Doctor ni Diary - Season - 2 - 12 books and stories free download online pdf in Gujarati

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 12

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(12)

‘બેફામ’ શ્વાસ અટકી ગયાં તેથી શું થયું?

માફક ક્યાં આવતી’તી જગતની હવા મને?

“સર, અમારી સાથે જ આવું કેમ બન્યું હશે?”

“બહેન, જીવનમાં એવા કેટલાંયે રહસ્યો છે જેને આપણે ક્યારેય સમજી શકતા નથી. નાસ્તિકો આવી ઘટનાઓને યોગાનુયોગ માનીને ભૂલી જાય છે. અને આસ્તિકો કર્મફળ, ઋણાનુબંધ અને પૂર્વજન્મના પાપ-પૂણ્યનુ પરિણામ જેવા શબ્દો વાપરીને પોતાના મનને સાંત્વના આપે છે.”

તાજેતરની જ ઘટના. બપોરનો ધોમધખતો તડકો હતો. મારા કન્સલ્ટીંગ રૂમની બહાર દર્દીઓ પોતાનો વારો આવે તેની પ્રતિક્ષામાં બેઠા હતા. મોટા ભાગના અમદાવાદ બહારના હતા.વડોદરા, જામનગર, રાપર-કચ્છ, નવસારી અને બે દર્દીઓ ગુજરાતની બહારના પણ હતા. એ બધાં અકળાઇ રહ્યા હતા, ઊંચાનીચા થઇ રહ્યા હતા, થોડી થોડી વારે સ્ટાફના બહેનને મારી પાસે મોકલીને તાકિદ કરી રહ્યા હતા, “સાહેબને પૂછો ને કે કેટલી વાર લાગશે?”

અને હું મારી સામે બેસીને વિલાપ કરતા એક યુવાન દંપતીની સાથે સાવ અલગ જ પ્રકારની ચર્ચામાં ડૂબેલો હતો.

અનિતા અને ગૌરવ બે મહિના પહેલાં જ એક સંતાનના મમ્મી-પપ્પા બન્યા હતા. આ એમનું બીજા ક્રમનું સંતાન હતું. મારા નર્સિંગ હોમમાં જ સિઝેરીઅન દ્વારા અનિતાએ એક હર્યાભર્યો, ફુલગુલાબી દીકરાને જન્મ આપ્યો હતો. આજે કોઇ જ તકલીફ ન હોવા છતાં મને એમ જ મળવા માટે આવી હતી. શનિવાર હતો એટલે ગૌરવને પણ રજા હતી.

મને આવા દર્દીઓ ખૂબ ગમે છે, જેઓ એમનું કામ પતી ગયા પછી પણ સંબંધ જાળવી રાખે છે. આ ‘કપલ’ મારા જૂજ ફેવરીટ કપલ્સમાંનું એક છે.

અનિતા મને પૂછી રહી હતી, “સર, તમે કર્મના સિધ્ધાંતમાં વિશ્વાસ ધરાવો છો?”

“હા, પહેલાં હું આવી બધી વાતોમાં નહતો માનતો. પણ હવે માનું છું.”

“કેમ? તમારા વિચારોમાં પરીવર્તન થવાનું કારણ શું?”

“જાત અનુભવ. બીજું કંઇ નહીં. મેં જિંદગીમાં હજારો સારા કાર્યો કર્યા હશે. તો સામે મારાથી થોડાંક ખરાબ કામો પણ થઇ ગયા છે. હું એને મારી ભૂલ ગણી શકું, અપરાધ પણ કહી શકું કે પાપકૃત્ય તરીકે પણ સ્વીકારી શકું. પણ એટલું જરૂર કહીશ કે મને મારા સારા-ખરાબ કર્મોનો બદલો અવશ્ય મળ્યો છે. કહેવત છે ને કે “ ખુદા કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ.”હું તો કહું છું. ‘ભગવાનના ઘરે દેર પણ નથી અને અંધેર પણ નથી’એની અદાલતમાં તારીખ પે તારીખ જેવું નથી હોતું.”

“પણ સર, અમારા મુન્નાએ દોઢ વર્ષની જિંદગીમાં એવું તે શું પાપ કરી નાખ્યું હશે કે ભગવાને એને ઉઠાવી લીધો? એ પણ આટલી બધી પીડા ભોગવીને?” અનિતા ગળગળી થઇ ગઇ.

વાત હવે વર્તમાનકાળમાંથી પીછે હઠ કરીને અતીતમાં જઇ રહી હતી. મારું નર્સિંગહોમ. હું જ ગાયનેકોલોજીસ્ટ. અને અનિતા જ પેશન્ટ હતી. કલાકોની કોશિશ અને થકવી દેનારી પ્રતિક્ષા પછી સિઝેરીઅન કરવાનો નિર્ણય મારે લેવો પડ્યો હતો. અનિતાનાં પતિ ગૌરવે ક્ષણ વારનાં યે વિલંબ વિના સંમતિપત્રમાં સહિ કરી આપી હતી. એક બાબતમાં હું નસીબદાર રહ્યો છું; એકત્રીસ વર્ષની મારી પ્રેક્ટિસ દરમ્યાન મારા એક પણ દરદીએ મેં જે સલાહ આપી હોય તેનો સ્વીકાર કરવામાં સહેજ પણ આનાકાની કરી નથી. મારો શબ્દ એ એમને મન પથ્થર પરની લકીર!

એ પ્રસૂતિમાં પણ અનિતાએ તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો. અનિતા ઓપરેશન ટેબલ હતી. એનું પેટ ખૂલ્લું હતું. એનો અડધો દેહ અચેતન અવસ્થામાં હતો. પણ એનું દિમાગ સચેત હતું. એ બધું સાંભળી પણ શકતી હતી અને બોલી પણ.

એણે જે સાંભળ્યું તે એનાં નવજાત શિશુના રડવાનો અવાજ હતો; એ જે બોલી તે સવાલ હતો, “ સર, શું આવ્યું છે? દીકરી ને?”

સામાન્ય રીતે ઓપરેશન ચાલુ હોય ત્યારે અમે દર્દીને દીકરો આવ્યો કે દીકરી એ વિષે જાણ કરતા નથી; એનાથી પ્રસૂતાની દિમાગી હાલતમાં ત્વરીત અને તીવ્ર ફેરફારો થવાનો ભય રહે છે. પણ અનિતા બીજાં બધાંથી અલગ હતી.

મેં અનિતાને પૂછી લીધું, “ કેમ, તારે દીકરી જોઇતી હતી?”

“હા, સર. કહો ને શું આવ્યું છે?”

“દીકરો.” મેં એનાં ગર્ભાશય પર ટાંકા લેતાં જવાબ આપ્યો.

એ પળવાર ચૂપ રહી; પછી તરત પુત્રમય બની ગઇ “કેવો છે મારો દીકરો?”

“હેલ્ધી છે. જો ને! કેવો રડે છે? તને સંભળાય છે ને?”

“હા, સર. એને છાનો રાખો ને?”

“બહેન, એને ચૂપ નથી કરાવવાનો; તાજું જન્મેલું બાળક જો ન રડે તો ચિતાંનો વિષય છે. અને બીજી વાત; તારા દીકરાને છાનો રાખવાનો એક માત્ર ઉપાય તારી પાસે છે. બીજા કોઇની પાસે નહીં.” મેં પેટ ભરાવવા વિષે સૂચન કર્યું. નવજાત શિશુ પણ ભૂખ્યું હોઇ શકે છે.

એક કલાક પછી અનિતા સ્પે. રૂમમાં પથારીમાં હતી. બાજુમાં એનો લાડલો સૂતો હતો અને બુચકારા બોલાવતો હતો. એનેસ્થેસિયાની અસર ઓસરી રહી હતી. અનિતાનાં ચહેરા પર પીડા અંકાઇ ગઇ હતી.

આવી સ્થિતિમાં પણ એનું માતૃત્વ હસી રહ્યું હતું. હું પોસ્ટ ઓપરેટીવ બ્લડ પ્રેશર માપતો હતો અનેએ મને પૂછવા લાગી, “કેવો લાગ્યો મારો દીકરો તમને?”

“ઇટ્સ એ બ્લૂ બેબી! રોયલ પ્રિન્સ જેવો લાગે છે. એ જ્યારે અઢારનો થશે ત્યારે અમદાવાદની છોકરીઓ એની પાછળ પાગલ થઇ જશે. તારે વહુ શોધવાની તકલીફ નહીં ઉઠાવવી પડે.” મેં મશ્કરી કરતાં કરતાં પણ સત્ય ઉચ્ચાર્યું.

યથાયોગ્ય સમયે અનિતા-ગૌરવ એમના દીકરાને લઇને ઘરે ગયા. એ પછી પણ એ ત્રણેય મારી પાસે આવતા રહ્યા. ક્યારેક ફોલોઅપ માટે. ક્યારેક બાળકોના ડોક્ટરને ત્યાં રસી મુકાવવા ગયા હોય તો પણ વચમાં મારું નર્સિંગ હોમ આવે એટલે મને મળવા માટે આવી જતા હતા.

દીકરો મોટો થતો ગયો. અનિતા ખૂશ હતી. એનું બાળક સુંદર હતું, ભરાવદાર હતું, તંદુરસ્ત હતું. દસેક મહિના આ જરીતે આનંદ અને સુખ નામની બે પાંખો પર બેસીને ઊડી ગયા.

અચાનક એક દિવસ અનિતાને લાગ્યું કે એના મુન્નાને કશુંક થયું છે. તાવ કે ખાંસી કે ઝાડા જેવું કંઇ નહી, પણ....???

મુન્નો બીજા બધાં બાળકો કરતાં અલગ પડતો હતો. એ ‘વોકર’ માં દોડતો હતો એ હવે બંધ થઇ ગયો હતો. એના પગ પણ જાણે કમજોર પડી રહ્યા હતા. અનિતાએ પતિને વાત કરી. બંને જણાં દીકરાને લઇને બાળકોના ડોક્ટર પાસે દોડી ગયા.

ડોક્ટર મુન્નાને જોઇને વિચારમાં પડી ગયા. બાહ્ય રીતે સાવ સાજો સારો લાગતો મુન્નો એમને ચિંતા કરાવી રહ્યો હતો. એમણે લોહી, પેશાબ અને એક્સ-રેની તપાસ માટે ચિઠ્ઠી લખી આપી. પછી તો પરીક્ષણોની વણથંભી વણઝાર ચાલુ થઇ ગઇ. વાત છેક એમ.આર.આઇ. અને મગજના સી.ટી. સ્કેન સુધી પહોંચી ગઇ. જે નિદાન નીકળ્યું તે આઘાતજનક હતું. મુન્નાને ‘રેર’ કહેવાય તેવી બિમારી હતી. એનો રીપોર્ટ કહેતો હતો કે એને જી.એમ.-1 ગેંગ્લીયોસાઇડ નામની મેટાબોલીક, ક્રોમોસોમલ સ્થિતિ હતી.

“આ બાળક ધીમે ધીમે ઓગળતું જશે. એના શરીરના એક પછી એક અંગો નબળા થતા જશે. અંતે એક દિવસ......” ડોક્ટરે સમજાવ્યું.

અનિતાનાં વિલાપનો પાર ન રહ્યો. એ દિવસથી એનો દીકરો એની આંખો સામે મરતો રહ્યો. આજે પણ એ દિવસોને સંભારતાં અનિતા રડી પડે છે: “ સર, એનાં ગળામાં નળી દાખલ કરીને ખોરાક આપવો પડતો હતો. એ બોલી શકતો ન હતો. ધીમે ધીમે વધુ ને વધુ નિર્બળ બનતો જતો હતો. બીજા બાળકો રમતા હોય એને એ જોયા કરતા હતો. પણ મેં એની ખૂબ સેવા કરી. મારાં જીવનમાં એ ટૂંકી મુદત માટે મહેમાન બનીને આવ્યો છે એવી સભાનતા સાથે મેં એની સંભાળ કરી. અંતે દોઢ અને બે વર્ષની વચ્ચેની ઉંમરમાં એ અમને છોડીને ચાલ્યો ગયો.”

એ વખતે ડોક્ટરે એને સલાહ આપી હતી, “હવે તમે બીજું બાળક થવા ન દેશો. એને પણ આ જ બિમારી થવાની 25% શક્યતા રહેશે.”

અને અચાનક અનિતાને ગર્ભ રહી ગયો. એ મારી પાસે આવી. મેં પૂછ્યું, “ક્યાં છે તારો હેન્ડસમ હીરો?” જવાબમાં આંસુની પોટલી ખૂલ્લી ગઇ. બીજી વાર પણ એવું ન થાય એ માટે આ ગર્ભની કોરીઓન બોયોપ્સી કરીને તપાસ કરવામાં આવી. રીપોર્ટ નોર્મલ આવ્યો.

ફરીથી પૂરા મહિને ઓપરેશન ટેબલ. એ જ દર્દી. એ જ એનેસ્થેટીસ્ટ. એ જ માહૌલ. નવજાત શિશુનું રુદન સાંભળીને પૂછાયેલો પ્રશ્ન એ જ હતો, “ સર, આ વખતે તો દીકરી જ આવી છે ને?”

“ના, દીકરો છે.” મેં વધું કંઇ ન કહ્યું. બધું રાબેતામુજબ ચાલતું રહ્યું. દીકરાને લઇને અનિતા-ગૌરવ ઘરે ગયા.

બે મહિના પછી મને મળવા આવ્યા. અનિતાની વ્યથા ચાલુ જ હતી, “સર, આ દીકરો તો નોર્મલ છે, પણ મારો મુન્નો હજુ ભૂલાતો નથી. એની સાથે ભગવાને આવું કેમ કર્યું હશે?”

જવાબમાં હિંદુ જીવનદર્શનનું પૂરું શાસ્ત્ર નીકળી પડ્યું. જે લોકોને કર્મના સિધ્ધાંતમાં વિશ્વાસ નથી એમને મન આ માત્ર એક યોગાનુયોગ હતો. એક અકસ્માત હતો. તબીબી વિજ્ઞાનની અલભ્ય કહેવાતી ઘટના માત્ર હતી. ફાંટાબાજ કુદરતનુ અળવીતરાપણું હતું. પણ આસ્તિકને મન આ શું હોઇ શકે?

“અનિતા, એ મુન્નાને યાદ કરીને હવે રડવાનું બંધ કરી દે. એ કદાચ આટલું જ ઋણાનુબંધ લખાવીને આવ્યો હશે. અથવા તું એવું વિચાર કે એ જ દીકરો એનુ ખામીગ્રસ્ત ખોળીયું ત્યજીને દઇને નવાં તંદુરસ્ત ખોળીયા સાથે પાછો આવ્યો છે. જો બિત ગઇ સો બાત ગઇ.”

હૈયું ઠાલવી લીધા પછી અનિતા અને ગૌરવ હળવા બનીને વિદાય થયા. “નેક્સ્ટ પેશન્ટ!” ના આવાજના પ્રત્યુતરમાં જોધપુરથી આવેલું ‘કપલ’ અંદર આવ્યું હિંદીભાષી પુરુષે વાતની શરૂઆત આ સવાલ સાથે કરી, “સાહબ! હમારે સાથ અજીબો ગરીબ વાકીયા હુવા હૈ. હમ ભગવાનકો પૂછના ચાહતે હૈ કિ ઇતની બડી દુનિયામેં સિર્ફ હમારે સાથ હી ઐસા ક્યું હુવા?”

---------