Premni pele paar - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... - ભાગ - ૨૪

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા એના ને અભીના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે. આ તરફ આકાંક્ષા દવા કે કઈ પણ ન લેવાની જીદ કરી અભીને પણ આ લગ્ન માટે હા પડાવે છે. હવે આગળ..

*****

નથી માનતું દિલ તોય હામી ભરવી પડે છે,
જીદ સામે કોઈની ક્યારેક નમી જવું પડે છે,
હદ ક્યાં નક્કી થઈ છે ક્યારેય પ્રેમની,
દર્દ હો છતાં હાસ્ય ધરી વાત માનવી પડે છે...

અભીના આ શબ્દો સાંભળીને આકાંક્ષા ભાવનાઓમાં વહેવા માંડી. એની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં. "બસ અભી હું તારા જવાબની જ રાહ જોતી હતી. હવે ઘરમાં બધાને આ વાત કહી દઈએ અને પછી તરત તારા અને સૌમ્યાના લગ્ન." અભીને ખુશીથી ભેટી પડતા આકાંક્ષા બોલી.

" એક મિનિટ... તરત એટલે ? તું કહેવા શું માંગે છે?" અભીએ પૂછ્યું.

"પરિવારમાં બધા હા પાડે એટલે તરત જ લગ્ન." આકાંક્ષાએ કીધું.

"અક્ષી તને ખબર છે તું શું બોલી રહી છે..!?", અભી લગભગ ચિખી ઉઠ્યો.

હવે આકાંક્ષા એકદમ ગંભીર થઈ ગઈ અને બોલી, " હું ઈચ્છું છું કે મારી હાજરીમાં જ તમારા બંનેના લગ્ન થઈ જાય. મેં બધું જ વિચારી રાખ્યું છે. પહેલા આપણે બંને ડિવોર્સ લઇ લઈશું અને પછી તમારા લગ્ન. મારા તો કપડાં, દાગીના બધુજ નક્કી છે બસ તમારા બંનેની હા ની જ રાહ જોતી હતી."

"તેં આટલું બધું વિચારી રાખ્યું છે, અક્ષી..!? તને નથી લાગતું કે તારે મને પણ પૂછવું જોઈએ આ બધા વિશે..!? અને આ ડિવોર્સ..!! તું વિચારી પણ કઈ રીતે શકે કે હું તારી જોડે ડિવોર્સ લઈશ..!? હું સ્વપ્નેય ના વિચારી શકું યાર આ.. જાણું છું કે તું બહુ બીમાર છે, આપણો આ સાથ હવે બહુ સમય નથી રહેવાનો. પણ આમ બીમારીની આડમાં તું આવી વાત કઈ રીતે કરી શકે..??", બોલતા બોલતા અભી ચોધાર આંસુએ રડવા માડ્યો. આગળના શબ્દો તો જાણે એ અંદર જ ગળી ગયો.

બીજી બાજુ આકાંક્ષા પણ રડી રહી હતી. એણે બે હાથ ફેલાવીને અભીને એની આલિંગનમાં લઇ લીધો.

"રોકાઈ જા ને અક્ષી. પ્લીઝ ના જા. અહીંયા જ રહે... મારી જોડે. મારે જરુર છે તારી.", અભી રડતા રડતા બોલી રહ્યો હતો.

તો સામે પક્ષે અક્ષી પણ જાણે એના મનની વાતને સમર્થન આપતી હોય એમ જ બોલી રહી હતી, "અભી બચાવી લે મને. મારે નથી જવું તને છોડી ને. ખૂબ પ્રેમ કરું છું તને. love you so much અભી..."

કેટલીય વાર બંને જણ આજ સ્થિતિમાં રહ્યા. અને એટલામાં જ દરવાજા ઉપર ટકોરા પડ્યા. આભીએ દરવાજો ખોલ્યો તો સામે આકાંક્ષાના માતા પિતા હતા.

" હવે કેવી તબિયત છે બેટા? સવારે ચક્કર આવતા હતા તો ઓછા થયા?", આકાંક્ષાની મમ્મી પૂછતાં પૂછતાં અંદર આવ્યા.

એમને આમ સવાર સવારમાં ઘરે આવેલા જોઈ આકાંક્ષાને થોડી નવાઈ લાગી. એણે પૂછ્યું, " મમ્મી, પપ્પા... તમે અહીંયા ?"

"હા, અક્ષી એમને મેં જ જાણ કરી હતી. તારું અસ્તિત્વ એમને આભારી છે. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે મમ્મી પપ્પા પણ હવેથી આપણી જોડે જ રહેશે." અભીએ કહ્યું.

અત્યાર સુધી ચૂપ બેઠેલા આકાંક્ષાના પિતા બોલી ઉઠ્યા, " સમજદાર દીકરી, દિકરા જેવો જમાઈ... કેટલો નસીબદાર ગણતો હતો હું પોતાને, ખબર નહિ કોની નજર લાગી ગઈ મારા સુખને?"

અને એક કઠણ કાળજાનો પુરુષ આજે એક બાપ બનીને રડી રહ્યો હતો.

આખો ઓરડો આક્રંદથી ભરાઈ ગયો હતો અને એટલામાં જ સૌમ્યા બધા માટે પાણીના ગલાસ લઈને પ્રવેશે છે.

" બસ આંટી, આમ હિંમત ન હારો. આપણે આકાંક્ષાની તાકાત બનવાનું છે એની કમજોરી નહિ..! જો આપણે જ આમ વારે ઘડીએ ઢીલા થઈ જઈશું તો એને કોણ સંભાળશે?", આકાંક્ષાની મમ્મીને ભેટીને એમને છાના રાખતા સૌમ્યા બોલી. બધા થોડા શાંત થયા. આકાંક્ષાના મમ્મી પપ્પાએ આકાંક્ષા જોડે થોડી વાતચીત કરી.

સાંજે આકાંક્ષાને થોડું સારું લાગતું હતું એટલે એ બહાર હોલમાં જઈને બેઠી. આકાંક્ષાના ધાર્મિક વૃત્તિવાળા સાસુ અને મમ્મી પૂજારૂમમાં સાંજનો દીવો કરી રહ્યા હતા. સૌમ્યા લેપટોપ પર એનું કામ કરી રહી હતી.

"સૌમ્યા આજે તો મને તારા હાથની પનીર ભુરજી ખાવી છે. ખબર ને તું કેટલી મસ્ત બનાવતી અહીં હતી ત્યારે.", આકાંક્ષાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું.

સૌમ્યા પોતાના લેપટોપ પર કઈ કામ કરી રહી હતી. એ અધુરું મૂકી બોલી, "હા બિલકુલ હાલ બનાવી આપું. બીજું બોલ શું ખાવું છે એ પણ બનાવી દઉં."

આકાંક્ષાના સાસુ અને મમ્મી પૂજારૂમમાંથી ઘુપસળી લઈ બહાર આવ્યા, પૂજામાંથી પરવારી એના સાસુ બોલ્યા, "અરે બેટા! સૌમ્યાને ક્યાં હેરાન કરે છે, લાવ હું બનાવી દઉં."

ત્યાં તો સૌમ્યા ઉભી થઇ અભીના મમ્મી પાસે આવીને બોલી, "કેમ આંટી! હું આ ઘરની સભ્ય નથી. હું ન બનાવી શકું અક્ષી માટે કઈ?"

અભીના મમ્મી ગળગળા થઈ ગયા,
"અરે ના બેટા એવું કંઈ હોય, અત્યારે તો તું જ અમને હિંમત આપનાર અમારા ઘરની સૌથી સમજદાર વ્યક્તિ છે. જા બનાવ તારે બનાવવું હોય એ તારું જ ઘર છે. ને અમારા માટે પણ બનાવજે."

ત્યાં આકાંક્ષાની બાજુમાં એની સાસુ અને મમ્મી ગોઠવાણા.

આકાંક્ષાએ ફરી વાત છેડવાના ઇરાદે કહ્યું, "આ સૌમ્યા જ છે જે આપણા ઘરનો ટેસ્ટ બરાબર જાણે છે, ને અભીની તો મનગમતી બધી જ વાનગીઓ સૌમ્યાને મસ્ત બનાવતા આવડે છે. મને તો એમ થાય છે કે સૌમ્યા ન હોત તો મારું શું થાત!? જાણે ભગવાને મને એક દોસ્તના રૂપમાં બહેન આપી દીધી છે."

અભિના મમ્મી બોલ્યા, "સાચી વાત છે તારી આકાંક્ષા, બહુ જ સરળ ને હોશિયાર છે આપણી સૌમ્યા, અમે તો એને અભી સાથે ભણતી ત્યારથી ઓળખીએ."

વાત બરાબર ટ્રેક પર જઈ રહી છે એમ વિચારી આકાંક્ષાએ પ્રસ્તાવ મુક્યો, "મમ્મી, મારા બાદ અભીનું કોઈ ધ્યાન રાખી શકશે તો એ સૌમ્યા જ છે, હું અભીને સૌમ્યાના હાથમાં સોંપવા માંગુ છું. અભીના લગ્ન સોમી સાથે કરાવીને...."

"આકાંક્ષા, બેટા આ શું બોલે છે તું!? સૌમ્યા વિશે આપણે આમ કઈ રીતે નક્કી કરી શકીએ?", આકાંક્ષાના મમ્મી તરત બોલ્યા.

"હા, બેટા એ બન્ને બહુ સારા મિત્રો છે ને રહેશે. આમપણ અભીએ આ બાબતે ના પાડી છે ને વાત કરવાની!", આકાંક્ષાના સાસુ બોલ્યા.

"હજુ તમે લોકો સ્વીકારવા તૈયાર નથી! અને મેં પહેલા જ કહ્યું હતું કે હું અભીના લગ્ન કરાવીને જ રહીશ. આને મારી છેલ્લી ઈચ્છા સમજો ને મમ્મી મેં અભીને સૌમ્યા સાથે વાત કરી લીધી છે. બસ તમારા બધાની હા ની જરૂર છે.", આકાંક્ષા જરા પણ અટક્યા વગર પોતાના વિચાર બોલી ગઈ.

આકાંક્ષાના મમ્મી ને સાસુ બન્ને એકબીજાની સામે આશ્ચર્યથી જોતા રહ્યા. ત્યાં એમનું ધ્યાન સૌમ્યા તરફ ગયું. સૌમ્યાએ ત્યાં ઉભા ઉભા ડોકી ઘુણાવી હા પાડી. બન્ને બધું સમજી ગયા. એમને તો પણ એકવાર સૌમ્યા ને અભી જોડે વાત કરવું વધુ યોગ્ય લાગ્યું.

સાંજે અભીના માતા પિતા ને આકાંક્ષાના માતાપિતાએ અભી ને સૌમ્યા સાથે વાત કરી. બન્ને એ પોતાના વિચાર કહ્યા. હવે બન્ને માતા પિતા પાસે હા પાડવા સિવાય કંઈ વિકલ્પ જ રહ્યો ન હતો. પણ આકાંક્ષાની બીમારીને ધ્યાનમાં રાખતા બધાએ નક્કી કર્યું કે આપણે એની આ ઈચ્છાને ખુશીથી સ્વીકારીશું. એમને આકાંક્ષાને એમની સહમતીની જાણ કરી. સાથે સાથે એ પણ કહ્યું કે એ લોકો સૌમ્યાના ફોઈ ફુવા જોડે પણ આ બાબતે વાત કરશે.

સાંજે અભી રૂમમાં આવ્યો. આકાંક્ષા એના મોબાઈલમાં કઈક કરી રહી હતી. અભીને આવતા જોઈ એને ફોન સાઈડ પર મૂકી અભી સાથે વાતચીત કરવાની શરૂ કરી.

"અભી, આજે હું બહુ ખુશ છું. બધાની સહમતી મળી ગઈ. તમારા બન્નેના લગ્ન બાબતે.", આકાંક્ષા બોલી.

"વાહ.. કેટલી ખુશીની વાત છે! તું તારા જ પતિના લગ્ન તારી બેસ્ટી જોડે કરાવી રહી છે.", અભી ટોણો મારતા બોલ્યો.

"હા, મને ખબર છે. તે ખાલી મારી જીદ પુરી કરવા હા પાડી છે. બાકી તું આ લગ્ન જોડે જરાય સહમત નથી.", આકાંક્ષા બોલી.

"હા, તો હું કઈ પહેલી વાર ઘોડીએ નથી ચડવાનો તો હરખમાં આવી જાઉં! જીદ, જીદ ને જીદ.. છેલ્લી ઈચ્છાઓને નામે માણસને ઈમોશનલ કરવાનું.. અક્ષી સાચું કહું, જેટલી જીદ તે અમને પરણાવા કરી એટલી જીદ મારે તારી ટ્રીટમેન્ટ માટે કરવી જોઈતી હતી. મને તો અત્યારે સમજાતું નથી કે પ્રશ્ન મારા લગ્ન છે કે તારી બીમારી!", અભીનો ગુસ્સો કહો કે આકાંક્ષાની જીદ સામે એનું ઝુકવું. આજે એના મનનું એ બધું જ બોલી ગયો.

આકાંક્ષા બધું જ સમજી રહી હતી. એને અભીના ખભે હાથ મુક્યો ને બોલી, "અભી, હું તારી પરિસ્થિતિ સમજુ છું. તારી જગ્યા એ હું હોત તો હું પણ આ રીતે જ રીએક્ટ કરત. પણ અભી હું તને બહુ પ્રેમ કરું છું. એટલે હું તને મારા ગયા પછી દુઃખી નહી જોઈ શકું. બીજી એકવાત અભી, સૌમ્યા મારી બેસ્ટી છે. હું એક સ્ત્રી થઈ ને બીજી સ્ત્રી જોડે ક્યારેય અન્યાય નહીં કરી શકું. હું તને પરાણે એની જોડે પરણાવી એની જોડે અન્યાય ન કરી શકું. તું મને પ્રોમિસ કર કે હું સૌમ્યા જોડે લગ્ન કરી એને પત્ની તરીકે બધા જ હક આપીશ.", આકાંક્ષા એ પોતાની વાત મૂકી.

આ તરફ કોઈ બેડરૂમનો દરવાજો ખખડાવે છે. આકાંક્ષા ઉભી થઇ દરવાજો ખોલે છે. ત્યાં સામે સૌમ્યા ઉભી હોય છે.

"મારે અભી જોડે એકલામાં વાત કરવી છે.", સૌમ્યા બોલે છે.

આકાંક્ષા અભીની સામે જુએ છે. અભી સૌમ્યા સામે જોઈ ડોકી ઘુણાવી હા પાડે છે. એ ઉભો થઇ રૂમની બહાર નીકળી સૌમ્યા જોડે બાલ્કની તરફ ચાલવા લાગે છે.

આ તરફ આકાંક્ષાના મગજમાં અઢળક સવાલો ફરી વળે છે. ક્યાંક સૌમ્યાએ લગ્નનો વિચાર બદલી તો નહીં નાખ્યો હોય ને!? ક્યાક એની પ્રથમ માટેની લાગણીઓ બદલાઈ તો નહીં ગઈ હોય ને!?

મારી જોડે કાયમ આવું કેમ થાય છે!
પરિણામ મળ્યા પહેલા છેટું કેમ થાય છે!
શુ ધારી છે તે નિયતિ હવે તો કઈ કહી દે,
ઉકેલ મળે એ પહેલાં કોયડાઓ કેમ રચાય છે...

© હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા