવું ભાન થતાં સરદારસિંહના મનમાં અરેરાટી વ્યાપી ગઈ. વશરામે એક વિજયી સ્મિત સાથે મુકાબલો શરૂ કર્યો. વશરામના અતિપ્રબળ અને ઘાતકી પ્રહારો સામે વીરસિંહે સાવધાનીપૂર્વક સ્વબચાવ કરવાનું ચાલુ રાખ્યું.

વશરામના થોડા વાર સતત ખાલી ગયા. બિનજરૂરી ઝનૂનને કારણે ત્રણેક મિનિટમાં જ વશરામને થાકની અસર વર્તાઈ. વીરસિંહ તલવારબાજીમાં એને પહોંચી નહીં વળે એવી એની ધારણા ખોટી હતી. વીરસિંહે બીજી પાંચ જ મિનિટમાં એને ધરતી પર પાડી દીધો અને એના હાંફી રહેલા ગળા પાસેથી માત્ર તસુ દૂરથી પોતાની તલવાર પસાર કરીને જમીનમાં ખૂંપાવી દીધી. વશરામના હાથમાંથી પડી ગયેલ તલવાર ઉપાડીને બીજી તરફ એ જ રીતે ખૂંપાવી દીધી અને ચામડાના પટ્ટાથી એના બન્ને હાથ કમર સાથે બાંધી દીધા.

સૈનિકો દૂરથી આ નજારો જોઈ રહ્યા હતા. સરદારસિંહના સૈનિકોએ વિજયનાદ કર્યો. વશરામની ટોળકી પોતાના સુકાનીનો પરાજય જોઈને દુ:ખી તો હતી પણ એમણે જોયું કે દુશ્મન સેનાના બહાદુર સિપાહીએ કોઈ કારણસર વશરામ કોળીનો જીવ લેવાનું ટાળ્યું હતું. હવે બન્ને તરફના સિપાહીઓ તૈનાત હતા. હારેલા વશરામે શરત મુજબ દુર્જેયસિંહને જવા દેવાનો હતો. એણે પોતાની સેનાને એ મુજબ ઈશારો કર્યો.

વીરસિંહ ઝાડ સાથે બાંધેલા દુર્જેયસિંહની નજીક ગયો. થડમાં ખૂંપેલી એક કટારી ખેંચીને દુર્જેયસિંહના બંધનો કાપ્યા. પણ આ શું? છૂટતાંની સાથે જ દુર્જેયસિંહ ઝાડમાં ખૂંપેલી બીજી કટારી લઈને દોડ્યો. કોઈ કશું વિચારે એ પહેલા એણે ભોંય પર પડેલા વશરામ કોળીના પેટમાં કટારી ભોંકી દીધી.

બીજો ઘા થાય એ પહેલા વીરસિંહે દુર્જેયસિંહનાં બાવડાં પકડી લીધા. વશરામના સાથીઓ દોડી આવ્યા અને ઊંચકીને વશરામના દેહને ઘોડા પર નાખ્યો. વીરસિંહ અને સરદારસિંહે પોતાના સૈનિકોને સંયમ રાખવા ઈશારો કર્યો.

તલવારના ઘસરકાઓથી અશક્ત થયેલા વશરામને માટે કટારીનો ઘા કદાચ જીવલેણ નીવડવાનો હતો. પોતાને લઈ જવા માંગતા સાથીઓને એણે રોક્યા. જતાં પહેલાં અટ્ટહાસ્ય કરતાં દુર્જેયસિંહની સામે થૂકીને એ એટલું જ બોલ્યો, “મને માર્યો, પણ યાદ રાખજે, સૂરજગઢના સાચા ધણી દિલિપસિંહ બાપુનો વારસ ક્યાંક જીવે છે હજી!” આટલું કહેતાંમાં એનો દેહ લથડી પડ્યો.

મર્યા પછી પણ વશરામની ફાટેલી આંખો ભયજનક લાગતી હતી.

વશરામનો મૃતદેહ લઈને ઘોડાઓ અદૃશ્ય થઈ ગયા. ખુદ વશરામ કોળીના સાથીઓ તો વિચારતા રહ્યા કે ક્યાં હશે આ વારસ? શું વશરામ કોળી પાસે કોઈ બાતમી હતી કે માત્ર એવી શ્રદ્ધા હતી એના મનમાં?

દુર્જેયસિંહનો જીવ બચ્યાના આનંદની ઉજાણી સૈનિકોએ ચિચિયારીરૂપે કરી પણ એની વચ્ચે દિલીપસિંહનો વારસ જીવતો હોવાના સમાચાર દુર્જેયસિંહને હચમચાવી ગયા.

*

રાજના ધણી દુર્જેયસિંહ બચી ગયા, એનું જશન સૂરજગઢમાં મોડી રાત સુધી ચાલ્યું, વીરસિંહને અને સરદારસિંહને માનઅકરામ મળ્યાં. પણ રાતે હવેલી પર વીરસિંહ અને સરદારસિંહ એકલા પડ્યા ત્યારે વીરસિંહ મૂંઝાયેલો હતો. બન્ને થાક્યા હતા. વીરસિંહના ઘા ઘસરકા પર મલમપટ્ટી કરાવી બન્ને સૂઈ ગયા.

સવારે જાગીને વીરસિંહે પહેલો સવાલ એ કર્યો, “વશરામ બંદી હતો. આપણા કાબૂમાં હતો ત્યારે દુર્જેયસિંહે એને મારવાની શું જરૂર હતી?”

“તું એક બહાદુર સિપાહી છે, તું કોઈની પણ બહાદુરીની કદર કરે છે એટલે તને વશરામનું લાગે છે, પણ એ દુશ્મન હતો અને દુશ્મનનો સફાયો જ કરવાનો હોય!”

“પણ આવી રીતે? આવી કાયરતાથી?”

“બીજું શું થઈ શક્યું હોત? એને ત્યારે ન માર્યો હોત તોય, એને બંદી બનાવીને સૂરજગઢ લાવ્યા હોત, એના પર કામ ચલાવ્યું હોત, અને દેહાંતદંડની સજા આપી હોત! અંગ્રેજોએ પેલા મુગલ સુલતાન બહાદુરશાહના પરિવારને માર્યો કે નહીં? બળવાખોર કા ફતેહ કરે કાં મરે!”

વીરસિંહનો આક્રોશ જરા ઠંડો પડ્યો, “સરદાર! આ રાજમાં મારે નથી રહેવું! તમને તમારા પચાસ વીઘા મળી જાય પછી મારો હિસ્સો વેચીને હું બીજે રહેવા ચાલી જઈશ.”

વીરસિંહ પોતે જ બોલ્યો, “બીજે રહેવા ચાલી જઈશ!” એણે પોતે જ સાંભળ્યું, “બીજે રહેવા ચાલી જઈશ!” ક્યારેક પોતાના મોઢે બોલાયેલા શબ્દો પોતાને જ બહુ રાહત આપતા હોય છે. વીરસિંહને એકાએક અહેસાસ થયો કે આ કામ પતે કે તરત નવી જગ્યાએ વસવાટ કરવાનો સમય આવી ગયો છે. આ વાત હવે બીજા કોની સાથે વહેંચાય? આ વાતથી સૌથી વધુ ખુશી કોને થાય? વીરસિંહને અત્યારે ને અત્યારે વત્સલાને મળીને આ વાત કહેવાની તીવ્ર ઈચ્છા થઈ. એને થયું આજે બપોર સુધી રાહ નથી જોવી. એ શિવમંદિર તરફ જવા થનગની ઊઠ્યો, એ જે ઉતાવળથી ઊભો થયો એ જોઈ સરદારસિંહ જરા ચોંક્યો.

“આજે ને આજે જ જાય છે? સરદારસિંહને છોડીને?”

ના, તમે મારા રક્ષક અને પાલક છો. એમ નહીં સાથ છોડું. મેં તમને વચન આપ્યું છે તમને પચાસ વીઘા મળે ત્યાં સુધી તમારી સાથે રહીશ. પણ પછી આ રાજખટપટ અને ખૂનામરકી નહીં!”

વીરસિંહે સરદારસિંહની હથેળીમાં હથેળી મૂકી. સરદારસિંહને અનુભવ થયો કે મારે માટે આ પચાસ વીઘા જમીનનો સવાલ છે. દુર્જેયસિંહ માટે એક બાળકને રહેંસવાનો સવાલ છે, પણ આ બહાદુર સિપાહી માટે આ કોઈ સોદો, વ્યાપાર કે કુટિલતા નથી, એ વખત આવ્યે જીવ આપી દેશે મારા માટે. જરાતરા નિશ્ચિંત થઈ સરદારસિંહ બોલ્યો, “જા, આજે આરામ કરી લે, કાલે દુર્જેયસિંહને મળીને આગળની યોજના નક્કી કરીશું.”

*

થોડીવાર પછી વીરસિંહ શિવમંદિરવાળા ટીંબા તરફની પગદંડી પર હતો. પાદર પર જુવાનિયાઓને પૂછ્યું કે ચંદનસિંહ ક્યાં છે. કોઈએ જવાબ આપ્યો, ખેતરે ગયો છે. આવતો જ હશે. એણે થોડીવાર ચંદનસિંહની રાહ જોઈ. પછી કહેતો ગયો કે ચંદનસિંહ દેખાય તો એને શિવમંદિરે મોકલે. એણે ઘોડો શિવમંદિરની દિશામાં મારી મૂક્યો.

પહેલાં એણે વિચાર્યું હતું કે ચંદનસિંહની આગળ હૈયું ખોલશે. ચંદનસિંહની દોસ્તીને અદાલત બનાવી એણે પોતાની સાથે, વત્સલા સાથે, બાળક સાથે સહુ સાથે ન્યાય કરવાનું નક્કી કર્યું હતું. પણ આજે એના મનમાં કોઈ અવઢવ નહોતી. તેથી આજે એનો ઘોડો પુરપાટ ભાગી રહ્યો હતો.

*

થોડીવાર પછી તો એ વત્સલા સાથે ખીજડાના ઝાડની નીચે બેઠો હતો.

વત્સલા એકલી આવી હતી એટલે વીરસિંહે પૂછ્યું, “અભય ક્યાં?”

વત્સલા બોલી, “સૂતો છે!”

થોડીવાર બન્ને એકબીજાના હાથમાં હાથ મૂકીને બેઠાં. આટલા દિવસોમાં પહેલીવાર વીરસિંહનું મન વિચારો અને તર્કમાંથી મુક્ત થઈને પોતાની હથેળીમાં વત્સલાની હથેળીને અનુભવી રહ્યું હતું. વત્સલાની હથેળીમાં અંગૂઠા પાસે કોઈ રગ ધબકી રહી હતી. એની હલચલ વીરસિંહની હથેળી અનુભવી રહી હતી. ગરીબ અભાગી માણસને સપનાં સાચાં પડવાની ખુશી કરતાં કિસ્મતને હાથે એનો મજાક ઊડવાનો ડર વધુ હોય છે. પણ થોડી પળો ધબકારાઓએ પરસ્પર વાતો કરી, એટલે થડકારાઓ શાંત પડ્યા.

વીરસિંહે રણમેદાનમાં ગોળીઓના વરસાદની વચ્ચે ભેંકાર ઊંઘ વગરની રાતોમાં વત્સલા સાથે ફેરા ફરવાના સપના જોઈને દિવસો વીતાવ્યા હતા. વત્સલાએ જંગલના એકાંતમાં ચીબરીના અવાજો વચ્ચે હૈયાની અંદરનું પ્રેમનું ગીત મૂરઝાવા નહોતું દીધું. એ વિરહનું તપ આજે ફળવાની શરૂઆત થઈ એમ બન્નેને લાગ્યું.

થોડીવારમાં વીણા અભયને લઈને આવી. વત્સલાને થયું કે અભયને ઉઠાવી વીરસિંહના ખોળામાં મૂકી દઉં. પણ એ થોભી. એણે વિચાર્યું, જે થાય એ સહજતાથી થવા દઉં.

વીરસિંહે બાળકને જોયું. એની આંખો જોઈ. વત્સલાએ વીરસિંહની આંખો જોઈ. વીણાએ એ જોયું. બન્ને સહેલીઓએ આંખો-આંખોથી વાત કરી, “કોઈ કોઈને નુકશાન પહોંચાડે એમ નથી.”

... અને સહુ વિનાકારણ હસી પડ્યા. બાળક પણ હસ્યું!

યુદ્ધોની ત્રાસદી વચ્ચે પહેલીવાર મુક્તમને હસી શકેલા વીરસિંહે બાળકના ઝૂલી રહેલા હાથની આંગળી પકડી. બાળકના હાથમાં છ આંગળી હતી, એ વીરસિંહે અચરજથી જોયું.

વીણા બોલી, “છ આંગળીવાળા બાળક તો ભાગશાળી ગણાય!”

વીરસિંહે અભયને હવે તેડી લીધો. હળવેથી એના હાથમાં એક સોનામહોર મૂકી.

વત્સલા બોલી, “અભયસિંહને સોનામહોરનો ખપ નથી, એને અભયવચન આપો!”

ત્યાં જ ઘોડાની તબડાટી સંભળાઈ. ચંદનસિંહ આવી રહ્યો હતો. પણ એનો ઘોડો કાયમની જેમ રેવાલ ચાલે નહીં પણ તેજીથી આવી રહ્યો હતો.

ચંદનસિંહ પાસે સમાચાર હતા, “વિરાટપુરમાં ઉધમસિંહની સેનાએ માગસર માસમાં જન્મેલા ત્રણ બાળકોને શોધીને શંકાને આધારે રહેંસી નાખ્યા.”

“ઓહ!” વીરસિંહ બોલી ઊઠ્યો. વત્સલા તો સમજી ગઈ, પણ વીણા પૂછી બેઠી, “કેવી શંકા!”

ચંદનસિંહે કહ્યું, “દુર્જેયસિંહને એવી શંકા છે કે દિલિપસિંહનો વારસ જીવે છે અને એના જ હાથે એમની ઘાત છે.”

“અત્યાર સુધી તો માત્ર અંદેશો હતો, હવે વશરામ કોળીના છેલ્લા ઉદગારે તો શંકા પાકી કરી દીધી કે દિલિપસિંહનું બાળક જીવે છે!” વીરસિંહ બોલ્યો ત્યારે એને ખ્યાલ નહોતો કે એના હાથમાં હતો એ જ દિલિપસિંહનો વારસ હતો.

ચંદનસિંહના અવાજમાં આક્રોશ હતો, “એટલે આવું કરવાનું? આ તો જુલમ છે! માગસર માસમાં જનમેલા દરેક બાળકને એના માણસો વહેમથી જુએ છે અને બાળક સૂર્યવંશનું છે એવી કોઈ પણ શંકા કે નિશાની દેખાય તો ઉધમસિંહના સિપાહીઓ બાળકને રહેંસી નાખે છે!”

વીરસિંહ બોલ્યો, “હવે તો એક જ રસ્તો છે. આપણે દિલિપસિંહના સાચા વારસને શોધીને દુર્જેયસિંહને હવાલે કરી દઈએ તો આ ખોટી ખૂનામરકી અટકે અને લોક ચેનથી જીવી શકે!”

વાત સાંભળતાં વત્સલાએ અનાયાસે જ અભયને વીરસિંહના હાથમાંથી લઈ પોતાના હૈયાસરસો ચાંપ્યો.

વીરસિંહનું ધ્યાન તો વાતોમાં હતું, પણ વત્સલાએ બાળક લઈ લીધું છે એ ખ્યાલ આવતાં એણે બાળકને ફરી પોતાના હાથમાં લેવા વત્સલાની દિશામાં બન્ને હાથ લાંબા કર્યો ત્યાં સુધી તો વત્સલાએ પીઠ ફેરવી દીધી હતી.

વત્સલાને ડર હતો કે થોડીવાર પહેલા જોયેલી નિષ્પાપ આંખોમાં હવે અભયના મોતનું ફરમાન દેખાશે!

એક તરફ બાળક હતું, એક તરફ વીરસિંહ હતો. વત્સલા વચ્ચે હતી. કોને પીઠ બતાવવી? કોની સામે જોવું? સવાલ આંસુ થઈ વહી ગયો.

***

***

Rate & Review

Chandresh N Vyaas

Chandresh N Vyaas 11 months ago

Khushali Domadiya

Khushali Domadiya 6 months ago

Vaishali

Vaishali 7 months ago

Pravin shah

Pravin shah 8 months ago

Harsh Piprotar

Harsh Piprotar 8 months ago