નસીબ ના ખેલ .. - 22

          નાની હતી ધરા ત્યારે એના મન માં જે જે સપના હતા  એ બધા અત્યારે સાવ વ્યર્થ હતા ધરા માટે...  દરેક છોકરી કુંવારી હોય ત્યારે એના સપના ના રાજકુમાર નું એક સ્વપ્ન જોતી જ હોય છે, એના કાઈ ક અરમાન હોય જ છે અને આવું જ  કાઈ ક  સ્વપન ધરા એ પણ જોયું હતું... કેટલાક અરમાન ધરા ના મન માં પણ હોય એ સ્વાભાવિક હતું... પણ હવે ધરા એ એ બધું ભુલાવી દીધું હતું... યંત્રવત્ત એ લગ્ન ના કામ માં સાથ આપી રહી હતી...કોઈ ઉમંગ ન હતો એને કોઈ ખુશી ન હતી... એને એ જ નોહતું સમજાતું કે એના પપ્પા આટલા બધા બદલાઈ કેમ ગયા   ??  કેમ એની ખુશી શેમાં છે એ જોઈ નોહતા શકતા ??  એમની આંખો પર  જાણે કોઈ પડદો આવી ગયો હતો...  
                અને લગ્ન નો દિવસ પણ નજીક  આવી ગયો...  ધરા ને  મહેંદી મુકવામાં આવી, આણું પાથરવામાં આવ્યું, સાંજી ના ગીત ગવાઈ રહ્યા હતા અને ધરા ના ચહેરા પર કોઈ જાત નો ઉત્સાહ ઉમંગ દેખાતો જ ન હતો... ધરા ના મમ્મી હવે ધરા ને સમજાવતા હતા કે બેટા પપ્પા નો નિર્ણય ખોટો ન હોય, કેવલ ખૂબ સારો છોકરો છે, તું ખુશ રહીશ એની સાથે, લગ્ન કરવાની તે હા પાડી જ છે તો રાજીખુશી થી સાસરે જા બેટા.... આ રીતે તો ન તું ખુશ રહી શકીશ ન તારી સાસરી માં કોઈ ને ખુશ રાખી શકીશ...
                મમ્મી ની વાતો સાંભળી ને  ધરા ને આજે પહેલી વાર પોતાના ભાઈ  કે બહેન નથી એવી ખોટ સાલી... એ પોતાના ભાઈ કે બહેન ને ભેટી ને ખૂબ રડવા માંગતી હતી.. જે વાત મમ્મી પપ્પા ને નોહતી કહી શકતી જે તોફાન એના મન માં  ઉમટી રહ્યું હતું એ બહાર કાઢવા માંગતી હતી... પણ એ એકલી હતી, કોઈ નોહતું તેનું જેને એ પોતાના મન ની વાત કહી શકે... પણ પછી એણે નક્કી કર્યું કે જો લગ્ન ની હા કીધી જ છે એણે તો એ પોતાની આ જવાબદારી નિભાવશે ચાહે ગમે તે થાય પોતે આ સંબંધ નિભાવશે હવે પીછેહઠ નહિ જ કરે... એના પપ્પા નું નામ ખરાબ થાય કે કોઈ આંગળી ચીંધે એના પપ્પા પર એવું કાઈ નહિ કરે...
                આગલા દિવસે સાંજી ના ગીત વખતે ઉદાસ રહેલી ધરા બીજા દિવસે એટલે કે લગ્ન ના દિવસે ખુશ નજર આવી બધા ને... ધીરજલાલ ને એક ચિંતા તો હળવી થઈ પણ બીજી ચિંતા હજી સતાવતી હતી કે લગ્ન માં જવતલ હોમવા માટે શાંતિલાલ ના દીકરાઓ આવશે તો ખરા ને ??  લગ્ન ના બે દિવસ અગાઉ આવી જવાનું ભાર પૂર્વક આમંત્રણ તો પોતે જાતે જઇ ને આપી આવ્યા હતા... અને આજે લગ્ન નો દિવસ હતો છતાં હજી કોઈ આવ્યું ન હતું...  દીકરી ના લગ્ન હેમખેમ થઈ જાય કોઈ પણ જાત ની અડચણ વગર એ દરેક બાપ ઇચ્છતો હોય છે....
                સવારે માંડવા મુહૂર્ત ની વિધિ પતાવી ને નવરા થયેલા ધીરજલાલ બેચેની માં બસ આમ થી તેમ આટા મારી રહ્યા હતા... જાન ને આવવાનો સમય થઈ રહ્યો હતો અને અહીં ધરા ના ભાઈ તરીકે લગ્નવેદી માં  જવતલ હોમવા માટે શાંતિલાલ ના દીકરા માંથી કોઈ આવ્યું જ ના હતું....
           જો કે થોડો ક અંદાજ તો હતો જ સહુ ને કે એ લોકો કોઈ નહીં જ આવે પણ ધીરજલાલ ને થોડી આશા હતી...
                 અને લ્યો જાન પણ આવી ગઈ ધીરજલાલ અને હંસાબેન સાથે સાથે ધરા ના મામા માસી પણ જાન મા આવેલા મહેમાનો નું સ્વાગત કરવા આગળ વધ્યા..... અને ધીરજલાલ ને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે જાન ની બસ માંથી ધરા ના સાસરિયા ઓ સાથે સાથે શાંતિલાલ  ના દીકરા ને ઉતારતા જોયો..... એ પોતાની બહેન ના  દિયર ના લગ્ન માં હાજરી આપવા આવ્યો હતો... કાકા ની દીકરી ના લગ્ન માં ભાઈ ની ફરજ નિભાવવા નહિ... !!!!!
                 ધીરાજલાલે એનું પણ બીજા જાનૈયા ની માફક જ સ્વાગત કર્યું... અને બધા મહેમાનો ના  ઉતારા ની જ્યાં સગવડ હતી ત્યાં એને રહેવાનું કહ્યું.... સામાન ત્યાં મૂકી આવ્યા બાદ એ ધીરજલાલ પાસે આવી ને કહેવા લાગ્યો કે કાકા કાઈ કામ હોય તો કહો..  ધરા ના જવતલ માટે હાજર થઈ ગયો છું.....
               પણ ધીરાજલાલે પ્રેમ થી કહ્યું કે એની ચિંતા એ ન કરે.... જાન મા આવ્યો છે, અન્ય જાનૈયાઓ ની જેમ લગ્ન પ્રસંગ માણે... જાનૈયા પાસે અમારે કામ ન કરાવાય....
               આ તરફ લગ્ન ની  વિધિ શરૂ થઈ ગઈ હતી....  અને ધીરજલાલ ને કન્યાદાન ની વિધિ માટે જવાનું હતું... તેથી ધીરજલાલ ત્યાં થી નીકળી ગયા... 
               ધરા ને કુલ ચાર મામા.... એમાંથી બે મામા ના ઘરે  બે બે બાળકો હતા... આ ચારે ય ભાઈઓ ધરા ના   જવતલીયા ભાઈઓ બની ને ઉભા રહ્યા.... દરેક ફેરે એક ભાઈ... પહેલા ફેરે સૌથી મોટો ભાઈ... જે  એ વખતે માંડ 7/8 વરસ નો હશે... બીજા ફેરે બીજો ભાઈ એના થી નાનો... ત્રીજા ફેરે એના થઈ નાનો ભાઈ અને  ચોથા ફેરે સૌથી નાનો ભાઈ જે હજી માંડ. 3 વરસ નો જ હતો... ધરા આ નાના ભૂલકાં જેવા ભાઈઓ ની કરજદાર બની ગઈ... એક એક ફેરે એ આ ભાઈઓનો મનોમન પાડ માનતી હતી અને પોતાની જાત ને આ ભાઈઓ ની ઋણી  માનતી હતી.. .
               અને આ નાના નાના ભાઈઓ જે હજી જાજુ સમજતા પણ ન હતા એ આમ તો ધરા ને દીદી જ કહેતા હતા અને હવે દીદી અમને મૂકી ને કાયમ માટે જતી રહેશે એમ સમજી ને રોઈ રહ્યા હતા... 
               લગ્નવિધી પુરી થઈ અને સૌ જમવા બેઠા... ધરા ને મીઠું મોઢું કરાવવા ધીરજલાલ આવ્યા અને ... ...
               ન ધરા પપ્પા ના હાથ નું બટકું ખાઈ શકી ન ધીરજલાલ ખવડાવી  શક્યા.... બંને ભેટી ને ખૂબ રોયા...  પપ્પા ની આંખ માં પહેલી વાર ધરા એ આંસુ જોયા.... 
               આવો રિવાજ કોણે શરૂ કર્યો..??  કાળજા ના કટકા ને.. પોતાની લાડકવાયી દીકરી ને 20/22 વરસ હેત થી ઉછેરી ને મોટી કરી ને પારકા ના ઘરે મોકલી દેવાની ???  સાવ પથ્થર હૃદય નો બાપ પણ પોતાની દીકરી ને લગ્ન પછી  વિદાય આપતી વેળા એ સાવ  ભાંગી જય છે...
               અને અહીં તો ધરા ધીરજલાલ ની એક ની એક દીકરી હતી... અત્યાર થી ધીરજલાલ ને સાવ એકલું લાગવા  માંડ્યું હતું... ધરા પર હવે એમનો હક ઓછો થવાનો છે એ વાત હવે એમને દુઃખી કરી રહી હતી..
               લગ્ન ની વિધિ તો પુરી થઈ જ ગઈ હતી.. અને સમય હતો ધરા ની વિદાય નો...  ધરા નવા  જીવન માં પ્રવેશ કરવા જઈ રહી હતી ,  દીકરી મટી ને વહુ બનવા જઈ રહી હતી, પુત્રી મટી ને પત્ની બનવા જઈ રહી હતી... 
              અહીં ધરા ની વિદાય થઈ રહી હતી અને સામી બાજુ ધરા નું નસીબ કાઈ  કેટલાય નવા જખ્મો નો થાળ લઈ ને ધરા ને આવકારવા તૈયાર ઉભું હતું....કાઈ કેટલાય રહસ્યો ખુલવાના હતા... કાઈ કેટલાય પ્રપંચો સામા આવવાના હતા.... કાઈ કેટલીય મેલી રાજરમત રમાવાની હતી..... અને આ સ્વાગત થી , આ બધી વાતો થી  સૌ અજાણ હતા.....
               

***

Rate & Review

Verified icon

Pragnesh 3 weeks ago

Verified icon

anand chauhan 3 months ago

Verified icon
Verified icon

Viral 6 months ago

Verified icon

Bhagirath Pithiya 5 months ago