Lime light - 24 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ ૨૪

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૪

"લાઇમ લાઇટ" ની નિષ્ફળતા સાથે પ્રકાશચંદ્રના જીવનનો અંત આવી ગયો હતો. પોલીસની સાથે જ એક એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. ડોક્ટરે એક જ ક્ષણમાં પ્રકાશચંદ્રના મોતની પુષ્ટિ કરતા હોય એમ એક સફેદ કપડું મંગાવી તેમની લાશ પર ઓઢાવી દીધું હતું. ડોકટર પોતાની કાર્યવાહી પતાવી પોલીસની રજા લઇ નીકળી ગયા. પોલીસ કોન્સ્ટેબલે ઇન્સ્પેક્ટરને ફોન કરી દીધો હતો. તે પણ દસ મિનિટમાં જ આવી ગયા. જાણીતા ફિલ્મ નિર્દેશકના મોતની ઘટના હોવાથી તેમણે પોલીસ કુમક પણ બોલાવી દીધી હતી. તે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હતા. પણ એ પહેલાં તે કામિની સાથે વાત કરીને માહિતી મેળવી લેવા માગતા હતા. તેમણે કામિનીને બોલાવી. તેની આંખો રડીને સૂજી ગઇ હતી. બંનેના નજીકના અને નજીકમાં કોઇ સગાવહાલાં ન હતા. તેમનું મિત્રવર્તુળ પણ નાનું હતું. ઇન્સ્પેક્ટરે પહેલાં જ કામિનીને સૂચના આપીને સમજાવી દીધું હતું કે હમણાં કાર્યવાહી પૂરી ના થાય ત્યાં સુધી કોઇ ઓળખીતાને બોલાવશો નહીં. ઇન્સ્પેક્ટર રાણાવત પહેલાં બધી જ જાણકારી મેળવી લેવા માગતા હતા. મિડિયા હજાર જાતના સવાલ કરશે એ નક્કી હતું. અને મોટી હસ્તી હોવાથી ડીએસપી સાહેબને હકીકતથી વાકેફ કરવાના હતા.

કામિની શોકમાં ગરકાવ હતી. તેની સાથે વાત કરવાનું સરળ ન હતું. બહુ નાજુક વાત હતી. પણ ઇન્સ્પેક્ટરે ફરજ બજાવવાની હતી. તેણે સ્વરમાં શોકની લાગણી ઉમેરી પોલીસ અધિકારીની ફરજ બજાવવાનું શરૂ કર્યું.

"મેડમ, આપે સ્વજન ગુમાવ્યું છે એનો શોક અમને પણ છે. પરંતુ આપે આખી વાત અમને કરવી પડશે. શરૂઆતથી અંત સુધીની બનાવની વિગત અમારે નોંધવી પડશે..." કહી ઇન્સ્પેક્ટરે રાઇટરને ઇશારો કર્યો.

કામિનીએ ઇન્સ્પેક્ટર તરફ અને તેમની સાથે આવેલા પોલીસના કર્મચારીઓ પર એક નજર નાખી બોલવાનું શરૂ કર્યું:"સાહેબ, આજે એમનો જન્મદિવસ હતો...."

કામિની વાત શરૂ કરતાં પહેલાં જ રડી પડી. ઇન્સ્પેક્ટરે એક પોલીસ કર્મચારીને પાણી લાવવાનો ઇશારો કરી કહ્યું:"મેડમ, ખૂબ કરુણ વાત છે. તમે હિંમત રાખો. તમારા બયાન ઉપર બધું નિર્ભર રહેશે. તમે કહેશો એની સત્યતા ચકાસીને અમે આગળની કાર્યવાહી કરવાના છે...."

ઇન્સ્પેક્ટરની વાતમાં સહાનુભૂતિ સાથે કાયદાની ચીમકી પણ હતી.

કામિનીએ ગ્લાસમાંથી એક ઘૂંડડો ભર્યો. અને સાથે દુ:ખના કડવા ઘૂંટ પીતી હોય એમ બોલી:"સાહેબ, તેમનો જન્મ દિવસ જ એમણે મરણ દિવસ બનાવી દીધો. એમનો જન્મદિવસ હવે ક્યારેય ઉજવી શકાશે નહીં. કોઇએ સાચું કહ્યું છે કે જેમ આપણે આપણા જન્મની ઘડી જાણતા નથી એમ મૃત્યુ વિશે જાણતા નથી. પરંતુ પ્રકાશચંદ્રએ પોતાનું મૃત્યુ જાતે નક્કી કર્યું. અને એ પણ પોતાના જન્મ દિવસે જ. ત્રણ દિવસ પહેલાં એમને ફિલ્મ "લાઇમ લાઇટ" ફ્લોપ રહ્યાનો આઘાત લાગ્યો હતો. તે બેભાન થઇ ગયા હતા. પછી તરત સારવાર આપતાં સ્વસ્થ થઇ ગયા હતા. તેમના માથા પર દેવું હોવાથી એ સતત ચિંતા અને તાણ હેઠળ જીવવા લાગ્યા હતા. હું એમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરતી હતી. તેમને મનથી સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરી રહી હતી. મને લાગતું હતું કે એમાં સફળતા મળી રહી છે. આજે સવારે મેં એમની બર્થડે ઉજવવાનું આયોજન કર્યું ત્યારે પહેલાં તો તે ખીજવાઇ ગયા હતા. "મારે ખોટ ગઇ છે ત્યારે તારે એમાં વધારો કરવો છે? મારી નિષ્ફળતાનો તારે આનંદ મનાવવો છે?" એમ કહેવા લાગ્યા. મેં એમને સમજાવ્યું કે આપણે બે જ આજે જન્મદિવસ ઉજવવાના છે. ઘરમાં રહીને કેક કાપીને દિવસ ઉજવીશું. બહારથી જમવાનું મંગાવી લઇશું અને ઘર પાછળના બગીચામાં બેસી આનંદ કરીશું..."

કામિની સહેજ અટકી. આંખમાંથી ટપકી રહેલા એક આંસુને હાથથી લૂછી આગળ બોલી:"મને ત્યારે ખબર ન હતી કે એ આનંદ માણવા માની ગયા છે પણ એમના મનમાં વિષાદ ભરપૂર છે. હું ગઇકાલે જ કેક લઇ આવી હતી. એને મેં અમારા બેડરૂમમાં ટેબલ પર ગોઠવી દીધી હતી. રૂમને પણ સજાવી દીધો હતો. બધું જ તૈયાર હતું. ધીમું સંગીત ગુંજી રહ્યું હતું. તેમના ચહેરા પર અજીબ પ્રકારની ખુશી હું જોઇ રહી હતી. બસ હું બીજા રૂમમાં તૈયાર થવા ગઇ અને આ બધું થઇ ગયું..."

ઇન્સ્પેક્ટરે આંખ સહેજ ઝીણી કરી જોયું:"તમે ત્યાં પાછા ગયાં ત્યારે શું જોયું?"

કામિનીએ આંખમાં ભય સાથે કહ્યું:"એ દ્રશ્ય જોઇ હું ચોંકી ગઇ. આમ તો ફિલ્મોમાં આવા ઘણાં દ્રશ્યો જોયા છે પણ પોતાનું સ્વજન જ્યારે આવું કરે ત્યારે હબકી જવાય. મેં જોયું તો એમના ડાબા કાંડામાંથી લોહી વહી રહ્યું હતું.... કેક કાપવા માટે ઘરનું ચપ્પુ લીધેલું એ લોહીથી ખરડાયેલું નીચે પડ્યું હતું.....મને ખ્યાલ આવી ગયો કે એમણે પોતાના હાથે કાંડાની નસ કાપીને આપઘાતનો પ્રયત્ન કર્યો છે.... તે જમણા હાથે ડાબો હાથ પકડીને પીડા સહન કરી રહ્યા હતા. મેં તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરી દીધો. અને તેમના હાથમાંનું લોહી વધારે ના વહે એ માટે મારી સાડી ફાડીને તેના પર બાંધવાનો પ્રયત્ન કરવા લાગી. પણ એ મારા પર ખીજવાયા અને મને ધક્કો માર્યો, હું પડી ગઇ. મેં ફરી તેમના હાથને પકડવાનો પ્રયત્ન કર્યો. તેમની સાથે ઝપાઝપી થઇ ગઇ. તે લોહી અટકાવવા દેતા ન હતા. કેક પણ પડી ગઇ. મેં કોશિશ ચાલુ રાખી. પણ આખરે એમને સફળતા મળી ગઇ. તેમનું શરીર નિશ્ચેતન થઇ ઢળી પડયું. હું ત્યાં જ ફસડાઇ પડી. અને તમે આવ્યા..."

"ઓહ..." બોલી ઇન્સ્પેક્ટર રાણાવતે પ્રશ્ન કર્યો:"તમારો મતલબ એમણે આત્મહત્યા કરી લીધી? પણ એવું શું કારણ આવી ગયું કે તેમણે જીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હશે?"

"સાહેબ, તમને ખબર જ છે કે અમારી નવી ફિલ્મ "લાઇમ લાઇટ" ગયા શુક્રવારે રજૂ થઇ છે. પહેલા દિવસે નિરાશાજનક આવકાર પછી તેમની માનસિક હાલત બગડી હતી. તેમને જેમતેમ સમજાવી રહી હતી. તેમને આ ફિલ્મને કારણે દેવું થઇ ગયું તેને ચૂકવવાની ચિંતા હતી. મેં તેમને સમજાવ્યા કે આપણે બીજી ફિલ્મ બનાવીશું. એ ચાલશે તો એની કમાણીમાંથી ચૂકવી દઇશું. ગઇકાલે જ તેમણે ઉધાર લીધેલા નાણાંની એક યાદી બનાવી હતી..." કહી કામિની ઊભી થઇને ટેબલના ખાનામાંથી એ યાદી લઇ આવી અને ઇન્સ્પેક્ટરના હાથમાં મૂકી દીધી. ઇન્સ્પેક્ટરે ઉડતી નજર નાખી. તેમાં ૫ કરોડ રૂપિયાનું દેવું જણાતું હતું.

"એમ? પ્રકાશચંદ્રએ ફિલ્મ પર આટલો બધો ખર્ચ કરી દીધો હતો?"

"હા, આ તેમની પહેલી કમર્શિયલ ફિલ્મ હતી. તેમને કદાચ આટલા બધા ખર્ચનો અંદાજ ન હતો. તેમની આર્ટ ફિલ્મ તો પચીસેક લાખમાં તૈયાર થઇ જતી હતી..."

"ઠીક છે. આ યાદી હમણાં મારી પાસે રાખું છું. તમને એક નકલ આપી દઇશ. તેમણે આત્મહત્યા જ કરી છે એ સાબિત કરવાના કામમાં આવશે. હં... ઘરમાં સીસીટીવી કેમેરા છે?" ઇન્સ્પેક્ટર કેસની પૂરી તપાસ કરીને નિર્ણય લેવા માગતો હતો.

"ઘરની અંદર તો કેમેરા નથી. પણ બહાર નીકળવાના દરવાજાની ઉપર એક કેમેરો છે...." કહેતી કામિનીએ પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને એ કેમેરા બતાવ્યો. કેમેરા ચાલી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર ધ્યાનથી જોવા લાગ્યો. તેણે કેમેરાનું રેકોર્ડીંગ જોવાનું શરૂ કર્યું. પ્રકાશચંદ્રના મૃત્યુના સંભવિત સમયના એક કલાક આગળ-પાછળના રેકોર્ડિંગને તેણે ઝડપથી જોઇ લીધું. પહેલાં કોઇ આવ્યું ન હતું. પછી તેને પોલીસ આવતી દેખાઇ.

"મતલબ કે બહારથી કોઇ આવ્યું નથી... આ રેકોર્ડિંગ મને મોકલી આપજો..." ઇન્સ્પેક્ટર માથું ખંજવાળતો બોલ્યો. પછી કોઇ વિચાર આવ્યો હોય એમ આમતેમ નજર નાખી. તેણે દૂર પડેલો પ્રકાશચંદ્રનો મોબાઇલ લાવવા પોતાના સહાયકને સૂચના આપી. તે સુરક્ષાથી તેને સંભાળીને લઇ આવ્યો. ઇન્સ્પેક્ટરે તેને ચાલુ કર્યો. તે કોલ ડિટેલ્સ જોવા લાગ્યો. અને બોલતો ગયો:"છેલ્લા કોલ્સ પરથી કોઇ કડી મળી શકે. કોઇએ કંઇ ધમકી આપી હોય એવું પણ બને ને?"

ઇન્સ્પેક્ટરે જોયું તો છેલ્લો કોલ અજાણ્યા નંબરનો હતો. એ નંબર ઇન્સ્પેક્ટરે પોતાના મોબાઇલમાં ડાયલ કર્યો. અને તરત જ કટ કરી દીધો. પછી ટ્રુકોલરમાં નજર નાખી. ઇન્સ્પેક્ટર કામિની તરફ જોઇ નવાઇથી બોલ્યો:"રસીલી....? આ તો તમારી ફિલ્મની હીરોઇન જ ને?"

"હા...હા..." કામિની પણ તેનું નામ સાંભળીને ચોંકી ગઇ હતી. પ્રકાશચંદ્રએ છેલ્લે રસીલીને શું કહ્યું હશે? મને કંઇ કહ્યું નહીં અને એને શું વાત કરી હશે? શું રસીલી કોઇ ફોડ પાડી શકશે? એવા પ્રશ્ન તેના મનમાં થવા લાગ્યા.

વધુ આવતા સપ્તાહે...

મિત્રો, ૨૨૦૦૦ થી વધુ ડાઉનલોડ તથા આપના ૪૦૦૦ થી વધુ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં પ્રકાશચંદ્રએ મૃત્યુ પહેલાં રસીલી સાથે શું વાત કરી હશે? આ ઉપરાંત ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? જૈનીને સાકીર સાથે ફિલ્મ કરતાં ધારા અટકાવી શકશે? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પહેલી વખત પ્રકાશચંદ્ર પોતાનો સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે.

વાચકોના ૧,૨૬,૦૦૦ વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૬૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લોકપ્રિય લઘુનવલ "આંધળો પ્રેમ" (૬૨૦૦ ડાઉનલોડ)

મિત્રો, મારી ૧૨૭ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૬૧ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૭૨ લાખને પાર કરી ગયો છે એ માટે આપ સૌનો ખાસ આભાર!