Sumudrantike - 14 PDF free in Moral Stories in Gujarati

સમુદ્રાન્તિકે - 14

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(14)

બેલી લીમડા તળે બેસીને કાંસાની થાળી સાફ કરતી હતી. હું ઝાપામાં પ્રવેશ્યો. બેલીએ માટીવાળા હાથની હથેળીના પાછળના ભાગથી મુખ પર આવી જતાં વાળ પાછળ ખેસવ્યા અને મુખ નમાવીને ઓઢણી આગળ ખેંચી. ‘આવી ગ્યો? કાંય ખબર પડી, વીરા?’

‘ખબર તો પડી. પણ કંઈ સમાચાર નથી આવ્યા.’

‘આવશે એની રીતે. હાલ, રોંઢો કરી લે.’ તેણે સાફ કરેલી થાળી ઓટલા પર મૂકી.

‘તું?’ મેં બેલી સામે જોયું.

‘તે હું થોડી ભૂખી રે’વાની છ? તેણે લાકડીની પાટલી ઉપર પોતાનો રોટલો મૂક્યો. ‘બેટનાં રીંગણાં મલકમાં વખણાય. આંય ધાન નો ઊગે. પણ રીંગણાં તો ખાધાં હોય તો યાદ રહી જાય એવાં થાય.’ કહીને તે જમવા બેઠી.

‘બેલી તારો વર ભારે પરાક્રમી છે.’ ભેંસલાવાળી વાત જાણવાની ઇચ્છા મારા મનમાંથી ખસતી ન હતી.

‘કાં? તમને ડૂબકી મરાવી’તી?’ બેલીએ લુચ્ચું હસતાં પૂછ્યું.

‘ના, પણ છેક ભેંસલે જઈ આવ્યો એટલે કહું છું.’

અચાનક બેલીની તમામ ગતિ થંભી ગઈ. રોટલાનો ટુકડો હાથમાં જ પકડી રાખીને તેણે ચમકીને મારા સામે જોયું, ‘તને ક્યાંથી ખબર્ય? ટંડેલ કાંઈ કેતો’તો?’

‘ના, બેટ પરથી વાત સાંભળી. પણ ખરેખર શું બનેલું તે ખબર નથી.’ મેં જમીને ઊભા થતાં કહ્યું. ‘પણ જાણવું તો છે જ કે શું થયું હતું.’ બેલીનો શ્વાસ હેઠો બેઠો. તે મરક મરક હસી.

‘શું થયું હતું તને ખબર છે?’ મેં ફરી પૂછ્યું.

બેલી કંઈ બોલી નહીં. પોતાનું જમવાનું પૂરું કરીને તેણે બધું પાછું વ્યવસ્થિત મૂક્યું. પછી લીમડા તળે ખાટલો ખેંચીને પોતે સામે જમીન પર બેઠી. ‘બેસ, ને આડા પડવું હોય તો પડ.’

‘સૂવું નથી, પણ પેલી ભેંસલાની વાત જાણવી છે.’

બેલી સ્મૃતિઓમાં ખોવાયેલી હોય તેમ ધીમેથી બોલી, ‘વીસ-બાવીસ જેવાં વરહ થ્યાં. અમારાં લગન થ્યાં ઈના ચોથા વરહે મને તાવ આવતો થ્યો. ઊતરે જ નંઈ. ગલઢેરાંવ કેય કાં’ક વળગાડ છે.’

‘વળગાડ ન હોય, બેલી ડૉક્ટર પાસે દવા કરાવવી પડે.’

‘તે ટંડેલ એમ જ કીધા કરે. ઈ પાછો સાત ચોપડી ભણેલો.’

‘પછી?’

‘ઈ ના પાડે કે ભૂવાને નો બોલાવું ભલે બાઈ મરી જાય. પણ દાક્તર પાંહે જ લેઈ જાંવ, હવે તું જ કે, મને કેવું લાગે ઈ સાંભળીને?’

બેલી, તેને કેવું લાગ્યું હશે તેનો જવાબ મારી પાસેથી નથી મળવાનો તે જાણતી હોય તેમ મારા બોલવાની રાહ જોયા વગર, આગળ બોલી, ‘મને થ્યું કે ઈના મનમાં હું નથ. ઈ સારું જ ઈ ભૂવાને નથ બોલાવતો.’

‘અરે! એવું તે કંઈ હોય?’

‘નો હોઈ ઈય ખબર હતી. પણ ઈ થાય. તું અસ્ત્રી થા તો જ તને સમજાય.’ સ્ત્રીની વેદના સમજવા સ્ત્રી થવું પડે તે વાત હું સારી રીતે સમજી જઉં તેવી અદાથી બેલીએ કહ્યું.

‘પછી?’

‘પછી તો હું રોઈ. કીધું ભૂવાને નો બોલાવ તો કાંઈ નંઈ પણ મારું મન રેય એટલી એક બાધા રાખ. ને ઈવડો ઈ કેય ‘લે રાખી બધા દરિયાપીરની. તું નરવી થઈ જા તો દરિયાપીરને નાળિયેર ચડાવીસ’ માટીમાં આંગળા ફેરવતાં વાત આગળ ચલાવી, ‘ને હું થઈ ગઈ હરતીફરતી.’

‘બાધા ફળી ખરી’ મેં હસીને કહ્યું.

‘મૂરત કઢાવીને દરિયે જાંયે ઈ જ વાર હી. ને આગલી રાત્યે ખેરાથી મારી સૈયર આવી. ઈ મને કેય ‘આદમીનો ભરુસો નંઈ. ખાલી ખાલી આપણાંને સમજાવી દેવા બાધાયું રાખે. સાચા મનથી નો રાખે તો આપણાંને સું ખબર પડે?’

તે રાત્રે બેલી પર શી વીતી હશે તે હું આ ક્ષણે પણ સમજી શકું છું. રીસ, પ્રેમ, શંકા, પ્રેમનું પ્રમાણ મેળવવાની અદમ્ય ઈચ્છા. કેટલીયે મનોવિભાવના આ અભણ ખારવણને ઘેરી વળી હશે. ‘ક્રિષ્ના એવું ન કરે એટલી તો તને પણ ખબર હોય ને?’

‘પણ હું તો થઈ ભૂરાંટી.’ બોલીને બેલી નીચું જોઈ ગઈ. ‘કીધું, ટંડેલ, સાચે સાચ આ બેલી સારુ બાધા લીધી હોય તો જા ભેંસલે નાળિયેર ચડાવ. આંયા કાંઠા માથે ફેંકી દઈસ તો દરિયાપીરને નંઈ પૂગે.’

‘ભારે કરી તેં તો.’

‘અમારે બાયુંને તો બોલવું જ છે ને?’ કહેતાં બેલીનું મુખ રતૂમડું થઈ ગયું. તેના હોઠ મલકી ગયા. એક સ્ત્રી તરીકેની તેની આગવી સત્તા અને જગતને વશીભૂત કરવાના સામર્થ્ય પરની તેની શ્રદ્ધા તેના મલકાટમાં સ્પષ્ટપણે દેખાયાં.

‘ને ટંડેલ તો ઈ ને ઈ ઘડીયે ઊભો થઈ ગ્યો. કેય, અટાણે અટાણે ભેંસલે નો પોગું તો ટંડેલની જાતનો નંઈ. ને ઈ તો ભાગ્યો.’

‘અરે!’ મારાથી ઉદ્ગાર થઈ ગયો.

‘ઓલીપા મારો સાસરો ગયેલો હોડામાં, મારો બાપ ઘરે નંઈ. હું દોડી તિકમકાકાને ઘેર, આંય પાંહે જ રેય છ.’

‘ત્રિકમને હું મળ્યો છું.’ મેં કહ્યું.

‘તે એણે ને મારી બાયે વાંહે દોટ મૂકી. પણ ઈ રોકાય? વયો ગ્યો. અમે દરગાયે પૂગ્યા ને હોડકાનો દીવો જોયા કર્યો.’

બેલીએ ઊંડો શ્વાસ લઈને વાત આગળ ચલાવી. ‘મને તો ઈ ટાણે એવું થઈ ગ્યું કે ટંડેલને કાંઈ નડતર થાય તો હું દરિયે પડી ને જીવ આપીસ.’ બેલીની વાત સાંભળતાં મારા પણ ધબકારા વધી ગયા.

બેલીના મુખ પર વિષાદ છવાયો, ‘ભેંસલા માથે દીવો દેખાણો તંયે ટાઢક થઈ. બધાં પાછા ડક્કે ગ્યા. આખી રાત બેહી ર્યા. પણ ટંડેલ પાછો નો આવ્યો. બીજે દિ’ ખારવાવ આખો દરિયો ધમરોળીયાવ્યા પણ નો ટંડેલ મળે. નો ઈની હોડીનો પત્તો.’

થોડી વાર મૌન રહીને બેલીએ મારા સામે જોયું, ‘ઠેઠ તૈણ દા’ડા કેડે વાંહ્યલા ભાઠોડામાંથી જડ્યો. આખો લોય લવાણ. કોઈને ઓળખે નંઈ. કાંય બોલે નંઈ. ફકીરબાપુ દરગાયે લઈ ગ્યો. પંદર દા’ડા દરગાયે એકલો રાખ્યો ટંડેલને. બેટનો કોઈ જણ દરગાયે નો જાય એવી જાપતી બેહાડી. ને મહિના કેડે પાછો બેટ માથે મૂકી ગ્યા. આ તે દા’ડાથી મેં કાંઠે રેવાનું છોડી દીધું. ટંડેલને ય સોગન લેવડાવ્યા કે લાંબી ખેપે નંઈ જાય. ખેતી કરીસ.’

બેલી ઊભી થઈ ઘરમાં ગઈ અને પાણીનો ઘડો લાવીને લીમડા તળે મૂક્યો. પછી પાછી માટીમાં પગ લંબાવીને બેઠી.

‘પણ ક્રિષ્નાએ ભેંસલા પર શું જોયેલું?’

‘ઈ તો ઈનું મન જાણે.’ બેલીએ શાંત સ્વરે કહ્યું ‘ને એવું પૂછે ય કોણ? ને ઈ કેય કોને?’

‘કેમ? તું ન પૂછે? તું એની પત્ની છે.’

‘હું પૂછું?’ બેલી ગુસ્સે થઈ. બેઠી હતી ત્યાંથી ઊભી થઈને ઓટલા પર બેસતાં તેણે જરા તિરસ્કારથી મારા તરફ જોયું. ‘ખારવો માતર નો પૂછે. અરે! બેટ માથેનું નાનું છોકરું ય નો પૂછે. દરિયે મરતો જણ પાછો જડે ઈને કોઈ દિ’ ઈ વાત યાદ નો કરાવે. અને તું મને, ઈની ઘરવાળીને કેય છે કે હું કેમ નો પૂછું?’

મેં કંઈ ઉત્તર ન આપ્યો. બેલી ઓટલેથી ઊઠી અને ઘરમાં જતાં મારી પાસે રોકાઈ. ધીમેથી તેણે વિનંતીભર્યા સ્વરે કહ્યું.

‘તું વાતની વાતમાં ય ટંડેલને આ વાતે કાંઈ નો પૂછતો. તને તું માનતો હો ઈના સોગન છે પૂછે તો.’

‘નહી પૂછું,’ મેં તેની શંકા નિર્મૂળ થાય એવી દૃઢતાથી કહ્યું. પણ તે જ પળે મેં મનમાં ગાંઠ વાળી કે હું જાતે ભેંસલા પર જવાનો પ્રયત્ન જરૂર કરવાનો. સમુદ્ર વચ્ચે ઊભેલા સીધાખડક પાસે હોડી લાગતી જ ન હોય તો ટંડેલનો દીવો મથાળે દેખાયો શી રીતે? જરૂર કોઈ માર્ગ, ભલે જોખમી, ત્યાં જાય છે. તે શોધવાનો પ્રયત્ન હું જરૂર કરીશ.

‘બેલી, હું કવાર્ટર જાઉં. ક્રિષ્ના આવે કે તરત ખબર કરજે.’ કહીને હું ઊઠ્યો. અચાનક બેલી પાસે જઈને મેં તેના મસ્તક પર હાથ રાખ્યો, ‘ચિંતા ન કરતી. ક્રિષ્નાને હું કંઈ નહીં પૂછું.’

***

Rate & Review

SHAH RONAK Rasiklal
Leena

Leena 9 months ago

Nimisha Patel

Nimisha Patel 1 year ago

nihi honey

nihi honey 1 year ago

Neha Tank

Neha Tank 2 years ago

Share

NEW REALESED