ટહુકો - 23

ટહુકો

માતા, માતૃભૂમિ અને માતૃભાષા વિના માણસ અનાથ

(૧૯/૨/૨૦૧૨)

છ કરોડ ગુજરાતીઓ એક પ્રશ્ન પર વિચાર કરશે? પાળેલા કૂતરા સાથે માણસ અંગ્રેજીમાં વાત કરે તેનું કોઈ વાજબી કારણ ખરું? વાત માનીએ તેટલી નાની નથી. જો આપણા પર અંગ્રેજોને બદલે ફ્રેન્ચ પ્રજાનું શાસન હોત, તો આપણે કૂતરા સાથે ફ્રેન્ચ ભાષામાં વાત કરી હોત! જો આપણે બ્રિટનના બદલે જર્મનીના ગુલામ હોત, તો આપણે કુતરા સાથે જર્મન ભાષામાં વાત કરી હોત! જો આજે પણ મોગલોનું જ શાસન ચાલુ હોત, તો આપણે આપણા પ્રિય કૂતરા સાથે ઉર્દૂમાં વાત કરી હોત! કૂતરો ગુલામ છે અને કૂતરાનો માલિક પણ પોતાની માનસિકતાને કારણે ગુલામ જ ગણાય. આપણે હજી' કોલોનિયલ માઈન્ડ' ધરાવનારી પ્રજા છીએ. ગોરી ચામડી આપણને આકર્ષે છે. ઈસરોના પ્રોજેક્ટને ' અંતરિક્ષ' માટે અંગ્રેજીમાં' એન્ટ્રિક્ષ'( Antrix) ઉચ્ચાર થાય એ શું બતાવે છે? જેની માતા મરી ગઈ હોય તેવા બાળકની લોકો દયા ખાય છે. માતૃભૂમિ છોડીને ભાગી છૂટેલા નિરાશ્રિત લોકોને આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ પ્રાપ્ત થાય છે. માતૃભૂમિમાં રહીને મોટા થયેલા, પરંતુ પોતાની માતૃભાષા ન સમજનારા માણસની દયા કોઈ ખાતું નથી. કારણ શું? કારણ એ જ કે માતૃભાષા ન આવડે એવી પરિસ્થિતિ પણ ફેશનમાં ખપે છે. આવી ગુલામ માનસિકતાને દૂર કરવાના નમ્ર પ્રયાસ રૂપે ૨૦૧૦ની ૩૦મી જાન્યુઆરીને દિવસે નરસિંહ મેહતાની જન્મભૂમિ જુનાગઢથી તે વીર નર્મદની જન્મભૂમિ સુરત સુધીની માતૃભાષા વંદનાયાત્રા (નરસિંહથી નર્મદ)નું આયોજન થયું હતું. લોકોનો અઢળક ઉમળકો યાત્રાને પ્રાપ્ત થયો હતો.

વંદનાયાત્રા આયોજન માટે જ્યારે (મોતીભાઈ પટેલ, ભદ્રાયુ વછરાજાની, પુરુષોત્તમ જી. પટેલ અને ઉષા ઉપાધ્યાય સાથે)પ્રારંભિક ચર્ચા ચાલી પછી જાહેરાત થઈ કે તરત આઇસલેન્ડ જેવા નાનકડા દેશમાંથી એક ગુજરાતી ભાઈનો ફોન મારા પર આવ્યો હતો. લંડન, પેરિસ કે ફ્રેન્કફર્ટથી કેનેડા કે અમેરિકા બાજુ જતા વિમાનમાંથી એક નાનો ટાપુ નજરે પડે છે. આઇસલેન્ડ જેવા એ નાના દેશની વસ્તી 3 લાખ અને ૧૮ હજારની છે. માનશો? એ સાર્વભોમ દેશ કરતાં તો ગુજરાતના વલસાડ જિલ્લાની વસ્તી (૧૭ લાખ) અનેક ગણી વધારે છે. એ ગુજરાતી ભાઈ ત્યાંના નાગરિક તરીકે થોડા ગૌરવ સાથે કહ્યું:'અમારા દેશમાં અમારી માતૃભાષા આઇસલેન્ડિક જ શિક્ષણનું માધ્યમ છે. ' પ્રજાને જ્યારે ગુલામી સાદી જાય ત્યારે એની શરમાઈ મરવાની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. કોઈ જશભાઈ પટેલ અંગ્રેજી માધ્યમની નિશાળ નફા માટે શરૂ કરે ત્યારે ડિવાઇન ચાઇલ્ડ કે હોલી ચાઈલ્ડ સ્કૂલ જેવા નામો રાખે છે ગુલામ કૂતરાનો માલિક પણ ગુલામ!

આપણી ગુલામી આપણને ન ખૂંચી, પરંતુ અંગ્રેજી કવિ કિટ્સને ખૂબ ખૂંચી. એણે કહ્યું:

શિક્ષણનું અંગ્રેજી માધ્યમ

એ ભારત પરની બ્રિટનની

મોટામાં મોટી બુરાઈ હતી

એણે ગૌરવવંત પ્રજાને

રંગલા જાંગલા જેવી

આત્મગૌરવવિહોણી બનાવી દીધી.

શું અંગ્રેજી માધ્યમનો વિરોધ એ અંગ્રેજીનો વિરોધ છે? માતૃભાષા વંદનાયાત્રા રાજકોટ પહોંચી અને યાદગાર સભા પૂરી થઈ. હોલની બહાર આવ્યો ત્યારે મારી સામે દેખાવો થયા. એક ઉંમરલાયક વડીલ ક્રોધે ભરાઇને મને કહી રહ્યા હતા:' અંગ્રેજી ભાષાના સર્જકો જેવી ક્ષમતા તમે ગુજરાતી સાહિત્યકારો બતાવી તો જુઓ!' એ ભાઈએ માની જ લીધું કે અમારી યાત્રા અંગ્રેજીના વિરોધમાં હતી. એમની વાતમાં થોડુંક સત્ય હશે, પરંતુ મારી નમ્ર માન્યતા પ્રમાણે કલાપીની કવિતા ' ગ્રામમાતા ' કોઈપણ ભાષાની કવિતા સામે ગૌરવભેર ધરી શકાય તેવી છે. પશ્ચિમના દેશોમાં પણ મેઘાણી ઝટ જડતા. કવિ કિટ્સ ની વાત સાચી છે કે આપણી પ્રજા ' આત્મગૌરવવિહોણી ' બની ગઈ છે. જરા તો વિચારો!બ્રિટન, ફ્રાન્સ કે ઈટલીની વસ્તી ૬ કરોડથી થોડીક વધારે છે. જો ૬ કરોડ જેટલા ફ્રેન્ચ લોકો પોતાની માતૃભાષામાં શિક્ષણ લઇ શકે અને રાજ્યકારભાર ચલાવી શકે તો ગુજરાતના લોકોને એ અધિકાર કેમ ન મળે? કોર્ટની ભાષા અંગ્રેજી શા માટે? જે માણસ માતા, માતૃભૂમિ અને માતૃભાષાથી વિખૂટો પડી જાય તે ' અનાથ ' ગણાય અને તેથી દયનીય ગણાય. માતૃભાષા વંદનાયાત્રા કાઢવી પડી એ એક શરમજનક ગણાય. એવી રશિયામાં, ચીનમાં, યુરોપમાં, જાપાનમાં કે કોરિયામાં કેમ કાઢવી ન પડી?ગુજરાતી ભાષા કાલે ઊઠીને મૃત્યુ પામે તો તે માટે શ્રીમાન દુર્બોધચંદ્ર કલિસ્ટ શંકર અઘરાવાલા નામના વિદ્વાનની જવાબદારી ઓછી નહિ હોય. એમને અસરળ ગુજરાતી પ્રિય છે.

હવે એક ચોંકાવનારી વાત કરવી છે. ગુલામી માનસિકતા ધરાવનારી પ્રજાની શરમાઈ મરવાની શક્તિ ક્ષીણ થાય છે પરંતુ ચોંકી ઊઠવાની શક્તિ ક્ષીણ થતી નથી. એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ(PISA)માં બે તારણો ચોંકાવનારા જણાયાં.

. પાંચમા ધોરણના ૪૮. ૨% જેટલા જ વિદ્યાર્થીઓ ધોરણ બીજાનું પાઠ્યપુસ્તક વાંચી શકે છે.

. ત્રીજા ધોરણના ૨૯. ૯ ટકા જેટલા જ વિદ્યાર્થીઓ સાદી બાદબાકી કરી શકે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ' સર્વ શિક્ષા અભિયાન ' હેઠળ ભારત સરકારે ૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને રાઇટ ટુ એજ્યુકેશન(RTE) માટે નક્કર પ્રયાસો પણ કર્યા છે. તો પછી આવું કેમ બન્યું? સ્વામિનાથન અંકલેશ્વરીયા ઐયર (ટા. . ., ૨૯-૧-૨૦૧૨)નો અભિપ્રાય સેવે છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે આડેધડ અંગ્રેજી ભણાવાય છે તે પણ આવા ધબડકા માટી જવાબદાર હોઈ શકે છે. લેખક કહે છે કે:' ઉત્તર ભારતના હિન્દી પટ્ટામાં મા-બાપને અંગ્રેજી માધ્યમની પ્રાઇવેટ સ્કૂલોમાં સંતાનોની મોકલવાનું ઘેલુ લાગ્યું છે. પરિણામે સેંટ કોન્વેન્ટ સ્કૂલ આને પોપટલાલ કોન્વેન્ટ સ્કૂલ જેવાં નામો હેઠળ ચાલતી નિશાળો શરૂ થાય છે. એ નિશાળોમાં અંગ્રેજીમાં અપાતું શિક્ષણ કેવું?અભ્યાસમાં જે ૭૩ દેશોનો સમાવેશ થયો હતો તેમાં ભારતનો નંબર ૭૨મો હતો. આવું કેમ બન્યું?પારકી ભાષામાં ભણનારા બાળકની શક્તિ એ ભાષા સમજવા માં વપરાઈ જાય છે તેથી સમજણમાં ગોબો પડી જાય છે. આ બાબત ઊંડુ સંશોધન માંગે છે.

ગુજરાતી ભાષાનું કોઈ ભવિષ્ય ખરુ?જો આજથી ન ચેતીએ તો એનું મૃત્યુ નક્કી જાણવું. દુનિયાની ભાષાઓ જે ઝડપે મરી રહી છે તે જોતા ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઊજળું નથી. ૨૫ વર્ષ પછી આપણી ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન નિશાળના કોઈ વર્ગખંડમાં મળશે. સભામાં માંડ પાંચ યુવાનો હશે અને બાકીના વૃદ્ધો હશે!આ વાતમાં અતિશયોક્તિ લાગી?તો એક કામ કરો. કોઈ ગુજરાતી કવિ, વાર્તાકાર, નિબંધકાર કે વિવેચક ને ત્યાં પહોંચી જઇને એના સંતાનોના સંતાનોને મળજો. એ નાનડિયા ને દાદાની રચેલી કવિતા કે વાર્તાની જાણ નહિ હોય. એને મેઘાણી, કલાપી, ઉમાશંકર, સુંદરમ્, ચંદ્રકાન્ત શેઠ ઉશનસ્ કે જયંત પાઠકના નામની પણ ખબર નહી હોય.

હે ગુજરાતી સજ્જ્નો!વીર નર્મદે ગુજરાતી ભાષાને ' દેશાભિમાન ' શબ્દ આપ્યો હતો. આજે એ જ રીતે ' ભાષાભિમાન ' શબ્દ પ્રયોજવાની જરૂર છે. બંગાળી પ્રજા પાસેથી એ શીખવા મળે તેવું બાંગ્લાદેશની મુસ્લિમ પ્રજાએ પણ બતાવી આપ્યું હતું. ફરી-ફરીને કહેવું છે કે ગુજરાતી માધ્યમનો આગ્રહ રાખવામાં ક્યાંય અંગ્રેજીનો વિરોધ નથી. નવી પેઢીને અંગ્રેજી વિના નહીં ચાલે. ઉત્તર બુનિયાદી નિશાળોમાં પણ વિષય તરીકે અંગ્રેજીનું ઉત્તમ શિક્ષણ મળવું જોઈએ. માતૃભાષા જ શિક્ષણનું માધ્યમ હોય એવો ચુસ્ત આગ્રહ રાખનારા મહાત્મા ગાંધીનું અંગ્રેજી ગદ્ય ઉત્તમ હતું. બધી વાત સાચી પણ હવે કરવાનું શું?ત્રણ બાબતો જડે છે:

. ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઉત્તમ અંગ્રેજી ભાણામાં તેવી વ્યવસ્થા થાય

. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ઉત્તમ ગુજરાતી ભણાવાય તેવી વ્યવસ્થા થાય

. ગુજરાતીનાં પાઠ્ય પુસ્તકોમાંથી દુર્બોધ લખાણોની બાદબાકી થાય. બાળકોને રસ ન પડે તેવું પાઠ્યપુસ્તક ભાષા પ્રત્યે જબરો અણગમો પેદા કરતું હોય છે.

છેલ્લી વાત. માતૃભાષા વંદનાયાત્રાથી ફળશ્રુતિ શું? એ જ કે યાત્રા પછી ગુજરાતી સાહિત્ય પરિષદમાં શરૂ થયેલા માતૃભાષા સંવર્ધન કેન્દ્રમાં ભાષાશુદ્ધિ અને જોડણી અંગે જે વર્ગો ચાલી રહ્યા છે તેમાં થોડાક સંનિષ્ઠ સાહિત્યકારો પોતાની મૂલ્યવાન સેવા આપી રહ્યા છે. એમને યુનેસ્કોના શિક્ષણવિદ્દ ડો. રવીન્દ્ર દવેનું માર્ગદર્શન મળે છે.

(તા. ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે અમદાવાદ ખાતે પરિષદના ઓડિટોરિયમમાં પરમ દિવસે યોજાનારા સમારંભમાં કરવાના પ્રવચનનું હોમવર્ક. )

પાઘડીનો વળ છેડે

ઓ રે ઓ! ગુજરાત!

આગે લાત, પીછે બાત,

અપનાવંતી અજબ મુજ માત

ક્ષમા તણી મૂર્તિ સાક્ષાત!

રાણી બની, મુગલાણી બની,

બની મરાઠણ અંતે

હાલ તુર્ત અંગ્રેજાણી બની તું

પવન પ્રમાણે પીઠ ધરે!

ઓ રે ઓ!દાંડી ગુજરાત

- નવલરામ જે. ત્રિવેદી

***

***

Rate & Review

Verified icon

Umesh Patel 4 months ago

Verified icon

Nilesh Gangani 4 months ago

મને ખુબ ગમ્યું કે તમે સમાજ ને નવો રસ્તો બતાવવા નો પ્રયાસ કર્યો છે...

Verified icon

Raj 4 months ago

Verified icon

Kanji Solanki 4 months ago

Verified icon