Sumudrantike - 17 books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે - 17

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(17)

‘હવેલી બાંધી તો રજવાડાવાળાયે’ જમી લીધા પછી ચલમ ફૂંકતા નૂરભાઈએ અધૂરી વાતનું અનુસંધાન કર્યું.

‘એટલે અહીં રાજનો હક થયો ગણાય ને?’

‘કેવી રીતે? પરિંદુ માળો બાંધે, ને આખું જાડ એનું થોડું થઈ જાય?’ કહી તે હસ્યો. ‘હેઠે પોલાણમાં નાગ રે’તા હોય ઈ ય જાડના માલિક. વખત આવ્યે પંખીડાને મારીય ખાય. આ હવેલીનું એવું થ્યું.’

‘કેમ? કોઈનું ખૂન?’

‘ખૂન તો નંઈ. પણ લડાઈ થઈ જાત. દહ-બાર ભોડાં પડીય જાત. પણ પટવાનો હાદો ભટ્ટ. ઈ વૈદ્યને લીધે ધીંગાણું થાતા રઈ ગ્યું.’

‘બેટમાં પણ બંગલો હાદાભટ્ટની હવેલી કહેવાય છે’ મને નૂરભાઈની વાતમાં રસ પડ્યો. ‘તમે જોયેલા હાદા ભટ્ટને?’

‘નાનો હતો તંયે જોયાનું યાદ છે. પછી તો મારી નોકરી જંગલ ખાતામાં થઈ. ને પાછો આવ્યો તંયે આંય બધું ઉજડ થૈ ગ્યું તું.’

‘અહીં જંગલમાં, ખારાપાટમાં વળી હવેલી શું બાંધી હશે?’

‘હક કરવા. ને ઉનાળે હવા ખાવા અવાય.’ નૂરભાઈએ વાત આગળ ચલાવી. ‘રાજનું કુટુંબ ઉનાળે આંય રે’વા આવ્યું. ને નવાબને ખબર પડી. ઈણે મોકલ્યો વઝીરને. ‘જાવ. મસલતું કરો, ટંટોફિસાદ કરો પણ હવેલીનો નીવડો લાવો.’ નૂરભાઈએ ચલમ ખંખેરી. સાફ કરીને ખિસ્સામાં મૂકી.

અમે ઊભા થયા અને ઘોડા પલાણ્યા. પછી નૂરાએ વાત આગળ ચલાવી, ‘વઝીરની વઝીરાણી ફરવાની ભારે શૌકિન. ખાવિંદ જાય ન્યાં હાર્યે જાય. પેટમાં સાત આઠ મઈનાનો જીવ. તોય કે મારે દરિયો જોવો છ. કોઈ દી’ ભાળ્યો નથ.’ નૂરભાઈએ મારી સામે જોયું. પૂછ્યું ‘અસ્ત્રી હઠને કોઈ પૂગે?’

પટવાની દિશામાં હાથ લંબાવતા નૂરભાઈ આગળ કહે ‘મારા વાલીદ કે’તા. આ પટવાની સીમમાં પાલખીયું ઊતરી. ડેરા-તંબુ નાખ્યા. મશાલુંના અજવાળે રાત્યું જાગતી કરી મૂકી. વઝીર ગ્યો ગુફતગુ કરવા રાજ હાર્યે. પણ કાંય નો વળ્યું. ઉપરથી ડારો દીધો રાજે કે ‘કાલ લગણમાં ડેરા ઉઠાવી લ્યો.’

‘પછી?’

‘હવે ધીંગાણાની તૈયારી કરવી કે સું કરવું? ઈમાં વઝીર મૂંઝાણો. વઝીરાણીને કેય કે તમે દરિયો જોવો હોય તો પાલખીએ ચડીને જોયાવો. પછી પાછા પોગી જાવ નવાબી હદમાં.’

જાણે પરીકથા બાળક સાંભળતો બાળક હોઉં એટલા રસથી મારા નિવાસસ્થાનની કથા હું સાંભળી રહ્યો.

‘ખુદાનું કરવું તે બાઈ દરિયે જાય ને સામેથી હાદો ભટ્ટ ભીને લૂગડે દરિયો ના’ઈને હાલ્યો આવે. ઇવડો ઈ પાલખી પાંહેથી નીકળ્યો. બંધ પાલખીમાં બાઈને ખાંસી આવી. હાદો ભટ્ટ ઇ ને ઈ જગ્યાએ ઊભો થૈ ગ્યો. કેય ‘પાલખી રોકો.’

‘કેમ?’

‘આ તમે પૂછ્યું ઇ જ પાલખીના ચોકિયાતે પૂછ્યું ‘કેમ ભાઈ? અંદર કોણ છે ઈ ખબર છે’ ’ નૂરભાઈએ જાણે પોતે જ પાલખીનો રખેવાળ હોય તેવા કડક અવાજે વાત કરી.

‘ભટ્ટ માળો ઈલમી આદમી. કેય ‘ઈ ખબર નથ. પણ અંદર જે હોય એને બપોર લગીમાં બાળક જલમવાનું છે.’ ’ નૂરભાઈએ મારા સામે જોયું ‘લ્યો કરો વાત! બંધ પાલખી. એમાં ઓરતની ખાંસી સાંભળીને આ માણાં આવું કઈને ઊભો થૈ ગ્યો.

પાલખીવાળાએ ડારો કર્યો. ‘વઝીરના ઘરવાળા છે, બોલતાં વિચાર કરજે’ એવું ય કીધું પણ ભટ્ટે વાત પકડી રાખી. કે હાલને હાલ બાઈને હવેલીએ લઈ લ્યો. વાત પૂગી વઝીર પાંહે, ઈય આવ્યો.’

‘પછી ખરેખર બાળક જન્મ્યું?’

‘અરે સાંભળો તો ખરા.’ એક જમાનામાં પોતે સાંભળેલી વાત આજે મને સંભળાવવાનો આનંદ માણતો નૂરો બોલ્યો. ‘વઝીર કેય ‘અબી તો સાત મહિને હુવેલે હૈ સેહત ભી અચ્છી ખાસી હૈ તેરી બાત મૈં માન કૈસે લું? ઔર લે જાઉં તો ભી કહાં? હવેલીમેં? અપને દુશ્મન કે ઘરમેં?’ ’

‘હાદો ભટ્ટ કેય ‘ભાઈ, તું વજીર છો. તારે માથે સુલતાન છે ને? વેર તો સુલતાનને છે ને ઈનોય સુલતાન ઉપર બેઠો છ. ઈને મનમાં રાખ ને બાઈ સોંપી દે મને. હું લઈને જાઉં એટલે તારે ચિંતા નંઈ. હું તો વૈદ્ય છું મારે કોઈ ભાઈબંધ નંઈ ને કોઈ વેરી નંઈ.’ ’ નૂરભાઈએ વાત જમાવી.

‘પછી?’

‘પછી તો ગ્યા હવેલીયે. ન્યાં રાજનું કુટુંબ આખું હાજર પછી સું ખામી હોય? સાંજે દીકરી જલમી. રાજની માએ વઝીરાણીને તૈણ મઈના પડદે રાખી. રજવાડું શંકરદાદાને માને તોય રાજમાએ મુસલમાનના તમામ કાનૂન વઝીરાણીને પળાવ્યા. બારેથી મોલવી બોલાવીને કુરાનની આયાતું પઢાવી. પેટની દીકરીને રાખે એમ આ બાઈને રાખી. વાત ગઈ નવાબ પાંહે, નવાબ ખુદ આવ્યો. રાજાનેય મળ્યો. કેય ‘આ ઈલાકો ને હવેલી બધું ભૂલી જાઉં ઓલો ઈલમી આદમી, હાદો ભટ્ટ મારા રાજમાં મોકલો.’

‘વૈદ્ય તો માલામાલ થઈ ગયો હશે’ મેં વચ્ચે કહ્યું.

‘થઈ જાત. પણ ઈવડો ઈ ના કઈને ઊભો. એણે કીધું ‘રાજની સેવામાં રે’વું હોત તો મારો દેશ સું કરવા છોડત?”

‘તે હાદો ભટ્ટ પરદેશી હતો?’

મૂળે રાજસ્થાન. મારવાડ ભણીનો, ન્યાં રાજા હાર્યે બાખડ્યો. પછી ઈ ને ઈનો ભાય નીકળી ગ્યા. કોઈનું રાજ નો હોય ન્યાં રે’શું કે’તા. તે આંય પટવે આવી ઠર્યા.’

‘ખરા માણસો!’ મેં વિચાર્યું આવો પ્રખર જ્ઞાની વૈદ્ય પોતાનું જીવન આવા ઉજ્જડ નિર્જન પ્રદેશમાં વ્યર્થ બરબાદ કરે તેના કરતાં કોઈ મોટા રાજ્યમાં જઈ કીર્તિ, નાણાં અને શિષ્યો મેળવવામાં ખોટું શું છે?

‘કાં વિચારે ચડી ગ્યો?’ નૂરભાઈએ પૂછ્યું. પછી જાણે મારી વિચારધારા સમજ્યો હોય તેમ બોલ્યો. ‘અલ્લાનો આદમી હતો હાદો ભટ્ટ. ઈ રાજને નો ગાંઠે. પણ આ નવાબની ને રજવાડાની દોસ્તી થઈ તે એને લીધે. નવાબે ને રાજાયે બેય મલકનો હક જાતો કર્યો, ને હવેલી આખી હાદાભટ્ટને તાંબાના પતરે. પાંહે બે ખેતરવા જમીન આપી ને પટવામાં કૂવાવાળી વાડી આપી. પણ હાદો હવેલીમાં રે’વાય નો ગ્યો.’

‘કેમ? હવેલીમાં રહે તો વાંધો શું પડે?’

‘ઈ લાંબી વાત છે.’

‘તો આપણો રસ્તોયે ક્યાં ટૂકો છે, વાત તો પૂરી કરવી પડે.’

‘હાદો અઘરો માણાં. આપણી સમજબારો આદમી. ને ઈના કરતાંય ઈને ઘેર ઉમાગોરાણી તૈણ પગથિયાં ચડીને ઊભી રેય.’

‘ગોળ ગોળ વાત ન કરશો. મને સમજાશે નહીં’ મેં કહ્યું.

‘હાદો રાજસ્થાનથી આવ્યો તે વેળા ઈના કાકાના છોકરા કેશાભટ્ટને હારે લાવ્યો’તો. કાકાયે મરતી વેળા કેશાની ભાળવણી ઉમાગોરાણીને સોંપીતી. ઈવડો ઈ કેશો મૂંગોમંતર કાંય બોલે ચાલે નૈ. ભગતી કર્યા કરે. બે ટાણા ગોરાણી પાંહે બેસીને ખાઈ લે બસ.’

‘પણ પછી ઝઘડો થયો. કેમ?’ મારાથી બોલ્યા વગર ન રહેવાયું. મિલકત અચાનક મળે અને પિત્રાઈ ભાઈઓમાં ભેદ ન પડે તેવું હું વિચારી ન શક્યો.

‘ઈ બધા દેવાંશી જીવ. આપણી નજર નો આંબે એવા. ઈને તકરારું નો થાય. લ્યો ને. કેશાની વઉની જ વાત કરો. નાનપણથી કેશાનું નક્કી કરેલું. તોય લગન ટાણે ઉમાગોરાણી જાતે બાઈ પાંહે ગ્યા. કેય ‘મા, તને પેલાથી કઈ મૂકું. મારો દેર ભગત છે. સંસારમાં એનો જીવ નથ. તારે ના પાડવી હોય તો પાડ. હું માથે રઈને તને બીજે પરણાવી દઈસ. જરાય ભો રાખ્યા વગર બોલ.’

‘સાચી વાત છે. એમ જ હોય ને.’ મેં વાતને ટેકો આપ્યો.

‘પણ કેશાના ઘરવાળાએ નો માન્યું. બાઈ બોલી: ‘ભાભી તમારો હાથ જેને માથે હોય, એણે બીજી વાત વિચારવાની નો હોય. મારી તકદીરમાં હશે ઈ થાશે. મારે ફેર નથ પાડવો. આમ એનું લગન થ્યું.’

‘પણ એમાં હવેલીમાં ન રહેવા જેવું શું છે?’

‘ઈ જ વાત કરું છ હવે. આવી જિગરવાળી ગોરાણી. જે દી ભટ્ટને જાગીર મળી ઈ જ રાત્યે ગોરાણીએ વેણ નાખ્યું. પોતાના ખાવિંદને કેય ‘ભટ્ટજી, તમે તો મિલ્કતવાળા થ્યા. ને મારો કેશો રઈ ગ્યો બાવો. ઈનું ને ઈની વઉંનું મારે સું કરવું? ઈ બેય તમારે નંઈ, મારે ભરોસે તમારી હાર્યે નીકળી આવ્યા છ.”

‘અરે વાહ’ મારાથી ઉદ્ગાર નીકળી ગયો.

‘બસ, થૈ ર્યું.’ નૂરભાઈ બોલ્યો. ‘ભાર્યે મોટા મનનો આદમી ને ઈથી બમણી જોગમાયા, ગામની સામે હાદાભટ્ટે પાણી મૂક્યું. ‘હું કે મારો વંશ ઈ હવેલીમાં પગ નંઈ મૂકીએ. હવેલી આજથી કેશાભટ્ટની.’ ‘પછી?’

‘ગામવાળા જોઈ ર્યા. પણ ગોરાણી કેય ‘હવેલીથી પેટ ભરાશે કેશાનું? એની જીવાઈનું સું કરશો?’ તો હાદો કે લે, ‘પટવાનું ખેતર ને કૂવો આપ્યો કેશાને. મારો વંશ માતર ઈ વાડીએ હળ નંઈ હાંકે.’

વાતમાં ને વાતમાં ઘણો પંથ કપાઈ ગયો. હવેલી નજીક આવી ગઈ. નૂરભાઈએ આકાશ તરફ જોતાં કહ્યું. ‘બધા અલ્લાતાલ્લાના ખેલ છે. બાકી આદમી, નવાબ હોય કે રાજા. દુનિયા માથે રે’ય એટલા દિ’. પછી સું?’

અચાનક મને વિચાર આવ્યો કે અવલને હાદાભટ્ટ સાથે કંઈક સંબંધ જરૂર હોવો જોઈએ. કોણ હશે અવલ? હાદા ભટ્ટના પેલા ભાઈની પુત્રી? કે બીજી કોઈ, અને જો એમ હોય તો નૂરભાઈની વાતમાં તે કેમ ન આવી?

હું કંઈ વધુ પૂછું તે પહેલાં બાવળની કાંટ તરફથી વિષ્નોને આવતો જોઈએ અમે અશ્વ થોભાવ્યા.

‘નૂરાચાચા, મને કેમ નો લઈ ગ્યા? વરસાદ પછી ફરવા જવાનું તો તમે કહેલું.’ કહેતો તે પાસે આવ્યો.

‘હવે લઈ જઇ બેટે. હવે લઈ જવાનો તને.’ નૂરાએ તેને પોતાના ઘોડા પર ચડાવ્યો અને હું હવેલી તરફ ચાલ્યો ગયો. ‘અલ્લાબેલી’ જતાં જતાં મેં હાથ ઊંચો કર્યો.

***