gujarati sahelu ke angreji ? books and stories free download online pdf in Gujarati

ગુજરાતી સહેલું કે અંગ્રેજી ?

ગુજરાતી ભાષા સહેલી કે અંગ્રેજી? @હસતાં રમતાં @રવીન્દ્ર પારેખ

ભાષા બધી જ મહાન છે,પણ આપણે તેને મહાણમાં લઇ જવા મથીએ છીએ.આ સારું નથી.હું ગુજરાતી છું તો મને ગુજરાતી વહાલી હોવી જ જોઈએ,પણ ના,મને અંગ્રેજી જ વહાલી છે.આવું કેમ?કારણ કે હું ગુજરાતી છું.મને પારકે ભાણે જ મોટો લાડુ દેખાય છે.એટલે જ તો ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમની આટલી બોલબાલા છે.ગુજરાતમાં લોકોને ગુજરાતી અઘરી લાગે છે કારણ એક સાથે જ ગુજ-રાતી,પીળી,ધોળી દેખાય છે ને ઇંગ્લિશ ઇઝી લાગે છે.આ બધી ‘ઇઝીમની’ની જ મોંકાણ છેને!પણ અઘરી હોય કે સહેલી ભાષા તો બંને જ અઘરી કે સહેલી છે.અંગ્રેજીની વાત કરીએ તો તે અનિયમિત ભાષા છે.એક જ સ્પેલિંગના ઉચ્ચાર જુદા જુદા છે.જેમ કે readનો ઉચ્ચાર રીડ પણ થાય ને રેડ પણ થાય.એક જ શબ્દ વર્તમાન સૂચવે ને ’ભૂત’ પણ! બીજી ગરબડ જોઈએ.s-નો ઉચ્ચાર સ-થાય તો c-નો પણ સ-થાય.જેમકે,senseમાં બંને s-નો સ ને centre-માં c-નો પણ સ. censor જેવા એક જ શબ્દમાં c-અને s-બંને છે,પણ સ-જ બોલાય.i- નો ઉચ્ચાર ઈ, e-નો તો ઈ-ખરો જ..બાવાના બેય બગડ્યા જેવું નથી આ?ને એ લેન્ગવેજ સહેલી.વાહ!ઉચ્ચારની તો બહુ મુસીબત છે,અંગ્રેજીમાં.cut,કટ(અહીં c-નો ક થાય. કમાલ તો એ છે કે ch-નો ઉચ્ચાર પણ અંગ્રેજીમાં ક-અને ચ થાય છે ને k-ની તો આપણે વાત જ નથી કરતા),but,બટ પણ put,પટ નહીં,પુટ.એવું જ to-ટુ,do-ડુનું છે.એ વાત go ને લાગુ પડતી નથી.u-નું યુ થાય ને you-નું પણ યુ જ?the-માં ત્રણત્રણ મૂળાક્ષરો વપરાય પણ તેનો ઉચ્ચાર -ધ- કે –ધી- જ.જે માત્ર અંગ્રેજી જ જાણે છે તેને તો કદાચ english સહેલું લાગે,પણ ગુજરાતી જાણનાર અંગ્રેજી શીખશે તો તેને વધારે અઘરું લાગી શકે.જેમ કે the નું ધ- તો ઉચ્ચારશે ,પણ ગુજરાતીએ તો dh- પરથી -ધ- ઉપરાંત -ઢ- પણ કાઢવાનો છે ને છેલ્લે તો ‘ઢ’જ થવાનું,ખરું?અંગ્રેજીમાં n-નો -ન-સમજાશે,પણ ગુજરાતીમાં તો ‘ણ’પણ છે તે ય સમજવાનું રહે.ગુજરાતી આપણે,ને આપને-ની અંગ્રેજીમાં બે જુદી સ્પેલિંગ નથી.એવી જ રીતે દ-અને ડ-માટે અંગ્રેજી પાસે એક જ d-છે.તમે કહેશો એ તો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જઈએ તો એટલું કરવું પડે,પણ no-નો છે ને know પણ નો- છે તેનું શું?તે બંને યાદ રાખવાનું ભેજું ગુજરાતી પાસે હોય તો પાણી ને પાણિ-ને યાદ રાખવામાં ટાઢ ન વાગવી જોઈએ.આપણે ત્યાં ત્રણ સ- છે.શ,ષ ને સ.ત્રણેના ઉચ્ચાર જુદા છે.શીર્ષસ્થ-માં ત્રણે સ-છે.એ લખવાનું ને બોલવાનું સહેલું નથી.જીભનું ફ્રેકચર ન થાય તો જ નવાઈ!ઉચ્ચાર બરાબર ન થાય તો વીસ અને વિષ-માં મહા અનર્થ થઇ શકે.અંગ્રેજીના ઉચ્ચારો ને જોડણીની જેટલી કાળજી રખાય છે એટલી જ ગુજરાતીની પણ રાખવાની રહે.માનું સ્થાન માસીને ન અપાય,ભલે તે મા-શી જ કેમ ન હોય?

વેલ,અંગ્રેજીમાં ક્યારે કયો મૂળાક્ષર આદ્યાત્મિકરૂપ ધારણ કરી લે તેની ખબર ન પડે.જેમકે,સંસારમાં રહેવા છતાં સંસારમાં ન હોઈએ એમ રહેવું એ સંતની અવસ્થા છે.એવું અંગ્રેજીમાં કેટલાક અક્ષરો હોવા છતાં મોઢે તાળું મારી લે છે.જેમ કે psycho.પણ એ બોલાય છે,સાયકો.તો સ્પેલિંગ syco રાખતા કોણ રોકતું હતું.પણ ના, p-ને સાયલન્ટ રાખવો હતો ને શીખનારને ગૂન્ચવવા હતા, તેને સાધુત્વ સોંપવું હતું.એટલે લેટર હોવા છતાં તેણે જલકમલવત રહેવાનું સ્વીકાર્યું.સ્પેલિંગમાં એ લેટર છે ને નથી પણ.સંસારમાં છે ને નથી પણ.એવું જ ન્યુમોનિયાની સ્પેલિંગમાં p-સાયલન્ટ છે.અંગ્રેજીમાં તો વચ્ચેનો લેટર પણ ગાપચી મારી જાય છે.જેમ કે,talk,shock જેવામાં વચ્ચેથી ’l’,’c’બંક મારી ગયા છે.એવું જો ગુજરાતીમાં થાય તો દશામા વગર પણ દશા જ બેસે.જેમકે, ભાવભીની-માં ‘વ’ ગાબડી મારી જાય તો અર્થની પથારી જ ફરી જાય કે બીજું કંઈ?કમળ-માં જો ક-સાઈલન્ટ થઈ જાય તો ટોઇલેટ સિવાય શું થવાનું હતું બીજું ! ગુજરાતીમાં વધુ મૌલિક થઈએ તો સાઈલન્ટને બદલે નવો શબ્દ દાખલ થઈને ઘોંઘાટ પણ ફેલાવી શકે.જેમકે મણ-નું ખમણ,ચણ-નું અડચણ,સાર-નું અતિસાર.

જોકે,ગુજરાતી અઘરું લાગવાનું કારણ છે.તેમાં હ્રસ્વ-ઇ ,ઉ-,દીર્ઘ-ઈ,ઊ-કાનો,માત્ર,કાનોમાત્ર,વિસર્ગ,બે માત્રા કાનો બેમાત્ર છે. તે ઉપરાંત અનુસ્વાર ઘણીવાર આતંક ફેલાવે છે.દિન-દીન,સુરત-સૂરત,એમાં એકને બદલે બીજું લખો તો અર્થ જ બદલાઈ જાય.એકને બદલે બીજો મૂળાક્ષર લખાય તો ય દાટ વળી જાય.વાટ-વાત,બાળ-બાલ,ખાટું-ખાતું ગાંડું-ગાડું,વગેરે.એક જ શબ્દના બે અર્થ પણ થાય.દા.ત.મારું,વાટ,ચીર વગેરેના બે અર્થો છે.એ સાચું છે કે અંગ્રેજીમાં હ્રસ્વ,દીર્ઘ નથી.અનુસ્વારના નિયમો નથી,પણ ત્યાંય ઓછી અરાજકતા નથી. આપણે ગુજરાતીઓ શોર્ટકટ ને શોર્ટસ્કર્ટની ફેશનમાં માનીએ છીએ એટલે ગુજરાતી સહેલી કરવા એક ઇ,ઊની કોશિશમાં પડેલા,તે એટલે કે ઉચ્ચારમાં બહુ ભેદરહ્યો નથી તો બેમાંથી એક હોય તો ચાલે.એ જો સ્વીકારીએ તો ત્રણ સ-માંય ખાસ ભેદ રહ્યો નથી.તે ય કાઢી નાખીએ તો ચાલેને! એ જ રીતે ત,ટ-દ,ડ-ગ,ઘ-ન,ણ જેવા ભેદો ય ખાસ રહ્યા નથી.એ બધામાંથી એકાદ નીકળી જાય તો.તો ગુજરાતી કેટલી સહેલી થઇ જાય!એમ જોવા જઈએ તો વિરામ ચિહ્નો પણ આપણે બોલતા નથી,તો એ બધાં પણ નીકળી જાય તો ગુજરાતીમાં કેટલા બધા અધ્યાપકો ઈન્ટરવ્યૂમાં પાસ થઇ જાય,નહીં?એનો અર્થ તો એવો જ થાય કે આપણને દાંત,નખ વગરનો સિંહ જ ખપે છે.ધારોકે ગુજરાતીને બૂચીબાવળી કરી નાખીએ,પણ હિન્દી,સંસ્કૃત,મરાઠીનું શું કરીશું?એમાંથી પણ બધું કાઢી નાખીશું કે એમાં તો રહેવા દઈશું ને માત્ર ગુજરાતીમાંથી જ કાઢીશું?મતલબ કે ગુજરાતીમાં છે તેનો જ રડાકૂટો છેને!,બાકી,હિન્દી,સંસ્કૃતમાં આપણને વાંધો નથી.વાહ રે,જય જય ગરવી ગુજરાત! એક વાત સમજી લઈએ કે બધી જ ભાષાઓને એની વિચિત્રતા ને વિશેષતા છે,પણ ગુજરાતીઓ જલદીથી પ્રભાવિત થઇ જાય છે. બે ગુજરાતી જ એવા છે જે વાતચીત ખોટા અંગ્રેજીમાં કરે છે.તે વેપારી પ્રજા છે,નકલખોર પણ ખરી,એ જ કારણે અંગ્રેજી શાળાઓ ખૂલી રહી છે ને ગુજરાતી શાળાઓ બંધ થઇ રહી છે.જતે દિવસે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થાય તો હસી કાઢ્યા વગર આપણો છૂટકો નહીં થાય.શું કહો છો?

@@@