Dekhvu nahi ne dazvu books and stories free download online pdf in Gujarati

દેખવું નહીં ને દાઝવું...



દેખવું નહીં ને દાઝવું નહીં... @ સ્ત્રી સશક્તિકરણ @ રવીન્દ્ર પારેખ

હવે તો પુરુષો પણ બહુ પાછળ નથી,પણ સ્ત્રીઓ સૌદર્ય પ્રસાધનો પાછળ ઘણો ખર્ચ કરે છે.એ બધું પોતાને માટે જ કરે છે એવું દર વખતે ન પણ હોય,બને કે કોઈ તેને જુએ,તેનાં સૌંદર્યને વખાણે એને માટે પણ હોય.પ્રશંસા ઈશ્વરને પણ વહાલી છે,તો મહિલાઓ એમાંથી બાકાત ન જ હોય,જેમ પુરુષ ન હોય! પણ પુરુષ ઉનાળામાં તાપથી બચવા ચહેરો ભાગ્યે જ ઢાંકતો દેખાશે,જયારે સ્ત્રીઓ,હાથ,મો માથું એવું ઢાંકે છે કે ઘરે જઈને એનું મોઢું બહાર કાઢતાં કદાચ ન પણ જડે.ત્યારે પ્રશ્ન થાય કે તો પછી આટલો ખર્ચ સૌન્દર્ય પ્રસાધનો પાછળ કરવાનો કોઈ અર્થ ખરો?કોઈ જોવાનું ન હોય તો આ ક્રીમ ,આ સાબૂ,શેમ્પૂ,પરફ્યુમ શેને ને કોને માટે?શિયાળાની ઠંડીમાં પુરુષ પણ મોઢું ઢાંકતો હોય છે,ઠંડીથી બચવા.સ્ત્રીઓ તો ઢાંકે જ.અપવાદો બધામાં માફ!

યુદ્ધમાં સૈનિકો,જાસૂસો ચહેરો ઢાંકતા હોય છે.લૂટારુઓ મોઢે બુકાની બાંધતા હોય છે.બીજા કોઈ પ્રસંગોએ પણ ચહેરો ઢાંકવાનું કોઈને ઠીક લાગતું હોય એમ બને.ટૂંકમાં,રક્ષણ અને ઓળખ સંદર્ભે ચહેરો ઢાંકવાનું ઘણા સમયથી જગતમાં ચાલે છે,જેમ ચહેરો ઉઘાડવાનું પણ ચાલે છે એમ જ!પણ છેલ્લાં થોડાં વર્ષોથી હેતુ બદલાયો છે.આક્રમણખોરો હવે લૂટવા પૂરતો જ ચહેરો ઢાંકે છે એવું નથી.હવે સર્વનાશ કરવા પણ ચહેરો ઢંકાય છે.આતંકવાદીઓ ચહેરો ઢાંકીને બોમ્બ બ્લાસ્ટ કરતા હોય છે.એમાં પણ હેતુ તો ઓળખ છુપાવવાનો જ છે.પણ સાથે જ ભયંકર હાનિ પહોંચાડવાનો પણ છે.સાવ નિર્દોષોનું લોહી ફાડવામાં મોઢું સંતાડવું પડે એટલા એ લોકો કાયર હોય છે.હુમલો કરીને જવાબદારી લેનારાઓ હોય છે,પણ તે સામે હોતા નથી.એ બધા બહાદુરો નથી.બાયલાઓ છે.

ભારત પર ઘણા આતંકી હુમલાઓ થયા છે ને આતંકીઓ ઓળખ છુપાવવા ચહેરો ઢાંકીને આવે છે એ વાતે હમણાં એક ચર્ચા ચાલી છે.

ભોપાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે એવી માંગણી મૂકી છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકારે બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બાકી હતું તે શિવસેનાએ પણ એવી જ માંગણી મૂકી છે કે બુરખા પર પ્રતિબંધ મોકવો જોઈએ..વાત ખરેખર તો મુસ્લિમોને ડિસ્ટર્બ કરવાની છે ને વાહિયાત છે.મુસ્લિમ સ્ત્રીઓ બુરખો પહેરે છે.તેનું કારણ ગમે તે હોય પણ તે સદીઓથી પહેરે છે ને તેનો બીજા કોઈને વાંધો નથી,ખુદ તે મહિલાઓનેય નથી, તો આતંકવાદીઓ ચહેરો ઢાંકે છે તે બંધ કરાવવા બુરખો પહેરતી સ્ત્રીઓને રોકવાનો કોઈ અર્થ ખરો?.બુરખો પહેરનાર બધા જ આતંકવાદી છે?તો હિંદુ સ્ત્રીઓ પણ ચહેરો ઢાંકીને ફરે છે તેનું શું કરીશું?એ બધી મહિલાઓ પણ આતંકવાદી છે એમ?જો ચહેરો ઢાંક્નારી વ્યક્તિને વાંધો નથી,એના સમાજ ને વાંધો નથી તો કારણ વગરનો વિવાદ ખડો કરવાની જરૂર શી છે?

તમને એમ લાગે છે કે મુસ્લિમો આ માંગણી થશે તો ચૂપ રહેશે?શું કામ રહે ?એને પણ હિન્દુઓને સંભળાવવાનું ગમે જ છે.એટલે ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તરે ડહાપણ ડહોળ્યું જ.એમણે કહ્યું કે બુરખા પર પ્રતિબંધ મુકાય તો મને વાંધો નથી.વેલ,વાત આટલેથી જ અટકી જાય,પણ જાવેદ અખ્તરને ભારતમાં રહીને દખલ કરવાની ટેવ છે. એમણે એમ કહ્યું કે બુરખા પર પ્રતિબંધ મૂકો તો ઘૂંઘટ પર પણ પ્રતિબંધ મૂકો.નાદાન બાળક લવારો કરે તેવો આ લવારો છે.હું તો મરું,પણ તને વિધવા કરું એના જેવી વાત છે આ.આવો સરસ ગીતકાર આવી વાત કરે ત્યારે એનું બોદાપણું છતું થયા વિના રહેતું નથી.વાત બુરખા પર પ્રતિબંધ રોકવાની હોય તેને બદલે એક ઓર પ્રતિબંધ વધારવાની વાતમાં કયું ડહાપણ છે તે સમજવાનું મુશ્કેલ છે.આવી વાહિયાત વાતો આ દેશમાં ચાલ્યા જ કરે છે ને મૂળ સમસ્યા બાજુ પર મૂકાઈ જાય છે.પ્રશ્ન આતંકવાદીઓને હુમલો કરતા રોકવાનો છે તેને બદલે વાત ફંટાઈને બુરખા પર પ્રતિબંધ મૂકવો કે ઘૂંઘટ પર મૂકવો કે નહીં એની ચર્ચા પર આવી ગઈ.આવું જ થાય છે.

એક જણ કોઈ વાત લાવશે કે બીજો અક્કલ વગરની વાત આગળ કરીને સમસ્યાને ઉકેલાવા જ નહીં દે.આ ભારતીય માનસ છે.

વાત શિવસેના કે પ્રજ્ઞા ઠાકુરની વાહિયાત છે તો જાવેદ અખ્તરની વાત પણ પાયા વગરની જ છે.આતંકવાદીઓ બુરખો પહેરીને આવે છે?એ લોકો મોટે ભાગે માસ્ક પહેરીને આવે છે.એ લોકો જે પહેરે છે તે સ્ત્રીઓનો બુરખો નથી જ.એ ઘૂંઘટ પણ નથી.એ લોકો જે પહેરે છે તે પુરુષો શિયાળામાં ઠંડીથી બચવા જે ગરમ વસ્ત્ર મોઢું ઢાંકવા પહેરે છે તેને મળતું આવે છે.એટલે બુરખો કઢાવવાથી કે ઘૂંઘટ નિકાલથી આતંકવાદીનો મુદ્દો ઉકલવાનો નથી.એનો ઉકેલ શોધવાને બદલે બીજી ત્રીજી વાતોમાં જ મગજ ઘસવાનું ચાલ્યા કરે છે.આમાં વાત તો પોતે કેવા બુદ્ધિશાળી છે એ બતાવવાની જ છે,પણ એનાથી સમસ્યાઓ વકરે છે તેની ચિંતા થતી નથી તે દુખદ છે.

બુરખો કે ઘૂંઘટ રહે કે જાય તેનું મહત્વ નથી જ.જેને ઠીક લાગે તે રીતે રહે એમાં કોઈની પણ દખલ હોવી જ ન જોઈએ.બુરખાથી કોને નુકસાન છે?ઘૂંઘટ થી કયું જનહિત જોખમાય છે.જો નથી જોખમાતું તો એ પંચાતમાં પડવાની જરૂર જ શી છે?ઈરાન તો જૂનવાણી મુસ્લિમ દેશ છે.તો પણ ત્યાં બુરખા પહેરાતા નથી.ત્યાં કોઈ મોઢું ઢાંકતું નથી.તો ભારતમાં પણ બુરખા કે ઘૂંઘટ જાય તો શો ફેર પડે?ને પહેરાય તો ય શું ખાટુંમોળું થઇ જાય છે?ઈરાનનો જ દાખલો લઈએ.ત્યાં બુરખા નથી તો ત્યાં આતંકવાદનો ભય નાબૂદ થઇ ગયો છે?તો અહીં બુરખા કે ઘૂંઘટ નહી હોય તો ય આતંકવાદીઓ હુમલો કરવાનું મુલતવી રાખવાના નથી.માની લઈએ કે ભારતમાંથી બુરખા કે ઘૂંઘટ નાબૂદ થાય છે તો આતંકવાદીઓ બુરખા કે માસ્ક કે બોચલું કે કંઈ પણ પહેરવાનું બંધ કરી દેશે?એ સમજી શકાય એમ છે કે બુરખા કે ઘૂંઘટ નહિ હોય તો જે બુરખાવાળા છે તે આતંકવાદી છે તેની ખબર પડી જશે.લાગે છે એટલી વાત સહેલી છે?આતંકવાદીઓને બીજા માર્ગો નહિ જ મળે એટલા બધા એ લોકો અક્કલ વગરના છે? મૂળ વાત તો એમને ચહેરા ઢાંકતા રોકવાની છે તો બુરખા કાઢવાથી એ લોકો પણ બુરખા છોડી દેશે?એટલાથી ય શું દા’ડો વળે તેમ છે તે કોઈ કહેશે?આતંકવાદ બુરખા કાઢવાથી કે રાખવાથી કે ઘૂંઘટ ઓઢવા કે કાઢવાથી ઉકેલાઈ જાય એટલી સહેલી સમસ્યા જ નથી.તો,ધન એના પર આપીએ,નહીં કે શાંતિ જોખમાય એવી પંચાતમાં વખત કાઢીએ.

@@@