લાઇમ લાઇટ - ૨૯

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૯

પીઆર તરીકે કામ કરતા સાગર માટે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના લફરાં કે સ્ખલનની વાતો સામાન્ય હતી. તે નાના-મોટા અનેક કલાકારોની ફિલ્મોના પ્રચારનું કામ કરી ચૂક્યો હતો. રાજકારણીઓ અને ક્રિકેટરો પણ તેની મદદ લેતા હતા. ક્રિકેટરો કોઇ નવી હીરોઇન સાથે પોતાના અફેરની ચર્ચા ચાલુ કરવાનું કામ સાગરને સોંપતા હતા. બીજી તરફ નવી હીરોઇન બનેલી છોકરી કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેવા મોકો શોધતી જ રહેતી હોય ત્યારે ક્રિકેટર સાથેના લફરાની વાત તેની ફિલ્મને ફાયદો કરાવી આપતી હતી. એટલે એ તૈયાર થતી જતી. ઘણી વખત માત્ર પ્રચાર માટે અપનાવેલો આ તુક્કો સાચો પડી જતો હતો. બે ક્રિકેટરોએ તો ખોટા અફેરના સમાચાર પછી હીરોઇન સાથેની મુલાકાતોમાં તેની સાથેના સાચા પ્રેમનો એકરાર કરી દીધો હતો. કેટલીક હીરોઇનો પહેલી ફિલ્મની નિષ્ફળતા પછી જેની સાથે અફેર થયું હોય એની સાથે જ અસલ જીવનમાં લગ્ન કરીને ઠરીઠામ થઇ ગઇ હતી. તો કેટલીકને લગ્ન પછી મેળ ન બેસતાં ક્રિકેટરને છોડીને કોઇ અભિનેતાને પરણી ગઇ હતી.

આવા બધા કિસ્સાઓમાં સાગરને સાકીર ખાનનો કિસ્સો અલગ લાગ્યો હતો. સાગરથી સાકીર ખાન વિશેની વાત કહેવાય ગઇ હતી. એટલે રસીલીજીને કહ્યા વગર છૂટકો ન હતો. તેને ખબર હતી કે હવે સાકીર ખાન વિશેની વાત કર્યા પછી જ તેનો પ્રચારના ખર્ચનો હિસાબ થવાનો હતો. આમ પણ રસીલી સાકીર સાથે ફિલ્મ કરી રહી હોવાથી તેની સાથે સંપર્ક થતો રહેવાનો હતો અને તેને બધી ખબર પડવાની જ હતી. સાગરે સાકીર વિશે કહેવાનું શરૂ કર્યું. "જી, આમ તો મારાથી કહી શકાય એમ નથી. પણ તમારાથી શું છુપાવવાનું? પ્રચાર માટે અને સફળતા માટે સાકીર સાહેબ જેટલા ગતકડાં કરે છે એટલા કોઇએ આજ સુધી કર્યા નહીં હોય. તેમને સુપરસ્ટાર બનાવવામાં આ બાબતો તેમના માટે અભિનય, દેખાવ અને અવાજ જેટલી જ મહત્વપૂર્ણ સાબિત થઇ છે...."

"સાગર, બે-ચાર ઉદાહરણ આપીને બોલ તો ખ્યાલ આવે..." રસીલીએ સાકીર સાથેની પોતાની કોઇ વાત તો એમાં નથી ને? મનમાં એવી શંકા સાથે તેણે કહ્યું.

"જી, હમણાંની જ વાત કરું તો તેની સાથેના પ્રેમ સંબંધને કારણે એક સ્ટારકિડ તેના બાળકની મા બનવાની વાત આવી હતી......" સાગરે ધારાનું નામ આપ્યા વગર મોટું રહસ્ય ખોલી નાખ્યું.

રસીલી અને કામિની તેની વાત સાંભળી નવાઇ પામ્યા. રસીલીને થયું કે પોતે સાકીર સાથેના સંબંધમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

"ઓહ! તો તો એની બરાબર ફજેતી થશે...." રસીલીએ આશ્ચર્ય સાથે કહ્યું.

"શેની ફજેતી? એ છોકરી ચાલાક નીકળી. તેણે સાકીર સાથે લગ્ન કરવા જીદ પકડી. અને કહ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મિડિયામાં બદનામ કરીશ. તારા પર રેપનો આરોપ મૂકીશ વગેરે વગેરે ધમકીઓ આપી. પણ સાકીરે ઘણા બારના દારૂ પીધા હતા. તે છોકરીઓની સુંદરતાથી બહેકી જાય એવો છે પણ ગભરાઇ જાય એવો નથી. તેણે મારો અંગત સંપર્ક કર્યો અને કોઇ ઉકેલ લાવવા કહ્યું. સાકીરને ખ્યાલ આવી ગયો હતો કે ધારાનો ઇરાદો તેની સાથે લગ્ન કરીને અડધી સંપત્તિ પડાવી લેવાનો છે. સાકીરની પત્ની સમીનાને તો ધારા રખાત તરીકે રહે એનો કોઇ વાંધો ન હતો. કેમકે એ ખૂબ ગરીબ ઘરની છોકરી હતી. સાકીરે યુવાની ઉન્માદમાં તેના રૂપ પાછળ પાગલ થઇને તેની સાથે નિકાહ કરી લીધા હતા. તે વર્ષોથી એશોઆરામની જિંદગી જીવી રહી છે. સમીના તો નર્કમાંથી સ્વર્ગમાં આવેલી છે. તેનો સાવકો બાપ તો તેને કોઇ સોળમા વર્ષે અમીરને વેચી દેવાનો હતો. પણ એ જ સમયમાં સાકીરની પહેલી ફિલ્મના શૂટિંગમાં તેની સરભરા કરવા કામે રહેલી કાચી કુંવારી સમીનાના રૂપ ઉપર દિલ આવી ગયું. અને ફિલ્મ રજૂ થયા પછી સાકીરે તેની સાથે નિકાહ પઢી લીધા. ત્યારથી આજ સુધી સમીના ક્યારેય જાહેરમાં આવી નથી. તેને આ ચમકતી દુનિયાનો કોઇ મોહ નથી. તે પોતાના સ્વીકારી લીધેલા કોચલામાં સુખી છે. સાકીર કંઇપણ કરવા આઝાદ છે. બીજા નિકાહ પણ. અને એટલે જ તેને સાકીરની સારી-ખરાબ હરકતોથી કોઇ ફરક પડતો નથી. પછી તે ધારા સાથેનો સંબંધ કેમ ન હોય. સાકીરને ખબર પડી ગઇ હતી કે ધારાએ તેની સાથે ફિલ્મ મેળવીને પોતાની કારકિર્દી આગળ લઇ જવાનું આયોજન કર્યું હતું..... પણ રસીલીજી, આપની સાથેની ફિલ્મને કારણે સાકીર ખાને ધારા સાથેની ફિલ્મ અટકાવી દીધી એટલે તેના પેટમાં તેલ રેડાયું હતું. રસીલીજી, આપની ફિલ્મ બંધ કરાવવા તેણે સામે ચાલીને સાકીરને જાત સોંપીને પોતાના પેટમાં તેના બાળકનું આરોપણ કરવાની ચાલ ચાલી હતી. ત્યારે તેને ખબર ન હતી કે સાકીર કેવો માણસ છે. તેના માટે આવી વાત તો રમકડાં સાથે રમવા જેવી હોય છે. તેની એક ફિલ્મનો સંવાદ "હમ દિખતે નાદાન ઔર કચ્ચે હૈ, પર અંદરસે બડે પક્કે ઔર શેતાન હૈ!" તેના પર કાયમ ફિટ બેસે છે. સાકીરે ધારા સાથેની રાતની એક સીડી બનાવી દીધી હતી. અને એ પોર્ન સીડી વિશે જ્યારે સાકીરે ધારાને કહ્યું ત્યારે તેને ચક્કર આવી ગયા હશે. એ ચક્કર અટકાવવા તેણે નવું ચક્કર ચલાવ્યું. સાકીરે તેને સોદો કરવા કહ્યું હતું પણ ધારાએ સામો સોદો કરવાની વાત કરી. તે પોતાના પેટમાં સાકીરનો ગર્ભ હોવાની વાત કરીને સાકીર સાથે લગ્ન કરવા માગતી હતી. પણ સાકીરે તેના પિતા મહેન્દ્રકુમાર સાથે સોદો કરી ધારાની બાજી સફળ થવા દીધી નહીં. ધારાના પેટમાં ખરેખર સાકીરનું બાળક હતું કે નહીં તેની ધારાને જ ખબર છે. પણ મહેન્દ્રકુમારે એ બાળક પડાવી નાખ્યું છે એવી વાત કરીને સાકીર સાથે મોટી રકમનો સોદો પૂરો કર્યો. અને ધારાના મોં પર પટ્ટી લગાવી દીધી. હવે આ વાર્તામાં બીજો એક ટિવસ્ટ પણ આવી ગયો. મિડિયામાં ધારાની કટ્ટર દુશ્મન સ્ટારકિડ જૈનીને ખુદ ધારાએ એવી વાત કરી કે તે સાકીરના બાળકની મા બનવાની છે. એટલે જૈનીએ એ વાતનું રેકોર્ડિંગ કરી લીધું અને સાકીર સાથે સોદો કરવા મને જ આપ્યું. મેં સાકીરને વાત કરી ત્યારે તેણે જૈનીને ફોન કરીને કહી દીધું કે તેં અને ધારાએ મને બદનામ કરવા આ રીતે મને બદનામ કરવાની વાત કરીને રેકોર્ડિંગ કરી લીધું છે. ધારા મારા બાળકની મા બનવાની નથી. હું તારી સામે આવી ખોટી રીતે બદનામ કરવાની ધમકી માટે પોલીસ કેસ કરીશ. એ સાંભળીને જૈની તો ગભરાઇ જ ગઇ. તેણે માફી માગી લીધી. સાકીરે એકસાથે બંનેને ઠેકાણે પાડી દીધી! એટલે સાકીરને ક્યારેય કમ આંકવાની ભૂલ કરશો નહીં...." સાગરે કોઇ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી હોય એમ લાંબી વાત કર્યા પછી શ્વાસ ખાવા રોકાયો અને બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવી ગયો.

રસીલીને ખ્યાલ આવી ગયો કે સાકીર પૈસાના જોરે કંઇપણ કરી શકે છે અને કરાવી શકે છે. તે પણ કંઇ કમ નથી. સાગરને સાકીર વિશે સારું લગાડવા રસીલી બોલી:"ભાઇ, આ તો જેવા સાથે તેવા થવું પડે એવી દુનિયા છે. બધા એકબીજાનો લાભ ઉઠાવવાની કોશિશ કરતા રહે છે. સાકીર ખાન સાથેનો મારો આજ સુધીનો અનુભવ ખરાબ રહ્યો નથી. તે મારા જેવી નવી હીરોઇનને પ્રોત્સાહન આપે છે...."

ત્યાં તક જોઇ તેની વાત પૂરી કરવા કામિની બોલી:"સાગર, તારી પાસે તો આવી વાતોનો મોટો ખજાનો હશે. એ ખૂટવાનો નથી. તું આ ધંધો છોડી દે પછી તારી આત્મકથામાં આ બધું લખજે. સારું વેચાણ થશે! અને એના પરથી ફિલ્મ પણ બની શકશે. હવે આપણે હિસાબ કરી લઇએ. તેં પ્રકાશચંદ્ર માટે ઘણું કામ કર્યું એ પછી મારા અને રસીલીના ઇશારે પણ પ્રચારનું ઘણું કામ કર્યું છે. તારા ભાવ પ્રમાણે આ સાથેના કાગળમાં હિસાબ છે. તું જોઇ લે એટલે તને ચૂકવી દઉં...

"મેડમ, એમાં જોવાનું શું? તમે બરાબર જ ગણતરી કરી હશે. અને આપણે તો એકબીજા સાથે સંકળાયેલા જ રહેવાના છે. વધઘટ હશે તો ફરી ક્યારેક જોઇ લઇશું...." સાગર કાગળની ગડી વાળી ખિસ્સામાં મૂકતાં બોલ્યો.

કામિનીએ પર્સમાંથી બે હજાર રૂપિયાની મોટી થપ્પી કાઢી તેને આપી દીધી. સાગરે ગણ્યા વગર પોતાની સાથેની બેગમાં રુપિય મૂકી દીધા અને બંનેનો આભાર માનીને નીકળી ગયો.

હવે રસીલી અને કામિની એકલા પડયા.

રસીલી બોલી:"આપણે પહેલાં એક-એક કપ ચા પીએ. પછી વાત કરીએ..."

કામિનીને પણ ચાની તલબ લાગી હતી. તેણે માથું હલાવી હા કહી.

રસીલી ચા બનાવીને લઇ આવી. બંનેએ ઘૂંટડે ઘૂંટડે પીધી. બંને ચા પૂરી કરીને ક્યાંથી વાતની શરૂઆત કરવી એની મૂંઝવણમાં હતી. કોણ શરૂઆત કરે એ સમજાતું ન હતું. ઘરમાં ઘૂસેલો સાપ ટાઇલ્સ પરથી સરકી જાય એમ સમય ઝડપથી સરકતો જતો હતો. વાતાવરણમાં વરસાદ પહેલાં હોય એવો ભાર હતો.

આખરે રસીલીએ જ શરૂઆત કરી:"કામિનીજી, પ્રકાશચંદ્રના મૃત્યુનું મને દુ:ખ છે. આપણે કલ્પના પણ કરી ન હતી કે તે આ રીતે દુનિયા છોડી જશે. તેમણે "લાઇમ લાઇટ" માટે ઘણી મહેનત કરી હતી. પણ કદાચ તમે વધારે કરી હતી. તમે એ ફિલ્મ માટે જ નહીં પણ એમના માટે તમારી જિંદગીનું કેટલું બધું દાવ પર લગાવી દીધું હતું. તમારા જેવી સ્ત્રી મેં આજ સુધી જોઇ નથી. પણ તમને બદલામાં દુ:ખ જ મળ્યું છે. તમારા ચાંદ જેવા ચહેરા પરથી સૌભાગ્યનો ચાંદલો પણ નીકળી ગયો. તમને આ સ્થિતિમાં જોઇને મને વધારે દુ:ખ થાય છે. તમારી કારકિર્દી તમે જે સુખી જીવન જીવવા માટે ન્યોછાવર કરી દીધી એને ભગવાને પૂરતો ન્યાય આપ્યો નથી. તમે ધાર્યું હોત તો લગ્ન પછી પણ તમારી કારર્કિર્દી ચાલુ રાખી શક્યા હોત. મેં તમારા વિશે થોડું જાણ્યું હતું કે તમે ઝીરો ફિગરનો વિચાર લાવ્યા હતા. ત્યારે આ વાત ફિલ્મી દુનિયા માટે નવી હતી. તમે કેટલું જોખમ લઇને ઝીરો ફિગર બનાવ્યું હતું. આજે પણ તમારું આ ફિગર આકર્ષક તો છે જ. તમારી એ ઝીરો ફિગરવાળી ફિલ્મ "ફેશન કા હૈ જલવા" એ ઘણી ચર્ચા જગાવી હતી. તમારા ઝીરો ફિગરનો વિવાદ પણ થયો હતો ખરું ને? ફિલ્મ ઠીક ઠીક ચાલી હતી. એ સમયમાં યુવતીઓને તમારા ઝીરો ફિગરનો ક્રેઝ ઉભો થયો હતો. પણ એ બહુ જલદી ઉતરી પણ ગયો...."

"હા, પણ ઝીરો ફિગરથી ફિલ્મોમાં જાણીતા અને સફળ થવાનો મારો પ્રયત્ન મારી અંગત જિંદગીમાં ઘણો મોંઘો પડી ગયો હતો. તેની સજા મેં કેટલાંય વર્ષો સુધી ભોગવી છે. પાછળથી મેં ફરી શરીર બનાવવાનો પ્રયત્ન કર્યો. મારે પણ અંગત જીવનને સુખી બનાવવા તારા જેવું ફિગર બનાવવું હતું. પણ મને એમાં સફળતા ના મળી. ન જાણે કેમ વધુ પડતા ડાયટ કે વર્કઆઉટની એ અસર હતી કે બીજું કંઇ પણ લાખ પ્રયત્ન પછી પતિને રસ પડે એવું શરીર વધી જ ના શક્યું. કમર પાતળી જ રહી ગઇ. અને છેલ્લે મારે તારી મદદ લેવી પડી. હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે...." બોલતાં બોલતાં કામિનીનો અવાજ આંસુઓ સાથે ગળામાં ભીનો થઇ નીકળ્યો.

વધુ આવતા સપ્તાહે...

*

 

મિત્રો, મારી કુલ ૧૩૨ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૭૪ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૮૨ લાખને પાર કરી ગયો છે એ માટે આપ સૌનો ખાસ આભાર!

*

મિત્રો, ૨૭૫૦૦ થી વધુ ડાઉનલોડ થઇ ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં કામિની રસીલીનો  કઇ મદદ માટે આભાર માની રહી હતી? એ ઉપરાંત રસીલીએ તેના મોન્ટુ સાથેના અફેરની વેબ લિન્ક કોને અને કેમ મોકલી હતી? ઇન્સ્પેક્ટરની મુલાકાત પહેલાં કામિનીએ છેલ્લે કોને ફોન કર્યો હતો? ઇન્સ્પેક્ટરના ગયા પછી રસીલીએ કોને ફોન કર્યો હશે? ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નોના બાકી જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર! 

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. તે તમને એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે. તેના ૧૨૯૫૦૦ થી વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૭૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે. અને ૨૩૦૦ ડાઉનલોડ સાથે તેને ૫૦૦ થી વધુ સરેરાશ ૫ રેટીંગ્સ મળ્યા છે. 

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

*** 

***

Rate & Review

Verified icon

Umesh Donga 2 weeks ago

Verified icon

poojaben 2 weeks ago

Verified icon

Bharat Patel 3 weeks ago

Verified icon

V Dhruva Verified icon 3 weeks ago

Verified icon

Tank Bansari 3 weeks ago