farifari books and stories free download online pdf in Gujarati

ફરીફરી


ફરી- @ રવીન્દ્ર પારેખ

‘ભાઈ,તું હવે આવે તો સારું.’

‘પપ્પા,તમને કેમ એવું લાગે છે કે હું આવવા નથી માંગતો?મનેય મન છે કે આવું,પણ...’

‘આ તારું ‘પણ...’ મારી નાખશે,મને, એક દિવસ...!’

‘ને તમારી જીદ, મને...!’

એક આછું ડૂસકું સંભળાયું ને ફોન કટ થઇ ગયો.લક્ષ્મીકાંતે રિસીવર સામે કડવું હસીને જોયું,કેમ જાણે ડૂસકું એમાંથી વહી આવવાનું હોય! થોડીવાર સુધી એમાંથી કંઈ ન નીકળ્યું એટલે રિસીવર ક્રેડિલ પર મૂકી તેઓ સવિતા તરફ આવ્યા.સવિતાએ પરિચિત હાસ્ય સાથે લક્ષ્મીકાંત તરફ જોયું.’નથી આવવાનોને?રોજ એનું માથું શું કામ ખાતા હશો! એ નથી જ આવવાનો આપણે હોઈએ ત્યાં સુધી-’

’સારું.તું હવે તારી રેકોર્ડ ના વગાડીશ ફરી- ‘

સવિતાએ ફોતરાં કોથળીમાં ભરીને દાણાપર ફૂંક મારી.એક બે ફોતરાં ઊડી ગયાં ને ઘૂંટણ પર હાથ મૂકી તે ઊભી થવા ગઈ.લક્ષ્મીકાંતે તેને ટેકો કર્યો ને તે રસોડા તરફ ગઈ.ગેસ ચાલુ કર્યો ને પાણી મૂક્યું.લક્ષ્મીકાંતે પાછળ આવીને બારણાનો ટેકો લીધો.સવિતાએ પાછળ જોયા વગર જ કહ્યું,’ સોફા પર બેસો, ચા લાવું છું.’લક્ષ્મીકાન્તે કરચલીઓ સાફ થઇ જવાની હોય તેમ હથેળી ચહેરા પર ઘસી ને ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા પર જમાવ્યું.સવારે ઉપાડેલું છાપું ફરી ઉપાડ્યું ને પરિચિત હેડલાઈનની ફરી ઘડી વાળી દીધી.સવિતા ટ્રેમાં ચા લઇ આવી. ટીપોય પર ટ્રે મૂકી ને બેસતાં બેસતાં બબડી,’કોઈ કામવાળી રાખો,કાંત,આમને આમતો હું એક દિવસ-‘સવિતાનો ચહેરો રડમસ થઇ ગયો.

‘મને થોડું ગમે છે...તું આમ કંતાય છે તે?પણ, શું કરું..તારો દીકરો વોશિંગ્ટનમાં વાઈફના કપડાં વોશ કરે છે ને અહીં એની ...મા મરવા પડી છે તે...’લક્ષ્મીકાંતનો અવાજ ખખરી બાઝતાં ગળામાં જ અટવાઈ ગયો.

‘હવે કામવાળી અહીંયાં રાખવાની હોય ત્યાં વોશિંગ્ટનની મેથી શું કામ મારતા હશો?’સવિતાએ કપાળ કૂટ્યું.

‘સોરી,પણ પેલો આવતો નથી તેનું કરવાનું શું?’

‘એને કહેવાનું કે અમારું નાહી નાખ કે...વાત જ પતે!’સવિતાએ લૂગડું આંખે દાબ્યું.

‘શું કામ નાહી નાખે?ઘરનો છોકરો ને ઘરમાં જ ન આવે?હોતું હશે કંઈ?’

ચા મોઢે માંડી.સવિતાએ કપ ટીપોય પર ઠોકયો.’તમને કંઈ ઓછા અભરખા હતા છોકરાને અમેરિકા મોકલવાના?’

‘એમાં શું ખોટું હતું?આખું ગામ અમેરિકા ગોઠવાઈ ગયું હોય ત્યાં મારો દીકરોય કમાઈ લાવે તેવું મને ના થાય?’

’થાય! પણ છોકરો જવા રાજી હતો? એરપોર્ટ પર પણ રડતો હતો.’

‘તે હું ક્યાં એને ત્યાં જ મરવાનું કહેતો હતો. થોડું કમાઈને પાછા આવી જવાનું હતું...પણ આ તો...’

‘ગામમાં જઈને જોઈ આવો,કોઈ ઘરે, છોકરો પાછો આવ્યો છે? એ તો જાય તે જાય જ!’

લક્ષ્મીકાંત કબૂલ ન થયા,પણ સવિતા ખોટી નો’તી તેવું તો લાગ્યું જ!.એકેય છોકરો ગામમાં ફરી વસ્યો નો’તો. છોકરો અમેરિકા ગયો ને છોકરી ભાગીને...

એકદમ લક્ષ્મીકાંતની નજરે, રીમાનો ફોટો ભીંત પરથી ખોળી કાઢ્યો. .તે નાનકડી ઢીંગલીને સવિતાને પગે લગડાવતી હતી ...

લક્ષ્મીકાંતને થયું કે રીમાને આવ્યે પણ વરસ થવા આવ્યું.ખૂબ મુશ્કેલીએ તે ગામ આવી હતી,પણ ભાઈ આવ્યો નો’તો ને છેક હૈદરાબાદથી ગામ આવવાનું સહેલું નો’તું. રાખડીઓ ફગાવતાં તે રડી હતી ને જતાં જતાં બોલી હતી,’હવે તો હું આવવાની જ નથીને !’

ને આવી નો’તી.

જોકે રીમાને ય પપ્પાએ ભાઈને પરાણે અમેરિકા ધકેલ્યો તે ગમ્યું નો’તું.બોલી પણ હતી,’ભાઈ, જશે પછી અહીં કોણ?’

પપ્પા તમતમ્યા હતા,’કેમ, તું ક્યાં મરવાની છે?’

ને રીમાએ મરવા જેવું જ કર્યું હતું.એનાં કરતાં વીસ વર્ષ મોટા સાઉથ ઇન્ડિયન સાથે..

ત્યારેય દીકરો આવ્યો નો’તો ને લગ્ન વખતે ડોલર મોકલી આપ્યા હતા.ડોલર તો રીમા મા થઇ ત્યારેય...

જોકે ચાર દિવસ સુધી રીમા ઘરે ન આવી ત્યારેય લક્ષ્મીકાંતને ખ્યાલ નો’તો આવ્યો કે રીમા ક્યાંક કાળું કરી ગઈ છે.એ તો સવિતાની આંખો કોરી રાખવા લક્ષ્મીકાંતે નમતું જોખ્યું હતું ને રીમાને ભારે પગે ઘરમાં ઘૂસવા દીધી હતી.. બાકી... એને ઘરમાં લાવવાનો તો સવાલ જ...

એવી એવીનેય છણકો કરીને જવાને વરસ થવા આવ્યું હતું. સવિતા આંખે લૂગડું દાબ્યાં કરતી હતી, પણ એને લૂગડે સંતાનોનું બાળપણ ફરી ફરક્યું નો’તું.લક્ષ્મીકાંત સવિતાની હાલત જોઈ શકતા નો’તા.એક વાર તો રીમાને મેસેજ જ ઠોકી દીધો હતો,’તારી મા મરે પછી જ આવવાની છે કે રંડાયા પછી -’ ઉશ્કેરાટમાં ‘તેના’ લખવાનું ચૂકાયું હતું ને દીકરી તો આવી નો’તી,પણ જમાઈએ સસરાને કોડીનો કરી નાખ્યો હતો,’તમને હું નથી ગમતો એ સાચું,પણ મારા મરવાથી તમે કઈ રીતે વધારે જીવી જવાના હતા તે કહેશો?ઓકે.,’જમાઈએ ખોંખારીને કહ્યું,’ રીમાએ આવવું હશે તો હું એને નહીં રોકું,પણ હું મરી જાઉં તો ય તમારે મારે ત્યાં આવવાનું નથી,સમજ્યા?’’

સવિતાએ બહુ સમજાવ્યા જમાઈને કે સસરાની એ ભૂલ છે,એમનાથી આવો મેસેજ કરાય જ નહીં,પણ એ પાણી પીવાય રોકાયા નો’તા ને વળતી ટ્રેને હૈદરાબાદ...

@

મોડી રાતના વીડિયોકોલ આવ્યો.વહુ બોલતી હતી,’મમ્મીજી,મને એવું લાગે છે કે તમારે હવે અમારી વાટ ન જોવી જોઈએ. હું માનું છું કે ઘરમાં એકલું લાગતું હશે,પણ અહીં રજા મળવાનું સહેલું નથી.દીપાનું લાસ્ટ યર છે એટલે હવે અમારે એના તરફ વધારે ધ્યાન આપવું જોઈએ એવું નથી લાગતું?ત્યાં આવવાનું તો ગમે જ ને! ‘એ’ તો કહેતા હતા કે બાપીકી મિલકત છોડીને આમ પારકા દેશમાં રહેવાનું...’ને કોલ કટ થઇ ગયો. સરસ લાગતી હતી વહુ બોબ્ડ કટમાં.પાછળ ક્રીમ કલરની મેક્સીમાં દીપા પણ બહુ જ સુંદર દેખાતી હતી.થોડો ઘણો દીકરો જોવાઈ ગયો હોત તો સારું હતું.પણ...

જોકે રાતના દીકરાનો મેઈલ આવ્યો હતો:સબ્જેક્ટમાં લખ્યું હતું,મમ્મી -પપ્પાને-

નમસ્કાર.

તમારી એકલતા સમજી શકું છું ને આ ઉંમરે અહીં પણ તમને ફાવે નહીં એટલે તમે ન જ આવો તે પણ જાણું છું..એટલે એક વિચાર એવો આવે છે કે તમે કોઈને રાખી લો...પેન્શન આવે છે એટલે એટલા ગરીબ તો તમે નથી જ કે કોઈને એફોર્ડ ના કરી શકો.આમ મુશ્કેલી વેઠવી એના કરતાં તો ...

તમે સમજદાર છો,વધારે શું કહું? બાય ધ વે,રીમા લોસ એન્જેલસ આવી હતી,પણ અહીં આવી નહીં.હશે,જેવી એની મરજી.પપ્પા,તમારે મેસેજ કરતી વખતે કાળજી રાખવી જોઈએ...કમસે કમ આવો મેસેજ અહીં તો...એટલીસ્ટ,આઈ વોન્ટ ટોલરેટ...

@

લક્ષ્મીકાંત નક્કી નો’તા કરી શકતા કે જે થઇ રહ્યું છે તે ઠીક છે કે કેમ?આમ તો સવિતાની ઈચ્છા વધારે હતી ને એ ખુશ હતી.દીકરાનો મેઈલ એણે પણ વાંચ્યો હતો.દીકરાનો ઈરાદો એને બહુ પરખાયો નો’તો,પણ કોઈને રાખવાની વાત એને બરાબર જચી ગઈ હતી.તેણે તો રીતસર જીદ જ પકડી હતી,’હું આમ એકલી મરવાની નથી.દીકરો ખભો નથી જ આપવાનો એ ખબર છે તો શું કામ આ ઘરમાં બીજો ખભો?’

લક્ષ્મીકાંતને પણ મોડે મોડે વાત તો બરાબર લાગી હતી.આ વાત પહેલાં વિચારવા જેવી હતી.પણ જાગ્યા ત્યાંથી સવાર- ગણીને તેમણે અનાથાશ્રમમાં ફોન જોડ્યો હતો,’જરા ડો.કતારગામવાળાને આપશો,પ્લીઝ...’

પછી તો લક્ષ્મીકાંત ને સવિતા અનાથાશ્રમમાં જ પહોંચ્યાં.બે છોકરી ને પાંચ છોકરાઓ જોયાં.તેમાંથી દશેક વર્ષનો છોકરો સવિતાને ગમી ગયો,’બેટા,મારો દીકરો થઈશ?’છોકરો હસ્યો,ઝાકળ જેવું,’તમારે ત્યાં દીકરો નથી?’લક્ષ્મીકાંત ઊંચે જોઈ રહ્યા.સવિતા બોલી,’દીકરો તો છે,પણ અમેરિકા છે. આમ તો દીકરીય છે,પણ ...’સવિતાએ લક્ષ્મીકાંત તરફ જોતાં જોતાં લૂગડું આંખે...

@

દીકરાના ફોટા વોટ્સ એપ કર્યા.તેને ઘરે લાવ્યા ત્યારે લક્ષ્મીકાંતે નાનકડી પાર્ટી ગોઠવી.થોડા દૂરના સંબંધીઓ અને મિત્રોને બોલાવ્યા હતા.ગુજરાતી થાળી બનાવી હતી.મેવા લાપસી,કેળાંમેથીનાં ભજિયાં, દૂધીચણાનું શાક,બામણીયા દાળ ને ફળફળતો ભાત...

ઘણે વખતે સૂરતી સ્વાદ મળતાં બધાંએ ધરાઈને ખાધું.એક મિત્રે તો કહ્યુંય ખરું,’મને ખબર છે,લક્ષ્મીકાંત,તમારી જીભ કેવળ સૂરતી છે.તમે તો ભાભીના હાથનું રોજ ઝાપટતા હશો,પણ અમને સૂરતી ખાવા ક્યાં મળે?આ તો નવા દીકરા નિમિત્તે અમનેય સૂરતી ખાવાનું મળ્યું.’ દીકરો પગે પડ્યો.મિત્રે દીકરાને આશીર્વાદ આપ્યા.ત્યાં તેની પત્નીએ હસતાં હસતાં કહ્યું,’ખરું છે નહીં, ભાભી!આપણે ગુજરાતીઓ ઘરમાંથી છોકરાને કમાવા બહાર મોકલીએ છીએ ને પૈસા આવે છે તો બહારથી છોકરાને ઘરમાંય ...’

બધાં હસ્યાં,પણ ...

સવિતાએ લક્ષ્મીકાન્તને જોતાં આંખે લૂગડું ...

@@@